પ્રકરણ- પચ્ચ્ચીસમું/૨૫
હસતાં હસતાં મિતાલી બોલી એટલે મિલિન્દ સમજી ગયો કે, જશવંત અંકલે આસાનીથી ખેલ પાડી દીધો છે. મિલિન્દના ચહેરા પરનું સ્મિત જોઈ દેવલે પૂછ્યું
‘શું થયું ?’
‘ખબર યે હૈ કિ, આગે કા રસ્તા સાફ ઔર હવામાન ખુશનુમા હૈ.. હમારી યાત્રા શુભ રહેગી.’ હસતાં હસતાં આગળ બોલ્યો..
‘લાગે છે પપ્પા માની ગયા છે.. ચલ આપણે જઈએ.’
કારમાંથી ઉતરતાં દેવલ બોલી
‘થેંક ગોડ....લાઈફમાં ગમે તેવી સુખ- સમૃદ્ધિ હોય પણ મા-બાપના આશીર્વાદ વિના બધું અધૂરું છે. અચ્છા ચલો. મને પણ તેમને મળવાની ખુબ ઉત્સુકતા છે.’
મિતાલી બેઠકરૂમની બહાર ઓસરીમાં આવી કાગડોળે ઉત્કંઠાથી મિલિન્દને જોવા અધીરી થઇ ગઈ.
‘અરે..તું ત્યાં ઊભી શું કરે છે.. ઝટ એક થાળીમાં કંકુ-ચોખા મૂકી દીવો પ્રગટાવ.’
આનંદાતિરેકથી હરખની હેલીમાં ઘાંઘા થઈ કિચન તરફ દોડતાં વાસંતીબેન બોલ્યાં.
‘હું ભૂલતો ન હોઉં તો તે જે જગન રાણાની વાત કરી એ ધારાસભ્ય છે એ જ ને ?
ખુરશીમાંથી ઊભા થતાં કનકરાયે જશવંતને પૂછ્યું
‘બિનહરીફ ધારસભ્ય. તેનું વ્યક્તિત્વ જ બિનહરીફ છે યાર, લાખો નહીં કરોડોમાં કોઈ આવો પરદુઃખભંજનનો ભેખ લઈને અવતરે.’ જશવંતલાલે જવાબ આપ્યો.
રજીસ્ટર મેરેજ પહેલાં ખરીદેલા નવદંપતીના વસ્ત્ર પરિધાનમાં મિલિન્દ અને દેવલ આવી પહોંચ્યા ઘરના બારણે.
‘એએ....એક મિનીટ દીકરા બન્ને ત્યાં જ ઉંબરા બહાર જ ઊભા રહેજો.’
કંકુ અક્ષત સાથે થાળીમાં મૂકલી દિવ્યજ્યોત લઇ વાસંતીબેન બારણાં નજીક આવતાં કશુક બોલવાં જતાં અટકી ગયાં...
જીવથી વ્હાલાં દીકરા અને વહુને જોઈ માતૃત્વની સંવેદના શબ્દસ્થ થાય એ પહેલાં સજળનેત્રોથી સ્નેહ સરવાણી ફૂટી નીકળી. ભાવોભાવથી ભરપુર ભીંજાયેલા વાસંતીબેનની પાછળ ફરતે ઊભા રહી ગયેલા કનકરાય, જશવંતલાલ અને ઊર્મિના ઉમળકાથી ગદ્દગદ્દિત થયેલી મિતાલી ટગર ટગર મિલિન્દ અને દેવલ સામું બસ જોયાં જ કરી.
‘એ હવે હોંશે હોંશે પુત્રવધુને પોંખી, તેના પાવન પગલાં પાડી પધરામણી કરવો વાસંતીબેન.’ જશવંતલાલ બોલ્યાં
પારકી હોવા છતાં પળમાં પોતીકાથી વિશેષ પ્રેમભાવના પ્રભાવમાં આવતાં દેવલ પણ ભાવવિભોર થઈ ગઈ.
સંનિષ્ઠ સહજ સહાનુભાવ અને શુભેચ્છા સાથે મિલિન્દ અને દેવલે ગૃહ પ્રવેશ કર્યો.
મિલિન્દ અને દેવલને ગળે વળગી વાસંતીબેન ગળગાળા થઇ ગયાં.બન્ને વડીલોના ચરણસ્પર્શ કરી આશીર્વાદના અધિકારી બન્યાં.
આંનદ,ઉલ્હાસ, મજાક મસ્તીના અડધો એક કલાકના દૌર પછી કેશવ આવ્યો..
કેશવને જોઈ મિલિન્દ તેના ગળે વળગતા બોલ્યો...
‘આવ્યો.. આવ્યો.. મારી ખુશીના ખજાનાનો ભાગીદાર આવ્યો.’
દેવલ સાથે પરિચય કરાવ્યા પછી ટૂંકમાં બધી વાત કરી. પણ મિલિન્દે નોંધ લીધી કે, કેશવના ચહેરા પર ખુશી કરતાં રંજની રેખા વધુ દેખાતી હતી.
થોડીવાર પછી જશવંતલાલ રવાના થયાં અને મિલિન્દને ફુરસત મળતાં ઘરે આવવાનું કહી રવાના થયાં.
એટલે કેશવે ઈશારાથી મિલિન્દને બહાર આવવાનું કહ્યું, અને મિલિન્દ પણ એ જ ઈચ્છતો હતો.
‘લંચ ટાઈમ સુધીમાં આવી જઈશ.’ એવું દેવલને કહી બન્ને નીકળી ગયાં.
કેશવની ટેક્ષી નજીક પહોંચતા સુધીમાં મિલિન્દ તેના બદલાયેલા કિસ્મતની કરવટના તરવરાટથી ઉમટેલા અનેરા ઉન્માદ અને ઉમળકાને ગઈકાલથી બાંધી રાખેલા સંયમની સાંકળમાંથી આઝાદ કરી રોમાંચિત થઇ તેનો રોમાંચ કેશવ સાથે શેર કરતાં મિલિન્દનો ચહેરો ખુશી સાથે ગુલાબી થઇ ગયો.
બન્ને કારમાં ગોઠવાયાં ત્યાં સુધી કેશવે કંઇપણ પ્રતિકાર ન આપતાં મિલિન્દે પૂછ્યું..
‘શું થયું છે કેશવ ? આવ્યો ત્યારનો કેમ મૂડલેસ છે ? એની પ્રોબ્લેમ ? કે પછી આટલી મોટી વાત મેં તારાથી છુપાવી તેનો ગુસ્સો છે ?
‘કહું છું.’ માત્ર આટલું બોલી ચુપચાપ કેશવે ધીમી ગતિએ કાર હંકારી સ્ટેશન તરફ....
સ્ટેશન નજીક આવતાં મિલિન્દને પરિસ્થિતિની ગંભીરતા સમજાય જતાં બોલ્યો..
‘હું સમજુ છું યાર, મારી ભૂલ થઇ ગઈ. મારે તને જાણ કરવી જોઈતી હતી.. આટલો મોટો ઇસ્યુ અને......’
હજુ મિલિન્દ આગળ બોલે તે પહેલાં પાર્કિંગ ઝોનમાં કાર એન્ટર કરતાં સડન્લી બ્રેક માર્યા પછી, છેલ્લાં એક કલાકથી ધૂંધવાયેલો કેશવ રીતસર ઉંચા અવાજે બરાડ્યો...
‘અરે યાર........હજુ તને મોટા ઇસ્યુની ખબર જ નથી.’
કેશવની વર્તણુક અને વાણીમાં આવેલાં અકલ્પનીય વણાંકથી અચંબિત થતાં પળમાં મિલિન્દની પરમ પ્રસન્નતાના તરવરાટનો પારો તળેટીની સપાટી પર આવી ગયો.
ડઘાઈ ગયેલાં મિલિન્દે પૂછ્યું.
‘અરે.. કેશવ શું થયું ? કેમ આટલો ગુસ્સે છે ? મારી કોઈ ભૂલ થઇ ? ‘
કેશવના ચહેરા પરનો આંશિક ક્રોધાવેશ અને આંખોના સાફ દેખાઈ આવતી કોઈ અણગમતી ધૃણાનો તરજુમો કરવામાં મિલિન્દ નિષ્ફળ રહ્યો. ગમે તેવી પરાજિત બાજીને પળમાં જીતમાં તબદીલ કરનારા કેશવનું આટલુ વ્યાકુળ, વ્યથિત અને વિફરેલુ સ્વરૂપ મિલિન્દ પ્રથમ વાર જોઈ રહ્યો હતો.
કેશવની છાતીના તેજ ધબકારા અને ઊંડા અને ઊના શ્વાસ એ વાતનો સંકેત આપતાં હતા કે તેના દિમાગમાં કેવો દાવાનળ ખળભળતો હશે. ?
કેશવનો હાથ પકડતાં મિલિન્દ બોલ્યો..
‘એ દોસ્ત.. આજે પહેલીવાર તારી આંખોથી હું નિરાસા નીતરતી જોઉં છું. મારાથી કોઈ એવી ભૂલ થઇ છે, જે માફીને લાયક નથી ? ’
‘આઆ....આ શું કર્યું મિલિન્દ....આ કર્યું શું તે ? મિલિન્દ.. ઉતાવળમાં તે એવી ભૂલ કરી નાખી કે જેનું પ્ર્યાશ્ચિત કરતાં કરતાં ઝીંદગી ભૂંસાઈ જશે પણ, ભૂલ નહીં ભૂલાઈ કે, ભૂંસાય.’
‘પણ,મેં એવા ક્યા ઈલ્ઝામને અંજામ આપ્યો કે જેનો કોઈ ઇન્સાફ કે ઈલાજ નથી ?
મિલિન્દ બોલ્યો.
‘તું સાંભળીશ તો તારા પગ તળેથી જમીન ખસકી જશે મિલિન્દ...’
એમ કહી કેશવ કલાક પહેલાં વૃંદા સાથે થયેલા તેના કન્વર્સેશનનું શબ્દશઃ વૃતાંત વિસ્તારથી મિલિન્દને સંભળાવતા કેશવ બોલ્યો...
‘હેલ્લો..કેશવ ભાઈ.’ ગળગળા અવાજમાં વૃંદા બોલી.
‘જી.. મેડમ બોલો બોલો...’
‘આખરે ચિત્રાની ઓફિસમાંથી છુટ્ટા પડ્યા બાદ...સતત છેલ્લાં પાંચ દિવસ સુધી મને અજ્ઞાતવાસની માફક અળગી રાખવાં માટે સૌ પહેલાં કોને અભિનંદન આપું.. તમને કે મિલિન્દને ?’
ઓવર સ્પીડમાં કાર ડ્રાઈવ કરતાં અજાણતાં કોઈ બમ્પ આવી જાય એ રીતે ગભરાતાં કેશવ બોલ્યો...
‘એએ...એક મિનીટ.. હું કાર સાઈડમાં પાર્ક કરી લઉં.’
સેફ્લી કાર લેફ્ટ સાઈડમાં લઇ અતિ આશ્ચયચકિત થતાં કેશવ બોલ્યો...
‘શું.. શું ..શું..... બોલ્યાં ? સોરી હું કંઈ સમજ્યો નહીં મેડમ.’
‘કેશવભાઈ.... મિલિન્દ પરના ભરોસાના આધાર અને ભાગીદાર તમે છો..મને તમારા બન્ને પર સમાંતર ભરોસો છે. એટલે જો તમને મિલિન્દ વિશે કશી જ ખબર ન હોય તો ફક્ત ‘હા’ યા ‘ના’ માં જવાબ આપજો બસ. એ પછી હું તમને કયારેય કોલ નહીં કરું.’ વૃંદાના અવાજ પરથી એવું લાગતું હતું કે તે માંડ માંડ બોલી રહી છે.
‘ના’ બોલ્યાં પછી કેશવ આગળ બોલ્યો..
‘વૃંદા મેડમ, તમને મેં મારી બહેનનું સ્થાન આપ્યું છે. અને મિલિન્દ મારું જીગર છે. છતાં, હું સત્યનો પક્ષ લઈશ. મને મિલિન્દની કોઈપણ ગતિવિધિના અંશમાત્રનો અણસાર નથી.
થોડીવાર ચુપ રહ્યાં પછી વૃંદા બોલી..
સ્હેજ માર્મિક હાસ્ય સાથે વૃંદા બોલી..
‘અચ્છા ચલો માની લઉં છું. છતાં અશક્ય લાગે છે, કે...તમે પણ અજાણ છો ? તમને પણ બાકાત રાખ્યાં ? જે રીતે મિલિન્દે તક શોધીને તરછોડ્યા છે એ હદે અને એટલી જલ્દી તો કોઈ તેના અનૌરસ બાળકને પણ ન તરછોડે કેશવ ભાઈ.’
આટલું સાંભળતા મિલિન્દની આંખો ફાટી ગઈ...
કેશવ બોલ્યો...
‘હજુ આગળ સાંભળ’
‘પણ એવું તે શું થઇ ગયું મેડમ, મને ફોડ પાડીને કહેશો ? કંઈ થયું હોય અને મિલિન્દ મને જાણ ન કરે એ વાત હું માનવા તૈયાર જ નથી. હા, કદાચ કોઈ સુખદ સરપ્રાઈઝ આપવાનો હોય તો શક્ય છે.’
‘આપી.... આપી... આપી... કેશવભાઈ આપી.... વર્લ્ડની બેસ્ટ સુપર સસ્પેન્સ, ડામનો દાગ રહી જાય અને લાઈફ ટાઈમ યાદ રહે એવી સરપ્રાઈઝ આપી મિલિન્દે.’
હવે કેશવને ફાળ પડી કે નક્કી મિલિન્દે ઉતાવળમાં કોઈ એવું પગલું ભર્યું છે કે,
હવે બેકફૂટ પર જવું લગભગ નામુમકીન હશે. એટલે ગભરાતાં પૂછ્યું..
‘એટલે.. કેવી સરપ્રાઈઝ ?
અશ્રુધોધ સાથે આવેલાં ડૂસકાંને ડામી, ઊંડા શ્વાસ ભરી, સંતાપના સુરમાં વૃંદા બોલી..
‘ખુબ... ખુબ... ખુબ...અભિનંદન કેશવભાઈ.. મિલિન્દ સફળ થયો... તેના સુપર સિક્રેટ મિશન જેવા સુખી દાંપત્યજીવનની મંગલ ઘડીથી મને આઘી અને અજાણ રાખવા માટે. કદાચ મિલિન્દને મારા જેવી મનહૂસનો પડછાયો મંજૂર નહીં હોય. છતાં હું ખુબ ખુશ છું. કારણ, મિલિન્દ ખુશ છે, ક્યાં, કેમ, કોની જોડે ખુશ છે ? તે કારણ નથી જાણવું. મારી દુનિયાનો આરંભ અને અંત હતો મિલિન્દનું સ્મિત. બસ એક જ વાતનો રંજ છેલ્લાં શ્વાસ સુધી રહેશે... હું મિલિન્દ જેવી ન થઇ શકી.’
સ્હેજ અટક્યા પછી વૃંદા બોલી..
‘કેશવભાઈ..છેલ્લે ચિત્રાની ઓફિસમાં જે ચર્ચા થઇ તેના પર હંમેશ માટે પૂર્ણવિરામ મૂકી દેજો. અને હા, મારા તરફ્રથી દેવલને પણ પ્રણામ સાથે શુભેચ્છા પાઠવજો.’
ડૂમો ભરાઈ આવતાં વૃંદાએ કોલ કટ કરી સ્વીચ ઓફ કરી નાખ્યો.
વૃંદાના અંતિમ વાકય પછી, ચુપકીદીની પણ ચીસ નીકળી જાય એવા સન્નાટા વચ્ચે વૃંદાના અંતર્દાહના ગરમાવાની લૂ કારની વાતાનુકુલિત ઠંડકમાં પણ મિલિન્દ અને કેશવને કયાંય સુધી દઝાડતી રહી.
જે થયું, તેની પહેલાં શું થવાનું હતું અને હવે શું થશે ? આ ત્રણ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવાનો મતલબ....મિલિન્દ માટે તલવારની ધાર પર ચાલી, અંધારામાં લક્ષ્યવેધ કરવા જેવું કઠીન કામ હતું.
દિગ્મૂઢ દશામાંથી સ્હેજ સભાનતા કેળવી ગળું ખંખેરતા મિલિન્દ બોલ્યો...
‘પણ..’
મિલિન્દ આગળ બોલે ત્યાં ફરી આવેશમાં આવી, કેશવ બરાડ્યો...
‘હવે ગોળી માર આ તારા આ પણ અને બણને. તારે લગ્ન જ કરવાં હતાં તો મને એકવાર કહેવું’તો હતું.. અરે....યાર અમે અહીં લગ્નની બધી જ તૈયારી કરીને બેઠાં હતાં ને તું...’
‘લગ્નની તૈયારી...? કોના લગ્નની વાત કરે છે ?.’
અતિ આશ્ચર્ય સાથે મિલિન્દ બોલ્યો..
એક મિનીટ ચુપચાપ મિલિન્દ સામે જોઈ પારાવાર અફસોસ સાથે કેશવ બોલ્યો..
‘તારા અને વૃંદાના લગ્ન.’
‘તારા અને વૃંદાના લગ્ન.’
આ ચાર શબ્દનું વાક્ય સાંભળતા વીજળીવેગે મિલિન્દના પંડમાં એક લખલખું પસાર થઇ ગયું. સાવ સ્પષ્ટ શબ્દોમાં ગજા બહારની કલ્પના રજુ કરતાં શબ્દો સાંભળ્યા પછી મિલિન્દએ હદની દ્વિધામાં ઢળી પડ્યો કે, તેનો વિચાર અને વાણી સંચાર જાણે કુંઠિત થઇ ગયો.
‘ભલે વૃંદાએ મને મનાઈ ફરમાવી, છતાં આજે તને વાસ્તવિકતાની દાસ્તાન સુણાવી એકવાર દજાડવો જરૂરી છે.’
આટલું બોલી રીસે ભરાયેલો કેશવ...
ચિત્રાની કેબીનમાં કેશવ, વૃંદા અને ચિત્રા દરમિયાન પરસ્પર પ્રાણ પ્રશ્ન જેવા થયેલાં સંવાદના અંતે વૃંદાએ ગંભીરતા સાથે નિર્ણિત કરેલાં અંતિમ નિર્ણય પર ખુશી ખુશી સૌ એ મહોર માર્યાની વાતનો અંત આવતાં પહેલાં પ્રથમવાર કેશવના ગાલ પર ધીમી ધારે આંખમાંથી અશ્રું આવી ઉતર્યા.
જાણે કે આસપાસનું સમગ્ર વાતાવરણ પુરજોશથી ચકડોળે ચડ્યું હોય એવો મિલિન્દને આભાસ થતાં તેની બંને હથેળી લમણા પર ભીંસી, થોડીવાર માટે આંખો મીંચી દીધી.
દેવલ સાથે લગ્નજીવનમાં જોડ્યા પછી મિલિન્દને હતું કે, હવે તેની તમામ આધિ, વ્યાધી અને ઉપાધિનો હંમેશ માટે અંત આવી ગયો, પણ છેલ્લી ઘડીએ હુકમનું પાનું ફેંકી કુદરતે જમણા હાથે આપેલી ખુશી, ડાબા હાથે ચુપચાપ ખૂંચવી લઇ જીતેલા જંગની બાજી પળમાં પરાજયમાં પલટાવી નાખી.
‘હવે.. મહેરબાની કરી, મને કંઇક કહેવાનો મોકો આપીશ ?’
ધીમા સ્વરમાં મિલિન્દ બોલ્યો.
થોડીવાર મિલિન્દની સામું જોયા કર્યા પછી કારનું ડોર ઉઘાડતાં કેશવ બોલ્યો
‘ચલ.. ત્યાં ભાઉની કેન્ટીન પાસે બેસીને વાત કરીએ. અને ક્યારનું મારું ગળું પણ ખુબ સુકાઈ છે.’
દસ મિનીટ બાદ.. કેશવેએ ચાઈની ચૂસકી ભરી ત્યાં મિલિન્દ સોફ્ટડ્રીંકનો ઘૂંટડો ભરતાં બોલ્યો..
‘હવે છેલ્લાં પાંચ દિવસના મહાભારતની વ્યથા... શાંતિથી સાંભળ.’
જશવંતલાલના ઘરેથી માંડેલી વાત છેક.. કેશવ મિલિન્દને મળવા તેના ઘરે આવ્યો ત્યાં સુધીની ઘટનાની ચિતાર વિસ્તારથી મિલિન્દે કેશવને કહી સંભળાવ્યાના બે મિનીટ પછી ઊભાં થઇ એક ઊંડો નીસાસો નાખ્યાં બાદ કેશવ બોલ્યો ...
‘હવે ચર્ચા ખરેખર ગંભીર અને ગરમ છે, એટલે એ.સી. ઓન કરી, કારમાં જ બેસવું પડશે.’
એટલે જેવાં બન્ને ફરી કારમાં ગોઠવાયા.. ત્યાં મિલિન્દ બોલ્યો..
‘પણ.. વૃંદાને આ વાતની જાણ થઈ કઈ રીતે ? મને એ જ નથી સમજાતું.’
એટલે માર્મિક હાસ્ય સાથે કેશવ બોલ્યો..
‘કેમ કે તું વૃંદા નથી. અને હવે એ વિચાર વ્યર્થ અને અયોગ્ય છે.’
‘તને નથી લાગતું મિલિન્દ કે, તે ખુબ ઉતાવળિયું પગલું ભર્યું ? જિંદગીના સર્વોત્તમ પ્રાણ પ્રશ્ન જેવો નિર્ણય પર આખરી મહોર મારતાં પહેલાં.. એક મિનીટ માટે પણ વૃંદા અથવા મારી સાથે કોઈ સલાહ સુચન યા મંતવ્ય જાણવાની તસ્દી સુદ્ધાં કેમ ન લીધી ? જશવંત અંકલ, જગન રાણા અને દેવલ રાણાની વાતમાં તે એવું તે શું જોયું કે, તારા ભરોસાપાત્ર મિત્રની સૂચીમાંથી મારું અને વૃંદાનું નામ રાતોરાત ગાયબ થઇ ગયુ ?’
‘તને દુઃખ થશે પણ યુદ્ધની રણભૂમિમાં જીતનો ક્ષ્રેય પ્રથમ હરોળના સેંકડો સૈનિકોની શહાદતને નથી જતો પણ સેનાપતિને જાય છે.. બસ તારું પણ કંઇક એવું જ છે દોસ્ત... કારણ કે, જિંદગી તારી, ફેમીલી તારી, વ્યાધી તારી, તને એક સેકન્ડ માટે પણ અમારો વિચાર ન આવ્યો કારણ.. ‘અમે એ ‘તારા’ ના લીસ્ટમાં નથી એટલે. ?
સટીક લક્ષ્યવેધ અને કડવીવાણી જેવા કેશવના વ્યંગબાણથી મિલિન્દને લાગી આવ્યું. હજુ મિલિન્દ કશું બોલવા જાય એ પહેલાં ફરી કેશવ બોલ્યો..
‘સોરી..મિલિન્દ.... ક્યારનો તું કહે છે ને કે, ભરોસો.... તો શહેરના એક ધનાઢ્ય નામાંકિત અગ્રણી જીદ્દી વકીલનું દિલ જીતી તેની એકની એક પુત્રીએ ઘડીકમાં બધું જ છોડી, તારી જોડે જીવનસંસાર માંડવાનો નિર્ણય તારા ભરોસે કર્યો હતો તે ભરોસાનું શું ? મિલિન્દ, ચપટીમાં મેળવેલી તારી ચિક્કાર મિલ્કત પણ હવે વૃંદાના મનોવેદના માટે મરહમ નહીં ખરીદી શકે. આઆ...આઈ એમ સોરી મિલિન્દ....બસ દુઃખ એ વાતનું છે કે, તારા એક સ્મિત માટે મરી ફીટવા સુધીનો એ અગાધ પ્રેમ જે મેં વૃંદાની આંખોમાં જોયો એ તું કેમ ન જોઈ શક્યો. ? ’
મગજની નસો ફાટતાં અંતે અકળાઈને મિલિન્દ ઊંચા અવાજે બોલ્યો..
‘પણ.... આ જે બનવાકાળ બની ગયું તેમાં મારો શું વાંક.. ?
બે-પાંચ ક્ષણ ચુપ રહી સ્હેજ હસતાં હસતાં કાર શરુ કરતાં કેશવે ઉત્તર આપ્યો..
‘બસ એટલો જ વાંક કે, સૌ જાત ભૂલીને તને પ્રેમ કરે છે.. અને કરતાં રહેશે.’
કાર મિલિન્દના ઘર તરફ આગળ હંકારતા કેશવ બોલ્યો..
‘મિલિન્દ,વૃંદા અને દેવલ બન્ને પાસે અઢળક મિલકત છે. વૃંદા પાસે હદ બહારની હમદર્દી છે, દેવલ પાસે હક્ક છે. બન્નેને મિલિન્દની માયા અને મમતાની ઝંખના છે. બન્ને આજીવન તારા અનંત અનુબંધના અભિલાષી છે. અને તારી પાસે સો તાળાની એક કુંચી જેવી પુંજી છે. જોઈ લે હવે તું કેટલા કોયડાના તાળાના તળ મેળવી શકે તેમ છે ? ઉતાવળે કુદરતને માત આપવાની ઘેલછામાં તે જીતેલી શતરંજની બાજીના અંતે ચોતરફ હું શત્ત રંજ જોઈ રહ્યો છું.’
મિલિન્દના ઘર પાસે કેશવે કાર સાથે વાર્તાલાપને પણ બ્રેક મારી.
‘છેલ્લી વાત મિલિન્દ, આપણે સૌ ઇચ્છીએ કે, અંતે સઘળું સારું થઇ જાય પણ, જે ગતિએ તારી તકદીરએ યુ ટર્ન લાગવાયો છે, એ જોતા મને લાગે છે કે, ભરોસાના ભીંતની આડમાં તારી પીઠ પાછળ કોઈ ભેદી રમત રમાઈ રહી હોય તેવી આશંકાના અણસાર મને આવી રહ્યાં છે.’
‘મારી પીઠ પાછળ, ભેદી રમત ? આ તું શું બકવાસ કરે છે ? કઈ વાતના આધારે તને આવા મનઘડત વિચારો આવી છે ? અકળાઈને મિલિન્દ બોલ્યો..
‘સોરી.. મિલિન્દ અત્યારે તને નહીં દેખાય કે સમજાય કેમ કે, તારા હિસ્સા અને કિસ્સમાં ગાંધારીએ ધૃતરાષ્ટ્રના આંખે પટ્ટી બાંધી છે. દેવલના પ્રથમ લગ્નવિચ્છેદ અને તારી જોડે લગ્ન કરવાનું કોઈ ઠોસ કારણ તારી પાસે છે ? ચોપાટની રમત મંડાઈ ચુકી છે, કોણ. ક્યારે, કેમ પાસા ફેંકશે હવે એ જોવાનું છે. શતરંજના શાતિર ખિલાડીના મોહરા પાછળનો ચહેરો કોનો છે ? ઇન્સાન કે ઈશ્વરનો એ તો સમય કહેશે.’
મિલિન્દની ભીતરમાં ભભૂકતાં ભારેલા અગ્નિ પર કેશવના શબ્દોએ ઘીનું સ્વરૂપ ધારણ કરતાં ભયંકર રીતે ધૂંધવાયેલા મિલિન્દે માંડ માંડ તેના ગુસ્સાને કાબુ કરી...
ઊંડા દલદલ જેવી લાગતી અંતહીન દલીલનો અંત આણતાં
‘સોરી.. પછી મળીએ.’
આટલું બોલી કારનું બારણું ઉઘાડી મિલિન્દ ચુપચાપ ચાલવા લાગ્યો. ઘરમાં પ્રવેશતાં પહેલાં ચહેરા પરના સઘળાં ગ્લાનીનો મેક-અપ ભૂંસી નાખ્યો.
અંતે...કારના એન્જીન કરતાં વધુ ઉછળતા કેશવના અંતરના ઉકળતા ઉકળાટનો ઉભરો ઉભરાતાં....ઊની ઊની અશ્રુધારા તેના ગાલ ભીનાં કરતી ગઈ.
ખુશખુશાલ માહોલ અને મનગમતી મધમધતી વાનગીની સોડમ અને સ્વાદની સાથે લંચ માણતાં કનકરાય,વાસંતીબેન,અને મિતાલીને દેવલની બાજુમાં બેસેલાં મિલિન્દે ક્યાંથી, કઈ રીતે, કેવા સંજોગોમાં દેવલ સાથે મુલાકાત થઇ અને અંતે થોડા કલાકો બાદની પ્રથમ મુલાકાત, મંગલ પરિણયમાં પરિણમી તે વાત ટૂંકમાં વર્ણવી.
પણ, મિલિન્દના ચહેરા પરના ચિન્હો દેવલને એ સંકેત આપી રહ્યાં હતા કે, મિલિન્દનું તન અહીં હતું, ચિત્ત નહતું.
સંધ્યાકાળનો સમય થયો...
ગત રાત્રીએ વૃંદા સાથેના વીજળીના ચમકારા જેવડી વાર્તાલાપના શબ્દસંચારથી વ્યથિત થઇ ડહોળાઈ ગયેલા દેવલના દિમાગના વિચારવમળ હજુ’યે અસ્થિર હતા.
મિલિન્દ અને દેવલ બન્નેના ભરાયેલાં માંહ્યલાનો ઘૂઘવાટ તેના ભરતી માઝા મૂકી મર્યાદા તોડે એ પહેલાં ખુમારીની ખોટ ખાઈને પણ ઓટની ઓથ લેવી જરૂરી લાગતાં
મેરેથોન જેવી મહામંથનનો અંત આણતાં મિલિન્દ અને દેવલ બન્ને એકી સાથે જ બોલી ઉઠ્યાં...
‘કયાંય બહાર જઈશું. ?
‘એક જ સમયે.. એક જ સ્વર, એક જ સૂર..એક જ શબ્દ...’ કેટલી સામ્યતા ? ભ્રમ કે વાસ્તવિકતા ?
ફરી ફાલતું લાગતાં વિચારોનો ફજેતફાળકો ઉંધી દિશામાં ફરવાં લાગે એ પહેલાં દેવલ ફ્રેશ થવાં વોશરૂમ તરફ ચાલવા લાગી.
અડધો કલાક બાદ...
‘મમ્મી, હું મિલિન્દ જોડે બહાર જાઉં છું.’ એમ કહી વાસંતીબેન અને કનકરાયને પગે લાગ્યાં બાદ દેવલ મિલિન્દ જોડે ચાલવા લાગી.
બન્નેના ગયા બાદ વાસંતીબેનની આંખો ભરાઈ આવતાં બોલ્યાં..
‘હજુ’યે માન્યામાં નથી આવતું કે, આવડા મોટા ઘરની એકની એક લાડકી દીકરી અને આટલી સાદગી અને વિનમ્રતાના લિબાસમાં કઈ રીતે રહી શકે ? આંખો બંધ કરી, બે હાથ જોડી મનોમન ઈશ્વરનો પાડ માનતા બોલ્યાં..
‘હે મારા ભોળિયા નાથ..મિલિન્દના ભાગ્યમાં આટલું સુખ તો હું ખુદ પણ ન લખી શકી હોત.’
‘ક્યાં જઈશું દેવલ ?’ સોસાયટીના ગેઇટ પાસે આવતાં મિલિન્દે પૂછ્યું
‘એ તો હવે તમે હાથ ઝાલ્યો છે તો, તમને ખબર.. છતાં શક્ય હોય તો કોઈ એવી જગ્યા જવાની ઈચ્છા છે જ્યાં તમારા અને મારા સિવાય કોઈ ન હોય. આઈ મીન નોટ ઓન્લી ફિઝીકલી, મેન્ટલી ઓલ્સો.’ દેવલ બોલી.
‘હમ્મ્મ્મ.. હું પણ કંઇક એવું જ વિચારું છું.. અચ્છા ચલ.’
એમ કહી મિલિન્દએ સામેથી આવી રહેલી ટેક્ષી ચાલક તરફ ઈશારો કરતાં ઊભી રહેલી ટેક્ષીમાં બેસતાં મિલિન્દ બોલ્યો..
‘ગોરેગાંવ ચોપાટી.’
ચોપાટી પહોંચતા સુધીના કલાક દરમિયાન ટેક્ષીમાં મિલિન્દ અને દેવલ બન્નેની સહજતાની ઓવર એક્ટિંગ સાથે ઔપચારિકતાના સંવાદથી સહજ સાનિધ્ય સાંધવાની કોશિષ વ્યર્થ રહી.
સુર્યાસ્ત પછી છાના પગલે પ્રસરતા અંધારાના ઓળા વચ્ચે ધીમે ધીમે રેતીમાં ડગ માંડતા મહત્તમ નહીં પણ, મધ્યમ માત્રાની ભીડ માંથી પસાર થઈ, માનવ મહેરામણથી થોડે દૂર અંશત એકાંત કહી શકાય એવી જગ્યા પર બન્ને બેસતાં દેવલ બોલી..
‘કોન્ક્રીટ જંગલની આ ભીડ જોઈ મને એક ગઝલનું ગણગણવાનું મન થાય છે.’
‘ઈર્શાદ.’ પલાઠી વાળતાં સ્મિત સાથે મિલિન્દ બોલ્યો..
‘હર તરફ હર જગહ બેશુમાર આદમી.. ફિર ભી તન્હાઈયોં કા શિકાર આદમી.’
‘કડવી પણ નરી વાસ્તવિકતા છે.’ મિલિન્દ બોલ્યો.
‘અને મિલિન્દ એવું પણ બની શકે કે, જાણ્યે અજાણ્યે આપણે પણ એ ભીડનો ભાગ બની કોઈના શિકારનો ભોગ બની જતા હોઈએ ?
‘મતલબ ? હું કંઈ સમજ્યો નહીં,’ દેવલ સામું જોઈ મિલિન્દે પૂછ્યું..
‘મતલબનો મર્મ સમજવા મૂળ મુદ્દાના તળ સુધી જવું પડશે.... અને તળ સુધી પહોચતાં અધ્ધવચ્ચે તરસથી મારું ગળું સુકાઈ જાય એ પહેલાં શીતળ જળના પ્રબંધની આવશ્યકતા જરૂરી છે.’
આટલું બોલી દેવલ હસવાં લાગી.
‘ઓહ.. માય ગોડ... સાવ સાદી ભાષામાં બોલ ને, કે પાણી પીવું છે.’
હસતાં હસતાં ઊભા થઈ મિલિન્દ બોલ્યો..
એટલે હસતાં હસતાં દેવલે પણ હસતાં હસતાં ઉત્તર આપ્યો..
‘મારી સ્વર પેટીમાં જન્મજાત ક્ષતિ છે... તીવ્ર તૃષ્ણા સમયે શીતળ જળના પેય પછી જ સરળ શબ્દાવલીનો સંવાદસેતુ સંધાય છે.’
થોડીવારમાં મિલિન્દ બે ચિલ્ડ મિનરલ વોટર અને સોફ્ટ ડ્રીંક્સની બોટલ લઈને આવતાં વેંત જ દેવલ જે રીતે અડધી બોટલ પાણી ગટગટાવી ગઈ તે જોઈ મિલિન્દે પૂછ્યું..
‘અરે... આટલી ઊંડી તરસ લાગી હતી તો પહેલાં મને કેમ ન કહ્યું ?’
જમણા હાથની મૂટ્ઠી વાળી, હોંઠ પરથી ટપકવાં જઈ રહેલાં જળબિંદુ પર ફેરવતાં મિલિન્દની આંખોમાં જોઈ દેવલ બોલી..
‘હજુ પણ કહેવું પડશે ? ક્યાં સુધી ? અતળ અને અકળ તૃષાનું તારણ અને મારણ જાણનારો કોઈ એક પોતીકો તો પડખે હોવો જોઈએ ને મિલિન્દ ?’
સ્હેજ ઝંખવાઈને મિલિન્દ બોલ્યો...
‘હા, પણ તેના માટે થોડો સમય જોઈશે.’
‘કેટલો... કેટલો સમય મિલિન્દ ? પરસ્પરના પ્રાણવાયું બનતા શ્વાસના પગરવને પારખવામાં કેટલો સમય જોઈએ ? સ્વજનના અસંતુલિત શ્વાસના આરોહ અવરોહ થકી તેના ચિત્તમાં ચાલતી ફિકરની ફોટોકોપી તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ આવે મિલિન્દ.’
દેવલના અંદાજથી પ્રભાવિત થઇ મિલિન્દે પૂછ્યું..
‘ઓહ્હ.. તો મારી નજરોમાં શું જોઈ દેખાઈ રહ્યું છે એ કહે તો ?
થોડી ક્ષણો મિલિન્દની આંખોમાં જોયાં પછી દેવલ બોલી..
‘તું વિચારવનના ભુલભુલામણીની વિમાસણમાં ભૂલો પડ્યાની વાત સ્વીકારવા માટે રાજી નથી.’
‘કઈ વાત ? કોની વાત ? આશ્ચર્ય સાથે મિલિન્દે પૂછ્યું.
‘એ વાત જે આપણા વચ્ચે બંધાઈ રહેલા સ્નેહસેતુ વચ્ચે બાધા રૂપ છે.’
માર્મિક શબ્દો સાથે દેવલે જવાબ આપ્યો..
‘હવે મગનું નામ એનીથીંગ પાડીને મુદ્દાની વાત પર આવ તો મજા આવે.’
હસતાં હસતાં મિલિન્દ બોલ્યો..
સ્હેજ આંખો ઝીણી કરી.. એકધારું મિલિન્દ સામું જોઈ દેવલ બોલી..
‘એનીથિંગ શું કામ ? સમથીંગ કેમ નહીં ? અને માજા મૂકીને મજા શા માટે ન આવે, જો મુદ્દાનું નામ જ વૃંદા હોય તો ? એમ આઈ રાઈટ મિલિન્દ બાબૂ ?
ફરી પાણીની બોટલ ઉઠાવી ગળા સુધી લાવતાં આગળ બોલી..
‘આ જળનું એક રહસ્ય એ પણ છે કે,
ક્યારેક કોઈકની તરસ છીપાવવા ગળે ઉતરે,
તો ક્યારેક કોઈની તરસ બની આંખોથી નીતરે’
-વધુ આવતાં અંકે