અહંકાર – 25
લેખક – મેર મેહુલ
જયપાલસિંહે ઑફિસ રૂમની બહાર નીકળીને દિપક મારફત બે દંડા અને દોરી મંગાવી હતી. ત્યારબાદ બંને ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતા. અન્ય ચાર કૉન્સ્ટબલોની મદદથી જય અને શિવનાં પગ બાંધીને બંનેને જુદા જુદા ટેબલ પર ઊંધા સુવરાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ બંને હાથ પાછળ કમર પર લાવીને બાંધી દેવામાં આવ્યાં હતાં.
“હજી તમારી પાસે સમય છે, જેણે હાર્દિકનું મર્ડર કર્યું છે એ કબૂલ કરી લો નહીંતર હું મારવાનું શરૂ કરીશ તો અટકીશ નહિ” જયપાલસિંહે ચેતવણી આપતાં કહ્યું.
“સર, અમારા વિરુદ્ધ એવા પુરાવા પણ નથી અને અમે મર્ડર પણ નથી કર્યું તો અમને શા માટે આવી રીતે ટોર્ચર કરવામાં આવે છે ?” શિવે કહ્યું.
જવાબમાં જયપાલસિંહ કૉન્સ્ટબલને આંખ વડે ઈશારો કર્યો હતો. એક કૉન્સ્ટબલે શિવનાં બંને પગ પકડીને ઘૂંટનેથી વાળ્યા હતાં. જયપાલસિંહ શિવનાં પગની પાની પર તાકાતપૂર્વક એક દંડો ફટકાર્યો.
“આ..આ…આ.., મારશો નહિ સર પ્લીઝ…” શિવ બરાડી ઊઠ્યો.
“સાલાઓ.., તમે લોકો કબુલ નથી કરતાં એટલે જ અમારે આ રસ્તો અપનાવવો પડે છે” જયપાલસિંહે ધૃણા સાથે કહ્યું, “અને જ્યાં સુધી કબૂલ નહિ કરો ત્યાં સુધી તમને આવી રીતે જ મારવામાં આવશે”
જયપાલસિંહ અને દિપક ભૂખ્યા શિકારીની જેમ પેલાં બંને પર તૂટી પડ્યા.
“અમે મર્ડર નથી કર્યું સર…મારશો નહિ…પ્લીઝ સાહેબ…અમને મારશો નહિ…આ..ઉહ…ઓ..બાપા…” બંને દર્દ સાથે વિનંતી કર્યા રહ્યાં પણ તેઓનાં અવાજ સાંભળવાવાળું ચોકીમાં નહતું અને જેણે સાંભળ્યું હતું એ અત્યારે ‘બેન્ક ઓફ શિવગંજ’ તરફ રવાના થઈ ગયા હતાં.
*
અનિલે ‘બેન્ક ઓફ શિવગંજ’ ની બહાર જીપ થોભાવી હતી. બંને નીચે ઉતરીને સીધા લોન ડિપાર્ટમેન્ટ તરફ દોડ્યા. બંને દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યાં એટલે સિક્યુરિટી ગાર્ડે તેઓને અટકાવ્યા.
“તમે અંદર નહિ જઈ શકો સાહેબ, ક્લસ્ટર હેડે અમને હુકમ આપેલો છે”
“પણ શા માટે ?, અમે પૂછપરછ કરવા માટે આવ્યાં છીએ”
“તમારે જે પણ પૂછવું હોય એ ડિટેકટિવ બક્ષીને પૂછી લેજો, તેઓની પાસે બધી જ ડિટેઇલ્સ છે”
“બક્ષીને ટંકોરો ખબર હોય… જેણે મર્ડર કર્યું છે એ તમારા ડિપાર્ટમેન્ટમાંથી જ કોઈ એક છે. ડિટેક્ટિવ બક્ષીને એણે સામેથી તો નહીં કહ્યું હોયને કે મેં મર્ડર કર્યું છે પણ કોઈને કહેતાં નહિ..”
“સૉરી સાહેબ, હું તમારી વ્યથા સમજી શકું છું” સિક્યુરિટી ગાર્ડે કહ્યું, “પણ તમે અંદર નહિ જી શકો”
“ફ** ઑફ…!, તમે બક્ષીનો નંબર તો લાવી આપશોને ?”
“હા, એ કરી આપું” કહેતાં તેણે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. બાથરૂમમાંથી પ્યુન બહાર આવ્યો.
“કેતન સાહેબ પાસેથી ડિટેક્ટિવ બક્ષીનો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ લઈ આવો”
પ્યુન હાથમાં નોટપેન લઈને ચાલવા લાગ્યો. થોડીવાર પછી એ પાછો આવ્યો ત્યારે એનાં હાથમાં એક કાગળ હતો. તેણે એ કાગળ સિક્યુરિટી ગાર્ડને આપ્યો, ગાર્ડે અનિલને આપ્યો.
“થેંક્યું કાકા અને કેતન માંકડને કહી દેજો, હવે પોલીસ આવશે તો વોરન્ટ સાથે આવશે. ત્યારે એ તો શું તમારી બેન્કનો માલિક પણ અમને રોકી નહિ શકે” કહેતાં અનિલ દાદરા ઉતરવા લાગ્યો. બંને આવીને જીપમાં બેઠાં. અનિલે ફાઇલ ખોલી.
“નેહા, ખુશ્બુ અને સંકેતને રાત્રે મળવું પડશે” અનિલે કહ્યું, “જય અને શિવ ચોકીએ છે તો આપણે જનક પાઠકને મળીને બક્ષીની ઓફિસે ચાલ્યા જઈએ”
ભુમિકા હાલ હકારમાં માથું ધુણાવવા સિવાય કશું કરી પણ નહોતી શકવાની.
‘બેન્ક ઓફ શિવગંજ’ થી જીપ સરદાર પટેલ સર્કલ તરફ રવાના થઈ. અડધી કલાક પછી જીપ જનક પાઠકનાં બંગલા બહાર હતાં. ગાર્ડ દરવાજો ખોલવાને બદલે ઊભો થઈને જીપ પાસે આવ્યો.
“સાહેબ બહાર ગયા છે..”
“ક્યાં ગયા છે ?”
“એ તો નથી ખબર પણ સાંજ સુધી પાછા નહિ આવે એટલું જણાવ્યું હતું”
અનિલે ગુસ્સામાં ગિયર બદલ્યો અને એક્સિલેટર પર ભાર આપ્યો. જીપ ઝટકા સાથે આગળ વધી ગઈ.
“બક્ષીને કૉલ લગાવ” અનિલે ડ્રાઈવિંગ કરતાં કહ્યું, “નહીંતર આપણે ત્યાં જશું તો એ પણ નહીં મળે..”
ભૂમિકાએ પેલાં કાગળમાંથી નંબર ડાયલ કરીને કૉલ લગાવ્યો.
“હેલ્લો, મી. રાકેશ બક્ષી.. હું મોહનલાલ નગર પોલીસ સ્ટેશનમાંથી કૉન્સ્ટબલ ભૂમિકા વાત કરું છું. તમે હાલ ઓફિસે છો ?”
સામે છેડેથી બક્ષીએ જવાબ આપ્યો.
“ ‘હાર્દિક પાઠક મર્ડર કેસ’ માં તમારી મદદ જોઈએ છે, અત્યારે નાનકડી મિટિંગ માટે તમારી પાસે સમય છે ?”
બક્ષીએ ફરી જવાબ આપ્યો.
“થેંક્યું, અમે થોડીવારમાં તમારી ઓફિસે આવીએ છીએ” કહેતાં ભૂમિકાએ કૉલ કટ કરી દીધો.
“બાપાસીતારામ ચોક પાસે તેની ઓફીસ છે, આપણને મળવા બોલાવ્યા છે” ભૂમિકાએ કહ્યું. અનિલે એ તરફ જીપ દોરી લીધી.
પોલીસ જીપ મંત્રેશ ચોકે પહોંચી ત્યારે બપોરનાં અઢી વાગ્યાં હતાં. બક્ષીની ઑફિસ ‘માધવ દર્શન કોમ્પ્લેક્ષ’ નાં બીજા માળે હતી. બંને ઓફિસમાં પહોંચ્યા ત્યારે રાજેશ બક્ષી પોતાની રિવોલ્વિંગ ચેર બેસીને ફાઇલ વાંચી રહ્યો હતો. અનિલ અને ભૂમિકા ઑફિસમાં પ્રવેશ્યાં એટલે તેણે ફાઇલ બંધ કરી, ટેબલ પર રાખીને બંનેને બેસવા ઈશારો કર્યો.
“બોલો સાહેબ, શું મદદ કરી શકું તમારી ?”
“ ‘હાર્દિક મર્ડર કેસ’ પર તમે પણ કામ કરી રહ્યા છો ને, એ જ સિલસીલામાં થોડી પૂછપરછ અને થોડી સલાહ લેવા આવ્યા છીએ” અનિલે કહ્યું.
“પૂછપરછ ?” બક્ષીએ ભવરો ચડાવીને પૂછ્યું.
“અમે બેન્ક ઑફ શિવગંજમાં પૂછપરછ માટે ગયા હતા, પણ અમને પ્રવેશવા જ ન દીધાં અને જે કંઈ કામ હોય એ તમને મળીને પતાવી દેવું એવું જણાવ્યું છે”
“અરે હા.., લોન ડિપાર્ટમેન્ટનાં ક્લસ્ટર હેડને એવું લાગે છે કે તમે લોકો વારંવાર પૂછપરછ કરવા જાઓ છો એટલે એનાં એમ્પ્લોય ડિસ્ટર્બ થાય છે” બક્ષીએ હળવું હસીને કહ્યું, “એ લોકોને કેસ કેવી રીતે સોલ્વ થાય એનું જ્ઞાન નથી એટલે આપણે તેઓને ઇરીટેટ કરીએ છીએ એવું તેઓને લાગે છે. ખેર, તમે શું પૂછતાં હતાં ?”
“અમારે ખુશ્બુ ગહરવાલ, નેહા ધનવર અને સંકેત રાઠોડ સાથે પૂછપરછ કરવી હતી” અનિલે કહ્યું.
“પણ તેઓ તો હવે સસ્પેક્ટ નથીને, ભૂમિકાબેને જ તેઓનાં સ્ટેટમેન્ટ વેરીફાઇડ કર્યા હતાં” કહેતાં બક્ષીએ ભૂમિકા તરફ નજર ફેરવી.
“હા સાહેબ, મેં જ સ્ટેટમેન્ટ વેરીફાઇડ કર્યા હતાં પણ તેઓએ કોઈ બીજા પાસે મર્ડર કરાવ્યું હોય એવું બની શકેને” ભૂમિકાએ ચોખવટ પાડતા કહ્યું.
“બન્યું છે એવું કે જયપાલસર, જય અને શિવમાંથી એકને હત્યારો સમજે છે અને હવે તેઓએ ઇન્ટ્રોગેટ કરવાની જગ્યાએ ફિઝિકલ ટોર્ચરનો રસ્તો અપનાવ્યો છે. મેં શિવ અને જય સાથે વાત કરી હતી, મને લાગે છે એમાંથી કોઈ મર્ડરર નથી”
“એ તો હું પણ જાણું છું” બક્ષીએ કહ્યું, “શિવનાં બ્લડ રિપોર્ટમાં જેટલું દારૂનું પ્રમાણ મળ્યું છે એને આધારે શિવ બે-ત્રણ કલાકમાં ભાનમાં આવી જાય એની કોઈ સંભાવના જ નથી અને જયની પુરી જન્મકુંડળી મેં શોધી કાઢી છે, એ મર્ડર તો શું કોઈનું લોહી જોઈ જાય તો પણ ઉલ્ટી કરી દે છે”
“આ વાત જયપાલસર સમજવા તૈયાર નથી” અનિલે કહ્યું.
“જયપાલનાં સ્વભાવ વિશે તમે પણ જાણો જ છો” બક્ષીએ ટેબલ પર કોણી ટેકવીને કહ્યું, “જયપાલ જ્યાં સુધી ખામોશ રહે ત્યાં સુધી જ સારો છે, જો એ વિફર્યો તો એને સમજાવવો મુશ્કેલ નહી અસંભવ છે”
“પણ એ લોકો નિર્દોષ છે”
“સબુત છે ?” બક્ષીએ કહ્યું, “જયપાલને સબુત આપો એટલે તેઓને હાથ પણ નહીં લગાવે”
થોડીવાર માટે ઓફિસમાં શાંતિ પથરાઇ ગઈ.
“મારી એક સલાહ માનશો..” બક્ષીએ કહ્યું, “શિવ અને જય નિર્દોષ છે એવું સાબિત કરવા કરતાં કાતીલને શોધો. જો દોષી મળી જશે તો એ બંને આપોઆપ નિર્દોષ સાબિત થશે”
“ત્યાં સુધીમાં પેલાં બંને અધમુઆ થઈ જશે” અનિલે કહ્યું.
“એનો પણ મારી પાસે રસ્તો છે” બક્ષીએ હસીને કહ્યું, “તમે લોકો જયપાલને એવું જણાવી દો કે કાતિલ મળી ગયો છે અને એક દિવસમાં કાતીલની એની સમક્ષ હાજર કરી દેશે. સાથે જ જયપાલને કાલે સવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવા કહો, જેમાં કાતિલ મળી ગયો છે એવું જાહેર કરી દ્યો”
“પણ કાતિલ નથી મળ્યોને, જયપાલસર સબુત વિના સ્વીકારશે નહિ અને આવી અફવા ફેલાવવાથી શું મળશે ?” અનિલે પૂછ્યું.
“મળશે.., કાતિલ જ આપણને કાતિલ સુધી પહોંચાડશે. તમે બંને બે દિવસમાં કાતિલ સુધી પહોંચી જશે બસ હું કહું એમ કરો..”
“ઑકે…, સમજી લઈએ કે આપણી વાત સ્વીકારીને જયપાલસરે જાહેરાત કરી દીધી. તો આગળ શું ?”
“તમે બંને કાલ સાંજ સુધીમાં બધા જ સસ્પેક્ટની પુરી માહિતી એકઠી કરશો અને સાંજે છ વાગ્યે બધા સસ્પેક્ટને ચોકીએ બોલાવી લેશો” બક્ષીએ કહ્યું, “આપણે ત્યાં જ કાતિલને ઝડપી લઈશું”
“મને આ આઈડિયા રિસ્કી લાગે છે” અનિલે કહ્યું.
“તો પછી તમારી ઈચ્છા, પેલાં બે છોકરાને માર ખાવા દો અને તમે બંને કાતીલની શોધવામાં આમતેમ ભટકતાં રહો”
“અમે બે મિનિટ ચર્ચા કરી લઈએ..” કહેતાં અનિલે ભૂમિકા તરફ ઈશારો કર્યો. બંને બહાર ગયા અને દસ મિનિટ પછી ઓફિસમાં આવ્યાં.
“અમે રિસ્ક ઉઠાવવા તૈયાર છીએ” અનિલે કહ્યું.
“ગુડ, તો લાગી જાઓ કામ પર” કહેતા બક્ષીએ પોતે તૈયાર કરેલી એક ફાઇલ અનિલ તરફ ધકેલી, “આ ફાઇલ કાતિલ સુધી પહોંચવાનો રસ્તો છે”
“થેંક્યું સાહેબ..” બક્ષી સાથે શેકહેન્ડ કરીને બંને બહાર નીકળી ગયા.
(ક્રમશઃ)