પ્રકરણ-નવમું/૯
‘પ્લીઝ, જસ્ટ એ મિનીટ.’ એમ કહી મિલિન્દ મિતાલીનો કોલ રિસિવ કરતાં બોલ્યો.
‘હેલ્લો.’
‘અરે...ભઈલા ક્યાં છે તું ? મમ્મી ક્યારની તારી ચિંતા કરે છે. ટાઈમ તો જો.અને ફોન આપું છું મમ્મીને,વાત કર.’
એમ કહી મિતાલીએ સેલ આપતાં વાસંતીબેન બોલ્યા,
‘મીલું, ક્યાં રહી ગયો દીકરા ? કેમ આજે આટલું મોડું ? કંઈ તકલીફ તો નથી ને ?’
‘અરે મમ્મી, કંઇક જ પ્રોબ્લમ નથી. એક મિત્ર સાથે વાતોમાં વળગ્યો છું. બસ આવ્યો કલાકમાં.’ મિલિન્દે જવાબ આપ્યો.
‘અરે ભાઈ એવો તે કયો મિત્ર અને કેવી વાતો છે કે, અમને પણ ભૂલી ગયો ?
હસતાં હસતાં વાસંતીબેને પૂછ્યું.
‘એ ઘરે આવીને કહું. પણ તું જમી લે જે. પ્લીઝ.’
‘ના, તું આવ પછી સાથે જ જમીએ.’ વાસંતીબેન બોલ્યા
‘અચ્છા બસ જેમ બને તેમ જલ્દી આવ્યો.’
‘ઠીક છે.’ એમ કહીને વાસંતીબેને વાત પૂરી કરી.
મિલિન્દની વાર્તાલાપનો અંશ સાંભળી વૃંદા હર્ષાશુ સાથે મિલિન્દને એકીટસે જોયા જ કરી. એ જોઇ મિલિન્દે પૂછ્યું.
‘શું જુવે છે ?’
‘તને જોઈને વિચારું છું, કે દુનિયામાં કંઇક કેટકેટલી’યે એક્સચેન્જ ઓફર આવે છે, પણ જો વ્હાલ, વાત્સલ્ય, હુંફ, પ્રેમની કોઈ એક્ષચેન્જ ઓફર આવે તો તેની અવેજીમાં મારી બધી દૌલત આપીને હું સ્નેહ સલ્તનતની સામ્રાજ્ઞી બની જાઉં. મિલિન્દ તું જે માયા, મમતાની પુંજીથી માલામાલ છે, તે જોઇને તારા પ્રત્યે અદેખાઈ પણ થાય છે અને એક અનેરા અસ્મિતાની અનુભૂતિ પણ.
‘વૃંદા તું બિલિવ નહીં કરે, આટલો મોટો થયો છતાં પણ આજ દિન સુધી એવું નથી બન્યું કે મમ્મી એ મારા વગર ડીનર કર્યું હોય. કોઈ કારણોસર ક્યારેક રાત્રે બે વાગ્યે પહોચું તો પણ એ નિયમ તુટ્યો નથી. મારા પરિવારમાં હું સૌનો લાડલો છું. પણ...
તેમના પ્રેમની અવેજીમાં હું તેમના પ્રત્યેની સામાન્ય જવાબદારી પણ પરિપૂર્ણ નથી કરી શકતો તેનો મને કાયમ રંજ રહ્યા કરે છે.’
એ પછી મિલિન્દે તેના આર્થિક સંકળામણની સ્તિથિથી વૃંદાને વાકેફ કર્યા પછી બોલ્યો.
‘આપણે બન્ને એક જ વૃક્ષની ડાળીએ બેઠા છીએ પણ..તું ટોચ પર છે, અને હું તળમાં. તારી જીવનશૈલી મારા માટે કોઈ ફેન્ટસીથી કમ નથી. બંનેના અંતિમ ઉત્તર-દક્ષિણ ધ્રુવ પર છે. તારા એક મહિનાનના પોકેટ મનીની રકમમાં તો મારા ઘરનું મહિના ભરનું ગુજરાન ચાલી જાય.’
‘હું કઈ મદદ કરી શકું ? વૃંદાએ પૂછ્યું.
‘આઈ એમ સોરી, વૃંદા ખોટું ન લગાડીશ પણ.. આ મદદ શબ્દથી મને ગાળ જેવા અપશબ્દની ફિલિંગ્સ આવે છે. મારો સંઘર્ષ મારી લડાઈ, વિધિના લેખ સામે છે. પ્રેમ કરતાં પણ મારી પાસે મોંઘી મૂડી છે, મારા સ્વાભિમાનના સંપતિની, મારા સિદ્ધાંતની. અને તેને ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો છે મારા પરિવારના પરિશુદ્ધ પ્રેમનો.’
ગર્વથી આત્મગૌરવની અસ્મિતાથી પોરસાઈને મિલિન્દે જવાબ આપ્યો.
ખાનદાન પ્રત્યેની એક અલગ અને વજનદાર મહત્તાનો મહિમા સાંભળીને વૃંદાની જાણ બહાર મિલિન્દ, વૃંદાના મન, મસ્તિષ્કનો માલિક બની બેઠો.
‘અચ્છા ચલ મિલિન્દ મને એક વાત કહે કે. જિંદગીમાં શેનું મહત્વ વધુ,
પ્રેમનું કે પૈસાનું ?
વૃંદાની આંખોમાં જોઇને મિલિન્દ એ ઉત્તર આપ્યો.
‘જો વૃંદા, ગળું ગમે તેટલું સુરીલું હોય તો પણ રુદાલીને લગ્નગીત ગવડાવવા ન બોલાવાય. પૈસા અને પ્રેમની પરિભાષા પરિસ્થિતિ પર આધારિત છે. જેમ શિયાળામાં વ્હાલાં લાગતા એ જ તડકાથી ગરમીમાં આપણને નફરત થઇ જાય. એક ભિક્ષુક, એક ગણિકા અને કોઈ એક કરોડપતિ આ ત્રણેય માટે પૈસો એક જ શબ્દ, પણ દરેકની પૈસા માટેની પરિભાષા અલગ અલગ હશે. સંસારના સઘળા તકલીફના તાળાની એક જ માસ્ટર કી છે, પૈસો. સો નહીં પણ નવ્વાણું ટકા ઉપાધિઓનો ઉકેલ છે આ નગદનારાયણ પાસે.’
મિલિન્દની વાત પૂરી થતાં તાળીઓ પડતાં વૃંદા બોલી..
‘અરે.. યાર તું તો સિંગરની સાથે સાથે સારો ફીલોસોફર પણ છે. આ બધું દિવ્યજ્ઞાન આવ્યું ક્યાંથી ?’
‘સમય.. સમય શ્રેષ્ઠ ગુરુ છે.’ મિલિન્દે ઊભાં થતાં ઉત્તર આપ્યો.
‘પણ આજે હું ખુબ જ રીલેકશ અને ખુશ પણ છું. કારણ કે તે મને સાંભળી અને સંભાળી પણ. આ સાંજ સાથેનો તારો સંગાથ હું ક્યારેય નહીં ભૂલું. આજે એવું ફીલ થાય છે કે, હું એકલી નથી. આઈ એમ શ્યોર કે, તું સમય નહીં આપે પણ સાથ તો આપીશ જ. મારા હવે પછીની સંગીત સર્જનની સુરીલી સફરના સાત સૂરોમાંથી સાડા ત્રણ સૂર તારા જોઈશે. અને આઈ થીન્ક કે હું તારા પર એટલો હક્ક તો જતાવી શકું છું. એમ આઈ રાઈટ મિલિન્દ ?”
બન્ને કારમાં બેસતાં વૃંદાએ હળવાશના મૂડમાં પૂછ્યું.
‘વૃંદા, જીવનની કંઇક ઉત્કટ અને દિવ્ય અનુભૂતિ ઈશ્વરને આધીન અને સહજ હોય છે.
ક્યારેય કોઈ પુષ્પ તેના પમરાટનો પ્રચાર નથી કરતું. છતાં પતંગિયું તેની પસંદનું પુષ્પ ચુંટી લે છે ને. અને રહી હક્કની વાત તો.... મીરાં એ ક્યારેય ક્યાં કોઈ હક્ક જતાવ્યો હતો ?’
‘ઓહ્હ.. મિલિન્દ મને લાગે છે કે તારી સંગાથે તો કોઈ પૂરી જિંદગી વિતાવે તો પણ ઓછી પડે એમ છે. આટલું બધું તારી અંદર ભર્યું છે એ આજે ખબર પડી. ચલ હવે આજની આ સંયોગિક સંગમસંધ્યાના સમાપનમાં કોઈ મસ્ત રચના સંભળાવી દે.’
‘મને ખુબ ગમતી ગઝલકાર મોઈન નજરેની લખેલી ગુલામ અલીએ સ્વરબદ્ધ કરેલી એક ગઝલ ગણગણવાનું મન છે..’ મિલિન્દ બોલ્યો.
‘ઈર્શાદ..’ વૃંદા બોલી..
સ્હેજ ગળું ખંખેરીને મિલિન્દે તેના ઘેઘુર અને મંત્રમુગ્ધ સ્વરમાં સૂરો છેડ્યા..
‘ઇતના ટુટા હૂં કી, છૂને સે બિખર જાઉંગા...
અબ અગર ઔર દુઆ દોગે તો મર જાઉંગા...
‘પૂછકર મેરા પતા વક્ત રાયદા ન કરો
મૈ તો બંજારા હૂં, ક્યા જાને કિધર જાઉંગા....’
હ્ર્દયસ્પર્શી ચાર પંક્તિ ગણગણણીને મિલિન્દે તેના સ્વર સાથે સાંકેતિક સૂરસંગમના સહારે વૃંદાને તેના આર્થિક અને અંતર મનોદશાની ચરમસીમાનો ચિતાર આપી દીધો. અને કંઇક અંશે વૃંદાને મિલિન્દના કંઠમાં તેના કર્મગતિની કઠણાઈ અને કલાજીવનના અધુરપનો કચવાટનો ઘુઘવાટ સંભળાતો હતો.
મલાડ આવતાં મિલિન્દ બોલ્યો..
‘બસ, મને અહીં ડ્રોપ કરી દે. અહીંથી હું લોકલમાં જતો રહીશ.’
‘આર યુ શ્યોર. ? કારની ગતિ સ્હેજ ધીમી કરતાં વૃંદાએ પૂછ્યું.
‘ઓ યસ.’
વૃંદાએ રોડની ડાબી તરફ કારને થંભાવતા મિલિન્દ આગળ બોલ્યો.
‘થેન્ક યુ સો મચ, વૃંદા, ફોર એ વન્ડરફુલ ઇવનીગ શેરીંગ વિથ મી.’
મિલિન્દની આંખમાં જોઇ વૃંદા બોલી.
‘અમુલ્ય અવસર આપીને એક અવિસ્મરણીય અનુબંધ સાથે અજાણ્યા છતાં અંગત લાગતાં એવા અનુસંધાનનો અણસાર આપવા માટે હું તારી અનહદ આભારી છું. તારા સોહાર્દસભર સંવાદથી હું કેટલી માનસિક હળવાશ અનુભવું છું, તેનો હું શબ્દચિતાર નહીં આપી શકું. એક દીર્થ અંતરાલથી મારી અસ્થિર અંત્યાવસ્થાને તે ગણતરીના કલાકોમાં સ્થિર કરી દીધી.’
‘પણ આ સંયોગસિદ્ધિની શ્રેયના સાચા સતાધારી તો સમય અને સંજોગ છે. હું તો નિમિત માત્ર છું, આ તો તારી નમ્રતા છે બસ.’
કારમાંથી ઉતારતાં મિલિન્દ બોલ્યો.
‘આઈ વિશ કે આ સમય અને સંજોગના સંયોગસિદ્ધિની સળંગસંધિ આપણને સાનુકુળતાની સાંકળમાં સાંકડતી રહે. મિલિન્દ, વન્સ અગેઇન થેંક યુ સો મચ.’
‘ચલ બાય. સી યુ સૂન. ટેક કેર.’ આટલું બોલી હાથ ઉંચો કરી હલાવતા મિલિન્દ સ્ટેશન તરફ ચાલી નીકળ્યો.
દ્રષ્ટિ સીમાંકન સુધીએ દ્રશ્યને અવિરત નિહાળતાં રહ્યા પછી એક ઊંડો શ્વાસ લઈને વૃંદાએ કાર હંકારી તેના ઘર તરફ.
ફ્રેશ થઇ બેડમાં પડતાં સમય તરફ નજર નાખતાં જોયું તો રાત્રીના ૧૧:૫૦ થયાં હતાં. તેની માતા વિદ્યા સંઘવી રાબેતા મુજબ બેફીકર થઈ તેમના રોજિંદા સમયે તેમના બેડરૂમમાં સૂઈ ગયા હતાં.
મનોમંથનની પૃષ્ઠભૂમિ પર વૃંદાના મનોમાનીત મનોરથના ચક્રો ગતિમાન થતાં માનસપટલ પર મિલિન્દના ચિતાર્ષક ચરિત્રનું ચલચિત્ર અંકિત થવાં લાગ્યું. માનવજીવનના પાયાની અનેક સમસ્યાથી ઘેરાયેલો હોવાં છતાં અસંતુલિત સંસારચક્ર પર સવાર થઈને કેટલા સંયમથી સઘળા સંઘર્ષનો સામનો કરી રહ્યો છે ? આટલી નાની વયે કેટલી પરિપક્વતા અને કેટલી પીઢતા ? કેટલો સૌમ્ય, શાંત અને સરળ ? એકસરખા ધ્વની માત્રામાં અસ્ખલિત મંત્રમુગ્ધ કરતી તેની કર્ણપ્રિય મધુર વાણીવિદ્યામાં સ્હેજે અહંનો અંશ નહતો.
એવું નહતું કે, વૃંદાની આટલી વયમર્યાદા પર્યંત કોઈ મનગમતાં સાનિધ્યમાં સમીપથી સંપર્કમાં આવવાનો સંયોગ નહતો સર્જાયો. પણ...હજુ તો કોઈ પાત્ર સાથે પરસ્પર એ સગપણના સંપ્રદાયની પરિભાષાથી પરિચિત થાય એ પહેલાં જ.. વૃંદાને સાથીદાર બનવાની આડમાં ગર્ભિત ભાષામાં રચાતી શબ્દ શતરંજ અને અસ્થિર કામુક દ્રષ્ટિકોણનો સંકેત મિત્રના મનમાં મંડરાયેલી મેલી મુરાદનો સંકેત આપી દેતા.
વૃંદાનું સાનિધ્ય સૌનું સલોણું સ્વપન હતું પણ, સૌ ભાગતાં રહ્યા સુવર્ણમૃગ જેવા તેના તન અને ધન પાછળ. પણ... કોઈ વૃંદા મનની સપીમ નોહ્તું પહોંચી શક્યું.
આજે ત્રણ કલાકના ટૂંકા ગાળામાં મિલિન્દ, વૃંદાના વાણી, વિચાર અને વર્તન પર મહદ્દઅંશે આધિપતિત્યનો અધિકારી બની બેઠો હતો.
આ ભાવવસ્થાની દશા ભવિષ્યના ક્યા સંયોગના સંકેતનું દિશાનિર્દેશ કરી રર્હી છે ?
પ્રેમ ?
પ્રેમનું નામ ધારણ કરીને પ્રારબ્ધની આડમાં ફરી એક નવું મૃગજળ એક નવા મુખવટા સાથે સામે આવ્યું છે કે શું ? ટચલી આંગળીના ટેરવાં જેવડી પ્રેમની તૃષાગ્નિ માટે અથાગ રણમાં એટલી ભટકી છું કે, હવે તો તરસને પણ મારી પર તરસ અને તેને તેની જાત પર શરમ આવે છે. પણ, ગંગાજળ જેવા પાવન અને નિર્મળ પારદર્શક વ્યક્તિત્વને વરેલા મિલિન્દ સામે આ જાનીદુશ્મન જેવી લંપટ લાગતી લાગણી સામે પણ લુંટાઈ જવું ગમશે.’
અતળ સ્વપનસરિતામાં સરતા સરતાં વૃંદાના મનોવાંછિત મંશાના મનોમંથનના અંતે તેની મનોવસ્થા ઝાકળબિંદુથી પણ હળવીફૂલ થઇ ગઈ.
આ તરફ...
નિદ્રાધીન થતાં પહેલાં કંઇક આવો જ વિચાર વળગાળ મિલિન્દને પણ વળગ્યો હતો.
પણ.. મિલિન્દની વિચારધારાનો પ્રવાહ વૃંદાથી વિચારસરણીથી વિપરીત દિશા તરફનો હતો. કંઇક અંશે મિલિન્દને આંશિક ભયની ભીતિનો ભાસ થયો કે, કદાચને વૃંદા તેના તીર્વાનુરાગની અનુપસ્થિતિના ઉકેલના પર્યાય તરીકે તેની પસંદગી કરશે તો....? આ ભૂલનું ભવિષ્ય ભાખવું ભારે પડી જશે. વૃંદા જેવી જીવનસંગીનીનો સાથ તો કોણ ન ઝંખે ? પણ વૃંદા માટેનો આ વિચાર માત્ર પણ મિલિન્દને તેની વિવેકબુદ્ધિ સમજણ શક્તિ પર શંકા ઉપજાવે તેવો હતો. કારણ કે મિલિન્દ તેના અસ્થિર અને અંધકારમય ભવિષ્યના વરતારાથી ખુબ સારી રીતે અવગત હતો.
અલ્પાવેશના આવેગમાં આવીને પરિકલ્પના જેવા જીવનવનમાં ભૂલા પડી જતાં પહેલાં વૃંદા સાથેના આગળની સફરમાં એક સુરક્ષિત અને સંતુલિત અંતર રાખવું કે નહીં ? એવા અસમંજસ ભર્યા દ્વિધા સાથે નિદ્રાધીન થઇ ગયો.
-વધુ આવતાં અંકે.