Stress means Emotional Cyclone – Divyesh Trivedi in Gujarati Human Science by Smita Trivedi books and stories PDF | તાણ એટલે લાગણીનો ચકરાવો - દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

તાણ એટલે લાગણીનો ચકરાવો - દિવ્યેશ ત્રિવેદી

સિકંદર એવું માનતો હતો કે આ જગતની કોઈ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય. સમસ્યા હોય ત્યાં ઉકેલ પણ હોય જ. ક્યારેક ઉકેલ ન જડે એવું બને, પરંતુ જેની આપણને ખબર ન હોય એનું અસ્તિત્વ જ નથી એમ માની લઈએ ત્યારે જ ભૂલ થતી હોય છે. કાર્લ રોજર્સ નામનો મનોવિજ્ઞાની તો એમ કહેતો હતો કે માણસ પ્રયત્ન કરે તો પોતાની સમસ્યાનું મૂળ પોતે જ શોધી શકે છે અને એનો ઉકેલ પણ એને પોતાની પાસેથી જ મળે છે. માનસિક તાણ પણ આવી જ એક સમસ્યા છે. માનસિક તાણ માટેનાં કારણો ભલે બહાર દેખાતાં હોય, પરંતુ ખરેખર તો એ આપણી અંદર જ હોય છે. બે માણસો ધોધમાર વરસાદમાં પલળ્યા હોય, છતાં એકને કંઈ જ ન થાય અને બીજાને તરત શરદી થઈ જાય. વરસાદ એ જ છે, પલળવાનો સમય પણ સરખો છે. છતાં એકનું શરીર વરસાદની અસરનો પ્રતિકાર કરે છે, જ્યારે બીજાનું નમી પડે છે. તાણ સર્જનારાં કારણોનું પણ એવું જ છે. એક વ્યક્તિ એ કારણોને ખમી ખાઈને સ્વસ્થ રહે છે તો બીજી વ્યક્તિ એની અસરમાં આવી જઈને તાણનો ભોગ બને છે.

તાણ આપણને હતાશ અને નિરાશ બનાવી દે છે. તાણ ઊભી થતાં આપણે અકળામણ અનુભવીએ છીએ. કોઈ પણ અકળામણ ઊભી થાય ત્યારે આપણે એમાંથી છૂટવા અથવા એ પરિસ્થિતિમાંથી છૂટવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ માટેનો સાચો રસ્તો ન જડે ત્યારે હાથે ચડયું તે હથિયાર એમ સમજીને આડાઅવળા પ્રયાસો કરીએ છીએ. સાચો રાહ નહિ જડવાથી મોટા ભાગના લોકો ખોટા રસ્તા અપનાવી બેસે છે અને એને પરિણામે સરવાળે તાણ ઓછી થવાને બદલે એમાં વધારો થાય છે અને એ વિષચક્રમાં ફસાય છે. તાણ વધે છે એમ આજુ બાજુની દુનિયામાંથી આપણો રસ ઘટતો જાય છે. કોઈ એક વાત મનમાં ભરાઈ જાય પછી એ કેમ કરીને નીકળતી નથી. આપણે વાતે વાતે ચીડાઈ જઈએ છીએ. કેટલાક વળી નાની અમથી કે ક્ષુલ્લ્ક વાતમાં ઉત્તેજિત થઈ જાય છે અને ભયંકર ગુસ્સો કરે છે. ક્યારેક પોતાનું માથું પછાડે છે તો ક્યારેક બીજાનું માથું રંગી કાઢે છે. મારામારી અને તોડફોડ કરે છે અને બીજાનું અથવા પોતાનું નુક્સાન કરી બેસે છે. કોઈક વળી ગુમસુમ બનીને એકાંતમાં બેસી જાય છે તો કોઈક અકારણ અને હેતુ વિના કોઈક નિરર્થક પ્રવૃત્તિ કર્યા કરે છે.

આ બધું જ વર્તન છેવટે તો એ તાણની સ્થિતિમાંથી છૂટવા માટે જ કરે છે. છતાં એમાંથી છૂટી શકાતું નથી. ઊલટું એ તાણના વિષચક્રમાં વધુ ફસાય છે. તાણમાંથી છૂટવા માટે આ સિવાય પણ કેટલાક નુસખા એ અજમાવે છે. આવો જ એક નુસખો ધૂમ્રપાનનો છે. આ દુનિયામાં સિગરેટ કે બીડી પીનારો ભાગ્યે જ એવો કોઈ માણસ હશે, જેને એનાથી થતા નુકસાનની જાણ ન હોય. કેટલાક લોકો કિશોરાવસ્થામાં માત્ર કુતૂહલથી કે દેખાદેખીથી ધૂમ્રપાનના રવાડે ચડી જાય છે. પછી તમાકુમાં રહેલા ટાર અને નિકોટીનની આદત બની જાય છે. સમય જતાં એ એક માનસિક જરૂરિયાત બની જાય છે. તાણની પરિસ્થિતિમાં ધૂમ્રપાન શરૂ થાય પછી પણ આવું જ વિષચક્ર સર્જાય છે. સિગરેટના ધુમાડામાં એને પોતાની માનસિક વ્યગ્રતા બહાર નીકળતી દેખાય છે. મનોવિજ્ઞાનીઓ તાણની આગને સિગરેટના બળવા સાથે જોડે છે. છતાં એ હકીકત છે કે ધૂમ્રપાન કરનારને ઘડીક વાર રાહતનો અનુભવ થાય છે, પરંતુ સરવાળે તાણનું નિરાકરણ તો નથી જ થતું. માથું દુઃખતું હોય અને પેટમાં દુઃખવાની ગોળી લેવાથી ફાયદો ન થાય એવું જ અહીં પણ બને છે. ઊલટું કેટલાક અભ્યાસો પરથી જોવા મળ્યું છે કે તાણને કારણે ધૂમ્રપાન શરૂ થઈ ગયું હોય અને એ જો ધૂમ્રપાન છોડી દે તો એની તાણ હળવી બને છે. ધૂમ્રપાન એ કોઈ ખતરનાક વ્યસન નથી, પરંતુ શરીર અને મનને એના વિના ચાલે નહિ એવી માનસિક સ્થિતિ અવશ્ય ખતરનાક છે.

વારંવાર તાણનો ભોગ બનનાર અને વધુ ઊંડી માનસિક વ્યગ્રતાનો ભોગ બનનારા ઘણા લોકો ધૂમ્રપાનથી આગળ વધીને મદ્યપાન તરફ વળે છે. શરૂઆતમાં શરાબ-સેવનથી રાહતનો અનુભવ થતાં એ વધુ પીવા તરફ વળે છે. તબીબી વિજ્ઞાન કહે છે કે મર્યાદિત માત્રામાં શરાબ-સેવન શરીરને લાભકારક બની શકે છે. પરંતુ શરાબની મર્યાદા એ છે કે એમાં ભાગ્યે જ કોઈ મર્યાદા જાળવી શકે છે. શરાબની માત્રા વધવાની સાથે શરૂઆતમાં જ્ઞાનતંતુઓ શિથિલ થઈને આરામ અનુભવે છે ખરા, પરંતુ શરાબનો સૌથી મોટો અવગુણ એ છે કે એનાથી માનસિક અને શારીરિક સમતુલા ખોરવાઈ જાય છે. બોલવા જતાં જીભ થોથવાય છે, ચાલતાં લથડિયાં આવે છે, વિચારોમાં સુસંગતતા જળવાતી નથી, કોઈ કામ સ્થિર અને વ્યવસ્થિત રીતે થતું નથી અને વધુ પડતો શરાબ પીવાઈ જાય તો ભાન પણ રહેતું નથી. દારૂનો નશો ઊતર્યા પછી પીધાનો અફસોસ થવા માંડે ત્યારે ઊલટું તાણનું સામ્રાજ્ય વિસ્તરે છે. ધૂમ્રપાનની જેમ જ મદ્યપાન પણ આદત બની જાય છે. શરીર અને મન બન્ને આલ્કોહોલ માંગે છે. અભ્યાસો કહે છે કે તાણમાંથી છુટકારો મેળવવા માગનાર જો સમજપૂર્વક મદ્યપાનની આદત છોડે અથવા ઓછી કરે તો એને તાણમાંથી વધુ રાહત મળે છે.

ધૂમ્રપાન અને મદ્યપાનની જ શ્રેણીમાં ત્રીજા ક્રમે કેફી પદાર્થો આવે છે. વૈજ્ઞાનિક રીતે તો ધૂમ્રપાન અને મદ્યપાન તથા કેફી દ્રવ્યો વચ્ચે તાત્વિક તફાવત નથી. છતાં આપણે કેફી ઔષધોને આ શ્રેણીમાં સૌથી તીવ્ર કક્ષાએ મૂકી શકીએ. માદક અને ચિત્તશામક દવાઓને માન્ય અને અમાન્ય એમ બે ભાગમાં મૂકી શકાય. માન્ય પ્રકારમાં તબીબો દ્વારા અપાતી ચિત્તશામક દવાઓ આવે અને અમાન્ય પદાર્થોમાં ભાંગ, ગાંજો, ચરસ, એલ.એસ.ડી. અને બ્રાઉન સુગર જેવી ચીજો આવે છે. આવી ઔષધિઓ પણ પ્રારંભે તો રાહત આપે છે, પરંતુ એ આદત બની જતાં એની આડઅસરો દેખા દેવા માંડે છે. ઊંઘ ઊડી જવી, ભૂખ ઓછી થઈ જવી, શરીર અશક્ત બનવું, નિષ્ક્રિયતા આવી જવી, ઉત્સાહ મરી જવો અને સુસ્તી રહેવી વગેરે આડઅસરોમાંથી છૂટતાં બહુ મુશ્કેલી પડે છે. આવી ચીજો આદતનું સ્વરૂપ લે એ પછી એમાંથી છૂટવા માટે નિષ્ણાતની સલાહ-સારવાર અનિવાર્ય બને છે.

આવા કોઈક વિષચક્રમાં ફસાવવાની શરૂઆતથી જ જો આપણે સભાન થઈને તાણ સર્જનારા કારણોને ઓળખી લઈએ તો આવાં કૃત્રિમ અવલંબનો શોધવામાંથી ઊગરી જવાય છે. આ અવલંબનો આપણને તાણમાંથી છોડાવતાં તો નથી જ, બલકે એમાં ઓર ઊંડા ઉતારે છે. આપણી હતાશા અને નિરાશા વધી જાય છે. આપણા કામ પર અવળી અસર પડે છે અને સફળતાનો ગ્રાફ છેવટે નીચે ઊતરે છે. સફળતાના માર્ગનાં આ સ્પીડબ્રેકર છે. એને હળવેથી પાર કરી જનાર જ સફળતાના માર્ગો પર અગ્રેસર થઈ શકે છે.

ઘણા માણસો આવા કૃત્રિમ સહારા લેવામાંથી એક યા બીજા કારણે જો બચી જાય છે અને છતાં તાણની સ્થિતિનો કાર્યક્ષમ રીતે સામનો નથી કરી શકતા ત્યારે એમના વર્તન અને જીવનશૈલી પર એની વિપરીત અસર પડે છે. વારંવાર તાણનો અનુભવ કરનારા ઘણા લોકોની ઊંધ ઓછી થઈ જાય છે. મોડા સુધી ઊંધ ન આવવાથી સવારે તેઓ સખત સુસ્તી અનુભવે છે. પરિણામે આખો દિવસ તેઓ નિરુત્સાહ રહે છે. કામમાં ભલીવાર નથી આવતો. પરિણામે એમનું સમાયોજન બગડે છે અને સરવાળે નવી તાણ ઊભી થાય છે. આવે વખતે ઊંઘ સારી આવે એ માટેના હાથવગા નુસખાઓ અજમાવવા એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. ઊંઘની દવાઓ લેવી એ સાચો ઈલાજ નથી. આવું બને ત્યારે પહેલાં તો એ સમજવું પડે છે જે તે વ્યક્તિને ખરેખર ઊંઘ જરૂરી છે. સરેરાશ વ્યક્તિને છ થી આઠ કલાકની ઊંઘ જોઈએ. પરંતુ બધાં માટે આ સાચું નથી. કોઈક્ને પાંચ કલાકની ઊંઘ પણ પૂરતી હોય એવું બને. બીજી વાત એ છે કે પથારીમાં પડતાંની સાથે ઊંઘ આવી જ જવી જોઈએ એવી અપેક્ષા પણ ખોટી છે. કોઈક્ને વાંચતાં વાંચતાં, કોઈક્ને કૅસેટ સાંભળતાં કે કોઈકને ટી.વી જોતાં જોતાં ઊંઘ આવી જતી હોય છે. પાંચ જ કલાકની ઊંઘ પછી સ્ફૂર્તિ અનુભવાય તો માનવું કે પાંચ કલાકની ઊંઘ પૂરતી છે. વળી સૂતાં પહેલાં ચાદર બદલવાથી, સેન્ટનો ઉપયોગ કરવાથી, હૂંફાળા પાણીએ નહાવાથી કે પ્રાર્થના કરવાથી પણ સારી ઊંઘ આવતી હોય છે. સમજવાની વાત એટલી છે કે ઊંઘ આપણી છે અને આપણે જ એનો વહીવટ કરી શકીએ છીએ. ઊંઘ આપણા જીવનની ખાવા-પીવા જેટલી અગત્યની પ્રવૃત્તિ છે અને એથી ઊંઘની જરૂરિયાત અને વિશેષતાઓ સમજી લેવી અત્યંત જરૂરી ગણાય.

ઊંઘની માફક જ તાણને આપણા ખાનપાન સાથે પણ એટલો જ ગાઢ સંબંધ છે. ઘણા માણસો તાણનો ભોગ બન્યા પછી એમના ખાવા પીવા પર સીધી અસર પડે છે. કેટલાક ઉપરા ઉપરી ચા-કૉફી ફટકારે છે. વધુ પડતાં ચા-કૉફી ભૂખ મારી નાંખે છે અને શરીર સુસ્ત તથા અશક્ત બને છે. કેટલાક વળી બધું ખાવાનું જ માંડી વાળે છે. તાણગ્રસ્ત હોય ત્યારે ખાવાપીવાનું બંધ કરી દે છે અને ક્યારેક બે-બે દિવસ ભૂખ્યા રહે છે. એનાથી તદ્દન ઊલટું તાણની અવસ્થામાં કેટલાક વિવેક ભૂલીને અમર્યાદિત ખાય છે. ઠાંસી ઠાંસીને પેટ ભરે છે. આ બન્ને બાબતો શરીર માટે હાનિકારક છે. સરવાળે શરીર બગડે છે અને પરિણામે તાણ વધે છે. આવું થાય ત્યારે ફળાહાર, હળવો ખોરાક અને સંતુલિત ખોરાક લાભદાયી પુરવાર થાય છે. તાણને કારણે ભૂખ મરી ગઈ છે એવું લાગે ત્યારે માંદા માણસની માફક શરીર ટકાવવા જેટલો ખોરાક લેવાની રીત વધુ સારી છે. અતિશય ખોરાક પેટ બગાડે છે, સ્થૂળતા લાવે છે અને સુસ્તી બેવડાય છે.

તાણની અસરનો સામનો કરવા માટે કેટલાક માણસો એમાંથી છટકવા માટે વધુ પડતા કામગરા થઈ જાય છે. સામાન્ય રીતે આઠ કલાક કામ કરનાર બાર કે સોળ કલાક કામ કરવા માંડે છે. આવા માણસને ‘વર્કાહોલિક’ કહે છે. બમણો સમય કામ કરવા છતાં પણ આવી વ્યક્તિને કામ કર્યાનો સંતોષ તો નથી જ થતો. ઊલટું આ રીતે બીજી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. ‘વર્કાહોલિક’ થઈ ગયેલો માણસ ખૂબ થાકે છે અને છતાં કામ કરતો રહે છે. એથી એના કામમાં ભૂલોનું પ્રમાણ વધે છે અને સરવાળે એની કાર્યક્ષમતા ઘટે છે. આગળ જતાં એને પોતાની કામ કરવાની શક્તિ પ્રત્યે જ શંકા જાગે છે. બીજી તરફ ‘વર્કાહોલિક’ બની જનારનું કૌટુંબિક જીવન અવગણનાનો ભોગ બનીને ક્યારેક છિન્ન ભિન્ન પણ થઈ જાય છે. ઘરમાં પત્ની કે માતા સાથે મનમોટાવ સર્જાય છે. પરિણામે ઘરમાં તાણનું એક ઓર કારણ સર્જાય છે અને આથી આવી વ્યક્તિ આના કરતાં પણ વધુ સમય કામના બહાને ઘરની બહાર રહે છે. અને એમ એનું વિષચક્ર વધુ મોટું થઈ વધુ ગતિએ ધૂમવા માંડે છે. એટલે વધુ પડતાં કામગરા થઈ જવું એય તાણનો ઇલાજ તો નથી જ.

તો પછી સવાલ એ થાય કે તાણ-મુક્તિના કારગત ઇલાજો ક્યા? સૌથી પહેલાં તો એ સમજી લેવા જેવું છે કે તાણ મૂળભૂત રીતે માનસિક બાબત હોવા છતાં મનનો શરીર સાથેનો સંબંધ હરગિજ કપાઈ જતો નથી. સતત માનસિક તાણ શરીર પર વિપરીત અસરો કરે છે અને લાંબે ગાળે અલ્સર, અલ્સરેટીવ કોલાઈટીસ વગેરે જેવા મનોશારીરિક રોગો પેદા કરે છે. પરિણામે શરીર નબળું પડે છે અને એની વળતી અસરરૂપે માનસિક તાણ વધે છે. આથી તાણ હોય કે ન હોય, શારીરિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, સમયસર ઊઠવું, સૂવું, જમવું વગેરે થોડીક નિયમિતતાઓ સાથે ચાલવું, હળવી કસરત કરવી, પ્રફુલ્લિત રહેવું વગેરે ઉપકારક નીવડે છે. સાચી વાત એ છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનો સો ટકા દાવો કરી શકે છે. આજના સ્પર્ધા અને ભાગ દોડના સમયમાં શરીરની પૂરતી કાળજી ન લેવાય તેથી નાની મોટી તકલીફો ઊભી થતી હોય છે. પરંતુ એવી તકલીફોથી અકળાઈએ ત્યારે જ એ તાણનું નિમિત્ત બને છે. શારીરિક તકલીફોનો સ્વીકાર કરી કાળજીપૂર્વક એનો ઇલાજ કરવાનો પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આપણી શારીરિક તકલીફો આપણા મનનો હવાલો સંભાળી લે ત્યારે જ મુશ્કેલીઓની શરૂઆત થાય છે. શરીર આપણું છે અને તકલીફો પણ આપણી જ છે એ વાત સમજી લેવાથી શરીર સામે અડધો જંગ જીતી જવાય છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સમન્વય કરવા માટે પ્રવૃત્તિની ફેરબદલી એક વ્યવહારુ ઉપાય છે. એક જ પ્રકારનું કામ કલાકો સુધી કરવાથી કંટાળો જન્મે છે. થાક લાગે કે કંટાળો આવી રહ્યો છે એવું લાગે કે તરત કામ કર્યા કરવાને બદલે વચ્ચે થોડી વાર ટી.વી જોવાથી, ગીતો સાંભળવાથી, ઘરમાં ગોઠવણી કરવાથી કે રસોઈમાં રસ લેવાથી પણ મનને ખૂબ સારું લાગે છે. ક્યારેક અડધો કલાક બહાર આંટો મારવાથી પણ જુદી સ્ફૂર્તિ અનુભવાય છે. શરીર અને મન બન્ને હળવાં બને એ માટે થોડી વાર આંખો મીંચીને પડી રહેવાથી પણ લાભ થાય છે. આપણે દેખીતી રીતે નિષ્ક્રિય હોઈએ ત્યારે પણ મન સક્રિય હોય છે.

આ સિવાય શારીરિક થાક માટે શરીરે માલિશ અને યોગનું પણ આગવું સ્થાન છે. યોગ અને ધ્યાન માનસિક શાંતિ અને સ્થિરતા લાવે છે. યોગ એ વ્યાયામ નથી અને યોગ અને ધ્યાનને ધર્મ સાથે લેવા દેવા નથી. યોગ અને ધ્યાન બહુ સહેલાઈથી શીખી શકાય છે. પ્રયોગો સાબિત કરે છે કે યોગ અને ધ્યાનની વિવિધ પધ્ધતિઓ દ્વારા તાણ સહિતની અનેક માનસિક અને શારીરિક તકલીફોમાં પુષ્કળ ફાયદો થાય છે. યોગ અને ધ્યાન વ્યક્તિત્વમાં પણ ક્લ્પનાતીત ફેરફારો લાવી શકે છે.

કોઈ પણ કારણસર તાણનો અનુભવ થાય ત્યારે હળવી રમતો રમવી એ ઉત્તમ અને સફળ ઉપાય છે. તાણને કારણે મન કોઈ એક જ ખીંટી પર ટીંગાઈ ગયું હોય તો તે રમતમાં પરોવાઈને હળવું બને છે. વળી રમતનું એક આગવું મનોવૈજ્ઞાનિક મૂલ્ય છે. રમતમાં આપણા ઘણા બધા આવેગો સહેલાઈથી અને બિનહાનિકારક રીતે બહાર નીકળી જાય છે. ગુસ્સો, અકળામણ, નિરાશા, હતાશા વગેરે બધું જ એવી સહેલાઈથી બહાર નીકળી જાય છે કે એની આપણને ખુદને ખબર પડતી નથી. રમત રમ્યા પછીની હળવાશ અદ્ભુત હોય છે. બાળકોના શિક્ષણમાં રમતને આથી જ ખૂબ મહત્ત્વ મળેલું છે. આથી રમતો માત્ર બાળકો માટે જ નહિ, મોટેરાં માટે પણ એટલી જ ઉપયોગી અને મહત્વની છે.

આપણે કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ ભગવાનમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તાણની અવસ્થામાં પ્રાર્થના ખૂબ જ લાભ આપી જાય છે. પ્રાર્થના મનને શાંત કરે છે અને આપણી અંદર આત્મવિશ્વાસ પ્રેરે છે. લોનાવાલા સ્થિત કૈવલ્યધામના પ્રોફેસર રણજિતસિંહ ભોગલે કરેલા એક પ્રાયોગિક અભ્યાસ દરમ્યાન જોવા મળ્યું હતું કે પંદર દિવસ સુધી દિવસમાં બે વખત માત્ર પાંચ-પાંચ મિનિટ નિયમિત સવાર-સાંજ નીચા અને સ્થિર સૂરમાં ‘ઓમકાર’નું રટણ કરવાથી તાણ, મનોદબાણ, માનસિક અવરોધો અને બીજા કેટલાક સામાન્ય માનસિક વિકારોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. એટલે પ્રાર્થનાનું પણ આગવું મનોવિજ્ઞાનિક મહત્વ નકારી શકાય નહિ.

જેને તાણમાંથી મુક્ત થવું છે અને જેણે તાણનો ભોગ નથી બનવું એણે વાસ્તવિકતાઓ સ્વીકારીને ચાલવું જરૂરી છે. એ સાથે જ એણે જીવનનાં ટૂંકા અને લાંબા ગાળાનાં ધ્યેયો નક્કી કરવાનાં છે. એ માટેના પ્રયત્નોમાં આવતા અવરોધોનો સામનો કરવા તૈયાર રહેવાનું છે. પોતાની અગ્રતાઓ નક્કી કરવાની છે, પોતાના સમયનું આયોજન કરવાનું છે, પોતાની દરેક ભૂમિકાને સમજવાની છે, પોતાની લાગણીઓ વ્યવસ્થિત રીતે વ્યક્ત કરતા રહેવાનું છે અને પોતાની દરેક ક્રિયા તથા દરેક સફળતા અને નિષ્ફળતાને મૂલવતા રહેવાનું છે. આટલું કરે એને સિકંદર બનવામાં બહુ જ ઓછો અવરોધ નડે!