Maa in Gujarati Motivational Stories by Jasmina Shah books and stories PDF | માં

Featured Books
Categories
Share

માં

આજે ઈરાની બર્થડે હતી,તે હવે એક વર્ષની થઈ ગઈ હતી. તેના મમ્મી-પપ્પા, દાદા-દાદી બધાંની ઈચ્છા તેની આ પહેલી બર્થડે ઉજવવાની હતી. કારણ કે વીસ વર્ષ પછી આ ઘરમાં કોઈ નાના બાળકનો જન્મ થયો હતો તેથી બધાંજ તેને લઈને એક્સાઈટેડ હતા.

બર્થડે પાર્ટી ઘરમાં જ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.બધીજ તૈયારી થઈ ગઈ હતી. સગાંવહાલાંને તેમજ સોસાયટીમાં રહેતાં દરેક નાના બાળકને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું.

બચ્ચાં પાર્ટી ભેગી થઈ ગઈ હતી.જોરશોરથી, "હેપ્પી બર્થડે ઈરા, હેપ્પી બર્થડે ઈરા...." ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘણીબધી ભેટ સોગાદ આવી હતી. ઈરા તો કયું રમકડું હાથમાં લેવું અને કયું રમવું તેમાં જ કન્ફ્યુઝ થતી હતી.દાદા-દાદી લાડથી ઈરાને રમાડી રહ્યા હતાં અને અચાનક ઈરાને આ શું થઈ ગયું તેની ખબર જ ન પડી..!!

ઈરા દોડતી દોડતી મમ્મીની ગોદમાં લપાવા ગઈ કે તેની અડફેટમાં નાની દડી આવી,જેવો દડી ઉપર તેનો પગ પડ્યો કે તરત જ તે લપસી પડી અને તેનો ડાબો પગ આખો વાંકો વળી ગયો..!!

મમ્મીએ તેને ધીમે રહીને ઊભી કરી અને છાતી સરસી ચાંપીને રડતી ચૂપ કરી.

પરંતુ બીજે દિવસે સવારે ખબર પડી કે ઈરાને તો કંઈક વધારે પડતું જ વાગેલું હતું.તેને પગમાં ફૅક્ચર થઈ ગયેલું હતું. તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. ડૉક્ટરે પાટા-પીન્ડી કરી તેને ઘરે લાવવામાં આવી.

પંદર દિવસ પછી પાટો ખોલી નાખવામાં આવ્યો. હવે ઈરાને તે પગે બિલકુલ સારું હતું.

પણ બે દિવસ પછી ઈરા બાથરૂમમાં ન્હાતા ન્હાતા ફરીથી લપસી પડી તો તેનાં હાથમાં ફૅક્ચર થઈ ગયું. ફરીથી તેને ડૉક્ટર પાસે લઈ જવામાં અવી અને પાટો બંધાવવામાં આવ્યો.

ડૉક્ટરને ઈરાના મમ્મી-પપ્પાએ વારંવાર ઈરાને આમ થવાનું કારણ પૂછ્યું તો ડૉક્ટર સાહેબે તેમને ઈરાના થોડા રિપોર્ટ્સ કરાવવા કહ્યું.

ઈરાના રિપોર્ટ્સ આવી ગયા એટલે તે લઈને ઈરાના મમ્મી-પપ્પા ફરીથી ડૉક્ટર સાહેબ પાસે ગયા, ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે ઈરાના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબજ ઓછું હતું તેથી વારંવાર તે પડી જતી હતી અને તેને આ તકલીફ થતી હતી.

એક સમય એવો આવ્યો કે ઈરાને કાં તો હાથમાં કાં તો પગમાં પાટો હોય હોય ને હોય જ, ઈરાના મમ્મી-પપ્પા અને દાદા-દાદી ખૂબજ ચિંતામાં રહેવા લાગ્યાં. એક સમય એવો આવ્યો કે ઈરાનું ઉભા થઈને ચાલવાનું બિલકુલ બંધ જ થઈ ગયું. છોકરીની જાત,પારકા ઘરે મોકલવાની છે, હવે શું કરવું..?? આમ કેમ ચાલશે..?? તે વાત ઘરમાં દરેક માટે એક ચિંતાનો વિષય બની ગઈ હતી.

ઘરમાં બધાં જ મેમ્બર ઈરાને જોઈને ખૂબજ દુઃખી રહેવા લાગ્યા. ડૉકટરના કહેવા પ્રમાણે ઈરાનું બે વખત તો ઑપરેશન કરવામાં આવ્યું પણ તે પણ સક્સેસ ન ગયું. ઈરા પોતાના પગ ઉપર ઉભી રહી શકતી હતી પરંતુ 🏃 ચાલી શકતી ન હતી.

પણ કહેવાય છે ને કે, " માં તે માં, બીજા બધા વગડાના વા " તેમ ઈરાની મમ્મીએ નક્કી કર્યું હતું કે," હું મારી ઈરાને ચાલતી કરીને જ રહીશ."

તેણે ડૉક્ટર સાહેબની મદદથી ઈરાને શું ખવડાવવું તેનાથી માંડીને તેને કઈ રીતે માલિશ કરવી બધું જ શીખી લીધું અને ઈરાને માટે રાત દિવસ એક કરી લીધા, હવે ઈરાને કઈ રીતે ઉભી કરવી..?? તે જ પ્રશ્ન તેની મમ્મીનાં મનમાં ઘૂમરાયા કરતો હતો અને છેવટે પોતાના પ્રાણથી પણ પ્યારી ઈરાને તેણે પોતાના વ્હાલભરી ટ્રીટમેન્ટથી ફક્ત ચાલતી જ નહીં, દોડતી પણ કરી દીધી.

માં, ઈશ્વરનું બીજું રૂપ છે. માં ની અંદર ઈશ્વરે અખૂટ અને અનેરી શક્તિ ભરેલી છે.....

સત્ય ઘટના ✍️

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
10/2/2021