Radhe: Your Most Wanted Brother in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ

Featured Books
Categories
Share

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ

-રાકેશ ઠક્કર

સલમાન 'ભાઇ' ના નામ પર કોઇપણ ફિલ્મ ચાલી શકે છે એ વાતનો ખ્યાલ એના પરથી આવશે કે 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' ને સમીક્ષકોએ ત્રણથી વધારે સ્ટાર આપવાનું ટાળ્યું છે અને 'આઇએમડીબી' પર તેની અત્યાર સુધીની ફિલ્મોમાં સૌથી ખરાબ રેટિંગ મળ્યું છે ત્યારે ઓટીટી પર વિક્રમસર્જક ૪૨ લાખ વ્યુઝ મળ્યા છે અને રૂ.૧૩૦ કરોડની કમાણી થઇ છે. 'રાધે' ને 'પે પર વ્યુ' પધ્ધતિથી રજૂ કરવામાં આવી હતી. સલમાને ફિલ્મને થિયેટરોમાં પણ રજૂ કરવાની વાત કરી હતી. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ફિલ્મ એકમાત્ર ઓટીટી પર રજૂ થઇ શકી. ભારતમાં 'રાધે' ને ઓટીટી પર રજૂ કરતાં પહેલાં સલમાને સોશિયલ મિડીયા પર એક વિડીયો મૂકી પોતાના પ્રશંસક દર્શકો પાસે ફિલ્મને અધિકૃત પ્લેટફોર્મ પર જોવાનું કમિટમેન્ટ માગ્યું હતું. અને પાઇરેટેડ વેબસાઇટસ પર જોવાની ના પાડી હતી. મોટી સંખ્યામાં દર્શકોએ સલમાનની એ અપીલને સાંભળીને અમલ કર્યો છે ત્યારે પ્રશ્ન એ થાય કે શું સલમાને પોતાનું મનોરંજન આપવાનું કમિટમેન્ટ પાળ્યું છે? તો એમ કહી શકાય કે સલમાને એ કમિટમેન્ટ પૂરું કર્યું છે કે હું જેવી ફિલ્મો બનાવતો આવ્યો છું એવી જ બનાવતો રહીશ. એમ કહેવાય છે કે ત્રણ પ્રકારની ફિલ્મો હોય છે. એક સારી, એક ખરાબ અને એક સલમાન ખાન ટાઇપની ફિલ્મ. 'રાધે' માત્ર સલમાન ખાનની જ ફિલ્મ છે. એટલે ફિલ્મની વાર્તાને 'ઘિસિપિટી' કહેવાને બદલે 'સલમાન ટાઇપ' ની કહેવી પડશે. કેમકે એમાં એની જ જૂની ફિલ્મોને દોહરાવવામાં આવી છે.

'રાધે' એક એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ છે. ડ્રગ માફિયાની સફાઇ માટે તે મુંબઇ આવે છે. અને પોતાના અંદાજમાં કામ કરે છે. ગુંડાઇની બરાબર ધોલાઇ કરવા સાથે મજબૂરોની મદદ કરવા સાથે તે પોતાના બોસની દીકરી દીયા સાથે રોમાન્સ પણ કરી લે છે. તેના ચહેરા પર નવા હાવભાવ જોવાની અપેક્ષા દર્શકો રાખતા નથી એ સારું છે. તેથી સલમાન પોતાની ફિલ્મોની 'જાન' બની રહે છે. અલબત્ત તેનો પર્ફોર્મન્સ જોરદાર હોવા છતાં સ્ટારડમ પ્રમાણે નથી. સલમાનના ચાહકોને વાર્તા, લોજિક, હીરોઇનો કે બીજી કોઇ વાત સાથે મતલબ હોતો નથી. તેમને સલમાનના એક્શન અને રોમાન્સ સાથે મતલબ હોય છે. દિશા પટની શોપીસ તરીકે છે. હમણાં એક ફિલ્મી વેબસાઇટે તેના દસ સૌથી બોલ્ડ બિકીની લુક બતાવ્યા હતા. એ પરથી જ ખ્યાલ આવશે કે તેના અભિનય કરતાં લુકને જ વધુ પસંદ કરવામાં આવે છે. અથવા એ જ એની પાસે છે, ત્યારે ફિલ્મમાં દિશાના દ્રશ્યો જ્યારે આવે છે ત્યારે વાર્તાની દિશા ભટકી જાય છે એવી ખામી કાઢવાનો કોઇ મતલબ રહેતો નથી. વાર્તા પ્રમાણે જોઇએ તો ફિલ્મમાં દિશાની કોઇ જરૂર જ ન હતી. બંનેનો રોમાન્સ જબરદસ્તી ઉમેરવામાં આવ્યો છે. આમ તો સલમાનભાઇની કોઇ ફિલ્મમાં હીરોઇનની જરૂર હોતી નથી. છતાં સલમાનની ફિલ્મોથી જ ઘણી હીરોઇનોની કારકિર્દી ચાલે છે. સલમાને 'રાધે' માં જરૂર હોય કે ના હોય 'બિગ બોસ' ના વિજેતા ગૌતમ ગુલાટીને પણ તક આપી છે. તો ત્રીજા વિલન તરીકે ભૂટાનના એક આર્મી ઓફિસરને તેની બોડી જોઇને લઇ લીધો હતો. મુખ્ય વિલન તરીકે રણદીપ હુડ્ડા સૌથી વધુ પ્રભાવિત કરી જાય છે. જેકી શ્રોફને એની ભૂમિકામાં શું વિશેષ દેખાયું એ તો એજ જાણે. કોમેડિયન પોલીસ ઓફિસર જેવી ભૂમિકામાં તે પ્રભાવિત કરતો નથી. સમીક્ષકો કહે છે કે સલમાનની ફિલ્મોની સમીક્ષા કરવાનો અર્થ રહેતો નથી. જેમને કોઇ કારણ વગર સલમાનની ફિલ્મ જોવી જ હોય છે એ સમીક્ષા વાંચતા નથી. અને ફિલ્મના ગીતો માટે કહ્યું છે કે એના કારણે ફિલ્મની વાર્તા ધીમી પડવાની શક્યતા નથી. કેમકે વાર્તા જેવું કંઇ લાગતું જ નથી. અગાઉથી જ બધી ખબર પડી જાય છે. ફિલ્મના 'સીટી માર' અને 'દિલ દે દીયા' લોકપ્રિય થયા છે. નિર્દેશક પ્રભુ દેવાની 'રાધે' ને 'વૉન્ટેડ' ની સીક્વલ કહેવામાં આવી છે પરંતુ એ વધુ સારી હતી. પ્રભુદેવાએ 'રાધે' માં નવું કંઇ કર્યું નથી. પ્રભુએ સલમાનના અભિનય કરતાં સ્ટારપાવર, સ્ટાઇલ અને સ્વેગનો જ ઉપયોગ કર્યો છે. ફિલ્મના ખતરનાક એક્શન દ્રશ્યો મનોરંજન પૂરું પાડે છે. બોલિવૂડવાળા અત્યાર સુધી કોરિયન ફિલ્મોના એક્શન દ્રશ્યોની નકલ કરતા હતા. હવે તેમના જ ફાઇટ માસ્ટરોને બોલાવવા લાગ્યા છે. ફિલ્મનો ક્લાઇમેક્સ સારો હોવા છતાં એમ કહેવું પડે છે કે સલમાનની અગાઉની ફિલ્મોના ક્લાઇમેક્સ આનાથી વધુ સારા હતા. 'રાધે' વિશે ભલે ગમે તેટલા ખરાબ પ્રતિભાવ આવ્યા હોય પણ સલમાન ખાન સુપરસ્ટાર સાબિત થયો છે. કેમકે સુપરસ્ટારની ફિલ્મ ગમે તેટલી ખરાબ હોય તો પણ ચાલી જાય છે!