તે છોકરો જેવો જ કરણના ગાળા પર ચપ્પુનો ઘા મારવા ગયો કે કરણએ એક હાથથી ચપ્પુ પકડી બીજા હાથથી તેના મોઢાં ઉપર જોરદાર મુક્કો માર્યો.
તે છોકરો મુક્કો વાગવાથી થોડો પાછળની બાજુ નમ્યો કે કરણ તરતજ જટકા સાથે ઉભો થયો. તે છોકરાએ વળતા પ્રહારમાં ચપ્પુ જમણેથી ડાબે ગુમાવ્યું અને કરણના હોઠના નીચે દાઢી ઉપર મોટો ચીરો પડી ગયો. કરણ માંડ માંડ બચ્યો.
લોહી વહેવા લાગ્યું હતું અને તે છોકરો હજુ ફરીથી આગળ આવી ફરીથી ચપ્પુ મારવાનો પ્રયાસ કરે એ પહેલાં કરણે પાછળથી સાઈલેન્સર વાળી પિસ્તોલ કાઢી અને સીધી પેલા છોકરાના કપાળ પર ગોળી મારી.
એક જટકા સાથે પેલો છોકરો જમીન પર પડ્યો. આ જોતાજ પેલા ભાઈ જે ત્રણ માળના મકાનમાંથી જોઈ રહ્યા હતા યે આશ્ચર્ય સાથે પ્રભાવિત થાય .
પિસ્તોલ પર સાઈલેન્સર લગાવેલું હોવાથી અવાજ આવ્યો નહીં. કરણ તે છોકરાની લાશ ને પગથી પકડી ઘસેડી એક ખૂણામાં દબાઈ દીધી અને ત્યાંથી બહાર નીકળી ગયો અને કોઈ જોવે નહીં તે રીતે તેના મોટા પપ્પાના ઘરમાં જતો રહ્યો.
*******************
પેલી બાજુ જાવેદને મળવા સમર અને તેના પપ્પા મોહનલાલભાઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા.
મોહનલાલભાઈ પી.આઈ સાથે વાત કરી રહ્યા હતા ત્યાં સમર જાવેદ જોડે વાત કરી રહ્યો હતો અને તે લોક અપનો કોન્સ્ટેબલ કંઇક કામથી ત્યાંથી પી.આઈ પાસે ગયો. આ મોકો જોતાજ જાવેદે સમરને ધીરે રઈને કંઇક કહેવાનું શરૂ કર્યું.
જાવેદ : સમર એક કામ કરજે મારા ઘરમાં જઈ તિજોરી ખોલજે. એમાં જમણી બાજુ એક લોકર છે. એ લોકર ખોલીશ એટલે થોડુક ઉપર જમણી બાજુ એક બીજું નાનું લોકર છે...એમાં એક પિસ્તોલ છે. એ ખાલી લઈને તું તારા જોડે ક્યાંક સંતાડી દેજે.
સમર પહેલાતો ગભરાતા ગભરાતા ના પાડવા લાગ્યો પણ જાવેદે તેને મિત્રતા ની સોગંદ આપી. છેલ્લે સમર માની ગયો.
'પણ તું પિસ્તોલ લાયો ક્યાંથી?'
જાવેદ : અરે...પપ્પા લાવ્યા હતા. આ રમખાણોમાં ડિફેન્સ માટે. જો પોલીસવાળાને ખબર પડશે તો પાછા મારા પપ્પાને હેરાન કરવા જશે કે ક્યાંથી આવી ને બધું. ઇનશોર્ટ લાઇસન્સવાળી નથી તો તું લઈ લે અત્યારેજ ઘરે જઈને.
' વાંધો નઈ...લઈ લઈશ. '
પોલીસ સ્ટેશનમાં પી.આઈ એ કીધું કે જાવેદે ભલે સેલ્ફ ડિફેન્સમાં ખૂન કર્યું પણ તેને કદાચ સજા તો થશે જ.
જાવેદે પોતાનો ગુનો કબૂલી જે ઘટના થઈ હતી તે સાચે સાચી કીધી. તેથી તેને સીધો પોલીસ કસ્ટડીમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
મોહનલાલે પોતાના એક મિત્ર વકીલને જાવેદનો કેસ આપ્યો.
કોર્ટમાં સાબિત થયું કે જાવેદે સેલ્ફ ડિફેન્સમાં ખૂન કર્યું પરંતુ સજા થવી જોઇએ અને તેની ઉંમર જોતા જાવેદના વકીલે ગમે તેમ કરી તેને જુવેનાઇલ જેલ એટલે કે કિશોર બાળકોની જેલમાં રાખવાની વિનંતી કરી અને જજે તેને માન્ય ગણી જાવેદને કિશોર જેલમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી.
સાથે સાથે પાંડેને પણ અમુક જગ્યાએ બંધના દિવસે હિંસા માટે તેમજ જાવેદના મમ્મી પપ્પા સાથે હિંસા કરવા તેમજ તેમને ગંભીર ઇજા પહોંચાડવા અને તેમને મારવાની કોશિશમાં દોઢ વર્ષની જેલની સજા ફટકારી.
જાવેદ હવે ત્રણ વર્ષ માટે જેલમાં ગયો. આ સાંભળતા જાવેદના મમ્મી પપ્પાના પગમાંથી જમીન સરકી ગઈ જાણે ઘરનો ચિરાગ સળગતા પહેલાજ ભૂજાઈ જવાનો હોય.
જાવેદના મમ્મી પપ્પા દરિયાપુરનું મકાન હાલ પૂરતું બંધ કરી તે મકબુલભાઈના નાના ભાઇના ઘરે જતા રહ્યા.
********************
જ્યારે પોલીસ સાથેની હિંસાઓ વધી અને લોકોએ પોલીસ તંત્ર સામેજ ફરિયાદ કરી અને તેમના પર આરોપો લાગ્યા ત્યારે ગુજરાત સરકારે સૈન્યને પોલીસની જગ્યાએ પેટ્રોલિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આનાથી પોલીસ તંત્રને થોડો ગુસ્સો તો આવ્યો હતો પરંતુ ઓર્ડર ઉપરથી હતો.
"યે રાતે યે મોસમ નદી કા..." ગાતા ગાતા વસંત કુમાર જે હેડ કોન્સ્ટેબલ હતા. તે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યાંજ તેમને ધાડ દઈને પાછળથી ગોળી મારી. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
પ્રતિક્રિયા રૂપે, પોલીસે તેમનો હોદ્દો છોડી દીધો અને "ક્રોધાવેશ પર ચાલ્યા ગયા." પોલીસે એક અખબારમાં અગાઉ પોલીસ હિંસાની આલોચના કરી હતી અને તેમના છાપા તેમજ મસીનો સળગાવી દીધા હતા ; આ જ બિલ્ડિંગમાં રાખેલ અંગ્રેજી ભાષાના અખબાર ન્યુ ટાઇમ્સ પર પણ હુમલો થયો હતો.
*****************
મે અને જૂન,1985
રમખાણો વચ્ચે જ ભગવાન જગન્નાથની રથયાત્રા અને ઈદ-ઉલ-ફિત્ર બંને સાથે આવ્યા. સૈન્યનો ખૂબ બંદોબસ્ત હતો.
ભગવાન જગન્નાથની યાત્રા હંમેશાની જેમ જમાલપુરથી નીકળી નક્કી કરેલા રૂટ પર થઈને પાછી જમાલપુર દરવાજા પાસેથી જગન્નાથ મંદિર પર પાછી આવશે.
હાલતો જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બધા કોમના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાઈને ઉજવણી કરી તેમના દર્શન કરે છે પરંતુ 1985 માં રમખાણો ને કારણે વધારે ભય હતો.
આખરે જેનો ભય હતો તેજ થયું. આ વિસ્તારમાં સેનાની હાજરી હોવા છતાં, બંનેની ઉજવણી હિંસામાં ભળી ગઈ. ત્યારબાદના દિવસે, હજારો મુસ્લિમ મહિલાઓએ હિંસા દરમિયાન સૈન્યના વર્તનનો વિરોધ કરવા માટે કરફ્યુનો વિરોધ કર્યો હતો, અને સરઘસના નેતાઓ સામે સરકાર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
******************
જુલાઈ અને ઓગસ્ટ, 1985
અનામત નીતિનો વિરોધ કરનારાઓએ જુલાઇમાં વિકાસ સિંહના તાત્કાલિક રાજીનામાની માંગ શરૂ કરી હતી.જૂનના અંતમાં થયેલી હિંસાના પગલે લોક વિકાસ પાર્ટીમાં પણ સંઘર્ષ થયો હતો, જેમાં વિકાસ સિંહના અનેક સાથીઓએ જાહેરમાં નિવેદનો આપ્યા હતા અને તેમને હટાવવાની તરફેણ કરી હતી.
આની સાથે વિકાસ સિંહને પણ જટકો વાગ્યો હતો કે તેમના સાથીઓએ જાહેરમાં તેમના માટે આવું નિવેદન આપ્યું.
ભારત સરકાર અને લોક વિકાસ પાર્ટીના દિલ્હીના સભ્યોને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં લોક વિકાસ પાર્ટીના હાઈ કમાન્ડના દબાણ હેઠળ વિકાસ સિંહએ રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ કેશવસિંહ ચૌધરીને લીધા , જેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય પ્રધાન બન્યા.
વિકાસસિંહની બરતરફી છતાં હિંસા ચાલુ રહી. સરકારી કર્મચારીઓ દ્વારા હડતાલ યથાવત્ રહી, અને તે વધતી ગઈ. આખરે સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે 18 જુલાઇએ સમજ મેળવ્યો, જ્યારે તેણે જાહેરાત કરી કે આરક્ષણમાં 18% વધારો લાગુ કરવામાં આવશે નહીં, અને 1988 પછી વંચિત વસ્તી માટેના હાલના 10% અનામતની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરવામાં આવશે.
લોકો ઉજવણી કરવા લાગ્યા. વિધાર્થી તેમજ સરકારી કર્મચારીઓના મુખ પર એક ખુશીની લાગણી હતી. આખરે આટલા તોફાનો, રેલીઓ અને હિંસાના પરિણામે સરકારે તેમની શરતો સ્વીકારી હતી.
જ્યારે અમુક હિંદુ , મુસ્લિમ તેમજ નીચલી જાતના પરિવારો ઉજળી ગયા હતા. અમુકના ઘરનો આધાર સ્તંભ ગયા , અમુકની માતાઓ , ભાઈ બહેન કે પતિ - પત્ની મૃત્યુ પામ્યાં. અમુક લોકો રસ્તા પર આવી ગયા. જેના નાની ઝુંપડી જેવા રહેવાય એવા મકાનો હતા તેને પણ સળગાવી રાખ કરી નાખ્યાં. આ રમખાણોમાં જે દોષી હતા તેના કરતાં નિર્દોષોએ વધારે ભોગવ્યુ.
કર્ફ્યુ ઓગસ્ટની શરૂઆતમાં સમાપ્ત થયો. સરકારે હડતાલમાં બેઠેલા કર્મચારીઓ સાથે સમજૂતી કરી હતી, જેના પછી હડતાલ રદ કરવામાં આવી હતી અને શાળાઓ કોલેજો ફરીથી ખોલવામાં આવી હતી.
હવે બધું ધીરે ધીરે શાંત થઈ ગયું હતું. લોકો પોતપોતાના કામે પાછા ફર્યા હતા. અહમદાબાદના રસ્તા પહેલાંની જેમ ધમ ધમતા થઈ ગયા.
🔫 🔫 🔫 🔫 🔫 🔫 🔫
માર્ચ,1987
સાંજના લગભગ સાત વાગ્યા હશે.
રેલ્વે ફાટક પર ધમ ધમ કરતી ટ્રેન જઈ રહી હતી. સૂરજ આથમવાની તૈયારીમાં હતો.
સાંજનો પવન સૂસવાટા મારતો હતો. તેજ પવનના સુસવાટામાં કરણ રેલ્વે પટરીના નીચે કોઈકની રાહ જોઈને ઉભો હતો.
હવે કરણને નાતો ટ્રેન નીચે આવી જવાનો ડર હતો ના કોઈ બંદૂક કે ચપ્પુ નો કારણકે 1985 ની હિંસામાં જ તેને બંદૂકથી એક છોકરાનું માથું ફાડી નાખ્યું હતું .
તે આંટા ફેરા કરતો હતો ત્યાંજ એક યુવાન આવ્યો.
'અરે...કરણ શું કેમ છે?' પેલા યુવાને કરણને હાથ ઊંચો કરી પૂછ્યું.
કરણ : એકદમ જલસા..
બંને હસતા હસતા વાતો કરી રહ્યા હતા.
'લાય પેલી પિસ્તોલ જે મેં સાચવવા આપી હતી.'
'હા... આ રહી...' કરણે તે પિસ્તોલ જેનાથી તેણે પેલા છોકરાને 1985 માં સરસપુરની ગલીમાં માર્યો હતો તે પિસ્તોલ પાછી તે યુવાનને આપી.
તે યુવાને પિસ્તોલમાંથી મેગઝીન કાઢી.
' હેં... આની એક ગોળી ક્યાં ગઈ? '
' અરે...હા...હા...હા આતો ખાલી ત્યારે એક હવામાં મારી હતી જોવા કે કેવી ફિલિંગ આવે છે ' કરણ ખોટા હાસ્ય સાથે બોલ્યો.
' આવું ફરીથી ના કરતો લ્યાં... મારે આગળ જવાબ આપવાનો હોય છે '
તે યુવાન પિસ્તોલ લઈ ત્યાંથી નીકળી ગયો.
(ક્રમશ:)
- Urvil Gor