THE GUJJU AND GUNS SEASON 1 - 7 in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 7 (દુશ્મનનો ઉદય)

Featured Books
Categories
Share

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 7 (દુશ્મનનો ઉદય)

જાવેદને હોસ્પિટલમાંથી પોલીસ પકડીને લઈ ગઈ અને તેને થોડા દિવસ પોલીસ સ્ટેશનના લૉક અપમાં રાખાયો.

બીજ દિવસથી સૈન્યને આદેશ આપી શહેરમાં પેટ્રોલિંગ નું કામ સોંપાયું. તેમ છતાં સૈન્યની હાજરીમાં પણ હિંસાઓ થઈ.

18 માર્ચના બંધના એલાનમાં જે હિંસાઓ થઈ તેને જોતા દેશના વડાપ્રધાન શહેરની મુલાકાતે આવ્યા હતા. તેમ છતાં તે દિવસે પણ તોફાનો ચાલુ રહ્યા.

********************
એપ્રિલ 1985,

બહિષ્કાર અને રેલીઓ થતી રહી; ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક હજાર લોકોએ રેલી કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

16 અને 23 એપ્રિલ વચ્ચેના અઠવાડિયાને અનુગામી તપાસ પંચે 1985 ની હિંસાના "ઘેરા ગાળા" તરીકે વર્ણવ્યું હતું. 16 એપ્રિલના રોજ અનામત વિરોધી વિદ્યાર્થી જૂથે "જેલ ભરો" અભિયાનની જાહેરાત કરી, જેના પગલે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરપકડ કરવામાં આવ્યા.

આટલી બધી હિંસાઓ ને કારણે ગુજરાતના મુખ્યમંત્રી વિકાસ સિંહ તેમજ તેમની સરકાર પર વિરોધ પક્ષ તેમજ લોકોએ સવાલો ઉઠાવ્યા.

વિકાસ સિંહ પણ સતત દબાણ વધી રહ્યું હતું છતાં પરિસ્થિતિને સુધારવા સૈન્ય તેમજ પોલીસ તંત્રને તેઓ આદેશ આપતા રહ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરતા રહ્યા.

********************

સરસપુર , અહમદાબાદ

' હેલ્લો...કરણ બેટા તારા પપ્પાને કહી દે કે અહીંયાં આવે અમારી પોળમાં પટેલો અને દલિતો વચ્ચે અથડામણ થઈ ગઈ છે અને અમને થોડુ ભય જેવું લાગે છે ' કેશુભાઈ પટેલ જે કરણના મોટા પપ્પા હતા તેમણે સરસપુરથી ફોન કરી કરણ અને તેના પરિવારને દરિયાપુરથી બોલાવ્યા.

ત્યાં કરણ અને તેના મમ્મી પપ્પા પહોંચ્યા તો શું જોયું... પટેલો અને દલિતો વચ્ચે જૂથ અથડામણ તેમજ સામ સામે પથ્થર મારો થઈ રહ્યો હતો.

કરણના મોટા પપ્પાનો છોકરો પણ અથડામણમાં પથ્થર મારો કરી રહ્યો હતો આ જોતાજ કરણને તો તમે જોયોજ હશે જાવેદ સાથેની ફાઈટમાં તે પણ તેની સાથે જોડાઈ ગયો.

જોતજોતામાં સામ સામે કેરોસીન વાળી બોટલો આવી. અમુક લોકો લાકડાંના જાડા દંડા લઈને એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા.

આ જોતાજ કરણની મમ્મી અને તેમના પરિવારના લોકો તેમના મોટા પપ્પાના ઘરનાં દરવાજા પરથી બૂમો પાડીને બંનેને પાછા બોલાવતા હતા પણ બંને સાંભળે એવા થોડી હતા. જવાનીનો જુસ્સો હતો.

કરણની મમ્મી હજુ ફરીથી બૂમ પાડે એટલામાં તો તેમના દરવાજા પર ક્યાંકથી આગ સાથેની બાટલી આવી તેઓએ તરત જ દરવાજો બૂમાબૂમ કરી બંધ કર્યો. કરણ અને તેના કઝીન ભાઈને તેમની જ હાલતમાં છોડી દીધા.

ખૂબ વધારે હિંસક અથડામણ ચાલી રહી હતી ત્યાં કરણને ક્યાંકથી પથ્થર મોઢાં પર વાગ્યો કે તરત જ દાંત તૂટી ગયો અને લોહી વહેવા લાગ્યું હજુ તો તે દાંત પકડીને ઊભો હતો ત્યાં ફરીથી ક્યાંકથી જોરદાર આંખ ઉપર પથ્થર આવ્યો તરત જ કરણની આંખ બંધ થઈ ગઈ.

બાજુમાં એક નાનકડી ગલી હતી. તે એક હાથ મોઢાં પર અને એક હાથ આંખ પર રાખી દોડ્યો.

આ દ્રશ્ય ત્યાંજ એક ત્રણ માળનું એક મકાન હતું. તે જમાનામાં ત્રણ માળનું મકાન એટલે ખૂબ મોટી વાત કહેવાતી ત્યાંથી એક બારીમાંથી એક ભાઈ કરણ ને ઉપર થી જોઈ રહ્યા હતા.

કરણ સીધો દૌડતા તે નાનકડી ગલીમાં ઘુસી ગયો અને પોતાની જાતને જોવા લાગ્યો. આટલું બધું લોહી નીકળી રહ્યું હતું છતાં પણ તેના મુખ પર ભય ન હતો. આ જોતા જ તે ઉપરથી જોતો ભાઈ ધીમી ધારે હસ્યો.

એટલામાં એક કરણના જેટલીજ ઉંમરવાળો છોકરો તે જ ગલીમાં દંડો લઈને આવ્યો જાણે તે છોકરો ક્યારનો કરણનો પીછો કરી રહ્યો હોય.

તેને જોતાજ કરણ ઓળખી ગયો કે તે છોકરો તેના કઝીન ભાઈની પોળમાં જ રહે છે અને ગયા વર્ષે જ ઉતરાયણમાં ખૂબ ગાળા ગાળી અને હાથાપાઈ થઈ હતી અને ત્યારથી તેઓ એક બીજાના દુશ્મન થઈ ગયા હતા.

તે છોકરો દંડા સાથે દોડીને કરણ તરફ આગળ વધ્યો અને આ દ્રશ્ય પેલો ભાઈ એકદમ ઝીણી આંખે ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા જાણે તમારી જેમ તેને પણ જાણવાની ઈચ્છા હશે કે આગળ શું થશે?

તે છોકરાએ દંડો કરણ ઉપર જોરથી ફરાવ્યો અને કરણે તે દંડો પકડી લીધો. ત્યારેજ તે છોકરાએ કરણના પેટ પર લાત મારી તેને દીવાલમાં નાંખ્યો અને ફરીથી દંડો કરણ પર મારવા જઈ રહ્યો હતો કે કરણે વળતો પ્રહાર કરતા ડાબા હાથથી દંડો પકડ્યો અને જમણા હાથની મુઠ્ઠી વાળી તેના મોઢાં પર બે - ચાર ફેંટ આપી દીધી.

બંને જણા જમીન પર આરોટતા આરોટતા લડી રહ્યા હતા. અમુક વાર કરણ તે છોકરા ઉપર અને અમુક વાર તે છોકરો કરણ ઉપર.

તે છોકરો હવે કરણ ઉપર હતો અને કરણના મોઢાં પર બરાબર ની ફેંટો આપી અને કરણને પહેલાજ બે પથ્થર વાગ્યા હતા જેથી તે વધારે વેદના સહી રહ્યો હતો.

કરણે તે છોકરાના મોઢાં પર બાજુમાં પડેલ પથ્થર ગમે તે કરી ઉઠાઈને માર્યો અને આની સાથે તે છોકરાને પિત્તો ગયો.તેણે પાછળ ખોસેલું ચપ્પુ નીકાળ્યું. આ જોતાજ પેલો ભાઈ જે આ બધું જોઈ રહ્યા હતા તે થોડાક ચિંતામાં દેખાયા જાણે તે કરણની બાજુ હોય.

તે છોકરો જેવો જ કરણના ગાળા પર ચપ્પુનો ઘા મારવા ગયો કે...

(ક્રમશ:)
- Urvil Gor