તે યુવાન પિસ્તોલ લઈ ત્યાંથી નીકળી ગયો.
🔫 🔫 🔫 🔫 🔫 🔫 🔫
' આંઠ વાગવા આવ્યા...ચલો બંધ કરીએ ' મોહનલાલ જે સમર પંડિતના પપ્પા. તેમની સ્ટેશનરીની દુકાન બંધ કરવા માટે ઊભા થયા.
' કાકા...બંધ કરતા પહેલા એક પેન્સિલનું બોક્સ આપી દો. ' ત્યાંજ એક છોકરો આવીને મોહનલાલ ભાઈને રોકતા બોલ્યો.
મોહનલાલભાઈએ અંદર જઈને છેલ્લું બચેલું પેન્સિલનું બોક્સ આપ્યું અને પૈસા લઈ પોતાના પેન્ટના ગજવામાં મૂક્યા.
તે તેમની દુકાનના પાછળના રૂમમાં જઈને પેન્સીલના બોક્સનો સ્ટોક ચેક કરવા ગયા એટલામાં ત્રણ લોકો આવી તેમની દુકાનનું શટર બંધ કરી અંદર ગુસી ગયા અને મોહનલાલભાઈને મારવા લાગ્યા.
તે ત્રણમાંથી એકે સાઈલેન્સરવાળી પિસ્તોલ કાઢી મોહનલાલભાઈને તેમની જ દુકાનમાં ત્રણ ગોળી મારી તેમની હત્યા કરી નાંખી.
મોહનલાલભાઈને મારી ત્રણે ત્યાંથી નીકળી ગયા. કોઈને અવાજ ન આવ્યો કે શું થયું. કારણકે એ દુકાનોના પટ્ટામાં મોહનલાલભાઈની જ દુકાન ખુલ્લી હતી.
🔫 🔫 🔫 🔫 🔫 🔫 🔫
મોહનલાલભાઈની હત્યા થયાને લગભગ પોણો કલાક બાદ.
' મમ્મી...મમ્મી પપ્પાને આજે થોડું મોડું થયું. પૂછી જોઉં ફોન લગાવીને ' સમરે તેની મમ્મીને બૂમ પાડતા કહ્યું.
' હા... કરી જો કદાચ મોડું થાય એવું હોય તો જમી લઈએ આપણે. '
સમર પાટ પરથી ઉભો થયો અને લેન લાઈન તરફ આગળ વધ્યો. તેણે તેના પપ્પના દુકાનમાં લગાવેલ લેન લાઈનમાં ફોન લગાવ્યો. રીંગ ગઈ...
એટલામાં સમરના ઘરનો દરવાજો કોઈકે ખખડાવ્યો.
' મમ્મી જોતો કોણ છે... મેં પપ્પાને ફોન લગાવ્યો છે.'
કાવેરીબહેન આવ્યા અને દરવાજા તરફ આગળ વધ્યા. સમર લેન લાઈન પર હતો. કાવેરીબહેને દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલતાની સાથે જ સામે ઉભેલા એક વ્યક્તિ એ તેમના વાળ પકડી તેમને બહાર લાવી નીચે પછાડ્યા અને તેમનો પગ પકડી તેમના આંગણામાંથી તેમને ઘસેડી જાંપાની બહાર લાઈ મૂક્યા અને તેમને માર મારવા લાગ્યા.
સમરને તેની મમ્મીની બૂમો સંભળાઈ તે તરતજ લેન લાઈનનો ફોન મૂકી ઘરની બહાર ગયો ત્યાં જોયું તો શું બે લોકો તેની મમ્મીને ગદડાપાટું મારતા હતા.
ત્રણે જણે મોઢાં પર કાળા કલરનું માસ્ક પહેરલું હતું
તેમાંથી એક જણ પિસ્તોલથી આજુબાજુ ઉભેલા માણસોને ડરાવતો હતો.
સમર પણ આગળ જવાની હિંમત નહતો કરી રહ્યો.
ત્યારેજ તેને 1985માં રમખાણ વખતે તેની મમ્મીએ આપેલી સલાહ " પરિવારને બચાવવા માટે ગમે તે હદ સુધી જઈ શકો છો " યાદ આવી અને તે દોટ મૂકી અંદર ગયો અને અંદરથી જાવેદના ઘરેથી લાવેલી પિસ્તોલ લઈને આવ્યો.
પિસ્તોલ પકડતા હાથ તો ધ્રુજતા હતા પરંતુ સામે તેની માં હતી.
તેણે ફિલ્મોમાં જોયું હતું કે કેવી રીતે પિસ્તોલને ચલાવાય. તેણે મજબૂતાઇથી પિસ્તોલનું ચેમ્બર ખેંચ્યું.
તે હજુ પિસ્તોલ નું ટ્રિગર દબાવતો આગળ જાય એ પહેલાં જે માણસ પિસ્તોલ લઈને ઊભો હતો તેના હાથમાંથી બીજાએ પિસ્તોલ લઈને કાવેરીબહેનના પેટમાં બે ગોળી મારી દીધી.
ત્યાંજ સમર બૂમો પાડતો પાડતો આગળ વધ્યો અને હિંમત કરી ટ્રિગર દબાવ્યું.એક જણ સમરના ઘર તરફ પીઠ દેખાડીને ઉભો હતો તેને ખભા પર ગોળી વાગી.
ગોળીઓનો અવાજ સાંભળતા લોકો બૂમાબૂમ કરી ઘરમાં જતા રહ્યા.
ગોળી વાગતાં જ તે યુવાન થોડો લથડી ગયો ત્યાંજ પેલા બીજા બે યુવાનોમાંથી જેણે કાવેરીબહેનને ગોળી મારી તેણે પિસ્તોલ સમર સામે કરી ગોળી મારવાનો પ્રયાસ કર્યો પરંતુ પિસ્તોલમાં ગોળી બચી ન હતી તેથી બંને યુવાનો ત્યાંથી ભાગી નીકળ્યા .
સમરે બીજી બે ગોળી મારી પણ ગોળી નિશાનો ચુકી ગઈ .
સમર દોડતો દોડતો આગળ પહોંચ્યો અને જેને ગોળી વાગી હતી તે વેદના સાથે ધીમે ધીમે ભાગી રહ્યો હતો તેને પાછળથી સમરે ગોળી મારી કે તરત જ તે ધીરે રઈને દીવાલ ના સહારે ઘૂંટણે બેઠો પરંતુ સમર ગભરાયેલો હતો જેથી તેને પકડવાની જગ્યાએ તેણે ફરીથી ત્રીજી ગોળી મારી જે સીધી તેના માંથામાં વાગી અને તે ત્યાંજ મૃત્યુ પામ્યો.
પોલીસ અને એમ્બ્યુલન્સ ને ફોન કરી બોલવામાં આવી અને કાવેરીબહેનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
પોલીસે સમરને તેના પિતા વિશે પૂછ્યું. સમરે તેના પિતાની દુકાનનું સરનામું અને લેન લાઈન નંબર આપ્યો. ફોન ન ઉપાડ્યો જેથી પોલીસ ત્યાં પહોંચી ત્યાંતો મોહનલાલભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.
લોહી વહીને દુકાન ચઢતા જ આગળ મૂકેલા ટેબલના નીચેથી દુકાનની બહાર આવી રહ્યું હતું.
જ્યારે ત્રણ ગોળી વાગવાથી દવાખાને લાવવામાં મોડું થયું હોવાથી કાવેરીબહેનનું એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર નીકળતા જ મૃત્યુ થયું.
સમરના મુખ પર એક ગમગીની છવાઈ ગઈ. તેના આંખમાંથી આંસુ ના આવ્યા. કારણ કે તેને હજુ વિશ્વાસ નથી કે તે અને તેની મમ્મી બસ જમવા બેસવાના હતા. તેની પપ્પા જોડે વાત થવાની હતી પણ...
જાણે એક સપનું ચાલી રહ્યું હોય અને તે બસ સવારે આંખ ખુલવાની સાથે ટુટશે તેની રાહ જોઈ રહ્યો હતો.
તે સ્ટ્રેચેરમાં તેની મમ્મીને એકજ નજરે જોઈ રહ્યો હતો.
બાજુમાં ઊભેલા સબ ઇન્સ્પેક્ટરે તેના ખભા પર હાથ મૂક્યો અને તેને આશ્વાસન આપ્યું. હજુ તેના આંખમાંથી એક પણ આંસુ નીકળ્યા નહીં.
સબ ઇન્સ્પેક્ટરે સમરનું સ્ટેટમેન્ટ લીધું. સમરે બધી જાણકારી આપી કે તેની માતા સાથે શું થયું અને તેણે શું કર્યું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી બોડી પોસ્ટ મોર્ટમમાં મોકલી.
મોહનલાલભાઈનું આગળ પાછળ કોઈ ન હતું. તે એકલા પુત્ર હતા જ્યારે તેમની માતાનું પાંચ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. સમર મોહનલાલ અને કાવેરી બહેનનો એકજ પુત્ર પરંતુ કાવેરીબહેનનો પરિવાર થોડો મોટો હતો .
તેમના પિયરથી લોકો આવી ગયા. તેમણે સમરને આશ્વાસન આપ્યું.
બંનેની બોડી થોડા દિવસ બાદ પોસ્ટ મોર્ટમમાંથી આવી ગઈ અને તેમના અગ્નિ સંસ્કાર પણ કરી દીધા.
સમર જાણે તેના આંસુ રોકી રહ્યો હોય અથવા આ બધું હજુ સપનું છે તેમ તેના પપ્પા અને તેની મમ્મીની ચિતાની આગને જોઈ રહ્યો હતો.
તેની આંખમાં સહેજ પાણી દેખાયું અને તેના માતા પિતાની ચિતાની આગનું પ્રતિબિંબ સમરની બંને આંખમાં દેખાયું જાણે તે પ્રતિબિંબ તેના બદલાની આગ હોય.
બે કોન્સ્ટેબલ સમર સાથેજ રહેતા કારણકે તેને હત્યા કરી હતી ભલે સેલ્ફ ડિફેન્સમાં પણ તેના પર કાર્યવાહી તો થશે પરંતુ બધી ક્રિયા પૂરી થાય પછી.
અગ્નિ સંસ્કાર કરી ડાઘુઓ સમરના ઘરે પાછા પહોંચ્યા. અમુક પોત પોતાના ઘરે નહાવા ગયા.
ઘરે બધી યુવતીઓ રાહ જોઈને બેઠી હતી. કાવેરી બહેનના માતા , તેમની બે બહેનો રોઈ રહ્યા હતા.
આજુબાજુના લોકો સેવામાં આગળ આવ્યા. સમરને તેની કજીન બહેને નહાવા જવા માટે કહ્યું. સમર હજુ પણ ગમગીન અને ક્યાંક ખોવાયેલા મુખ સાથે બાથરૂમમાં ગયો.
🔫 🔫 🔫 🔫 🔫 🔫 🔫
તેણે ચકલી નીચે ડોલ મુકી ચકલી ચાલુ કરી અને અચાનક તેના આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી.
સમર ધ્રુસકે ને ધ્રુસકે પોતાનો આવાજ દબાવતા રડવા લાગ્યો. તે બાથરૂમની દીવાલે માથું લગાવીને ઉપર જોતા જોતા બંને હાથે તેના માથાના વાળ પકડી ખૂબ રડ્યો. તેનું જીવન જ ખતમ થઈ ગયું હોય તેવો અહેસાસ થયો.
તે એટલો ખોવાઈ ગયો હતો કે તેને ખ્યાલ જ ન રહ્યો કે પાણીની ડોલ પણ છલો છલ ભરાઈ ગઈ છે અને પાણી વહી રહ્યું છે.
તેના મનમાં હ્રદયમાં જેટલું દુઃખ હતું તે બધું બહાર કાઢી રડ્યો. તેને થોડું શરીર રોયા પછી ઢીલું થયું હોય તેવું લાગ્યું. તે ત્રણ ડોલ ભરીને નહાયો. જેટલી વાર ડોલની ચકલી ચાલુ કરે તેટલી વાર તેને રડું આવે.
છેલ્લે નહાઈને ઉભો થયો અને જોયું તો દરરોજની જેમ ટુવાલ ભૂલી ગયો.
તેના મોઢાંમાંથી એકાએક નીકળી ગયું...
" મમ્મી...મમ્મી... ટુ.." આટલું બોલતા તે ફરીથી રોવા લાગ્યો એટલામાં બાથરૂમની સામે પાટ પર બેઠેલા તેના કજીન ભાઈએ તેને ટુવાલ આપ્યો.
તે ઘરના જે ખૂણામાં જતો ત્યાં તેને મમ્મીની યાદ આવતી. તેણે પોતાના પર કાબૂ કર્યો અને કાઠા થવાની કોશિશ કરી.
બેસણાની બધી ક્રિયા પૂરી થઈ ગઈ તેરમું પણ પતી ગયું.
આખરે મોહનલાલના મિત્ર વકીલે સમરનો કેસ લીધો અને જેટલી બને તેટલી ઓછી સજા થાય તે માટેની કોશિશ કરવા લાગ્યા.
છેલ્લે સમરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. તેણે પુરે પૂરી ઘટના કહી. જજે તેને ત્રણ વર્ષની વયસ્ક જેલની સજા ફટકારી.
સમરના વકીલે તેને કિશોર જેલમાં રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટે તેમની વાત નકારી કારણકે સમર વીસ વર્ષનો થઈ ગયો હતો જેથી તેને વયસ્ક જેલમાં મોકલવો અનિવાર્ય હતો.
મોહનલાલભાઈના વકીલે તેમના મિત્રની હત્યાનો કેસ લીધો અને તે ત્રણે જણાને સજા થાય તે માટેની કોશિશ શરૂ કરી.
પોલીસે પણ મોહનલાલભાઈ અને કાવેરીબહેનના હત્યારાઓને શોધવા માટેનું કામ હાથમાં લઈ લીધું હતું.
કાવેરીબહેનના પરિવારના લોકોએ હત્યારાઓ માટે ફાંસીની સજાની માંગ કરી પોલીસ પર હત્યારાઓને ઝડપી શોધી લેવા દબાવ કરવા લાગ્યા.
પરંતુ તેમના પરિવારને ખ્યાલ ન હતો કે હજારો કેસો પેન્ડિંગ હતા અને એમાં તમારું પણ કંઇક નવું ન હતું. કેટલાય પરિવારો આવી રીતે રાહ જોઈને વર્ષોથી કોર્ટના ધક્કા ખાય છે અને કાવેરીબહેનનો પરિવાર પણ હવે તેજ હજારો પરિવારની ગણતરીમાં આવવાનો હતો.
સમર પરિવારને મળી ત્રણ વર્ષ માટે સાબરમતી જેલમાં ગયો.
(ક્રમશ:)
- Urvil Gor