જૈમિનને પૂછપરછ બાદ થોડા દિવસ કસ્ટડીમાં રખાયો. એકદિવસ બાદ દાર્જિલિંગથી ટ્રેન મારફતે કેશવના માતા પિતા પણ અહમદાબાદ પહોંચી ગયા.
તેઓ સીધા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા. કેશવના પિતાનું નામ રમાકાંત શાહ જ્યારે માતાનું નામ સારિકા.
રમાકાંત : સર...શું થઈ ગયું મારા પુત્રને?
રમાકાંતભાઈએ પોલીસ સ્ટેશનમાં આવતા જ રોવાનું શરૂ કરી પોતાના દીકરાની હાલત વિશે પૂછ્યું. સારિકા બહેન પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા.આટલો બધો અવાજ સાંભળતા કેબિનમાંથી વિરલ સાહેબ આવ્યા અને બંનેને શાંત કરાવ્યા અને બંનેને પોતાના કેબિનમાં લઈ ગયા.
વિરલ સાહેબના કેબિનમાં બે મિનિટ માટે માહોલ એકદમ શાંત હતો. જીગુભાઈ કિટલીવાળા ત્રણ જણ માટે ચા મૂકી ગયા.
વિરલ સાહેબે ધીરે રહીને રમાકાંતભાઈ અને સારિકા બહેનને આખી ઘટના જણાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે કેશવે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે પરંતુ આ વાતની જાણ તેઓ કોઈને ના કરે તેવી સલાહ આપી.
સરિકા: પણ સાહેબ કેશવની કોઈના સાથે કોઈ દુશ્મની ન હતી અને કેશવ બધા સાથે હળીમળીને રહેતો હતો તો કોણ આવું કરી શકે? સારિકા બહેનને પોતાની ભીની આંખોથી વિરલ સાહેબને કહ્યું.
થોડીવાર વિરલ સાહેબ એકધારું બારીની બહાર જોઈ રહ્યા અને કેશવના માતા પિતાને પૂછ્યું કે ...
" શું તમને ખબર છે કેશવ "LIVE ROYAL LIFE" નામની સંસ્થા સાથે કાર્યરત હતો? "
" હા...અમને ખ્યાલ હતો અને એ વાતનું અમને ગર્વ હતું કે અમારો પુત્ર લોકોની સેવા કરવા ઈચ્છે છે " રમાકાંતભાઈએ જવાબ આપતા કહ્યું.
" કેશવે ક્યારેક કોઈ મુશ્કેલીમાં હોય અથવા કોઇ મુંઝવણમાં હોય એવું કંઈ ફોન કરી જણાવ્યું હતું? "
" ના...એવું તો આટલા વર્ષો એ અહમદાવાદમાં રહ્યો પણ એણે ક્યારે કોઈ વાતની મુશ્કેલી હોય કે મુંઝવણ હોય એવું ક્યારેય કહ્યું નહીં અને હોત તો તે ચોક્કસ અમને વાતની જાણ કરી હોત ..." સારિકા બહેને જવાબ આપી વિરલ સાહેબને આ કેસમાં વધારે ઊંડું ઉતારવા મજબૂર કરી દીધા.
" તેણે ક્યારેય જેસિકા કે ત્રિશા નામનો ઉલ્લેખ કર્યો હતો " વિરલ સાહેબે પોતાની ચાનો છેલ્લો ગુંટ પીતા છેલ્લો સવાલ કેશવના માતા પિતા આગળ મૂક્યો.
" ત્રિશા ...? જેસિકા...? ના આ નામનો ઉલ્લેખ તેણે ક્યારેય નથી કર્યો. કોણ છે આ? આમને કર્યું છે બધું? " રમાકાંતભાઈએ થોડા ગુસ્સામાં આવીને જવાબ આપતા કહ્યું.
" ના... ના આ ખાલી કેશવના મિત્રો છે એટલે થયું કે કેશવે ક્યારેય તેના મિત્રો વિશે કહ્યું છે? ખાલી એની ખાતરી કરવા માટે " વિરલ સાહેબે ધીરે રહીને વાતને નવો વળાંક આપી તેમની પૂછપરછ પૂરી કરી અને રમકાંતભાઈ અને સારિકા બહેનને જવાની છૂટ આપી પરંતુ તેમને અહમદાબાદમાં જ રહેવાની સલાહ આપી .
સ્કાય બ્લુ એપાર્ટમેન્ટ ક્રાઇમ સીનના કારણે તેઓ ત્યાં રહી ના શકે એટલે વિરલ સાહેબે તેમને એક હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી.
**********************
વિરલ સાહેબે આગળની તલાશ શરૂ કરી .
લગભગ બપોરના દોઢ વાગ્યા હશે.
વિરલ સાહેબ અને લ્યુક "LIVE ROYAL LIFE" સંસ્થા પહોંચ્યા.
સંસ્થા ખૂબ મોટી અને લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલી હતી. ત્યાં જ રહેવાની ઈચ્છા થઈ જાય તેવી હતી.
વિરલ સાહેબ ત્યાં પહોંચી સંસ્થાના ટ્રસ્ટી વિશે પૂછ્યું. ત્યાં કામ કરતા પટાવાળાએ તે સંસ્થાના ટ્રસ્ટી " રામાધીર ઉપાધ્યાય"ની કેબિન બતાવી.
રામાધીર વિરલ સાહેબને જોઈને તરત ઊભા થઈ ગયા.
" અરે ...પોલીસ? શું થયું ? આવો બેસો. " રામાધીરે વિરલ સાહેબ લ્યુકને બેસવાનું આમંત્રણ આપ્યું.
વિરલ સાહેબ તેમની સામે બેઠા જ્યારે લ્યુક પાછળ ઉભો રહ્યો.
" મેં તમને ન્યૂઝ ચેનેલમાં જોયા હતા...વિરલ સાહેબ રાઈટ ?" રામાધીરે વિરલ સાહેબને ઓળખતા કહ્યું.
" રાઈટ ...રાઈટ..."
" હું રામધીર ઉપાધ્યાય આ સંસ્થાનો ટ્રસ્ટી. શું મદદ કરી શકું? "
" તમારી સંસ્થા સાથે કામ કરતા કેશવ શાહ જેમણે આત્મહત્યા કરી છે તેના વિશે માહિતી મેળવવી હતી"
" હા...એ વાત જાણીને દુઃખ થયું કે અમારી સંસ્થા આત્મહત્યા રોકવા માટેના પણ કાર્ય કરે છે અને તેના માટે કામ કરતા યુવાને આત્મહત્યા કરી. " રામાધીરે જવાબ આપતા કહ્યું.
" તો તમે બતાવી શકો છો કે કેવો સ્વભાવ હતો કેશવનો અને કેવી રીતે કાર્યરત હતો? "
" હું તો ના કહી શકું પરંતુ તે જે ટીચર તેમજ બીજા વર્તુળ સાથે કાર્ય કરતો તેમજ જેના સાથે કાર્ય કરવા જતો તે સારી રીતે બતાવી શકશે. "
વિરલ સાહેબ અને લ્યુક 28 વર્ષીય મોનિકા મેડમ જે સંસ્થા સાથે કાર્ય કરવા આવતા સ્ટુડન્ટ્સને અપોઇન્ટ કરતા તેમજ તેમના સાથે કાર્ય કરતા હતા તેમને મળ્યા.
લ્યુક , વિરલ સાહેબ અને મોનિકા મેડમ લોબીમાં ચાલતા ચાલતા વાત કરી રહ્યા હતા. સરસ મજાનો ઠંડો પવન શરૂ થઈ ગયો હતો અને વૃક્ષોના કારણે તે વધારે ઠંડો લાગી રહ્યો હતો.
મોનિકા મેડમ : કેશવ એક જાગૃત તેમજ હંમેશા કંઇક નવું કરવા આતુર રહેનાર સ્ટુડન્ટ હતો. તે હંમેશા ડિપ્રેશન તેમજ ચિંતાથી પીડાતા લોકોને અલગ માર્ગ બતાવતો જેનાથી ઘણા લોકોને ફાયદો થતો.
મેં ક્યારેય તેને મુઝવણમાં કે મેડમ આ પ્રોબ્લેમ છે કે હું આજે નઈ આવી શકું આવું કોઈ બહાનું કે પ્રોબ્લેમ નથી જોઈ પરંતુ ખબર નઈ કેમ તેણે આ પગલું ભર્યું?
વિરલ સાહેબ : કોઈ જેસિકા નામની ફ્રેન્ડ પણ હતી કેશવની અહીંયા?
" હા...તે બંને ખાસ મિત્રો હતા. હંમેશા એકબીજાની હેલ્પ કરતા અને સારી રીતે બધું હેન્ડલ કરી લેતા હતા અને બંનેની કેમેસ્ટ્રી પણ જામતી હતી બટ જેસિકાએ કહ્યું હતું કે હી ઈઝ ઇન રિલેશનશીપ. "
આટલું બોલતા પવન થોડો વધારે વહેવા લાગ્યો જેથી મોનિકા મેડમના વાળ ઠંડા પવનથી તેમની આંખ પર આવતા હતા જેથી તેમણે પોતાના હાથથી વાળ તેમના કાન પાછળ લઈ ગયા આ દ્રશ્ય વિરલ સાહેબ તેમની ભૂરી આંખોથી જોઈ રહ્યા હતા અને બંનેની નજર થોડીક સેકંડો માટે અલગ રીતે ટકરાઈ...
" આઈ થીંક તમે આ કેસને મર્ડરની દ્રષ્ટિથી જોઈ રહ્યા છો... કમ હિયર હું તમને કેશવના અમુક ફોટોઝ બતાવું જે તેને અત્યાર સુધી કાર્ય કર્યું છે તેના છે કદાચ તમને એમાંથી કંઈક ક્લુ મળી જાય. " મોનિકા મેડમે તરતજ વિરલ સાહેબની એકાગ્રતા તોડતા તેમને એક રૂમમાં લઈ ગયા જે ખાલી ફોટોઝના કબાટથી ભરેલો હતો.
(ક્રમશ:)
-Urvil Gor
પ્રતિભાવ જરૂર આપશો.🙏