વિઠ્ઠલ તીડી : રૂઆબ નેટફ્લિક્સની વેબસિરિઝ જેવો
સૌથી પહેલાં તો લેખકશ્રી મુકેશ સોજીત્રાને તીન એક્કા જેટલી પાઉરફુલ વધામણીઓ. એમની વાર્તા "વિઠ્ઠલ તીડી" જે શબ્દરૂપે હતી એ આજે અભિનયરૂપે રિલીઝ થઈ. શબ્દો જ્યારે કેમેરા સામે આવે ત્યારે તેમનું વજન આપમેળે વધી જતું હોય છે. જો કલાકાર ઉમદા હોય તો. અને આ વેબસિરિઝ જોવાનું પહેલું કારણ કોઈ હોય મારા માટે તો એ છે મુકેશ સોજીત્રા સાહેબ.
બધું બહુ જલ્દી થયું. જટ ટ્રેલર ફટ રિલીઝ. "સ્કેમ 1992" નો નશો હજી ઉતર્યો નથી અને ઓસર્યો પણ નથી ત્યાં પ્રતીક ગાંધી ફરી નવી નશીલી વાર્તા લઈને હાજર થઈ ગયો. અને અત્યારે ગુજરાતી સિનેમા જગતમાં બધાને ગમે એવો ચહેરો પ્રતીક ગાંધી છે. આ વેબસિરિઝ જોવાનું ઠોસ કારણ પ્રતીક ગાંધી પણ છે. ડાયરેકટર અભિષેક જૈનએ એક સાહસી પગલું માંડી દીધું છે ગુજરાતી ફિલ્મોમાં.
વાર્તા ગામડાંની છે પણ રુઆબ જેમ્સ બોન્ડ કસીનોમાં એક્ટિંગ કરતો હોય એવો છે. એટલે કે છાણાંની છાપમાં સંજયલીલા ભણસાલીની ઝાકઝમાળ અનુભવાય એવી રીતે વાર્તા ડિઝાઇન કરવામાં આવી છે.
વિશાલ ઠક્કરને ઓળખો છો? લ્યો બોલો, છોટે વિઠ્ઠલને ઓળખો છો, પહેલાં એપિસોડમાં જે વાર્તાને જીવંત બનાવે છે એ. એ ચહેરો આગળ જતાં ઘણી સિરીઝમાં જોવા મળશે. કરુણતાથી શરૂ થતી આ સ્ટોરી આગળ જતાં દરેક રંગો બતાવે છે. મહાદેવ મંદિરના પૂજારીનો આ ત્રિપાઠી પરિવાર આખી વાર્તાના કેન્દ્રમાં છે. લગભગ દરેક સંબંધને સારી રીતે સ્ટોરીમાં દેખાડ્યા છે. બાપની આંખમાં આંસુને છુપાવ્યા તો બહેનની લાગણીમાં માતાની મમતા છલકાવી. મિત્રોની રંગત બતાવી તો બાપુના ડેલાંની સંગત પણ દર્શાવી. જ્યારે વિઠ્ઠલ તીડી પહેલીવાર ડેલીએ રમવા જાય છે ત્યારે જે રીતે વિડીયોગીરી કરી છે. મોજ મોજ ને મોજ... એવું લાગે કે વિઠ્ઠલ ડેલામાં નહિ પણ કોઈ મોંઘેરા કલબમાં ગયો હોય.
ભાર્ગવ પુરોહિતે બધા એપિસોડ લખ્યાં છે. લખાણમાં ગામડું છલકે છે. લખાણની બારીકાઈ પણ આંખે ચડે છે. ગામડાનો ઠપકો હોય કે ગામડાનો ભપકો, બંને સારી રિતે પીરસાયુ છે. તળપદી બોલીની રમઝટ છે તો ગામડાંની જાહોજલાલીનો થનગનાટ પણ. જે વાર્તા લેખકે(મુકેશ સોજીત્રા) લખી એ જ વાર્તાનો વૈભવ તમને વેબસિરિઝમાં જોવા મળે. એટલે કે લોકેશનની ચોઈસ મસ્ત મસ્ત... ચોરવાડ..ગીર..ને અમદાવાદમાં આ વાર્તા શૂટ થઈ છે.
16 દિવસમાં બનેલી આ વેબસિરિઝ આવનાર ગુજરાતી વેબસિરિઝની દુનિયાનું પહેલું પાનું છે. ગુજરાતીમાં આ પ્રકારની વેબસિરિઝ બની નહોતી. અને ખાસ જરૂર હતી. કેમ કે, ગુજરાતી સિનેમા એટલે "લવ, લગન ને લોચા" જ કહેવાતું. પણ હવે જોનારાઓ ત્રસ્ત થઈ ગયા એ લોચા-લબાચાથી. "વિઠ્ઠલ તીડી" નામે જ આ વાર્તા રિલીઝ કરવી એ પણ એક જાતનું સાહસ જ. ડાયરેકટર અને આખી ટીમને મોંઘેરા અભિનંદન અને અઢળક અપેક્ષાઓ....આવનાર પ્રોજેક્ટની પ્રતીક્ષાઓ...
પ્રતીક ગાંધીથી લઈને દરેકની એક્ટિંગ લાજવાબ રહી છે. વિઠ્ઠલના બાપા, વંદના, વિઠ્ઠલના મિત્રો, જુગારી ડેલાના કામણગારો, અને ખાસ પ્રેમ ગઢવી(કનુ દટ્ટી) જલવો છે જલવો. એટલે કે વેબસિરિઝ બધાને ગમી એમની પાછળ કાસ્ટિંગ ચોઈસ અને એ લોકોની એક્ટિંગ માસ્ટરી ભાગ ભજવે છે.
બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય કે ટાઇટલ સોન્ગ. લિરિકસ લખનાર અને ગાયકોની મહેનત મહેકે છે. વિડીયોગ્રાફી પણ ઉંચેરા લેવલની થઈ છે. નેટફ્લિક્સની કોઈ વેબસિરિઝ જોતા હોય એવું લાગે છે અમુક સીનમાં તો. એટલે કે જોવા જેવી...માણવા જેવી... અને જોઈને અનુકરણ ન કરવા જેવી(હી..હી..હી..હી) એ તીડી છે ભૈ, એને ત્રણ તીડી નીકળે આપણે તો પપુડી જ નીકળે ભઈલા...
સંવેદનશીલતા અને સરળતાને સારી રીતે ઘોળી છે. પ્રતીક ગાંધીએ શેર બજાર પછી "ગામડા બજાર"ને પકડી. હવે કદાચ ક્રિકેટમાં "ખેલો દિમાગ સે" એવી કોઈ સ્ટોરીમાં પ્રતીક ગાંધી જોવા મળે તો જરાય નવાઈ નહીં રહે.
કોઈ વેબસિરિઝ પરિપૂર્ણ પરફેક્ટ નથી હોતી. કેમ કે, વાચકો અને દર્શકો હમેશા અતૃપ્ત જ રહેતા હોય છે તેમ આ વેબસિરિઝમાં પણ વચ્ચે વચ્ચે એવું થાય. પણ ગુજરાતી ભાષાની માસ્ટરપીસ વેબસિરિઝ છે એમાં જરાય અતિશયોક્તિ નથી. હવે અહીંથી ગુજરાતી ફિલ્મ સર્જકોએ નવી રાહ પકડવી જોઈએ. લગનના લોચા ભૂલીને હિન્દી અને અંગ્રેજી સિનેમાની સાથે ચાલવાની શરૂઆત કરવી જોઈએ. અને ખાસ દર્શકોએ આવી વાર્તાઓને જોવી અને જોવડાવી જોઈએ. તો જ ગુજરાતી સિનેમામાં કઈક નવું જોવા મળશે. બાકી.. અરે..સાંભળો છો... તો રસોડામાંથી.. બોલશે.. અરે બાપા.. બોલો ને તમે....
Oho Gujarati પાસેથી આવે અપેક્ષાઓ બમણી થઈ છે.
હવે જુઓ વિઠ્ઠલ તીડી અને વખાણો એમના તમામ સાહસિક સર્જકો ને...
~ જયદેવ પુરોહિત
Www.jaydevpurohit.com