Ek Chutki Sindur ki kimmat - 21 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 21

Featured Books
Categories
Share

એક ચુટકી સિંદૂર કી કિંમત - 21

પ્રકરણ-એકવીસમું/૨૧

‘જીજી..જી હું મિલિન્દ માધવાણીની પત્ની બોલું છું.’

ચુમાળીસ હજાર વોટ વીજળીના આંચકા જેવું આ એક વાક્ય સાંભળતા જ...

મહત્તમ જળ સપાટીની મર્યાદા પાર કર્યા પછી વિશાળ અને અતળ જળાશય તેની પ્રવાહના શક્તિ પ્રદર્શન પર આવી જતાં, જયારે મજબુત કિલ્લા જેવા બાંધની દીવાલો પણ તેના પ્રચંડ પૂર પ્રવાહની તાકાતને રોકવામાં અસમર્થ થઇ જાય પછી જે કલ્પના બહારની તારાજી સર્જાય... બસ એવી જ વસ્તુસ્થિતિનું નિર્માણ વૃંદાની આસપાસ આકાર લઇ રહ્યું હતું.

ખુદનું બાઘા જેવું પ્રતિબિંબ આઇનામાં જોતાં.... શરૂઆત થઇ સ્વ સાથેના સંવાદની

‘મિલિન્દ માધવાણીની પત્ની ?’ ના... ના.. આઆ..આ મિલિન્દયો મજાકના મૂડમાં છે. મેં ગુસ્સો કર્યો એટલે, હું ગુસ્સાને ગળી જાઉં એ માટે સાલાએ આ તરકીબ અજમાવી છે. ધ્રુજતા હાથે બે વાર નંબરની ખાત્રી વૃંદાએ ફરી કોલ જોડ્યો...

‘હેહેહેહેહેલ્લો..’
‘જી.. બોલો.’ ફરી એ સ્ત્રીનો મૃદુલ અને કોમળ સ્વર સંભળાયો. એટલે તૂટતા આત્મવિશ્વાસ અને અસમંજસતા સાથે સ્હેજ ગભરાતાં વૃંદાએ પૂછ્યું..

‘આઆ..આપ કોણ છો ?
‘દેવલ, શ્રીમતી દેવલ મિલિન્દ માધવાણી.’
આટલું સાંભળતા...
કોઈપણ કારણ વિના શંકાના આધારે સર્વોચ્ચ પદાધિકારીનું બંધ બારણે કોર્ટ માર્શલ થતાં જેમ તેના યુનિફોર્મ પર ગર્વચિન્હ જેવા સિતારા રીતસર ખેંચીને દુર કરી દેવામાં આવ્યાં પછી જે નિર્દોષ આત્મા પર કલંકના કોરડા વિંઝાતા, ઘવાયેલા સ્વાભિમાનની વેદના મુંગે મોઢેસહન કર્યા સિવાય જોઈ પર્યાય ન હોય એવી મનોસ્થિતિમાંથી વૃંદા પસાર થઇ રહી હતી.

કચડાયેલા સ્વપ્ન અને સ્વાભિમાન સાથે મહા મુશ્કિલથી મનોબળ મજબુત કરી, વૃંદા માંડ માંડ એટલું જ બોલી શકી..

‘કોકોકો...કોન્ગ્રેચ્યુલેશ...એન્ડ આઆ..આઈ એમ સો સોરી.’
કહી વૃંદાએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યાની સાથે અશ્રુધારાને રોકવા જોરથી પાંપણ ભીડી દીધી.


હવે ચાર દિવસ પહેલાં....

જયારે જશવંતલાલ અને મિલિન્દ બન્ને રવાના થયા મુંબઈથી દૂર મિલિન્દના મુકદ્દર સાથે મુકાલાતની મુલાકાત માટે.

‘મિલિન્દ, તારા ઘરે જાણ કરે દે કે, હું જશવંત અંકલ સાથે આઉટ ઓફ મુંબઈ જઈ રહ્યો છું, કયારે આવીશ એ નક્કી નથી. અને એવું લાગે તો પછી હું વાત કરી લઈશ. ત્યાં સુધીમાં હું તૈયાર થઇ જાઉં છું.’

‘પણ.. અંકલ મારા કપડાં, બેગ ?’ સોફા પરથી ઊભા થઇ મિલિન્દે પૂછ્યું
‘એ ચિંતા ન કર, બધી એરેજમેન્ટ કરી લઈશું. ચલ તું ફટાફટ ફેશ થઇ જા.’ આટલું કહી ડ્રાઈવરને કાર રેડી રાખવાની સૂચના આપી, જશવંતલાલ ઉતાવળે સીડી ચડતા ચડતા પહેલાં માળ પર ગયાં.

અચનાક શાંત પાણીમાં કાંકરીચાળો કર્યા પછી જે રીતે એક પછી એક અંનત વલયો વિસ્તરે તેમ મિલિન્દની મુંડીમાં કંઇ કેટલાય સવાલો સળવળવા લાગ્યાં, પણ હાલ મિલિન્દને ચુપ રહેવું ઉત્તમ રહેશે એવું વિચારીને તેના ઘરે કોલ કરીને ટૂંકમાં વિગત જણાવી દીધી.
આશરે અડધો કલાકના ડ્રાઈવ પછી કાર નેશનલ હાઇવેના પહોળાં રાસ્તા પર આવતાં ડ્રાઈવીંગ સીટ પર બેઠેલાં જશવંતલાલ બોલ્યાં.

‘તારા ચહેરા પરના પ્રશ્નાર્થભાવ જેવા ચિન્હો અને અકળાવતી ઉત્સુકતા એ વાત જાણવાની ચાડી ખાય છે કે આપણે. ક્યાં, કેમ અને કઈ દિશામાં જઈ રહ્યાં છીએ, સાચુંને ?’

‘અંકલ.. તુફાન ઉઠને કે બાદ ગહેરે બીચ સમંદરમેં અગર ખુદા, નાખુદા હો તો ફિર કીસ બાત કા ખૌફ ? જહાજના કપ્તાનને જાત કરતાં જહાજનું જતન જીવથી વધુ વ્હાલું હોય.’
ભારોભાર આત્મવિશ્વાસથી છલકાતા મિલિન્દના પ્રત્યુતરથી તેજ ગતિમાં દોડતી કારની સાથે સાથે જશવંતલાલે વિચારેલી વ્યૂહરચનાને પણ વેગ મળી ગયો.

સળંગ બે કલાકના ડ્રાઈવ પછી હાઇવે પરના એક વેલનોન રેસ્ટોરન્ટ પર જશવંતલાલે કાર થંભાવી ત્યારે સમય થયો હતો બપોરના આશરે અઢી વાગ્યાનો..

ફ્રેશ થઇ, બન્ને અલાયદા વાતાનુકુલિત રેસ્ટોરન્ટના એક કોર્નર પર બે વ્યક્તિની બેઠકના ટેબલ ફરતે મુકેલી આરામદાયક ખુરશી પર ગોઠવતાં જશવંતલાલ બોલ્યાં..

‘હાઇશ... હવે કિસ્સો કહેવાની અને આગળનો રસ્તો કાપવાની મજા આવશે. ચલ દીકરા, ફટાફટ ઓર્ડર આપ પેટમાં બિલાડા બેલે કરે છે.’

મેન્યુમાં આડીઅવળી નજર મારી, વેઈટરને બન્નેની મનપસંદ વાનગી લાવવાનો આદેશ આપ્યાં પછી મિલિન્દ બોલ્યો..

‘અંકલ....હવે પ્રવર્તિત થવાના પ્રારબ્ધની ઝાંખી પર ઝાંખો પ્રકાશ પડશો તો..મારી કંઇક ભૂખ ઉઘડશે.’

મસાલા પાપડના બાઈટ સાથે ઠંડી છાસનો ગ્લાસ મોઢે માંડી, મિલિન્દની સામું જોઈ જશવંતલાલ બોલ્યાં..

‘જગન રાણા. આપણે મારા દિલોજાન દોસ્ત જગન રાણાને મળવા જઈ રહ્યાં છીએ. રાજકોટથી આશરે ચાળીસેક કિલોમીટર દૂર ગોંડલ નજીક તેના ફાર્મહાઉસ ખાતે આવેલાં બંગલા પર. હવે હું તને તેના પરિચયથી પરિચિત કરાવું.’

‘હું ભૂલતો ન હોઉં તો આ એ જગન રાણા છે, જેની પુત્રીના લગ્નમાં તમે ગયાં હતાં.. એમ આઈ રાઈટ ? મિલિન્દે પૂછ્યું

‘યસ, હન્ડ્રેડ પર્સન્ટ રાઈટ.’ એમ કહી જશવંતલાલ, જગન રાણા સાથે તેની આત્મીયતાની આપવીતીને વિસ્તારથી સમજાવતા બોલ્યાં..

‘જગન રાણા. જેટલું વજનદાર નામ એવા જ વજનદાર સ્વજન જેવું વ્યક્તિત્વ. નામ સાંભળીને કોઈ પડછંદ કાયા ધરાવતાં બાહુબલી પુરુષનું ચિત્ર નજર સમક્ષ ઉપસી આવે પણ, સામાન્ય કદ કાઠી પ્રેમાળ અને હસમુખ વ્યક્તિત્વ ધરાવતા જગનને જોતા લાગે કે જાણે પરોપકારી પર દુઃખભંજનનો ભેખ ધારણ કરી કોઈ ફકીર કે ઓલિયો દરબાર ભરીને બેઠો છે. મૃદુભાષી. જન કલ્યાણએ એ જ તેની દિનચર્યા. માપ વગરની મિલકતનો ધણી. વર્ષોથી એકધારા શ્વેત ખાદીધારી વસ્ત્ર પરીધાનમાં ગામના બિનહરીફ સરપંચ તરીકે નિસ્વાર્થ સેવા નિભાવતો. લોકો પ્રેમ અને અસીમ લોકચાહનાથી તેને જગન રાણા નહીં પણ, જગન બાબા કહેતા. તેની આ સાફ સુધરી છબીને કારણે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી અને ટોચના રાજકારણીઓમાં પણ તેનું નામ આદર સાથે લેવાતું. પણ હકીકતમાં આ જાહોજલાલી અને વિશેષ વ્યક્તિત્વના ગુણધર્મ માટે જગન આભારી હતો તેની સ્વ.પત્ની કેસરના સ્વ.મામા ગિરીરાજસિંહ જાડેજાનો.’
જશવંતલાલની અસ્ખલિત વાણીને અવરોધતા વચ્ચે મિલિન્દ બોલ્યો..

‘ઇન્ટરેસ્ટીંગ.. તમારા કહેવા મુજબ જેમ દૂર દૂર સુધી તેમની ખ્યાતિ ફેલાયેલી છે, તે મુજબ તેમનો પરિચયના વૃતાંતનો વિસ્તાર પર વિસ્તૃત જ હશે ને ?’
ચમચીથી ક્રીમ સલાડ લઇ મોઢામાં મૂકતા મિલિન્દે પૂછ્યું.

‘મિલિન્દ, તેના પરિચયના અનેક પાસા છે, માત્ર વિસ્તૃત નહીં પણ અનન્ય, ઊંડું, માર્મિક અને માયાળુ. હવે ધ્યાન દઈને સાંભળજે... એટલે માટે કે, જયારે તારે અંતિમ નિર્ણય લેવાનો આવે ત્યારે સ્હેજે અસમંજસનો અવકાશ ન રહે.’

એ પછી જશવંતલાલ એ ગિરીરાજસિંહ, કેસર અને જગન રાણાના અસાધારણ અતીત અધ્યાયનો આરંભ કરતાં બોલ્યાં....

પેઢી દર પેઢીથી વારસાઈમાં મળેલાં ગોંડલ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતાં ગામના સરપંચ પદે બિનહરીફ ચૂંટાઈને આવતાં ગિરીરાજસિંહ એ લોક કલ્યાણના લાભાર્થે આજીવન અવિવાહિત રહેવાનું પ્રણ લીધેલું. આ જગન તેના ગાઢ મિત્ર અને પાડોસી મહેન્દ્ર રાણા અને તેની પત્ની નયનાનું એકમાત્ર સંતાન. જગનના પિતા મહેન્દ્ર ઇન્ડિયન આર્મી મેન. વર્ષમાં માંડ એકાદ મહિનો વતન આવે. જગનના જન્મ પછી તેની માતા નયનાબેનને એક અસાધ્ય બીમારી લાગુ પડી ગઈ, પણ તે રોગનું રાઝ સૌથી છુપાવી રાખ્યું. એક દિવસ પાકિસ્તાન સરહદે ફરજ બજાવતાં મહેન્દ્ર શહીદ થઈ ગયાં એ સમાચાર નબળા હ્રદયના નયનાબેન માટે જીવલેણ સાબિત થયાં.. ત્યારે જગનની ઉંમર બારેક વર્ષની હશે. જગનનું નાનપણ ગિરીરાજસિંહને ત્યાં જ પસાર થયેલું. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યાં પછી જે લાડકોડથી ગિરીરાજએ જગનનું જતન કર્યું, તેનાથી ક્યારેય જગનને સ્હેજે વાત્સલ્યની ખોટ સાલવા નહતી દીધી.

અને એથીયે બમણા વ્હાલથી ગિરીરાજે ઉછેરી હતી તેની સગી બહેનની દીકરી કેસરને. કેસર જયારે ત્રણ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા એક લૌકિકક્રિયાએથી પરત ફરતા મધ્ય રાત્રીએ અમદાવાદ- રાજકોટ હાઇવે પર ચોટીલા નજીક એક ગમખ્વાર અકસ્માતનો ભોગ બનતા ઘટના સ્થળે જ બન્નેએ અંતિમવાટ પકડી લીધી હતી. એ કારમો આઘાત પચાવતાં ગિરીરાજને વર્ષો લાગ્યાં.

કેસર ઉંમરમાં જગન કરતાં ત્રણ વર્ષ નાની. કાળક્રમે જગન ગિરીરાજનો પડછાયો બની ગયો. અને કેસર અભ્યાસના અધ્યાનમાં ઊંડી ઉતરતી ગઈ. મામા ગિરીરાજ કેસરની માંગ પહેલાં તેની ઈચ્છા પૂરી કરી આપતાં. તેની રુચિના અભ્યાસક્રમ માટે રાજ્ય બહાર જવાની પરવાનગી પણ ગિરીરાજે હસતાં મોઢે આપી હતી. ખુબ જ શાંત સ્વભાવની કેસરના સુખ દુઃખનો એક જ સાથી હતો.. જગન. જગનની સાદગીથી તે પ્રભાવિત હતી. સમયાંતરે ઉંમરના થાકના કારણે ગિરીરાજે તેના ઉતરાધિકારી તરીકે જગનની વરણી કરી તેની સાર્વજનિક ઘોષણા પણ કરી દીધી હતી. અને સૌ ગામજનો એ ગિરીરાજના આ નિર્ણયને સહર્ષ વધાવી પણ લીધો હતો.
અને જગને ગિરીરાજના વિશ્વાસને સવાયો કરી તેના કર્તવ્યનો પરિચય પણ આપ્યો હતો.


પણ.. એકદિવસ અચાનક કેસર તેના માસ્ટર્સનો અભ્યાસક્રમ અધવચ્ચેથી પડતો મૂકીને ગામડે પરત આવી ગઈ. પાછી વળેલી કેસરની વાણી, વર્તન અને વિચારશૈલીમાં આવેલાં અમાન્ય પરિવર્તનથી મામા ગિરીરાજ સતત ચિંતિત રહેવાં લાગ્યાં. ગિરીરાજની ચિંતાનો તાગ લાગવાતા જગને તેમને હૈયાધારણ આપી, કેસરની અશાંત ચિત્તની અટકળનું તળ જાણવા કેસર જોડે એકાંતમાં કેસરની પ્રકૃતિના પારખું જગને ખાસ્સો સમય મસલત કરી પણ, છેવટ સુધી કેસરે સબ સલામતનો એક જ રાગ આલાપ્યે રાખ્યો.

અબજોની સંપતિ હોવા છતાં ગિરિરાજને મનમાં એક જ ડંખ ખૂંચ્યા કરતો કે, ક્યાં ભૂલી આવી કેસર તેનું સ્મિત ? ક્યાં ઊણો પડ્યો મારા પ્રેમ, પૈસો, પાવર, પદ પ્રતિષ્ઠા ? એક પછી એક ભીતિ, ભેદ અને ભયનું ભારણ વ્હાલ પર એટલી હદે હાવી થી ગયું કે, છેક મધ્યરાત્રી એ ચિંતાના ચકડોળે ચડેલી નિદ્રાએ ગિરીરાજને સીધો દેવલોક પહોંચાડી દીધો.

આ તલવારના ઝાટકા જેવા સદમાએ કેસરને બૂત બનાવી દીધી.


જયારથી ગિરીરાજે જગનને તેના કારોબારની બાગડોર સોંપી હતી ત્યારે જ તેની તમામ સંપતિનું દસ્તાવેજીકરણ કેસર અને જગનના નામે બરાબરના ભાગે કરી નાખ્યું હતું. પણ હકીકતમાં વારસામાં જગનને નાણા કરતાં નામ મોટું મળ્યું હતું.

ગિરીરાજના સ્વર્ગવાસ સમયે જગનની ઉંમર હતી સત્યાવીસ વર્ષ અને કેસરની ચોવીસ વર્ષ. બન્નેએ સમજણની ઉંમરથી ગિરીરાજને તેના માતા-પિતાના સ્વરૂપમાં જોયા હતાં. એટલે આ ઊંડી ખાઈ જેવો ખાલીપો બન્ને માટે સમકક્ષ હતો. અને સાંત્વના પણ સહિયારી જ રહી.

ગિરિરાજના દેહાંતના બે અઠવાડિયા પછી. પૂનમની અજવાળી રાતના અજવાસમાં ફળિયામાં ઢાળેલા સિંદરીના ખાટલા પર બેસેલાં જગને ઉંબરાને અડીને આવેલાં પગથિયે નીચી નજર ઢાળી ચુપચાપ બેસેલી કેસરને ધીમા અવાજે પૂછ્યું.

‘કેસર, હજુ તું બાપુના આત્માને કેટલો દુઃખી કરીશ ? જે ચિંતાની ચિતામાં બાપુ રાખ થઇ ગયા એ આગને શું લેવાને હવા આપશ ?’

કેસર નિશબ્દ રહી..

‘તને એવું તે વળી ક્યુ દખ વગળી ગ્યું છે કે, તને કોઈનો જીવ પણ વ્હાલો નથી ?
સ્જેહ અકળાઈને જગન બોલ્યો.

ફરી કેસરનો એ જ પ્રતિભાવ. જમીનમાં ખોડાઈ ગયેલી નજરો સાથે નિરુત્તર બેસી રહી.

‘બાપથી સવાયા સમજી, જયારથી તેની આંગળી ઝાલી હું દુનિયાદારીની કેડીએ ચાલતાં શીખ્યો છું, ત્યારથી મને યાદ કે કોઈ દાડો તેમને મેં ઓછુ નહતું આવવા દીધું. પણ તેના માટે જીવલેણ સાબિત થયેલો તારા મણ એકના મૌનનો ભાર હું ઓછો ન કરી શક્યો તેનો રંજ મને મારતાં સુધી ખટકતો રહેશે. કેસર...તેમના પાવન આત્માને મોક્ષ અને મને આ અપરાધભાવ માંથી મુક્તિ મળે તે માટે હું શું કરું કે ?’
આટલું બોલતા ભારે અવાજ સાથે જગનનું ગળું અને આંખો બંને ભરાઈ આવી..


બે મિનીટ સુધી કેસર જગનની સામું જોયાં કર્યા પછી હળવેકથી ઊભી થઇ, માથું સાડીના પાલવથી ઢાંકી,ખાટલે બેસેલાં જગનના પગ પાસે બેસી, જગનની સામું જોયા કર્યું. એટલે જગન કેસરનો હાથ ઝાલતા બોલ્યો..

‘અરે... રે...અહીં ઉપર બેસ..’

જગનનો હાથ પકડતાં કેસર બોલી.
‘જ્યાં બેઠી છું, ત્યાં બેસવાની અનુમતિ સાથે આશીર્વાદની અભિલાષા ઝખું છું.’
પ્રશ્નાર્થ જેવો પ્રત્યુતર સાંભળતા કુતુહલ સાથે જગને પૂછ્યું..
‘એટલે... હું કંઈ સમજ્યો નહીં ?
‘જગન....તું... ’ આગળ બોલતાં કેસર અટકી ગઈ..
‘હા.. બોલ કેસર...’ અધીરાઈથી જગને પૂછ્યું.
‘તું.. મારી જોડે લગ્ન કરીશ ?’ વાક્ય પૂરું થતાં કેસરની આંખો છલકાઈ ગઈ..

લાઈફમાં સમજણશક્તિના સમયથી લઇને અત્યાર લગીની યુવાવસ્થા સુધી જગને સ્વ. ગિરીરાજની છત્રછાયામાં રહી, સમય સંજોગને આધારિત જિંદગીના ચડાવ ઉતારમાં જે કોઈપણ સુખ દુઃખના આંચકાનો અનુભવ કર્યો હતો તેમાં આજે કેસરનું વાક્ય..
‘તું.. મારી જોડે લગ્ન કરીશ ? એક અકાલ્પનિક અનિર્ણિત આંચકાથી ઉતરતું નહતું.
થોડીવાર માટે તો જગનને તેના કાન પર ભરોસો નહતો બેસતો. કારણ કે, કેસર જગન માટે એકાધિકાર ધરાવતી મિત્રત્વના માયાની મહામુલી મૂડી, એક સ્નેહીજન સાથીદાર તરીકેની સંપદા. જગનના વણકહ્યા કિસ્સાની હિસ્સેદાર. ગફલત કે ગલતફહેમીમાં પણ કેસર વિષે જગનને અમાન્ય અનુબંધનો ખ્યાલ સુદ્ધાં નહતો આવ્યો. તો સામા પક્ષે કેસરનું વર્તન પણ એવું જ હતું.
‘કેમ.. આટલું બધું વિચારવું પડે છે ? હું તારા લાયક નથી એવું છે ? કેસર બોલી.


‘આઆ...આ તું શું બોલે છે, કેસર ? તારા અને બાપુના મારા પર એટલા ઉપકાર છે કે, મારા ચામડા ઉતારીને તેના ખાસડા પહેરાવું તો પણ તમારું ઋણ ન ચૂકવી શકું કેસર. અને રહી વાત લાયકની તો.....પુજારીને આજીવન ઈશ્વરની આરાધનાનો ઈજારો મળે, આધિપ્તિત્યનો નહીં. મહામુલા પાદુકાનું સ્થાન ચરણોમાં જ હોય, તેને શિશની શોભા ન બનાવાય કેશર.’


‘જગન, મને ‘હા’ અથવા ના માં ઉત્તર જોઈએ છે. તને કોઈની બીક છે ?
જગનના ચરણોમાંથી ઊભા થતાં કેસર બોલી.

‘પણ... કેસર સમાજ શું વાતો કરશે ? સમાજને કોણ જવાબ આપશે ? બાપુને દેવ થયાને હજુ પંદર દહાડા જ થયાં ત્યાં આવડો મોટો નિર્ણય યોગ્ય છે ?

‘હું... હું આપીશ જવાબ સમાજને. કે હું મારી રાજીખુશીથી તારી જોડે સંસાર માંડી રહી છું, બોલ. હવે કોઈ અડચણ છે ? બેધડક થઇ કેસરે ત્વરિત જવાબ આપ્યો.

કેસરનું અંતિમ નિર્ણય જેવું સચોટ અને સ્પષ્ટ નિવેદન સાંભળ્યા પછી પણ જગન એ અસમંજસમાં હતો કે, તે કોઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? અંતે સ્વ સાથે સંમત થઈ, પારાવાર પ્રશ્નાર્થ શ્રુંખલા પર પૂર્ણવિરામ મૂકતાં વિચાર્યું કે...

જો પ્રારબ્ધમાં પરમેશ્વરની મૂક સંમતી સાથે શુભાશિષ હોય તો જ દાંપત્યજીવનની સફરમાં કેસર જેવી હમસફરનો સાથ મળે.

કેસરની નજદીક જઈ, થોડીવાર તેની આંખોમાં જોઈ રહ્યો, એટલે કેસરે પૂછ્યું..
‘વિચારીને જુએ છે કે, જોઇને વિચારે છે ?’

‘વિચારી એ રહ્યો છું કે, મારા આનંદના અનુભૂતિની અસરમાં કોઈ કસર ન રહી જાય એટલે ઈશ્વરે કેસર સાથે કેટલી સરળતાથી સદ્દભાગ્યનું સંધાન જોડી દીધું. અને તારી આંખોમાં મારી છબી જોઈને કહેવાનું મન થાય છે, કે....’ અત્યંત સુખદાશ્ચર્ય સાથે જગન બોલ્યો..

હર્ષાશુ સાથે વધુ નજદીક આવતાં કેસરે પૂછ્યું, ‘શું જોઈ રહ્યો છે જગન ?’

‘મને તારી પસંદ ગમી.’ અનન્ય ઊર્મિના ઉમળકાથી જગન બોલ્યો.

અને એ સાથે જ .... શરમાઈ, સજળનેત્રે કેસરે જગનની છાતી પર માથું ઢાળી દીધું.

બે દિવસ પછી સૌની રાજીખુશી અને ખુબ સાદગીથી ગણ્યાં ગાંઠ્યા પરિવાર જનો અને મિત્રવર્તુળના આશીર્વચન સાથે કેસર અને જગન પરિણયના પૂર્વાપર સંબંધના તાંતણે બંધાઈ ગયા.

એક દિવસ...સવારના આઠેક વાગ્યાની આસપાસ.
ગાળામાં ટુવાલ વીંટાળી, પાંચ બાય સાતના ટચુકડા આઈનામાં જોઈ જગન શેવિંગ કરી રહ્યો હતો, ત્યાં કિચનમાંથી બહાર આવતાં કેસર બોલી..

‘દાઢી કરી લે, પછી એક વાત કહું.’
‘કાન પર દાઢી નથી કરવાની...’ હસતાં હસતાં જગન બોલ્યો..
‘એ તો મને પણ ખબર છે પણ... વાત સાંભળી અસ્ત્રા પર અંકુશ ન રહે તો ગમે ત્યાં ફરી વળે ?’ હીંચકા પર બેસી હસતાં હસતાં કેસર બોલી

‘રેઝર ચલાવું છે, બુલડોઝર નહીં સમજી. બોલ, શું વાત છે ?’ ચહેરા પર શેવિંગ ક્રીમ ચોપડતા જગન બોલ્યો..

હીંચકા પરથી ઊભા થઇ, જગનની પડખે જઈ, તેની પીઠ પર માથું ટેકવતા હળવેકથી બોલી,

‘શું નામ રાખીશું આવનારા બાળકનું ?

અને એ સાથે જ અસ્ત્રાના નાના એવાં ઘસરકાથી જગનના ગાલ પર રક્તની ધાર વહી નીકળી.. અને શરમથી લાલચોળ થઇ ગયેલું તેનું મોં કેસરે જગનની છાતીમાં છુપાવી દીધું.

જેમ જેમ સમયચક્ર ફરતું રહ્યું તેમ તેમ કેસરના ઉદરમાં ઉછરતા સંતાનની સાથે સાથે કેસરનું સ્વાસ્થ્ય પણ કથળતું ગયું. ધીમે ધીમે કેસર કરમાવા લાગી. શરીર ક્ષીણ થવાં લાગ્યું. માતૃત્વનો મર્મ વાગોળે એ પહેલાં કોઈ ઘાત જેવી માર્મિક વાતના બોજ તળે કેસર દબાવા લાગી.

અંતે એક અમાસની કાળી રાત્રે અચાનક કેસરને પ્રસવ પીડા ઉપડતાં કેસરને લઇ જગને કાર દોડવી શહેર તરફ..
શહેરના ખુબ જાણીતા અને નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટની દેખરેખ હેઠળ કેસરના પ્રસુતિની ઘડીઓ ગણાવા લાગી... આશરે કલાક પછી ઓપરેશન થીયેટરની બહાર આવી ડોકટર બોલ્યાં...

‘અભિનંદન... પુત્રીના પિતા બનવા બદલ. પણ...’ મુખ પર માયૂસીના ભાવ સાથે આગળ બોલતાં અટકી જતાં...

છલકાતી આંખો સાથે બે હાથ જોડતાં જગન બોલ્યો..
‘પણ, શું ડોકટર..?
‘આપના પત્નીના આયુષ્યની અંતિમ ઘડીઓ ગણાઇ રહી છે... આઈ એમ સોરી. આપ અંદર જઈ, તેમને મળી શકો છો.’

મક્કમ મનોબળ સાથે ગમે તેવા ગમને ગળી ગયેલો જગન રીતસર ફસડાઈને બેન્ચ પર બેસી ગયો... માંડ માંડ ઊભા થઇ, ધ્રુજતા પગે ડગ માંડતા ઓપરેશન થીયેટરમાં દાખલ થયો.

ઊંડી ઉતરી ગયેલી લાલચોળ આંખોએથી છલકાતી અશ્રુધારા સાથે કેસરના પડખામાં આંખો મીંચેલી રૂના પૂમડા જેવી કોમળ પુત્રીને જોઈ જગનના પંડમાં રોમાંચ સાથે કંપારી છુટી ગઈ.

આંખોના ઈશારાથી કેસરે નજીક બોલાવતાં હળવેકથી તેની બંને હથેળી કેસરના ગાલ પર રાખતાં જગનની આંખે જાણે ચોમાસું બેઠું.

છાતી પર જાણે કે, હિમાલય જેવા પર્વતનો બોજો હોય એમ હાંફતા હાંફતા કેસર બોલી..

‘જગન... શક્ય હોય તો મને માફ કરી દેજે... આઆ...આજે હું તારા એક ચુટકી સિંદૂરની કિમત અદા વગર જઈ રહી છું.. ઈશ્વર પણ મને માફ નહીં જ કરે કેમ કે...’

એ પછી ત્રુટક ત્રુટક અવાજમાં આશરે સળંગ વીસેક મિનીટના વાર્તાલાપને અંતે કેસર એટલું બોલી..

‘દીકરીને તારા જેવી બનાવજે... અને....’

આટલું બોલી, જગન સામે બે હાથ જોડી, કશું બોલવા જાય ત્યાં...શ્વાસ ખૂટી ગયા. જગનના જગતમાં અનંત શૂન્યાવકાશ સર્જી કેસરે સ્વર્ગની વાટ પકડી લીધી.


-વધુ આવતાં અંકે..