Maternal power in Gujarati Moral Stories by સંદિપ જોષી સહજ books and stories PDF | માતૃત્વ શક્તિ

Featured Books
Categories
Share

માતૃત્વ શક્તિ

હેતલના ઘરમાં બધા આજે ફરીથી ગમગીન હતા, હોય જ ને વાત જ એમ હતી. હેતલને કુંવારા સારા દિવસો જાય છે એ ઘરમાં બધાને છ મહિને ખબર પડી. ખબર પડતાની સાથે ઉદાસી અને ગુસ્સો ઘરના દરેક સભ્યોને ઘેરી વળી. હેતલ ખૂબ સારી છોકરી હતી, દેખાવે સુંદર, સ્વભાવે મિલનસાર, અને મનથી સ્વાભિમાની. અભ્યાસ પૂરો કરી મોટી કંપનીમાં સારા હોદ્દે આકર્ષક પગાર પર જોબ કરતી હતી, પણ કહેવાય છે ને કે ક્યારેક બહુ સમજદાર પણ અણસમજુ પગલું લઈ લેતા હોય છે. હેતલ સાથે પણ આમજ થયું.

સમીર અને હેતલ એકબીજાને પસંદ કરતાં હતાં, સમીર દેખાવડો યુવાન અને હેતલ પણ એક નજરમાં ગમી જાય તેવી. બંને એકબીજાને પસંદ કરતાં એટલે ઘણી વાર મળતા, વાતો કરતા. શરૂઆતમાં મુલાકાત જાહેર જગ્યાએ થતી,ધીમે ધીમે એજ મુલાકતો ક્યારે રૂમનાં બંધ બારણે થવા લાગી. મોહમાં અંધ હેતલને સમીર સાથે ક્યારે કેટલું આગળ વધી ગઈ એનું ધ્યાન ન રહ્યું. સમીર પણ સારા ઘરનો જણાતા હેતલની ઈચ્છાથી ઘરના સભ્યોએ એની ખુશી માટે હેતલના કોર્ટ મેરેજ ગોઠવી આપ્યા પણ લગ્નના દિવસે જ સમીર શહેર છોડી ભાગી ગયો.

હેતલ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને તેના માતાપિતા પણ પારાવાર વેદના અનુભવી રહ્યા અને પસ્તાય રહ્યા. હેતલને મન ઘણું લાગી આવ્યું કેમ કે સમીર તેને અને તેના ઘરના સૌને છેતરી ગયો. હેતલના માતાપિતા ખૂબ સમજદાર હોવાથી દીકરીના દુઃખમાં તેની પડખે જ રહ્યા. બધા એને એબોર્શન માટે સમજાવતા રહ્યા પણ એટલે એક વાર હેતલ ડોકટર ને બતાવી આવી. ડોકટરે કહ્યું એબોર્શન રિસ્કી છે છતાં જો કરીએ અને બધું સારી રીતે પાર પડે તો પણ ભવિષ્યમાં હેતલના માં બનવાના ચાન્સ નહિવત છે. હેતલના માતાપિતાને હતું કે જો એબોર્શન થઈ જાય તો થોડા સમય પછી સારો છોકરો ગોતી એના લગ્ન લેવા જેથી હેતલનો સંસાર મંડાઈ જાય ને એમની હયાતી ન હોય ત્યારે હેતલ અને તેનો પતિ એક બીજાને ટેકો આપી સરસ જિંદગી જીવી શકે. આ વખતે પણ હેતલ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લીધો. હેતલે ખૂબ મંથન કરી બે દિવસમાં મક્કમ થઈ ને અફર નિર્ણય જાહેર કરી દીધો કે એ આ બાળક ને જન્મ આપશે અને નવા લગ્નની કોઈ ઈચ્છા નથી તેને.


હેતલે પુરા દિવસે સરસ બાળકને જન્મ આપ્યો નવજાત શિશું માં ની સામે મલકાઈ રહ્યું હતુ અને એને ચુંમી ને હેતલ કહી રહી બેટા કેમ કરી તારા જીવનના હકને છીનવી લેતી, કેમ કરી માં ની મમતા ને ત્યજી શકતી તું ચિંતા ન કર હું માં અને પિતા બંનેનો પ્રેમ આપીશ હું તને બમણો પ્રેમ કરીશ. હેતલે બાળક ને ખૂબ પ્રેમથી ઉછેર્યો અને ભણાવ્યો. સમય સમયનું કામ કરે છે એટલે જ તો જોતજોતામાં બાળક પણ માં નું માથું ગર્વથી ઊંચું થઈ જાય એમ પહેલી ટ્રાયલમાં યુપીએસસી પાસ કરીને આઇ.એ.એસ ઓફિસર બની ગયો. જ્યારે એણે ખુશી ખુશી માને પૂછ્યું માં બોલ શું ગિફ્ટ આપું તને ત્યારે હેતલ માત્ર એટલું જ બોલી બસ સમાજ ને એટલો જાગૃત કરજે મહેનત અને સેવાથી કે કોઈ માં ને એનું માતૃત્વ જતું ન કરવું પડે અને જે લડાઈ મેં લડી છે એ લડવાનો કોઈ દીકરીનો વારો ન આવે.

હેતલની આંખોમાં પ્રેમ અને ગર્વની મિશ્ર લાગણી છે. ખરેખર સલામ છે માં ની એ મમતા ને અને માતૃત્વ ના એના ગૌરવને. એક માં અને એની માતૃત્વ શક્તિ જ આ કમાલ કરી દેખાડી શકે બીજી કોઈપણ શક્તિ કે આનંદ આની સામે સાવ વામણો જ પડે.

પ્રસ્તુતિ - સંદિપ જોષી - સહજ