પતિ પત્ની અને પ્રેત
- રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૯
જશવંતભાઇ અને જાગતીબેન નાગદાને ત્યાં જઇને આવ્યાં અને કહ્યું કે ત્યાં એમની પુત્રી નહીં પરંતુ બીજી કોઇ છોકરી છે. એમની એ વાત જામગીર, ચિલ્વા ભગત અને રિલોકના માનવામાં આવતી ન હતી. ત્રણેય જણે જશવંતભાઇ પાસેની તસવીર જોઇ હતી. એમાં સ્વાલાનો ચહેરો અદ્દલ નાગદા જેવો જ હતો. જયનાના પ્રેતની આ કોઇ ચાલાકી લાગે છે.
જશવંતભાઇ કહે:"તમારામાંથી કોઇ એક જણે અમારી સાથે આવવાની જરૂર હતી...તમને પણ ખાતરી થઇ ગઇ હોત કે ત્યાં સ્વાલા નથી. તમારા બધાંની કોઇ ગેરસમજ થતી લાગે છે. સ્વાલાને તમે કદાચ એકાદ વખત જોઇ હશે અને એ ત્યાંથી નીકળી ગઇ હશે. એવું પણ બની શકે કે ત્યાં બીજી છોકરી રહેવા આવી હોય..."
જામગીર બોલ્યા:"ભાઇ, અમને પણ નવાઇ લાગે છે. અમે એ ઘરમાં જે નાગદા નામની છોકરીને જોઇ છે એનો ચહેરો તમારી સ્વાલા જેવો જ છે. એના શારીરિક બાંધામાં ફેરફાર આવ્યો હશે પરંતુ ચહેરો તો એ જ છે. અમને જાણકારી છે ત્યાં સુધી અસલમાં એ છોકરી જયનાનું પ્રેત છે. જેનું થોડા દિવસો પહેલાં એના પિતા ડૉ. ઝાલનના હાથે હત્યા થઇ હતી. એ પછી ડૉ.ઝાલન પણ મૃત્યુ પામ્યા હતા. જયનાનું પ્રેત નાગદા નામની છોકરીના શરીરમાં છે એવું અમે માનતા હતા. તમે અહીં આવ્યા અને તસવીર બતાવી ત્યારે જ હું ચમકી ગયો હતો. એ ચહેરો નાગદાનો જ હતો. નાગદા અમને સારી રીતે ઓળખે છે. અમે એની ચુંગાલમાંથી રેતા નામની એક સ્ત્રીના પતિને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જો અમે ત્યાં જઇએ તો એ બહાર જ નીકળે એમ ન હતી. અમે રેતાના પતિને છોડાવવા પ્રયત્ન કરી રહ્યા છે એની તેને ખબર છે. તમને જોઇને એ તમારા પ્રેમને યાદ કરીને મળે એટલા માટે એકલા મોકલાવ્યા હતા. તમારી સાથે શું બન્યું એ વિગતવાર જણાવો તો અમને હકીકતનો ખ્યાલ આવે..."
જશવંતભાઇ જામગીરના ઘરના ઓટલા પર બેસીને કહેવા લાગ્યા:"અમે તમારા બતાવેલા માર્ગ ઉપર વાડવાળા મકાન પાસે પહોંચ્યા અને વાડના દરવાજાની સાંકળ ખખડાવી. કોઇએ અવાજ સાંભળ્યો હોય એવું લાગ્યું નહીં. જાગતીએ સ્વાલાના નામની બૂમો પાડી. થોડીવાર પછી ઘરનો દરવાજો ખૂલ્યો અને એક યુવતી ધીમી ચાલે અમારાથી થોડે દૂર ઊભી રહીને પૂછવા લાગી:"કોનું કામ છે?"
"એ યુવતીનો ચહેરો સ્વાલા જેવો ન હતો એટલે મેં એને પૂછ્યું કે સ્વાલા અહીં આવી છે?" જાગતીબેને વચ્ચે કહ્યું:"એ યુવતીએ નવાઇથી પૂછ્યું કે કોણ સ્વાલા? હું ઓળખતી નથી. અને તમે કોણ છો?"
"અમે તો અચંબામાં હતા. તમારા કહ્યા પ્રમાણે સ્વાલા ત્યાં ન હતી. કોઇ બીજી જ છોકરી હતી. અમને થયું કે ખોટી જગ્યાએ આવી ગયા છે. અમે કહ્યું કે મારી દીકરી સ્વાલાને શોધવા આવ્યા છે. એ ઘણા દિવસથી ગૂમ થઇ ગઇ છે. અમે ગામેગામ ભટકીએ છીએ. ક્યાંય પતો લાગી રહ્યો નથી. અમારી વાત પૂરી થાય એ પહેલાં જ 'મને ખબર નથી' કહી મોં ફેરવીને તે ઝડપથી પોતાના ઘરમાં જતી રહી...." બાકીની વાત જશવંતભાઇએ પૂરી કરી.
ચિલ્વા ભગત આંખો બંધ કરી ધ્યાન ધરી રહ્યા હોય એવી સ્થિતિમાં આવી ગયા. થોડીવાર કોઇ કંઇ બોલ્યું નહીં. ચિલ્વા ભગતના બોલવાની બધાં રાહ જોઇ રહ્યા હતા.
"એ નાગદા જ હશે. મતલબ કે આપની પુત્રી સ્વાલા જ છે..." ચિલ્વા ભગત આત્મવિશ્વાસ સાથે બોલ્યા.
"તમે અહીં બેઠા બેઠા કેવી રીતે એમ કહી શકો? અમે અમારી સગી આંખે જોયું છે કે એ સ્વાલા નથી...." જાગતીબેનને ચિલ્વા ભગતની વાત પર વિશ્વાસ બેસતો ન હતો.
"બહેન, અત્યારે અમે લોકો જો ત્યાં જઇને જોઇએ તો આ તમારી પાસેની સ્વાલાની તસવીર છે એ જ રૂપ દેખાશે. કેમકે સ્ત્રી પ્રેત જ્યારે કોઇના શરીરમાં નિવાસ કરે છે ત્યારે રૂપ બદલી શકતું નથી. તે માત્ર શરીર બદલી શકે છે. તમને સ્વાલાનો ચહેરો ના દેખાયો એનો અર્થ એ થયો કે એણે તમારા પર પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો. તમારી આંખો પર એક ભ્રમનો પડદો ઊભો કર્યો હતો. તમે એને સાચા રૂપમાં જોઇ શકો નહીં એ માટે તમારી બુધ્ધિને ભ્રમિત કરી દીધી હતી. તમારું મન એને પુત્રી તરીકે સ્વીકારી ના શકે એવી અસર મૂકી હતી. મને રેતાની હવે આ કારણથી જ ચિંતા થાય છે. તે રેતાનું કંઇ બગાડી શકે એમ નથી. પરંતુ તેની બુધ્ધિ ભ્રમિત કરીને કોઇ રીતે નુકસાન પહોંચાડી શકે એમ છે..." કહીને ચિલ્વા ભગત ઊભા થઇ ગયા.
રિલોક પણ ચિંતાથી બોલ્યો:"ચાલો આપણે એને શોધવા જઇએ..."
જશવંતભાઇ અને જાગતી દુ:ખી મનથી ચિલ્વા ભગત તરફ આશાથી જોઇ રહ્યા. પોતાની પુત્રી પર કોઇ પ્રેત કબ્જો જમાવીને બેસી ગયું છે એ વાતથી બંનેના દિલમાં ગભરાટ વધી ગયો હતો.
ચિલ્વા ભગતે કહ્યું:"તમે અહીં જ રહો. અમે આવીએ છીએ. હવે અમારા પર બે દીકરીઓને બચાવવાની જવાબદારી આવી ગઇ છે. સારું થયું કે તમે અહીં આવ્યા. અમારે રેતાના પતિ વિરેનને એવી રીતે છોડાવવો પડશે કે સ્વાલાને કોઇ નુકસાન ના થાય." પછી "બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ" કહીને ચાલવા લાગ્યા. રિલોક અને જામગીરે તેમની પાછળ કદમ મૂક્યા.
જામગીર પાછું વળીને કહેતા ગયા:"તમે આરામ કરો ઘરમાં..."
"આરામ તો હવે હરામ છે. હે રામ! મારી સ્વાલાને બચાવજો...." કહી જાગતીબેન માથે હાથ દઇને રડવા લાગ્યા.
"જાગતી, આપણે યોગ્ય જગ્યા પર આવ્યા છે. મને આ ભગત પહોંચેલી માયા લાગે છે. એ જરૂર કોઇ રસ્તો કાઢશે અને સ્વાલાને પાછી લાવશે." જશવંતસિંહ આશ્વાસન આપવા બોલ્યા તો ખરા પણ એમના દિલમાં ફડક પેઠી હતી કે પ્રેતની ચુંગાલમાંથી છૂટવાનું કામ સરળ નથી. એણે પોતાનું ધ્યેય પૂરું કરવા સ્વાલાને પકડી છે.
***
નરવીરની વાત સાંભળી નાગદા ચમકી નહીં. તેણે ખભાના સહેજ પાછળના ભાગમાં એક છુંદણું હતું એના પર હાથ ફેરવીને લાડમાં કહ્યું:"પ્રિયવર, આ તો અમારા દેવતાનું નામ છે...ઇરેન. અમારા સમાજમાં ઇરેન દેવતાની પૂજા થાય છે. કહેવાય છે કે જે છોકરી રજસ્વાલા થાય પછી જો તેના શરીર પર ઇરેન નામનું છુંદણું કરાવે તો તેને સારો પતિ મળે છે. મારા માટે તો એ માન્યતા સાચી પડી છે. તારા જેવો સર્વાંગસુંદર પતિ મને મળ્યો એ ઇરેન દેવતાની કૃપા છે. આજે આપણે એકબીજાને સમર્પિત થઇને આપણા પ્રેમને અમર કરવાનો છે. આપણા પ્રેમ થકી એક નવો જીવ આ જગતમાં આવશે તો આપણું જીવન ધન્ય બની જશે..."
નાગદાએ ઝડપથી વાર્તા ઘડી કાઢી હતી. એની વાત સ્વીકારતાં નરવીરને વાર ના લાગી. તે બોલ્યો:"મને એમ કે સ્ત્રીઓ એમના પતિનું જ નામ ચિતરાવતી હશે. હું પણ નસીબદાર છું કે તારા જેવી સુંદર અને હેતાળ પત્ની મને મળી છે..."
નાગદા હવે આ તક ચૂકવા માગતી ન હતી. તે નરવીરને વળગી પડી. તેને પોતાના પ્રેમમાં ભીંસી નાખવા માગતી હતી. નરવીરને પણ હવે નાગદા માટે પ્રેમ ઉભરાવા લાગ્યો હતો. ત્યાં વાડની સાંકળ જોરજોરથી ખખડવાનો અવાજ આવ્યો. નાગદા ફરી ચમકી. અને બબડી:"હવે કઇ બલા ટપકી પડી...?"
સાંકળ સતત ખખડતી રહી. તે ઊઠીને બારી પાસે ગઇ. બારીને સહેજ ખોલીને નજર નાખતાં ધ્રૂજી ગઇ. "આ તો ભલા માણસો છે. હું જેના શરીરમાં નિવાસ કરી રહી છું એના મા-બાપ છે. એ મને જોઇ જશે અને ઓળખી જશે તો નરવીર સામે મારો ભાંડો ફૂટી જશે. એને ખબર પડી જશે કે હું ખરેખર નાગદા નથી સ્વાલા છું. મેં સ્વાલાના મન અને આત્મા પર કબ્જો જમાવી દીધો છે પરંતુ દિલ તો એમની તરફ ખેંચાય છે. એમને છેતરવા પડશે. મારું રૂપ તો સ્વાલાનું જ રહેશે પણ એમની નજરને ભ્રમિત કરવી પડશે. એ મારામાં કોઇ બીજાનો ચહેરો જોઇ શકશે. નાગદાએ ત્યાં ઉભા રહીને કંઇક બબડીને હાથથી એમની તરફ હવામાં કંઇક ફેંકવાની ક્રિયા કરી. એમણે 'સ્વાલા'ના નામની બૂમો પાડી એટલે તે દોડીને "પ્રિયવર, ગામના કોઇ દંપતી આવ્યા છે. હું એમને મળીને આવું છું..." કહીને નરવીરના જવાબની રાહ જોયા વગર બહાર નીકળી ગઇ.
તે વાડના દરવાજા નજીક જઇને ઊભી રહી ત્યારે જશવંતભાઇ અને જાગતીબેન તેને ધારી ધારીને જોઇ રહ્યા.
નાગદા "કોનું કામ છે?" પૂછી પોતાનો ચહેરો કોઇ ભાવ વગરનો પથ્થર જેવો રાખીને ઊભી રહી.
"સ્વાલા અહીં આવી છે?" જશવંતભાઇએ પૂછ્યું.
"કોણ સ્વાલા? હું ઓળખતી નથી. અને તમે કોણ છો?" નાગદાએ અજાણી થઇ સામે સવાલો પૂછયા. પછી એમની વાત સાંભળી ના સાંભળી કરીને 'મને ખબર નથી' કહી ઘરમાં આવી ગઇ.
નાગદા વિચારી રહી કે આજનો દિવસ ખરાબ છે કે તેનો સમય ખરાબ છે? તેના ધ્યેયમાં આટલા બધા વિધ્ન કેમ આવી રહ્યા છે?
વિચારમાં ને વિચારમાં તે નરવીર બેઠો હતો એ ખાટલા પાસે ક્યારે આવી ગઇ એનું ધ્યાન જ ના રહ્યું અને ખાટલાના પાયા સાથે અથડાઇ. તે એકદમ ભાનમાં આવી હોય એમ જોયું તો નરવીર ત્યાં ન હતો. આખું ઘર ખૂંદી વળી પણ તે દેખાયો જ નહીં. નાગદાને થયું કે તે જમીનમાં ઉતરી ગયો કે આકાશમાં જતો રહ્યો? શું તેની પાસે કોઇ શક્તિ આવી ગઇ કે અદ્રશ્ય થઇ ગયો?
વધુ ત્રીસમા પ્રકરણમાં...