આગળ જોયું કે બધાના રિઝલ્ટ સારા આવે છે અને મયુર પણ યુનિવર્સિટી ફર્સ્ટ આવે છે. નોકરી અને રિઝલ્ટ ની ખુશીમાં મયુર તેમના મિત્રોને પાર્ટી આપે છે. મયુર પોતાની નોકરી પૂરી ધગશ અને મહેનતથી કરે છે જેથી તેની કંપનીમાં તેના કાર્યની સરાહના કરવામાં આવે છે છતાં મયૂરને સંતુષ્ટીનો એહસાસ નથી થતો.
હવે આગળ
* * * * * * * * * * * * *
મયૂરને કંપનીમાં કામ કરવું પણ ગમતું જ હતું તે હંમેશા પોતાનું કામ ખૂબ ઉત્સાહથી કરતો. ક્યારેક કામનું પ્રેશર વધારે હોય ત્યારે પણ રાત દિવસ જોયા વગર મયુરે કામને પ્રાધાન્ય આપ્યું હતું. કદાચ એટલે જ તેમના ઉપરી અધિકારી અને કંપનીના માલિકે ખૂબ ઓછા સમયમાં મયુરનો પગાર વધારી આપ્યો હતો અને થોડા સમય પછી મોટો હોદ્દો આપવાનું પણ વિચારી રાખ્યું હતું.
મયૂરને કંપનીમાં પૂરું માન સન્માન મળી જતું. તેના ઉપરી અધિકારીઓ પણ તેને સન્માનથી બોલાવતા. છતાં મયુર જ્યારે એકલો પડતો ત્યારે ન જાણી શકાય તેવો અજંપો અનુભવતો. મયુર તેવા સમયે ખૂબ જ વ્યાકુળ થઈ ઉઠતો. આવા સમયે તે તેમના મિત્રોને ફોન કરી લેતો. તેમના મિત્રોને પણ નાની મોટી નોકરી મળી ગઈ હતી એ જાણીને મયૂરને રાહત થતી.
મયુર એક રાતે અચાનક ઊંઘમાંથી જાગી ગયો અને વિચારોમાં ખોવાય ગયો. શું પોતે જિંદગીભર આ નોકરીમાં જ પસાર કરી દેશે? પોતે સેવેલું સ્વપ્ન સાકાર નહિ કરે? શું પોતે પોતાનો કિંમતી સમય વેડફી રહ્યો છે? મયુરના આવા અનેક પ્રશ્નો એ મયુરની ઊંઘ વેરવિખેર કરી નાખી. આવા સમયે મયૂરને તેના મમ્મી પપ્પાની ખૂબ જ યાદ આવી રહી હતી. જો એના મમ્મી પપ્પા હયાત હોત તો મયૂરને આવા સમયે શું કરવું જોઈએ તેની યોગ્ય સલાહ જરૂર મળી જાત. મયુરે હવે સ્વીકારી લીધું હતું કે જીંદગીના કઠિન નિર્ણયો પણ હવે પોતાની જાતે જ લેવા પડશે માટે એક નિર્ણય નક્કી કરીને સુઈ જવાના પ્રયત્નો કર્યા.
બીજા દિવસે નોકરી પર પહોંચતા જ તે કંપનીના માલિકની ઓફિસમાં પહોંચે છે. માલિકે થોડા આશ્ચર્ય સાથે મયૂરને સવારમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. મયુરે થોડા ગંભીર થતાં સ્પષ્ટ શબ્દોમાં માલિકને કહ્યું કે આપની કંપનીમાં થોડા સમયમાં જ મને ઘણું શીખવા માળ્યું છે અને મને આટલું માન સન્માન આપવા માટે હું આપનો જિંદગીભર ઋણી રહીશ. હું ખાસ તો આપની પાસે એ માટે જ આવ્યો છું કે હવે પછી હું આપની કંપનીમાં સેવા નહિ બજાવી શકું. મયુરનું આટલું કહેતા જ માલિકની આંખો પહોળી થઇ ગઈ હતી. માલિકને મયુર પાસે ખૂબ જ અપેક્ષા હતી. ખાસ મયુરની કામગીરીને જોતા જ એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું માલિક વિચારી રહ્યા હતા એમાં મયુરે અચાનક જ કંપનીને છોડી દેવાની વાત કરતા માલિકને એક આંચકો લાગ્યો. થોડી વાર તો માલિકને મયુરની વાત પર ભરોસો નહોતો બેસતો પરંતુ મયુરે આગળ સમજાવતા કહ્યું કે સાહેબ હું પણ એક નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છું. હું ક્યાં પ્રકારનો બિઝનેસ કરીશ એ તો મને હાલ ખબર નથી પરંતુ હવે પછીનો બધો જ સમય હું નવા બિઝનેસ ની શોધમાં પસાર કરીશ એવું મે નક્કી કર્યું છે. માટે મારા આ રાજીનામા પત્રને સ્વીકારવા વિનંતી છે. મયુરે એક પરબીડિયું માલિકને અંબાવતા પોતાની વાત પૂર્ણ કરી.
માલિકે થોડી વાર કોઈ પ્રત્યુતર વાળ્યા વગર જ મયૂરને નીરખી રહ્યા. મનોમન જ મયુરના જુસ્સા પ્રત્યે માન ઉપસી આવ્યું. અને પછી મયૂરને સમજાવતા કહ્યું કે જો બેટા તે અત્યાર સુધી કંપનીના હિત માટે ઘણા જ સારા કાર્યો કર્યા છે. તારી કામ કરવાની અને નીચેના કર્મચારીઓ પાસે કામ લેવાની પદ્ધતિ પણ ખૂબ સારી છે. તું કદાચ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે એ મને પૂર્ણ વિશ્વાસ છે. એ સાથે જ મને મારો શ્રેષ્ઠ કર્મચારી છુટ્ટા થવાનું પણ દુઃખ છે. તારા જેવો કર્મચારી મને અત્યાર સુધીમાં નથી મળ્યો. હું ધારું તો તને હજુ ૬ મહિના આ કંપનીમાં જ કામ કરવાની ફરજ પાડી શકું તેમ છું પરંતુ તારી અત્યાર સુધીની શ્રેષ્ઠ કામગીરીના કારણે હું તારી સાથે કોઈ અન્યાય કરવા નથી માંગતો. પરંતુ બેટા મારી તને એક સલાહ છે કે ખૂબ લાંબા ગાળાનું વિચારીને તારો બિઝનેસ શરૂ કરજે જેથી આગળ પસ્તાવવું ના પડે. મારા આશિષ હંમેશા તારી સાથે રહેશે અને મારા લાયક કોઈ કામ હોય તો પણ નિઃસંકોચ કહેજે મારાથી બનતા પ્રયત્નો હું જરૂર કરીશ અને તારા માટે આ કંપનીના દ્વાર હંમેશાં ખુલ્લા રહેશે જો કદાચ ભવિષ્યમાં તારો વિચાર બદલાઈ તો બેઝિઝક તું આવી શકે છો. જા અત્યારે હું તને આજથી જ તારી ફરજમાથી મુક્ત કરું છું.
મયુર માલિકના વચનો સાંભળીને ભાવુક થઈ ગયો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કારણ કે માલિકના શબ્દો તેને પિતાતુલ્ય લાગ્યા. માલિકના ચરણો સ્પર્શ કરી મયુરે આશીર્વાદ લીધા. માલિકે પણ મયૂરને દીકરો સમજી ગળે મળીને ભેટી પડ્યા. મયુરે ખૂબ જ ભવુકભાવે માલિકની વિદાય લીધી. કંપનીના ઉપેરી અધિકારી અને તેના સહકાર્યકરોની વિદાય લઈ મયુર ઘરે આવ્યો.
મયુર ઘરે આવતા જ નોકરી છોડી દીધી ના સમાચાર મીનાક્ષી અને તેના મિત્રોને ફોન કરીને આપ્યા. ત્યારે બધાએ તેને ઠપકો આપ્યો કે હજુ ક્યો બિઝનેસ શરૂ કરવો એ પણ ખબર ના હોવા છતાં અત્યારથી નોકરી છોડી દેવાની શું જરૂર હતી. નોકરી શરૂ રાખીને જ નવા બિઝનેસ ની જાણકારી મેળવી લેવાની જરૂર હતી. જો કે તે બધા તેમની દૃષ્ટિએ સાચા જ હતા પરંતુ એવું કરવામાં કંપનીનું કામ હું સારી રીતે ના કરી શક્યો હોત! હું મારા સ્વાર્થ ખાતર કંપનીને નુકસાન થાય એવું ના જ કરી શકું. કદાચ આ માટે જ મે નોકરી છોડવાનો યોગ્ય નિર્ણય કર્યો છે. મે અત્યારે નોકરી છોડી એનો કોઈ રંજ નહોતો. પરંતુ હવે આગળ ક્યાં બિઝનેસમાં આગળ વધવું એ જ વિચારવાનું રહ્યું. આ માટે મીનાક્ષી નો અભિપ્રાય કેવો રહેશે એ જાણવા મીનાક્ષી પાસે પહોંચી ગયો.
મીનાક્ષી પણ મારા મિત્રોની જેમ જ મારા નોકરી છોડી દેવાના નિર્ણયથી નારાજ હતી. પરંતુ મે મારા મુખ્ય ધ્યેયને યાદ કરાવતા તેને મનાવી લીધી. તેની પાસે જ આગળ ક્યાં બિઝનેસમાં આગળ વધવું તેનો અભિપ્રાય માંગ્યો. ત્યારે મીનાક્ષીએ ખૂબ જ ટૂંકા શબ્દોમાં કહ્યું કે જે દિલ કહે તેમાં આગળ વધ. કારણ કે હું કોઈ પણ બીઝનેસ વિશે તને કહીશ તો એમાં તારું મન નહિ હોય તો એમાં તું આગળ નહી વધી શકે. જ્યારે તને અંદરથી એવા કઈ બિઝનેસ નો વિચાર આવશે એ જ સાચો સમજજે. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે જ છું.
મીનાક્ષી ના શબ્દો મયૂરને સાંત્વના આપવા માટે પૂરતા હતા. મયુરે આગળ જે મીનાક્ષીને વાત કરી એ સાંભળી ને મીનાક્ષી ને ખુબ આઘાત લાગ્યો. મયુરે મીનાક્ષીને કહ્યું કે હું જ્યાં સુધી કોઈ નવો બિઝનેસ શરૂ ના કરી દવ ત્યાં સુધી હું તને રૂબરૂ મળવા પણ નહિ આવું અને તને ત્યાં સુધી ફોન કે મેસેજ પણ નહિ કરું. મીનાક્ષી ને મયુર પ્રત્યે ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ મયૂરને વર્તાવવા ના દીધો. તે મનોમન જ વિચારવા લાગી કે મયુરના દરેક નિર્ણયમાં હું તેને સાથ આપતી હોવા છતાં એ મારાથી દૂર રહેવાના શા માટે પ્રયત્નો કરે છે? મે ક્યારેય એના કોઈ પણ કામમાં વિક્ષેપ પહોંચાડ્યો ના હોવા છતાં આવો નિર્ણય મયુરે શા માટે લીધો હશે? હજુ એક પરિક્ષા ભગવાન ભલે લઈ લે. જો મારા દૂર હોવાથી મયૂરને ફાયદો થતો હશે તો હું પણ મયૂરને પોતાનું કાર્ય સિધ્ધ ના થાય ત્યાં સુધી ફોન કે રૂબરૂ નહિ મળું. આ નિર્ણય મયૂરને પણ મીનાક્ષીએ જણાવી દીધો. મયુરે વિશ્વાસ અપાવતા કહ્યું કે થોડા સમયમાં જ હું મારા કામમાં સફળતા મેળવીશ. મીનાક્ષીએ પણ મયૂરને પ્રોત્સાહન મળી શકે તેવા સૂચનો આપ્યા.
મીનાક્ષીને મળીને મયુર ઘરે આવે છે પછી તેણે પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો. પોતાના લેપટોપ પર નવા બિઝનેસ ને લગતી બધી જ જાણકારી શોધવા લાગ્યો. મયુર સતત ૫ કલાક સુધી એક જ બેઠકે ઈન્ટરનેટની મદદથી માહિતી શોધતો હતો તો પણ મયૂરને કોઈ જાણકારી પ્રાપ્ત ના થતા માથું ચકરાવે ચડવા લાગ્યા. પછી બધું જ બાજુ પર મૂકી સૂઈ ગયો.
મયૂરને બિઝનેસ ની પસંદગી કરવાનું આસાન લાગતું હતું તે અત્યારે ખૂબ કઠિન લાગી રહ્યું હતું. મયુર એક બિઝનેસ ને પસંદ કરીને આગળનું વિચારતો હતો જેમાં ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે એ નોંધ પણ લખતો હતો. એક એક બિઝનેસ વિશે નોંધ ટપકાવ્યા પછી પણ મયૂરને છેલ્લે તેમના ગેરફાયદાઓ વધુ દેખાતા નવા જ બિઝનેસ વિશે વિચારવા લાગી જતો હતો.
ક્રમશઃ
પ્રમોદ સોલંકી
શું મયુરનો મીનાક્ષી થી સંપર્ક વગર રહેવાનો નિર્ણય યોગ્ય હતો?
શું મયુર પોતાનો નવા બિઝનેસ ની પસંદગી કરી શકશે?
જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"
વધુ આવતા અંકે........
આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏