પ્રેરણાત્મક
કવિતા - 1
મમ્મી કહેતી હતી
મારા આગમન ટાણે, આંખોમાં આંસુ અને મોઢા પર મુસ્કાન સાથે,
દોડી ગયા પપ્પા, લાંબી ફલાંગે, મીઠાઈની એક દુકાન પાસે
પ્રથમવાર જ્યારે તેડ્યો મને,
મારામાં ખોવાઈ ગયા,
ખર્ચ ટેન્શનને થાક-ઊજાગરા,
પળવારમાં ભુલાઈ ગયા
મમ્મી-પપ્પાની વચ્ચે સુવડાવી,
જ્યારે ગાલ મારો ચુમતા,
ઈશારાથી મને બતાવતા, છત પર લાગેલ
ચાંદ-તારા ઝુમતા
આંગળી પકડી શીખવ્યુ મને, પા પા પગલી ચાલતાં
ત્યારે મને અહેસાસ થયો
આ છે માતા-પિતાની વ્હાલતા
સ્કૂલે મુકવા, લેવા આવતા ને ઘરે એકડો ઘૂંટાવતા,
ભૂલી જતા ત્યારે બધુંજ, જે પ્રશ્નો હોય મૂંઝાવતા
આખા દિવસના ઓફિસના કામ- તણાવમાં,
સ્વયંને પણ એ ભૂલતા
ઓફિસ છૂટતા, ઢગલો રમકડા નીકળતા,
ઓફિસ બેગ ખુલતા
પ્રસંગ આવે, જૂતા-કપડા પહેલા મારા આવતા
સાથે દોડીને શીખવ્યુ મને, સાયકલ ચલાવતા
હોંશે હોંશે ને વારંવાર, મેળો, પીક્ચર ને હોટલમાં, મને લઈ જતા
ભલે પછી તેમના બધા શોખ કે જરૂરિયાત, અધૂરા રહી જતા મોટા થઈ, ભણી-ગણીને મારે કેટલી કમાણી કરવી છે
બાકી રહી ગયેલ તેમની તમામ અધુરી ઈચ્છાઓ પૂરી કરવી છે
હું નાનો હતો ત્યારે, જેટલા વ્હાલથી મને કોળિયો જમાડતા
એમના ઘળપણ ટાણે, તેવેજ કોળીએ, ને તેટલાજ પ્રેમથી
મારે તેમને જમાડવા
એકજ પ્રાર્થના ભગવાનને કે,
મારા માતા-પિતાને સુખી, સલામત ને નિરોગી રાખે
એમની પીડા દુઃખ દર્દ, ભલે પછી તે મારા પર નાખે
ભલે કળિયુગમાં પૈસોજ બહુ બળવાન છે
પરંતુ
મારા માટે તો, મારા માતા-પિતા જ મારા ભગવાન છે
મોટો થઈ હું...
ડોક્ટર બનું, એન્જિનિયર બનું, બિઝનેસમેન બનું કે સીએ બનું
એ બધું મારી મહેનત, લગન અને નસીબના હાથમાં છે
પરંતુ
આ બધાની સાથે-સાથે, એક સારા સંતાન બનવું,
એટલું તો મારા હાથમાં જ છે.
કવિતા -2
માણસને થયું છે શું ?
પહેલા લોકોને ઓળખવમાં, આખી જિંદગી નીકળી જતી હતી
અને આજે ?
અત્યારે પળવારમાં ઓળખાઈ જાય છે,
માણસને થયું છે શું ?
વાયા-વાયા વાત જાણે, મદદ માટે દોડી જતા...ને
આજે ?
આજે સહેજ અણસાર આવતા, મોઢું ફેરવી જાય છે
માણસને થયું છે શું ?
પહેલા કોઈ ઊંચો કે પ્રશંસાપાત્ર થતાં,
ગામનું કે સમાજનું ગૌરવ ગણતા
ને આજે ?
આજે બીજાને મોટો થતો જોતા, અંદર ને અંદર બળી જાય છે
માણસને થયું છે શું ?
સારો કે ખરાબ પ્રસંગ આવ્યે, અમે બેઠા છીએ, ચિંતા ના કરતા એવું કહેતા
ને આજે ?
આજે પ્રસંગ આવે છે, જોઈએ,
કેવી રીતે કાઢે છે ?
તેની રાહ જોવાય છે
માણસને થયું છે શું ?
મહેમાન આવ્યે, દસ ઘરેથી
ચા-પાણી માટે બોલાવતા
ને આજે ?
પડોશીને જોતા જ બારણા વખાય છે
માણસને થયું છે શું ?
બીજાને ઓળખવા ટાઈમ, ઈચ્છા કે જરુરિયાત લાગતી નથી
અને આજે ?
સ્વયંનો વ્યવહાર એવો, કે દુરી વધતી જાય છે
માણસને થયું છે શું ?
લગ્નમાં એક કે બે કલાક, મરણમાં માત્ર અડધો કલાક
સગા-વ્હાલા, તો દૂરથી આવે
ઠીક છે
પડોશીનો પણ આ વ્યવહાર બનતો જાય છે
માણસને થયું છે શું ?
મુંઝવણમાં
એક દોસ્ત, બે પડોશી, ત્રણ ચાર સગા-વ્હાલા કે પાંચ પંચ
રસ્તો બતાવતા
આજે
ઘરનાંજ સંબંધોમાં, આંતરિક સ્વાર્થ દેખાય છે
માણસને થયું છે શું ?
પહેલાના માણસોની વાતોમાં, મદદવાચક, હાસ્યવાચક, પ્રેરણા વાચક અને સાંત્વનાવાચક વાકયો અને ભાવ દેખાતા
અને આજે ?
આજે દરેકના મુખ પર અને દરેક વાતમાં, પ્રશ્નાર્થ ચિન્હ દેખાય છે
માણસને થયું છે શું ?
લગ્ન પહેલાં પંદર દિવસ, ને મૃત્યુ બાદ ૧૫ દિવસ
આડોશ-પાડોશ ને સગા-વ્હાલા, રોજ સાથે મંત્રણા કરતા, સાંત્વના આપતા
અને આજે
કન્યા-વિદાય વખતે, ને ચિતા ઠરતા સમયે
ઘરનાજ ચાર સભ્યો, અને તે પણ પરાણે દેખાય છે
માણસની થયું છે શું ?
પહેલા ઘરના મોભી, ઘરડાની આમન્યા, તેમના આશીર્વાદ અને સલાહ સુચન લેવાતા
ને આજે ???
આમન્યા, આશીર્વાદ અને સલાહ તો દૂર
તેમની હાજરીની પણ ક્યાં નોંધ લેવાય છે
માણસને થયુ છે શું ?
વાચક મિત્રો, આ બે કવિતા તમને કેવી લાગી ?
રીપ્લાય જરૂરથી આપશો.
આભાર સાથે, શૈલેષ જોશી.