પ્રકરણ - ૩૮
ઉત્સવનાં બહાર જતાં જ સોના બોલી, " યાર આપણી સાથે કેટલાંક દિવસથી શું બની રહ્યું છે સમજાતુ નથી. આપણી આ સંતાકૂકડીને કોઈ મુકામ મળે તો સારું. આ બધું કોઈ માયાજાળ તો નહીં હોય ને? આપણાં જીવનનાં આટલાં સંઘર્ષ અને વળાંક પછી કિસ્મત પર પણ વિશ્વાસ આવતો નથી. બાકી ક્યાંક ફરી..."
"આવું ન વિચાર. આટલું સારું થયું છે તો એ પણ સારું થશે જ. મારાં મનમાં પણ એ સવાલ તો છે જ કે આ જે પણ છે કર્તવ્ય મહેતા એ સારો જ વ્યક્તિ હશે પણ એ આપણી સામે કેમ નથી આવતો? એક સવાલ મને પણ બહું હેરાન કરી રહ્યો છે." આધ્યા ત્યાં સોફા પર બેસતાં બોલી.
અકીલા : " ભગવાન પે ભરોસા કરો. એક બાર યે બંગલા પૂરી તરહ સે દેખ લે? ફિર કુછ સોચતે હે. સોચને કે લિયે ટાઈમ હી ટાઈમ હે. "
બધાને અકીલાની વાત બરાબર ન લાગતાં બધાં સાથે જ બંગલામાં બધાં રૂમ બધું જ એક પછી એક જોવા લાગ્યાં. એમાં બે રૂમને લોક છે બાકી બધું જ ખુલ્લું છે. આખો બંગલો ફુલ સગવડોથી સજ્જ છે. કિચનમાં પહોંચીને જોયું તો એ પણ આધુનિક સગવડવાળું છે. સાથે જ એમાં રસોઈ બની શકે એવી બધી જ સામગ્રી પણ છે. જાણે કોઈ રહેતું જ હોય રોજ એવું લાગી રહ્યું છે.
આધ્યા: " ઓહો રસોઈ તો આપણે જાતે બનાવી શકીશું. લગભગ બધું જ છે."
ફ્રિજ ખોલતાં નેન્સી બોલી, " અરે આમાં તો શાક, ફ્રૂટ્સ બધું જ છે. મતલબ આપણે ક્યાય કોઈ વસ્તુ માટે બહાર જવું પડે એમ નથી."
બધે ફરીને એક મોટો બેડરૂમ દેખાયો એમાં ચાર બેડ ગાદી, બ્લેન્કેટ બધું જ સુવિધા પણ છે.
સોના હસીને બોલી," કદાચ એ લોકોએ વિચારીને જ વ્યવસ્થા કરી છે કે આ લોકો એ જ રૂમમાં સૂઈ જશે ભલે બંગલો ગમે તેટલો મોટો હશે"
બધાં ફરીવાર હોલમાં આવીને બેઠા. એટલામાં જ લેન્ડલાઇન પર ફોન આવ્યો. ફોન ઉપાડવો કે નહીં એની અવઢવમાં પહેલીવાર ફોન ઉઠાવ્યો નહીં. સોના ચારેયમા થોડી બહાદુર અને હાજરજવાબી હોવાથી થોડીવાર પછી ફરી બીજીવાર ફોન આવ્યો તો સોનાએ ફોન ઉઠાવ્યો પણ કંઈ બોલી નહીં. સામેથી અવાજ આવ્યો, " મેમ ઉત્સવ બોલું. કોઈ તકલીફ તો નથી ને? કિચનમાં જાતે તમને ફાવશે ને? કારણ કે કોઈનું પણ બહારથી જમવાની વ્યવસ્થા માટે આવવું કે તમારું બહાર નીકળવું ખતરનાક બની શકે છે. માટે જ આ વ્યવસ્થા કરાઈ છે."
"અરે બધું જ બરાબર છે. તમે જરાય ચિંતા ન કરો.કંઈ પણ એવું લાગશે તો આપને જણાવીશું. અહીં કોઈ તકલીફ પડે એમ નથી પણ તમે ડૉક્ટર પાસે બતાવી આવજો."
"બાય ટેક કેર." સામેથી અવાજ આવ્યો. ફોન મુકાઈ ગયો. સોનાનાં ચહેરા પર અજાણતાં જ એક સ્મિત આવી ગયું.
આધ્યા સોનાની સામે જોતાં બોલી, " શું થયું? કોણ હતું?"
" અરે ઉત્સવ હતો." અજાણતાં જ એના મોઢામાંથી ઉત્સવ નીકળી ગયું પછી એ બોલી, " મતલબ ઉત્સવભાઈ જે અહીં આવ્યાં હતાં."
બધાં એની સામે જોઈને હસવા લાગ્યા એટલે સોના બોલી, " શું થયું? કેમ મારી સામે જોઈ રહ્યાં છો આમ ત્રણેય?"
આધ્યા હસીને બોલી, " કેટલી ચિંતા છે નહીં? આ ઉત્સવને ક્યાંક તું ગમી ગઈ હોય એવું નથી લાગતું? એની નજર છેક સુધી વારેવારે તારાં પર જ અટકેલી દેખાઈ રહી હતી."
નેન્સી : " હા એ તો મેં પણ જોયું હતું."
સોના સહેજ શરમાઈ ગઈ પછી જાણે પોતાની જાતને ઢંઢોળતા નિસાસો નાખતાં બોલી, " શું વાત કરો છો યાર? આપણા નસીબ એવાં ક્યાં છે કે આપણને એક પ્રેમાળ પતિ, પરિવારના બધું મળે. આપણાં ભૂતકાળ પર નજર નાખીને કોઈ સામાન્ય જીવન જીવતો સારાં પરિવારનો છોકરો આપણને ક્યારેય જીવનસાથી બનાવવા તૈયાર થાય ખરાં? ખોટા સ્વપ્ન જોવાનો કોઈ અર્થ નથી."
સોનાની વાત પરથી કદાચ એને પણ ઉત્સવ ગમી ગયો છે પણ એ પ્રેક્ટિકલી વિચારીને એનો વિરોધ વિનાનો વિરોધ કરી રહી છે.
આ સાંભળીને આધ્યાની નજર સમક્ષ એક ચહેરો તરવરવા લાગ્યો. પણ ખૂણે બાઝેલા એ અશ્રુબિદુઓને એણે પોતાનાં દુપટ્ટો આડો કરીને કોઈને ખબર ન પડે એમ સંકોરી દીધાં.
આધ્યા : " આપણે બધાં થોડોક આરામ કરી લઈએ પછી ડીનર માટે કંઈ કરીશું." એમ કહીને એ બેડરૂમમાં બધાં કદાચ કેટલા વર્ષો બાદ કે પછી જીવનમાં પહેલીવાર આટલી નિરાતભરી નિદર મળતાં ચારેય સૂઈ ગયાં....!
***********
કર્તવ્ય આજે મિશન માટેની આગામી મિટીંગ માટે તારીખ નક્કી કરી રહ્યો છે. એણે કેટલાક મેઈલ કરી દીધાં. આમ તો આ બધું કામ એ કોઈ પણ પાસે કરાવી શકે પણ એણે આ બધું પોતે જ કરવાનું વિચારી દીધું. ને આખરે બધું સેટ અપ કરીને એ શાંતિથી ખુરશીમાં આખો બંધ કરીને બેઠો. એ વિચારવા લાગ્યો કે ફક્ત થોડાં લોકો આટલું સારી રીતે કામ કરીને આટલી સફળતા મેળવી શકતાં હોય તો બધાં જ એક સારી દ્રષ્ટિએ વિચારે તો કદાચ આવું કંઈ કરવાની જરૂર જ ન પડે. એનાં સમક્ષ એક ચહેરો તરવરી ઊઠ્યો.
એ મનોમન બોલી ઉઠ્યો," કર્તવ્ય આ શું વિચારી રહ્યો છે તું? તારે શું કરવાનું છે તને ખબર છે ને? તે કોઈને વચન આપ્યું છે? એવું કંઈ પણ વિચારીશ તો તારો સ્વાર્થ બની જશે. આટલું મોટું લક્ષ્ય એક લાગણીમાં ફસાઈને વ્યર્થ ન જવા દેવાય ને?"
કહેતાં એણે એક ફોન લગાડીને કહ્યું, " અંકલ આજે બહું મોટું કામ થઈ ગયું છે. યોગ્ય સમયે તમારાં માણસો મળી જતાં બધું યોગ્ય રીતે થઈ ગયું."
" પણ એ ખુશ તો છે ને? ઠીક તો છે ને?"
"આશા રાખું છું. હું હજી ત્યાં પહોંચ્યો નથી. પણ બધી રીતે સલામત છે." પછી જે તે અપડેટ આપને આપતો રહીશ...! પછી એ થોડીવારમાં ઓફિસથી ઘરે જવા નીકળી ગયો.
************
લગભગ ચારેક દિવસ થઈ ગયાં. આધ્યા એ લોકોને અહીં પૂર્ણ રીતે સુખસગવડ તો છે કોઈ માણસ અહીં બંધ જગ્યાએ કેટલા દિવસ સુધી રહી શકે? બધાંને હવે થોડું બહાર જવું છે.
આધ્યા બોલી, " યાર આટલાં વર્ષો શકીરાની કેદમાં આપણને જેટલી ગુંગળામણ નહોતી થઈ એટલી ચાર દિવસમાં અહીં થવા લાગી છે. એવું કેમ? "
નેન્સી : " દીદી એ ક્યારેય આપણને બે મિનિટ બેસવા દેતી હતી? આરામ પણ બહું વધારે ન ફાવે. કામમાં જ આખો નીકળી જતો. આપણે આરામ માટે સમય શોધતાં હતા. દરરોજ જાણે કોઈને ખુશ રાખવા એક નવો સાજ શણગાર થતો. આપણે ફક્ત કઠપૂતળી હતાં એટલે આપણને સારું ખોટું પોતાનાં માટે વિચારવાની ફુરસદ જ નહોતી. પણ અહીં તો બંગલાની બહાર કમ્પાઉન્ડમાં જઈ શકાય એમ નથી તો પણ ગુંગળામણ થાય છે. આ ટીવી છે પણ કદાચ આપણને આમાં આખો દિવસ શું જોવું એ પણ ખબર નથી પડતી. "
એ જ સમયે ચાર દિવસ પછી પહેલીવાર ફરીથી ફોન રણક્યો. બધાંને જાણે આજે કંઈ નવું લાગ્યું. આધ્યાએ ફોન ઉપાડ્યો, " એ બે ત્રણવાર બોલી પણ સામેથી કોઈ અવાજ ન આવ્યો." એણે ફોન મૂકી દીધો. એ બોલી, " મારો અવાજ ગમ્યો નથી લાગતો."
એ ફરીથી આવીને બેસી ત્યાં જ ફરીથી ફોન આવતાં સોના ઉપાડવા ગઈ.
આધ્યા થોડી ચિતામાં બોલી," પેલા ગુડા કે શકીરાના લોકો તો નહીં હોય ને? "
" ફોનમાં તો ઉપાડી નહીં જાય ને? કદાચ કામ માટે પણ હોઈ શકે ને. ફોન ઉપાડતાં જ સામે ઉત્સવનો અવાજ સંભળાયો. સોનાએ સહેજ નિરાંતનો શ્વાસ લીધો.
સોના : " પહેલાં તમે જ કોલ કરેલો? અમને આ પહેલાં કોલ આવેલો. આધ્યાએ ફોન ઉપાડેલો પણ કોઈ બોલ્યું નહીં"
" હા.. ના.. એ તો મેં નહીં.. "કહેતાં ઉત્સવ અચકાયો.
" એટલે?કંઈ સમજાયું નહીં."
" અરે એ બધું છોડો. કંઈ તકલીફ તો નથી ને? બધાં ઠીક તો છો ને?"
"એમ તો કંઈ તકલીફ નથી પણ હવે અંદર કંટાળી ગયાં છીએ. આખો દિવસ શું કરવું?"
" હમમમ.. પણ હમણાં તો તમને હજુ થોડાં દિવસ બહાર નીકળવા દેવું ખતરાજનક છે. તમને કંટાળો આવતો હોય તો અમે ટાઈમપાસ કરાવવા આવી શકીએ... " કહીને ઉત્સવ હસવા લાગ્યો.
સોના સહેજ ગુસ્સામાં બોલી, " શું કહ્યું? તમે શું કહેવા માગો છો? "
" અરે મજાક કરું છું. તમે તો ગુસ્સે થઈ ગયાં. મારો કહેવાનો કોઈ એવો મતલબ નહોતો. કંઈ કામ હોય તો કહેજો. તમારાં માટે કામ મોકલું છું કરશો ને?"
" શું કામ? અમને કંઈ ખબર નથી શીખવાડો તો આવડશે. બાકી કામ કરવામાં કંઈ વાંધો નથી."
" ઠીક છે તો અમે આવીએ છીએ."
" અમે એટલે કોણ? "
" સરપ્રાઈઝ! " ફોન મૂકાઈ ગયો.
ઉત્સવની સાથે કોણ આવવાનું હશે? કર્તવ્ય શા માટે આધ્યા એ લોકો સામે આવતો નથી? શું હશે કારણ? મલ્હાર હવે આધ્યાને શોધી શકશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૯