પ્રકરણ - ૪૫
આધ્યા સોનાની સામે જોઈને બોલી, " શું થયું? તને કેમ એવું લાગ્યું? મલ્હારે કંઈ કહ્યું કે પછી ઉત્સવે?"
"પ્રેક્ટિકલી સાચી વાત કરું તો એક શાન, મોભાદાર, ગણાતા શાહુકાર સમાજમાં કોલગર્લની બહું ખરાબ છાપ હોય છે. આજ સુધી કેટલાય લોકો સાથે આપણે મને કે કમને કે મજબૂરીમાં ઘણી રાત વીતાવી ચુક્યાં છીએ. હું કંઈ નહીં છુપાવુ જેમ તને મલ્હાર માટે લાગણી છે એમ જ મને ઉત્સવ માટે પણ જાણે અજાણે લાગણી બંધાઈ છે. પણ એ લોકોનું મન તો કળી શક્યા નથી કે એમનાં મનમાં આપણાં માટે શું ચાલી રહ્યું છે. પણ એક એ પણ હકીકત એ લોકો અમીર પરિવારનાં સંતાનો જ હશે તો જ આપણાં માટે આટલું કરી શકે છે વળી એમની રહેણીકરણી પહેરવેશ વગેરે પરથી જ એ તો ખબર પડી જાય છે.
અમીર પરિવારનાં આટલાં હોશિયાર અને દેખાવડા દીકરાઓને કેટલીય સારાં ઘરની છોકરીઓ એમની સાથે પરણવા તૈયાર હોય તો એ લોકો આપણને સ્વીકારે ખરાં? આપણાં ભૂતકાળ સાથે આપણને સ્વીકારવા એ બહું મોટાં ગજાના માનવીની વાત છે. નાનાં માણસો ફક્ત આપણો ઉપયોગ કરીને આપણને છોડી શકે છે. "
આધ્યા વાત અટકાવતાં વચ્ચે બોલી, " તો આપણાં માટે આટલું કરે પણ નહીં ને? એમને શું પડી હોય કે આપણે જીવીએ કે મરીએ? ભલે ને આપણે શકીરાની કેદમાં ફરી જીવનભર સડતા રહીએ..."
"હું એવું નથી કહેતી કે ઉત્સવ અને મલ્હાર બંને સારા નથી કે આપણો ઉપયોગ કરશે. મને લાગે છે કે એ આપણાં પ્રત્યે સહાનુભૂતિ પણ હોઈ શકે! આટલાં અથડાયા કુટાયા પછી હવે સહેજ જીવવાની ઈચ્છા જાગી છે. મને એમ થાય છે કે ફરી કોઈ આમ આપણી સાથે દિલની રમત રમીને જતું તો નહીં રહે ને? હજુ સુધી શકીરાના ત્યાં આપણે કામ ખાતર બધું કરતાં હતાં પણ હવે કદાચ લાગણીઓથી ગૂંથાઈને... તો તકલીફ વધારે થશે..." કહેતા સૌથી મજબૂત દેખાતી સોનાની આખો આજે પહેલીવાર ભરાઈ આવી.
આધ્યાએ એને સાંત્વના આપતાં કહ્યું " હું તારી વાત સમજી ગઈ. હવે આપણે એવી લાગણીમાં ફસાઈશું નહીં. મને પણ લાગ્યું કે હું પણ મલ્હાર માટે વધારે લાગણીસભર બની ગઈ હતી. હવે થોડાં દિવસ અહીં પસાર કરીને મેં એને વાત કરી છે કોઈ નાનકડું પણ ઘર શોધીને કંઈ કામ પણ શોધી લઈશું. જીવન જીવવાનો કોઈ અલગ મકસદ શોધી દઈશું. ધીમે ધીમે કરીને આ ઉપકારને પણ ચૂકવી દઈશું. બરાબર ને?"
નેન્સી : " ચાલો યાર.. આમ સેન્ટી ન બનો...જે થશે એ સારુ જ થશે. ચાલો જમી લઈએ" કહીને ચારેય જણા જમવા માટે ડાઈનિંગ ટેબલ પાસે ગોઠવાઈને જમવાને ન્યાય આપવા લાગ્યાં...!
**********
કર્તવ્ય રાત્રે મોડાં ઘરે પહોચ્યો. બધાં એની રાહ જોઈને બેઠાં હોવાથી ફ્રેશ થઈને શાંતિથી એણે પણ જમી લીધું. પણ આજે એનાં મમ્મી પપ્પા અને એની વચ્ચે કોઈ જ જાણે વાતચીત ન થઈ. બધાએ શૂન્યમનસ્ક બનીને જમી લીધું. આજે કદાચ આટલાં વર્ષોમાં પહેલીવાર કર્તવ્યના ઘરમાં આવું બન્યું છે બાકી આ સમયે તો હંમેશા ખાવાપીવાની સાથે હસી ખુશીની વાતો જ થતી હોય. ત્યાં જ ડાઈનિંગ ટેબલ પર બેઠા જ ધીમેથી દીપેનભાઈ બોલ્યાં, " કર્તવ્ય, તો પછી બેટા તે શું વિચાર્યું આગળ? શું કરવાનું વિચારે છે?"
કર્તવ્ય : " શું વિચારું પપ્પા? દીલીપફુઆ ગુનેગાર છે એ છે જ...! પણ એવાં ગુનેગાર કે જેને કોઈ જેલમાં સળિયા નહીં ગણાવી શકાય...એમનો ચહેરા પાછળનો ચહેરો વિચારીને હવે જેટલું મને એમના પર અઢળક માન હતું એટલી જ નફરત બની ગયું છે. હું બીજા લોકો વિશે વિચારતો હતો કે કેવાં લોકો હોય છે પણ આજે મારાં જ પરિવારની વ્યક્તિ આવું કરે તો કોને કહેવા જવું? શું કરવું એ સમજાતું નથી. "
"તારી વાત તો સાચી છે. પણ વર્ષાફોઈને કેવી રીતે કહેવું? એ પણ આ ઉમરે? એમને કહીશું તો પણ માની નહીં શકે...! "
"એ જ તો છે પપ્પા કે એમણે ફોઈ અને એમનાં સંતાનોને પણ એટલા જ સારી રીતે સાચવી રહ્યાં છે કે એ ઝડપથી કોઈ આપણાં પર વિશ્વાસ જ ન કરી શકે! વળી સ્ત્રીઓનાં માનસન્માન ને સ્વતંત્રતા માટે મિશનમાં તો એમની આગેવાની... માણસને કેમ કરી ઓળખવો? એ આજે બહું જ કઠિન સવાલ બની ગયો છે. ક્યારેક એમ વિચાર આવે છે કે કંઈ જ કર્યા વિના બધું જ એમ જ ચાલવા દઈએ, ફોઈની જિંદગી ખરાબ નથી કરવી, પણ બીજી બાજુ તમે એ અંતરાને જોશો તો તમારું દિલ થથરી જશે!" કર્તવ્ય બે બાજુનાં પાસાં વિચારતાં બોલ્યો.
એટલામાં જ આજે પહેલીવાર શિલ્પાબેન કર્તવ્યની અપેક્ષા વિરુદ્ધ બોલ્યાં " આજે તારી જેમ જ મારો હોવા છતાં મારા મનમાં દિલીપ પ્રત્યેની બધી જ માનમત્તા ઉતરી ગઈ છે. મારાં મનમાં એક વિચાર આવી રહ્યો છે કે કદાચ એવું કરીએ તો? કદાચ બધું સમુસુતરું ઉતરી જાય."
કર્તવ્ય ખુશ થતાં બોલ્યો, " મમ્મી મને તો એમ કે તું કદાચ એમ જ કહીશ કે આ બધામાં પડ્યાં વિના આગળ વધી અથવા મિશન જ બંધ કરી દે. તારી પાસે આખી જિંદગી પડી છે હજુ. પરિવારનાં લોકોની વિરૂદ્ધમા શું કામ જવાનું?"
શિલ્પાબેન બોલ્યા, " કદાચ હજું સુધી હું એવું વિચારતી પણ હતી પણ પછી મને આ સાંભળીને ખરેખર થયું કે આવું તો કેટલીય સ્ત્રીઓ સાથે થતું હશે? એમની જગ્યાએ મારી સાથે આવું થયું હોય તો શું થાય એ સ્થિતિ વિચારીને ફફડી જાઉં છું. કોઈ સ્ત્રી જ્યારે લગ્ન કરીને જાય છે ત્યારથી એના જીવનમાં સૌથી વધુ મહત્વ અને વિશ્વાસ ફક્ત પોતાના પતિ પર હોય છે. એ હિસાબે કદાચ સગા માબાપ અને સંતાનો પણ બીજા નંબર પર આવી જાય છે. અને એ જ વ્યક્તિ આવું કરે તો?
વર્ષાફોઈનુ હું વિચારું તો કે જે સ્ત્રી કેટલીય સ્ત્રીને સન્માન, કેટલાય શોષણોથી મુક્તિ અપાવવા માટે અનેક સંસ્થાઓ ચલાવીને ખુદ લડત આપે છે. જરૂર પડે તો એમનાં પરિવારજનો સાથે વાતચીત કરીને એમની સાથે સમજાવટ કરીને કેટલાય લોકોની જિંદગી એમણે સુધારી છે. આજે ખુદ એ સ્ત્રીને ખબર પડશે તો એની શું સ્થિતિ થશે? મને તો એ સમજાતું નથી કે એમને વર્ષાબેનમા શું ઓછું પડ્યું હશે? ભણેલાગણેલા, સમજું, ખાનદાન પરિવારની દીકરીને... બધું જ તો છે."
"કદાચ વર્ષા દેખાવે મિડીયમ હોવાથી એ કદાચ એ સુંદરતાને શોધતાં ત્યાં પહોંચી ગયાં હશે?" દીપેનભાઈ પોતાનું મંતવ્ય રજૂ કરતા બોલ્યાં.
"હોઈ શકે...પણ રૂપ અને સુંદરતા અચાનક આવી કે જતી નથી રહી. ફોઈ એવા પણ નથી લાગતાં કંઈ ખરાબ...વળી જો એમને એવું જ જોઈતું હોય તો કોઈએ એમને ફોર્સ કરીને તો ફોઈ સાથે સંબંધ નહોતો જ કરાવેલો...એમણે પોતે જ હા કહેલી ને? એમને પોતાની પસંદ વિશે એ સમયે વિચારવું જોઈએ ને?"
"એ બધું જ આપણાં પ્રમાણે બરાબર છે, પણ સાથે જ અત્યારે જે છે એ હકીકત છે હવે શું કરવું એ આપણી નક્કી કરવાનું છે. લડવું કે છોડી દેવું." દીપેનભાઈ ચિતામાં બોલ્યાં.
" મમ્મી તને શું વિચાર આવેલો? તું કહે એ કંઈ કામ આવે તો? હું અંતરાને વચન આપીને આવ્યો છું કે હું જલ્દીથી તને અને તારી સાથે સબડતી એ છોકરીઓને છોડાવીશ."
"આપણે એ કોઠો તો બંધ કરાવી જ દઈએ સાથે જ અંતરાને એનો પરિવાર..."
" પણ એ કેવી રીતે શક્ય છે મમ્મી?"
"કોઠો બંધ કરાવવા દિલીપની સામે તારે છતું થવું જ પડશે. પણ જો એ અંતરાને એક નવજીવન આપીને એ બધી જ દીકરીઓને ત્યાથી મુકત કરાવવા તૈયાર થાય તો આપણે એમની સમાજમાં ઈજ્જત બચાવી શકીએ. આપણે કદાચ દુનિયા સામે એમનું મોઢું કાળું ન કરવું પડે. "
"પણ અંતરાનુ નવજીવન એટલે કે એને પણ એક પરિવાર મળે એમ જ ને? પણ જે પિતા પોતાની દીકરી સાથે આવું કરી શકે એની સાથે કે એનાં ઘરે આવવા અંતરા તૈયાર થશે ખરી? વળી વર્ષાને ખબર પડે તો એ અંતરાને અપનાવવા તૈયાર થશે?" દીપેનભાઈ ઉડું વિચાર કરતાં બોલ્યાં.
"એ વાત તો સાચી. કારણ કે અંતરાને એનાં પિતા પ્રત્યે એક નફરતની બહું ગાઢી દીવાલ ચણાઈ ગઈ છે. મને એમ થાય કે જે પણ થાય આવી રીતે ફુઆ કોઈની જિંદગી તો ખરાબ ન જ કરી શકે! " કર્તવ્ય પોતાનો નિર્ણય કહેવા લાગ્યો.
દીપેનભાઈ અને શિલ્પાબેન બંને એકબીજાની સામે જોઈને કંઈ આંખોથી જ વાતચીત કરીને બંને એકસાથે બોલ્યાં, " તારું મન જેમ કહે એમ કર... આ બાબતમાં અમે તને ક્યાંય નહીં રોકીએ. શાંતિથી પ્રયાસ કરજે પતે એવું બાકી જે થશે તે...અમને તારાં પર પૂરેપૂરો વિશ્વાસ છે. " કર્તવ્યને મનમાં એનાં મમ્મી પપ્પા પણ આ મિશનમાં સચ્ચાઈ સામે લડવા સાથ આપી રહ્યાં છે એ જ એમનાં વાક્યો સાંભળીને જાણે એક લડાઈ લડવા માટેનું નવું જોમ આવી ગયું... એ ફટાફટ પોતાનાં રૂમમાં સુવા માટે જતો રહ્યો...!
હવે કર્તવ્ય કઈ રીતે અંતરાને નવજીવન આપશે? આધ્યા મલ્હાર સાથે કેવો સંબંધ અપનાવશે? એનું મિશન ખરેખર સફળ થશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૪૬