The key value of a pinch of vermilion - 11 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | એક ચુટકી સિંદૂર કી કિંમત - 11

Featured Books
Categories
Share

એક ચુટકી સિંદૂર કી કિંમત - 11

પ્રકરણ-અગિયારમું/૧૧

આ વાક્ય સાંભળીને મિલિન્દ બોલ્યો...
‘અરે..યાર હવે તો ફરી ચા પીવી પડશે.’ આ સાંભળી કેશવે હસતાં હસતાં પૂછ્યું
‘કેમ, દિમાગમાં શોર્ટ સર્કિટ થઇ ગઈ ? એમ કહી પેલા ફકીરને પૂછ્યું,
‘અરે બાબા તુમ કયું ખડે હો ગયે ?’
‘બસ, તુમ્હારી ચાય નસીબ મેં થી તો પીલી. અબ ફિર કભી ભોલેનાથ કા આદેશ હુઆ ઔર ઇસ તરફ આઉંગા, તો જરર મિલેંગે.’

‘અરે બાબા ઠહેરો એક મિનીટ.’ એમ કહી કેશવ રેસ્ટોરન્ટના કાઉંટર પર જઈ એક લંચ પાર્સલ પેક કરવાનો ઓર્ડર આપ્યા પછી ફકીરને કહ્યું,

‘બાબા વહાં સે આપકે ખાને કા પાર્સલ લે લો.’
ફકીર ગયો એટલે કેશવે મિલિન્દને પૂછ્યું.

‘હવે મને એ કહે તો કે બાબા એ જયારે લડકીનું નામ લીધું તો કેમ આટલી નવાઈ લાગી ?’

‘અરે...યાર એ મને શું ખબર ? એ પણ બાબાને પૂછી લઈએ તો ?.’ મિલિન્દ બોલ્યો

પાંચ મિનીટ પછી હજુ બન્ને માંથી કોઈ કશું પૂછવા જાય એ પહેલાં જતાં જતાં ફકીર મિલિન્દના ખભા પર હાથ મૂકતા બોલ્યો..

‘અગર મેરી બાત મેં કુછ દમ લગે તો કભી ભી મેરે જૈસે કિસી ભૂખે નંગે કો રોટી ખીલા દેના. જય મહાકાલ...’ એમ બોલતાં હાથ જોડી ફકીર ચાલતો થયો..

‘જબરું કેરેક્ટર છે આ ફકીર પણ. તું કઈ રીતે ઓળખે તેને ? મિલિન્દે પૂછ્યું
‘બસ આજ રીતે એક દિવસ અહીં બેઠો હતો. મારી સ્ટ્રગલના દિવસો તેની ચરમસીમા પર હતાં. ટેન્શનમાં હતો. ત્યાં અચાનક મારી પાસે આવીને બોલ્યો,

‘ચાય પીલા દે.’ એટલે મેં તેના માટે ચા નો ઓર્ડર આપ્યો. ચા આવે એ પહેલાં મારી સામું તાકીને જોઈ રહ્યા પછી બોલ્યો..

‘તુજે કામ મિલેગા, દામ મિલેગા, મગર નામ નહીં મિલેગા. મને નવાઈ લાગી કે આ ફકીરને કઈ રીતે જાણ થઈ કે, હું અહીં ફિલ્મોમાં કામ કરીને નામ કમાવવા આવ્યો છું. એ પછી આગળ બોલ્યો કે, તું બમ્બઈ કા હો જાયેગા પર બમ્બઈ તેરી નહીં હોગી.
ઈસલીયે નામ કે પીછે ભાગના છોડ દે. બસ એટલું બોલીને જતો રહ્યો. તે દિવસથી મેં જિંદગીને જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. એ પછી આ મારી તેની સાથેની આ ત્રીજી મુલાકાત છે. એ જે કોઈપણ હોય, પણ, પહેલી નજરે તેની અવિશ્વસનીય અને પાયાવિહોણી લાગતી બેબાક ભાવિકથનનું વિધાન મને તો ઠોસ અને નક્કર લાગે છે.’
‘પણ આ તો તીર નહીં તો તુક્કા જેવી વાત છે, યાર. ચલ, થોડીવાર માટે માની લઈએ એ કે તેણે કોઈ ગૂઢ વિદ્યાથી આત્મસાત કરેલી મંત્રમુગ્ધ કરવાની કળાના આધારે કરેલી તેની અંદાજીત આગમવાણી ફળીભૂત થવાની આશાએ બેસી રહેવું એ તો નરી મુર્ખામી જ કહેવાય ને ?’ મિલિન્દે તેના વિચારો સ્પષ્ટ કરતાં કહ્યું.

‘પણ યાર આમાં તે ક્યાં કોઈ બે-પાંચ લાખનું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તે ચિંતા કરે છે. સમયની વાત છે સમય પર છોડી દે. પણ આ ફકીરની અગમદ્રષ્ટિનો કોઈ અણસાર આવે તો મને જાણ કરજે બસ. કારણ કે ક્યારેક જિંદગાનીના અહોભાગ્યમાં ઓજસ પાથરવા કર્મના કોડિયામાં જલતાં દીપકને અખંડ રાખવા શ્રદ્ધાનું ઇજન પણ પૂરવું પડે.’

‘અલ્યા..કેશવ તું તો ભારેખમ શબ્દપ્રયોગ કરીને કોઈ જ્ઞાની મહાપુરુષની માફક વાર્તાલાપ કરવા લાગ્યો.’ મિલિન્દ બોલ્યો.

‘બસ, પાંચ વર્ષ ફિલ્મોમાં નામ કમાવવાના ચક્કરમાં જે તળિયા ઘસ્યા તેનો અનુભવ બોલે છે. બોલ હવે તારો હું પ્લાન છે ?’ કેશવે પૂછ્યું

‘તું કઈ તરફ જાય છે ? મિલિન્દે પૂછ્યું

‘હું જઈશ હમણાં મલાડ એક મેગેઝીનના તંત્રીને મળવા. ચલ આવે છે મારી જોડે ?

‘કયું મેગેઝીન છે ? ગ્લેમર વર્લ્ડ ? મિલિન્દે અજાણતાં જ પૂછ્યું.
આશ્ચર્ય સાથે કેશવે પૂછ્યું.
‘અરે.. યાર તને પણ પેલા બાબાનો ચેપ લાગી ગયો કે શું ? તને કેમ ખબર પડી ?

‘અરે.. એક પરિચિતે મને કહ્યું હતું કે તે કોઈ મલાડથી પ્રકાશિત થતાં મેગેઝીનમાં જોબ કરે છે તો મને અમસ્તાં જ તે નામ યાદ આવતાં બોલાઈ ગયું.’
‘ચલ આવ ટેક્ષીમાં બેસીએ.’
એવું બોલતા બન્ને ટેક્ષી સ્ટેન્ડ તરફ જઈ ટેક્ષીમાં ગોઠવતાં કેશવ બોલ્યો..

‘કયાંક આ પરિચિતનું કનેક્શન બાબાની ભવિષ્યવાણી સાથે તો નથી જોડાયેલું ને ?’
કાર સ્ટાર્ટ કરી હસતાં હસતાં કેશવે પૂછ્યું.

‘મને લાગે છે કે, ગમે તે જોડતોડ કરી આજે તું એ ફકીરને ફરિશ્તો સાબિત કરીને જ રહીશ.’ મિલિન્દ બોલ્યો.

એકબીજાના તર્ક-વિતર્કને ક્રોસ કરતાં આશરે દોઢ કલાક પછી મલાડ સ્થિત ‘ગ્લેમર વર્ડ’ મેગેઝીનની ઓફિસના બિલ્ડીંગના પાર્કિંગમાં આવી પહોચતાં મિલિન્દે પૂછ્યું.
‘અહીં શું કામ છે ?

‘ટેક્ષીનો પ્રોફેશન શરુ કરતાં પહેલાં એક મહિનો મેં અહીં ડ્રાઈવર તરીકે જોબ કરેલી પણ, તે એક મહિનામાં અહીંના તંત્રી મેડમ ચિત્રા, ચિત્રા દિવાન જોડે હું એવા ટ્રસ્ટેબલ અને હેલ્ધી રીલેશન સાથે જોડાઈ ગયો કે તેમને મારા પ્રોફેશનને લગતું કંઈપણ કામ હોય તો એ મને જ યાદ કરે.’

‘કેશવ ભાગ્યેજ જ લાઈફમાં કોઈ કામ અને દામની સાથે સાથે નામ પણ કમાઈ શકે. તારા માટે સાહજિક રીતે માન એટલા માટે ઉપજે કે તું મિત્રના નામે મારી માલમત્તા છો. તું એક નહીં અનેક સુદામાનો સાચા અર્થમાં કેશવ છો.’

‘બસ મારા ભાઈ.. ચલ ઉતર હવે. અને તારા પરિચિત સાથે મારો પરિચય કરાવજે.’ હસતાં હસતાં કારમાંથી બંને બહાર આવતાં કેશવ બોલ્યો.

‘હા,પણ, એ પહેલાં જાણી લઉં કે એ ક્યાં છે ? આટલું બોલી બન્ને સેંકડ ફ્લોર પરની ઓફિસની સીડી તરફ જતાં જતાં મિલિન્દે કોલ જોડ્યો વૃંદાને.

‘હેલ્લો......ગૂડ મોર્નિંગ....૯૯.૯૯% તો ખાતરી હતી જ કે તારો કોલ આવશે જ.’ ખુશીના મધુર ટોનમાં વૃંદા બોલી.
‘મને ખ્યાલ હતો એટલે એ ખાતરીની પૂર્તિમાં ખૂટતાં ૦.૦૧% માટે જ કોલ કર્યો.. વેરી ગૂડ મોર્નિંગ. હોઉ આર યુ ?’

‘આફ્ટર લીસન યુ, ફીલ ટુ ગૂડ.’ આનંદની અનુભૂતિ સાથે વૃંદા બોલી.
બન્ને મેગેઝીનની ઓફિસમાં એન્ટર થતાં મિલિન્દ આગળ બોલ્યો..
‘અને ખાસ તો કોલ એટલા માટે કર્યો કે, તારી જોડે કોફી શેર કરવાની તીવ્ર ઈચ્છા થઇ છે. તો ક્યાં છે, તું અત્યારે ?

‘ઓહ્હ..ઇટ્સ માય ગૂડલક.. હું તો ઓફિસમાં જ છું.. તું કહે ત્યાં આવી જાઉં અધર વાઈઝ તું આવી શકે એમ હોય તો મોસ્ટ વેલકમ.’
બન્ને ચિત્રા દિવાનની ચેમ્બર તરફ આગળ વધતાં મિલિન્દે કહ્યું,
‘જસ્ટ એ મિનીટ.’ એમ કહી કોલ કટ કરતાં સ્ટાફ મેમ્બરને વૃંદા સંઘવી વિશે પૂછતાં મિલિન્દની બેક સાઈડ તરફ ઈશારો કરી વૃંદાની કેબીનનું લોકેશન બતાવ્યું.
એટલે મિલિન્દ કેશવ ને સંબોધતા બોલ્યો..

‘તું તારું કામ પતાવ ત્યાં હું મિત્રને મળી લઉં.’
વૃંદાની કેબીનના બંધ ડોર પર નોક કરતાં અંદરથી વૃંદા બોલી.. ‘કમ ઇન.’
હળવેકથી ડોરને ધક્કો મારી જેવો મિલિન્દ અંદર પ્રવેશ્યો.... ત્યાં
મનોમન ઈશ્વર પાસે માંગેલી કોઈ વરદાન જેવી અનપેક્ષિત ઈચ્છા અચનાક ફળીભૂત થઈ ગઈ હોય તેવા ઉત્સાહના હરખથી હરખાઈ જતાં ચહેરા પર ઉતરી આવેલાં ભાવનાત્મક ભાવ સાથે ઓવર સાઈઝમાં ઉઘડી ગયેલાં મોં પર બન્ને હથેળી મૂકતાં સુખેદાશ્ચર્ય સાથેના ઉદ્દગાર સાથે વૃંદા બોલી.

‘ઓહ્હ માય ગોડ... વેલકમ.. વેલકમ... આ.. તું જ કરી શકે. સો હેપ્પી ટુ સિ યુ. બેસ. સાચું બોલ કઈ રીતે ભૂલો પડ્યો ?

‘સાચું કહું તો આજે કોઈપણ અનાયાસે જ મળે છે. હમણાં તારા પહેલાં એક વિરલ હસ્તી ભટકાઈ ગઈ હતી. અને ત્યાંથી જોગાનુજોગ અચાનક અહીં આવવાનું થયું.’

એ પછી સવારથી લઈને અત્યાર સુધીના ઘટનાક્રમ ટૂંકમાં મિલિન્દે હસતાં હસતાં રજુ કર્યો.
‘એટલે તારું કહેવાનું એમ છે કે હું તને ભટકાઈ ગઈ છું એમ ?’
મજાક સાથે વૃંદાએ કોલ પર કોફીનો ઓર્ડર આપતાં કહ્યું.

‘હવે એ તો તમે ભટકાવવાના ભાવાર્થના સંદર્ભની સંધિને ક્યા સંબંધ સાથે સાધો છો તેના પર સંભવિત છે.’
ખુશ ખુશાલ ચહેરા સાથે મિલિન્દ સામે બે હાથ જોડીને વૃંદા બોલી..
‘વાક્ક્છ્ટામાં તો કોઈ તારી બરોબરી ન કરી શકે. મને લાગે છે કે, તારા સંગ્રહિત, સંતુલિત અને સંકલિતની સાથે સાથે સાથે કંઠસ્થ શબ્દસૂરના સફળ સંગમ માટે મા સરસ્વતીએ તને સવિશેષ શુભેચ્છાના અધિકારી તરીકે નવાજ્યો છે.’

‘ઓહ્હ બાપ રે..આ છપ્પન ભોગ જેવી પ્રશંસા પચાવવી મને આકરી પડશે.’
મિલિન્દ બોલ્યો

આશરે પંદરેક મિનીટ સુધી બન્ને વાતોમાં એટલા ઓતપ્રોત થઇ ગયા કે મિલિન્દએ વાત ભૂલી ગયો કે તે કેશવની સાથે આવ્યો છે. જયારે સામેથી વૃંદાએ તેના ફ્રેન્ડ વિષે પૂછ્યું ત્યારે તે ચિત્રા દિવાનની ચેમ્બરમાં છે, એમ કહેતાં બંને આવ્યાં ચિત્રાની ચેમ્બર તરફ.


ચેમ્બરમાં એન્ટર થતાં જ કુતૂહલ સાથે વૃંદા બોલી,
‘કેશવભાઈ તમે ?’
‘ઓહ.. મતલબ તમે છો મિલિન્દના પરિચિત એમ ?
પ્રત્યુતરમાં વિસ્મય સાથે કેશવે સામે પ્રશ્ન પૂછ્યો.

‘ઓહ...આપ એકબીજાથી ઓલ રેડી પરિચિત છો જ એમ ?
અચરજ સાથે મિલિન્દ બોલ્યો.

વૃંદા અને મિલિન્દ ચેર પર બેસતાં કેશવે ચિત્રા સાથે મિલિન્દનો પરિચય આપતાં કેશવે કહ્યું.

‘મિ. મિલિન્દ, મિલિન્દ માધવાણી. આ મારા પરમમિત્રની ઓળખ માટે માત્ર એટલું જ કહીશ કે આ મારા પરિચયનો પર્યાય છે. મારો ગુરુ છે બસ.’

એ પછી મિલિન્દ અને ચિત્રાએ પરસ્પર શેકહેન્ડ સાથે ‘હાઈ’ હેલ્લો’ થી એકબીજાનું અભિવાદન કર્યું.

કેશવના મુખેથી મિલિન્દની તેના પ્રત્યેની આત્મ્બંધુ જેવી આત્મીય અનુબંધની સરાહના સાંભળીને વૃંદાનો મિલિન્દ માટેના ગરિમાનો ગ્રાફ એક નવી ઊંચાઈને આંબી ગયો.

એ પછી વૃંદા અને મિલિન્દ બન્નેએ વારાફરતી ચિત્રા અને કેશવને તેઓ એકબીજાથી ક્યાં સંજોગોમાં પરિચિત થઈને ક્લોઝ ફ્રેન્ડ બન્યાએ વાર્તાલાપ કહી સંભળાવ્યો.

ચિત્રાએ બાજુમાં બેસેલી વૃંદાના કાનમાં હળવેકથી કહ્યું.
‘મારી ધારણા ખોટી ન હોય તો આ જ તારો એ એડિટર છે ને ?

ભીતર ફૂંટેલા શરમના શેરડાની લાલશ રીતસર વૃંદાના મુખારવિંદ પર ઉપસી આવી અને આંખોમાં એક અનેરી ચમક. સ્વાભાવિક હોવાનો ડોળ કરતાં ધીમેકથી જવાબ આપ્યો.. ‘પ્લીઝ..યાર સ્ટોપ ધીઝ નાઉ.’

‘અચ્છા મેડમ હું હવે અનુમતિ લઉં ? બધું આવતીકાલ સુધીમાં ફાઈનલ કરી આપને કોલથી જાણ કરું છું.’
કેશવ ચિત્રાને સંબોધતા બોલ્યો.

‘જી ઠીક છે’ ચિત્રા આટલું બોલતા કેશવ અને મિલિન્દ ચેમ્બરની બહાર નીકળતાં વૃંદાએ મિલિન્દ સામે આંખો પટપટાવીને આભાર સાથે ખુશી વ્યક્ત કરી તો સામે મિલિન્દે પણ હિંમત કરીને કઈંક એવી જ ચેષ્ઠા સાથે પ્રત્યુતર આપ્યો.

આ છાના વ્હાલના વિનિમયની તે બન્નેની જાણ બહાર કેશવ અને ચિત્રાએ નોંધ લીધી.
નીચે પાર્કિંગમાં આવી બન્ને કારમાં ગોઠવાતાં કેશવ બોલ્યો.
‘મિલિન્દ બાબૂ... મને તો પેલા સંન્યાસીના સંકેતનું અનુસંધાન મળતું હોય એવા સંદેશાનો અણસાર આવે છે.’

‘એટલે ?’

‘પેલા બાબાનું વાક્ય યાદ કર. ‘કોઈ લડકી ઇસકી જિંદગી કા ફૈસલા કરેગી.’ યાદ આવ્યું ? પાર્કિંગમાંથી ટેક્ષી મેઈન રોડ પર લેતાં કેશવે પૂછ્યું

‘અરે... તું પણ ખરેખર ગઝબ છો યાર. કઈ વાતને કયાંથી લઈને કોની સાથે જોડી દે છે.’ મિલિન્દ સ્હેજ શરમાઈને બોલ્યો.

‘કેમ કે હું વૃંદા સંઘવીને ખુબ સારી રીતે ઓળખું છું દોસ્ત.’ કેશવ બોલ્યો.

‘વ્હોટ ડુ યુ મીન ? ખુબ સારી રીતે મતલબ ? ‘ખુબ સારી રીતે’ શબ્દ પર ભાર મુકતા મિલિન્દે પૂછ્યું

-વધુ આવતાં અંકે.