પ્રકરણ-છવીસમું/૨૬
ગળા સુધી દેવલને ખાતરી હતી કે, વૃંદાનો ઉલ્લેખ થતાં મિલિન્દની ફરતે પ્રશ્નો અને પરેશાનીની પરત વીંટળાઈ જશે. મિલિન્દ જાણે કોઈ છુપા અપરાધ ભાવની લાગણીથી પીડાઈને દેવલ સાથે આંખ નહતો મિલાવી શકતો. દેવલનો આશય મિલિન્દના ભૂતકાળની ઉલટ તપાસ કરવાનો નહતો. પણ, દેવલ એવું ઇચ્છતી હતી કે, જો મિલિન્દ અજાણતાથી વિપરીત સમય સંજોગનો શિકાર થઇ કોઈ અસ્પષ્ટ અનુબંધનના બંધનમાં બંધાઈ ગયો હોય તો, ત્રિશંકુ અને શંકા સંપ્રદાય જેવા સંબધોનું ત્વરિત સ્પષ્ટિકરણ કરવામાં અસમંજસતા અને અસમર્થતા અનુભવતા મિલિન્દને કોઈ મધ્યમ માર્ગ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો તેનો પુરેપુરો હક્ક પણ છે, અને ફરજ પણ.
મિલિન્દને પ્રત્યુતર આપવામાં વિલંબ થતાં દેવલ સમજી ગઈ કે, મિલિન્દ સંવાદની પહેલ કરવામાં સંકોચ અનુભવી રહ્યો છે, એટલે વાતાવરણ હળવું કરતાં દેવલ જ બોલી..
‘અજાણતાં મારી સાથે થયેલાં વૃંદાના નિર્દોષ ટેલિફોનીક કન્વર્સેશન અને અવાજ પરથી મને તો એવું નથી લાગ્યું કે, તે કોઈ અન્ડરવર્લ્ડની શેખ હસીના કે બીહડની ફૂલનદેવીનો અવતાર હોય. તો પછી તેનું નામ સાંભળીને તમારી બોલતી કેમ બંધ થઇ ગઈ ?
બોલતા બોલતા દેવલ હસવાં લાગી.
‘અજાણતાં... પણ ક્યારે ? કઈ રીતે ? અને શું વાર્તાલાપ થયો ?
અત્યંત અધીરાઈથી મિલિન્દ બોલ્યો.
બે પળ માટે મિલિન્દ સામું જોઈ રહ્યાં પછી હળવેકથી દેવલ બોલી,
‘મિલિન્દ.. જે ઉત્કંઠાથી તમે એ વ્યક્તિના વક્તવ્ય પાછળની વાસ્તવિકતા જાણવા આટલાં આતુર છો.. તેના પરથી તમને એવું નથી લાગતું કે, હું તેનાથી અપરિચિત છું, તે ઉચિત નથી ?
‘સાચું કહું દેવલ તો હું.. એ તકની તલાશમાં જ હતો. હજૂ તો આપણે મુંબઈ આવ્યાને ચોવીસ કલાક પણ નથી થયાં... અને મારા અને વૃંદાની મિત્રતાથી સૌ પરિવાર જનો પણ પરિચિત છે. પણ તેની વિનોદવૃતિ પ્રકૃતિથી અજાણ હોવાથી કદાચ તું કોઈ ગેરસમજણનો શિકાર થઈ હોઈશ એવું મને લાગે છે.’
હસતાં હસતાં દેવલ બોલી....
‘હા..હા..હા.... ગેરસમજણ ? એ પણ મને ? વૃંદાએ તો મારું નામ સુદ્ધાં નથી પૂછ્યું. વિનોદવૃતિ હતી કે વિષાદવૃતિ એ તો તમે જયારે તેના શબ્દોનું અર્થઘટન કરશો તો ખ્યાલ આવશે કે, કોણ, કોની ગેરસમજણનો શિકાર થયું છે.’
આગળ બોલતાં દેવલે કહ્યું...
‘ગઈ કાલ મોડી રાત્રીએ તમે જયારે અગમ્ય કારણસર બેડરૂમની બહાર જતાં રહ્યાં એ પછી.....આશરે એક વાગ્યાની આસપાસ વૃંદાના સતત ચાર પ્રયત્ન પછી મને કોલ રીસીવ કરવું મુનાસીબ લાગ્યું એટલે મેં કોલ રીસીવ કર્યો... હવે એ શરતચૂકથી ચુકી ગયેલા લક્ષ્યવેધના વ્યંગબાણ જેવા વાર્તાલાપની વ્યાખ્યા મને સમજાવીને કહેશો કે, એ વિનોદવૃત્તિ હતી કે વિષાદવૃતિ. ? હવે એ તસતસતા તમાચાની માફક ચિત્તમાં ચોંટી ગયેલા મીસ ફાયરિંગ જેવા હિયરીંગથી મારા કાનમાં પેધી ગયેલી ધાકના સતત પડઘાતા પડઘા સાંભળો મિલિન્દ.’
એ પછી દેવલે ગઈકાલ રાતના વૃંદાની અંતરદાઝ શબ્દશ: મિલિન્દ ને સુણાવી...
‘અલ્યા શું..શું.. સમજે છે શું તારી જાતને ? આ કઈ પ્રકૃતિનું બિહેવિયર છે તારું ? વિશ્વની મહાસત્તાનો પ્રેસિડેન્ટ છે તું ? શેની તણી છે આટલી બધી ? આજે ચાર દિવસ થયાં એક સરખો કોલ કે, એક મેસેજ સુદ્ધાં નથી તારો. સારું છે, મિલિન્દ અત્યારે તું મારી સામે નથી.. નહીં તો આઈ સ્વેર, હું તારી હાલત ફાટેલા ઢોલ જેવી કરી નાખત. અરે યાર... લાઈફમાં કોઈ એક તો તારી પ્રાયોરીટીનો અધિકારી હોય કે નહીં ? અને આ બળાપો તારા માટે જીવ બળે તેનો છે સમજ્યો ? આટલા સમયમાં શું માંગ્યું તારી પાસે ? ચોવીસ કલાકમાં ચાહતના ચાર શબ્દોની અપેક્ષા સિવાય ?
ચાર દિવસ આંગણે આવેલાં કોઈ અબોલને વાસી બટકું રોટલાનો ટુકડો નાખીએ તો તો તેની જોડે પણ પ્રીત બંધાઈ જાય મિલિન્દ, મેં તો તને ઢુકડો રાખવા મારી જાત ધરી દીધી કોઈ ટુકડાની અપેક્ષા વગર. શું એ મારી ભૂલ ? તારી મરજી વિના તારી જાત કરતાં તને વધુ જીવું છું, આઆ...આ તેની સજા છે ? કોઈપણ સંબંધના જોડાણ કે ભંગાણમાં બન્નેની સમંતિ જોઈએ. અને...આપણા સહિયારા સુખ-દુઃખના દસ્તાવેજ માટે કોઈ મહાવીર કે મહાદેવના દસ્તખતની ખપ નથી. હવે કંઈ બોલીશ કે...મોઢામાં મોટાઈના મગનો બુકડો ભયો છે ?’
નિશબ્દતા સાથે અનંત અને ઊંડી સ્તબ્ધતાએ મિલિન્દને જકડી લીધો. એક પળ માટે મિલિન્દને વિચાર આવ્યો કે, ચાર દિવસ પહેલાં માત્ર ચાર લીટીનો આવા સંદર્ભ સંલગ્નનો સંવાદ વૃંદા સાથે સંધાયો હોત તો... તો...કદાચ... મારી જાતનું મૂલ્યાંકન પ્રેમની ‘અવેજી’ પર આધારિત હોત. અને દેવલે તો તર્પણના ત્રાજવે તેના પલડામાં કશું મુક્યું જ નથી છતાં તેનું પલડું કેમ ભારે છે ? સદીઓ જૂની મહોબ્બત અને મિલકતની પરસ્પર એકબીજા પરની સરસાઈની તુલનાનો તાગ હું ન મેળવી શક્યો હોત.
હજુ’યે મિલિન્દ દેવલના સવાલનો સચોટ આશય જાણ્યા વગર દિશાહીન થઇ મનોમંથનના રથમાં ફર્યા કરે એ પહેલાં મિલિન્દનો હાથ પકડતાં દેવલ બોલી..
‘મિલિન્દ, મારા માટે વૃંદા કોણ છે, એ નહીં મિલિન્દ કોણ છે એ મહત્વનું છે. કેમ કે, હું મિલિન્દના ભરોસે અહીં છું. બસ. સ્વજનની અરજ પહેલાં ફરજની સભાનતા સમજવી સંબંધની પહેલી શર્ત છે, એવું હું માનું છું. અને જે હક્કથી વૃંદાએ સળગતાં સવાલ પૂછ્યાં છે, તે સંભાળતા મને એવું લાગે છે કે, સચ્ચાઈનો સામનો કરી તમારે
ઉત્તરદાયિત્વની ભૂમિકા ભજવ્યે છુટકો છે. તમારી ચુપકીદી અદ્રશ્ય દાગનું નિમિત બની જશે, જે મને મંજૂર નથી. પત્ની નહીં એક મિત્ર સમજીને કહી શકો છો. બંધિયાર પ્રેમ અને પાણી બન્ને દુષિત થઇ જાય... એ તો એ તો સ્વચ્છ જળની જેમ પારદર્શક બની વ્હેતા રહે તો જ ઉત્તમ.’
વૃંદાના નામ સાથે અટકતા, ખટકતા સંબંધોના ખારાશની ભીનાશ મિલિન્દના આંખોની કોર પર આવતાં ગળગળા થવા જઈ રહેલાં સ્વરને સરખો કરવા ગળું ખંખેર્યા પછી દેવલના હાથ પર હળવા સ્પર્શ સાથે હાથ મૂકતાં મિલિન્દ બોલ્યો..
‘વૃંદા શશાંક સંઘવી...’
આટલું બોલી મિલિન્દએ મુંબઈના મલાડ સ્થિત ગુરુકુળ સંગીત વિદ્યાલયની તેની અને વૃંદાની પ્રથમ મુલાકાતથી આરંભ કરેલી દોસ્તીની દાસ્તાન છેક... વૃંદાની ઓફીસ નજીક આવેલી લાઈબ્રેરીના કમ્પાઉન્ડમાં આવેલાં ગાર્ડન પરની અંતિમ મુલાકાત દરમિયાન સંબંધોની સુક્ષ્મ બારીકાઇની પરિભાષામાંથી પસાર થઈ બન્ને અલગ અલગ અને અનિર્ણિત અંતિમની લગોલગ આવીને છુટા પડ્યા ત્યાં સુધીની દાસ્તાન સુણાવી, ભારે હૈયે પરિકલ્પના જેવી કથા પર પૂર્ણવિરામ મુક્યું એ સાથે મનોમન એક તીણી ચીસ સાથે દેવલે આંખો મીંચી દીધી.
સમંદરની ભરતી કરતાં ભૂલનો ભાર અને પસ્તાવાના પુરના ભરતીની માત્રા અધિક હતી. કુદરતે એક કાંકરે અનેકની કિસ્મતના ઠીકરા ફોડ્યા હતા. ગહન શ્વાસ ભરી દેવલ બોલી..
અકસ્માતે ઈજાગ્રસ્ત ત્વચા પર પ્લાસ્ટિક સર્જરી દ્વારા મનગમતી સુંદરતા બક્ષી શકાય. પણ અજાણતાં એ ત્વચા પર સ્પર્શ કરતાં રુજાયેલા ઘા સાથે ઘટના પણ તાજી થઇ જાય. અને આ તો તકદીરે તીવ્રાનુરાગ પર કરેલી પ્લાસ્ટિક સર્જરી છે... છતાં પણ..’
આટલું બોલી દેવલ અટકી ગઈ..
પરાકાષ્ઠાથી પાંપણ પર આવી પહોંચેલા પૂર્વાનુંબંધની હેતના અમુલ્ય અશ્રુ વ્યર્થ થઇ રેતમાં ભળી જાય એ પહેલાં તરફ ઊભા થઇ દેવલ તરફ તેનો હાથ લંબાવતા મિલિન્દ બોલ્યો..
‘ચલ.. ઘર તરફ જઈએ.’
ઘરે પહોંચતાના અંત પહેલાં દેવલ બોલી..
‘તમારી મનોસ્થિતિનું મનોમંથન કરતાં હું એવું દ્રઢ પાને માનું છું કે, ખુદની બાયોગ્રાફીમાં હસ્તાક્ષરણ ભલે અન્યનું હોય પણ અંત તો અંતરઆત્મા કહે એ જ લખાવો જોઈએ. વિસર્જનની મહત્તા જેના સમજણ બહારની છે, તે સર્જનનો આનંદ નહીં લૂંટી શકે. આપણે ત્રણેય એક એવાં ત્રિકોણના ખૂણે ઊભા છીએ કે, પરસ્પરની મર્મપીડા જાણવા છતાં એકબીજાના મરહમ બની શકીએ તેમ નથી. કારણ કે, ઘણીવાર ભય કરતાં ભયની ભીતિ વધુ ભયાવક હોય છે. કોઈ સાવ નિર્દોષ હોવા છતાં પણ અત્યાચારના ભયથી ચુપચાપ ગુનો કબૂલી લ્યે છે... બસ અત્યારે કંઇક આવું જ છે.. વૃંદા, તમારું અને મારું.’
‘સ્વની નજરમાં કોઈ દોષી નથી છતાંયે અજાણતાં ભૂલથી ભળતાં કિરદારની ભૂમિકા ભજવવાના ઉમળકાની સજા ભોગવી રહ્યાં છીએ. સોરી.. મિલિન્દ આજ પછી હું કયારેય વૃંદાના નામનો ઉલ્લેખ નહીં કરું. અને આ નિવેદન કોઇ દ્વેષભાવથી પ્રેરાઈને નહીં પણ સભાનતા પૂર્વક સહજતાથી આપી રહી છું. મને પત્ની પહેલાં મિત્રનો દરજ્જો આપશો તો વધુ આનંદ થશે.’
ધીર ગંભીર અને પીઢતાને લાજે એવા દેવલના સણસણતાં તીર જેવા સચોટ શબ્દપ્રહારથી મિલિન્દનું અસ્તિત્વ ખળભળી ઉઠ્યું. ગહન મનોમંથનના અંતે મિલિન્દને કેશવના ગુસ્સાનું ગણિત સમજાવવા માંડ્યું. અને સમય બદલાતાં, સતત સાનિધ્ય ઇચ્છતા સ્વજનથી અંતર રાખવા માટે સગવડિયા ધર્મની માફક ‘ગેરસમજણ’ નો શબ્દપ્રયોગ કરી છટકબારી શોધવી એ તો જાતને છેતરવા જેટલું આસાન છે. આવા અનેક તત્વચિંતનના અંતે મિલિન્દે મક્કમ મનોબળ સાથે મનોમન એક એવી મજબૂત ગાંઠ બાંધી લીધી કે, હવે પછી કોઈપણ સંબંધમાં ફરજ અને હક્ક પ્રત્યેની પારદર્શિતાને પ્રાથમિકતા આપશે.’
તો આ તરફ ....
ગઈકાલની દેવલના લગ્નની પ્રથમ રાત્રીએ...
‘હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’
મધ્યરાત્રીની નીરવ શાંતિમાં આટલા સ્પષ્ટ શબ્દો સાંભળ્યા પછી પણ વૃંદાને તેના કાન પર ભરોસો ન બેસતાં ફરી પૂછતાં..
‘દેવલ, શ્રીમતી દેવલ મિલિન્દ માધવાણી.’ ભીંતે ધરબાયેલા ખીલ્લા જેવો સજ્જડ પણ સજ્જનતાથી સંભળાયેલા ઠોસ પ્રત્યુતર પછી વૃંદાને ચક્કર આવતાં રીતસર સોફા પરથી ફર્શ પર ફસડાઈ પડી હતી... ખુબ મોડી રાત્રે ભાનમાં આવતાં મહત્તમ એરકંડિશન્ડ તાપમાનમાં પણ પરસેવે રેબઝેબ વૃંદાનું ગળું એટલી તીવ્ર માત્રામાં સુકાઈ ગયું હતું જાણે કોઈ જવલનશીલ પીણું ગળાની અધ્ધવચ્ચે અટકી ગયું હોય.
માંડ માંડ ઊભા થઇ ટીપોઈ પર પડેલો પાણીથી છલોછલ ભરેલો કાચનો જગ રીતસર મોઢાં પર ઢોળી દીધો.
અનિયંત્રિત ધબકારાથી છાતી ધમણની માફક ધબકતી હતી. ગળા ફરતે એવી ભયંકર ભીંસ અનુભવાતી હતી જાણે કોઈ ગળા ટુંપો આપી શરીરને જમીનથી અધ્ધર લટકાવી રહ્યું હોય.
માંડ માંડ ઊભા થઇ બેડ પાસેના ટેબલના ડ્રોઅરમાંથી બે-ચાર સ્લીપિંગ પિલ્સનો બુકડો ભરીને ગળી ગ્યા પછી બેડ પર ઉંધી ફસડાઈ પડી.
સવારના રોજિંદા સમય મુજબ વૃંદા બેડરૂમની બહાર ન આવતાં જયારે તેમના મમ્મી વિદ્યાએ ઢંઢોળીને ઉઠાડી ત્યારે વૃંદાની તંદ્રા તૂટતા માંડ માંડ તેની આંખો ઉઘડી.
અડધો એક કલાક શાવર લીધા બાદ પણ સખ્ત માથાના દુઃખાવા સાથે પૂરું બદન તૂટતું હતું. એ પછી ત્રીસેક મિનીટ આંખો મીંચી સોફા પર પડી રહ્યાં બાદ હિંમત એકઠી કરી કોલ લગાવ્યો કેશવને. જે વાર્તાલાપ કેશવે મિલિન્દને સંભળાવ્યો હતો.
એ પછી જાતને સંભાળી સ્હેજ સ્વસ્થ થઇ તબિયતનું બહાનું આપી બે દિવસ જોબ પર નહીં આવી શકે એવી ટૂંકી વાત ચિત્રા સાથે કરી પણ કર્યા પછી ફરી ચિત્ત ચડ્યું ચકરાવે.
‘મિલિન્દે લગ્ન કર્યા.’ ધ્રાસકા સાથે લાગેલો આ વાતનો ધક્કો વૃંદા માટે ધરતીકંપના આંચકા જેવો આઘાત સમાન હતો. અને કેશવને પણ જાણ સુદ્ધાં નથી ? પછી મનોમન હસતાં બોલી.. ‘આમાં ખોટું શું છે ? જ્યાં માણસનું મન જ બદલાઈ જાય એથી મોટું તો કશું ખોટું હોઈ જ ન શકે ને ? મનના પીંજરા ન હોય. પણ જ્યાં સુધી
ખુદથી વધુ મિલિન્દ પર ભરોસો હતો એ વાતની તટસ્થતા અને મક્કમતા પર જોર મૂકતાં વૃંદાને એવો ભાસ થયો કે, આ ષડ્યંત્ર જેવી લાગતી ઘટના માનવસર્જિત નહીં પણ કિસ્મતના કોઈ ભેદી કરામાતની સંજ્ઞાનો સંકેત આપી રહી છે. ગઈકાલ સુધી ખુદને શશાંક સંઘવીની સત્તા, સંપતિ અને તેના સાવ નિર્દોષ સ્નેહના જોરે રોમાન્સના રાજા મિલિન્દના મહોબ્બતની મહારાણી સમજી સાતમાં આસમાને વિહરતી વૃંદા આજે ઝાકળબિંદુની માત્રા જેટલાં પ્રેમના બે બોલ માટે ખુદને ભિક્ષુકની કતારમાં જોઈ દ્રવી ઉઠતાં રડી પડી. અંતે વૃંદાને એટલી ખાતરી થઇ ગઈ કે, સપૂર્ણ સત્યથી અવગત થયાં પછી પણ હવે તે મિલિન્દનો સામનો નહીં જ કરી શકે.
મિલિન્દના અકલ્પનીય આઘાતના ત્રીજા દિવસે જયારે વૃંદાએ ઓફીસ જોઈન કરી તે આખા દિવસ દરમિયાન તેને અપસેટ જોઈ ચિત્રા એ બે થી વખત કારણ પૂછતાં ઔપચારિક જવાબ આપી વાતને ટાળતી રહી, પણ જયારે દિવસના અંતે વર્કિંગ અવર્સ પછી ઓફિસમાં ચિત્રા અને વૃંદા સિવાય કોઈ જ નહતું, અને ચિત્રા તેની ચેમ્બરમાં કોમ્પ્યુટર સીસ્ટમ પર નવા પ્રોજેક્ટના કામમાં અતિ મશગુલ હતી, ત્યાં વૃંદા ચેમ્બરમાં દાખલ થઇ, ચિત્રાની બાજુની ચેરમાં જે રીતે ફસડાઈને બેસી એ જોતાં આશ્ચર્ય સાથે ચિત્રા હજુ કંઈ પૂછે એ પહેલાં તો..છેલ્લાં ત્રણ દિવસથી પરાણે પાંપણની પાળે બાંધી રાખેલો રુદન બાંધ તૂટી પડતાં ચિત્રાને ભેટી ધ્રુસકે ધૂસકે રડતાં જોઈ ચિત્રા ડઘાઈ ગઈ.
જે રીતે કલ્પાંત કરી વૃંદા રડી રહી હતી તે જોતાં ચિત્રાએ અંદાજ લાગવ્યો કે, જરૂર કંઈ અનર્થ થયું છે. ચિત્રાએ વૃંદાને બાથ ભીડી રડવા દીધી. વૃંદાની પીઠ અને માથા પર હાથ ફેરવી માથું ચૂમતા ખુદ પણ રડતાં રડતાં સાંત્વના આપતાં બોલી.
‘પ્લીઝ.. વૃંદા પ્લીઝ...કન્ટ્રોલ યોર સેલ્ફ પ્લીઝ...’
છતાં’યે પાંચ થી સાત મિનીટ સતત વૃંદા રડ્યા કરી... એ પછી પાણી પીવડાવી માંડ માંડ વૃંદાને શાંત પાડી...
ત્યાં સુધીમાં વૃંદાની મનોસ્થિતિના મધ્યબિંદુનો તાગ મેળવતાં ચિત્રાના ચિત્તમાં નિમિત નામના ચિત્રમાં ધૂંધળો ચહેરો દેખાયો મિલિન્દનો.
સંવાદની શરૂઆત માટે વૃંદા પહેલ કરે એવું ચિત્રા ઇચ્છતી હતી.. લાલચોળ અને છલકાતી આંખે વૃંદા ચિત્રા સામું જોઈ ડૂસકું ભરી....બોલી
‘ચિત્રા..... મિલિન્દે....’
માત્ર આટલું બોલી દુપટ્ટો તેના મોં પર દાબી દીધો.
કલ્પનાના કેન્દ્રબિંદુમાં મિલિન્દ જ નીકળ્યો.. એ અનુમાન સાચું ઠરતા હવે એવું શું થયું હશે કે, જેના કારણે વૃંદા અકલ્પિત શોક કરી રહી છે, તે જાણવા અધીર ચિત્રા બોલી..
‘મિલિન્દે... શું વૃંદા ?
બે પળ પછી વૃંદા બોલી...
‘મિલિન્દે......... લગ્ન કરી લીધા ચિત્રા.’
‘ઓહ્હ માય ગોડ...’
ફાટેલા ડોળા સાથે તેના બન્ને હાથની હથેળી તેના માથા પર મૂકતાં ચિત્રા ઊંડા નિરાસાના ઉદ્દગાર સાથે ખુદ પણ ચેર પર સરી પડી.
કોણ, કોને સહારો આપે ? એવી સ્થિતિ ઉદ્દભવી.
હવે ચિત્રા વૃંદાના અંતર્દાહનો અંદાજ લાગવવા માટે અસમર્થ હતી. ચિત્રાને પણ છુપા તીક્ષ્ણ પ્રહારની કળ વળતા સ્હેજ વાર લાગી.
વેદનાનો વ્યાસ એટલો વિશાળ હતો કે, કેમ, કઈ રીતે, અને કયારે, ખરેખર આવી કોઈ ઘટના ઘટી હશે કે કેમ, તેનો ક્યાસ કાઢવો જ કઠીન હતું.
થોડીવાર માટે ચિત્રાને પણ ચુપકીદીનો સહારો લેવો મુનાસીબ લાગ્યું.
અંતે ચુપકીદી તોડતાં વૃંદા જ બોલી..
‘ટચલી આંગળી જેટલી તરસ છીપાવવા હાથવગા જીવથી જતન કરી રાખેલાં ઝાકળબિંદુ પણ અંતે આર્ટીફીશીયલ નીકળ્યા, ચિત્રા.’
દાવાનળ જેવી દાસ્તાનને લાગણીને હાંસિયામાં રાખી વાસ્તવિકતાની પૃષ્ઠભૂમિ પર લાવતાં ચિત્ર બોલી..
‘વૃંદા.. છેલ્લે તું, હું અને કેશવ સાથે મળ્યાં તે કન્વર્સેશનના સંવાદ યાદ છે ?
કેશવે કહ્યું હતું કે,
‘અગન સાથે રમત કરવાના મમત જેવો માહોલ છે.’
અને મેં તને પૂછ્યું હતું કે,.. ‘વૃંદા, આ સ્ટેટમેન્ટ તું સભાનપણે આપી રહી છે ?’
અને કેશવનો સંવાદ હતો... ‘મને મિલિન્દના પ્રકૃતિની ભીતિ છે.’
અને તું હર્ટ થઇ, એ પછી રડતાં રડતાં તે પૂછ્યું ..
‘મારી શું ભૂલ.. શું તમે મારી ખુશીથી ખુશ નથી ???’’
એ પછી મારો કડવા ઘૂંટ જેવો શું જવાબ હતો યાદ છે...તને ? કદાચ યાદ ન હોય તો રીપીટ કરી દઉં..
‘આઆ....આ ભાવનાવૃતિના દર્શન છે કે, ભિક્ષાવૃતિનું પ્રદર્શન ? લાગણીની લાલસા કે પછી કે, લાચારી ? ખોટું કશું નથી પણ, મને એટલી ખબર પડે કે, પ્રીત પરાણે ન થાય વૃંદા. તું દૌલતની દીવાલ ચણીને મહોબ્બતનો મકબરો બાંધી રહી છે. સ્નેહ કે સંવેદના તો સહજ જ હોવી જોઈએ. મિલિન્દના સ્વાભિમાન સામે તારું સમર્પણ વામણું પડે છે વૃંદા. અનુબંધ માટે આત્મગૌરવ ગીરવે મૂકીશ ? અને હું એવું માનું છું કે, જે સંબંધની શરુઆત જ સમાધાનના પાયેથી થાય તેને સંબંધ નહી બંધન કહેવાય સમજી.’
ફરી મૌનનું માળખું રચાય એ પહેલાં ચિત્રાએ પૂછ્યું,
‘પણ.. આ બન્યું કઈ રીતે ? તને ક્યારે જાણ થઈ ?
બે પળ ચુપ રહ્યાં પછી ત્રુટક ત્રુટક અવાજમાં વૃંદાએ આઘાતની વીતકકથા સંભાળવવાનું શરુ કર્યું...અંતે..તેનો ચહેરો બન્ને હથેળી પર મૂકી અફાટ રુદનને ડામવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.. ત્યારે ચેર પરથી ઊભાં થઇ ચિત્રા વૃંદાને ભેટી પડી.
વૃંદાનો મુદ્દો એટલો સંગીન ,ગંભીર અને ગૂંચવાયેલો હતો કે, વૃંદાના મનમાં પડેલી મડાગાંઠની ગૂંચ ઉકેલવા કઈ તરફનો છેડો ઝાલવો એ ચિત્રાની કોઠાસૂઝ માટે અભિમન્યુનો કોઠો પાર કરવાથી’યે કપરું કામ હતું.
નરી પારદર્શક કાચ જેવી દેખાતી વાસ્તવિકતાના સહજ સ્વીકાર માટે હાલ વૃંદાની મનોસ્થિતિ અસમર્થ હતી. છતાં વૃંદાનું મન કળવા ચિત્રાએ તેના માથા પર હાથ પસરાવતાં પૂછ્યું..
‘પ્લીઝ... ટેલ મી ટ્રુથ, નાઉ... વ્હોટ નેક્સ્ટ ?’
નીતરતી આંખે ચિત્રા સામું જોઈ વૃંદા બોલી..
‘આઈ ડોન્ટ નો... હાઉ આઈ કેન હેન્ડલ માય સેલ્ફ. જિંદગીમાં પહેલીવાર મનગમતી ઈચ્છાનું કુંપણ ફૂટ્યું’તું... હજુ કોમળ પર્ણ પાંગરી પમરાટની મુગ્ધતા માપે એ પહેલાં જ કુદરતે પ્રારબ્ધમાં તેજાબી પાનખર લખી નાખી. આઆ....આ ગર્ભપાત જેવી પાનખરથી પરાણે પીળા પડેલા પર્ણની પીડાના શમન માટે એક અરસો જોઈશે... ચિત્રા..... એક અરસો જોઈશે..’
વિરુધ્ધ દિશામાં ફંટાયેલા વૃંદાના વિચાર વંટોળને વાસ્તવિકતા તરફ વાળવાની કોશિષ કરતાં ચિત્રા બોલી..
‘પણ, તું એકવાર મિલિન્દને મળી તો લે....અથવા વાત કરી લે તો ઘૂંટાતું રહસ્ય અને ગુંગણામણ બન્ને ઓછી થઇ જાય. કદાચ ગેર સમજણની ગાંઠ છૂટ્યા પછી નવી આકરી લાગતી જિંદગી જીવવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય.’
માર્મિક હાસ્ય સાથે ચિત્રા સામું જોઈ વૃંદા બોલી..
‘હવે....હવે તેણે મળવા કે વાત કરવાની વાત તો દૂર તેનું નામ લેવાની પણ હિંમત નથી. ચિત્રા.. વિશ્વ નિષ્ણાંત તબીબ નિષ્પ્રાણ દેહનું પોસ્ટમોર્ટમ કરે તો પણ સચોટ સબબ જાણી શકે, પણ શબમાં જીવ ન રેડી શકે. જીવથી વધુ જતન કરી એ પ્રીતનું હું પોસ્ટમોર્ટમ કરાવું ? ચિત્રા... વર્તમાનમાં થાય એ વાત... ભૂતકાળ અને ભવિષ્ય માટે કરો એ વાર્તા. મારે વાર્તા નથી સાભળાવી. ભિક્ષાપાત્ર અને અક્ષયપાત્રનો ભેદ મને સમજાઈ ગયો છે. મારા હિસ્સાનો કિસ્સો.. અજીબ હતો..અને છે, અને અતીતથી વધુ અજીજ રહેશે. સોરી.. ચિત્રા હું થોડા દિવસ માટે જોબ પર નહીં આવી શકું. આઈ વોન્ટ ટુ લીવ ટોટલી એલોન ફોર ફ્યુ ડેય્ઝ.’
એક ઊંડા નિસાસા સાથે ચિત્રા બોલી..
‘વ્હાય યુ કાન્ટ બી પ્રેક્ટીકલ વૃંદા ? તારી સામે આટલી સરસ કારકિર્દી પડી છે, ગૂડ વર્કિંગ એક્ષ્પીરીયંસ, વેલનોન ફેમીલી બેક ગ્રાઉન્ડ, વ્હાય યુ સ્પોઈલ યોર લાઈફ ?
‘ચિત્રા, ચાલતાં ચાલતાં પગમાં સામાન્ય ઠેસ લાગે તો પણ કળ વળતાં બે પાંચ પળનો સમય લાગે, અહીં તો સમગ્ર અસ્તિત્વ હતું નહતું થઇ ગયું છે. સમય તો લાગશે ને ? આમ પણ લગાવના ઘાવ રુજાતા સમય લાગે. તારા, કેશવ અને પપ્પાના ઠોસ દલીલ સાથેના મંતવ્યની ઉપરવટ જઈ, પરાણે પ્રીત પામવાના અભરખા પુરા કરવાના નાદાનીની સજા ભોગવવી તો પડશે ને ?’
સોરી.. મારા નોનસેન્સ ડાયલોગ્સ અને થર્ડ ક્લાસ મેલોડ્રામા માટે. અચ્છા ચલ હવે હું જાઉં છું.’
‘વૃંદા, કોઈ એવી વ્યવસ્થાના પ્રભાવ ન રહેતી કે, એ અવસ્થાનો અભાવ તારા અસ્તિત્વને મિટાવી દે.’ ચિત્રા બોલી..
‘કાશ.. ફરી ભાગ્યચક્ર ઉલટી દિશામાં ફરી કોઈ ચમત્કાર સર્જે તો જ શક્ય છે.’
આટલું બોલી દડદડ આંસુ સારતી વૃંદા ઓફિસની બહાર નિકળી ગઈ.
એક ઘેરો સન્નાટો ચિત્રાને ઘેરી વળ્યો. સપૂર્ણ રીતે વૃંદાની તાસીરથી અવગત ચિત્રા તેના આવનારા સમયનું અનુમાન લગાવતાં આંખો બંધ કરી ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગઈ.
મોડી રાત્રે મનોમંથનનું અકળામણ વધતાં ચિત્રાએ કોલ લગાવ્યો... કેશવને.
અડધી રાત્રે લીધેલા મિલિન્દના નિર્ણયથી હચમચી ગયેલાં હાલતનું અવલોકન કરતાં આંખો મીંચીને પડેલા કેશવે આંખો ઉઘાડી સ્ક્રીન પર ચિત્રાનું નામ વાંચતા જ ફાડ પડી. કલ્પના બહારના કન્વર્સેશનનો અંદાજ લગાવતાં કોલ રીસીવ કરતાં જ...
ચિત્રા બોલી..
‘આઆ....આ.. આ હું શું સાંભળી રહી છું કેશવભાઈ ? આઆ....આ શું થઈ ગયું ?’
સંશય હતો એ જ સવાલ સૌ પ્રથમ આવ્યો..કેશવ નિરુત્તર રહ્યો, કેમ કે, ખુદ કેશવ પણ આ સવાલના ષટ્કોણમાં સપડાયો હતો.
‘હેલ્લો... કેશવભાઈ... મારો અવાજ સાંભળી રહ્યાં છો ? ફરી ચિત્રા અધીરાઈથી બોલી
‘જી.. જી.. ચિત્રાબેન.. સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે પણ.. સિચ્યુએશન જ સમજણ બહારની છે તો... હું શું જવાબ આપું ?’
‘પણ, કેશવ ભાઈ તમને કંઈ અંદાજ આવે છે ? આઆ...આ માસૂમ છોકરીની લાઈફ બરબાદ થઇ જશે.. એ શું કરી બેસશે તેના વિચાર માત્રથી જ કંપારી સાથે પરસેવો છૂટી જાય છે.’ આશિક આક્રોશ સાથે ચિત્રા બોલી.
ચિત્રાના બે વાક્યથી કેશવ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલી લાચારી અને લજ્જાની હીન લાગણીથી પીડાઈ રહ્યો હતો. થોડીવાર માટે તો કેશવને એમ થયું કે, જાતને બે થપ્પડ ઠોકી દઉં.
‘ચિત્રાબેન.... આજે ત્રણ દિવસ થયાં છતાં આ સુખદ કહું કે દુઃખદ એવા આઘાતના આંચકાની અસરમાંથી હું બહાર નથી આવી શક્યો. તકદીરે એવું ચક્કર ફેરવ્યું કે હજુ તમ્મર આવે છે. સૌ સ્તબ્ધ છે પણ, સૌના આશ્ચર્યચિન્હ સાથેના ઉદ્દગારના સંજ્ઞાની વ્યાખ્યા જુદી જુદી છે.
‘પણ.. કેશવભાઈ જે વ્યક્તિ પર જાત કરતાં વધુ ભરોસો હોય તેના વાણી, વિચાર કે વ્યહવારમાં તળ અને ટોચ જેટલો તફાવત આવે ? એક પળ માટે પણ મિલિન્દને વૃંદાનો વિચાર સુદ્ધાં નહીં આવ્યો હોય ? તેના અંતરાત્માએ દિલના દરવાજે દસ્તક આપી દખલગીરી નહીં કરી હોય ? અને મિલિન્દ આટલો નિર્દય અને નાદાન તો નથી જ. તો પછી આ દુર્ઘટના ઘટી કઈ રીતે ? કોઈ ષડ્યંત્ર કે પછી વૃંદાનો કોઈ અજાત શત્રુ ?’
ઉકળાટ ઠાલવતાં ચિત્રા બોલી.
‘ના..ના..ના એવું કશું જ નથી.’
આટલું કહી મિલિન્દે ક્યા સંજોગોમાં. ક્યાં. કેમ, કઈ રીતે, કોની જોડે મેરેજ કર્યા તે ઘટનાક્રમનો ચિતાર ટૂંકમાં કહી સંભળાવ્યા પછી કેશવ આગળ બોલ્યો...
‘આપણે પરમેશ્વરે પાથરેલી જાળના સૌ શિકાર બન્યાં છીએ. હવે જે બનવાકાળ હતું એ થઇ ને રહ્યું. ભૂતકાળ તો ભગવાન પણ ભૂંસી શકે તેમ નથી. સૌ એ સ્વની સમજણ મુજબ ઈશ્વરીય સંકેતનો મર્મ સમજી જાતે જ મરહમ લાગવવાનો છે. સમય સાથે સંયમ પણ જરૂરી છે.’
‘પણ, કેશવભાઈ વૃંદામાં વ્યહવારુપણાની ઉણપ છે. પ્રેક્ટીકલ પ્રેમી બની શકે પણ પ્રેમી પ્રેક્ટીકલ નથી બની શકતા. આ આઘાત-પ્રત્યાઘાતના પડઘા શમીને ડૂબી જાય એ દશા માટે મને કોઈ દિશાએ પશ્ચિમ નજરે નથી પડતો.’
નિસાસો નાખતાં ચિત્રાએ તેનું વાક્ય પૂરું કર્યું.
‘હું સમય કાઢીને એકાદ દિવસ બાદ તમને મળું છું.. પછી કોઈ ઉકેલ માટે નિરાંતે ચર્ચા કરીએ.’ અંતહીન મુદ્દાનો અંત લાવવા કેશવ બોલ્યો.
‘જી ઠીક છે.’ કહી ચિત્રાએ કોલ કટ કર્યો..
આશરે રાત્રીના સાડા બાર વાગ્યાનો સમય થયો હશે.. વૃંદા કોફી ભરેલો મગ લઇ બાલ્કનીમાં ઝૂલા પર ગુમસૂમ બેઠી હતી. ભૂરું આકાશ, પૂર્ણિમાની ચકાચોંધ રોશનીથી ઝળહળતું હતું પણ, વૃંદાના ગમતીલા ગગનમાં અનાયસે ઉતરી આવેલાં અમાવસ્યાના અનંત અંધકારે વૃંદાના રોમેરોમમાં કાળાશની કાજળ આંજી દીધી હતી.
શીતળ ચાંદની અને ભીતરના ભારેલાઅગ્નિ વચ્ચે કોફી તેનું ઉષ્ણતામાન અને સ્વાદ બંને ગુમાવી ચુક્યા હતા. કયાંય સુધી પોતીકા તારાની શોધમાં તારામંડળની ભૂલભૂલામણીમાં ભૂલી પડી ગયેલી વૃંદાની આંખો ભરાઈ આવતાં ખારા અશ્રુબિંદુ સાથે ઠંડી અને બે-સ્વાદ કોફીના ઘૂંટડા ભરી ખરી ગયેલા તારાના શોકમાં મનોમન પરાણે હસવાનો પ્રયાસ કરતાં ગણગણવા લાગી...
‘બના કે કયું બિગાડા રે... બિગાડા રે નાસીબા... ઉપરવાલે.... ઉપર..’
ત્યાં જ તેના પિતા શશાંક સંઘવીનો કોલ આવ્યો...
-વધુ આવતાં અંકે.