Adhuro Prem - 2 - 7 in Gujarati Love Stories by CA Aanal Goswami Varma books and stories PDF | અધુરો પ્રેમ ( સીઝન ૨) - 7

Featured Books
Categories
Share

અધુરો પ્રેમ ( સીઝન ૨) - 7

તારા સુતા પહેલા અર્જુનને ફોન કરવાનું વિચારતી જ હોય છે કે, ડોરબેલ વાગે છે. કીહોલમાંથી અર્જુનને જોતાજ તારા બારણું ખોલીને પૂછે છે કે તારી તબિયત બરબર છે ને?

અર્જુન: મને તો એમ કે, તું મને ભૂલી જ ગઈ?

મીરા: અર્જુન, તું મને ટોન્ટ કેમ મારે છે?

અર્જુન: (ઉદાસ મોં બનાવીને), હવે એ હક પણ મારી પાસેથી લઈ લીધો.

મીરા: (અર્જુનનો હાથ પકડીને અંદર લઇ જતા) ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.

મીરા અર્જુનને બેડમાં બેસાડી,પોતે સામે ખુરશીમાં બેસે છે. એનો હાથ પકડીને કહે છે કે, સિધ્ધાર્થ જ મારો પ્રેમ છે.મારો એ પ્રેમ જેને છોડીને પાંચ વર્ષ પહેલાં હું આ કંપનીમાં, આપણા શહેરમાં આવી ગઈ હતી. અર્જુનને સિધ્ધાર્થના નામ સિવાય તારાના પ્રેમ વિશે બધુજ ખબર હતી. તારાએ નામ લીધા સિવાય અર્જુનને સિદ્ધાર્થની કુનેહ વિશે, એના લાગણીશીલ સ્વભાવ અને એની અસાધારણબુદ્ધિપ્રતિભા વિશે કહ્યું હતું. જે રીતે પોતાના આપબળે એણે પોતાની પ્રોફેશનલ કેરિઅર બનાવી હતી, જે રીતે એ દરેક પરીસ્થિતિનો સામનો કરતો એ બધુજ. તારાએ અર્જુનને આજે ફરી કહ્યું કે, સિધ્ધાર્થ જ એક એવી વ્યક્તિ છે જેની સાથે એ કોઈ પણ વાત કરી શકે છે. સિધ્ધાર્થ સાથે કાંઈ પણ બોલતી વખતે એને કંઈ પણ વિચારવું નથી પડતું.

અર્જુનને સમજાયું કે શા માટે તારા સિધ્ધાર્થની પાછળ આટલી ગાંડી હતી. એ પોતે પણ સિધ્ધાર્થથી એક જ મુલાકાતમાં પ્રભાવિત થયો હતો. એની પર્સનાલિટી, એનો બારિટોન અવાજ, એની કોઈ પણ જગ્યાએ છવાઈ જવાય એવી પ્રતિભા એ ખરેખર તારા માટે એક પરફેક્ટ પુરુષ હતો. સિધ્ધાર્થનો ઓરા એટલો શક્તિશાળી હતો કે એ જ્યાં જતો ત્યાં એની પર નિર્ભર થઈ શકાય એવી છાપ છોડી જતો. તારા જેવી બોલ્ડ અને બ્યુટીફૂલ, જેટલી ઇન્ટેલીજન્ટ એટલીજ લાગણીશીલ સ્ત્રીની સાથે કદાચ આવોજ પુરુષ હોવો જોઈએ.

અર્જુન: (તારાનો હાથ પકડીને) , તારા તું અને સિધ્ધાર્થ એકબીજા માટે જ બન્યા છે. હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. હંમેશા યાદ રાખજે કે તારો આ મિત્ર હંમેશા તારી સાથે છે અને રહેશે.

તારા અને અર્જુન એકબીજાને હગ કરીને ગુડ નાઈટ કહીને છુટા પડે છે. અર્જુન પોતાના રૂમમાં જઈને સ્વગત બોલે છે કે તારા, કાશ તું જોઈ શકત કે હું તને એટલોજ પ્રેમ કરું છું જેટલો તું સિદ્ધાર્થને કરે છે. આપણા પાંચ વર્ષના સબંધમાં પહેલી વખત મેં તારી આંખોમા પ્રેમ જોયો જે હું હમેંશા જોવા માંગતો હતો પણ કાશ એ પ્રેમ મારા માટે હોત! હું તને પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ પણ હું તારી ખુશીમાં ખુશ છું.

તારા, સિદ્ધાર્થના વિચારો કરતી સુવાનો પ્રયત્ન કરે છે. પાંચ વર્ષ પહેલા જ્યારે બધુ છોડીને, પોતાના સિદ્ધાર્થને છોડીને એકદમ આવી ગઈ ત્યારે સપને પણ વિચાર્યું ન હતું કે ભાગ્ય ફરી એક વાર સિદ્ધાર્થને એના જીવનમાં લાવી દેશે. પણ શું એ ફરી એક વાર પોતાને એ દર્દ થી બચાવી શકશે? સિદ્ધાર્થને ખુબ પ્રેમ કરવા છતાં એને ન પામવાનું દર્દ! પોતાનો પ્રેમ પોતાની પાસે ન હોવાનું દર્દ! સિધ્ધાર્થ એનો નથી એ હકીકત સાથે જીવવાનું દર્દ. ઓહ! બધુ જ એવું હતું, કંઈ પણ બદલાયુ ન હતું. એનો પ્રેમ, એનો દર્દ એનું પઝેશન એ બધું અકબંધ હતું. પણ આ દર્દ સાથે તો આખી જિંદગી જીવવાનું છે તો પોતાના પ્રેમ સાથે જે ગણતરીનો સમય મળ્યો છે એને કેમ કરીને ગુમાવવો? એમ વિચારીને, તારા સિદ્ધાર્થની સાથે કાલે થનારી મુલાકાતમાં શું પહેરવું એ વિચારવા લાગે છે. કલ્પનાનમાં કેટલીવાર અલગ અલગ ડ્રેસ અને શું વાત થશે, કેવી હશે કાલની મુલાકાત એ કલ્પના કરતા તારા સુઈ જાય છે.

આટલા વખતે, સવારે એકદમ ફ્રેશ મન અને મગજ સાથે ઉઠેલો સિદ્ધાર્થ, "ગુડ મોર્નિંગ માય લવ" લખીને તારાને મેસેજ઼ કરે છે. પછી ઘરે ફોન કરી લે છે જેથી છોકરાઓ નીકળી જાય એ પહેલા એમની સાથે વાત થઇ શકે. બાળકો અને મીરા સાથે વાત કર્યા પછી, સિદ્ધાર્થ ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવા નીચે રેસ્ટોરન્ટમાં આવે છે. એને તારાને જોવાની બહુ ઈચ્છા થાય છે પણ એ આજે પહેલા તારા સાથે નિરાંતે વાત કરવાનું મુનાસીબ માને છે. કોફી અને આમલેટ ખાતા-ખાતા એ મોબાઈલમાં મેલ ચેક કરી લે છે.

જ્યારે એ રેસ્ટોટન્ટમાંથી રૂમમાં જવા માટે લિફ્ટપાસે ઉભો હોય છે ત્યારે સામે, લિફ્ટમાંથી ઉતરતા અર્જુન અને તારા મળે છે. સિધ્ધાર્થ તારાને હગ કરીને એના કાન પાસે ધીરેથી "Nice to see you my love" કહે છે. અર્જુનની સાથે હાથ મિલાવી એની સાથે હાય- હેલોનો શિષ્ટાચાર કરે છે. પછી ફરી એક વાર તારાની આંખોમાં આંખો નાખી, એને બાય, ટેક કેર કહીને લિફ્ટમાં જતો રહે છે.

તારા આ એ અર્જુન હજી તો રેસરોરન્ટમાં પહોંચે એ પહેલા સિધ્ધાર્થ તારાને "મારા રૂમ પર સાંજે 8 વાગ્યે મળીએ,ડીનર સાથે કરીશું" એવો મેસેજ કરે છે. તારા ઓકે ટાઈપ કરીને વળતો જવાબ આપે છે.

સિધ્ધાર્થ રૂમમાંથી લેપટોપ બેગ લઈને સીધો ઓફીસ જવા માટે નીકળે છે. રિસેપ્શનમાંથી બહાર નીકળતા એની નજર રેસરોરન્ટ તરફ પડે છે, તારા રિસેપ્શન તરફ મોં રાખીને બેઠી હોય છે. સિધ્ધાર્થની નજર તારા સાથે મળતા એ તારાને એક ફ્લાઈંગ કિસ આપે છે જેનાથી તારાના હોઠ પર એક મોટું સ્મિત આવી જાય છે.

અર્જુન પાછળ જોયા વગર કહે છે કે, સિધ્ધાર્થ હતો! તારા જવાબને બદલે ફરીથી એક સ્મિત આપે છે. અર્જુન તારાને કહે છે કે તું ગઈકાલથી કેટલી ખુશ છે. તારા ફેસ પરથી સ્મિત ખસતું જ નથી. તું હસે ત્યારે ખૂબ સુંદર લાગે છે, આમજ હસતી રહે. તારા ફરી હસે છે અને મોબાઈલ જુવે છે. હા એની ધારણા સાચી હતી, સિદ્ધાર્થનો મેસેજ હતો
" તારા સ્મિતથી હજી પણ છું આહત
આમ વારે-વારે મને ના કર ઘાયલ."
"Keep smiling my love" .

અર્જુન, તારાને મોબાઈલમાં મેસેજ વાંચતા- વાંચતા મલકાતાં જોઈને કહે છે ક્યાં ખોવાઈ ગઈ? તારા ફક્ત એટલું ધ્યાન રાખજે ફરી એ દર્દને તારી ઉપર હાવી ના થવા દઈશ. તારા અર્જુનને વચન આપતા કહે છે ના એવું નહીં થવા દઉં. મનમાં તો પોતે પણ મૂંઝાયેલી જ છે. એ જાણે છે કે પોતે સિધ્ધાર્થને કેટલો પ્રેમ કરે છે. બનેં બ્રેકફાસ્ટ પતાવી રૂમમાં જઈ લેપટોપ બેગ લઈ લે છે. તારા નંદાબહેનના મોબાઈલ પર મેસેજ કરીને ઓફીસ માટે નીકળી રહ્યાનું કહે છે તો અર્જુન પોતાની મમ્મી સાથે ફોન પર વાત કરી લે છે. બંને એક ટેક્સીમાં ઓફીસ માટે નીકળે છે.

તારા, અર્જુન અને સિધ્ધાર્થ પોતપોતાની નવી ઓફિસમાં, નવી પ્રોફાઇલમાં ખૂબ રસ લઈને કામ વિશે જાણે છે અને આખો દિવસ ખૂબ જ લગનથી કામ કરે છે.

સિધ્ધાર્થ અને તારાની મુલાકાત વિશે જાણવા વાંચતા રહો અધૂરા પ્રેમનો આગળનો ભાગ.

✍️©આનલ ગોસ્વામી વર્મા