કનિષ્કાને સમય આપવાની હા કહી, એને પણ 3-4 દિવસ વીતી ચૂક્યાં હતા. અને હજીય એવી કોઈ પર્સનલ મુલાકાત નહતી થઈ. ના તો કનિષ્કાએ મળવાનું કીધું કે ના માધવે.
પાંચમાં દિવસે કનિષ્કાએ માધવને વાત કરવા પોતાની કેબીનમાં બોલાવ્યો, “આજે ઓફિસ પછી તું જો ફ્રી હોય તો આપણે એક શો જોવા જઈએ?”
“ઓકે હું અદિતીને કોલ કરીને પૂછી જોઉં. જો એ હા પાડે તો જશું બધા સાથે.” પછી કાંઈક યાદ આવતા માધવે કહ્યું, “ઓહ, પણ અદિતી તો કોઈ કામથી 2 દિવસ માટે બહાર ગઈ છે. તો ફક્ત તું અને હું?”
“હા. તને કાંઈ વાંધો છે?”
“ઓહ..ના ના. આ તો આપણે આની પહેલા ક્યારેય એકલા કશે ગયા નથી ને તો જરા..” માધવ કંઇક અજીબ ખચકાટ અનુભવી રહ્યો હતો.
“તું તો હું જાણું છું ત્યાં સુધી બધાની સાથે પહેલી જ મુલાકાતમાં હળીમળી જાય એ સ્વભાવનો છે. તો હું શું તને ઊંધા પગવાળી કોઈ ચુડેલ દેખાઉં છું? જો..મારે મોટા દાંત કે નખ પણ નથી, ચિંતા નહીં કર..તને ખાઈ નહીં જઉં.” અદિતીએ માધવનો ખચકાટ દૂર કરવા મજાકમાં કહ્યું.
“જો માધવ તું એ જ વસ્તુને માઈન્ડમાં લઈને ફરીશ તો કેમ ચાલશે? પ્રેમ કરવો એ ગુનો થોડી છે? અને તારા માથાંપર કોઈએ બંદૂક પણ નથી રાખી એ પણ તું જાણે જ છે. ગમે તે ક્ષણે તને એવું લાગે કે આ ખોટું છે તો તું જતો રહેજે. હું કશું નહીં કહું.”
“જાણું છું કે પ્રેમ કરવો ગુનો નથી. અને મારી માટે રહેલી તારી ફીલિંગ્સની હું કદર અને આદર બંનેવ કરું છું. પણ મારો આ સ્વભાવ, મને એની બીક છે કે હું આદતવશ મજાકમાં તને કશું કહી દઈશ અને તું એ વાતને સિરિયસ લઈ લઈશ તો? હું તને ખોટી આશાઓ નથી આપવા માંગતો.” માધવે પોતાના મનની વાત કહી દીધી.
“અરે એવું નહીં થાય. મેં તને પહેલા પણ કહ્યું હતું અને અને આજે ફરિથી કહું છું. આ 2 મહિના પુરા થયા પછી મારી લાગણીઓમાં વધારો થાય કે ઘટાડો એની જવાબદાર હું જ હોઈશ બીજું કોઈ નહીં. અને આપણે જ્યારે મળીએ ત્યારે મારે શું આજ વસ્તુ તને સમજાવ્યા કરવાની છે? કઈ સદીમાં જીવે છે તું? તારી ઈજ્જત નથી માંગી..સમય માંગ્યો છે, ફક્ત સમય.” કનિષ્કાને થોડો ગુસ્સો આવી ગયો.
“ઠીક છે. તારી વાત સાચી છે. જઈએ આજે શો જોવા.”
કનિષ્કાને લાગ્યું હતું કે એ દિવસની જેમ આજે પણ લાંબી ચર્ચા થશે. પણ માધવ તો માની ગયો.
9 વાગ્યાનો શો હતો. માધવને એમ હતું કે કોઈ મુવી અથવા નાટકનો શો હશે. પણ આ શું? આ તો બોરિંગ કવિ સંમેલન હતું.
અર્ધો કલાક મહામુશ્કેલીથી નીકળ્યો. કવિતા અને માધવને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહતો. એને આવું બધું કંટાળાજનક લાગતું. એ વૉશરૂમ જવાના બહાને હોલમાંથી નીકળી ગયો.
કનિષ્કા માધવનો ચહેરો જોઈને સમજી જ ગઈ હતી એટલે એ પણ માધવની પાછળ પાછળ બહાર આવી ગઈ.
“ઉફ.. આવું બધું કેવી રીતે સહન કરી શકે છે તું?”, માધવે બહાર ખુલ્લામાં આવીને હાશકારો અનુભવતા કહ્યું.
“સહન?? મને ગમે છે કવિતા સાંભળવી. મનના ભાવને શબ્દોમાં કહી દેવાની કેટલી સરસ રીત છે. પણ તને ના ગમતું હોય તો ચાલ બીજે કશે જઈએ.”
“અં…મને ભૂખ લાગી છે. કશું ખાવા જઈએ?”
“અરે તો પહેલા કેવું જોઈએ ને. મારુ ઘર અહીં થોડું આગળ જ છે. તને વાંધો ન હોય તો આપણે ત્યાં જઈએ?”
“મને એવું લાગે છે કે..”
ફરીથી માધવ પોતાનું ભાષણ અને અવઢવ શરૂ કરે એની પહેલા જ કનિષ્કાએ એની વાત કાપીને, “ચાલ ને હવે.” કહીને લગભગ એને ખેંચીને ગાડી પાસે લઈ ગઈ. ૨-૪ દિવસથી માધવ પોતાનો મોજીલો સ્વભાવ મૂકીને દરેક વાતમાં સિરિયસ થઈ જતો હતો એ વાત કનિષ્કાએ નોંધ કરી.
પાંચ મિનિટમાં તો તેઓ કનિષ્કાના ઘરમાં હતા.
“શું ખાવાનું પસંદ કરીશ બોલ.”, ઘરે પહોંચતા જ કનિષ્કાએ માધવને પૂછ્યું.
“આજે અદિતીના હાથના પાસ્તા ખાવાની ઈચ્છા થઈ હતી. પણ એ તો અહીં છે નહીં.”
“અદિતી તો નથી. પણ કનિષ્કા તો છે. આજે મારા હાથના પાસ્તા ટ્રાય કરી જો.”, કહેતા કનિષ્કા રસોડામાં ગઈ.
પાસ્તા બનાવતા બનાવતા અને પછી જમતી વખતે ઘણી બધી વાતો થઈ. સ્કૂલની કેટલીક યાદો તાજી થઈ, તો એમાં માધવના સ્કૂલના કારનામાં થોડી બાકાત રહી શકે. એ બધી વાતો યાદ કરીને બંનેવ ખૂબ હસ્યા. માધવ હવે ધીમે ધીમે કમ્ફર્ટેબલ થવા લાગ્યો હતો કનિષ્કા સાથે. એણે અદિતીને પોતાના લગ્નની પણ ઘણી બધી વાતો કરી. ગમે ત્યાંથી માધવની બધી વાતોમાં છેલ્લે અદિતીની વાત આવી જ જતી.
એ દિવસે કનિષ્કા સાથે ખુલ્લા મને વાત કર્યા પછી માધવને સમજાણું હતું કે ફક્ત સમય આપવો નહીં, પણ ગુણવત્તા યુક્ત સમય આપવો મહત્વનો છે. એટલે જે તેણે નક્કી કર્યું કે હવે એ પણ કનિષ્કા સાથે વાત કરવાની ને એની સાથે સમય પસાર કરવાની સામેથી કોશિશ કરશે. સમય વિતાવવો જ છે તો મજા પણ આવવી જ જોઈએને. આખરે માધવ પણ પોતાના મૂળ સ્વભાવથી કેટલો સમય વેગળો રહી શકે.
ઓફિસમાં કામના ભારને લીધેથી દરરોજ આવી રીતે મળવું શક્ય નહતું, પણ ઘરે જતા પહેલા તેઓ પાર્કિંગમાં અચૂક 5 મિનિટ ઉભા રહીને થોડી વાત કરી લેતા.
માધવના મમ્મી-પપ્પા ગામડે પાછા જતા રહ્યા હતા. માધવના મમ્મી સાથે રહીને અદિતીને પણ તેના પેરેન્ટ્સની યાદ આવતી હતી, એટલે તે માધવના કહેવાથી એમના ઘરે થોડા દિવસ રહેવા ગઈ હતી.
અદિતીના ન હોવાથી માધવને એકલું લાગતું. ઓફિસમાં આખો દિવસ પસાર થઈ જતો પણ ઘરે આવ્યા પછી સમય કાઢવો અઘરો થતો. ટીવી કે સિરીઝ જોવાનો એને શોખ નહીં. વાતો કરવા કોઈ જોઈએ તો જ મજા આવતી. એટલે એ અદિતી સાથે મેસેજ અથવા વિડિઓ કોલ કરીને વાત કરી લેતો. સાથે કનિષ્કાની સાથે પણ ઇન્સ્ટાગ્રામના meme અથવા કોમેડી રીલ્સ શેર કરીને થોડી ઘણી વાત કરી લેતો.
કનિષ્કાને આ વાતથી વધુ ખુશી થતી કે માધવ પણ સામેથી વાત કરવાની કોશિશ કરી રહ્યો છે.
અદિતી પિયર ગઈ એના 2 જ દિવસ થયા હશે અને ઓફીસમાં ઉધઈના ઉપદ્રવને લીધેથી આખી ઓફિસમાં દવા છાંટવી પડી. અને એ જ કારણસર બધાને 3 દિવસની રજા મળી ગઈ.
રજાની જાહેરાત માધવ માટે અઘરી પડી. શું કરે એ એકલો ઘરમાં? એકવાર તો એવો પણ વિચાર આવી ગયો કે એપણ અદિતીના ઘરે જતો રહે અને સાસરીમાં રહેવાની મજા માણી આવે. પણ એ વિચાર પડતો મુક્યો.
કદાચ કનિષ્કાને પણ કંટાળો આવતો હશે એટલે એનો સામેથી મેસેજ આવ્યો,
“ચાલને કોઈ મુવી જોવા જઈએ.”
અને બંનેવ નીકળી પડ્યા મુવી જોવા.
મુલાકાતો અને વાતો થતી રહી અને બંનેવ એકબીજાથી લાગણીઓથી જોડાતા રહ્યા. જાણે આદત પડી ગઈ હતી એકબીજાની. મજા આવતી હતી સાથે સમય પસાર કરવાની.
આ સમય દરમ્યાન માધવ અને અદિતીના સબંધમાં કોઈ જાતનો ફેરફાર નહતો થયો. માધવ અદિતી સાથે પહેલા જેવો જ હતો. અદિતી ક્યારેક કનિષ્કા અને માધવની ચેટ્સ પણ વાંચતી. એમાં એને કશું અજુગતું ના લાગતું કેમકે એવું કશું હોતું પણ નહીં. અને માધવ અને કનિષ્કા મળતા હતા એ વાતની અદિતીને પણ જાણ રહેતી, એમાં એને કશું ખોટું પણ નહતું લાગતું. બસ અદિતી એ નહતી જાણતી કે કનિષ્કા માધવને પ્રેમ કરે છે, અને તેણે 2 મહિનાનો સમય માંગ્યો છે.
દોઢ મહિના જેવો સમય પસાર થઈ ગયો હતો.
કનિષ્કાએ કોફી શોપમાં માધવને મળવા બોલાવ્યો.
“માધવ, મારે તારી સાથે સિરિયસ વાત કરવી છે.” કનિષ્કાએ વાતની શરૂઆત કરતા કહ્યું.
“હા, બોલને.” માધવે પોતાની સેન્ડવીચમાં કેચપથી સ્માઈલી બનાવતા જવાબ આપ્યો.
કનિષ્કાએ એના હાથમાંથી કેચપની બોટલ આંચકી લેતા કહ્યું, “માધવ, હું સિરિયસ છું.”
“હા તો ચાલ આપણે હોસ્પિટલમાં જઈને વાત કરીએ?” માધવે ઉભા થવાની એક્ટિંગ કરતા કહ્યું. “અરે બોલને, શું વાત છે? હું સાંભળું જ છું.”
“મને એવું લાગે છે કે આ, હવે અહીંયા જ પૂરું કરી દેવું જોઈએ.”
“હા, હું મારી સેન્ડવીચ અહીંયા જ પુરી કરી લઈશ. આપણે ઘરે પાર્સલ નહીં કરવું પડે.” માધવ હજીપણ મજાકના મૂડમાં જ હતો.
કનિષ્કાને ગુસ્સે થતી જોઈને માધવે હસવાનું બંધ કરીને પૂછ્યું, “તું શેના વિશે કહી રહી છે? આ એટલે શું એ તો કહે.”
“મને લાગે છે કે હવે આપણે મળવાનું બંધ કરવું જોઈએ. અહીં જ અટકી જવું જોઈએ. તને એમ થતું હશે ને કે હજુ તો આ બધું સાંભળવાને પંદર દિવસ બાકી હતા. તો આજે કેમ અચાનક? કારણકે હું ખુદને પણ સરપ્રાઈઝ આપવા માંગતી હતી ઓચિંતાની તારાથી છૂટી પડીને. તને ખબર છે માધવ? જેમ જેમ દિવસો પુરા થતા જાય છે, એમ મારી હતાશા વધતી જાય છે. અરે, તને મળવા આવતી હોવ ત્યારેપણ મળવાની ખુશી કરતા એ વિચાર મને કોરી ખાય છે કે ખબર નહીં હવે આના પછી કેટલી મુલાકાતો શક્ય થશે? એકદિવસ આ બધું પૂરું કરવું જ પડશે ને? અને એટલે જ મેં એ દિવસની રાહ જોયા વિના આજે આ વાતનો અંત લાવાનું નક્કી કરી લીધું. મેં ઓફીસમાં પણ મારી જગ્યાએ મિસ્ટર. મહેતાને અપોઇન્ટ કરીને રિઝાઇન કરવાનું પણ નક્કી કરી લીધું છે..મારુ પેન્ડિંગ કામ પૂરું કરતા અને મિસ્ટર મહેતાને જોઈન કરતા લગભગ મહિનો થઈ જશે..અને..”
“ચૂપ રહીશ તું?” માધવે ટેબલ પર પોતાના બંનેવ હાથ પછાડીને ઉભા થઈ જતા ગુસ્સામાં કહ્યું.
કનિષ્કા માધવને ગુસ્સે થતા પહેલીવાર જોઈ રહી હતી. એ તો સાવ ડઘાઈ ગઈ. એણે તો ધાર્યું જ નહતું કે માધવ આવી રીતે રીએક્ટ કરશે એ પણ આમ આવા જાહેર સ્થળે.
“બસ પોતે જે વિચાર્યું એ એકપણ વાર મારી સાથે ચર્ચા કરવાનું કે મને પૂછવાનું તે વિચાર્યું? બસ નક્કી કરીને આવી ગઈ નિર્ણય સંભળાવવા.. હું શું તને કોઈ..કોઈ રમકડું લાગુ છું? મારે કોઈ ફીલિંગ્સ નામની વસ્તુ નથી? મન થાય ત્યારે આવી જવાનું 2 મહિનાનો સમય માંગવા..અને મન ડગે એટલે રજા લઈ લેવાની? સમજી શું રાખ્યો છે તે મને?”, માધવનો ગુસ્સો વધી રહયો હતો.
“મા..ધ..વ..સાંભળ. મને એમ હતું કે તું ખુશ થઈશ. તને નિરાંત થશે મારાથી છુટકારો મળ્યાનો.” કનિષ્કાનો અવાજ માધવનો ગુસ્સો જોઈને તરડાઈ રહયો હતો.
“હુંહ..તો તું મને પૂરો ઓળખી જ નથી શકી મિસ. કનિષ્કા શાહ. અને મને પ્રેમ કરવાનો દાવો કરે છે? અરે, પેલા દિવસે તારી વાત સાંભળીને તો મેં તારી ઈચ્છાને માન આપવાનું નક્કી કર્યું હતું. ચાહયું કે તારા મારી માટે રહેલા પ્રેમને માન આપું, આદર કરું. પણ તે તો મને એક પપેટ માની લીધો.”
“તને રમકડું નથી માનતી માધવ. પણ તું મારો તો વિચાર કર. તારી આ બધી વાતો મને વધારે ને વધારે તારી તરફ ખેંચે છે. મારો પ્રેમ વધતો જ જાય છે. અને મને ડર છે કે આવનારા પંદર દિવસ પછી કદાચ હું તને છોડી નહીં શકું, અને કોઈ લાલચે હજુ કંઇક માંગીને તને રોકી લઈશ. અને તું, તું તારા સ્વભાવ મુજબ મને ના પણ નહીં પાડે. ઘણી યાદો આપી દીધી છે તે, અને એમાં જ હું સંતોષ માનીને તને કોઈ વધારે તકલીફ આપ્યા વગર તારી લાઈફમાંથી જતી રહેવા માગું છું. હું નથી ઇચ્છતી કે હવે તને કોઈપણ જાતની તકલીફ આપું. માંડ માંડ હું મારી જાતને આ નિર્ણય લેવા માટે મનાવી શકી છું. આને અઘરું નહીં કર. અને થાય તો પ્લીઝ મને માફ કરી દેજે.” એમ કહીને કનિષ્કા કોફી શોપની બહાર નીકળી ગઈ.
એને રડતાં રડતાં જતી જોઈને માધવને પોતાના વર્તન પર પછતાવો થયો, અને એપણ કનિષ્કાને રોકવા બહાર આવ્યો, પણ કનિષ્કા જતી રહી હતી. કોલ કર્યો પણ તેણે રિસીવ ના કર્યો.
બીજા દિવસે ઓફિસમાં પણ તેને રૂબરૂ મળીને માફી માંગવા ચાહયું, પણ તે ઓફિસમાં જ ન આવી. કોલ કર્યો તો બીઝી આવતો હતો. એટલે એણે વોટ્સએપ ખોલીને કનિષ્કાના ને સોરીનો મેસેજ કર્યો. પણ મેસેજ સેન્ડ ના થયો.
કારણકે કનિષ્કાએ માધવને બ્લોક કરી દીધો હતો.