A Drop of Pain in Gujarati Short Stories by Rajesh Bhatt books and stories PDF | વેદના ની ક્ષણ

Featured Books
Categories
Share

વેદના ની ક્ષણ

જેની સાથે રોજ સવારની મીઠી ક્ષણો, બપોરની હૂંફાળી પળો અને સાંજની રંગીન સંગત માણી હોય,
જે વ્યક્તિ પોતાના અસ્તિત્વનો ભાગ બની ગઈ હોય, તે વ્યક્તિ આમ અચાનક...
તેના હૃદયમાં વેદનાની ક્ષણ ખૂંપી ગઈ હતી...


આલાપને એવો અહેસાસ થયો કે જહાનવી બાજુમાં જ બેઠી છે. દરિયાનાં મોજાં જોરમાં કિનારે આવી એકદમ દૂર થઈ જતાં હતાં. એને લાગ્યું કે જહાનવી, દરિયાનું રૂપ લઈ તેની સાથે ખેલ ખેલી રહી છે. જીવનના કઠિન રસ્તાઓ પર જહાનવી અને તે એકબીજાનો હાથ પકડી, એકબીજાને સંભાળતાં સંભાળતાં આટલે દૂર આવ્યાં હતાં અને અચાનક... અચાનક આવી વસમી વિદાય? જેની સાથે સવારની મીઠી ક્ષણો, બપોરની હૂંફાળી પળો અને સાંજની રંગીન સંગત માણી હોય, તે વ્યક્તિ પોતાના અસ્તિત્વનો જ એક ભાગ બની ગઈ હોય અને તે વ્યક્તિ જ આમ અચાનક... આલાપના હૃદયમાં વેદનાની ક્ષણ ખૂંપી ગઈ. તેમાંથી જહાનવીની યાદ વહેવા લાગી.

શરણાઈના સૂર વચ્ચે તેણે જહાનવીનો હાથ હાથમાં લીધો હતો.પ્રેમનાં તીર બંનેને વાગ્યાં હતાં. એમાં બંને ગળાડૂબ પડ્યાં હતાં અને જવાનીના જોસમાં સમાજના વહેણની સામે પાર તરીને તેઓએ લગ્ન કર્યાં હતા ત્યારે મનમાં એકબીજાના ચહેરા જ તરવરતા હતા. રૂપ પર ઓળઘોળ થઈ બંનેને એકબીજાને ચાહવા લાગ્યાં હતાં. લગ્ન બાદ બંનેને એકબીજાના સ્વભાવનો સાચો પરિચય થયો હતો. તેમ છતાં બંનેની ચાહત એટલી મજબૂત હતી કે બીજી કોઈ પણ બાબત તેની સાથે અથડાઈને ચકનાચૂર થઈ જતી. સ્વભાવના ખાબડખૂબડ રસ્તા પર બંને પ્રેમની ચાદર બિછાવી એકમેકને સહારે આગળ ધપી જતા હતા. તેથી સ્વભાવની અણીદાર બાજુઓથી બંને બચી જતા. આમ પણ એકબીજાને કોઇ પણ પરિસ્થિતિમાં ચાહવાનું ઝનૂન એટલું બધું હતું કે એની સામે કોઈ બાબત ટકતી નહીં. સાચા પ્રેમના રસ્તા પર કંટક પણ બિછાયેલા હોય તે ફૂલસમાન લાગતા હોય છે. આલાપ – જહાનવીનું જીવન શરૂઆતમાં ઝાટકાઓથી આખડતું પણ આગળ જતાં સડસડાટ ચાલતું થઇ ગયું હતું.

આલાપને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે જહાનવી નોકરી પરથી આવીને થાકી ગઈ હતી. પોતે પણ બીમાર હતો. એ દિવસોમાં ઘરનું ગાડું જહાનવીના પગાર પર ચાલતું હતું. ત્યારે તેની નોકરી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું હતું.આલાપનું શરીર સુકાતું જતું હતું. ડોક્ટરો રોગને પરખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ દિવસે તે હતાશ થઈ ગયો હતો. – તેણે જહાનવીને પાસે બોલાવી હતી. જહાનવીના ચહેરા પર ચિંતાઓનાં વાદળાં પસાર થતા હતા હતા. વચ્ચે વચ્ચે સૂરજના કિરણોરૂપી આશાઓની ચમક તે આલાપને આપતી જતી હતી. પરંતુ આલાપનાં હૃદયમાં ઘેરો વિષાદ ઘૂંટાયેલો હતો. મોટો દીકરો ઉર્વીશ ભણવા ન્યુઝીલેન્ડ ગયો હતો અને ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો અને ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો. નાનો દીકરો હર્ષ બેંગલોર કોઇ મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર હતો. બંનેએ પોતાની જીવનસંગીની શોધી લીધી હતી. આલાપ– જહાનવી પણ સંમત હતાં. બસ હવે સારું મુહૂર્ત જોઇ બંનેનાં લગ્ન લેવાઇ જાય એટલી જ વાર હતી. ત્યાં આ બિમારી ત્રાટકી હતી. તેની બચત બધી સારવારમાં વહી ગઈ હતી. શું કરશુનો પ્રશ્નાર્થ તેના હૃદયમાં ઘુંટાતો હતો. જહાનવી સમજી ગઈ, કહ્યું ‘ચિંતા નહીં કરો. મારી ઓફિસમાંથી હું સગવડ કર લઈશ. બસ તમે સાજા થઈ જાઓ.’ તે જહાનવી સામે જોઇ રહ્યો. તેના હૃદયમાં ઉથલપાથલ મચી ગઈ. જહાનવીનું સ્વપ્ન! શું થશે? જહાનવીએ વિચારેલા ભવિષ્યના સોનેરી દિવસો આ બીમારીએ છીનવી લીધા..
‘શું વિચારો છો? આમ ઢીલા નહીં થાઓ. તમે અને હું સાથે છીએ એ ઓછું છે? આમ પણ પૈસા તો એક સાધન છે. કઈ સર્વસ્વ નથી. પૈસાથી પ્રેમ વ્યક્ત ભલે થાય પણ પૈસો પ્રેમથી વિશેષ નથી. પ્રેમની ઉપર પૈસાનું વર્ચસ્વ ન સ્થપાવું જોઇએ. શું સજ્યા?’ જહાનવીએ હસવાનો પ્રયત્ન કર્યો. તે હસી, તેની આંખોમાં થોડી ઘણી મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ. હવે આંખોમાં નકરો પ્રેમ વર્તાતો હતો.આલાપ જહાનવી સામે જોઇ રહ્યો. પ્રેમનો સાગર... પ્રેમનાં મોજાં... પ્રેમની આબોહવા... પ્રેમની લહેરો... બસ પ્રેમની લાગણીઓની સેર... પ્રેમનો અહેસાસ... કેવળ પ્રેમ વચ્ચે હોઈને કેટલી હળવાશ અનુભવી શકાતી હોય છે એ લાગણી તેણે અનુભવી. તેણે જહાનવીનો હાથ હળવેકથી પોતાના હાથમાં લીધો. મન પરથી બીમારીનો બોજ જાણે ધીરેથી હળવો થતો જતો તેણે અનુભવ્યો.

પછીના દિવસોમાં તે વધારે સ્ફૂર્તિ અનુભવવા લાગ્યો હતો. બંને દીકરાઓને અવારનવાર ફોન કરીને મન પ્રસન્નતા અનુભવતું હતું. જહાનવી પણ ખુશ હતી. આર્થિક સંકડામણ જીવનમાં ક્યાંય અનુભવાતી નહોતી એવું નહોતું પણ બંને અને ગૌણ બનાવી દેતાં હતાં.

આલાપને યાદ આવી ગયો એ દિવસ જ્યારે જહાનવી નોકરી પરથી આવી ત્યારથી કોઈ અવઢવમાં હોય તેવું લાગતું હતું. કંઈક કહેવું હોય અને કહી શકતી ન હતી. તે સમજી ગયો હતો. પરંતુ સામેથી કઈ કહેવાને બદલે તેણે રાહ જોવાનું પસંદ કર્યું હતું. અંતે જહાનવી માનસિક રીતે તૈયાર થઈ હતી કંઈક કહેવા માટે, તે બોલી હતી. ‘મારી ફ્રેન્ડ થોડાં સગાંવહાલાં સાથે વૈષ્ણોદેવી જાય છે...’ ‘હં’...“તું જો કહે તો હું પણ જઈ આવું થોડા દિવસ... હવાફેર થઈ જાય... બધો સ્ત્રી વર્ગ જ છે. એટલે નહીં તો આપણે સાથે... તેણે જહાનવીને પાસે લેતાં કહ્યું ‘આમાં આટલી અચકાય છે શા માટે?’ જહાનવીએ તેની આંખોમાં જોયું. જાણે હૂંફાળો પ્રકાશ તેમાથી બહાર ફેલાતો હતો.

જહાનવી જઈને આવી પણ ગઈ. જઈ આવ્યા પછી તે વધુ ફ્રેશ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. નવી ચેતના, નવી સ્ફૂર્તિથી જીવન જીવાતું જતું હતું. પરંતુ એક સાંજે આલાપ ઘરે જહાનવીની રાહ જોઈ રહ્યો હતો. તેને આટલું મોડું ક્યારેય થતું ન હતુ. તેણે ઓફિસમાં ફોન કર્યો. ઓફિસ બંધ થઈ ગઈ હતી. જહાનવી પાસે મોબાઈલ પણ ન હતો હવે... હવે... શું કરવું? તેણે રૂમમાં આંટા મારવા શરૂ કર્યા. તસવીરમાં જહાનવી જાણે હસતી હસતી કહી રહીહતી. આમ બેબાકળા શું થઈ ગયા. હમણાં જ હું આવું છું. પરંતુ જહાનવી આવતી કેમ નથી? આવવાની વાતો કરે છે અને આવતી નથી. તેને જહાનવી પર ગુસ્સો આવ્યો. જહાનવી વધારે ને વધારે હસતી જતી હતી. દરિયાનાં મોજાં વધુ નજીક આવવાં લાગતાં હતાં પણ તે સાથે જ જાણે વધુ ને વધુ દૂર જઈ રહ્યાં હોય એવું લાગતું હતું. તે અકળાઈ ગયો. બે-ત્રણ વાર નીચે જઈ આવ્યો તેની બેચેની વધતી જતી હતી. શું થયું હશે? કેમ મોડું થયું? અચાનક ફોનની ઘંટડી વાગી. ‘હેલ્લો... હેલ્લો...આલાપ પરીખ?... તમારી વાઈફનું નામ જહાનવી છે?... જી... જી... હું કપુર હોસ્પિટલમાંથી બોલું છું... સોરી... આગળના શબ્દો સાંભળી આલાપ ત્યાંને ત્યાં ફસડાઈ પડ્યો. જહાનવી જાણે જોર જોરથી હસીને કહી રહી હતી. "લો ઢીલા થઈ ગયા? હું તો તમારી સાથે જ તો છું." તેના કાનમાં જહાનવીના શબ્દો પડઘાતા રહ્યા.

તે રોજ દરિયા કિનારે આવતો, ત્યારે જહાનવી જાણે તેની સાથોસાથ આવતી. તે વધુને વધુ દરિયાકિનારે બેસતો. જેથી જહાનવીની સાથે વધુ રહેવાય. જહાનવી રોજ તેની કહેતી શું તમે? તમને આટલા ઢીલા ન હોતા ધાર્યા? ત્યારે તે પણ કહેતો.. તને આટલી ક્રૂર નહોતી ધારી. શું કામ? શું કામ તું ચાલી ગઈ.તે ઊભો થયો દરિયા કિનારો સાવ નિર્જન હતો. કોઇ ન હોતું. અંધારું થઈ ગયું હતું. કેવળ પાણીનાં પછડાટોના અવાજો આવી રહ્યા હતા. તે દરિયા તરફ ચાલવા લાગ્યો. દરિયાના મોજામાં તેને જહાનવી દેખાતી હતી. તે હસતી જતી હતી. લો... આવી રહ્યા છો? એકલા નથી રહી શકતા... ત્યાં દૂરથી કોઈનો અવાજ આવ્યો. ઓ સાહેબ... ઠહેરો... કહા જા રહે હો... તેણે પાછળ ફરીને જોયું. એક વ્યક્તિ તેને બોલાવી રહી હતી... આગળ જહાનવી બોલાવી રહી અને પાછળ...
જીવન ક્યાં હતું? આગળ કે પાછળ?