દીપ્તિ.....! દીપ્તિ.....! ની બુમો સાથે ટકટક...... ટકટક..... ટકોરા પડ્યા દરવાજે ને મારી આંખો ખુલી. ઘરમાં બાનો આરતી કરતો અવાજ આવી રહ્યો હતો મને જોરદાર ઊંઘ આવી રહી હતી.
દરવાજો ખોલીને "શું છે મમ્મી? સુવા પણ નથી દેતી તું શાંતિથી." એમ કહીને આંખો બંધ કરીને હું પાછી બેડ પર સુઈ ગઈ.
"તને ખબર છે કેટલાં વાગ્યા છે? તારે કોલેજ જવાનું મોડું થાય છે ચાલ ઉઠ હવે! તારા પપ્પા પણ ઓફિસ જવા નીકળી ગયા હમણાં જ." ઉતાવળે રૂમના પડદા ખોલતાં - ખોલતાં મમ્મી બોલી.
બારીમાંથી આવતા પ્રકાશના કિરણ અને મમ્મીએ મારી નિંદ્રા છીનવી લીધી. હું આળસ ખાતી ટૉવેલ લઈને બાથરૂમમાં ગઈ.
મમ્મી રસોડાના કામમાં અને મારી ફોફી બનાવવામાં લાગી ગઈ. "આ ક્યારે સમજશે? આટલી મોટી થઈ ગઈ કૉલેજના સેકન્ડ યરમાં આવી ગઈ. નાની તો છે નહીં તો પણ......"
મને આવતી જોઈને મમ્મી આગળ બોલતાં અટકી ગઈ.
દાદી પૂજા પૂરી કરીને આવ્યા અને ડાઇનિંગ ટેબલની મારી બાજુની ચેર પર બેઠાં. "આ તારી માં ક્યારની તને બુમો પાડતી હતી! તને સંભળાતું નથી? આટલી મોટી થઈ તો પણ......" એમ કહેતા મને જોરથી પીઠ પર ધબ્બો માર્યો.
"દાદી.......! ગુસ્સામાં રડમસ આવજે હું બોલી.
"શું દાદી.... હે....? કરે છે હમણાં નહીં સમજાય જ્યારે સાસરે જઈશને ત્યારે આ દાદી યાદ આવશે." હુબળ - હુબળ ચા પિતા બોલ્યાં.
આ સાંભળીને મારો ગુસ્સો બમણો થઈ ગયો. હું હવે ગુસ્સો રોકી શકુ એમ નહોતું હું ગુસ્સામાં ચેરમાંથી ઊભી થઈ ગઈ અને ફટાફટ ચાના બે ઘૂંટ ભરી નાસ્તો પડતો મૂકીને
"હું જાઉં છું મમ્મી!" ગાડીની ચાવી લેતાં બોલી.
"હા જા ફરી આવ! આ ભણવાનું તો બહાનું જ છે પેલાં બગડેલા, રખડુ મિત્રો સાથે ફરતી હોય બસ મારા દીકરાના રૂપિયા જ ઉડાડ તું" મારી સામે શંકાની નજરે જોતાં બોલ્યાં.
"એ મારા મિત્રો છે પણ બગડેલા કે રખડુ નથી અને તમેં શું રોજ - રોજ આમ મને ધુરીને જોયાં કરો છો? હું સ્ટડી માટે જ જાઉં છું કૉલેજ મોજ કરવા નહીં. તમે મારા પર કાયમ સવાર - સવારમાં ગુસ્સો કરતાં હોવ છો." ઘરની બહાર નીકળતા હું બોલી.
મારા ખરાબ મૂડ સાથે હું કૉલેજ પહોંચી જેવી મેં ગાડી પાર્ક કરી કે તરત ધ્રુવ દોડતો આવ્યો અને "અરે અમે તારી જ રાહ જોઈએ ક્યારના." બોલ્યો.
"કેમ.....? એ પ્રશ્ન સાથે હું આગળ ચાલવા લાગી.
એ ઝડપથી મારી સામે આવીને રસ્તો રોકીને ઊભો થઈ ગયો. "એય ડરપોક તું મારો રસ્તો રોકીશ?" કહીને મારા મિજાજમાં થોડીવાર ગુસ્સામાં એની સામે જોઈ રહી એટલે એ ડરપોક મારી સામેથી ખસીને મારી બાજુમાં આવીને ઊભો રહ્યો એટલે હું આગળ ચાલવા લાગી.
"તું સાંભળીને ખુશ થઈ જઈશ." એમ કહેતા એ મારી સાથે ચાલવા લાગ્યો. અમે બંને અમારા બીજા મિત્રો શિવાની, (જુગાડું) આલીયા (ફેશન ગર્લ, બકબક ગર્લ), મીન્ટુ (માધવ) અને રિયાન (પ્લે બોય) જ્યાં બેઠાં હતાં ત્યાં પહોંચ્યા.
"આજે પણ આણે દાદીની ડાટ ખાધી લાગે છે." કહીને આલિયા હસીને શિવાની સામે હાથ લંબાવે છે એટલે શિવાની એ એને સામે તાળી આપી.
"તું વધુ બકબક ન કરીશ ફેશન ગર્લ અને જુગાડું તું! તું તો ચૂપ રે તારા જેવા જુગાડ નથી આવડતાને માટે ડાટ ખાવી પડે છે મારે." એમ કહીને હું મોઢું બગાડીને ચાલવા માંડી.
"અરે તું શું આ બંનેનું ખોટું માનીશ?" મારા ખભે હાથ મૂકીને રિયાન બોલ્યો.
"જો તું છે ને આ તારી પ્લે બોય વાળી ઇમેજ મારાથી દુર જ રાખ પછી વાત કર." કહીને હું શિવાનીની બાજુમાં જઈને ઊભી રહી.
"તું આ બધું જવા દે અમારી વાત સાંભળ આજે અમે એક મસ્ત પ્લાન બનાવ્યો છે, મજા આવશે." શિવાની મારી તરફ જોઈને બોલી.
"કેવો પ્લાન?" આતુરતાથી હું એને જોઈ રહી.
"પણ પેહલાં તારા દિલનો રાજા, આદિને તો આવવા દે." શિવાની બોલી.
"હા મારા દિલનો તો રાજા પણ એ ક્યાં મને......?" એટલામાં જ મેં એને આવતા જોયો અને હું બોલતી બંધ થઈ ગઈ.
"હાય ફ્રેન્ડ્સ! કેમ છો બધા?" કહીને એણે મારા સિવાય બધા સાથે હેન્ડ શેક કર્યું. જાણેે એ મને ગમે છે એ મારો મોટો વાંક હોય. "હું તો ક્લાસમાં જવ છું. તમે બધા મજા કરો." હું ચાલવા માંડી.
ત્યાં જ અચાનક મારો હાથ પકડીને રોકી લીધી "કયાં જાય છે? તારે નથી જવાનું ક્યાંય." રિયાન બોલ્યો.
હું ગુસ્સે થઈને એની સામે જોઈ રહી. એટલે એણે મારો હાથ છોડી દીધો. "અમે સરસ પ્લાન બનાવ્યો છે અહીંથી પચાસ કિલોમીટરની દુરી પર નજીકમાં એક જૂનો મહેલ છે રજવાડાનો તો આપણે જઈએ ત્યાં મજા આવશે. અને લોન્ગ ડ્રાઇવ પણ થઈ જશે.
"તું તારું પેરાનોર્મલ એક્ટિવિટી માટે તો નથી આવી રહ્યો ને? જે એમ હશે તો હું નહીં આવું." શિવાની બોલી.
"હા પણ નહીં આવું." એમ કહેતાં ધ્રુવે શિવાનીની વાતમાં ટાપસી પુરી.
"ઓ ડરપોક! તું શું છોકરીની જેમ ડરે છે." કહેતાં રિયાન બેગ લઈને " ચાલ આદિ" એમ કહેતાં ગાડી તરફ ચાલવા લાગ્યો.
અમે બધા મિત્રો મળીને જવા તૈયાર થયા અમે ગાડીમાં બેઠાં કે તરત " મ્યુઝિક યાર......" મેં કહ્યું.
એટલે રિયાન મારી વાત કાપતા બોલ્યો હા ડી. જે. તને તો સોન્ગ સિવાય કાંઈ ન દેખાય.
હું મોઢું બગાડીને બીજી તરફ જોવા લાગી. આલિયા ખૂબ બોલ - બોલ કરતી હતી ને શિવાની એને સાંભળી રહી હતી.
રિયાને સોન્ગ ચાલુ કર્યા સાથે - સાથે એ ગીતમા સૂર પુરાવતો ગણગણી રહ્યો હતો. મીન્ટુ અને ધ્રુવ પાછળની શીટ પર બેઠાં હતાં અમે ત્રણ ગર્લ વચ્ચેની શીટ પર હતી. પાછળથી મીન્ટુ થોડી - થોડીવારે અમારા ત્રણેના વાળ ખેંચીને હેરાન કરતો હતો. મેં ગુસ્સે થઈને પાછળ ફરી મીન્ટુ તરફ જોયું.
"મેં કાંઈ નથી કર્યું હમ! એ તો આ મીન્ટુ. હું ક્યારનો એને ના પાડું છું પણ સાંભળતો જ નથી." ધ્રુવ બોલ્યો.
મીન્ટુ મારી સામે જોઈને "સોરી" કહીને જોર - જોરથી હસવા લાગ્યો.
"મને આ રસ્તો બરાબર લાગતો નથી, એકદમ બિહામણો લાગે છે, ના તો કોઈ વાહનોની અવર - જવર છે ના કોઈ આવતું - જતું દેખાય છે." મેં ચિંતિત અવાજે કહ્યું.
"અરે ડરે છે શા માટે આપણે આટલા બધા મિત્રો છે સાથે."
રિયાન બોલ્યો.
આદિ સડસડાટ કોઈપણ ચિંતા વગર ગાડી દોડાવી રહ્યો હતો. અમને કલાક ઉપરનો સમય થઈ ગયો હતો છતાં કાંઈ દેખાતું નહોતું.
સુમસામ રસ્તો અને ચારેતરફ ઝાડી - જંગલ જેવું જોઈને કોઈ અજાણ્યો ડર મને સતાવી રહ્યો. આદિ ગાડી દોડાવ્યે જતો હતો. હું સ્પષ્ટ જોઈ શકતી હતી કે આ જંગલ જેવી જગ્યામાં અમે ફસાતા જઇ રહ્યાં હતાં. આલિયાની વાતો ચાલુ જ હતી એ શિવાનીને લેટેસ્ટ ફેશન, ટ્રેંડની વાતો કરી રહી હતી ને શિવાની ધ્યાનથી એને સાંભળી રહી હતી.
"અરે એકવાર આપણે જોઈ લેવું જોઈએ." મેં ફરી કહ્યું.
"અરે એમાં શું? હું મેપમાં ચેક કરું." કહેતાં મીન્ટુએ ફોન હાથમાં લીધો. "અરે યાર! શી....ટ. નેટવર્ક જ નથી." મીન્ટુ બોલ્યો.
આ સાંભળીને અમે બધાએ પોતપોતાના ફોન ચેક કર્યા. કોઈના ફોનમાં નેટવર્ક નહોતું. હવે મારો ડર વધ્યો સાથે આલિયા અને ધ્રુવ પણ ખૂબ ડરી રહ્યા હતા.
આદિએ ગાડી સ્ટોપ કરીને ગાડીમાંથી ઉતર્યો એની સાથે રિયાન પણ ઉતર્યો એ બંને ચારેતરફ નજર ફેરવવા લાગ્યા પણ કાંઈ નજરે પડતું નહોતું. અમે બાકીના ફ્રેંડ પણ ગાડીમાથી બહાર આવ્યા. ચારેતરફ ફક્ત ઝાડ જ નજરે પડતાં હતા.
આદિ અને રિયાન આગળ ચાલવા લાગ્યા એટલે અમે પણ એમની પાછળ ચાલવા લાગ્યા. કોઈ મદદ કે નવા રસ્તાની આશાએ અમે થોડું આગળ ચાલ્યાં પણ આશા ઠગારી નીવડી. ઝાડ સિવાય કંઈ દેખાતું નહોતું. હું આજુબાજુ નરજ કરતી ડર સાથે ચાલી રહી હતી ત્યાં જ મારો પગ ખાડામાં પડ્યો. "ઓ...હ... મમ્મી..." કહેતા હું થંભી ગઈ." મારા હૃદયની ધડકનો તેજ થઈ ગઈ. સુકાયેલાં પાંદડાથી આ જંગલનો કાચો રસ્તો ઢાંકયેલો હતો.
ત્યાં જ આદિ ઝડપથી આવીને મારો હાથ પકડીને "જોઈને નથી ચાલી શકતી? વધુ વાગ્યું તો નથી ને?" કહેતા મને જોઈ રહ્યો. મારી ધડકનો વધુ તેજીથી ધડકવા લાગી.
જો તારા દિલના રાજાનું દિલ ધડકી રહ્યું છે તારા માટે આલિયા બોલી.
"તને આવા સમયે પણ મજાક સુજે છે?" મેં ગુસ્સે થઈને કહ્યું અને આદિએ મારો હાથ છોડી દીધો. અમે બધા આગળ ચાલવા લાગ્યા. જાણે કોઈ ભૂલભુલામણીમાં ફસાતા જઇ રહ્યાં હોય એમ લાગી રહ્યું હતું. આ જંગલનો કોઈ છેડો દેખાતો નહોતો.
"એ આદિ ત્યાં જો તો! કહેતાં મીન્ટુ ત્યાં ઉભો રહી ગયો
આદિ ઝડપથી ડગલાં ભરતો એની પાસે જઈને "હા યાર! આટલી મોટી ગુફા? મેં તો પેહલી વાર જોઈ" એમ બોલ્યો.
"હા મેં પણ." ચાલને ત્યાં જઈને જોઈએ મીન્ટુ બોલ્યો.
"ના હમ....! હું નહીં જવા દવ તમને એ ગુફા પાસે" મેં કહ્યું.
"તને પૂછે છે કોણ?" કેહતા મીન્ટુ ઝડપથી એ ગુફા તરફ ચાલવા લાગ્યો. પાછળ આદિ અને રિયાન પણ ચાલવા લાગ્યા. અમે બીજા ફ્રેંડ એમને જોઈ રહ્યા.
ત્યાં જ "અરે શા માટે અહીં ઊભા રહ્યા આપણે પણ જઈએ જઈએ." શિવાની બોલી.
અમે પણ એમની પાછળ ચાલવા લાગ્યા. જ્યારે અમે ગુફા પાસે પહોંચ્યા એટલે એ મોટી - મોટી શિલાઓ વાળી ગુફાને જોઈને હું દંગ રહી ગઈ. એની ફરતે કેટલાય જંગલી વનસ્પતિએ સામ્રાજ્ય બિછાવ્યું હતું, લીલાંછમ પાના વાળા ઘણી વેલીઓ એને વીંટાડાયેલી હતી, બધું ખુબ બિહામણું લાગી રહયું હતું.
"આપણે જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા ચાલ્યા જઈએ. એ જ સારું રહેશે." મેં કહ્યું.
"ના... આટલે સુધી આવીને પાછા? ગુફામાં તો જઈને જોઈએ એકવાર પછી જતા રહીશું." મીન્ટુ બોલ્યો.
"હા યાર!" આદિ અને રિયાન પણ બોલ્યાં. હવે મને આગળ કંઈપણ કેહવું યોગ્ય ન લાગ્યું.
અમે પણ એ ત્રણ સાથે ગુફામાં પ્રવેશ્યા. થોડાં આગળ ચાલતા ગયા તેમ અજવાળાનો ધીમે - ધીમે સાથ છૂટતો ગયો અને અંધકારનો સાથ ઘેરાતો ગયો, સાથે જ પક્ષીઓ અને ચમચીડિયાના અજીબ અવાજ આવવા લાગ્યા. મેં આલિયાના ખભા પર હાથ મુક્યો. " મમ્મી......" એનાથી ડરની મારી બૂમ પડાઈ ગઈ.
અંધકાર વધી રહ્યો હતો. ગુફાનો રસ્તો પૂરો થતો નહોતો. મીન્ટુએ એની બેગમાંથી ટોર્ચ કાઢી એ પેરાનોર્મલ એક્ટિવિટી માટે જતો માટે એ ટોર્ચ પણ સાથે જ રાખતો. મેં પણ મારા ફોનની ટોર્ચ ચાલુ કરી. મેં ફોનમાં ટાઈમ જોયો તો રાતના આઠ વાગવા આવ્યા હતા, અમારા કોઈના પણ ફોનમાં નેટવર્ક નહોતું આલિયાનો ફોનની બેટરી જ ખતમ થઈ ગઈ હતી. આ બધું મને ભયજનક લાગી રહયું હતું.
અમે ધીમે - ધીમે આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અચાનક કોઈ મોટો અવાજ આવ્યો. મારા અને આલિયાના મોંઢામાંથી જોરથી ચીસ પડી ગઈ.
"સસસ..... ચૂપ...!" રિયાને અમારી સામે જોઈને મોંઢા પર આંગળી રાખી ચૂપ રેહવા કહ્યું. અમે બંને ખૂબ ડરી ગઈ હતી. હવે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. અમે આમાં વધુ ને વધુ ફસાતા જતાં હોય એમ મને લાગી રહ્યું હતું.
"અરે મને અહીં કોઈ અસાધારણ શક્તિ હોય એમ લાગી રહયું છે" રિયાન એના બોલ્યો. ત્યાં જ ગુફાની નાની - નાની શીલાઓ પડવાની શરૂ થઈ. આદિ, મીંન્ટુ અને રિયાન સિવાય અમે બધાં ફ્રેંડ બુમો પાડી રહ્યા હતા. આલિયા તો જોર - જોરથી રડવા લાગી. એ અચાનક બેહોશ થઈ ગઈ એને જોઈને હું ડરી ગઈ. મને કાંઈ ધ્યાન ન રહ્યું હું આદિને ગળે વળગીને રડવા લાગી. એણે મને એની પાસે જકડી લીધી. ત્યાં જ મીન્ટુએ આલિયાના મોંઢા પર પાણી નાખતાં એ હોંશમાં આવી અને હું પણ ભાનમાં આવી અને આદિને મેં મારાથી દુર કર્યો. આલિયા ખૂબ ડરી ગઈ હતી એ અત્યારે પણ બડબડ કરી રહી હતી.
અમે આગળ ચાલતાં ગયા. કોઈ રસ્તો દેખાતો નહોતો હવે ડર અને ચિંતા બંને વધી રહ્યાં હતાં. અમે ચાલતાં - ચાલતાં ખૂબ થાકી ગયા હતા. અમે બધાએ થોડીવાર ત્યાં જ રોકવાનું નક્કી કર્યું. અમે ત્યાં જ બેસી ગયા. આદિ મારી બાજુમાં જ બેઠો. મેં આડું જોઈને પાછળ પથ્થરને ટેકો દઈને આંખો બંધ કરી લીધી. મીન્ટુ અને રિયાન સિવાય અમે બધા સુઈ ગયા. ત્યાં જ અચાનક મારા પર કાંઈ પડે છે ને હું જોરથી ચીસ પાડી. આદિ પણ ઉઠી ગયો એણે આસપાસ જોયું તો ચમચીડિયું હતું. હું ડરી ગઈ હતી. એણે મારો હાથ પકડીને એની બાજુમાં બેસવા કહ્યું.
"આ કેવી ભૂલભુલામણી છે? કે આમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી દેખતો?" કેહતા હું આદિની બાજુમાં બેઠી. મેં આંખો બંધ કરી લીધી.
અચાનક આદિ મારા ચહેરા પર આગળ આવેલાં વાળ સરખા કરવા લાગ્યો. મેં આંખો ખોલીને એની સામે જોયું. એણે મારા ચહેરા પરથી હાથ હટાવી લીધો.
આજનો એનો મારા પ્રત્યેનો બધો વ્યવહાર જોતા એના દિલમાં મારા માટે પ્રેમ જાગ્રત થયો એમ મને લાગી રહ્યું હતું.
મેં ધીમેથી એના ખભે માથું ઢાળી દીધું. એણે એનો હાથ મારા ખભા પર રાખી મને એની નજીક લીધી. મારી આંખોમાં જોઈને એ બોલ્યો " મને માફ કરી દે! મને તારા માટે પેહલેથી જે પ્રેમ છે પણ મારા મમ્મી - પપ્પાની વચ્ચે આવેલી દુરી જોઈને મને કોઈ સાથે આગળ વધવું નહોતું. એ બંને સાથે રહે છતાં દુરી છે તો મને......"
મેં એના મોંઢા પર હાથ રાખીને એને આગળ બોલતાં અટકાવ્યો "હું બધું જ જાણું છું." મેં એની સામે જોતાં કહ્યું.
"અરે ચલો હવે જે થાય તે આ બંનેને ઉઠાડો આપણે આગળ જઈએ કદાચ આમાંથી નીકળવાનો કોઈ માર્ગ મળી જાય." રિયાન બોલ્યો.
મેં અને આદિએ આલિયા, શિવાની અને ધ્રુવને ઉઠાડ્યા. હવે આગળ જે થાય તે. એમ વિચારીને અમે આગળ વધવાનું નક્કી કર્યું. બધાના ફોન પણ બંધ થઈ ગયા હતા. આદિએ મારો હાથ પકડી રાખ્યો અમે બધા ફ્રેંડ ચાલવા લાગ્યા. અમે આશરે એક / દોઢ કિલોમીટર જેવું ચાલ્યા કે અમને સામેથી આવતા ટોર્ચના ઝાંખા પ્રકાશનો આભાસ થયો. અમે બધા હસતાં ચહેરે એકબીજા સામે જોઇ રહ્યાં.
હવે અમને ભૂલભુલામણીમાંથી બહાર નીકળવા માટેની એક ઉમ્મીદ નજર આવી રહી હતી.
એટલામાં જ સામેથી કોઈક આવી રહયું હોય એવો અવાજ આવ્યો અમે આશ્ચર્ય અને ડર સાથે મુંગા મોઢે એકબીજાને જોઈ રહ્યાં.
ત્યાં જ સફેદ પહેરણ, હાથમાં ચાંદીનું કડું, અને ખભે લાકડી ટેકવીને આશરે સાઈઠની આસપાસની ઉંમર વાળો ઊંચો વ્યક્તિ આવતો દેખયો.
અમે ઉત્સુકતાથી એને જોઈ રહ્યાં. "તમે અહીં શું કરો છો? આ ગુફામાં તો ક્યારેય કોઈ જતું નથી અહીં થી રાત્રે અજીબ અને ડરામણા અવાજો આવતા રહે છે. તમે અજાણ્યા લાગો છો!" કહેતાં એ અમને જોઈ રહયો.
"હા અમે આ ભૂલભુલામણી જેવા જંગલ અને પછી આ ગુફામાં ફસાઈ ગયા." રિયાન બોલ્યો.
"મારી પાછળ આવો હું તમને રસ્તો બતાવું!" કહેતા એ વ્યક્તિ ચાલવા લાગ્યો. એના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ બીજો રસ્તો અમારી પાસે નહોતો. અમે એની પાછળ ગયા. એણે અમને સહીસલામત ગુફામાંથી બહાર કાઢ્યા. અમારા બધાના ચહેરા પર એક હાશકારો વર્તાઈ રહ્યો. અમે ખુશ હતાં.
"જુવો ત્યાં સામે નાનો કસબો છે ત્યાં થોડી વસ્તીનો જ વસવાટ છે ત્યાંથી તમને મદદ મળી રહેશે." એણે તરફ હાથ લાંબો કરી બતાવતા કહ્યું.
અમે હરખના માર્યા ઝડપથી એ તરફ ચાલવા લાગ્યાં. હજી થોડાં ડગલાં ચાલ્યાં ત્યાં જ "અરે જેણે અમને આ ભૂલભુલામણીમાંથી બહાર કાઢ્યા, મદદ કરી અને આપણે તો એનો આભાર પણ નહીં માન્યો." હું આદિ સામે જોઇને બોલી.
"હા યાર આપણે થેન્ક્સ તો કહેવું જ જોઈએ ચલો! એને થેન્ક્સ કહીને આવીએ." આદિ બોલ્યો બધા મિત્રો પણ સહમત થયા એટલે અમે પાછા ફર્યાં અને દૂર - દૂર નજર દોડાવી પણ એ વ્યક્તિ ક્યાંય દેખાઈ નહીં અમે બધા ફ્રેંડ એકબીજા સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં.