Ek Chutki Sindur ki kimmat - 29 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 29

Featured Books
Categories
Share

એક ચુટકી સિંદૂર કી કિંમત - 29

પ્રકરણ- ઓગણત્રીસમું/૨૯

‘ઓહ.. માય ગોડ..’ તમે એસ્ટ્રોલોજર છો કે જાદુગર ? માત્ર નંબર પરથી કેમ અંદાજ લગાવ્યો કે,મારો જ કોલ છે ?’ અતિ અચરજ સાથે દેવલે પૂછ્યું

એટલે વૃંદા તેના અસલી મિજાજનો પરિચય આપતાં બોલી..
‘ખત કા મજમૂન ભાંપ લેતે હૈ, લિફાફા દેખ કર’ યા ફિર યું સમજ લીજીયે કી...
‘બહૂત પહલે સે ઉન કદમો કી આહટ જાન લેતે હૈ,
તુજે એ જિંદગી. હમ દૂર સે પહચાન લેતે હૈ.’

‘ના મેં એસ્ટ્રોલોજર હૂં, ના તો જાદુગર મેં તો સિર્ફ વક્ત કી મારી હૂં.. માનસીજી.’
આટલું બોલી વૃંદા હસવાં લાગી.

દેવલને અચંબા સાથે આશ્ચર્ય એ વાતનું થયું કે, વૃંદા આટલું જલ્દી તેની જોડે ભળી જશે તેનો અંદાજ નહતો...શાયદ વૃંદાને તેના ખાલીપાના પુરકના પર્યાયનું પ્રતિબિંબ દેવલની આંખોમાં નજરે પડ્યું હોય એવું પણ શક્ય છે.

‘સાચું કહું વૃંદાબેન...’ દેવલની વાત કાપતાં વૃંદા બોલી..
‘વૃંદા.. ફક્ત વૃંદા કહે.’

સ્હેજ સંકોચ સાથે દેવલ બોલી..
‘જી, વૃંદા.. સાચું કહું તો.. હું અલ્પવિરામની આદિ નથી.. પ્રથમ મુલાકાતમાં તમે... સોરી.. તે, જે રીતે આત્મીય અનુબંધનું અનુસંધાન જોડ્યું તે પછી અચાનક વાર્તાલાપની વચ્ચે આવેલુ અલ્પવિરામ ડીસ્ટર્બ કરે છે. એટલે મન થયું કે, ચલ તને પણ જરા ડીસ્ટર્બ કરું.’

‘જરા.... અરે.. માનસી, કોઈને ડીસ્ટર્બ કરવાના કોપીરાઈટ આપવાના અભરખામાં તો..અહીં તો આખુ આયખું ડીસ્ટર્બ અને ડામાડોળ થઈને પડ્યું છે, હવે આ વૃંદામાં વિચલિત થવાનો કોઈ અવકાશ નથી.’

આટલું સાંભળતા દેવલે આંખો મીંચી દીધી... મનોમન બોલી. વૃંદા માટે એક ક્ષણ એવી નહીં નથી કે, તેના ભીતરની કડવાસ વેદનાને વલોવતી નહીં હોય.
એટલે ટોપીક ચેન્જ કરતાં દેવલ બોલી..

‘અચ્છા, વૃંદા આપણી અધુરી વાર્તાલાપના અનુસંધાન માટે કયારની એપોઇન્ટમેન્ટ આપે છે ?

‘હમમમ.... આમ તો મને ફુરસત જ હોય પણ આવીતીકાલે મારી ડોકટરની એપોઇન્ટમેન્ટ છે, પરમ દિવસે મળી શકીએ.’ વૃંદા બોલી..

‘જી શ્યોર, સમય અને સ્થળના ડીટેઇલનો મેસેજ મને સેન્ડ કરી આપજે.’ દેવલ બોલી

‘સમય તને જે અનુકુળ આવે તે.. અને સ્થળ છે, મારું મહેલ અને જેલ જેવું જલસાઘર તને અનુકુળ આવે તો ? બોલી વૃંદા હસવાં લાગી

‘તારા જેવી સખીનો સહવાસ મળતો હોય તો કૈદી બનવું પણ મંજૂર છે, વૃંદા.’
‘હું કૈદીની સાથે સાથે દર્દી પણ છું, જો જે દર્દીની દોસ્તીમાં દર્દનો ચેપ ન લાગી જાય.’ ફરી હસતાં હસતાં વૃંદા બોલી..

‘શરતો લાગુ... કંડીશન એપ્લાય.. શરતોને આધીન...આવી કોઈ હિડન પોલીસીને હું સંબંધમાં સ્હેજે સ્થાન નથી આપતી વૃંદા. અને, મેં તને પહેલાં કહ્યું છે કે, મને કશું ગુમાવવાનો ડર નથી. અને તારા ખડખડાટ હાસ્યની ભીતરમાં મને ચિક્કાર ચિત્કારની ચીખ પણ સંભળાય છે, વૃંદા.’ બોલતાં બોલતાં દેવલના આંખોની કોર ભીની થઇ ગઈ. અને વૃંદા ચુપ થઇ ગઈ.

‘માનસી..અંતે મારી શંકા સાચી ઠરી.’ વૃંદા બોલી..
દેવલ ગભરાઈ... તેનું થયું કે, તેની ઓળખ છતી થઇ ગઈ. કે શું ? એટલે હળવેકથી પૂછ્યું..
‘શંકા ? કઈ શંકા ?

‘એ શંકા.. કે, આખરે તું મને રડાવીને જ રહીશ.’
આટલું બોલતાં વૃંદાનો અવાજ ગળગળો થઇ ગયો.
‘ના.. રડાવવી નથી. હળવી કરવી છે, કેમ કે, જીવાડવી છે.’ દેવલ બોલી
‘અચ્છા, ચલ, પરમ દિવસે મળીએ.’
ગળે ડૂમો બાજે એ પહેલાં તરત જ વૃંદાએ કોલ કટ કર્યો.

મનોમન વૃંદા એટલું જ બોલી...
‘અનાયસે મળેલી માનસી જીવતે જીવ મોક્ષ મળવાનું નિમિત તો નહીં હોય ને ?’

અને બીજી જ સેકન્ડે દેવલે કોલ જોડ્યો.. મિલિન્દને.
‘સરકાર... પ્રજાનું ભલું કરતાં કરતાં પરિવાર પર પણ જરા ધ્યાન આપો તો સારું.’
‘પણ આ સરકાર જ તારા ટેકાથી તો ચાલે છે. મેડમ.’ હસતાં હસતાં મિલિન્દ બોલ્યો.
‘બસ.. બસ...આ બટરબાજી બંધ કરો અને એમ કહો કે, કયારે પાધરો છો ?
દેવલ બોલી
‘બસ..આવતીકાલનું ડીનર આપણે સાથે જ લેવાના છીએ.. કેમ કંઈ ઈમરજન્સી છે ?
મિલિન્દે પૂછ્યું
‘ટેકો પાછો ખેંચી લેવાની નોબત આવે અને સરકાર અલ્પમતમાં આવી જાય તો.. તેને ઈમરજન્સી જ કહેવાય ને ? ગર્ભિત ભાષામાં દેવલ બોલી.
‘ઓહ..હો..હો...પણ આવું શક્ય છે ? મિલિન્દે પૂછ્યું..’
‘હા. કારણ કે, પદ નિયુક્તિના શપથવિધિ સમયે લીધેલા સોગંધનામાની ગુપ્તતા ભંગ કર્યાનો તમારા પર આક્ષેપ છે.’
‘હા..હા..હા...’ ખડખડાટ હસતાં હસતાં મિલિન્દ બોલ્યો..
‘તો.. તો.. એ સોગંધનામાના સાક્ષી પણ સમકક્ષ કસૂરવાર ગણાયને ? અને આમ પણ આ કંટાળા તાજથી હવે હું કંટાળ્યો છું.. ટેકા વાળી સરકાર ગબડી પડે તો મને શું ફર્ક પડે ?
બે પાંચ ક્ષણ ચુપ રહ્યાં પછી દેવલ બોલી
‘બસ......તમને કશો ફરક નથી પડતો, તેનું જ તો દુઃખ છે, સમજ્યા. અચ્છા કાલે આવો પછી વાત કરીએ.’
એમ કહી સ્હેજ ગુસ્સા અને આંશિક આક્રોશ સાથે દેવલે કોલ કટ કર્યો.

બીજા દિવસે લંચ પછી દેવલ અને કેશવે મિલિન્દની ઓફીસમાં મળવાનું અગાઉથી નક્કી કર્યા મુજબ બન્ને કેશવના ચેમ્બર બહાર ડૂ નોટ ડીસ્ટર્બનું સુચન લગાવીને ગોઠવાયાં.

‘કેશવભાઈ સૌ પ્રથમ મને તમારાં દ્રષ્ટિકોણ અને માન્યતા મુજબ મિલિન્દ અને વૃંદાના વ્યક્તિગત અને ત્યાર પછી મિલિન્દ-વૃંદાના સહિયારા સંબંધની અને અતિથી ઇતિ જાણકારી આપો.’

‘જૂઓ..દેવલબેન.. ‘મિલિન્દ એટલે ગંગાજળ જેવું શુદ્ધ અને પારદર્શક વ્યક્તિત્વ. મિલિન્દ એટલે મારું અભિમાન આટલો નજીકથી ઓળખું છું, અને વૃંદા મેડમ સાથે હું ચિત્રા મેડમના કારણે પરિચયમાં આવ્યો’

એ પછી કેશવે તેના ચિત્રા સાથેના પરિચયની વિગત જણાવી
‘વૃંદા મેડમ વિષે વધુ નહીં પણ એટલું કહી શકું કે, તેમને તેની અમીરાતનો સ્હેજ પણ અહંકાર નથી. શાંત, સરળ સ્વભાવ. મને હમેશાં મોટાભાઈ તરીકે સન્માન આપ્યું છે.’

એ પછી જે દિવસે કેશવ, મિલિન્દ, વૃંદા અને ચિત્રા ચારેય સૌ પહેલીવાર મળ્યાં ત્યારે મિલિન્દ અને વૃંદા વચ્ચેના પરસ્પરની વાત અને વર્તન પરથી એવું લાગ્યું કે, તેઓ ગાઢ મિત્રતામાં બંધાઈ ચુક્યા છે પણ, બંને માંથી કોઈએ એ વાતનો સ્પષ્ટ સ્વીકાર કે સંકેત નહતો આપ્યો.’

હજુ કેશવ આગળ બોલે એ પહેલાં વૃંદાએ પૂછ્યું..
‘એ સમયે મિલિન્દના અણસાર વિષે તમારા શું પ્રતિભાવ કે પ્રતિક્રિયા કે હતી ?’

‘એ જ કે બન્નેને એકબીજાનું સાનિધ્ય ઝંખે છે. આ મારું મંતવ્ય હતું. અને મારા અંદાજને ઠોસ આધાર મળતો હતો એક ફકીરની ભવિષ્યવાણી પરથી..’

એ પછી કેશવે પેલા ફકીર સાથેની મુલાકાત અને ભવિષ્યવાણીની વાત કરતાં કહ્યું કે,
‘કોઈ લડકી ઇસકી જિંદગી કા ફેંસલા કરેગી.’ એવું ફકીર બોલ્યો હતો..
અને આ તરફ વૃંદા મેડમ અને મિલિન્દનું નજીક આવવું એટલે હું તેમના નિકટ સાનિધ્યને કોઈ ઈશ્વરીય સંકેત સમજીને કડીઓ જોડતો રહ્યો..’
‘પણ, એ પછી તો..અચાનક મિલિન્દે જોબ સાથે મરણ મૂડી જેવી રકમ ગુમાવી.. ત્યાર બાદ તેમના પિતાનો આકસ્મિક અકસ્માત..અને પરિવાની આબરૂના ધજાગરા લાવી દે તેવા ગોવિંદના ફંદ... આ બધી સળંગ એક પછી એક ઘટમાળથી મિલિન્દનું મનોબળ તૂટી ગયું. તેણે મનોમન હાર સ્વીકારી લીધી. એકાંત વ્હાલું કરી અળગો રહેવા લાગ્યો. એ સમયગાળા દરમિયાન વૃંદા મેડમનો પણ ફરિયાદના સ્વરમાં મને કોલ આવેલો કે મિલિન્દ મને અવોઇડ કરે છે, કોઈ વાતનો પ્રોપર રીપ્લાય નથી આપતો.. ત્યારે મેં કહ્યું હતું કે. તેને થોડા દિવસ એકલો રહેવા દો. પરિવારની શારીરિક, આર્થિક અને માનસિક પરિસ્થિતિની પરાકાષ્ઠાની પરિસીમા તૂટતા પહેલાં મિલિન્દ તૂટી ગયો હતો.’

‘એક સમયે પૈસો જ પરમેશ્વર છે એવી દ્રઢ માન્યતા તેના દિમાગમાં ઘર કરી ગઈ.
ચક્રવાત જેવા તોફાનની આંધીમાં મધદરિયે ડૂબી રહેલા જહાજ જેવા તેના અને પરિવારના ભવિષ્યના સપનાથી તે ભયભીત થઈ ડરી ગયો. સાવ નિરાધાર, નિસહાયની લાગણીની અસહ્ય પીડાથી છુટકારો મેળવવા અંતે તે મારી જાણ બહાર ગયો.. જશવંત અંકલને મળવા... અને એ પછી આગળની કહાનીથી આપ વાકેફ છો.’
‘પણ...’ બોલીને કેશવ અટકી ગયો..

‘બોલી જ દો કેશવભાઈ... હું સંવેદનાની સાથે સાથે સત્યનો સાથ આપીશ.. મારામાં સત્ય સંભાળવાની શક્તિ છે.’ એકદમ સ્વસ્થ ચિત્તે દેવલ બોલી.

ગળું ખંખેરતા કેશવ બોલ્યો..

‘જે ચાર- પાંચ દિવસ મિલિન્દ જશવંતલાલની સાથે ગયો, તેના એક દિવસ અગાઉ..
વૃંદા મેડમે મને તેની ઓફિસ પર બોલાવ્યો.. એ પછી મારી અને ચિત્રાની હાજરીમાં મિલિન્દ સાથે મેરેજ કરવાના અફર નિર્ણયનું ઘટસ્ફોટ સાથે નિવેદન કરતાં અમે બન્ને ચોંકી ગયાં. અને વૃંદા મેડમના પિતાજી આ શહેરના ખ્યાતનામ અબજોપતિ અને એવાં એડવોકેટ છે કે, સુપ્રીમ કોર્ટમાં જેના નામના સિક્કા અને ધાક પડે છે, તેમની પણ તેની એકની એક પુત્રીના આ આ લગ્ન માટે રજામંદી હતી. પણ મેં શંકા સાથે સમંતિ દર્શાવી.’

‘શંકા ? કેવી શંકા ? દેવલે પૂછ્યું


‘મિલિન્દના પ્રકૃતિની શંકા. તેના સ્વભાવગત સ્વાભિમાનની શંકા. વૃંદા મેડમ તરફથી આ પ્રસ્તાવ મિલિન્દના ઉજળા ભવિષ્ય માટે સુવર્ણ તક હતી. પણ મિલિન્દ તેના સ્વાભિમાનના ગર્વને ગીરવે મૂકી આ નખશિખ સર્વોત્તમ સૌભાગ્યનો ભાગીદાર બનશે કે, નહીં એ તો હું પણ નહતો કહી શકતો.. છતાં હું કોઈપણ ભોગે મિલિન્દને આ સંબંધની સ્વીકૃતિ માટે મનાવી લઈશ એવી ટકોરાબંધ ખાતરી આપી હતી.. પણ..કિસ્મતને કંઇક જુદું જ અને ચડીયાતું મંજૂર હતું. હું મિલિન્દનો સંપર્ક કરું એ પહેલાં તો તે જશવંત અંકલ સાથે નીકળી ગયો.’
એક ગહન શ્વાસ ભરી દેવલે પૂછ્યું.
‘ ચિત્રાના શું રીએક્શન હતાં ?
‘મારી સમજણ મુજબ તેની વાણી અને વર્તનમાં વૃંદા મેડમના નિર્ણય પ્રત્યે ભારોભાર નારાજગી નજર આવતી હતી.’ કેશવ બોલ્યો..

‘કારણ ?’ દેવલે પૂછ્યું.
‘કદાચ, મિલિન્દનો અભિપ્રાય જાણ્યા વગર અતિ ઉત્સાહમાં આવી, વૃંદા મેડમે લીધેલાં અતિ મહત્વના અને એ પણ એકતરફી નિર્ણય તેમની નારાજગીનું કારણ હોઈ શકે.’

‘કેશવભાઈ તમે મિલિન્દનો પડછાયો છો...તો તમે શું માનો છો.. વૃંદાના પ્રસ્તાવના પ્રત્યુતરમાં મિલિન્દની શું પ્રતિક્રિયા હોય શકે ?

બે પળ માટે ખામોશ રહી.. કેશવ બોલ્યો..
‘સોરી.. દેવલબેન.. આ સવાલ તમારે મિલિન્દને જ પૂછવો જોઈએ. અને હક્કથી તેનો પારદર્શક પ્રત્યુતર તમને તેની પાસેથી જ મળશે અને મેળવવો જ જોઈએ.’

‘અચ્છા, મને એકવાત કહેશો કેશવભાઈ, લગ્ન પહેલાં અને પછીના મિલિન્દમાં કેટલો તફાવત જોઈ રહ્યાં છો ?’

હળવું સ્મિત કરતાં કેશવ બોલ્યો..

‘મિલિન્દ એજ છે પણ.. દુનિયાને જોવાનો તેનો નજરીયો બદલી ગયો છે, જે પૈસાને કારણે તેનું અસ્તિત્વ ખતમ થવાની અણી હતું.. આજે એ પૈસાના દમ પર તે દુનીયાને હંફાવવા નીકળ્યો છે. શાયદ હવે તેનું લક્ષ્ય સતત પ્રગતિ અને સફળતા પાછળ દોટ મુકવાનું છે.’
‘મારા મિલિન્દ જોડે લગ્ન થયાં તે સારું થયું કે ગલત ?’ દેવલે પૂછ્યું

પ્રત્યુતરમાં કેશવ ભીની આંખે દેવલ સામે બે હાથ જોડી બસ ચુપચાપ જોઈ રહ્યો.
એટલે દેવલ બોલી...
‘છેલ્લી વાત...તો પછી મારી જોડે લગ્ન કરતાં સમયે મિલિન્દને તેનું સ્વાભિમાન આડે નહતું આવતું ? ‘

‘સાચું કહું.. દેવલબેન હવે આજના મિલિન્દ વિશે કંઈપણ અનુમાન લાગવવા માટે હું અસમર્થ છું. સોરી. હા પણ એક વાત ચોક્કસ કહીશ કે, મિલિન્દ સ્વપ્નમાં પણ કોઈ અપરિચિતનું અહિત ન વિચારી શકે, તેમાં કોઈ બેમત નથી. પહેલાં ફક્ત પ્રેમાળ હતો.. હવે પ્રેમાળ સાથે પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ પણ છે, બસ. બાકી મિલિન્દના મનમાં કોઈ મિલાવટ નથી અને આજીવન આવશે પણ નહીં,’

ઊભા થતાં દેવલ બોલી..

‘આપણે ત્યાં અજવાળું કરવાની લાયમાં અજાણતાં કોઈના અંધકારનું નિમિત બન્યાંની જાણ થયાં પછી, આપણો માંહ્યલો આપણને ડંખે તો સમજવું કે, એ અંધારું ઉલેચી આપણી મરવા પડેલી માનવતાને જીવાડવાની તક મળી છે. હવે હું રજા લઈશ.’
આટલું બોલી ભારે ચિત્ત અને ચરણ સાથે દેવલ કેશવના ચેમ્બરની બહાર નીકળી ગઈ.

દેવલના તેવર, તટસ્થતા અને તાસીર જોતાં કેશવ મનોમન બોલ્યો કે, હવે આ મડાગાંઠનો તોડ તો ઈશ્વર પણ નહીં કાઢી શકે. વૃંદાના પંડમાંથી જીવ નીકળશે પણ મિલિન્દ નહીં. મિલિન્દના એક ઉતાવળિયા નિર્ણયથી કંઈ કેટલી’યે જિંદગી બરબાદ થઇ જશે તેનો વિચાર આવતાં કેશવ કંપી ગયો.

બીજા દિવસે ડીનર ટાઈમ પહેલાં મિલિન્દ જયપુરથી ઘરે આવી પહોંચ્યો..
રાત્રે દસ વાગ્યાં પછી ડીનર લઇ દેવલ અને મિલિન્દ બન્ને ટેરેસ પર આવી ઝૂલા પર ગોઠવાયાં એટલે મિલિન્દ બોલ્યો..
‘બોલો મેરે સરકાર... તમારી નારાજગીનું કારણ ?’
‘સોરી.. મિલિન્દ પણ મને તમારું એક વાક્ય ખુબ ખૂચ્યું.’
‘ક્યુ વાક્ય ? ‘
‘મને શું ફર્ક પડે ? આ તમે ક્યા સંદર્ભમાં બોલ્યાં હતા, એ કહેશો ?
સ્હેજ ઝંખવાઈને મિલિન્દ બોલ્યો...
‘અરે.. દેવલ વિનોદવૃતિની વાર્તાલાપના સંદર્ભમાં મારો કહેવાનો આશય એ હતો કે, તારો સંગાથ છે, તો પછી મને શું ફર્ક પડે ?
‘મારો સંગાથ... ? શું વ્યાખ્યા છે મારા સંગાથની એ કહેશો જરા ?’
ગંભીરતાથી દેવલે પૂછ્યું
એટલે આશ્ચર્ય સાથે મિલિન્દ, દેવલ સામું થોડીવાર જોઈ જ રહ્યો...
‘વિચારવું પડશે ? ફરી દેવલે પૂછ્યું.
‘કેમ આજે અચાનક આટલી ગંભીરતા છે, જાણી શકું ? મિલિન્દે પૂછ્યું
‘આ મારા સવાલનો જવાબ નથી... અને તમારી પાસે જવાબ ન હોય તો... જવાબ આપવો ફરજીયાત પણ નથી.’
‘શું થયું છે દેવલ ? કોઈએ કશું કહ્યું ? કંઈ અજુગતું બન્યું છે મારી ગેરહાજરીમાં ?
મિલિન્દએ પૂછ્યું.
‘સોરી..મિલિન્દ પણ સૌ પહેલાં તમને એ ખબર છે કે. ક્યાં તમારી હાજરીની અગત્યતા છે ?’ ક્યાં ક્યાં તમારી ગેરહાજરીની નોંધ લેવાય છે ?
‘બની શકે કે, મારા કામની વ્યસ્તતામાં મારી કોઈ ફરજ ચુકી ગયો હોઉં.’
‘હું યાદ અપાવું ?’ મારી ફરજ સમજીને ?’ મિલિન્દની સામું જોઈ દેવલ બોલી..
‘મારા હિતમાં હોય એ તારી જ ફરજ બને છે, દેવલ છતાં કેમ આવું પૂછે છે ?
‘અચ્છા.. એક મિનીટ..’ એમ કહી દેવલે તેના મોબાઈલમાં ક્લિક કરેલા વૃંદાના પિક્સ સર્ચ કરી મિલિન્દને બતાવતાં પૂછ્યું...
‘આ કોની ફરજ છે ?’

પહેલી નજરે તસ્વીર જોતાં મિલિન્દને ખ્યાલ ન આવ્યો પણ જરા નીરખીને જોતાં આંખો પહોળી થઇ ગઈ...વૃંદા, મિલિન્દના ભૂતકાલીન પ્રીતિની પીડાના પ્રતિભાવને પ્રત્યુતરમાં તબદીલ થવાની પ્રતિક્ષા કરતી ચુપચાપ જોઈ રહી.

ધક્કા જેવા આઘાતના આંચકા સાથે મિલિન્દ બોલ્યો..
‘આઆ...આને તેં... ક્યાં..અને ક્યારે જોઈ..અને... ?’
શું વિચારવું અને શું ઉચ્ચારવું તેની વિમાસણમાં મિલિન્દની જીભ થોથવાઈ એટલે આગળના શબ્દો બોલી ન શક્યો..
હજુ’યે દેવલ ચુપ જ હતી.
મિલિન્દ થોડીવાર ચુપ રહ્યાં પછી બોલ્યો..
‘દેવલ જે ઘડીએ મેં મન, વચન અને કર્મથી તારી જોડે આજીવન જોડાવાનો અફર નિર્ણય લીધો તે ઘડીએથી વૃંદાનો તલભારનો વિચાર પણ મારા મન, મસ્તિષ્કમાં ફરક્યો નથી.. ભવ્યાતિભવ્ય હોય છતાં ભૂતકાળની ભભૂતિને ભેગી લઈને ફરવાનો શું મતલબ ? અને મારા પરિવાર કે પ્રગતિ પ્રત્યેની કોઈ જવાબદારી કે ફરજમાં શરતચૂક થઇ હોય તો હું જરૂર દોષી છું.’

એટલે તાળીઓ પાડતા ઝૂલા પરથી ઉભાં થતાં દેવલ બોલી..

‘વેલડન.. મતલબ આજે આ વૃંદાની દર્દનાક દશા માટે તમે જરાય જવાબદાર નથી એમ ? કેમ કે, તમે સંઘર્ષ સાથે જે સેક્રીફાઈઝ કર્યું તમારા પરિવાર અને પ્રગતિ માટે જબબદારી સમજીને... અને વૃંદાને તમે ક્યારેય તમારી જવાબદારીની ગણતરીમાં લીધી જ નથી, સાચું ને ? એક માનવતાની દ્રષ્ટીએ છેલ્લાં ચાર મહિનામાં મિલિન્દ તમે એ પણ જાણવાની તસ્દી લીધી કે એ જીવિત છે કે નહીં ? મિલિન્દ તમે જો લાઈફમાં કોઈને કશું કરી બતાવાની લાયની લાલચમાં આ સફળતાના શિખર સર કર્યા હોય તો... હું કહું છું કે, લાનત છે એવી લાલચ પર. આજ મને એવી ધૃણા ઉપજે છે કે, હું જે એશો આરામ અને સુકૂનની જાહોજલાલી સાથે મહોબ્બતના મહેલમાં આળોટુ છું.. તેના પાયામાં કોઈના અરમાનોની લાશ દટાયેલી છે.’

‘પણ..દેવલ સમય સંજોગ આધારિત જીવનમાં આવેલા પરિવર્તનની વાસ્તવિકતાથી પરિચિત થયાં પછી તો વ્યહવારુ થઈ જાતે જ જાતને સમજાવવી કે સંભાળવી પડેને. ? જિંદગીના દરેક સારા-નરસા પરિણામ માટે આપણે કાયમ કોઈ અન્યને તો દોષી ન જ ઠેરવી શકીએને ? સૌને નજર સમક્ષ દેખાતું કડવું અને નગ્ન સત્ય વૃંદા જોઈ કે પચાવી ન શકતી હોય તેમાં મારો શું દોષ ?’

મિલિન્દના સાવ શુષ્ક અને લાગણીશુન્ય સંવાદ સાંભળીને દેવલ સમસમી ગઈ. તેના કાન પર તેને વિશ્વાસ નહતો આવતો કે, આ મિલિન્દ બોલે છે ?

‘મિલિન્દ.. લગ્નની પ્રથમ રાત્રે જે શબ્દો અજાણતામાં મને વૃંદાએ કહ્યાં એ શબ્દો સાંભળ્યા કરતાં મને આજે તમારા આ શબ્દો સાંભળીને વધુ દુઃખ થયું.

‘મિલિન્દ રસ્તે ચાલતાં અજાણતામાં પણ કોઈને અથડાઈ પડીએ તો પણ તરત જ માફી માંગી લઈએ છે, અને તમે તો હમસફરને હમદર્દી આપવાની જગ્યાએ હડસેલીને હડધૂત કરવાની ભાષા બોલી રહ્યાં છો. આ મારી કલ્પનાના મિલિન્દ તો નથી જ. અરે.. જ્યાં વ્હાલ અને વ્હાલાનો છેદ ઉડી જતો હોય ત્યાં ખેદ તો જતાવી શકીએ કે નહીં.. ? પેલા સોંગની માફક..

‘વો અફસાના જીસે અંજામ તક લાના ના હો મુમકિન,
‘ઉસે એક ખૂબસૂરત મોડ પર છોડના અચ્છા..’

‘જો દેવલ.. હું માનું છું કે, વૃંદા મારી નજીક આવવાની કોઈ તક છોડતી નહતી.. અને
ઈનફેક્ટ હું તેણે અવોઇડ પણ નહતો કરતો.. પણ એક લેવલ પછી મને ડર હતો કે, વૃંદા મારી પસંદગી તેના જીવનસાથી તરીકે કરી, પ્રસ્તાવ મુકશે તો..? અને હું તેના અહેસાસને અહેસાન સમજી તેના બોજ નીચે દબાવવા નહતો માંગતો..એટલે મેં ગમતાં સાનિધ્યને કયારેય કોઈ સંબંધના દાયરામાં બાંધવાની કે બંધાવાની દિશા તરફ વિચાર્યું જ નહતું. અને લાઈફના એક તબક્કામાં હું તકલીફની ટોચ પર હતો, ત્યારે...મારા માટે પૈસા સિવાય બધું જ ગૌણ હતું. અને આપણા સંબંધના પાયાનો મુખ્ય આધાર હતો ભરોસો...અને એ ભરોસાને મારા ભૂતકાળની ભૂલથી કોઈ આંચ આવે એવું હું નહતો ઈચ્છતો એટલે, મેં વૃંદા નામના અતીત અધ્યાય પર તારો હાથ ઝાલતા પહેલાં જ હમેંશ માટે પૂર્ણવિરામ મૂકી દીધું. કારણ કે, કોઈને છેતરતા પહેલાં જાતને છેતરવી પડે અને એ હું હરગીઝ મંજૂર ન કરું.’

પારદર્શક કાચ જેવી સ્પષ્ટ સફાઈ સંભળાવતા મિલિન્દના ચહેરા પર સાફ સાફ ગ્લાનિના ભાવ ઉતરી આવ્યાં.
‘મિલિન્દ, મને તમારી નિષ્ઠા પર રતિભાર શંકા નથી. તમારી જોડેની પ્રથમ મુલાકાતમાં જ તમારા વાણી, વર્તન અને મન મસ્તિષ્કની પારદર્શિતા તમારી આંખોમાં મેં વાંચી લીધી હતી. પણ દુઃખ એ વાતનું છે કે, તમે સો ટચના સુવર્ણ સંબંધને એક સુંદર વણાંક કેમ ન આપી શક્યાં ? અત્યારે તમારા શબ્દોના પડઘામાં જે ભારોભાર અફસોસ મારા કાને અથડાઈ છે, તેનો સાક્ષી કોણ ? તમે માફી માંગવામાં વિવેક અને વખત બન્ને ચુકી ગયાં. કોણ, ક્યાં કેટલું. અને કેમ તરસ્યું છે તેની દરકાર કર્યા વગર પણ લોકો પાણીના પરબ બાંધે છે ને ? અને વૃંદાના ક્યા અહેસાસથી તમે અજાણ હતાં ? એકવાર પણ તમને તમારા અંતરઆત્માનો અવાજ ન સંભળાયો ? તમારાં એક ઔપચારિક પ્રત્યુતરમાં કોઈ તપ જેવી પ્રતિક્ષા કરી જાત જલાવી રહ્યું હશે તેનો અંદાજ હતો તમને ? આકસ્મિક ઘટનાને મનગમતો ઘાટ ન આપી શકીએ તો કંઈ નહીં કોઈ એક મંઝીલે પહોંચે તેવી વાટ તો આપી શકીએને ?’

‘આ બધું હું તમને શા માટે કહું છું ? ખ્યાલ આવે છે ? હું તમારો પક્ષ લેવાને બદલે વૃંદાનો પક્ષ શા માટે લઉં છું ? તમારા વિષે કશું જ જાણ્યા વિના તમારી જોડે લગ્ન માટે મેં શા માટે હા પાડી ? તો.. હવે સાંભળો મારો ભૂતકાળ.’

'મારા પિતાના પિતરાઈ ભાઈ જે વર્ષોથી દિલ્હીમાં સ્થાઈ છે. તેમણે દિલ્હીમાં તેમના પરિચિત મૂળ ભારતીય પણ અમેરિકન નાગરિકત્વ ધરાવતાં એક યુવક સાથે મારા લગ્નની વાત છેડી. પપ્પાએ મને પૂછતાં મેં કહ્યું, પપ્પા તમે અનુભવી છો.. અને જો પરિવારના સભ્યો પર આંખ મીંચીને ભરોસો કરી શકાય એમ છે તો પછી.. બીજું શું જોવાનું ? ત્યાર બાદ એ યુવક સાથે મારી બે- ચાર વાર કોલ પર વાત થયેલી. એકાદ મહિનામાં બધું સમુનમું પાર ઉતરી ગયું અને પપ્પાએ ધૂમધામથી શાહી લગ્નમાં રૂપિયા ત્રણ કરોડનો ધુમાડો કર્યો..ભવ્ય આતશબાજી વચ્ચે આંસુ સારતાં વિદાયની વસમી વેળા પસાર કરી પપ્પાને રડતાં મૂકી હું ‘દિલ્હી દીલવાલો કી’ એમ સમજી તેમના દિલમાં રાજ કરવાં દિલ્હી જતી રહી.’.

એ પછી દેવલ ચુપ થઇ ગઈ...
સંગીન ગંભીરતાનો અંદાજ આવતાં મિલિન્દ પાંચ સાત સેકંડ ચુપ રહ્યાં પછી.. બોલ્યો..
‘જો દેવલ, જે ભૂતકાળ તને ડંખતો હોય તો, મારે એ વ્યથા નથી સાંભળવી. પ્લીઝ.’

ગળગળા અવાજે વૃંદા બોલી...
‘ના.. ના.. મિલિન્દના આજે મને બોલી જ લેવા દો... એ ઘટનાતો હું મરતાં સુધી નહીં ભૂલું.. એ પાશવી પરિસ્થિતિતો મારા રક્તકણમાં અને રોમ રોમમાં વણાઈ ચુકી છે.
એ હું નહીં ભૂલી શકું. માત્ર પંદર દિવસ, હજુ તો મહેંદીનો રંગ ઉતરે એ પહેલાં તો...ખ્વાબની ખાલ ઉતરી ગઈ. શમણાં સળગી ગયાં, ઓરતાના છોતરા નીકળી ગયાં અને હું મારી આંખોમાં સાત સમંદરની ખારાશ ભરીને ફરી બાપના ઘરે આવી ગઈ. શ્વાસ કરતાં આત્મહત્યાના વિચાર વધુ આવતાં હતાં. પણ બાપનું દુઃખ અને મુખ જોઈ કડવા ઝેરની જેમ મારા દુઃખનો ઘૂંટડો ગળી જતી. મારા પપ્પા પાસે શું નથી ? પદ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પાવર, પૈસો... પણ બીજી પળે એમ લાગતું કે, અમારાં જેવું આ દુનિયામાં કોઈ મજબૂર કે મોહતાજ નહીં હોય..’

દેવલની કહાની સાંભળી મિલિન્દ સમસમી ગયો.. અઢળક એશો-આરામ, જગતભરની જહોજલાલી, ડગલે ને પગલે દોમ દોમ સાહ્યબી, ટોચના અધિકારી અને રાજકારણીઓ સાથેના ગાઢ સંબંધ છતાં એવી તે કઈ આપદા કે જેનો તોડ ના હોય.

પછી નિરાસાના સૂરમાં પૂછ્યું..

‘પણ, એવું તે શું થઇ ગયું દેવલ, કે તમારી ખુશહાલ જિંદગીમાં ડામ જેવો દાગ લાગી ગયો ? તારા જેવી નીડર, બાહોશ અને ચપટી વગાડતાં કોઈપણ હાલાકીને હાંકી કાઢે એ, દેવલ છેક આત્મહત્યા સુધીના નિર્ણય સુધી જશે શકે ? હું એ વિચાર કરતાં કંપી ઉઠું છું.’

દેવલ ચુપ રહી. મિલિન્દ પણ ચુપ રહ્યો.

આકાશ સામું જોઈ એક ઊંડો શ્વાસ ભરી, આંખો મીંચી... દેવલ બોલી..
‘મિલિન્દ... મારા પર પાશવી અને અમાનુષી બળાત્કાર ગુજારવામાં કરવામાં આવ્યો...લગ્નની પ્રથમ રાત્રીથી...લગાતાર ત્રણ દિવસ સૂધી.’

બસ... આટલું બોલતાં દેવલ તેના ચહેરાને બંને હથેળીમાં દાબી રીતસર પોક મૂકીને ચોધાર આંસુ એ રડવાં લાગી.
અને મિલિન્દનું તો લોહી થીજી ગયું....ડોળા ફાટ્યા જ રહી ગયાં.. હાથ પગ ધ્રુજવા લાગ્યાં. ગળું સુકાઈ ગયું. લમણામાં એવા ઘા પડવા લાગ્યાં જાણે કે હમણાં મગજની નસો ફાટી જશે. સ્હેજ આંખે અંધારા આવી ગયાં.

ડૂસકાં અને ધ્રુસકા સાથે દેવલ રડતી રહી. હજુ મિલિન્દ કશું બોલવા કે, સમજવાને સમર્થ નહતો.

પાંચ સાત મિનીટ પછી દેવલે માંડ માંડ તેની જાતને સંભાળી. ત્યાં સુધીમાં મિલિન્દ નીચે જઈ તેની માટે ઠંડા પાણીની બોટલ લઇ આવ્યો.. પાણી પીધા પછી દેવલનું મન, મસ્તિષ્ક આંશિક રીતે શાંત પડ્યું.

એ પછી મિલિન્દ માંડ માંડ એટલું બોલી શક્યો..
‘શા માટે.. અને કોણે ?

સ્હેજ દર્દીલા હાસ્ય સાથે દેવલ બોલી...
‘બળાત્કાર એ એકતરફી ઘાતકી અત્યાચાર છે. તેના કારણ ન હોય. અને એ સમયે પુરુષત્વમાં, જંગલમાં ફાટી નીકળેલી આગની જેમ જે જંગલિયાત ફૂટી નીકળે ત્યારે તેને સમય, સ્થળ, સંબંધ કે વયનું કશું જ ભાન નથી હોતું. જ્યાં સુધી તેની વિકરાળ વિકારના પ્રચંડ ધોધનું વાવઝોડુ વિનાશના અંતે શમન ન ત્યાં સુધી તે તમને ચૂંથીને ચિંથરેહાલ કરવામાં કોઈ કસર બાકી ન રાખે. અને ત્રણ દિવસ સુધી દિવસ રાત હું એ નર્કથી પણ બદતર હાલતમાં અધમુઈ થઈને જીવવા ખાતર મરતી રહી.’

‘બસ.. બસ.. પ્લીઝ.. સ્ટોપ ઈટ. હું નહીં સાંભળી શકું દેવલ પ્લીઝ.’
એક વિચિત્ર અનુકંપાની અનુભૂતિ સાથે મિલિન્દ બોલી ઉઠ્યો..

‘પણ મિલિન્દ... મારા કિસ્સામાં તો બળાત્કાર કરતાં બળાત્કારીનું નામ ધૃણાની ચરમસીમા ઉપજાવે તેવું છે.’
‘કોણ હતું એ નફફટ નરાધમ ?’ હાંફતા હાંફતા મિલિન્દે પૂછ્યું..
‘મારી એક ચુટકી સિંદૂર સૌભગ્યનો સાથીદાર, મારા શમણાંને સદમાનું સ્વરૂપ આપનારા શાહુકાર, મારો પતિ વિક્રાંત કિશોરીલાલ, ઉર્ફે ‘વીકી.’

આટલું સાંભળતા તો... જાણે મિલીન્દના પેટમાં કોઈ અગનગોળો ફાટ્યો હોય ધ્રુજતાં શરીર સાથે માથું પકડીને ઝૂલા પર બેસી ગયો... ચીસ ગાળામાં થીજી ગઈ. વજ્રઘાત જેવો એક એવો વૃતાંત કે, જેની કલ્પના માત્રથી રોમ રોમ ભડકે બળી જાય.સીમાંત વિનાનો સંતાપ. દેવલને સાંત્વના આપવાં શબ્દો નહતા સૂઝતા. થોડીવાર આંખો મીંચીને બસ બેસી રહ્યો.

એ પછી દેવલ બોલી ..
‘આપણી પ્રથમ રાત્રીએ મેં તમને કહ્યું હતું કે, જ્યાં સુધી આપણો પરિચય પરિપક્વ ન થઇ જાય ત્યાં સુધી શારીરિક સંબંધ માટે સમયમર્યાદા આપશો તો મને ગમશે. એ પછી થોડીવાર બાદ તમે કોઈપણ પ્રત્યુતર વગર રૂમની બહાર જતાં રહ્યાં.. એટલે મને એમ થયું કે, એ વાત તમારા મનમાં ઘર કરી ગઈ હશે. પણ આપણી પ્રથમ રાત્રી ભયના ઓથાર તળે મેં કેમ વિતાવી એ હું જ જાણું છું.. અને બળતામાં ઘી હોમાય એમ તમારા ગયાં બાદ વૃંદાનો વિસ્ફોટક વેદના સાથેનો કોલ આવ્યો...
બન્ને લગ્નની પ્રથમ રાત્રીએ મારા પર તો બળાત્કાર થયાં.. એક શારીરિક એક માનસિક. શું ભૂલું ? કોને ભૂલું ? કઈ ભૂલ માટે ? છતાં પણ સૌને ખુશ રાખવા ચુપ રહી પીડાને પાંપણની પાળે બાંધી ખારાશના ધોધને ગળી જાઉં છું. દિલ્હીની ઘટના વિષે પપ્પાને કશી જ જાણકારી નથી. નહીં તો એ અહીં બેઠાં બેઠાં તેના ખાનદાનને સળગાવી દે. પપ્પા એ દુઃખ જીરવી ન શકે. તમે જે દિવસે મારા ઘરે અજાણ્યાં આગતુંક બની આવ્યાં ત્યારે હું સહનશીલતાના સીમાની હદ વટાવી ચુકી હતી. જો મિલિન્દ તમે મારી જિંદગીમાં ન આવ્યાં હોત તો.. કદાચ.. મારા અને પપ્પા બન્નેના નામ આગળ સ્વર્ગસ્થ લખાઈ ચુક્યું હોત. જશવંત અંકલને હું મારા પિતા સમકક્ષ માનુ છું. તેમણે જે ઠોસ ભરોસા સાથે તમારી વાત કરી, અને એ પછી આપણી પારદર્શક વાર્તાલાપને અંતે મારા અંતરઆત્માએ સકારાત્મકનો સંકેત આપતાં મેં નિર્ણય લીધો કે, આ સમયે તમે મારા માટે સંજીવની છો, બસ,’

‘પણ.. દેવલ એ રાક્ષસે આવું કર્યું કેમ ? મિલિન્દે પૂછ્યું
‘કપડાં ઉતારતા પહેલાં મોહરું ઉતારી તેનો અસલી પરિચય આપતાં કહ્યું કે, તે એક પોર્નસ્ટાર છે. બીભત્સ ફિલ્મો બનાવવી તેનો બિઝનેશ અને આદત છે. તેણે મને કહ્યું કે, મને તારી જોડે સુહાગરાત નથી માણવી પણ રેપ કરવો છે. એ પછી તેણે મારું મોં બંધ કરી, મને બાંધી અને...’

મિલિન્દ દેવલના હોંઠ પર તેની હથેળી દાબતાં બોલ્યો..
‘પ્લીઝ, હવે તને હાથ જોડું આગળ એકપણ શબ્દ ન બોલીશ’
એ પછી મિલિન્દ રડવાં લાગ્યો.

થોડીવાર દેવલ પણ ચુપ રહ્યાં પછી બોલી..
‘સાચું કહું, મિલિન્દ.. તમે મારી લાઈફમાં ન આવ્યાં હોત તો, નસે નસમાં છપાઈ ગયેલી પુરુષજાત પ્રત્યેના ધૃણાના સિકલના સિક્કાની બીજી તરફ હું ન જોઈ શકી હોત. તે રાક્ષસ અને તમારામાં ઉત્તર-દક્ષિણ ધ્રુવના અંતિમ છેડા જેવું વ્યક્તિત્વ મેં જોઈ લીધું. અને બંને વ્યક્તિત્વમાં અકલ્પનીય વિરુધાર્થી વાસ્તવિકતા મેં જોઈ છે.’

‘દેવલ હું તને રીક્વેસ્ટ કરું છું, આજ પછી આ ટોપીક પર હમેંશ માટે ફૂલસ્ટોપ મૂકી દેજે પ્લીઝ. રુજાયેલા ઘાવને હું ખોતરવા નથી માંગતો. તારા ભૂતાવળ જેવા ભૂતકાળને ભૂલવા અને ભૂંસવા માટે હું શું કરી શકું ? ’

‘તમે ?’ હસતાં હસતાં દેવલ બોલી..
‘હા.. કેમ એવું પૂછ્યુ.. તમે ? મતલબ.. ? કોઈ શંકા છે ? મિલિન્દે પૂછ્યું.

‘ના મિલિન્દ, માસૂમ બાળકના સ્મિતનું સબબ ન હોય. બસ કંઇક એવું છે,તમારું. સાચ્ચે જ મિલિન્દ તમે નાના બાળક જેવા છો. એ તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. અને સામાન્ય પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ તરત જ અકળાઈ જાવ છો, એ સૌથી મોટો માઈનસ પોઈન્ટ છે. મારી તકલીફનો દસમો ભાગ પણ તમે સહન ન કરી શકો. સહન તો શું સાંભળી પણ નથી શકતાં. હવે એક વાત તમને પૂછું..’

‘આપણા સંગાથથી તમને, મને, આપણા પરિવારને, મિત્રો, શુભચિંતકો સૌને કંઇકને કંઇક મળ્યું...પણ વૃંદાને શું મળ્યું ? વૃંદા પાસે શું નથી ? તેણે માત્ર ગુમાવ્યું... શેની આશમાં ? એક ચુટકી સિંદૂર માટે જ ને ? કેટલી કિંમત ચૂકવી ? હજુ ચુકવે જ છે. અને ક્યાં સુધી ચૂકવશે ? મિલિન્દ તમે કોઈના સ્મિતનું સબબ ન બની શકો તો કંઈ નહી પણ, રુદનના રાઝદાર શા માટે બનવું જોઈએ ? સાચું કહું આજે મારા રુજાયેલા ઘાવ ફરી કેમ તાજા થયાં...? વૃંદાની વેદના સાંભળીને. અજાણતાં પગ તળે કીડી કચડાઈ જાય તો પણ હું ઝટ જાતને માફ નથી કરી શકતી.. અને આ તો આંખ આડા કાન કરી નારાજગીના નિમિત બની નિર્દયતાથી પાશવી આનંદ લેવા જેવી વાત છે.
‘આઆ...આ મારા મિલિન્દ ન હોઈ શકે. આજે વૃંદાની આંખમાં તેના શમણાંનું શબ જોઈ મારો શોક ભૂલી ગઈ. જો મિલિન્દ તમે વૃંદાને ન્યાય ન આપી શકો તો..તમારું નામ, પ્રતિષ્ઠા પૈસો...બધાનું મુલ્ય મારી નજરમાં શૂન્ય છે, સોરી.’
થોડીવાર ચુપ રહ્યાં પછી મિલિન્દ બોલ્યો..

‘પણ દેવલ...આપણે નિયતિના ભાગ કે ભોગ જે સમજો એ બની ગયા પછી તો શું થઈ શકે ? શત્ત પ્રતિશત અંતરઆત્મા ડંખે, પણ ઊંડી દિલસોજી અને સાત્વિક સાંત્વનાના શબ્દો સિવાય તો હું શું આપી શકું ? અને હું કરી પણ શું શકું ?

હળવાં સ્મિત સાથે મિલિન્દ સામું જોઈ દેવલ બોલી..

‘પ્રેમ કરી શકો ? જે પ્રેમ કરી શકે એ કંઈપણ કરી શકે.’ યુદ્ધ કરવાં કરતાં બુદ્ધ થવું કઠીન છે, મિલિન્દ.’

‘અત્યારે વૃંદાની મૂક વેદના વાંચી, તેનો અનુવાદ કરી વાચા આપવાની છે, બસ કોઈ સમદુઃખીયો તેની તકલીફનું તળ માપી લ્યે તો પણ તેના માટે કાફી છે. જે મારા સિવાય કોઈ નહીં કરી કે, સમજી શકે.’

એ પછી આજે અનાયસે કઈ રીતે વૃંદા સાથે તેની મુલાકાત અને શું વાર્તાલાપ થયો એ દેવલે મિલિન્દને કહી સંભળાવ્યો. વૃતાંત સાંભળી મિલિન્દને સમજાયું કે, તે કેવડી મોટી ભૂલ કરી બેઠો છે. પારાવાર પસ્તાવા સાથે મનોમન ખુદને કોસવા લાગ્યો.

‘પણ..દેવલ એ તને ઓળખી જશે તો... તો.. વાત વણસી જશે.’

‘વાત વણસી નહીં..વાત વળી જશે.. કેમ કે, બંનેના દુઃખની સામ્યતા છે.. ‘પ્રેમ’
બન્ને ઝંખે છે, મિલિન્દનો પ્રેમ. પણ જેમ બન્ને પરસ્પર મિલિન્દની તરસથી અજાણ છે. અને મિલિન્દ પણ. બન્ને એકબીજાને ઓળખી જઈશું તો સઘળાં સંબંધના સંતાપનું સમાધાન સંધાઈ જશે.’

‘તને આટલો દ્રઢ વિશ્વાસ કેમ છે ?’ મિલિન્દે પૂછ્યું.
‘મને નહીં અમને બંનેને. અને નિમિત છે, મિલિન્દ. સમજ્યા ?’

‘બસ.. એકવાર વૃંદા સાચા મનથી માફ કરી દે તો, હું નિશ્ચિંત થઈને સુઈ શકું.’
મિલિન્દ બોલ્યો...
‘કરશે....જો તમે સાચા મનથી પ્રેમ કર્યો હશે તો.’ દેવલ બોલી..

મિલિન્દે નજરો નીચે ઢાળી દીધી.
‘મિલિન્દ, સ્ત્રી જો પ્રેમ કરે તો બધું જ કરે. વૃંદાની આંખમાં તમારાં માટે મેં જે પ્રેમ જોયો છે.. એ જોઇ મને તેના બલિદાનની ઈર્ષ્યા આવે છે. પણ મિલિન્દ હજુ એક ગુત્થી નથી ઉકેલાતી. એક રહસ્ય નથી સમજમાં આવતું.’

‘ગુત્થી ? રહસ્ય ? શું ? વિસ્મય સાથે મિલિન્દે સવાલ પૂછ્યો


-વધુ આવતાં અંકે.