The mystery of skeleton lake - 25 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૫ )

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૫ )

ફ્લેશબેક

પાછળના પ્રકરણમાં તમે જોયું કે મોચી બનીને અભાપર ગામ ગયેલા કુમાર અને રાઘવ કુમાર રાત્રેે જઈન મુખીએ ટપાલ નાખી હતી એ ટપાલ પેટી ઉઠાવી આવે છે અને એમાંથી ઘણી બધી વાર તપાસ કરી એક એવો પત્ર શોધી કાઢે છે કે જે આગળ વધવા માટે કડીરૂપ સાબિત થઈ શકે. બીજી તરફ બીજી ટુકડી દિલ્હી પહોંચે છે અને પટેલ રેસ્ટોરન્ટ અનેે ગેસ્ટ હાઉસમાં રોકાય છે અનેે ત્યાંથી આગળ જવા ઋષિકેશ વાળો રસ્તો પસંંદ કરે છે હવે આગળ...

પ્રકરણ ૨૪ છેલ્લો ફકરો

[તા:-૨૧ મોડી રાત] રાઘવકુમાર અને ઝાલા હવે એકદમ તૈયાર હતા આજે બપોરે જ આવનારી કાલ માટેનું આયોજન થઈ ગયું હતું આવનારી સવાર કેસને કૈક અલગ માર્ગે લઈ જાય એમ હતું . મધરાત સુધીનો સમયતો નીકળી ગયો હતો પરંતુ હવે પછીનો સમય પસાર થતો જ નહતો , જેમ લગ્નની આગળની રાત્રે વર-વધુને થાય એમ મિનીટ એક દાયકા જેવી લાગતી હતી અને એવો ઉત્સાહ હોવો સ્વાભાવિક પણ હતો , કારણ કે હજારો આંટીઘૂંટી વાળો આ કેસ આટલી સરળતાથી પતી જાય...? આ વાત લોઢાના ચણા ચાવી એને પચાવવા જેવી મુશ્કેલ હતી . ધીરેધીરે સમય વીતતો જાય છે અને ઝાલા અને રાઘવકુમારની ધડકનો પણ વધતી જાય છે .



પ્રકરણ ૨૫ શરૂ


[તા:-૨૨ વહેલા ] દીવાલ ઘડિયાળ ૨:૧૭ નો સમય બતાવી રહી હતી . સ્વાતિ એક સપનું જોઈ રહી હતી . એક સફેદ આકૃતિ એની પાસે આવે છે , એટલી ઉજળી છબી કે એના પ્રકાશથી અંજાઈને એ મહાન આકૃતિનો ચહેરો પણ જોઇ શકાતો નહતો . એ વ્યક્તિ નજીક આવતા ધીરેધીરે એમનો ચહેરો દ્રશ્યમાન થાય છે , જે ચહેરાને સ્વાતિએ કદી જોયો નહોતો . એ ચહેરો પોતાને કશું કહી રહ્યો હતો 'તારો જન્મ હજારો આત્માના ઉદ્ધાર માટે થયેલો છે , તે લોકો હજારો વર્ષોથી ભટકે છે , પોતાના પ્રશ્નના જવાબો માટે , પોતાના દેહના મોક્ષ માટે , તું એમનો મોક્ષમાર્ગ છે . હે પુત્રી ..ઉઠ , જાગ પરમાત્મા એ તને પોતાનું શુભ કાર્ય કરવા માટે પસંદ કરી છે . તું આને એક સપનું સમજીને અવગણી ના શકે. કાલે સવારથી જ આ શુભ કામ માટેના સંકેતો મળવાના શરૂ થઈ જશે .... કાલે લક્ષ્મણ ઝુલા પાસે તને આ વાતની પૃષ્ટિ મળી જશે અને જે કાર્ય માટે તું નીકળી છે એ સફળ થવામાં પણ મદદ કરશે .... ફરી કહું છુ ...જાગ પુત્રી જાગ ... આટલા બધા વ્યક્તિ ભટકે છે અને તને નીંદર કેવી રીતે આવી શકે ....!?? લડવા માટે તૈયાર થઈ જા ... ગમે તેવી પરિસ્થિતિ આવે તારે પીછેહટ નાજ કરવી જોઈએ "
" આઅઅઅઅઅઅ........." સપનું પૂરું થતા જ સ્વાતિ નિંદ્રા માંથી બૂમ પાડીને જાગી ગઈ . અવાજ સાંભળીને સૌ જાગી ગયા પરંતુ ' બધું ઠીક છે એક ખરાબ સ્વપ્ન આવ્યું હતું ... તમે બધા સુઈ જાવ કાલે સવારે વાત કરીએ ' આટલું કહી બધાને સુવડાવી દીધા .



[તા:-૨૨ વહેલી સવાર] વહેલી સવારે ૪ વાગ્યે ઉઠીને સૌ તૈયાર થઈ રહ્યા હતા . સવારે ૬:૧૦ વાળી ટ્રેનમાં જવાનું નક્કી કરાયું હતું . ૫:૩૦ સવારે તૈયાર થઈને નીચે ચેકઆઉટ કરવા માટે ગયા . પેલી ગુજરાતી રીસેપ્શનિસ્ટ ત્યાં હાજર નહોતી , એનું સ્થાન એક બીજા માણસે લીધું હતું. ત્યાં જઈને મહેન્દ્રરાયે કહ્યું
" ચેકઆઉટ કરના હૈ ....રૂમ નંબર ૧૦૧ ...."
" તમે ગુજરાતી છોને....?? સોનાલી એ કહ્યું હતું કે કાલે સવારે તમે જલ્દી નીકળી જવાના છો , તમારા માટે ચા-નાસ્તો તૈયાર છે .... પાંચ મિનિટમાં આપો હું વ્યવસ્થા કરું છુ....."
" સોનાલી....?? " મહેન્દ્રરાયે સોનાલી કોણ છે ના ઓળખાતા કહ્યું
" પેલી રીસેપ્શનિસ્ટ , જેને કાલે રાતે મળ્યા હતા તે ..." આટલું કહી બેલ માર્યો અને વેઇટર ને ચા નાસ્તાની વ્યવસ્થા કરવા જણાવ્યું
" ઠીક છે ....તમારો ખૂબ ખૂબ આભાર ....... અને બિલ આપી દેજોને ...."
" જી હા સર .... તમારા થયા ₹૩૦૦૦ એન્ડ તમને મળે છે ૨૦ % સ્પેશિયલ ડિસ્કાઉન્ટ માત્ર ₹૨૪૦૦ થયા "
" ધન્યવાદ ... " બિલ ચૂકવી મહેન્દ્રરાય ટેબલ પર ગોઠવાઈ ગયા . ગરમાંગરમ સમોસા , પોંવા , ખમણ અને મસાલેદાર ચા આરોગીને રેલવે સ્ટેશન જવા નીકળ્યા ત્યારે ૬:૧૦ ગયા હતા . ખૂબ ઝડપથી રેલવે સ્ટેશન પહોંચ્યા . સ્ટેશન પહોંચતા ૬:૧૭ મિનિટ થઈ ગઇ હોવાથી ટ્રેન ઉપડી ગઈ હોય એવું લાગતું હતું તેથી ઋષિકેશ જવા માટેની ટ્રેન માટે તપાસ કરી . તેઓ કદાચ નસીબદાર હતા , પેલા પૂછપરછ વાળાએ નમ્ર અવાજ માં કહ્યું
" માફ કિજીયે ગા સાબ .... વો ટ્રેન ......"
" નીકલ ગઈ ક્યાં ....??" આટલું સાંભળતા બધાના મોઢા નિરાશ થઈ ગયા.
" નહિ ..નહિ...સા'બ .... વો ટ્રેન આજ આધા ઘંટા લેટ હૈ ... દુવિધા કે લિયે ખેદ હૈ ...." આ વાત સાંભળીને સ્વાતિને પેલા સપના વાળા સફેદ અજવાળાની યાદ આવી જેમાં કોઈ કહી રહ્યું હતું કે ભગવાને એની પસંદગી કોઈ ખાસ મકસદને પાર પાડવા કરી છે , હજારો ભટકતા માણસોને મુક્તિ અપાવવા માટે કરી છે . વાત સપનું હોવા છતાં સ્વાતિને માત્ર સ્વપ્ન સમજી આ વાત નકારી કાઢવાની નથી એ વાત પણ સપના માં કહી હતી .
" સ્વાતિ ....સ્વાતિ ...સાંભળે છે ....?? ક્યાં ખોવાઈ ગઈ છે ....??" મહેન્દ્રરાય , સોમચંદનો મંદ મંદ અવાજ સ્વાતિને આવી રહ્યો હતો , પરંતુ એનું સંપૂર્ણ ધ્યાન પેલા અવાજ પર હતું જે કાલે રાત્રે સપનામાં આવેલો . ' કાલ સવારથી જ શુભ સંકેતો મળવાના શરૂ થઈ જશે ' આ વાત એના મગજમાં ઘુમરાઈ રહી હતી ત્યાં ફરી મહેન્દ્રરાયે એના હાથ પકડ્યા અને હચમચાવતા કહ્યું
" સ્વાતિ ...ક્યાં ખોવાઈ ગઈ ....!??"
" હમ્.... શુ ...?? "
" તારું ધ્યાન ક્યાં છે ..?? અમે ક્યારનાં તને બુમો પાડીએ છીએ ...તું ઠીક તો છેને ....!?"
" હા ઠીક છુ ....કાલ રાતનું સપનું યાદ કરતી હતી ... "
" હા ...રાત્રે તું ડરીને ઉઠી ગઈ હતી ...એવું તો શુ હતું સપનામાં ....? " મહેન્દ્રરાય હાથ વધારે જોરથી ઝકડીને પૂછ્યું
" કાલે એક સફેદ પ્રકાશ મારી સામે આવ્યો એમને કહ્યું મારી પસંદગી એક સારા કામ માટે થઈ છે ...અન્..... મારે ભટકતા લોકોને મુક્તિ અપાવવાની છે .....અન્..... મારે આ વાતને સપનું ના માનવી જોઈએ ...અને ...અને....અન્..... કાલ સવારથી જ શુભ સંકેતો મળવાના શરૂ થઈ જશે ...." સ્વાતિ કાલ રાત્રે સપનામાં શુ બન્યું હતું એ બધું વિચારી વિચારીને બોલી રહી હતી
"ઓહ ... વાત કદાચ સાચી હોય શકે ... આજે આપડે સ્ટેશન મોડા પહોંચ્યા અને ટ્રેન મોડી હતી ...આ એક શુભ સંકેત જ છે ...!! " સોમચંદે કહ્યું
" પરંતુ આ એક યોગાનુયોગ પણ હોઈ શકે ને ...? " મહેન્દ્રરાયે શંકા વ્યક્ત કરી
" હોઇ શકે છે , પરંતુ આ સપના સાથે સરખાવીએ આ વાત યોગાનુયોગ કરતા કોઈ સંકેત વધારે લાગે છે " સોમચંદે કહ્યું અને આગળ સ્વાતિને પૂછ્યું
" સ્વાતિ બેટા .... આના શિવાય કઈ યાદ છે ખરું ...!?"
" આના શિવાય તો હવે....?? ...અન્.... હા એમને કહ્યું હતું કે લક્ષ્મણ ઝુલા પાસે મને આ વાતની પૃષ્ટિ મળી જશે અને આગળ વધવામાં ખૂબ મદદ મળી રહેશે "
" આ લક્ષ્મણ ઝુલા ... ત્યાં ઋષિકેશમાં જ છે કદાચ ..... તો જેમ બને એમ જલ્દી ઋષિકેશ જઈને તપાસીએ ... આ વાત કેટલી સાચી છે " સોમચંદે કહ્યું એટલી વારમાં ક્રિષ્ના ટિકિટ લઈને આવી ગયો હતો . બીજી દસેક મિનિટ વીતી ત્યાં ટ્રેન આવી અને ચારે જણા એમાં બેસી ગયા .

[તા:-૨૨ વહેલી સવાર ] ઝાલાના ઘરની દીવાલ ઘડિયાળ ઇન્ટઝારનું ફળ આપતી હોય એમ તેના પર સવારના ચારના ટકોરા પડ્યા . ઝાલા પથારીમાં એકદમ સફાળા જાગી ગયા .જલ્દી તૈયાર થઈને ઝાલા ગાડી લઈને આભાપર ગામ તરફ નીકળ્યા ત્યારે હજી સવારના ૫:૩૦ થયા હતા , પરંતુ એમના અંદર રહેલી ઉત્સુકતાના કારણે તેઓ એક ક્ષણ પણ રાહ જોવા માંગતા નહોતા . આભાપર ઇડર શહેરથી ૪૦ કિલોમીટર દૂર જ હતું તેથી ધીમેધીમે ગાડી ચલાવી આગળ વધી રહ્યા હતા . હજી આકાશમાં અંધારું પથરાયેલું જ હતું . પક્ષીનો મધુરો અવાજ અને ક્યાંક ક્યાંક કુકડાનો અવાજ આવનાર સૂર્યને વધાવી રહ્યા હતા અને સાથે સાથે ડી.જે. ઝાલા સાહેબની જીપ ધીમેધીમે આગળ વધી રહી હતી .૫૦ મિનિટનો રસ્તો કાપતા ઝાલાએ લગભગ દોઢ કલાક લગાડી .જીપ આભાપરની પાદરમાં આવીને ઉભી રાખી હતી , કારણ કે મુખી હજી સામે મળ્યા નહોતા . ઇડરથી નીકળ્યા ત્યારનું ઝાલાનું ધ્યાન રસ્તા પર હતું .પરંતુ હજી મુખી ગામની બહાર નીકળ્યા નહોતા , તેથી ગામના પાદરમાં જીપ ઉભી રાખી રાહ જોતા ઉભા રહ્યા . હવે કાંડા ઘડિયાળ ૭:૦૦ ની આજુબાજુનો સમય દર્શાવી રહી હતી . સામેથી ભરવાડો પોતાના ઢોરને ચરાવવા માટે જંગલ તરફ લઈ જતા હતા . ગાયો અને ભેંસો છાણ સ્વરૂપે પોતાની અમીટ છાપ રસ્તા પર છોડતા જતા હતા . ત્યાં ઢોરના પાછળ કોઈ ગાડીનો હોર્ન સંભળાયો જે આભાપર ગામ તરફથી જ આવી રહી હતી . એ ગાડી અને ઝાલાની જીપ વચ્ચે ઢોર હોવાથી ગાડીમાં કોણ છે એ દેખાતું નહોતુ , પરંતુ જેવી ગાડી થોડી નજીક આવી ત્યાં ભરવાળોનો અવાજ સંભળાયો
" નમસ્તે મુખી સાઇબ... નમસ્તે ....."
" નમસ્તે ...... આ તાર ડોબાન હટ આઘા લેજે ભેરુ , આઝ થોડું ઉતાવઇડ છયે ...."
" જી મુખી સાઇબ..."
આ વાર્તાલાપ સાંભળતા જ ઝાલા જીપમાં થોડા ઝૂકી ગયા , જેથી સામેની બાજૂથી આવતી વ્યક્તિને જીપમાં કોણ બેઠું છે એ ખબર ના પડે . ગાડી જેવી ઝાલાની જીપ પાસેથી પસાર થઈ ત્યારે ઝાલાએ મુખીને ગાડીમાં બેઠેલા જોઈ લીધા . જેવી ગાડી આગળ વધી , તરત જ ઝાલાએ જીપ અંદર ગામ તરફ હંકારી લીધી . ગામના ઝાંપાની અંદર પાર્ક કરીને અંદરની તરફ ચાલતા ગયા . અંદર આવતા જતા સૌ ઝાલાને જ જોઇ રહ્યા હતા , કદાચ આ ચહેરો એમના માટે ઓળખીતો હોય એવું જણાતું હતું . ઝાલા અંદર જ અંદર હસતા હતા કારણ કે કાલે મોચી બનીને આવ્યા ત્યારનો કાળા મેકઅપ વાળો ચહેરો અને આજનો ચહેરો એક જ છે એવું કોઈને માલુમ પડ્યું ના હોય એવું લાગતું હતું . ઝાલા સામેથી ચાલી આવતા એક માણસ પાસે ગયા અને પૂછ્યું
" બળવંતરાયનું ઘર કઈ બાજુ આવ્યું ભૈ ...? " પેલા માણસને પહેલા તો આશ્ચર્ય થયું કે ' આ મુખીજી બળવંતરાયજી ની જ વાત કરે છે કે કેમ ...!? ' કારણ કે આજ દિવસ સુધી ભાગ્યે જ કોઈ એમને નામે બોલાવતું . ત્યાં ફરી ઝાલા સાહેબે ટકોરતા પૂછ્યું
" ઓ ભૈ .... ચાં ખોવાઇ જ્યો...? તમાર મુખીજીની ડેલી (ઘર) ચૈ બાજુ "
" ઓલ્લલ્લી હામેં ની ગલી દેખાય ...!? તા થી ડાબે લઈને સિધ્ધા નોકની ડોંડીએ હાલ્યા જાવ .... મોટી હવેલી આવે એઝ અમાર મુખીજીનું ઠેકાણું " પેલા ભાઈએ કહ્યું
" ધન્યવાદ ..." આટલું કહી ઝાલા એ માણસે ચીંધેલા રસ્તે ચાલ્યા ગયા . સીધા રસ્તે ચાલી ડાબી બાજુએ થોડા જ આગળ વધતા એક મોટી હવેલી આવી ગઈ . એ હવેલીની આજુબાજુમાં શેરીના થોડા બાળકો રમી રહ્યા હતા અને એક-બે બાળકો પોતની મુલાયમ હથેળીને શોભાવતી નાની ચોપડીઓ લઈને બેઠા હતા . નજીક જઈને ઝાલાએ પોતાના ખિસ્સા ફંફોડ્યા , થોડી ચોકલેટો કાઢી પેલા બાળકોને તરફ હાથ લંબાવતા કહ્યું
" આ ચોકલેટ કોણ ખાશે ....? " ચોકલેટનું નામ સાંભળતા જ બધાનું ધ્યાન ઝાલા તરફ ગયું , થોડીવાર બધા જોતા રહ્યા અને પછી " મને આલો....મને પણ .... મારી પણ ખાવી ..." બધા એક પછી એક છોકરાઓ નજીક આવ્યા અને ઝાલા બધાને ચોકલેટ આપતા હતા . એક છોકરો હજી ત્યાં બેસીને ચોપડીમાં કૈક લખી રહ્યો હતો . ઝાલા એની નજીક ગયા અને પૂછ્યું
" તારે ચોકલેટ નથ ખાવી ...?"
" હા , પણ પેલા મન એક જોડણી ( spelling ) નથ મલતી " હાથમાં રહેલી ચોપડી આગળ ધરતા કહ્યું . એ છોકરો Search'N Spell ગેમ રમી રહ્યો હતો , જેની અંદર ગોળાકાર કરી અલગ અલગ અંગ્રેજી શબ્દો ગોતવાના હોય છે . એક શબ્દ હતો illusion જે એને મળી રહ્યો નહતો . એ શબ્દોના ચોરસ સમૂહમાં નીચે નજર ફેરવી ઝાલાએ શબ્દ illusion ગોતી આપ્યો , સાથે જ એમના મગજમાં એક ઝટકો લાગ્યો , illusion મતલબ ભ્રાંતિ-ભ્રમણા . કદાચ આખો કેસ ગેરમાર્ગેતો નથી દોરાઈ રહ્યો ને .... !? પેલા શબ્દો ગોતવાની રમત પરથી એમને કાલ વાળો પત્ર યાદ આવ્યો , જેનો કોઈ મતલબ નહતો નીકળતો અને મુખીના કોઈ માણસ દ્વારા કદાચ એજ પત્ર નાખવામાં આવ્યો હોય એવી આશંકા હતી . તેથી તરત એ પત્ર બહાર કાઢી પેલો છોકરાને પૂછ્યું .
" બેટા , તું મારી એક મદદ કરીશ ...? તો હું તને બીજી ચોકલેટ પણ આપીશ "
" હા..હા .... તમે મન આ જોડણી પણ ખોડી આલી ... ચમ મદદ ના કરું ...? બોલો હુ કોમ છૈ ...? "
" આ અક્ષર કોના છે ખબર ...? મને એટલા ગમ્યા કે હું છેક શે'ર થી આયા આયો , એને ચોકલેટ આલવા...!! "
" સાચુકલા...? એ મેઝ લયખું..... મુખી સાઇબે પણ મન ચોકલેટ આલેલી ....પણ કોઈન કેતા ના હો કે ..? મને ના પાડી તી " પેલા છોકરાએ કહ્યું
" ચેટલી વાર મુખીએ તારી પાહે આમ લખાવ્યું સે...? "
" ચેટલીયે વાર સાઇબ..."
" એ લાલિયા .... કોની હારે ઘડીકા લેસ..... આઇ આવકી ....મારે કામ છૈ " કોઈ સ્ત્રીના અવાજે પેલા છોકરાને અંદર બોલાવ્યો અને પેલો છોકરો ઝાલાના હાથમાં રહેલી ચોકલેટ લઈને ભાગી ગયો .
" એ ...એ ઉભો તો રે..... કામ છે .... મોટી ચોકલેટ...." પણ એ છોકરો કાઈ સાંભળ્યા વગર જતો રહ્યો . ઝાલા પેલા છોકરાએ કહેલી વાતને મગજમાં દોહરાવી રહ્યા હતા . ત્યાં અચાનક એમના મગજમાં પેલી સ્પેલિંગ વાળી રમત યાદ આવી , એમને પેલો પત્ર બહાર કાઢ્યો જેમાં કોઈ જ મતલબ વગરના વાક્યો લખ્યા હતા .
એક પછી બે અને બે પછી ત્રણ એ પણ ખબર નથી ..?
મકાન બનાવો મકાન બંગલા નહિ ..સમજાયું ...?
નેકડવુ હોયતો ચૂપચાપ નીકળી જવાનું હો ....!!
ખચ્ચર જેવો છે તું એકદમ ....
બડબડ કરવું દેડકાનું કામ ....
પછી શુ હાલ જ જે કરવુ હોય એ કરી દેને ...
ડીસામાં બટેકા સારા થાય હો ...
ગઈ કાલે મેં રોટલો ખાધો હતો ....
ચેતતો નર સદા સુખી ...!

એમને આ વાક્યો ના પહેલા પહેલા શબ્દો ભેગા કરી એનો કોઈ અર્થ કાઢવાની કોશિશ કરી . પરંતુ કોઈ પરિણામના આવ્યું , ફરી પહેલો પહેલો અક્ષર ભેગો કરી કોઈ અર્થપૂર્ણ માહિતી મળે છે કે કેમ એ તપાશ્યુ . એનું પરિણામ જોઈને એમની આંખો ફાટી રહી ... સંદેશો કોઈ ખાસ નહતો , પરંતુ સામેવાળી વ્યક્તિ માટે ખૂબ જરૂરી હતો જેને આ પત્ર લખવામાં આવ્યો હતો . સંદેશો કૈક આવો હતો .

' એમને ખબર પડી ગઈ , ચેતજો '
આ નાનકડો સંદેશો મુખી દ્વારા કોઈને મોકલવામાં આવ્યો હોય એમ લાગતું હતું ....પણ કોને......? જ્યાં પત્ર મેળવનારનું નામ હતું ' બોસ્કો ... ' નામ જોઈને કોઈ વાર્તાનું કાલ્પનિક પાત્ર હોય એવું જ લાગતું હતું . ઝાલા પાસે જરૂરી માહિતી આવી જતા તેઓ પોતાની જીપ તરફ ચાલવા લાગ્યા . કોઈ પોતાને જુવે અને કંઈ પૂછે એના પહેલા ઝાલા ત્યાંથી નીકળી જવા માંગતા હતા . સીધી શેરી વટાવી જમણી બાજુ વળી ઝાલાએ ચાલવાનું શરૂ કર્યું હવે પોતાને જીપ થોડી જ દૂર હતી .ત્યાં પાછળથી કોઈએ બુમ પાડી
" મોચી ....તું અઈ ...?? " પાછળ થી કોઈએ બૂમ પાડી ઝાલાના પગ સ્થિર થઈ ગયા , નક્કી કોઈને ખબર પડી ગઈ હોય એમ લાગ્યું . હિંમત કરીને ધીમેધીમે પાછળ ફરવાનું ચાલુ કર્યું ત્યાં કાલના ટોળા માંથી જ એક માણસ ઉભો હતો . ઝાલાનું ચમકતું મોઢું , વ્યવસ્થિત કરચલી વગરના ઈસ્ત્રી વાળા કપડાં અને પોલિશ કરેલા જૂતા જોઈને પોતે ભરમાયો હોય એવું લાગતા માફી ભાવે બોલ્યો
" માફી સાઇબ. .... કાલ અમારાઆય એક મોચી આયોતો , એના વાર તમાર જેવા હતા તો મન લાયગુ...."
" કોઈ વાંધો નહિ ... તો હું રજા લવ....? " વાત જલ્દી પતાવતા વચ્ચે જ ઝાલા બોલ્યા
" હા ... હા સાઇબ " કદાચ મુખીએ જ કોઈ સારા કપડાં પહેરેલા , ગાડી વાળા માણસને સાહેબ કહેવાની સારી ટેવ પાડી હોય એવું લાગતું હતું . ઝાલા ઝડપથી ગાડીમાં બેસીને નીકળી ગયા . ગાડી થોડે દૂર હંકારીને રાઘવકુમારને એક મેસેજ કર્યો
" hold mukhi ... He is our link . And who the hell is Bosco ...? "
આટલું લખી ફરી જીપ ચલાવવાની શરૂવાત કરી અને પેલા પત્ર મેળવનારના સરનામે લીધી .

( ક્રમશ )

શું ખરેખર ભગવાને સ્વાતિને હજારો વર્ષોના મોક્ષ માટે પસંદ કરેલી છે...!? એના સપના માં આવેલો પણ સફેદ દાઢીવાળો માણસ કોણ હતો...? અને એના કહેવા પ્રમાણે લક્ષ્મણજુલા પાસે કોઈ વ્યક્તિ મળશે જે આગળ વધવાની મદદ કરશે કોણ છે વ્યક્તિ ...!!? એ વ્યક્તિ આ બધી બાબતો વિશે કેવી રીતે જાણે જાણે છે...!? શુ એજ માણસ તો વજીર નથીને...? કે પછી રાજા તો નથીને ...? ઇન્સ્પેકટર ઝાલા મુખી દ્વારા લખેલા પેલા પત્રનો શોધી કાઢેલો સંદેશો મુખીએ કોના માટે લખ્યો હશે ...?? જાણવા માટે વાંચતા રહો પ્રકરણ ૨૬


તમારા અભિપ્રાય આવકાર્ય છે તમારા અમૂલ્ય અભિપ્રાય મને વોટ્સએપ નંબર 9601164756 પર આપી શકો છો . કોમેન્ટ અવશ્ય મારજો .

આ નવલકથા અંત તરફ આગળ વધી રહી છે આના પછી હું મારી પ્રથમ લઘુ નવલકથા ધરતી અને આકાશ પ્રકાશિત કરવા જઈ રહ્યો છું કે જે એક લવ સ્ટોરી છે શું તમે મારા હાથે લખાયેલી લવ સ્ટોરી ધરતી અને પસંદ કરશો...!? કોમેન્ટમાં અવશ્ય જણાવજો ખુબ ખુબ આભાર