પ્રકરણ- બાવીસમું/૨૨
સતત છેલ્લાં એક કલાકથી જશવંતલાલે તેના અંદાજમાં જીગરી દોસ્ત જગન રાણાની જિંદગીની અકલ્પનીય ચડાવ ઉતારનો જે રીતે વિસ્તારથી પરિચય આપ્યો એ સાંભળી થોડીવાર માટે મિલિન્દ સમય અને સ્થળનું ભાન ભૂલી જતાં બોલ્યો...
‘એએ....એક મિનીટ અંકલ, વાસ્તવિક જિંદગીના રંગમંચ પર પણ કોઈ આવું કિરદાર નિભાવી શકે ? તમે કહ્યું છતાં હજુ પણ મારા માન્યામાં નથી આવતું. નિયતિ આટલી નિષ્ઠુર પણ હોઈ શકે ? મારાં રૂંવાડા ઊભા થઇ ગયાં અને દિમાગ સૂન થઇ ગયું છે’
‘હવે તને લાગે છે કે, આપણે સાચી દિશા તરફ જઈ રહ્યાં છીએ ?
ઊભા થતાં જશવંતલાલ બોલ્યાં...
‘અંકલ...તમે જેટલી જિંદગી જીવી છે, એટલી તો મેં જોઈ પણ નથી. પણ આવી વ્યક્તિને મળીને ગમે તેવા કપરાં સમય સંજોગમાં પણ નાસીપાસ થયાં વગર જિંદગી જીવવાનો જોશ આવી આવી જાય. એ વાત તો નક્કી છે.’
‘ચાલ, બાકીની વાતો કાર હંકારતા કરીશું... હજુ પૂરી રાત ડ્રાઈવીંગ કરીશ ત્યારે પહોંચીશું.’ કાર તરફ આવતાં જશવંતલાલ બોલ્યા.
‘પણ.. આવા દિલદાર વ્યક્તિ સાથે તમે કઈ રીતે પરિચયમાં આવ્યાં...એ પણ છેક મુંબઈથી સૌરાષ્ટ સુધી ?
કારમાં બેસતાં મિલિન્દે પૂછ્યું.
‘એ પણ ખુબ રસપ્રદ કિસ્સો છે. આશરે દસેક વર્ષ પહેલાં હું અને મારો ડ્રાઈવર વિનાયક સોમનાથ મહાદેવના દર્શન કરી, મોડી રાત્રે મુંબઈ તરફ આવી રહ્યાં હતાં. રાત્રીના એકાદ વાગ્યાંનો થયો હશે.. ત્યાં અચાનક વિનાયકને થાકના કારણે ઝોંકુ આવી ગયું અને સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પુરપાટ જતી કાર રોંગ સાઈડ તરફની સ્હેજ ઊંડી ખાઈમાં ઉતરી પડી. સદ્દનસીબે ત્યાં ગાઢ ઝાડી ઝાંખરા હોવાથી જીવલેણ અકસ્માતમાંથી ઉગરી ગયાં પણ, હું અને વિનાયક બન્ને બેભાન અવસ્થામાં. વિનાયકને ખાસ્સી એવી ઈજા થઇ હોવાથી લોહીલુહાણ થઇ ગયો હતો.. મને મૂઢ માર લાગ્યો હતો’
અને જયારે ભાનમાં આવ્યાં અને આંખ ઉઘડી ત્યારે... અદ્યતન હોસ્પિટલના બિછાને પડ્યા હતા અને મારી સામે હતો જગન રાણા.’
‘જોગાનુજોગ બન્યું એવું કે, જે સમયે અમે એ ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા તેની દસ જ મિનીટ પછી જગન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ઘડીકમાં પરિસ્થિતિનો તાગ મેળવી, તાબડતોબ બન્નેને હોસ્પિટલ ભેગા કરી, ત્યાં હાજર રહી સમયસર ઉત્તમ સારવારની વ્યવસ્થા કરી આપી. અને હોસ્પીટલનું બીલ પણ ચૂકવી આપ્યું અને અમે બે દિવસ તેના ઘરે મહેમાન ગતિ પણ માણી. બસ તે દિવસ અને આજની ઘડી અમો બન્ને સગા ભાઈથી પણ વિશેષ એકબીજાના વ્હાલના વારસદાર બની ગયા. જગતને જોવું કે માણવું હોય તો એકવાર જગનને રૂબરૂ મળો એટલે જાણે કે વિશ્વભરના પરસંબંધની પરિક્રમા કરી લીધી હોય આવી લાગણી થાય.’
‘અંકલ...તેમની દીકરીના અવતરણ બાદના અતીતનો આરોહ અવરોહ કેવો રહ્યો ?’
મિલિન્દે પૂછ્યું.
‘મિલિન્દ, એક સમયે સર્વોત્તમ સપાટી પાર કરી ચૂકેલો તેમના સુખનો ગ્રાફ, આજે સમય સાથે વેશ બદલી ન્યુનતમ સપાટીથી પણ નીચે ઉતરી ગયો છે.’ નિરાસાના સૂરમાં જશવંતલાલે જવાબ આપ્યો.
‘પણ તમે તો કહો છો ને અંકલ કે, તેમની પાસે માપ વગરની મિલકત છે તો પછી..’ મિલિન્દ બોલ્યો
માર્મિક હાસ્ય સાથે જશવંતલાલ જવાબ આપતાં બોલ્યાં..
‘દીકરા.. લાઈફમાં અમુક આપદા અહલ્યાના શ્રાપ જેવી હોય છે, જેમાંથી મોક્ષ મેળવવા માટે રામની જરૂર પડે. અને અત્યારે તું જગન માટે રામ બની શકે એમ છે.’
અચંબાના આંચકા અને પરમાશ્ચર્ય સાથે મિલિન્દે પૂછ્યું..
‘હું...રામ ? એ કેવી રીતે ? કંઈ સમજાયું નહીં અંકલ.’
‘કઈ રીતે એ તો મને પણ ખબર નથી, પણ હાલ તું અને જગન આસાનીથી બંને એકબીજાની ઉલઝનની આંટીઘૂંટી ઉકેલી શકો તેમ છો, એવું ગણિત માંડીને જ મેં તેના ઘર તરફનો રસ્તો પકડ્યો છે.’
ગર્ભિત શબ્દોમાં જશવંતલાલે જવાબ આપ્યો તેની સાથે મિલિન્દ કારની તેજ ગતિ કરતાં ઝડપથી વિચારોનો પીછો કરવાં લાગ્યો.
તત્વચિંતન કરતાં મિલિન્દે એવું વિચાર્યું કે, જો જશવંત અંકલ અને તેનાથી ચડિયાતા અને ભરોસાપાત્ર જગન રાણાના દિશા નિર્દેશ મળતાં હોય તો... સવાલ સાંભળતા પહેલાં જ કોઈપણ ઉત્તર પર મહોર મારી દેવામાં શું ખોટું છે ?
મધ્યમ ગતિની લોંગ ડ્રાઈવની વચ્ચે બે થી ત્રણ સ્ટોપ કર્યા બાદ વહેલી પરોઢે સાડા સાત વાગ્યાની આસપાસ આસપાસ જશવંતલાલે તેની એસયુવી કાર જગનના ફાર્મ હાઉસમાં એન્ટર કરી, તેના બંગલા પાસે બ્રેક કરી ત્યારે ગાર્ડનના હીંચકા પર સમચારપત્ર વાંચી રહેલો જગન અચાનક જશવંતલાલને જોઇ, હરખઘેલો થઇ, ન્યુઝપેપરનો ઘા કરી, દોડતાં તેની કારની નજીક જઈ, કારમાંથી ઉતરતાં વ્હેત જ જશવંતલાલને ગર્મજોશીથી ભેટતા બોલ્યો..
‘આવ્યો... આવ્યો....મારી માયાનો મુરલીધર સખા સુદામાને મળવા આવ્યો હો.’
જગન સમજણો થયો ત્યારથી પ્રણની માફક ગ્રહણ કરેલી સાદગીની કંઠીના નિયમને અનુસરતા આજીવન ખાદીના પરિવેશને ગણવેશ તરીકે માન્યતા આપી હતી એટલે ખાદીના શ્વેત ઝબ્ભા અને પેન્ટનો પહેરવેશ, પહોળા ખભા પર કેસરી ખેસ, બંને ભ્રમરોની મધ્યમાંથી છેક કેશને અડકી જાય ત્યાં સુધી કપાળમાં ખેંચેલું ઊંભું લાલ તિલક, સમ્રાટને છાજે એવાં સામ્રાજ્યનો સર્વેસર્વાં હોવા છતાં તેના તેજોમય ચહેરા પર રતિભાર અહંકારનો અંશ નહતો.
મિલિન્દની સામે જોઈ જશવંતલાલ બોલ્યા,
‘જોયું દીકરા, આ છે મારા મહારાજા જેવી મિત્રની વિનમ્રતા.’
‘નમસ્કાર’ કહી મિલિન્દે જગનના ચરણસ્પર્શ કર્યા.
‘આવો.. આવો..’ એમ કહી જગન બન્નેને તેના બેઠક ખંડમાં લઇ આવ્યો.
સંપૂર્ણ રાસરચીલું ગામઠી પરમ્પરા ગત મુજબનું પણ એટલું ચીવટભર્યું, સુઘડ અને સુવ્યવસ્થિત રીતે સજાવટ કર્યું હતું કે કોઈ ફાઈવ સ્ટાર હોટલના ઇન્ટીરીયરને પણ ટક્કર મારે. મિલિન્દને લાગ્યું જાણે કે, જંગલમાં મંગલ.
ફ્રેશ થયાં પછી, સર્વન્ટને ચા પાણી લાવવાનો આદેશ આપતાં જગન બોલ્યો..
‘આવો... બહાર બગીચામાં બેસીએ.’
મિલિન્દ સૌરાષ્ટ્ર તરફ પ્રથમવાર આવ્યો હતો અને આવાં આલ્હાદક સાથે અદ્યતન સાધન સંપ્પન ફાર્મ હાઉસ પર પણ પહેલીવાર.
‘આ.. મિલિન્દ છે. મિલિન્દ માધવાણી. મારા મિત્ર કનકરાયનો પુત્ર. પણ, મારે મન મારા દીકરાથી પણ વિશેષ છે.’
હિંચકે બેસતાં જશવંતલાલે મિલિન્દનો પરિચય જગનને આપતાં કહ્યું.
‘સાચું કહું તો, મારી ઓળખાળ અને અસ્તિત્વ જશવંત અંકલને આભારી છે.’
જગનને સંબોધતા મિલિન્દ બોલ્યો..
‘તારા શબ્દો, વ્યક્તિત્વ અને વર્તણુકમાં જસવંતના સંગતની અસર નજરે પડે છે.’ જગન બોલ્યો.
‘અંકલ એક વાત પૂછું ? મિલિન્દે જગનને પૂછ્યું
‘બેધડક.’ જગન બોલ્યો.
‘શહેરથી ફાર્મ હાઉસ આટલું દૂર હોવા છતાં આટલી વહેલી સવારમાં ન્યુઝ પેપર કઈ રીતે મળી જાય ? જગને પૂછ્યું.
એટલે જગનને બદલે જશવંતલાલ હસતાં હસતાં જવાબ આપતાં બોલ્યાં..
‘એ ન્યુઝ પેપરનો ફાઈનાન્સર જ જગન છે... આ તો મારો ભાઈબંધ ભોળો છે બાકી, શું છાપવું, અને શું ન છાપવું, એ પણ આ નક્કી કરી શકે એમ છે, સમજ્યો. ?
હળવી મજાક મસ્તી અને ચા પાણી સાથે થોડીવાર વાતચીતનો દૌર પત્યાં પછી જગને કહ્યું
‘આપ બન્ને થોડો સમય વિશ્રામ કરો, પછી. નિરાંતે વાતો કરીએ.’
એ પછી બન્ને પહેલાં માળે આવેલા અલાયદા આરામદાયક ગેસ્ટરૂમમાં આવી આરામ માટે બેડ પર પડતાં જ આખી રાતના ઉજાગરા અને થાકના કારણે મિલિન્દ તરત જ ઘસઘસાટ ઊંઘી ગયો પણ જશવંતલાલને ઊંઘ ન આવી.
ચારેક કલાક પછી....
‘બાપૂ... આપની રાહ જુએ છે.’
બારણે પડેલા ટકોરા સાથે મધુર અને કોમળ સ્વર મિલિન્દના કાને પડતાં આંખો ચોળતાં ચોળતાં સામે લટકતી દીવાલ ઘડિયાળ પર નજર નાખતાં બપોરના સાડા બાર વાગ્યાનો સમય જોતાં મિલિન્દ બોલ્યો..
‘ઓહહહ... સુરજ માથે ચડી ગયો.’ બાજુના બેડ પર નજર કરી, જશવંતલાલ નજરે ન પડતાં બારણાં પાસે છાતી સુધી ઘૂમટો તાણેલી, સાડીમાં સજ્જ, નવજુવાન યુવતીને પૂછ્યું,
‘જશવંત અંકલ...’
હજુ મિલિન્દ આગળ બોલે એ પહેલાં ધીમા અવાજ અને ઢાળેલી નજર સાથે યુવતીએ જવાબ આપ્યો..
‘એ પણ તમારી નીચે બેઠકરૂમમાં રાહ જુએ છે.’
‘જી ઠીક છે, એમને કહો, ફ્રેશ થઇને હમણાં આવું જ છું.’
એવું બોલી મિલિન્દ આળસ ખંખેરી ગયો વોશરૂમ તરફ જાય ત્યાં કેશવનો કોલ આવ્યો...
‘અલ્યાં.. છે ક્યાં તું ? ગઈકાલ સવારનો ગુમ છો.. ન કોઈ કોલ, ન કોઈ મેસેજ ? કંઈ તકલીફમાં છે ?’
કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર મિલિન્દની ગેરહાજરીથી અકળાયેલા કેશવે પ્રશ્નોનો મારો ચલાવતાં પૂછ્યું.
‘કૂલ... કૂલ.. કૂલ...મારા ભાઈ, આખે આખો વન પીસ અને સહી સલામત છું, અને મુંબઈથી બહાર જશવંત અંકલની સાથે છું. બોલ.’ શાંતિથી મિલિન્દે જવાબ આપ્યો.
‘આભાર લ્યો, તમારો. અહીં ભલેને કોઈ ઉપાધી કરીને ઊંધા પડી જાય, અને રાજકુમાર ઉપડી ગયા છે સેર કરવાં.’ હદ છે યાર તું.’
સાહજિક અકળામણમાં કેશવ બોલ્યો..
‘સાંભળ, હું નિરાંતે તને કોલ કરું છું. ઓ.કે.’
એટલું બોલી, કોલ કટ કરી, મિલિન્દ ગયો વોશરૂમમાં.
ફ્રેશ થઈ આવ્યો ત્યાં ફરી ફોન રણક્યો...
‘હા, બોલ વૃંદા.’
‘થેંક ગોડ, મારું નામ તો યાદ છે. આટલી બધી અને આટલી લાંબી બેરુખી ? એનીથિંગ રોંગ બાય મી. ? કે પછી મારાથી ડીસ્ટન્સ રાખવા કરવાનું કોઈ નવું નાટક ક્રિએટ કરી રહ્યો છે, મિલિન્દ ? મને તારું આ બિહેવિયર અકળાવી મુકે છે.’
‘વૃંદા... સોરી હું એક અગત્યના કામ માટે જશવંત અંકલ સાથે આઊટ ઓફ મુંબઈ આવ્યો છું... આઆ..આઈ કોલ યુ લેટર. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ.’
બે પળ ચુપ રહ્યાં પછી નિરાસાના સૂરમાં વૃંદાએ પૂછ્યું,..
મિલિન્દ, એક વાત પૂછું.. ? આ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એ વન સાઈડેડ છે, એવું નથી લાગતું ? ઓ.કે. ફોરગેટ ઈટ. એન્ડ સોરી ફોર ડીસ્ટર્બ યુ. બાય ટેક કેર.’
મિલિન્દના પ્રત્યુતરની પ્રતિક્ષા કર્યા વગર ભીની આંખોની કોરે વૃંદાએ કોલ કટ કર્યો.
અડધો કલાક પછી..મુસાફરી દરમિયાન એક ગારમેન્ટ સ્ટોરમાંથી ઉતાવળે ખરીદેલા બે જોડી કપડાં માંથી પસંદ કરેલાં સ્કાય બ્લ્યુ જીન્સ પર મરુન ઝબ્ભો પહેરી, ધીમે ધીમે સીડી ઉતરતાં આવી રહેલાં મિલિન્દે જોયું તો, બેઠકરૂમના સોફા પર જશવંતલાલ અને જગન બન્ને પ્રશ્નાર્થ જેવી નજરોથી મિલિન્દને જે રીતે જોઈ રહ્યાં તે જોઈ, મિલિન્દને નવાઈ લાગી.
‘અરે.. તમે કેમ વહેલાં ઉઠી ગયાં ? કેમ ઊંઘ ન આવી ? મિલિન્દ જશવંતલાલને સંબોધતા બોલ્યો.
‘મારી ઊંઘ તો ગઈકાલની ઉડી ગઈ છે, હું તો બે કલાકથી જગનની સાથે વાતોમાં લાગ્યો છું. પણ. રાજકુમાર તું કઈ સ્વપ્નનગરીમાં ખોવાઈ ગયો હતો ?
હસતાં હસતાં જશવંતલાલે પૂછ્યું.
‘અરે, અંકલ એક તો ગઈકાલ રાતની મુસાફરીનો થાક અને અહીં આટલી નીરવ શાંતિ સાથે લીલીછમ્મ હરિયાળી વચ્ચેથી એ.સી.ની ઠંડકને ટક્કર મારે એવો શીતળ પવન આવતો હોય પછી આટલી ગાઢ ઊંઘ ન આવે તો જ નવાઈ. અને અંકલ આવું પણ રહેણાંક હોય, એ મુંબઈ વાળા માટે તો કલ્પના બહારની વાત છે.’
‘તો અહીં જ કાયમી વસવાટ કરી દે. આમ પણ મકાન કરતાં જગનનું મન મોટું છે.’ જશવંતલાલ બોલ્યાં
‘પણ, અંકલ, મોટા મનના માણસના સાનિધ્યમાં રહેવા માટે મોટું મુકદ્દર પણ હોવું જોઈને.’ સોફા પર બેસતાં મિલિન્દ બોલ્યો
‘અને ઈશ્વર તને અહોભાગ્યની એક્સચેન્જ ઓફર આપે તો ? જશવંતલાલે પૂછ્યું.
આ વાક્ય સાંભળતા મિલિન્દને વધુ આશ્ચર્ય જગનના ચહેરા પર ત્વરિત તબદીલ થયેલાં હાવભાવ જોઇને થયાં.
‘અહોભાગ્યની એક્સચેન્જ ઓફર...એટલે ? કુતુહલ સાથે ઝબ્ભાની સ્લીવને ફોલ્ડ કરતાં મિલિન્દે પૂછ્યું.
સોફા પરથી ઉભાં થતાં જશવંતલાલ બોલ્યાં..
‘ચલ, મિલિન્દ. લંચ ટાઈમ સુધીમાં આપણે એક ચક્કર લગાવીને આવીએ.’
એવું બોલ્યાં પછી, જશવંતલાલ અને મિલિન્દ બેઠકરૂમની બહાર આવી ગાર્ડન સામેના શેરડીના ખેતર તરફ ધીમે ધીમે ચાલવા લાગ્યાં..
જશવંત હજુ કઈક બોલે.. એ પહેલાં મિલિન્દે પૂછ્યું..
‘અંકલ, તમારું ગુઢાર્થ નિવેદન અને જગન અંકલનું સડન્લી ચેન્જ થયેલા નોંધપાત્ર બિહેવિઅર વચ્ચે શું કનેક્શન છે ?
‘સો કરોડની લોટરીનું કિસ્મત કનેક્શન.’ મિલિન્દ સામું જોઈ જશવંતલાલ બોલ્યાં
‘સો કરોડની લોટરીનું કિસ્મત કનેક્શન. જો મિલિન્દ અંનત અંધકાર અને અંતવિહીન જેવા લાગતાં તારા આયુષ્યના અંતિમ ઉપાય માટે તું મારી પાસે જ શા માટે આવ્યો ? એક પણ સવાલ પૂછ્યા વગર અહીં સુધી પણ કેમ આવ્યો ? હું કોઈ જાદુગર છું ? ઈશ્વરનો એજન્ટ છું ? તકદીર બદલવાની તાંત્રિકવિદ્યાનો જાણકાર છું ?
જશવંતલાલે પૂછ્યું
‘ના.... અંકલ માત્ર એક આસ્થાના આશરે. મને તમારા પર ચોવીસ કેરેટના સુવર્ણ કરતાં સવાઈ શ્રધ્ધા છે.’
ઉત્તર આપતાં આગળ મિલિન્દ આગળ બોલ્યો.
‘અને ભારોભાર આત્મશ્રદ્ધાથી પ્રગટાવેલાલા હવનકુંડના યજ્ઞમાં આંખ મીંચી, હૈયું હથેળીમાં રાખી માત્ર સ્વાહાના નાદ સાથે આહુતિ જ આપવાની હોય.’
‘મિલિન્દ.... દિલદાર જગનની સલ્તનતની સીમાનો અંદાજીત આંકડો માંડતા કહું તો,
સ્થાવર મિલકત જ સો કરોડની હશે..સામે છેડે નજર ન પહોંચે એટલી વિશાળ જમીન. તે ઉપરાંત તે બિનહરીફ ચૂંટાયેલો ધારાસભ્ય કો-ઓપરેટીવ બેન્કનો ચેરમેન, ખેડૂત સમિતિનો ચેરમેન,રોટરી કલબનો ચેરમેન, આ બધું તો ગૌણ છે, તેની દરિયાદિલી આગળ. મિલિન્દ...’ આગળ બોલતાં જશવંતલાલ અટકી ગયા.
‘અંકલ....હવે પૂર્ણવિરામ લાવી જ દો. હું તમારી શ્રદ્ધાને આંચ નહીં આવવા દઉં.’ મિલિન્દ બોલ્યો.
મિલિન્દની નજર સાથે નજર મિલાવી, તેના બન્ને ખભા પર હાથ મૂકતાં જશવંતલાલ બોલ્યાં..
‘તારી એક ‘હા’ જેટલો દૂર છે તું આ સો કરોડના વારસદારની દાવેદારીથી.’
મિલિન્દને ગળા સુધી ખાતરી છે કે, આ વાતમાં રતિભાર પણ મજાક નથી, છતાં તેને તેના કાન પર વિશ્વાસ નહતો બેસતો.. અને સો કરોડનો વારસદાર પણ કઈ રીતે ? શા માટે ? આ સમયે પાંચ હજાર રૂપિયા જેવી મામુલી રકમ પણ મિલિન્દને પ્રાણવાયુ જેવી લાગતી હતી ત્યાં.. સો કરોડના વારસદારની અશક્ય વાત સમજવા અને પચાવવા મિલિન્દ અસમર્થ હતો.
‘હું... હું સો કરોડનો વારસદાર. અને એ પણ મારા ‘હા’ કહેવાથી ? મને ચક્કર આવી જશે.’
‘પણ અંકલ.. મને ઉપર રૂમમાં ઉઠાડવા કોઈ છોકરી આવી હતી એ કોણ હતી ?
‘જેના લગ્નમાં હું આવ્યો હતો એ જગનની એકની એક લાડલી દીકરી. હમણાં અહીં છે. ચલ હવે ચક્કર આવે એ પહેલાં આપણે પેટપુજા કરી લઈએ. પછી વાત કરું.’ જશવંતલાલ એવું બોલ્યાં બાદ બન્ને બંગલામાં એન્ટર થયાં.
આંગળીઓ ચાટતા રહી જઈએ અને દાઢમાં સ્વાદ ચોંટી જાય એવા મસ્ત ચટાકેદાર
કાઠીયાવાડી ભોજનનો રસાસ્વાદ માણ્યા પછી જગન બોલ્યો..
‘તમે આરામ ફરમાવો ત્યાં સુધીમાં એક મીટીંગ અને થોડા અગત્યના કામ આટોપી હમણાં કલાકમાં આવ્યો.’
એમ કહી જગન તેના ડ્રાઈવર સાથે ઈનોવા કાર લઇ નીકળી પડ્યો શહેર તરફ.
આરામ ફરમાવાના બદલે જશવંત અને મિલિન્દ ડ્રોઈંગરૂમના સોફા પર બેઠાં પછી..
મન, મસ્તિષ્કમાં અટકળની માફક અટવાયેલા અલ્પવિરામનો અંત આણવા
હવે જશવંતલાલે મિલિન્દને અહીં લાવવાનો વિચાર આવ્યો ત્યાંથી માંડીને છેલ્લાં બે કલાકથી જગન સાથે થયેલી ચર્ચાના અંતે, ઈમ્પોસિબલ લાગતાં મિશન પર મહોર મારવાના મનસૂબા સાથે રહસ્યમય લાગતાં ચિત્રનું ઘટસ્ફોટથી અનાવરણ કરતાં એક જ પળમાં મિલિન્દનું સમગ્ર અસ્તિત્વ થીજી ગયું.
મિલિન્દની નજર સમક્ષ બે દ્રશ્યો ખડા થયાં...
એક...અસહાય અવસ્થામાં પથારીવશ પિતા કનકરાય, છાશવારે હરતી ફરતી માંદગીના ઘર જેવી માતા વાસંતીબેનબેન, કુટુંબ પર કાયમી કલંક જેવા ભાઈનો અશક્ય ઉકેલ, જીવથી વ્હાલી બહેનના ભાવિનું ભારણ અને સૌથી મોટી કનડતી એવરેસ્ટ જેવડી નિરંતર કનડતી આર્થિક આપદા...
અને બીજી તરફ...માત્ર મિલિન્દની એક ‘હા’ ના પ્રત્યુતરમાં ‘તથાસ્તુ’ ની પ્રતિક્ષા કરતાં સાક્ષાત લક્ષ્મીના સ્વરૂપમાં સામે ઉભેલું સૌભાગ્ય.
મિલિન્દ ઊંડા વિચારવમળમાં ગરકાવ થઇ જાય એ પહેલાં જશવંતલાલ બોલ્યાં..
‘દીકરા, કયારેક તણખલાં જેવા તિનકાના ભરોસાથી ભવસાગર પણ તરી જવાય. હવે તને તારા જ ગઈકાલના શબ્દોનું સ્મરણ કરાવું....?
‘રોજ મરી મરીને જીવવા કરતાં એક વાર જિંદગી સામે જુગટું રમવું છે. દાગ ન લાગે એવો દાવ રમવો છે. જો પરાજય પર જીતના પ્રભુત્વનો પુરવો મળે તો જાતને ગીરવી મૂકતાં પણ પીછેહઠ નહીં કરું.’
‘આ તારા જ શબ્દો છે ને ? તું જ બોલ્યો હતો ને ગઈકાલે ? જશવંતલાલે પૂછ્યું.
થોડીવાર આંખો મીંચીને મિલિન્દ પડ્યો રહ્યો... હવે તેને જગનના બદલાયેલા બિહેવિયરનો અંદાજ આવી ગયો..
‘હવે હું તને એકપણ પ્રશ્ન નહીં પૂછું.. કેમ કે હવે બોલ તારા પક્ષમાં છે. અને ગોલ એચીવ કરવાં માટે તારે કિક મારવી કે ક્વીટ કરવું એ તારા હાથમાં છે.’
એટલું બોલી જશવંતલાલ બાજુના રૂમમાં જતાં રહ્યાં.
મિલિન્દની મનોસ્થિતિ એવી હતી કે, અસંતુલિત પ્રારબ્ધના બે પલડામાં પગ રાખી, આંખો મીંચી, કર્તવ્યપાલનની કર્મરેખાને લાંઘ્યા વિના આત્મનિષ્ઠાને આંચ ન આવે એ રીતે લક્ષ્યવેધ કરવાનો હતો.
મેરેથોન જેવી મહામંથનના અંતે.... માંહ્યલાની બાહેંધરી મળતાં ધર્મસ્થાના ધનુષ પર તસ્સ્લીનું તીર મૂકી પરમ પ્રતીતિ સાથે પણછ ખેંચતા મનોમન મનપ્યાસી મીનનો મિલિન્દે અચૂક લક્ષ્યવેધનું કરવાનું પ્રણ લઇ જ લીધું.
હવે સમય થયો રાત્રીના દસ વાગ્યાનો..
જશવંતલાલ અને જગન સાથે સંગીન અને રંગીન છતાં બ્લેક એન્ડ વ્હાઈટ ચર્ચાચિત્ર પર પડદો પાડી અચાનક ઉભાં થતાં મિલિન્દ બોલ્યો..
‘ઠીક છે, હું ઉપર જાઉં છું.’
ભવ્ય છતાં ભેદભરમ અને ભીતિભર્યા ભાવી તરફ ડગ માંડતા મિલિન્દને જશવંત અને જગન નિશબ્દ થઇ જોતાં રહ્યાં.
ભારે ચિત્ત અને ચરણ સાથે ધીમે ધીમે એક પછી એક સીડીના પગથિયાં ચડી ડાબી તરફના ખૂણા પર આવેલાં બેડરૂમના બારણે ટકોરા મારતાં અંદરથી ધીમો અવાજ સંભળાયો..
‘આપ ભીતર આવી શકો છો.’
ઓરડામાં પ્રવેશતાં ઝાંખા પ્રકાશમાં નજર કરી જોયું તો, રૂમની મધ્યમાં આવેલાં સોફા પર સાડી પહેરીલી યુવતી નીચી નજર ઢાળી બેઠી હતી. શાયદ અજવાળાથી અણગમો હશે એવી ધારણા સાથે સોફા સામેની ખુરશી પર મિલિન્દે આસન ધારણ કર્યું.
થોડીવાર સુધી બંને વચ્ચે સેતુ સંધાયો પણ ચુપકીદીનો.પરિચયની પહેલ કોણ કરે ? એ અસમંજસની સાંકળને તોડતાં બંને એકસાથે જ બોલ્યાં.
‘બોલો.’
આછા સ્મિત સાથે મિલિન્દ બોલ્યો.
‘મારી સામે એક એવાં પ્રબળ પ્રસ્તાવની પ્રસ્તુતિ કરવામાં આવી છે કે, જેને સમજવા અને પચાવવા માટે આ સમયે હું સંપૂર્ણ અસમર્થ છું. છતાં સભાન પણે કહું તો હું આ ઘડીએ પ્રસ્તાવ કરતાં તમારા એ પરિચય માટે વધુ ઉત્સુક છું, જેના વિશે ફ્ક્ત ને ફક્ત તમે જ જાણો છો.’
મિલિન્દની સામે જોઈ યુવતી બોલી.
‘કારણ પૂછી શકું ? અને તમારો નિર્ણય મારા અંગત પરિચય પર આધરિત છે ?
સાવ શાંતિથી મિલિન્દે ઉત્તર આપ્યો..
‘સોરી..આપણે પુછપરછ માટે નહીં પણ, એકબીજાને પીછાણવા માટે મળ્યાં છીએ.. અને રહી મારા નિર્ણયની વાત તો, લેવાય ગયેલો અંતિમ નિર્ણય હવે મારા માટે ગૌણ છે. જાતને રજામંદી આપ્યા પછી જ આપને મળવા આવ્યો છું. એટલે કોઈ મેન્ટલી કેમિકલ લોચો નથી, ઇટ્સ ક્લીઅર.’
‘શું જાણવું છે મારા વિષે ? યુવતીએ પૂછ્યું.
‘જે ફક્ત તમે જ જાણો છો. અથવા એવી કોઈ વાત જેના માટે હું આપને યોગ્ય લાગતો હોઉં.’ શાલીનતાથી મિલિન્દએ ઉત્તર આપ્યો.
‘મને મળ્યાં પહેલાં જ તમારો એકતરફી નિર્ણય લેવાનો આશય જાણાવશો ? કે પછી પ્રસ્તાવના પ્રલોભનની આડમાં તમે અજાણ બનવા માંગો છો ?
ફરી એક નવો સવાલ પૂછતા યુવતી બોલી.
અજાણતાં યુવતીએ મિલિન્દની દુઃખતી રગ પર પગ મૂકતાં મનોમન મિલિન્દની ચીસ નીકળી ગઈ છતાં પણ, અણધાર્યા પ્રહાર સામે પીઢતાની ઢાલ ધરતા મિલિન્દ બોલ્યો.
‘અને હું એમ કહું કે, પ્રસ્તાવને ઠુકરાવ્યા પછી પણ, મને માત્ર તમારા અંગત પરિચયનું પ્રલોભન છે તો ?
સણસણતી તલવાર જેવો મિલિન્દનો સંવાદ સાંભળીને યુવતીના કાન સરવા અને આંખો પોહળી થઇ ગઈ.
‘તો પછી ક્યા પરિબળના કારણે તમે તમારો નિર્ણય લીધો એ કહશો ? સવાલોનો સિલસિલો શરુ રાખતાં યુવતીએ ફરી પૂછ્યું.
ખુરશી પરથી ઊભા થઇ બાલ્કની તરફ જતાં તેની પીઠ યુવતી તરફ રાખી મિલિન્દ બોલ્યો.
‘નિર્ણય ? સાચું કહું, જશવંત અંકલ, જગન અંકલ અને આપ અંતિમ નિર્ણય લઇ ચૂક્યા છો. એટલે જ, આપણે બન્ને આ સ્તરના સંવાદની ભૂમિકા પર આવ્યાં છીએ. અને રહી વાત મારા નિર્ણયની તો, આ રહસ્યકથાથી મને હજુ થોડો સમય પહેલાં જ અવગત કરવામાં આવ્યો છે. પણ આ પ્રસ્તાવની પસંદગી માટે હું કાબિલ છું કે નહીં, એ મારે જાણવું છે. કર્મ કહાનીની પ્રસ્તાવનાના પ્રતિનિધિ કરતાં મારા કર્તવ્યનું કિરદાર અહમ છે, અને આજીવન નિભાવવાનું છે.’
મિલિન્દ તરફથી સ્હેજ પણ વિચલિત કે અસમંજસ વિના દરેક પ્રશ્નના અપેક્ષા કરતાં ઉત્કૃષ્ઠ ઉત્તર સાંભળી યુવતી સંતુષ્ઠ થતાં ઊભી થઇ, બેડ પાસેની સ્વીચ ઓન કરતાં પૂરો રૂમ રોશનીથી ઝળહળી ઉઠ્યાં પછી..મિલિન્દ નજીક આવી, હસ્તધૂનન માટે હાથ લંબાવી મિલિન્દની આંખોમાં જોઈ બોલી..
‘દેવલ.’ દેવલ જગન રાણા.’
‘એટલા જ ગર્મજોશીથી હાથ મીલાવતાં મિલિન્દ બોલ્યો..
‘મિલિન્દ. મિલિન્દ માધવાણી.’
-વધુ આવતાં અંકે..