દૂર ક્ષિતિજ પાર પથરાયેલ પાટા પરથી આવતી રેલગાડીનો અવાજ કંઇક બમણા વેગે વધવા લાગ્યો ; નિત્યના ક્રમથી ટેવાયેલ એવા હેબત પગીના પગમાં આ દ્વનિએ જાણે દોરી સંચાર કર્યો ! પગીના દેહને વડલાની મીઠી છાંયનો આરામ ત્યજી ફાટક ભણી દોરી જવા આદેશ કર્યો; જ્યાં પગે પોતાનુ કામ આટોપ્યુ ત્યાં જ હાથે આપમેળે એનુ કામ ઉપાડી લીધુ ; ગરેડીના ફરવા સાથે જ ફાટ્ક બંધ થયુ ન થયુ ત્યાં તો મધપાન કરેલ માતંગા ગજરાજની તીવ્ર ગતિએ રેલ ગાડી ફાટ્ક પરથી પસાર થઇ ; ક્ષણ ભર પહેલા પડેલ કાન પરની ધાક દૂર જતા વ્હીસલના ધીમા પડતા અવાજના ગુંજનની સાથે કંઇક રાહત અનુભવવા લાગી ; ઘડી એકવારમાં વળી પાછી પૂર્વવત નીરવ શાંતિ પથરાઇ !
આમ, તો નિર્જન એવા આ ફાટ્કવાળા માર્ગ પર ભર બપોરે જવલ્લેજ કોઇ વટેમાર્ગુ કે ગાડાવાળો પસાર થતો, એમાંય આજથી નવ-દશ દશકા પહેલાંના એ જમાનામાં ઝાઝો એવો વાહન વ્યવહાર નહ્તો ત્યારે વળી આ ગાડાવાટ જેવા રસ્તા પર ફાટકનુય નહિવત જેવુ જ માતમ હતુ ,પણ ! બના એવી બની કે, નહી ગાંડો નહિ ડાહ્યો એવો એક માણહ આંહી પાટા પર ગાડી હેઠળ ચગદાઇ મર્યો અને વાત જતાં છાપે ચડી , રેલ ખાતાના અમલાદારોએ વગોવણી ટાળવા એવુ ઠેરવ્યુ કે, આંહી એક ફાટ્ક ઉભુ કરવુ અને રંક એવા હેબત પગી માટે આ આજીવિકા ઊભી થઇ !
ભર ઉનાળામાં જ્યારે ભગવાન સવિતાનારાયણ વૈશાખ નામના અશ્વ પર આરૂઢ થઇ આભમાંથી અગનગોળા વરસાવતા પૂર્ણ કળાએ પોતાના પ્રતાપની જગત આખાને અનુભૂતિ કરાવી રહ્યા હતા, ત્યારે ફાટ્ક પડખેનો પેલો ઘેઘૂર વડલો પગી જેવા જીવ માટે જાણે કુટુંબના કોઇ મોભીથી નીચલી પાયરીનો દરજ્જો નહોતો ધરાવતો ...! આમેય દૂર સુધી આ જોગંદર સમા વડલા સિવાય એવુ કોઇ ઝાડવુ નહોતુ કે, જે પશુ પંખી કે મનેખ જાતને આશરો દઇ શકે ! એવા બપોર ટાણે દૂર જ્યાં આંખની દ્ર્ષ્ટિ ઓઝલ થતી જણાય એવી ક્ષિતિજ પર પથરાયેલી આછેરી ટેકરીઓ આગળના આભાસી મૃગજળ, વેરાન વગડામાં ફેલાયેલ છૂટાં છવાયાં બાવળનાં ઝૂંડ ને ખીજડાના ઝાડવામાં ગણગણતાં તીમરાંનો તીરો અવાજ તો વળી ક્યારેક, પવનના ઝપાટે ઉડતી ધૂળની ડમરીઓ વાતાવરણને ભેંકાર ને સૂનસાન કરવામાં જાણે પોતે આનંદ લેતા.......!
હા...! પેલા વટવૃક્ષ પર થોડાં ઘણાં પંખીડાઓએ પોતાની વસાહત જરૂર ઊભી કરી હતી અને કહેવાતાં આ પડોશીઓ સિવાય આધેડ એવા હેબત પગી માટે ભેંકાર વગડામાં પોતીકુ કહી શકાય એવુ વર્તમાનમાં તો કોઇ જ નહોતુ; એકાંતથી કંટાળેલ પગીનુ મન ક્યારેક દ્ર્ષ્ટિને ફાટક પરના માર્ગ પર દૂર સુધી નજર નોંખવા પ્રેરતુ થતુ કે, કોઇ વટેમાર્ગુ અહીંથી પસાર થાય તો ઘડીક અવનવી વાતો માંડી એકલતાનો કંટાળો દૂર કરુ ; પણ ભર બપોરે ભલા કોની કમત સૂજે કે તે આ રસ્તે નીકળે ?.....
આવી જ એક બપોરે વડવાઇઓ પર ચઢ-ઊતર કરતી ખિસકોલીઓની ક્રિડાઓ નિરખતાં નિરખતાં નિંદ્રા દેવીનુ રાજ ક્યારે સ્થપાઇ ગયુ તેનુ આ અબૂધ જીવને ભાન ન જ નો રહ્યુ.
અરે ! ઓ બચ્ચાઓ.... સૂનતે હો કે નિદરમેં હો........? કાન પર ગોફણની જેમ અફળાયેલ શબ્દોએ જાણે કોઇ મીઠી સ્વપ્ન નિંદ્રા તોડી હોય તેમ પગી ઝબકીને જાગ્યો. સાધુ જેવા વેશમાં લાગતા માણસને વડલાની છાયામાં એક શિલા પર જાણે હમણાં જ આસન જમાવ્યુ હોય તેવી મુદ્રામાં બેઠેલ જોઇ પગીના મનમાં કંઇક પ્રશ્નો સ્ફૂર્યા ન સ્ફૂર્યા ત્યાં તો અતિથિને આવકારવાની વિવેક બુધ્ધિ અગ્ર થઇ...!
"અરે, પધારો...! પધારો.....! મા..રાજ તમ જેવા અતિથિ અમ રંકના થાનકે ક્યાંથી ?...અમારા ભાગમાંય ક્યાંક તમ જેવા માત્માના દર્શન હશે, લ્યો તંઇ પાણી પીઓ ...! " પાણીનો કળશો આગંતુક સામે ધરતાં પગીએ આગ્રહ કર્યો.
આવેલ આગંતુકને આ પરોણાગતથી ગરમીમાં કંઇક ટાઢક વળી. તેને પગી એક ભોળો માણસ લાગ્યો. કંઈક વિચારને દૃઢ કરતો હોય તેવી મુખ મુદ્રા ધારણ કરતાં અતિથિએ નિરાંતે બેઠક જમાવી....
"ભલે ! તંઇ બાપજી તમ કે બાજુ સે આંઇ આવ્યા છોવ ઔર કે બાજુ જાવાના છો ?..."વાતનો દોર આગળ ધપાવતાં પગીએ ભાંગ્યા તૂટ્યા હિંદીમાં આગંતૂકને પ્રશ્ન કર્યો.
"દેખ બચ્ચા, હમ લોગ તો ચલતા ભલા, હમારી જમાતકા કૌનુ ઠીકાના નહિ હોતા આજ ઇધર તો કલ કહીં ઔર....નિકલ જાવે જહાં અલખ કા નામ લે શકે ઔર ઇસ દેહ કે લિયે ટંક એક રૂખી –સુખી રોટી મિલ જાવે... રૂક જાવે બસ.....!" આગંતુકે સહજ ભાવે જણાવ્યુ.
"બાપજી, આપને વાંધા ન હોવે તો મારી ગરીબ ની ઝૂંપડીને પાવન કરો, તુમકા પગલાંથી એ પાવન હો જાશે...."સામેની ટેકરીઓ પાછળ વળાંક લેતા ગાડાવાટ રસ્તા તરફ હાથ ચિંધતાં પગીએ અતિથીને પરોણાગતનો આગ્રહ કરતાં કહ્યુ.
"હમ લોગન કો તો મહલ ઔર ઝોંપડી સબ સમાન હોતા હૈ, વૈસે તો હમ કિસી સંસારી કે ઘર રૂકતે નહિ........ લેકિન તુમ મુજે ભોલે ઔર નિષ્પાપી લગતે હો ! ઇસલિએ તુમ્હારી બિનતી ઠુકરાને કા પાપ મેં નહિ કરના ચાહતા.. "પગીના આ અતિથિએ પોતાના કમંડળ વાળા હાથને હવામાં આશીર્વાદના ભાવથી ઊંચો કરતાં પગીના અનુગ્રહને સહમતી આપી.
આજ, પગીના આ અતિથિની પરોણાગતનો ત્રીજો દિવસ હતો.... આગંતુક અને પગીને ઠીક ઠીક એવો પરિચય કેળવાયો હતો. બેઉ રોજની જેમ આજે પણ સાથે પેલા ફાટક પાસેના વડ નીચે અલગારી વાતોમાં મશગૂલ હતા. સૂરજદાદાનૉ રથ મધ્યાહન ભણી ડગ માંડી રહ્યો હતો, તેમ તેમ આજનો વાતોનો દોર એક પરથી બીજી વાતો પર ક્યારે જતો રહેતો તે તો પગી અને તેના આ અતિથીને પણ ભાન નહોતુ રહેતુ.
"ભણે, પગી તુને કભી ઇસ સંસારી માયા છોડ્કર હમારી તરહ ફકીર બનના સોચા હૈ ક્યા ?...... "સહસા સામે આવેલ આ સવાલનો જવાબ કઇ વિદ્વતાથી આપવો તેની સૂજ અબુધ પગીને ન પડી. તેનુ મન કોઇક અલગ વિચારમાં પડ્યુ નાનપણમાં સાંભળેલ આવા વૈરાગી બાવાઓની વાતો માનસ પટલ પર તરી આવી. ક્યાંક બાપજી વાતોમાં ભેળવીને કે, પછી મંત્ર તંત્રની વિધિથી મને તો તેમની જમાતમાં નહિ લઇ જાયને ? આવા તો કંઇક વિચારોએ પગીનુ મન ચગડોળે ચડ્યુ. પણ પછી થોડુ ખચકાતાં પોતાનુ અજ્ઞાની જીવન સમજાવતાં પગીએ કહ્યુ, "અરે, બાપજી મુજ રંક ને ભલા એવા જ્ઞાન કાં સે આવે, મારે તો આ ફાટક ભલુ અને હુ ભલો.....!" "ઠીક હૈ, બાત તુને બહોત ખુબ કહી બિના જ્ઞાન નહી વૈરાગ.......!" લેકિન સુન અબ અગલે મુકામ પર જાને કા મેરા વખત હો ચુકા હૈ મેં કલ નિકલ ભી પડુ, મેં તુમ્હારી સેવા સે બડા પ્રસન્ન હુ ઇસલીએ મેં તુજે એક સિધ્ધમંત્ર શીખાઉંગા, જિસસે તુમ્હારા જીવન ઇસ ગરીબી સે અમીરીમેં બદલ જાવેગા. પોતાની જોળીમાંથી સાધક ધારણ કરે તેવા વસ્ત્રો કાઢી પગી તરફ નાખતાં આશીર્વાદની મુદ્રામાં પોતાના પ્રતાપથી સામેના પામર મનુષ્યના ઉધ્ધારક હોવાની છબી ધારણ કરતાં આગંતુકે આદેશ કર્યો.
ત્યારે, સંસારી મનુષ્ય સદીઓથી જે સમૃધ્ધિ સળતાથી મળતી હોય અને જેટલુ અંતર મન ડોલી ઊઠે તેમ પગીને જાણે કોઇ મોટા તપથી પ્રસન્ન થઇ ઇશ્વર પોતે વરદાન આપવા પ્રગટ થયા હોય તેવો અહોભાવ આજ તેની મુખ મુદ્રા પર દેખાઇ આવ્યો અને તે નત મસ્તક મળેલ આ વરદાનને સ્વીકારવા વંદન કરી રહ્યો....અને વડલા નીચે આસન જમાવ્યું. કોઇ માયાવી દાનવ પોતાની માયાથી જેમ કાયાનુ કદ વિરાટ કરતો હોય તેમ પેલા વડલાનો છાંયો તેનુ કદ લંબાવી રહ્યો હતો, ત્યારે નિત્યના ચિર-પરિચિત વેશમાં જોવા મળતી પેલી માનવ આકૃત્તિએ આજ ધારણ કરેલ વેશભૂષા જોઇ તેનાં જુગ જુના એવાં વડવાસી સ્વજનો આશ્ચર્ય સાથે એકી ટશે આ માનવસહજ લીલા જોઇ કેવા તર્ક વિતર્ક કરતાં હશે એવા વિચાર માત્રથી જ તપો સિધ્ધિની ધ્યાન મુદ્રામાં બેઠેલ પેલી માનવ આકૃત્તિએ વચ્ચે વચ્ચે કંઇક આછેરુ સ્મિત મુખાકૃત્તિ પર લાવી વળી પાછુ મળેલ આ અણમોલ પળોની કૃપા માટે દીધેલ મંત્રનુ રટણ કરવાનુ ચાલુ રાખ્યુ. પડખે પડેલ કમંડળ આ પરિસ્થિતિનો સાક્ષી ભાવ પુરતુ હોય તેમ સ્થિતપ્રજ્ઞ પડ્યુ હતુ. વડથી થોડેક દૂર પેલુ ફાટક આજ તેના નવા રખેવાળને હજુ સમજે તે પહેલાં તો દૂરથી આવી રહેલ રેલગાડીના કંપનોએ તેને સજાગ કર્યુ ; ન કર્યુ , ત્યાંતો રેલગાડીના ભૂંગળાનો તીણો અવાજ વાતારવરણમાં તીવ્ર ગતિએ આગળ ધસતો જણાયો, દૂર પાટા પર રેલગાડીનુ ભૂગળુ ધૂમાડો ઓકતુ આગળ ધપતુ દેખાયુ......
પણ ! આ શું ! ગાડી આજે ધીમી કેમ પડી રહી છે ? જાણે ફાટક પાસે તે ઊભી તો નહિ રહેને ? પણ કેમ ? ગાડીનો આજનો અવાજ નિત્યના ટેવાયેલ પગીના કાનને કંઇક અલગ જ લાગ્યો. સમાધિસ્થ પેલી માનવ આકૃતિનુ ધ્યાન તુટ્યુ, મુખાકૃત્તિ પર ચિંતાની રેખાઓ છવાઇ ; કંઇક પ્રશ્નો મગજે ક્ષણવારમાં વિચારી લીધા; દૃષ્ટિએ ચારે તરફ ચકોર નજર ફેરવી જોઇ, સહસા ........ નજર ફાટક પર સ્થિર થઇ ………………….,આજના નવા ચોકીદાર પેલા અતિથીના હાથમાં લાલ ઝંડી ફરકતી જોઇ પ્રથમ તો લાગ્યુ કે, ભૂલથી આ કર્યુ હશે, પણ એજ દ્ર્ષ્ટિ દૂરના રસ્તા પર સ્થિર થઇ ત્યારે પગીના પેટમાં ફાળ પડી....તે જમીન સોંતો એ જ મુદ્રામાં ચોંટી ગયો....તેના ઊભા થવાના પણ હોશ ન રહયા; સામેની ટેકરીઓ તરફના માર્ગ પરથી ઉડતી ધૂળની ડમરીઓનુ વાદળ ઊભી રહેલ ગાડી તરફ વંટોળની પેઠે આવી રહેલ દેખાયુ. ઘોડાઓની હણ-હણાટી અને જોટાના ભડાકાઓના આવાજે વાતાવરણ ગજવી મૂક્યુ. વડલા પરના પંખીઓ આ અજાણી સ્થિતિને પામી ન શક્યા અને આકાશમાં આમથી તેમ દિશા વિહીન ફફડાત કરતાં ઊડા-ઊડ કરવા લાગ્યાં. ગાડીના ડબ્બાઓમાંથી મુસાફરોના આક્રંદની ચીસોએ વાતાવરણ કંપાવી મૂક્યુ ! કાળચક્રની કેટલીક ક્ષણો આ ફાટક પર ઉભેલ રેલગાડી પર જાણે અભિશાપ થઇને વરસી ; ઘડી એક બાદ ઘોડાઓના દૂર જતાં ડાબલાઓના અવાજો સંભળાયા અને ડુગરોમાં અદશ્ય થઇ ગયા…….
કંઇ કેટલાય મુસાફરોના ઘરેણાં, રોક્ડ લૂંટાયા, તો કેટલાક ઝપા-ઝપીમાં ઘાયલ થયા, હવેની શાંતિમાં તેઓનો આક્રંદ સંભળાઇ રહ્યો...,,…!
" આ ફાટકનો ચોકીદાર ક્યાં મર્યો ? આ એનુ જ કારસ્તાન લાગે છે, નહિં તો રેલગાડી અહીં ઊભી જ શેની રહે ! નક્કી એની મીલિભગત જ છે. ." પગી પર આક્રોશ ઠાલવતાં કેટલાક મુસાફરો બરાડા પાડવા લાગ્યા .
"એ ચોકીદારને ફાંસીના માંચડે લટકાવો, ! નખ્ખોદ જજો એનુ ," મુસાફરોના આક્રોશથી ભરેલ શબ્દો અહીના ગમગીન શાંત વાતાવરણમાં વડ નીચે બેઠેલ પગીના કાને અફળાયા. તેનો જીવ ઊંચો નીચો થવા લાગ્યો, પહેલેથી જ તે અવાક થયેલ હતો જ તેમાં આ નવી આફતનો ઉમેરો થયો , શુ કરવુ તેનુ ભાન જ ન રહ્યુ.
"પણ, એ ફૂટેલ છે ક્યાં ?...".એક મુસાફર તાડૂક્યો.
"અરે, ભલા માણસ હવે તે થોડો અહીં ઊભો રહેવાનો, ભાગી નીકળ્યો હશે આ લૂંટારાઓ ભેગો...." રેલગાડીના ડ્રાઇવરે ચોતરફ નજર ફેરવી નિસાશો નાખતા કહયું.
પગીને લાગ્યુ જો હુ અહીંનો ચોકીદાર છું એવો ફોડ પાડીશ તો તેનું શું થશે ! એ વિચારે તેને કમકમાં આવી ગયાં. ઘડીભર અચેત થયેલ બુધ્ધિએ સહસા વિજળી વેગે પગીને સૂચન કર્યુ કે,..મૌન વ્રતં ઉત્તમ સંભાષણંમ !!
મુસાફરોમાંના કેટલાકનુ ધ્યાન વડ નીચે બેઠેલ પેલી સસમાધિમાં લિન માનવ આકૃતિ ઉપર પડ્યુ, કોઇકે તેમની પાસેથી બાતમી મેળવવાની વાત મૂકી, વળી એક મુરબ્બીએ કહ્યુ, "આ કોઇ મૌન સમાધિની સાધનામાં દેખાય છે, નહિતર આટ આટલા હોબાળા છતાં તેમણે કંઇ હરકત કેમ કરી નહિ ? વળી થોડીવારમાં દી આથમશે અને ઉપરથી આ ભેંકાર વગડો ! હવે અહીં વધુ રોકાણમાં જોખમ જણાય છે..." ઘણાને આ વાત સમજદારી વાળી લાગી તો કેટલાક ગભરાયેલ મુસાફરોએ હવે અહીંથી વહેલી તકે જવાની ઉતાવળ બતાવી.
થોડીવારમાં ભૂંગળાનો ધૂમાડો ઉપર ચઢતો દેખાયો, રેલગાડીએ ફાટક ઉપરથી તેના ગંતવ્ય સ્થાન ભણી પરયાણ કર્યુ; ત્યારે તે પગીનો રોટલો અને જીવતરનો આનંદ પણ લેતી ગઇ ! વળી પાછી વાતાવરણમાં પૂર્વવત ભેંકાર શાંતિ પથરાઇ ! ઘડી એક બાદ પેલા વડલા નીચે બેઠેલ આકૃતિએ વડના ટેકે ઉભા થઇ એક દિશામાં ધીમા ડગ માંડ્યા. ડાળ ઉપર બેઠેલ બે હોલા ભગત ચારે તરફ ભયભીત નજરે પોતાની ડોક ફેરવી વળી સ્થિતિનો તાગ જોઇ માળામાં છુપાઇ ગયા ; એક ખિસકોલી વડવાઇના સહારે નીચે ઉતરી પોતાની ડોક ઊંચી કરી આસપાસની પરિસ્થિતિનુ અવલોકન કરી આગળ દોડી, ઝપા- ઝપીમાં કોઇ મુસાફરના પડેલ કપડાના ટુકડાને મુખમાં રાખી તીવ્ર ગતિએ પાછી ઝાડ પર ચડી ગઇ. ઉગમણી દિશામાં પોતાની છાયાની માયા પ્રસરાવતા વટવૃક્ષે ફાટકને ઢાંકી દીધુ ; ત્યારે આથમણી દિશામાં દિવસ આખાનો થાક ઉતારવા સૂરજનારાયણે પણ ટેકરીઓના ઓથા પાછળ નિંદ્રા દેવીને વશ થવા ડગ માંડ્યા.....તેવા ટાણે સંધ્યાની લાલીમા ઘડીક સૃષ્ટિ પર પોતાનુ પાથરણુ પાથરી, વળી પાછી અદ્ર્શ્ય થઇ અને એ પાથરણા પર અંધકારે નિરાંતે પોતાનુ સાસન જમાવ્યુ ; ત્યારે ઘોર અંધકારમાં નિશાચર એવા શિયાળોએ બિહામણા અવાજોથી પોતાની હયાતીનુ ભાન કરાવવા વગડાને ગજવી મૂકયો ...!
લેખક: મહેન્દ્ર ગઢવી