“તું જલ્દી જા, બહેનએ તને બોલાવી છે” ( બહેન એટલે આચાર્યશ્રી) હું એક તાસ પૂરો કરી સ્ટાફ રૂમમાં પાણી પીવા આવી અને બીજો તાસ લેવા જઈ રહી હતી ત્યાં મારી મિત્રએ મને કહ્યું. એના અવાજમાં થોડી ચિંતા જણાતા મેં પૂછ્યું કે શું થયું એ તો કહે. આચાર્ય ચાલુ તાસે ક્યારે પણ અમને બોલાવતા નહીં અને અનુકૂળતા એ જ અમને આવવાનું કહેતા પણ આજે તાસ ની વચ્ચે મને બોલાવી એનો મતલબ એમ કે કંઈક તાત્કાલિક જરૂરી વાત કરવાની હશે એટલે મને થોડી ચિંતા સાથે ઈંતજારી થઈ! મેં એને પૂછ્યું કે શું થયું કંઈક તો કહે? ત્યારે એ કહે મારા વર્ગની ઓલી કવિતાનો પ્રશ્ન છે, એ ડિપ્રેશનમાં છે એ માટે તને વાત કરવા બોલાવે છે. તો મે કહ્યું કે એ તારા વગરની વિદ્યાર્થિનીની છે તો મને શા માટે બોલાવે છે? ત્યારે મારી બેનપણીએ મને કહ્યું કે એ કંઈક તારા વિષયનું પ્રશ્ન છે. સાંભળી મને નવાઈ લાગીકે 10 અ ની કવિતા કોણ? એ મને તો યાદ નથી આવતી કેમકે એ વખતે ધોરણ 10 ગણિત લેવાની મારા ભાગે આવતું. શાળામાં ચાર વર્ગો અને દરેક વર્ગમાં લગભગ 65 વિદ્યાર્થીઓ હોય તો કુલ લગભગ 250 , એમાંથી કોઈ પણ વિદ્યાર્થી નું નામ મને યાદ ન હોય અને કોને ક્યારે શું કહ્યું હોય એ પણ યાદ ન હોય! અલબત્ત ક્યારે પણ કોઈ સાથે દ્વેષ ભાવ રાખીને ન કહ્યું હોય પણ ગણિત જેવો વિષય એટલે થોડું કડક થઇ ને ચાલવું પડે અને આમ પણ હું પહેલેથી જ આ જ શાળામાં ભણેલી એટલે શિસ્તની આગ્રહી હોવાથી ક્યારેક કોઈને શિસ્ત કે ગૃહકારી બાબતે કહેવું પડે એવું બને પણ હાલમાં આવું કંઈ બન્યું હોય એવું મને યાદ નહોતું! મારી યાદદાસ્તને ફંફોસતી, આ વિદ્યાર્થીની ની યાદ કરતી, આચાર્ય બહેન શ્રી ને મળવા ગઈ. આચાર્ય ખૂબ સારા એટલે બંને પક્ષની વાત સાંભળીને કોઈ નિર્ણય લે પણ આજે એમનો ગંભીર ચહેરો જોઈને મને લાગ્યું કે વાત કંઈક વધુ ગંભીર હોવી જોઈએ એટલે મેં એમને નમસ્તે કરી પુછ્યું કે “બહેન શું વાત છે?” બહેને કહ્યું કે “આ વર્ગની દીકરી કવિતા કંઈક ડિપ્રેશનમાં આવી ગઈ છે અને તેની ડિપ્રેશનની દવા ચાલુ છે, મનોવૈજ્ઞાનિક ડોક્ટર પાસે એના વાલી જઈ આવ્યા અને પછી મારી સાથે એ બધી વાત શેર કરી છે! એના પાપા એ તો શાંતિથી વાત કરી, પણ એના મમી જરા વધુ ઉગ્ર બની ગયા હતા! પણ મે મારી રીતે વાત કરી લીધી છે, હવે તમે જરા જોઈ લેશો કે આ વિદ્યાર્થીને શું પ્રોબ્લેમ છે અને કદાચ તમારા થી એની કંઈ વધુ કહેવાય ગયું હોય તો ધ્યાન રાખશો હો. અત્યારે તમારો એના વર્ગમાં જ તાસ છે એટલે મે એ વાત કરવા તમને ખાસ બોલાવ્યા હતા . હવે તમે જઈ શકો છો॰ અને જરા જોઈ લેશો કે એનો શું પ્રશ્ન છે?પછી આપણે નિરાતે વાત કરીએ એના વિષે હો.” બહેન ના હુંફ અને પ્રેમ ભર્યા સ્મિત સાથે હું એ કવિતા વિશે વિચારતી પહોંચી ગઈ એના વર્ગમાં, એ વિચારે મને ચિંતિત કરી દીધી કે આટલી નાની દીકરીને મનોવૈજ્ઞાનિક ની કેમ જરૂર પડે? અને એટલુ તે શું મન પર હાવી થઈ ગયું હશે?
મારો તાસ હોવાથી વર્ગમાં ગઈ એટલે તરત જ જોયું તો અમુક વિદ્યાર્થીઓ જાતે જ પોતાની જગ્યા પર ઊભી હતી અને બાકીની વિદ્યાર્થીનીઓ શાંતિથી પોતાના દાખલા ગણી રહી હતી સામાન્ય રીતે મારો નિયમ એવો હતો કે વિદ્યાર્થીમાં નૈતિકતાના મુલ્યો કેળવાય તે હેતુથી જ મેં તેમને કહી રાખ્યું હતું કે આગલા દિવસે મે જે ગૃહકાર્ય આપ્યું હોય પણ તે જેનાથી પૂરું ન થયું હોય તે વિદ્યાર્થીઓ મારા વર્ગમાં આવ્યા પહેલાં જ મારા તાસમાં જાતે પોતાની જગ્યા પર ઊભા થઈ ને રહેશે. આનાથી એક પ્રમાણિકતાનું ગુણ કેળવાય અને હું એ સાચું બોલતી વિદ્યાર્થીઓ પર વિશ્વાસ કરું અને તેમનું ગૃહ કાર્ય ન થવાનું સાચું કારણ જાણી તેમને બેસાડી દઉં, હવે પછીથી વધુ દરકાર કેળવી કરી કરશે એવું પ્રેમાળ વચન લઈ એમને બેસાડી દઉં. અને પછી તરત મારુ આગળ નું કાર્યશરૂ કરું. આ નિયમ મુજબ આજે પણ વિદ્યાર્થીઓ તેમની જગ્યા પર ઊભી હતી
તેમની સાથે વાતો કર્યા બાદ મેં પૂછ્યું કે બેટા મારે જાણવું છે ક પરથી કેટલી વિદ્યાર્થીઓના નામ આવે છે? અહીં આવો પ્રશ્ન પુછવાનું કારણ એ હતું કે આચાર્ય બહેન શ્રી જે વાત કરી હતી તે વિદ્યાર્થીનું નામ કવિતા હતું પણ જો સીધી રીતે એ નામ સાથે વાત કરું તો તો એને શંકા જાય અને બીજું કે એનો પ્રશ્ન થોડો પેચીદો હતો,તે ડિપ્રેશનમાં હોવાને કારણે વધુ ચિંતિત થાય અને કોઈ નવો પ્રશ્ન ઉભો ન થાય તે હેતુથી આજે નવી ગેમ શરૂ કરવાની વાત મે શરૂ કરી અને કહ્યું કે હવે દરરોજ હું તમારા સૌના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરું છું તેથી આજે ક થી શરૂ કરું છું બારાક્ષરી મુજબ રોજ એક અક્ષર એ રીતે હું મારી યાદદાસ્ત મજબૂત બનાવવાની કોશિશ કરીશ. અને તમારા સૌના નામ યાદ રાખીશ. તો કેવી મજા આવે? સૌને આ નવી ગેમ માં રસ પડ્યો અને એ રીતે ક પરથી નામ ધરાવતી તમામ વિદ્યાર્થીઓ ઊભી થઈ. અહીં કવિતા નામની એક જ વિદ્યાર્થીની હોવાથી જ આ સમસ્યા ધરાવતી વિધાર્થિનીની ઓળખવી સહેલી પડી અને એ નું ચહેરો જોતા જ મને આખી વાત સમજાઈ ગઈ કે પ્રશ્ન શું છે.
વાત જાણે એમ બની હતી કે દર વર્ષે ધોરણ 10માં ગણિતનું પરિણામ એ જ શાળાનું પરિણામ આવે, એવું દરેક ગણિત શિક્ષકોની ખ્યાલ જ હશે! આ વર્ષે શરૂઆતમાં જ કહેવામાં આવ્યું કે ગત વર્ષના ધોરણ નવના ઘણા વિદ્યાર્થીઓ નબળા છે અને ખાસ કરીને ગણિતમાં તે નબળા હોવાથી ધોરણ-10નું પરિણામ ન બગડે તે માટે મારે તેના પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. આ વાતનું ટેન્શન મારા મગજ પર થઈ ગયું. ( કદી ટેન્શન ન કરનારી અને જાત પર શ્રાદ્ધહા રાખનારી હું ખબર નહીં કેમ આ વખતે આટલા બધા નબળા વિધ્યાર્થીઓ જોઈ ટેન્શન માં આવી ગઈ.) કેમ કે ધોરણ 10 ગણિતના વર્ગો મારી પાસે હતા તેથી જો શાળાનું પરિણામ બગડે તો સારું રહે અને દરેક જાણે છે તે ટ્રસ્ટી, આચાર્ય અને તમામ પરિવાર નું તે સહુનું ગણિત નું પરિણામ સારું આવે તે તરફજ ધ્યાન કેન્દ્રિત હોવાથી સૌ આ બાબતે ચિંતિત રહેતા હોય છે. તેથી ગણિત શિક્ષક પર સૌનું ધ્યાન વધુ કેન્દ્રિત હોય એ પણ સ્વાભાવિક છે! આમ તો હું દર વર્ષે દરેક વર્ગમાંધો.10માં શરૂઆતથી એક અઠવાડિયું ધોરણ નવના પરિણામની આધારિત તથા ગણિત વિષયના આધારે ત્રણ વર્ગમાં A, B, C એમ વિદ્યાર્થીનીઓને વર્ગીકરણ કરી, મારી પાસે માહિતી તૈયાર રાખું॰ જેમાં પ્રથમ A ગ્રેડ ધરાવતી વિદ્યાર્થીનું લિસ્ટ અને C એટલે ખાસ કરીને 40 થી ઓછા ગુણ ધરાવતી વિદ્યાર્થીઓનું એક લિસ્ટ તૈયાર કરું. અને તે મુજબ તેમને અલગ અલગ રીતે તૈયારી કરાવું. વચ્ચેનું એક જૂથ એવું કે જે મધ્યમ ગુણ ધરાવતું હોય તેમની કેવી રીતે માર્ગદર્શન આપવું કે જેથી તેઓ જ્યાં છે ત્યાં રહે અને તે સિવાય પણ જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ વધે અને શક્ય હોય તો એ ગ્રેડ તરફ જાય આ રીતની મારી દર વખતની તૈયારી હોય જ..
એ કર્યા બાદ આ વર્ષે મેં શરૂઆતથી અને ખાસ કરીને 10 અ માં નબળી વિદ્યાર્થીઓ વધારે હતી, તેથી વર્ષની શરૂઆતમાં પૂછ્યું હતું કે કેટલીક વિદ્યાર્થીનીઓ ધોરણ નવ માં ગણિત માં રી ટેસ્ટ આપીને આવી છે.. લીસ્ટ અલગ તૈયાર કરી તો વર્ગની લગભગ અડધી વિદ્યાર્થીની આ લિસ્ટમાં આવતી હતી!! આ જોઈ હું ચોંકી ગઇ, અને શરૂઆતથી માત્ર તેમના સારા ભવિષ્ય માટેની તૈયારીના હેતુથી તેમની કડકાઈથી સૂચના આપી કે, દરરોજ ગણિતમાં જેટલું લેશન આપું છું તે તમારે કરવું ફરજિયાત છે અને નહિ કરો તો તે તમારા ભવિષ્ય માટે યોગ્ય નહીં, પણ તમારી આ વર્ષે બેદરકારી હું ચલાવી લઈશ નહીં જ.! આવું વચન ખૂબ કડકાઈથી કહ્યું હતું પણ તે તેમના સારા ભવિષ્ય ના નિર્માણ માટે જ કહ્યું હતું. હવે દરેક વ્યક્તિની પોતાની અલગ મેન્ટાલીટી હોય છે એ મુજબ સામેની વ્યક્તિએ કહેલી વાત આપણા મન પર કેટલી લઈએ છીએ તે અગત્યની વાત છે... અહીં પણ એવું જ બન્યું 35 માંથી લગભગ પાંચ વિદ્યાર્થીની એવી હતી કે જેની આ વાક્યની કોઈ અસર થતી નહિ એ દરરોજ પોતાની બેદરકારી એમને એમ રાખતી અને મરજી મુજબ વર્તન કરીને ગણિત પ્રત્યે બેદરકાર ન કેળવતી હતી.. બીજી ઘણી વિદ્યાર્થીઓ એવી હતી કે જે થોડી ઘણી પણ દરકાર કરી, મારા સૂચનોનો અમલ કરી, પ્રેમથી આપેલું ગણિત નું ગૃહકાર્ય તથા વધારાનું કાર્ય કરી પાસ થવા માટે પૂરતા પ્રયત્નો કરતી હતી. માત્ર એક વિદ્યાર્થી એવી હતી કે જે આ વાતનો સાચો અર્થ સમજ્યા વગર એના મન પર ઉલ્ટી અસર થઇ ગઇ હતી.
પણ કેવી અસર? તરુણ અવસ્થામાં આવતા બાળકો કઈ વાત મન પર કઈ રીતે લે છે એ દરેક જણે જાણવું ખૂબ જરૂરી છે. તેથી અહી આ વાત રજૂ કરી છે. દરરોજ હું વર્ગમાં જઈને આ લીસ્ટ વાળી વિદ્યાર્થીઓની પ્રથમ ઉભી કરી અને એમનું ગૃહકાર્ય ખાસ ચેક કરતી. એ દરેક વિદ્યાર્થીની સાથે બીજી એક એનાથી થોડી વધુ હોશિયાર વિદ્યાર્થી ની જોડી બનાવી તેની લેસન કરાવવાની અને તેનું લેસન ચેક કરવાનું કાર્ય સોંપ્યું હતું.એમની સાથે વાત કરી જરૂરી સૂચના આપી દઉં. કવિતા આ લીસ્ટમાં થી એક હતી.( ખાસ યાદ રાખજો મિત્રો આ વાત ,કે આ લિસ્ટમાંની એક કવિતા હતી, બસ એનાથી વધુ હું એને વ્યક્તિગત નહોતી ઓળખતી.) પણ એના મગજમાં આ વાત એટલી બધી અસર કરી ગઇ કે દરરોજ બહેન વર્ગમાં આવીને અમને આટલા લોકોને જ ઊભા કરે છે જેમાં હું છું.!! હવે ખાસ અગત્યની વાત એ છે કે જેમ સમૂહમાં 35 એ વિદ્યાર્થીનીઓને જે સૂચન આપતી કે જે કડક વાતો કરતી એ જ રીતે મેં કવિતા ને કહ્યું હતું, નહીં કે વ્યક્તિગત ક્યારે પણ એને સૂચન આપ્યું હોય! એવું બન્યું નથી તેથી જ તો મને એનું નામ પણ યાદ નહીં અને એ વિદ્યાર્થીની પણ યાદ નહીં. બસ એટલું યાદ કે ધોરણ 10 અને 35 વિદ્યાર્થીની કે જે ગણિતમાં ધોરણ 10માં મારે પાસ કરવાની છે એમાં દરેકની આ સૂચન લાગુ પાડવાનું છે એ રીતે દરેકની રોજ સૂચના આપતી......(ક્રમશ: )