VEDH BHARAM - 48 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 48

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

વેધ ભરમ - 48

વિકાસ બીજી સીડી પરથી ઉતરીને તેનો પીછો કરતા માણસની નજીક પહોંચ્યો. પેલા માણસનું ધ્યાન આગળ તરફ હતુ એટલે તેને વિકાસ નજીક આવી ગયો છે તેની તેને ખબર નહોતી. વિકાસે નજીકથી તે માણસનું અવલોકન કર્યુ. આ માણસને તેણે જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. તેણે તેના ચહેરાથી શરુ કરી તેના કપડાનું અવલોકન કર્યુ. પણ જેવુ વિકાસનું ધ્યાન તેના સુઝ પર ગયુ એ સાથે જ તેના રોમ રોમમાં આગ લાગી ગઇ અને તેનુ શરીર ગુસ્સાથી ધ્રુજવા લાગ્યુ. આ એ જ સુઝ હતા જે તેણે ત્રણ વષ સુધી જોયા હતા. તેને જ્યાં પુરી રાખવામાં આવ્યો હતો ત્યાં તેને જમવાનુ આપવાવાળા વ્યક્તિના સુઝ આવા જ હતા. તેનો મતલબ એ હતો કે આજ વ્યક્તિએ તેનુ અપહરણ કર્યુ હતુ અથવા તો આ વ્યક્તિ તેના અપહરણકારને જાણતી હતી. એકવાર તો વિકાસને મન થયું કે અત્યારે જ તે વ્યક્તિનું ખૂન કરી નાખે પણ તો પછી તે તેના અપહરણકાર સુધી કઇ રીતે પહોંચશે. અને આમપણ આ માણસનું ખૂન કરવા માટે તેની પાસે કોઇ હથિયાર નહોતુ એટલે તેણે વિચાર બદલ્યો અને તે માણસની વિરુધ્ધ દિશામાં ચાલવા લાગ્યો. થોડીવાર બાદ તે માણસનું ધ્યાન પણ વિકાસ પર ગયું અને તે ફરીથી વિકાસનો પીછો કરવા લાગ્યો. વિકાસના મનમાં હવે એક યોજના તૈયાર થવા લાગી હતી. વિકાસ જાણતો હતો કે પૈસા આપ્યા પછી પણ પેલો માણસ તેને સાચું કહે છે કે નહીં તે જાણવુ મુશ્કેલ છે. જો તેની કોઇ દુઃખતી નસ મારા હાથમા હોય તો હું તેની પાસેથી માહિતી કઢાવી શકું અને તે દુ:ખતી નસ તરીકે પીછો કરતા માણસનો ઉપયોગ કરી શકાય એમ છે. આ વિચાર આવતા જ વિકાસ રણનીતી વિચારવા લાગ્યો. સૌ પહેલા તો આ માટે એક હથિયારની જરુર પડવાની હતી. આ વિચાર કરતા કરતા વિકાસ હોટલ પર પહોંચી ગયો. તે તેના રુમમાં ગયો અને શાંતિથી વિચારવા લાગ્યો. ઘણા વિચાર પછી તેના મનમાં એક નામ આવ્યુ બહાદુરસિંહ. આ બહાદુરસિંહ એટલે તેનો ડ્રાઇવર કમ સિક્યોરિટી ગાર્ડ. વિકાસને બહાદુરસિંહ પર પૂરો વિશ્વાસ હતો. જો તે રાત્રે તે બહાદુરસિંહને લઇ ગયો હોત તો તેની આ સાથે આ ઘટના ક્યારેય ના બની હોત એવુ વિકાસ માનતો હતો. અત્યારે તેને બહાદુરસિંહ યાદ આવતા જ તેના મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉંચકાયો એ સાથે જ વિકાસે કહ્યું “હાલો બહાદુરસિંહ મારે તમારુ એક કામ છે.”

આમ અચાનક જ સીધું જ કોઇ કહે એટલે સામેવાળો માણસ કન્ફ્યુઝ થઇ જ જાય. “તમે કોણ બોલો છો અને મારુ શું કામ છે?” બહાદુરસિંહે પૂછ્યુ.

“હું કોણ બોલુ છું અને શું કામ છે? તે તમને મળીને જ કહીશ. તમે સાંજે ચાર વાગ્યે મને અઠવાગેટ પર સી.સી.ડીમા મળવા આવી શકશો?” વિકાસે પૂછ્યુ.

બહાદુરસિંહને આ અવાજ એકદમ જાણીતો લાગ્યો પણ તેને યાદ ન આવ્યુ કે આ કોનો અવાજ છે. થોડુ વિચારી તેણે કહ્યું “ઓકે આવીશ પણ હું તમને ઓળખીશ કઇ રીતે?”

“એ તો હું જ તમને ઓળખી જઇશ. ઓકે તો ચાર વાગે મળીએ.” એમ કહીને વિકાસે ફોન મૂકી દીધો.

બહાદુરસિંહ સાથે વાત કર્યા પછી વિકાસને હવે ઘર અને અનેરીની યાદો આવવા લાગી. અનેરી જેવી સ્ત્રી તેના જીવનમાં આવી પછી તેની સ્ત્રીને જોવાની નજર જ બદલાઇ ગઇ હતી. યુવાનીમાં તે સ્ત્રીઓને માત્ર ઉપભોગનુ સાધન જ માનતો હતો. તેણે ઘણીય યુવતીઓની સાથે બળજબરી કરી હતી. ઘણીય સ્ત્રીઓની જિંદગી તેણે બરબાદ કરી હતી. પણ તે જ્યારે અનેરીને મળ્યો ત્યારે તેને સમજાયુ હતુ કે સ્ત્રીનું માત્ર શરીર પામીને રહી જતો પુરુષ ઘણું બધુ ગુમાવે છે. સ્ત્રીને મનથી પામવા માટે સ્ત્રીના મનમા તમારા માટે વિશ્વાસ અને લાગણી પેદા કરવી પડે છે. અનેરીને મનાવતા તેને પરસેવો વળી ગયો હતો. છતા પણ તેને વિશ્વાસ નહોતો આવતો કે અનેરી જેવી સ્ત્રી પોતાને મળી છે. તેને ઘણી વખત થતુ કે અનેરીએ તેની સાથે શુ કામ લગ્ન કર્યા? એકાદ વખત તો તેણે અનેરીને પણ આ પૂછી લીધુ હતુ પણ અનેરીએ આ વાત હસી કાઢી હતી. જો કે અનેરીના પ્રેમમા તેને ક્યારેય કોઇ કચાસ દેખાઇ નહોતી. આજે પણ અનેરીનો વિચાર આવતા જ તેનાથી આપોઆપ અનેરીને ફોન લગાવાઇ ગયો. ફોન લાગતા જ અનેરીએ ફોન ઉચક્યો અને હેલ્લો કહ્યું. પણ તરત જ વિકાસે ફોન કટ કરી નાખ્યો. તેને પેલા માણસની ચેતવણી યાદ આવી ગઇ હતી. ફોન મૂકી તે તેની ભુતકાળની યાદોમાં ખોવાઇ ગયો. અનેરીને તેણે પહેલીવાર જોઇ હતી ત્યારથી જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો. આજે પણ તેને તે દિવસ યાદ હતો. વિકાસ કોલેજથી છુટીને ઘરે જતો હતો ત્યારે તેની આગળ એક છોકરી સ્કુટી પર જતી હતી. અચાનક તે છોકરીનું સ્કુટી સ્લીપ થઇ ગયુ. આ જોઇ વિકાસે પણ પોતાનુ બાઇક સાઇડમા રાખ્યુ અને તે છોકરી પાસે ગયો. અને તેને સ્કુટી ઊભુ કરવામાં મદદ કરી. સ્કુટી સાઇડમાં રાખી તે છોકરી તેને વાગેલા ઘાવ જોઇ રહી હતી. તેના પગમાં લોહી નીકળ્યુ હતુ. વિકાસે તે છોકરીના સ્કુટીમાંથી બે ત્રણ બૂક્સ પડી ગઇ હતી તે ભેગી કરી. વિકાસ તેને બૂક્સ આપવા જતો હતો ત્યાં તે બૂક્સ પર વિકાસનુ ધ્યાન ગયું. તે તેના જ સબ્જેકટ આઇ.ટી એન્જીનીઅરીંગની બૂક્સ હતી. વિકાસ તેને પૂછવા જતો હતો કે તે પણ એન્જીનીઅરીંગ કરે છે પણ ત્યાં તો પેલી છોકરીએ મોઢા પર બાંધેલો દુપટ્ટો ખોલ્યો એ સાથે જ વિકાસ તેને જોઇ રહ્યો. તે અનેરી હતી. વિકાસે અત્યાર સુધીમા ઘણી સુંદર છોકરી જોઇ હતી પણ આ છોકરી તે બધાથી કઇક અલગ હતી. આ છોકરીમાં એક જાતનુ ચુંબકત્વ હતુ. આ છોકરીમાં એવુ કોઇ તત્વ હતુ જે હવસખોર વિકાસની નજરને પણ ચહેરાથી નીચે જવાની મંજુરી આપતુ નહોતુ. અત્યાર સુધી પેલી છોકરીનુ વિકાસ પર ધ્યાન ગયુ નહોતુ. વિકાસને આજે પહેલીવાર એવી છોકરી મળી હતી જેણે વિકાસની હસ્તીને અવગણી હતી. અનેરીતો પોતાને નીકળી રહેલુ લોહી જોઇ રહી હતી. વિકાસ અનેરીને જોતો ઊભો રહ્યો અને પછી તે તેની પાસે જઇને બૂક્સ આપતા બોલ્યો “તમને કેવીક ઇજા થઇ છે? એવુ હોય તો હું તમને દવાખાના સુધી લઇ જઇ શકુ છું.”

આ સાંભળીને અનેરીએ પહેલીવાર વિકાસ સામે જોયું પણ તેની નજરમાં રહેલ કોઇ અકળ તત્વ વિકાસને નર્વસ કરી ગયુ. આજે પહેલીવાર એવુ બન્યુ હતુ કે વિકાસ કોઇ છોકરીને જોઇને નર્વસ થઇ ગયો હતો. વિકાસ માટે છોકરી વાસના પૂર્તિનુ સાધન હતુ. અત્યાર સુધીમાં તેણે ઘણી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમાંથી ઘણી સ્વેચ્છાએ આવી હતી અને ઘણીને મજબૂર કરવામાં આવી હતી. વિકાસ કોઇ છોકરીને જોવે એટલે તરતજ તેનુ ધ્યાન તે છોકરીના ફીગર પર જ જાય પણ આજે પહેલીવાર એવુ બન્યુ હતુ કે વિકાસની નજર તે છોકરીના ચહેરા પર રોકાઇ ગઇ હતી. આજે પહેલીવાર કોઇ એવી છોકરી મળી હતી જેના માટે વિકાસને ખરાબ વિચાર આવ્યો નહોતો.

“ના ના એની કોઇ જરુર નથી હું જાતે જતી રહીશ.” અનેરીએ કહ્યું અને સ્કુટી પર બેઠી.

હવે શું વાત કરવી તે વિકાસને સમજ પડતી નહોતી પણ પેલી છોકરી જતી હતી એટલે વિકાસે કહ્યું
“તમે એન્જીનીઅરીંગ કરો છો?”

આ સાંભળી અનેરીએ વિકાસ સામે જોઇને કહ્યું “હા, કેમ કાંઇ કામ હતું?” એવા ટોનમાં તેણે કહ્યું હતુ કે વિકાસ ગભરાઇ ગયો પણ તે હાર માનવા તૈયાર નહોતો. “ના કામ તો નહોતુ પણ હું પણ એન્જીનીઅરીંગ કરુ છું એટલે પૂછતો હતો.”

આ સાંભળી અનેરી થોડી ઢીલી પડી અને બોલી “ઓહ એવુ છે. કઇ કોલેજમાં છો?”

પેલી છોકરીએ પૂછ્યુ એટલે વિકાસને વાત કરવાનો મોકો મળી ગયો “હું એસ.આઇ.ટીમાં છું. અને તમે?”

આ સાંભળી અનેરી વિકાસને જોવા લાગી અને પછી બોલી “હું ગાંધીમાં છું.”

“ઓહ તમે થર્ડ યેરમાં છો ને?” વિકાસે વાત આગળ વધારતા કહ્યું.

“હા.” પેલી છોકરીએ કહ્યું. હવે વાત આગળ કેમ વધારવી? તે છોકરીએ તો વિકાસને કંઇ પૂછ્યુ જ નહીં. આમ છતા વિકાસે કહ્યું “હું લાસ્ટ યેરમાં છું. તમારે કંઇ પણ કામ હોય તો કહેજો.” પણ હવે તે છોકરીને વિકાસમાં રસ નહોતો તે તો થેંક્યુ કહી તેનુ સ્કુટી સ્ટાર્ટ કરી જતી રહી. જિંદગીમાં તેને આ બીજી છોકરી મળી હતી જેણે તેને એકદમ ઇગ્નોર કર્યો હતો. આ છોકરી હવે વિકાસના મગજ અને દિલ પર છવાઇ ગઇ હતી. વિકાસ પછી તો રોજ ગાંધી કોલેજ જતો અને દૂરથી અનેરી જોતો. અનેરી પાસે જઇ વાત કરવાની તેનામાં હિંમત નહોતી. ત્યાં એક દિવસ એવુ બન્યુ કે વિકાસને અનેરી સાથે વાત કરવાનો મોકો મળી ગયો. વિકાસે અનેરીના ક્લાસમાં એક છોકરા સાથે મિત્રતા કેળવી લીધી હતી. તેની પાસેથી તેને જાણવા મળ્યુ કે અનેરીને એક સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે. આ મોકો હાથ લાગતા જ વિકાસે તે છોકરાને કહ્યું તારે મારુ એક કામ કરવાનુ છે. તારે અનેરીને જઇને કહેવાનુ કે મારો એક મિત્ર છે. તે એસ.આઇ.ટીના છેલ્લા વર્ષમાં છે. તે આ સબ્જેક્ટમાં એકદમ પાવરફૂલ છે. હું પણ તેની પાસેથી શીખું છું. તું કહે તો તને મળાવી આપુ. વિકાસનો પ્લાન સફળ થયો અને બીજા દિવસે કોલેજની બહાર અનેરી અને પેલો છોકરો વિકાસને મળવા આવ્યા. અનેરી વિકાસને જોતા જ ઓળખી ગઇ અને બોલી “તમે તો તે જ છો ને તે દિવસે મારુ સ્કૂટી સ્લીપ થયુ હતુ ત્યારે મને મળ્યા હતા.”

“હા, મને નહોતી ખબર કે અહી તુ જ મને મળીશ. મે તો તે દિવસે જ તને કહ્યુ હતુ કે કંઇ પણ કામ હોય તો કહેજો.” વિકાસે પણ અજાણ્યા થવાનો ડોળ કરતા કહ્યું.

“હા સોરી, તે દિવસે મને વાગ્યુ હતુ એટલે મે તમારી સાથે વ્યવસ્થિત વાત નહોતી કરી.” અનેરીએ કહ્યું.

“ઇટ્સ ઓકે. નો પ્રોબ્લેમ. બોલો હવે હું તમને શું મદદ કરી શકુ એમ છું?” ત્યારબાદ તો તે બંને રોજ મળતા અને અનેરી વિકાસ પાસેથી શીખતી. પણ વિકાસ ધીમે ધીમે અનેરીને પ્રેમ કરવા લાગ્યો હતો. જિંદગીમાં પહેલીવાર તેણે કોઇ છોકરીને સાચો પ્રેમ કર્યો હતો. તેણે દર્શન અને કબીરને અનેરી વિશે વાત જ નહોતી કરી. ત્યારબાદ એકાદ વર્ષ પછી વિકાસે અનેરીને પ્રપોઝ કર્યુ પણ અનેરીએ તેને કોઇ જવાબ નહોતો આપ્યો. વિકાસે પ્રપોઝ કર્યા પછી એકાદ વર્ષ પછી અનેરીએ હા પાડી. પણ તેણે લગ્ન માટે બે વર્ષનો સમય માગ્યો હતો. બે વર્ષ પછી બંને એકદમ સાદાઇથી પરણી ગયા. રુમના બારણે ટકોરા પડતા વિકાસ વિચારમાંથી બહાર આવ્યો. રુમ સર્વિશવાળો છોકરો વિકાસના કપડા લઇને આવ્યો હતો. ત્યારબાદ વિકાસે ઘડીયાળમાં જોયુ તો સાડા ત્રણ થવા આવ્યા હતા. તે ફટાફટ તૈયાર થયો અને બહાદુરસિંહને મળવા માટે નીકળ્યો. તે ચારમાં પાંચે સી.સી.ડી પહોંચી બહાદુરસિંહની રાહ જોવા લાગ્યો. થોડીવાર બાદ બહાદુર સિંહ આવ્યો વિકાસે હાથ ઉંચો કરી તેની પાસે બોલાવ્યો. બહાદુરસિંહ પાસે આવ્યો અને વિકાસને જોઇને ચોંકી ગયો.

“અરે, સાહેબ તમે અહીં ક્યાંથી. તમે આટલા વર્ષ ક્યાં હતા? આમ અચાનક અહી કયાંથી આવ્યાં?” બહાદુરસિંહે એક સાથે પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“તું બેસતો ખરો પછી તને બધુ સમજાવુ છું.” વિકાસે બહાદુરસિંહને કહ્યું.

બહાદુરસિંહ બેઠો એટલે વિકાસે બે કોલ્ડ કૉફીનો ઓર્ડર આપ્યો અને પછી બોલ્યો “જો મારુ કોઇએ અપહરણ કર્યુ હતુ. તે બધી વાત હું તને પછી કહીશ. પહેલા એક વાત સમજી લે કે મારુ અપહરણ કરાવનાર કોઇ નજીકનો વ્યક્તિ જ છે. એટલે હમણા હું અહી છું તે વાત તારે કોઇને કરવાની નથી. અનેરીને પણ નહીં.” આ સાંભળી બહાદુરસિંહ ચોંકી ગયો અને બોલ્યો “અરે શું વાત કરો છો સાહેબ. શું તમને મેડમ પર પણ શક છે?”

“ના પણ હું જો અનેરીને મળીશ તો અનેરી પર ખતરો વધી જશે. એટલે અનેરીને હમણાં કંઇ કહેવાનુ નથી. ઓકે?” વિકાસે કહ્યું.

“ઓકે પણ હવે તમે શું કરવા માંગો છો?” બહાદુરસિંહે પુછ્યું.

ત્યારબાદ વિકાસે તેને આખી યોજના સમજાવી.

----------**************------------**************---------------*************--------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM