પ્રકરણ- સત્યાવીસમું/૨૭
ઉખડેલા શ્વાસ અને અશ્રુ સ્થિર કરી.. વૃંદાએ કોલ ઉઠાવ્યો..
એટલે ઠપકાથી સંવાદની શરૂઆત કરતાં શશાંક સંઘવી બોલ્યા....
‘અરે, દીકરા ત્રણ દિવસથી હું સુપ્રીમ કોર્ટના અંતરિમ ચુકાદાની માફક હું તારા કોલની વેઇટ કરું છું, અને તારો એક મેસેજ પણ નથી.. એ મિલિન્દ છે કોણ ? કે જેના પ્રેમમાં તલ્લીન થઇ પિતાને ભૂલી ગઈ ? લગ્ન પહેલાં આ હાલત છે તો લગ્ન પછી શું થશે હેં ? મારો કેસ નબળો પડે એ પહેલાં મિલિન્દને જ અરજી કરવી પડે કે શું ? વ્હાલની વહેંચણીના સમયે સ્મરણસૂચીમાં સ્વજનનું નામ લખતાં ભુલાઈ જાય એવી ભૂલ થાય ? આમાં વાંક મિલિન્દનો છે, એટલે મિલિન્દને જ પૂછીશ કે, તને કોઈ ભૂલી જાય તો કેવું લાગે, મિલિન્દ ?
આટલું બોલી શશાંક ખડખડાટ હસવાં લાગ્યો...
વૃંદાની મનોસ્થિતિ બાણશૈયા પર સુતેલા ભીષ્મ પિતામહ જેવી હતી. અજાણતામાં આવતાં શશાંકના એક એક સણસણતા વ્યંગબાણના પ્રહાર પીડાથી વૃંદા મનોમન ચિત્કાર પોકારી ઉઠતી. છતાં સ્હેજ પણ સ્વરમાં વેદનાનો ઉહ્કારાનો અણસાર
લાવ્યાં વગર કાળજું કઠણ કરી, ચહેરા પર કૃત્રિમ સ્માઈલ સાથે અવાજમાં મક્કમતા લાવતા બોલી..
‘અરે.. ના.. ના.. પપ્પા એવું કંઈ હોતું હશે ? એ તો હું જરા ઓફીસના કામમાં એક બે દિવસથી વ્યસ્ત હતી. અને એ પણ તેના કોઈ કામમાં બીઝી હતો, તો કોઈ વાત જ નથી થઇ. પણ.. તમે કેમ આટલા મોડે સુધી જાગો છો ?
ચર્ચાનો ટોપીક ચેન્જ કરતાં વૃંદાએ પુછ્યું..
‘વૃંદા.. આર યુ ઓ.કે. ?
શંકા સાથે શશાંકે સવાલ પૂછતાં સ્હેજ ઢીલી પડવા જઈ રહેલી વૃંદાની સ્વર અને પીડાની પકડ પર અંકુશ લાવતા વૃંદા ઔપચારિક હાસ્ય કરતાં બોલી..
‘હા... હા... હા... મને ? મને શું થવાનું હતું. જેના નામ માત્રથી અંધારી આલમના આકાઓના ટેન્શન ચપટી વગાડતાં છુમંતર થઇ જાય, ન્યાયાલયમાં જેના નામના ડંકા સાથે સિક્કા પડતાં હોય, કાયદાશાસ્ત્રના અભ્યાસુ જેને પોતાના આદર્શ માનતા હોય, એવા સુપ્રીમ કોર્ટ અને દેશભરમાં નામાંકિત એડવોકેટ શશાંક સંઘવીના વ્હાલના દરિયાને શું તકલીફ હોય શકે પપ્પા ?’
‘ઓઓહહ...બસ... બસ... બસ... નામદાર સાહેબ બસ. ચોટદાર દલીલને ધ્યાનમાં રાખી, પૂરતાં પુરાવાના અભાવે તને નિર્દોષ જાહેર કરું છું. અને હવે પછી તું મુક્કરર કરે એ તારીખે આ ગંભીર કેસની સુનાવણી હાથ ધરીશું, ઓ.કે.’
આટલું બોલી ફરી શશાંકે તેના ખડખડાટ હાસ્ય સાથે વાત પૂરી કરી.
‘અચ્છા, પપ્પા મને સખ્ત ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીએ. ગૂડ નાઈટ.’
‘હમમમ.. અચ્છા ઠીક છે.. ગૂડ નાઈટ એન્ડ ટેક કેર દીકરા.’
ખુબ કોશિષ કરી છતાં પણ વૃંદાના તૂટતાં સૂરનો આછેરો અંદાજ શશાંકને આવી જ ગયો. પણ ગંભીરતાની ગહનતાનો તાગ ન મેળવી શકયા.
અને ફોન મૂકતાં વૃંદાની આંખો વરસી પડી.
છેક રાત્રીના અંતિમ પ્રહરના અંતિમ બિંદુ અને પરોઢની પ્રથમ પ્રહરના પ્રથમ બિંદુ મધ્યસ્થાને આવતાં, પારાવાર ‘પણ’ ના ભારથી ઝુકેલી પાંપણો ઢળતાં વૃંદાની આંખો મીંચાઈ.
પૂર્વથી પશ્ચિમ જેવા વૃંદાના નિત્યક્રમમાં આવેલાં ફેરફારથી વિદ્યા પણ ચિંતિત થઇ અકળાયા પણ હતાં, પરંતુ વર્ષોથી બંને એ પોતપોતની રીતે ખેંચેલી સ્વાયત્તા અને સ્વતંત્રતાની લક્ષ્મણરેખાની આડ અસરથી બન્નેના દિમાગમાં લાગણી શૂન્યતાનો લકવો ઊંડી અસર સાથે ઘર કરી ગયો હતો. અને વિદ્યા તેના માટે કાયમ શશાંકને જ કસૂરવાર ઠેરવતી.
વર્ષોના અદ્દભુત સંયોગની માફક કોઈ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણનો યોગાનુયોગ થાય એ રીતે વિદ્યા શશાંકને કોલ કરતી.. આજે ઉકળાટનો ઉભરો ઠાલવવાના ઈરાદાથી એક અરસા પછી વિદ્યાએ શશાંકને કોલ લાગવતા બોલી...
‘કાયદાના ફાયદા ઉઠાવવામાંથી ફુરસત મળે તો, કોઈ અજાણ્યાં કારણથી જાતે સજા ભોગવી રહેલી દીકરીના અન્યાયને ન્યાય આપજો.’
એક તો લાંબા સમયગાળા બાદ વિદ્યાનો કોલ, અને તેમાં પણ વૃંદાને અન્યાય ? સજા ? કોયડા જેવો ક્વેશ્ચન સાંભળી થોડીવાર માટે તો શશાંક એ મુંજવણમાં મૂકાઈ ગયો. કે વિદ્યા આ શું બોલી રહી છે ?
એટલે શશાંકે સ્હેજ અકળાઈને પૂછ્યું
‘શું થયું છે ? કંઇ ચોખવટ કરીને વાત કર તો સમજણ પડે. અને તારે આમ આરોપ અને દલીલની ભાષામાં મારી જોડે વાત નહીં કરવાની.’
માર્મિક હાસ્ય સાથે વિદ્યા બોલી..
‘મિ. એડવોકેટ શશાંક સંઘવી જે પદવીથી તમે, પદ, પ્રતિષ્ઠા, પાવર, પૈસો હાંસિલ કરી શકયા પણ, પત્ની અને પ્રેમ ન પામી શક્યા તેની સામે હું શું આરોપ કે દલીલ કરું ? લોહી તરસ્યો સિંહ પારકા કે પોતાના લોહીની પરખ નથી કરતો. પત્નીને પારકી સમજી હાંસિયામાં ધકેલી તેનો રંજ નથી પણ, જે લોહીની સગાઈને ખાતર આપણા નામ માત્રના સંબંધને જોડી રાખ્યો છે, તેનો આત્મા ડંખે ત્યારે લોહી ન ઉકળે તો જ નવાઈ. સોરી..મારે કશું વધુ નથી કહેવું.. બસ, વૃંદાને સાચવી લો બસ.’
સ્વભાવગત વિદ્યાની વિનય વિવેકની ઉણપ જેવી વાણીના આદિ શશાંકને ગઈકાલ રાતની સોયના ટોચ જેટલી શંકા હવે પર્વતના ટોચ જેવી લાગવા લાગી. વૃંદાના અતિ સિન્સેટીવ નેચરથી શશાંક સારી રીતે વાકેફ હતો એટલે કાળજીથી કામ લેવાનું વિચારતાં તરત જ કોલ કર્યો વૃંદાને....
તો બીજી તરફ...
મિલિન્દ અને દેવલના ચોપાટી પરના દિવસની ઘટના પછી.... મિલિન્દ અને દેવલ બંને વચ્ચે વૃંદાનો કિસ્સો અરસપરસની સમજુતી સાથે મજબુત મૌનના કિલ્લામાં કૈદ થઇ ગયો. ભારેલાઅગ્નિ જેવા એ દાવાનળની દાસ્તાનને કોઈ હવા આપવા નહતા ઇચ્છતા. એકબીજાને લાગ્યું કે, સમયને સમય આપવામાં જ શાણપણ છે.
મા ના પ્રેમથી વંચિત દેવલ અને પ્રેમાળ અને વ્હાલના વાત્સ્યલ્યમૂર્તિ વાસંતીબેન વચ્ચે સંધાયેલા સળંગ સ્નેહસેતુને જોતાં સૌને એવું લાગતું કે, જાણે અનાયસે ગત જન્મના ઋણાનુબંધનું અનુસંધાન જોડાઈ ગયું હોય. અને આ વાતની સૌથી ખુશી હતી જગનને.
અને એથી પણ ચડિયાતા વધુ એક ઋણાનુબંધ સાથે જોડાયા... કેશવ અને દેવલ..
માત્ર બે અઠવાડિયા જેવા ટૂંકા સમયગાળામાં...
દેવલને દિયરના સંબોધન સાથે સંબંધમાં મળેલો કેશવ એટલે ભાઈથી ચડિયાતો ભાઈબંધ, શ્રધ્ધાથી સવાયા સખાવત જેવો સખા, આસાનીથી મૌનના મર્મનો અનુવાદ કરતો મિત્ર, અને ભાભી મા નો લાડલો અને કહ્યાગરો દીકરો.
દેવલ સાથેના ઘનિષ્ટ, સાત્વિક અને આત્મીય નિકટતમ સંબંધ પછી દેવલ વિશેની કેશવની મનઘડત માન્યતા મૂળ સોતી ઉખડી ગઈ. કેશવને દેવલનું સૌથી સબળું અને હ્ર્દયસ્પર્શી પાસું લાગ્યું દેવલની પીઢતા. કરોડોપતિ બાપની એકની એક દીકરી હોવા છતાં તેના વાણી, વર્તન,વિચાર યા આચરણમાં તલભાર પણ અહંકારનો અંશ નહતો. અને સૌથી મોટી વાત મિલિન્દના ગોવર્ધન પર્વત જેવડા ભૂતકાળને ભૂલ સમજી, ગેરસમજણનું નામ આપી હાસ્ય સાથે ભૂલી ગઈ. દેવલના આ નિસ્વાર્થ સાગર જેવડા સમર્પણના સન્માન માટે મનોમન કેશવનું મસ્તક હંમેશા દેવલ સમક્ષ સહજભાવે ઝુકી જતું.
પંદર દિવસ દરમિયાન..
કેશવ અને ચિત્રા વચ્ચે માત્ર બન્નેની હાજરીમાં એકાદ કલાક ગહન ચર્ચા ચાલી. વૃંદા અને મિલિન્દની કહાની પ્રસ્તાવના પહેલાં જ પૂરી થઇ ગયાનો કેશવને ભારોભાર ગ્લાની સાથે પારાવાર અફસોસ પણ હતો અને એ સિવાય તે કશું કરી શકે તેમ નહતો.. દુઃખની ચરમસીમા એ હતી કે, તેણે મિલિન્દ પર ખુદથી અધિક ભરોસાની ખાતરી આપી વૃંદાના અરમાનને સાતમાં આસમાન પર લઇ ગયો હતો. નગ્ન સત્યનો સ્વીકાર કરી સૌ એ પોતપોતાની પરિપક્વતા મુજબ વાસ્તવિક વિષના ઘૂંટડા પચાવવા સિવાય કોઈ આરો નહતો.
છુટ્ટા પડતી વેળાએ કેશવે જયારે ગળગળા થઈ ભીની આંખોની કોરે, ભારે પગ ઉપાડતા ચિત્રાને વૃંદાના હાલ વિષે પૂછતાં, ભડકે બળતી ઉંચી જવાળાને એક પળમાં હોલવી નાખે એવો ઉત્તર આપતાં ચિત્રાએ કહ્યું હતું..
‘કોણ વૃંદા ?’
‘કોણ વૃંદા ?’
ચિત્રાના આ ચાર અક્ષ્રરના તેજાબી પ્રહારથી કેશવનું કાળજું ચિરાઈ ગયું. ચુપચાપ બે હાથ જોડી નત્ત મસ્તકે ચિત્રાની ચેમ્બરની બહાર નીકળી ગયો હતો.
ચિત્રાને પણ થોડો સમય વૃંદાને તેના ગમતીલા ગમને પંપાળવા સમય આપવો યોગ્ય લાગ્યું.
પંદર દાહડામાં માધવાણી પરિવારમાં સૌની લાડકી બની ગયેલી દેવલના સહજ સહાનુભુતિની સરિતામાં ડૂબકી મારવાની લાલચ ગોવિંદ પણ રોકી શક્યો. સીધી રીતે કોઈની વાત કાને ન ધરતો ગોવિંદ, દેવલ સામે આજ્ઞાકારી બની જતાં, સૌ કોઈ આ વાતને ચમત્કાર માની બેઠાં. પણ આ ચમત્કાર દેવલના ફળદ્રુપ ભેજાના સ્ક્રિપ્ટની કમાલને આભારી હતી.
પરિવારના સૌ સભ્યોથી અલગ તરી આવતાં ગોવિંદની તાસીરનો તાગ લાગવાતા દેવલ સમજી ગઈ હતી કે, ગોવિંદમાં કોઈ ઉણપ નથી, પણ તેની પ્રકૃતિને માફક આવે તેવી પરીભાષામાં વાર્તાલાપ કરો તો તેની તકલીફ આસાનીથી સમજાઈ શકાય એમ છે, એવું લાગતાં ગોવિંદને સંપૂર્ણ રીતે વિશ્વાસમાં લઇ તેની સઘળી આધિ, વ્યાધિ, ઉપાધિનો અંત આણી, આજીવન આર્થિક રીતે સદ્ધર કરવાનું વચન આપ્યું પણ, એક શરતે કે, હવે પછીની કોઈપણ ભૂલની સજા માટે સૌથી પહેલી દંડાધિકારી દેવલ હશે. સાથે સાથે ગોવિંદના દિમાગમાં એ પણ ઠસાવી દીધું કે, જે તારી શકે એ મારી પણ શકે. દેવલના આ કહેવાતા ચમત્કારના કેવલ ત્રણ જ સાક્ષી હતા.. દેવલ, જશવંતલાલ અને જગન.
જગને આર્થિક સહાય અને રાજકીય વગથી ગોવિંદના દરેક ગુનાહિત કલંકિત ઈતિહાસમાંથી કાયમ માટે ગોવિંદનું નામ ભૂંસી, એક નવા અધ્યાય સાથે તેનું નામ જોડી દીધું.
હવે જશવંતલાલએ મિલિન્દના માથા પરથી સ્વાભિમાનની ખોટી રીતે ફીટ થઇ ગયેલી ટોપી ઉતારવાનું ભગીરથ કામ હાથમાં લેવાની વ્યૂહરચના જગન સાથે ઘડ્યા પછી એક દિવસ કનકરાય અને વાસંતીબેન બન્નેને તેના બંગલે બોલાવ્યાં..
અચનાક જશવંતલાલ તરફથી આમંત્રણ આવતાં અધીરાઈ સાથે કંઇક અટકળોનો અંદાજ લગાવતાં બન્ને સાંજે ચારેક વાગ્યાની આસપાસ આવી પહોચ્યાં જશવંત લાલના બંગલે.
ચા-કોફી અને સોફ્ટ ડ્રીંકથી શરુ થયેલા સામાન્ય વાતચીતના દૌરને અડધો કલાક પછી મુખ્ય મુદ્દા પર લાવતા શતરંજની ચાલ જેવી વ્યૂહરચનાની જાળ બિછાવતા જશવંતલાલ બોલ્યાં.
‘વાસંતીબેન, તમને બન્નેને અહીં બોલવવાનું ખાસ કારણ છે, મિતાલી. હું માનું છું ત્યાં સુધી હવે મિતાલી દીકરીને વળાવવાનો સમય થઇ ગયો છે. મિલિન્દના લગ્નમાં જે કસર રહી ગઈ તે આપણે પૂરી કરી દઈશું. અને હવે મારી દ્રષ્ટિ એ જોતાં કોઈ આર્થિક સંકટનું બાધ્ય નથી. એટલે કોઈ સારા સંસ્કારી, સાધન સંપ્પન, કુળમાં મિતાલીના જીવનસાથી માટે પસંદગી કરવાની અથવા મિતાલીને કોઈ છોકરો પસંદ હોય તો આ મંગલ કાર્યનો આરંભ કરવો જોઈએ. શું કહો છો, કનકરાય ?
ભાવતું’તું ને વૈધે કીધું. આટલી વાત સાંભળીને વાસંતીબેન મનમાં ને મનમાં હરખાતાં હતાં ત્યાં કનકરાય બોલ્યા..
‘વાત તો તારી સો ટકા સાચી છે જશવંત. પણ..’ કનકરાય બોલતાં અટકી ગયા.
‘જો ભાઈ આ જેટલાં પણ ‘પણ’ છે ને એનો કાયમી નિવેડો લાવવા જ તમને અહીં બોલાવ્યાં છે સમજ્યો.. એટલે જે હોય એ પેટ છુટી વાત કર એટલે ઝટ માંડવા નંખાય જાય.’ જશવંતલાલ સોફા પર પગ ચડાવતાં બોલ્યાં.
‘મારી હવે એક જ ઈચ્છા છે કે, મિતાલીને મારી હેસિયતથી દસ ગણા ચડિયાતા કુટુંબમાં પરણાવવી છે. એની જિંદગી ભરની ખોટ પૂરી કરી દેવી છે. પણ મારા હાલ જોઇને કોણ મારી દીકરીનો હાથ ઝાલે ?
‘પણ એનો કોઈ તોડ હશે તો જ જશવંતભાઈ એ આપણને અહીં બોલાવ્યા હશે ને ?
વાસંતીબેન બોલ્યાં.
હવે દુઃખતી રગ હાથમાં આવતાં હળવેકથી જશવંતલાલ બોલ્યાં...
‘તોડ અને જોડ કનકના હાથમાં જ છે. જો હા પડે તો ?
કનકરાય અને વાસંતીબેન બન્ને એકબીજાની સામું ટગર ટગર જોઈ રહ્યાં પછી કનકરાય બોલ્યાં..
‘મારી જોડે ? એટલે શું ? કંઈ સમજાયું નહીં ?
‘જો ભાઈ.. હસવું અને ફાંકવું બંને સાથે શક્ય નથી. તારી બધી જ ઈચ્છા, આકાંક્ષા અરમાન, મનોરથ પુરા કરવા માટે હવે મિલિન્દ અને દેવલ બન્ને પર્યાપ્ત છે, હવે હું જે વાત કરું એ આપણા ત્રણ વચ્ચે રહે તો જ બધી સમસ્યાનો હલ હાથવગો છે એમ સમજી લે.’
હવે જશવંતલાલ એ ઘડેલી વાર્તાને સેવેન્ટી એમ. એમ. ના વિશાળ પડદા પર રજુ કરતાં બોલ્યાં...
‘મારી મિલિન્દ અને દેવલ વચ્ચે બધી વાત થઇ ગઈ છે, મિલિન્દે કહ્યું કે, પપ્પા જ્યાં કહે ત્યાં, તેમની ઈચ્છા હોય તેટલી રકમનો ધુમાડો કરી મિતાલીને પરણાવવી છે, બસ એકવાર પપ્પા તેના મનમાંથી એવો વિચાર કાઢી નાખે કે, આ બધું મિલિન્દ અને દેવલ કરે છે. મિલિન્દને તો બસ પપ્પાને ખુશ જોવા છે. કનકરાય... મિલિન્દનું ભાગ્યચક્ર ફર્યું તેનો શ્રેય તમને આપી તેની ફરજ પૂરી કરે તેમાં ક્યાં તારા સ્વાભિમાન ઠેસ પોહંચે છે ? ઉલટાનું તારે ઉપરવાળાનો આભાર માનવો જોઈએ કે,
ગઈકાલ અને આજના મિલિન્દમાં તલભારનો તફાવત નથી. તેનો તને ગર્વ નથી ?’
કોઈને છેતરી કે ગળા કાપીને તો અમીર નથી બન્યો ને ? અને દેવલ કરોડપતિની દીકરી છે તો શું એ દેવલનો અવગુણ છે ? હવે બાકીની જિંદગીના જમેલાનો બધો ભાર મિલિન્દ પર મેલી, અને તમે બન્ને જિંદગી આખી ટેસડા કરોને ભાઈસાબ.’
ઘી થી લથબથતો શીરો જે ઝડપે ગળા નીચે સરકી જાય એમ જશવંતલાલની મધલાળ જેવી વાત કનકરાયના ગળે ઉતરી, દાઢે વળગી અને ચિત્તે ચોંટી ગઈ.
અને આમ પણ રૂપિયાની ગરમીથી વિશ્વની મહાસત્તા પલટી જતી હોય તો, મુઠ્ઠી હાડકાના ધણી કનકરાયના બુઠ્ઠી તલવાર જેવા સ્વાભિમાન શી વિશાત ?
એટલે ઔપચારિકતાનો ચોલો ઓઢતાં કનકરાય બોલ્યાં..
‘હા.. હા... હું તારી વાત સાથે સંપૂર્ણ સહમત છું, મિલિન્દને તેની મરજી મુજબ જે રીતે. જે કંઈપણ નિર્ણય લેવો હોય તેમાં મારી રાજીખુશીથી રજામંદી છે. મને પૂછવાની કે, ડરવાની શી જરૂર છે ?’
‘હાસ્તો વળી, તમે હવે આ બધી માયા જંજાળ મૂકો અને દીકરા-વહુ ને જેમ ઠીક લાગે તેમ કરવા દયો.’ કનકરાયની વાતમાં ટાપસી પુરાવતાં વાસંતીબેન બોલ્યાં.
મનોમન તાળીઓ પાડતાં જશવંતલાલ બોલ્યાં..
‘હાઇશ.. ઉપાધિની અડધી મેરેથોન પૂરી થઇ.’
‘અને..હવે આવો મારી સાથે બાલ્કનીમાં એટલે બતાવું કે, મિતાલીને ઠાઠ-માઠથી વળાવવા માટે મિલિન્દ એ કેવી તૈયારી કરી છે.’
સોફા પરથી ઊભા થતાં જશવંતલાલ બોલ્યાં.
અચરજ સાથે બન્ને ઊભા થયાં... અને ત્રણેય આવ્યાં બાલ્કનીમાં એટલે સામે એક હજાર સ્ક્વેર મીટરમાં ગાર્ડન સાથે ફેલાયેલા અત્યાધુનિક વૈભવી બંગલા તરફ આંગળી ચીંધતા જશવંતલાલ બોલ્યાં..
‘આ સામે દેખાય એ બંગલો કેવો લાગ્યો ? ’
‘સપનામાં પણ ન વિચારી શકાય એવો... સાચું કહું જશવંત.. હું સપનામાં મિતાલીના તકદીરમાં એવી ભવ્યતાની કલ્પના કરતો હોઉં કે, જેમાં મારી લાડકી દીકરી પરિવારમાં સૌના દિલ જીતી, રાણી બનીને રહેતી હોય. પણ આ રાજાશાહી બંગલો છે કોનો ?’ કનકરાયે પૂછ્યું
જશવંતલાલ ચુપચાપ બન્ને સામે જોઈ રહ્યો.. બન્ને મીઠી મુંજવણ અનુભવતા મુંજાયા.
એટલે સ્ફોટક નિવેદન સાથે ફોડ પાડતાં જશવંતલાલ બોલ્યાં...
‘બસ, તું હા પાડે એટલે....બંગલાના ગેઇટ પર
‘કનકરાય અમરચંદ માધવાણી’ ના નામની મોટી તખ્તી લાગવવાનું કામ બાકી છે, બોલ. ?’
‘કનકરાય અમરચંદ માધવાણી’ ના નામની તખ્તી લાગવવાનું કામ બાકી છે’ સાંભળતા..
હજાર સ્ક્વેર મીટરના ભવ્યાતિભવ્ય બંગલા પર તેના નામની તખ્તી લાગવાની વાતથી જાણે અગિયાર હજાર વોટનો ઝટકો લાગ્યો હોય એમ કનકરાય બોલ્યાં
‘એલા જશવંત હું સાયકલ પણ બીતાં બીતાં ચલાવું છું, અને તું જેટ સ્પીડમાં ઉડતી સ્પોર્ટ્સ કારમાં બેસાડી દે તો. મારા તો ધબકારા બંધ થઇ જાય તને ખબર છે ? ’ આ બંગલો...’
હજુ કનકરાય આગળ બોલે એ પહેલાં ચકળ વકળ ડોળા અને ઉઘાડા મોં સાથે સામું જોઈ રહેલા વાસંતીબેન તરફ જોઈ જશવંતલાલ બોલ્યાં..
‘આ બંગલો મિલિન્દના સસરા જગનનો છે, મતલબ હતો હવે એ મિલિન્દનો છે.. એટલે કે માધવાણી પરિવારનો.’
જશવંતલાલ આટલું બોલતાં ફરી ત્રણેય અંદર બેઠકરૂમમાં આવતાં આશ્ચર્યઅતિરેકના હર્ષોલ્લાસથી તરબોળ વાસંતીબેને પૂછ્યું..
‘જશવંત ભાઈ... આઆ..આ ખરેખર સાચું છે કે, હું કોઈ સપનું જોઈ રહી છું ?’
‘જોયેલાં સપના પુરા કરવાની વાત છે, બેન. હવે બોલ જશવંતલાલ મિતાલી માટે જોયેલા સપનાં કેટલા દૂર છે ?’ સોફા પર આસાન જમાવતાં જશવંતલાલે પૂછ્યું.
ભારોભાર ભાવવિભોરના ભાવ અને ગળગળા અવાજમાં કનકરાય બોલ્યાં..
‘દીકરી બાપના ઘર કરતાં સાસરિયામાં સવાયું સુખ ભોગવે એ તો જીવતે જીવ વૈકુંઠ પામ્યાં જેવી વાત છે.’
‘પણ.. આ બધું કયારે અને કઈ રીતે....’
હજુ કનકરાય આગળ બોલે એ પહેલાં તેને ટોકતા જશવંતલાલ બોલ્યાં..
‘હવે આ તારા વેવલા વેડા બંધ કરીશ ? ક્યાં, કેમ ? કોણ ? ક્યારે ? કોને ? કેટલું ? તું આ બધા શબ્દોની બાધા લઇ લે સમજ્યો, અને હવે જો તું ગાંધી બન્યો તો મને ગોડસે બનતા વાર નહીં લાગે સમજી લે જે. હવે એકપણ પ્રશ્ન મને તો શું મિલિન્દને પણ ન નથી પૂછવાનો. હવે મંગલ મૂહર્ત કાઢી નવા નિવાસ્થાનમાં ગૃહપ્રવેશ કરો એટલે ઝટ મીઠા મોઢાં કરી, મિતાલીના લગ્નની શરણાયું ને ઢોલ વગાડીએ.’
ધાર્યા મુજબ ઘી ના ઠામમાં ઘી પડી ગયું એટલે જશવંતલાલ પણ રાજીના રેડ થઇ ગયાં અને જતાં જતાં લાગણીથી તરબતર થઇ હરખના આંસુ લૂંછતાં વાસંતીબેન બોલ્યાં..
‘તમારો આ પહાડ જેવો પાડ અમે જિંદગીભર નહીં ભૂલીએ, જશવંતભાઈ.’
‘ના.. મારો નહીં... આભાર આ કનકરાયનો માનો... એટલે માટે કેમકે આજે તેને ભાન થયું કે, આખી જિંદગી ત્રીજા નેત્રના ભ્રમમાં કારણ વગરના મનફાવે ત્યાં શિવતાંડવ કર્યા કર્યું.’ આટલું બોલતાં જશવંતલાલ અને વાસંતીબેન કનકરાયનું ઉતરેલી કઢી જેવું મોઢું જોઇને ખડખડાટ હાસ્ય રોકી ન શક્યા.
‘એ.. હવે હાલો.. હાલો.. ઘણા કામ પતાવવાના બાકી છે..’
એમ બોલી કનકરાય આગળ થયાં.
એટલે સ્હેજ ઊંચા અવાજે જશવંતલાલ હસતાં હસતાં બોલ્યાં..
‘ઓલી બાધા લેવાની છે, એ શબ્દો ભુલાઈ નહીં હોં... નહીં તો પાછા હતાં ત્યાં ન્યા’તા.’
પાછળ જોયાં વગર હાથ ઊંચો કરીને ‘આવજો’ નું સંકેત આપતાં કનકરાય ચાલતાં થયાં અને પાછળ વાસંતીબેન.
એ પછી જશવંતલાલે કોલ લગાવી બંગલે બોલવ્યો મિલિન્દને. અને એ આવ્યો છેક રાત્રે આઠ વાગ્યે.
અગાઉથી બન્ને એ સાથે ડીનર લેવાનું નક્કી કર્યું હતું, એ મુજબ ડીનર બાદ ડ્રોઈંગરૂમમાં ગોઠવતાં જશવંતલાલે પૂછ્યું...
‘બોલ મિલિન્દ, કેવી ચાલે છે લગ્નજીવન પછીની લાઈફ ?’
‘સાચું કહું અંકલ, પહાડ અને દૈત્ય જેવા દરિદ્રતાનો ભાર અને ભય ઉતરી જતાં જીવન સાવ સરળ અને હળવા ફૂલ જેવું લાગે છે. હવે સાવ નિશ્ચિંત છું, લાગે છે જાણે સાતમાં આસમાનમાં ઉડી રહ્યો છું. અને સૌથી ખુશીની વાત એ છે કે, દેવલ મારા ઘરના સુખ, શાંતિ, સંતોષ અને સમૃદ્ધિનું એ.પી. સેન્ટર બની ગઈ. મને ડર હતો કે જાહોજલાલીમાં આળોટતી, કરોડપતિ બાપની એકની એક દીકરી, વન રૂમ કિચનના ફ્લેટમાં કઈ રીતે તેની જાતને એડજેસ્ટ કરી શકશે તેનો મને અંદાજ નહતો.’
સ્હેજ હસતાં હસતાં જશવંતલાલ બોલ્યાં..
‘પણ.. મને હતો, કેમ કે, મેં જગને અને દેવલે જિંદગીના જે આરોહ-અવરોહ અને રંગો જોયા છે, એ તે નથી જોયાં એટલે. ભાથામાં જો અનુભવના તીર હશે ને તો કોઈપણ કપરાં કાળમાં જીવનસંગ્રામની બાજી જીતી શકશો. મારા, જગન કે દેવલના શબ્દોમાં આટલો આત્મવિશ્વાસ છલકે છે તેનું કારણ છે, અનુભવ.’
‘પેલું કે છે ને કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે..’
‘કવિ, ત્યાં પહોંચે અનુભવી..’ મિલિન્દએ વાક્ય પૂરું કરતાં બન્ને હસવાં લાગ્યાં
‘હવે તે હમણાં એમ કહ્યું કે, તું સાતમાં આસમાનમાં ઉડે છે, તો એકલા જ ઉડવાનું છે કે, બીજા કોઈને ઉડાનનો લાભ આપવાનો છે ?
મિલિન્દને મૂળ વાત તરફ લાવતાં જશવંતલાલે પૂછ્યું..
‘એટલે ... કંઈ સમજ્યો નહીં અંકલ ?’
બે ક્ષણ ચુપ રહી મિલિન્દ સામું જોઈ જશવંતલાલ બોલ્યાં..
‘ગણતરીના કલાકો નહીં પણ મીનીટોમાં તે જિંદગીના સૌથી મહત્વના નિર્ણયને અંતિમ સ્વરૂપ આપી જીવનસંગીનીની પસંદગી શા માટે કરી ? અને
ચલો માની લઈએ કે, બધું જ મારા ભરોસા પર આધારિત હતું પણ, નિર્ણય લેવાનું મુખ્ય કારણ તો, સળંગ આર્થિક સંકટ સાથે જોડાયેલા અનિશ્ચિત ભવિષ્યનું હતું ને ?
પરિવારના સભ્યો માટે કંઇક કરી છૂટવાની તીવ્ર લાગણી સાથેની ભાવના. કુટુંબ માટે અડધી રાત્રે બલિદાન જેવા લીધેલા નિર્ણયનો શું ફાયદો ? જે દુનિયા તારા માતા પિતાએ ફક્ત ચોપાનીયા કે ચલચિત્રોમાં જોઈ છે, તેનો તેને સાક્ષાત્કાર કરાવ. રંગે ચંગે ધૂમધામથી મિતાલીને પરણાવવાના સૌના સપનાને આકાર આપ. બે દસકાથી જે કામ પોતાનાથી ન થઈ શક્યું એ કામ માત્ર પંદર દિવસમાં પારકી દેવલે તેના આત્મવિશ્વાસથી કરી પતાવ્યું, વાલિયા લૂંટારા જેવા ગોવિંદના ફંદ બંધ કરાવી વાલ્મિકના અવતારમાં લાવી દીધો. તો તને કોનું બંધન છે ? કોની આજ્ઞા લેવાની છે ?’
સચોટ તથ્યસભર સવાલથી જશવંતલાલે મિલિન્દને એવો સકંજામાં લીધો હતો કે, હવે તેની પાસે દલીલ કરવા માટે કોઈ મુદ્દો નહતો એટલે ધીમેકથી બોલ્યો..
‘તમારી વાત કબૂલ પણ, અંકલ તમે પપ્પાના આદર્શવાદના આતંકથી ખુબ સારી રીતે વાકેફ છો. તેની પરવાનગી વગર હું શું કરી શકું ? તમારી મારા પરિવાર પ્રત્યેની લાગણીને હું માન આપું છું પણ, પાપા તેના સદીઓ જુના સિદ્ધાંતોમાં એક સેન્ટીમીટર જેટલુ સમાધાન નહીં કરે. તેનું શું ? ’
જાતે લખેલી અને ગોખેલી સ્ક્રિપ્ટ કંઠસ્થ હોય તો પણ, ફટાકથી ન બોલાય..ઓવર એક્ટિંગનો ખ્યાલ આવી જાય એવી જશવંતલાલને ખબર હતી. એટલે માથું ખંજવાળતા બોલ્યાં..
‘દીકરા... આ સંવાદ સાથે આ સવાલ આવશે જ. એટલે અગાઉથી જ ખંજવાળ ઉપડે એ પહેલાં મેં ટાલિયાના હાથમાંથી કાંસકો ઝુંટવી લીધો છે.’
પોબારા પાસા ફેંકતા જશવંતલાલ બોલ્યાં..
‘મતલબ.. ?’ અચરજ સાથે મિલિન્દે પૂછ્યું.
‘હવે... જે વાત કહું એ આપણા બન્ને વચાળે રહે તો સમજી લે તારો બેડો પાર.’
આજ પછી કનકરાય તને કોઈપણ બાબતે ક્યાં, કેમ ? કોણ ? ક્યારે ? કોને ? કેટલું ? આ શબ્દપ્રયોગ નહીં કરે તેની ખાતરી હું તને આપું છું. અને બીજી એક ખાનગી વાત કહું... તારા અને દેવલના લગ્નથી ખુશ થઇ અને કનકરાયએ મને કાનમાં કહ્યું કે, જો મિલિન્દ, માધવાણી પરિવારની સપૂર્ણ જવાબદારી તેના શિરે લઇ લેતો હોય તો મને કોઈ આપતિ નથી. મારા તરફથી તેને સંપૂર્ણ આઝાદી છે, પણ આ વાત હું મિલિન્દને નહીં કહું તું કહેજે, અને એટલે તેઓ આજે અહીં આવ્યા હતાં.’
‘શું વાત કરો છો અંકલ, ? પપ્પા...? રાહુલ ગાંધી પાકિસ્તાનનો પ્રધાનમંત્રી બને તો એ વાત હું માની લઉં પણ, પપ્પા શરણાગતિ સ્વીકારી તેના સલ્તનતની બાગડોર કોઈને સોપે એ વાત મારા ગળે ઉતરતી નથી.’
હસતાં હસતાં મિલિન્દ બોલ્યો.
‘દીકરા, રાજા ઘરડો થયો, સાલિયાણા બંધ થયાં, તિજોરી સાફ ગઈ. હવે તેને ખ્યાલ આવી ગયો કે, જો મારા સિપાહીઓ બગાવત કરશે તો, બાકીની જિંદગી નજરકેદમાં કાઢવી પડશે એટલે બંધ બારણે સંધિ કરવામાં મજા છે સમજ્યો ? અને અંતે તો બાપનું દિલ પીગળે તો ખરા ને ? આટલું બોલ્યાં પછી જશવંતલાલ મનોમન બોલ્યાં
‘રૂપિયાની ગરમીથી’
‘અને તને ખાતરી કરવી હોય તો, હમણાં કરાવી દઉં.. એક મિનીટ..’
એમ કહી મોબાઈલનું સ્પીકર ઓન કરી કોલ લગાવ્યો કનકરાયને....
‘બોલ જશવંત.’
‘એ હું એમ પૂછતો હતો કે, પેલી મિલિન્દની મેટર માટે જે વાત થઇ એ તારું ફાઈનલ ડીસીસન છે, કે હજુ કંઈ વિચારવાનું છે ? ‘
‘અરે.. ના ભાઈ ના... મિલિન્દ કહે અને કરે એ બધું ફાઈનલ એમાં વળી વિચારવાનું શું હોય. ? ’
‘અચ્છા ઠીક છે.’ એમ કહી મિલિન્દ સામું જોઈ હસતાં હસતાં કોલ કટ કરતાં જશવંતલાલ બોલ્યાં..
‘મિલિન્દ સરકાર... સુપ્રીમ કોર્ટે પાસે તારી તરફેણમાં ફરમાન જાહેર કરાવી દીધું.
હવે બોલો ?
અચાનક તખ્તા પલટના સુખદ આઘાતથી મિલિન્દ ચહેરાના આશ્ચર્યચકિત ચિન્હો સાથે જશવંતલાલ સામે જોઈ મનોમન હરખાતો રહ્યો.
‘પણ, અંકલ આ પરિવર્તનનો ફૂંકાયો કઈ દિશા માંથી ? મિલિન્દ બોલ્યો
‘સમય... સમય દીકરા સમય. સમય દિશા અને દશા બધું બદલી નાખે. સમય સમય બલવાન હે.. નહીં પુરુષ બલવાન.. સમથીંગ સમથીંગ...’
‘જશવંત અંકલ, હવે હું અને દેવલ સયુંકત રીતે ઉજળા ભાવિની રૂપરેખા ઘડી, માધવાણી પરિવારના ઇતિહાસમાં પપ્પાનું નામ ટોચ પર લઇ જઈશું. હવે પુરુષાર્થ અને પરિશ્રમમાં કોઈ પીછેહઠ નથી કરવી.’
એક અનન્ય આત્મવિશ્વાસ, અદમ્ય ઉત્સાહ અને ઉલ્લાસની ઉર્જાથી જોશમાં આવી ગયેલો મિલિન્દ બોલ્યો. એ જોઈ જશવંતલાલ બોલ્યાં..
‘તો... આ ટીપોઈ પર પડેલી ચાવીનો ગુચ્છો ઉઠાવ અને ચાલ મારી સાથે.’
એક પણ શબ્દ બોલ્યાં વગર મિલિન્દ ચાવીનો જુડો ઉપાડતા બન્ને આવ્યાં બાલ્કનીમાં.
‘આ સામે રોશનીથી ઝળહળતો જે બંગલો જોઈ રહ્યો છે એ ‘કનકરાય અમરચંદ માધવાણી’ નો છે, જેની ચાવી તારા હાથમાં છે.’ જશવંતલાલ બોલ્યાં
જશવંતલાલની બન્ને હથેળી તેની હથેળી વચ્ચે ગર્મજોશીથી દબાવી હર્ષાશ્રુ સાથે મિલિન્દ બોલ્યો...
‘અંકલ આટલું જલ્દી તો ઈશ્વર પણ નથી રીજતો.. તમે તો આજે વિધાતાને પણ ઓવરટેક કરી ગયા. હરખનો હાંફ ચડી જાય એ પહેલાં શ્વાસ તો લેવો દયો. પણ આ બધું.. ક્યારે અને કઈ રીતે ?
‘ઈશ્વરના પ્રસાદીની રેસીપી ન પુછાય. તેને તો માત્ર શ્રધ્ધાથી મમળાવાની હોય દીકરા.’ સમય આવ્યે કહીશ. હવે બોલ મારા મિત્રને મારો પાડોશી ક્યારે બનાવે છે ?
‘હમમમ.. ત્રણ દિવસ પછી.. મંગળવાર. ગણપતિની આરાધનાનો શુભ દિવસ..
સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લઈને આવી જઈએ.’
આંખોમાં જગત જીત્યાની ખુશીની ચમક સાથે મિલિન્દ બોલ્યો..
‘અચ્છા અંકલ હવે હું રજા લઉં...ઘરે જઈ સૌને આ છપ્પર ફાડ ખુશખબર આપું.’
જશવંતલાલના ચરણસ્પર્શ કરતાં મિલિન્દ બોલ્યો..
‘અને.. હવે કનક, કનડગત કરે તો મને કહેજે.’
હસતાં હસતાં જશવંતલાલ બોલ્યાં અને મિલિન્દ ઘરે જવા રવાના થયો.
સમય થયો રાત્રીના અગિયાર વાગ્યાનો..
જશવંતલાલે કોલ જોડ્યો જગનને,
‘હા, બોલ મારા વ્હાલાં..’ જગન બોલ્યો..
‘ભાઈ, તારી અરજી અને મરજી મુજબ બધું સમુંનમું પર ઉતરી ગયું છે.. દેવલ હવે મારા ઘરની સામે રહેવા આવે છે. પણ યાર.. ઘડીકમાં તે આ બંગલા પાછળ સાત કરોડનું આંધણ કરી નાખ્યું. આટલી તે શું ઉતાવળ હતી ?’
‘જશવંત... દેવલના સ્મિતનું મુલ્ય સાત કરોડ કરતાં કૈક અધિક છે. અને જે રીતે મારી દેવલને તેમણે દીકરીથી વિશેષ કરીને રાખી છે, તેનું ઋણ રૂપિયાથી ન અંકાય દોસ્ત. જિંદગીમાં તમે ઉધારીનું ઋણ ચૂકવી શકો, અહેસાનનું નહીં.’
આટલું સાંભળતા જશવંતની આંખો ભીની થઈ ગઈ.
‘સાચે દેવલ એ સમાચાર સાંભળીને ખુશ થઇ જશે.’ જશવંતલાલ બોલ્યા
એટલે હસતાં હસતાં જગન બોલ્યો...
‘તારી જાણ ખાતર કહી દઉં..... દેવલને બધી જ ખબર છે.’
-વધુ આવતાં અંકે.