31 Decemberni te raat - 12 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 12

Featured Books
Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 12

મોનિકા મેડમ વિરલ સાહેબને અને લ્યૂકને કેશવના જૂના ફોટા બતાવી રહ્યા હતા. કેશવે ઘણી બધી જગ્યાએ જઈ સેવાઓ આપી હતી સાથે સાથે ઘણી બધી અલગ અલગ પ્રવૃતિઓના પણ ફોટોગ્રાફ્સ હતા.

મોનિકા મેડમ: ફોટોઝમાં કેટલો ખુશ લાગે છે પણ કોને ખબર કે એના મનમાં કેટલી અલગ અલગ જાતની મુશ્કેલીઓ ચાલતી હશે.

વિરલ સાહેબ મોનિકા મેડમની પણ વાત સાંભળી રહ્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા.

"આ કોણ છે? ઘણા બધા ફોટોઝમાં છે આ" વિરલ સાહેબે એક ફોટોઝમાં એક યુવતી પર હાથ મૂકતા પૂછ્યું.

"આ જેસિકા જેની હમણાં આપણે થોડીવાર પહેલાં ચર્ચા કરી રહ્યા હતા પરંતુ શી હેડ અ કેન્સર એન્ડ શી ઇઝ નો મોર..." મોનિકા મેડમે ધીમા અવાજે કહ્યું.

"એન્ડ આ કઈ જગ્યાનો ફોટોઝ છે? અમદાવાદનો નથી લાગતો"વિરલ સાહેબે ફરથી બીજા ફોટોઝ બતાવીને કહ્યું .

"હા આ ફોટોઝ અમે મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીઓ ટ્રીપ પર ગયા હતા મસૂરી..."

"ઓહ...ક્યારે ગયા હતા કઈ ખ્યાલ ખરો?

" આઈ થિંક અમે 2011 ડિસેમ્બરમાં ગયા હતા"

"તમે મને આ પિકનિકની મોટા ભાગની માહિતી આપી શકો? એકઝેટ ડેટ એન્ડ કોણ કોણ હતું અને કોઈ ઘટના થઈ હોય જે હજુ યાદ હોય તમને." વિરલ સાહેબે મસૂરીની ટ્રીપમાં થોડે ઊંડાણમાં ઉતરવા માંગતા હતા કદાચ તેમને કંઇક અજુકતું લાગ્યું હોય.

" શ્યોર..." મોનિકા મેડમ મસૂરીની ટ્રીપ યાદ કરીને વિરલ સાહેબને બતાવવા તૈયાર થઈ ગયા. તેમણે તે રૂમમાંથી બીજા કેટલાક આલ્બમ લીધા અને સંસ્થાની લાઇબ્રેરીમાં ગયા.

લાઈબ્રેરી ખાસી મોટી અને દરેક કબાટમાં ભરી ભરીને જાત જાતની નવલકથા , બુક્સ ગોઠવેલી હતી. બુક પસંદ કરવાની જગ્યા અલગ અને એની પાછળના ભાગમાં મોટો હોલ હતો.

ત્યાંથી એક કબાટમાંથી મોનિકા મેડમે એક બુક નીકાળી.

મોનિકા મેડમ : આ ડાયરી જેસિકા મસૂરીની ટ્રિપમાં લઈ ગઈ હતી અને પોતાના અનુભવ લખ્યા હતા. કદાચ તમને હું જે બતાવીશ તેના સિવાય પણ કંઇક કામની વાત ખબર પડે.

વિરલ સાહેબ : ઓહ... ગુડ

મોનિકા મેડમે કબાટ બંધ કર્યું અને ત્રણેય વાંચન વિભાગ તરફ જઈ રહ્યા હતા જે બુક પસંદ કરવાની જગ્યાની પાછળ હતું.

પાછળના ભાગમાં મોટો હોલ હતો જ્યાં ટેબલો ખુરશીઓ ગોઠવેલી હતી. આટલી વિશાળ લાઈબ્રેરી વિરલ સાહેબે પહેલા ક્યારેય જોઈ ન હતી.

ઘણા વિદ્યાર્થી તેમજ વાંચવાના શોખીન લોકો ત્યાં પિન ડ્રોપ સાઇલેન્સમાં પોતપોતાની મનગમતી નવલકથા વાંચી રહ્યા હતા.

મોનિકા મેડમ સૌથી છેલ્લે ખૂણામાં એક બારીવાળી જગ્યા પસંદ કરી અને ત્યાંની બારી ખોલી.બારી ખોલતાં જ સરસ મજાનો ઠંડો પવન શરૂ થયો.

ત્યાંનો માહૌલ એટલો શાંત અને સરસ હતો કે જેને વાંચન ના ગમતું હોય તેને પણ વાંચવાની ઈચ્છા થઈ જાય.

મોનિકા મેડમે પ્યુનને ત્રણ ચા લાવવા કહ્યું અને મોનિકા મેડમ અને વિરલ સાહેબ સામ સામે બેસી ગયા. લ્યુક પણ સાઈડમાંથી એક ખુરશી લઈ પોતાની ડાયરી અને પેન સાથે મસૂરી ટ્રીપની કામમાં આવશે તેવી બાબતો લખવા તૈયાર થઈ ગયો.

ઠંડા પવનમાં ધીરે ધીરે ઊડતી મોનિકા મેડમની લટને જોતા વિરલ સાહેબનું ધ્યાન વારંવાર ભટકતું હતું પણ તેમણે દ્રઢ એકાગ્રતાથી કાર્યને અને કેસને માન આપી મોનિકા મેડમને શરૂઆત કરવા કહ્યું.

હવે આપણે મસૂરીની ટ્રીપ મોનિકા મેડમ દ્વારા જોઈશું.

**************************

(અમુક બાબતો જેસિકાની ડાયરીમાંથી અને અમુક બાબતો મોનિકા મેડમના અનુભવથી)

15-12-2011
અહમદાબાદ જંક્શન

અહમદાબાદ જંક્શન રોજના જેમ જ ટ્રેનો, મુસાફરો અને તેમના સામાન દ્વારા ધમધમતું હતું. ચારે બાજુ મુસાફરો અને કુલીઓનો શોર બકોર.

અમે પ્લેનથી જવાના હતા પરંતુ લોકોનું કહેવું હતું કે ટ્રેનથી વધારે મજા આવશે.થોડી વધારે રાહ જોવી પડશે પણ ઠંડીનો મોસમ છે અને આવી રીતે બધા ભેગા ટ્રેનમાં જઈશું એ પણ મસૂરી કલ્પના કરો કે કેવો જબરદસ્ત અનુભવ અને એડવેન્ચર રહેશે.

તેથી અમે અહમદાબાદ જંક્શનથી દહેરાદૂન જવાનું નક્કી કર્યું અને ત્યાંથી ટેક્સી કરીને મસૂરી.

લગભગ બપોરના એક વાગવા આવ્યા હતા. કેશવ , જેસિકા સાથે સાથે તેમના બે ત્રણ મિત્રો સ્ટેશને આવી પહોંચ્યા હતા. હજુ મોનિકા મેડમ , રાજીવ સર , હસમુખ સર કલ્પના મેડમ અને બીજા ચાર પાંચ સંસ્થાના મેમ્બર્સ બાકી હતા.

ટ્રેન પોણા બે વાગ્યાની આસપાસની હતી.

" હાય...કેશવ " રાહુલે કેશવને થોડે દૂરથી હાથ ઊંચો કરી બૂમ પાડતા કહ્યું. રાહુલ પણ કેશવના જેમ જ સંસ્થા સાથે જોડાયો હતો.

રાહુલના હાથમાં એક ટ્રોલી બેગ હતી અને ખભા પર સ્કાય બેગની બેગ ભરાવેલી હતી. તેની પાછળ ઋતવી ખભા પર એડવેન્ચર બેગ ભરાઈને ભીડમાંથી ખસતા ખસતા બંને લોકો કેશવ તરફ આવી રહ્યા હતા.

કેશવ ત્યાં ઉભો ઊભો ચા પી રહ્યો હતો અને તેની બાજુમાં જેસિકા અને નીરજ ઊભા હતા. નીરજ જેસિકાના પ્રેમમાં ડૂબેલો હતો અને જેસિકા નીરજને પસંદ કરતી હતી પણ તેનું મન અને હૃદય કેશવ માટે વધારે ધબકતું હતું.

આ વાત નીરજ જાણતો હતો અને તેથી તે કેશવથી ઈર્ષ્યા કરતો પરંતુ મિત્રતાને કારણે બંને હાય હેલો કરતા .

તે સમયે કેશવ ત્રિશા સાથે રીલેશનશીપમાં હતો તેથી તેણે જેસિકા સાથે ફક્ત મિત્રતા રાખી હતી.

2011માં જેસિકાને કૅન્સર ન હતું અને તે વખતે કેશવ અને જેસિકાની ઘાઢ મિત્રતા પણ ન હતી.

પાંચેય લોકો કેશવ , જેસિકા , નીરજ , રાહુલ અને ઋતવી એકબીજાને મળ્યા અને હાય...હેલો કર્યું.

"પેલો જો અહીંયાથી જ ફોટા પડવાનું શરૂ કરી દીધું." ઋતવીએ બધાનું ધ્યાન જૉન તરફ કરતા કહ્યું.

જનક. તેનું માર્કશીટમાં ચાલતું નામ જનક પરંતુ બધા તેણે જનક રાજા જનક રાજા કરીને તેની મશ્કરી કરતા અને નામ પણ સંસ્કારી લાગતું જે તેને પસંદ ન હતું.

તેથી જનક માંથી "ક" કાઢી "જ" નું "જૉ" કરી નાખ્યું અને આમ બધા તેને જૉન તરીકે બોલાવવા લાગ્યા.

જૉન આ ગ્રુપનો ફોટા પડવાનો શોખીન . તેણે Bsc લીધું હતું પરંતુ તેનું ધ્યાન હંમેશા co2 h2o ની જગ્યાએ કુદરતી દ્ર્શ્યો અને પક્ષીઓ - જાનવરોના ફોટા પાડવા પર રહેતું.

તે અહમદાબાદ જંક્શન પર ટ્રેન તેમજ લોકોની મુસાફરીના ફોટા પાડતો પાડતો આવી રહ્યો હતો.

તે આવીને બધા સાથે મળ્યો અને ફોટા બતાવવા લાગ્યો . બધા એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા અને ચારે બાજુ લોકોનો અવાજ અને ટ્રેનોની અવર જવર શરૂ જ હતી.

લગભગ દોઢ વાગવા આવ્યો હશે અને મોનિકા મેડમ ,
કલ્પના મેડમ , હસમુખ અને રાજીવ સર આવી પહોંચ્યા હતા અને સાથે બીજા 3-4 મિત્રો હતા. ટ્રેન આવવામાં હજુ થોડી વાર હતી.

"બધાને ઇન્સ્ટ્રકશન્સ યાદ છે?"

હસમુખ સાહેબે સિટી વગાડી બધા વિદ્યાર્થી તેમજ મેમ્બર્સને યાદ કરાવતા પૂછ્યું.

"ચોક્કસ સર યાદ જ હોય ને" જૉને સાહેબનો ફોટો પાડતા હસતા હસતા કહ્યું.

"એ તું પહેલા ફોટા પડવાનું બંધ કર ત્યાં જઈને જેટલા ફોટા પાડવા હોય પાડજે" હસમુખ સરે પણ એક હળવી હસી સાથે જૉનને કીધું અને બધા હસવા લાગ્યા.

થોડીવારમાં જ ટ્રેનની વ્હિસલ વાગી .

" ચલો...ચલો... પોતપોતાના બેગ લઈ લો અને કોઈનું કઈ રહી ના જાય ધ્યાન રાખજો.

"રાહુલ ક્યાં છે?" રાજીવ સરે પૂછતા કહ્યું. બધા ધીરે ધીરે ટ્રેન તરફ આગળ વધી રહ્યા હતા.

"અરે ભાઈ...જલ્દી આપ એક સિગારેટનું પેકેટ ટ્રેન આવી ગઈ છે." રાહુલે ત્યાં ગલ્લાવાળાને ઉતાવળ કરવા કહ્યું.

" રાહુલ...!રાહુલ!" કેશવે જોરથી બૂમ પાડી.
એટલામાં જ રાહુલ ફટાફટ દોડતો આવી પહોંચ્યો.

રાજીવ સર : ચલો...ચલો ...!

બધા ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ડબામાં ચઢી ગયા હતા અને પોતપોતાની જગ્યા લઇ સામાન ગોઠવી રહ્યા હતા.

(ક્રમશ:)