વર્તમાન સમય
જૂન ,1995,
ટોમી અને જેનેલિયા હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસોમાં બધા અખબારમાં છપાઈ ગયું કે
"ટોમી પર કોઈએ કર્યો જીવલેણ હુમલો...સાથે સાથે તેની પત્નીનો પણ થયો અકસ્માત. હાલ બંને એકજ હોસ્પિટલમાં લઈ રહ્યા છે આરામ. "
ટોમીએ રાહુલને કહી ને તેના ઘરની તેમજ કારખાનાની સુરક્ષા વધારી દીધી.
બાબા ક્યાં ભાગી ગયો અને કોના કહેવાથી તેણે ટોમી પર હુમલો કર્યો તે કોઈને ખબર ન હતી.
ટોમીના અંદરનો ગુસ્સો હવે વધી રહ્યો હતો. આટલા સમય સુધી ગતી ધીમી કર્યા બાદ ફરીથી તેને સત્તા વધારવાનું ભૂત ચઢ્યું.
ટોમી અને જેનેલિયાને હોસ્પિટલમાં લગભગ વીસ દિવસ થવા આવ્યા હશે. આખા અહમદાબાદ તેમજ આજુબાજુના શહેરોમાં ખબર પડી ગઈ કે ટોમી કયા હોસ્પિટલમાં છે. જેથી રાહુલે ટોમી જે રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યાં માણસો રાખી દીધા અને હોસ્પિટલના નીચે પણ તેના માણસો આવનાર જનાર પર નજર રાખી રહ્યા હતા.
ટોમીએ રાહુલ પાસે એક નાની ડાયરી મંગાવી અને રાહુલના સહારે ધીમે ધીમે ચાલીને હોસ્પિટલના લેન લાઈન સુધી ગયો અને ડાયરીમાંથી એક એક કરીને આજુબાજુના શહેરોમાં તેણે જે લોકલ ગુંડાઓ રાખ્યા હતા તેઓના મેઈન માણસોને ફોન કરવાના શરૂ કર્યા.
ટોમીએ દરેકને કહ્યું કે હવે ટોમીના માણસો તેમના શહેર આવી શરાબ અને દેશી કટ્ટા બનાવવાનું શરૂ કરશે જેથી ત્યાંથી હજુ આગળના શહેરો સુધી માલ પહોંચે.
લગભગ ગાંધીનગર , ભાવનગર , બોટાદ , સુરેન્દ્રનગર , આણંદ , વડોદરામાં ટોમીના કહેવા મુજબ તેના માણસોએ લોકલ ગુંડાઓ સાથે સંપર્ક કર્યો અને ત્યાં શરાબ તેમજ દેશી કટ્ટા માટે કારખાના બનાવવાના શરૂ કર્યા.
લગભગ આંઠ દસ દિવસમાં કારખાના ઊભા થઈ ગયા અને તેઓએ કામ શરૂ કર્યું.
જ્યારે દક્ષિણમાં રાજકોટ , અમરેલીમાં પણ કારખાના બનાવી દીધા.
ટોમી અને જેનેલિયાને દવાખાનામાં લગભગ દોઢ મહિના થવા આવ્યા હશે. દર બીજા દિવસે ટોમીના માણસોની ફરિયાદ પેપરમાં છપાતી.
પોલીસ સ્ટેશનમાં પણ હેડ કોન્સ્ટેબલો તેમજ પીઆઈ સુધી લોકો કંટાળ્યા હતા.
ગુજરાતમાં જો કોઈ મોટા માથા ભારે ગુંડા કે ગેંગસ્ટરનું નામ કોઈને પૂછીએ તો તેમના મોઢાં પર ખાલી ટોમીનું નામ આવતું.
**********************
અહમદાબાદમાં અચાનકથી ટોમીના ટ્રકો પકડાવા લાગ્યા અને તેમના લોકલ ગુંડાઓને પણ વારંવાર પોલીસ પકડીને લઈ જતી હતી.
રાહુલે એક વખત આવીને ટોમીને કહ્યું કે અહમદાબાદમાં જોઈએ એવો ધંધો નથી રહ્યો. મોટાભાગના ટ્રકો પકડાઈ જાય છે અને આપણા માણસોને પણ કોન્સ્ટેબલો તેમજ બીજા પોલીસવાળા વારંવાર હેરાન કરે છે.
ટોમીના મનમાં એવું થવા લાગ્યું કે લોકોમાંથી હવે તેનો ડર ધીમે ધીમે જઈ રહ્યો છે.
બીજી બાજુ એ પણ જોવાનું છે કે બાબા ગદ્દાર કેમ નીકળ્યો. રાહુલે પણ ખાસી તપાસ કરાવી પરંતુ બાબા ક્યાં ગાયબ થઈ ગયો છે તે કોઈને ખબર નથી.
આ બધું જોતા ટોમીએ એક દિવસ હોસ્પિટલમાંથી
કમિશનરને ફોન કર્યો.
ટોમી : હેલ્લો...! ટોમી બોલું...
કમિશનર : કોણ ટોમી...
ટોમી થોડી સેકંડો માટે ચૂપ રહ્યો અને પછી બોલ્યો..
ટોમી : પૈસાની બેગ મળતા આટલી જલ્દી ભૂલી ગયો?
કમિશનરને ખ્યાલ તો હતો કે કોણ ટોમી કારણ કે કોઈ એવું નઈ હોય જેણે ટોમીનું ના સાંભળ્યું હોય.
કમિશનર : ટોમી.... ગેંગસ્ટર બરોબર...
ટોમીને વાત કરતા કમિશનરનો અવાજ થોડો અલગ લાગ્યો.
ટોમી : કમિશનર વાત કરે છે કે રોંગ નંબર?
કમિશનર : ના... ના...નંબર સાચો છે અને હું કમિશનર જ છું...રાજવીર જાડેજા!
એટલું કહી કમિશનરે ફોન મૂકી દીધો.
ટોમીને કમિશનરના અવાજથી પહેલીવાર ફાળ પડી કારણ કે તેના અવાજમાં એક ગર્જના હતી.
તે ફોન મુકી રાહુલ પાસે ગયો અને પૂછ્યું કે જૂનો કમિશનર નિવૃત્ત થઈ ગયો?
રાહુલે થોડીવારમાં જાણકારી મેળવીને ટોમીને કહ્યું કે આપણો કમિશનર અઠવાડિયા પહેલાજ નિવૃત્ત થયો એની જગ્યાએ કોઈ જાડેજા...
ટોમી : રાજવીર જાડેજા....વાત થઈ મારી એના જોડે અને તું હવે કહે છે મને...
રાહુલ : મને પણ ખરેખર નહતી ખબર.
ટોમીએ ઘણી વાર પોતે ફોન કર્યા અને રાહુલને પણ રાજવીર જાડેજા પાસે મોકલ્યો પરંતુ આ વખતે સમય ટોમીના તરફ ન હતો.
દરેક ટોલ ટેક્ષ , ચેક પોસ્ટ પર કડકાઈથી ચેકીંગ માટેનો આદેશ આપી દીધો હતો.
ટોમીના આ ફોન કોલથી કમિશનરે ટોમી વિરુદ્ધની અત્યાર સુધીના બધા ક્રિમીનલ રેકોર્ડસ ચેક કરવાના શરૂ કર્યા અને જે જે પોલીસ સ્ટેશનમાં તેની કે તેના માણસો સામે જે ફરિયાદ નોંધાઈ છે તેની ફાઈલ મંગાઈ.
ટોમી કે તેના માણસોને તો ખ્યાલ જ ન હતો કે તેમના ખિલાફ પોલીસ શું એક્શન લેવા જઈ રહી છે.
(ક્રમશ:)
- Urvil Gor