પ્રકરણ - ૩૭
આધ્યા અને સોના ચારેય જણા જેવાં એ વ્યક્તિને અનુસરતાં ચારેય જણા બગીચાની બહાર નીકળ્યાં કે ત્યાં જ સામે સાઈડમાં એક ગાડી ઉભેલી દેખાઈ એ તરફ એ વ્યક્તિ ચારેયને લઈ ગયો.
એ વ્યક્તિ બોલ્યો, " મેમ તમે લોકો બેસી જાવ. હું તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઈશ. જરાય ચિંતા ન કરો."
આજુબાજુ સહેજ નજર નાખતાં ચારેય જણા એક પછી એક ગાડીમાં પાછળની સીટ પર ગોઠવાયાં. તરત જ ડ્રાઈવરે ગાડી શરું કરીને ફટાફટ ગાડી ઉપાડી દીધી.
એક વાર આધ્યાએ એ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં કહ્યું," તમે કર્તવ્ય સાહેબને ત્યાં કામ કરો છો? એ કોણ છે મને જરા માહિતી આપી શકશો?"
એ વ્યક્તિ હસીને બોલ્યો, " હું ઉત્સવ..સોરી, પણ બાકીની કોઈની માહિતી હું આપને અત્યારે આપી નહીં શકું. તમને યોગ્ય સમયે બધું ખબર પડશે."
લગભગ અડધો કલાક જેવું થતાં ગાડી થોડી બહું ઓછાં અવરજવર વાળા રસ્તા પર પહોંચી ત્યાં જ અચાનક શું થયું કે ડ્રાઈવરે ગાડી ફાસ્ટ કરીને કહ્યું, " મેમ આ કાર્ડ લો. ફટાફટ જો કંઈ પણ થાય તો આ જગ્યાએ પહોંચી જજો."
આધ્યા: " પણ શું થયું અચાનક? કંઈ પ્રોબ્લેમ છે?"
એણે કંઈ પણ જવાબ આપ્યાં વિના ફટાફટ એક નંબર પર ફોન લગાડેલો છે એ ચાલું રાખીને આધ્યાના હાથમાં આપી દીધો. સામેથી હેલ્લો.. હેલ્લો... અવાજ આવીને "હું આવ્યો" કહેતાં જ અવાજ બંધ થઈ ગયો પણ ફોન હજુય ચાલું જ છે. ઘણીવાર સુધી ગાડી ભગાડી એ દરમિયાન સોનાનું પાછળ ધ્યાન ગયું કે કોઈ ગાડી એમની ગાડીને ફોલો કરી રહી છે. એમાં કદાચ બે ચાર માણસો હોય એવું લાગે છે પણ કોણ છે એ ખબર નથી પડતી.
લગભગ થોડીવાર સુધી આમ જ ચાલ્યું વધારે સુમસાન રસ્તે આવી ગયા હોય એમ લાગ્યું. પહેલાં જે થોડા ઘણાં વાહનો આવતાં જતાં દેખાઈ રહ્યાં હતા એ પણ બંધ થઈ ગયાં છે અહીં તો.
ત્યાં જ પાછળની ગાડીએ ફટાફટ આવીને એ ગાડીને ઓવરટેક કરીને ગાડીને આગળ લાવી દીધી. થોડાક માપનાં પહોળા એ રસ્તા પર આડી કરીને ઉભેલી ગાડીને ઓવરટેક કરવું અઘરું છે. ના છુટકે ઉત્સવે ગાડી એમ જ રિવર્સ પાછી લઈને એને પાછી એ જ રસ્તે લેવા માટે પ્રયત્ન કર્યો ત્યાં જ કોઈએ પાછળથી કોઈ લાકડી વડે કાચ તોડ્યો હોય એવો અવાજ આવ્યો. ઉત્સવનું બેલેન્સ જવા લાગ્યું છતાં થોડી જહેમત પછી અનુભવી હાથોએ એને સંભાળી લીધું.
પાછળ બધાં જ ગભરાઈને નીચા નમી ગયા. ડ્રાઈવર ધીમેથી બોલ્યો, " મેમ આ લોકો તમને શોધવા આવ્યાં છે. ફોન આ તમારી પાસે રાખજો. એમાં કર્તવ્ય સાહેબનો નંબર છે. મને કંઈ થાય તો તમે ત્યાં પહોંચી જજો. ગાડીમાંથી બહાર ન નીકળતાં." એટલામાં જ બે જણાએ આવીને કોઈ લાકડી વડે ડ્રાઈવર સીટ બાજુનો કાચ તોડ્યો. એ કાચનો ટુકડો એ વ્યક્તિને કપાળ પર વાગ્યો. એણે દરવાજો ન ખોલ્યો. એણે ગાડી ચલાવવા પ્રયત્ન કર્યો પણ ગાડી શરું ન કરી શક્યો.
બીજા બે ગુડા જેવા લોકો પાછળ આધ્યા એ લોકોને દરવાજો ખોલવા મથામણ કરવા લાગ્યાં. એ લોકો બચવા માટે પ્રયત્ન કરવા લાગ્યાં. આધ્યાએ ધીમેથી ફોન એમને ખબર ન પડે એમ સંતાડી દીધો.
એ લોકોએ મથામણ બાદ આગળનો દરવાજો ખોલીને ગાડી ચલાવી રહેલા ઉત્સવને ખેંચીને બહાર કાઢ્યો. અને જોરથી એક લાકડી મારી. પણ સદનસીબે એ માથાની જગ્યાએ એનાં હાથ પર વાગી. પણ જોરથી આવેલા ઝાટકા સાથે એ સાઈડમાં પડી ગયો. એણે કહ્યું, " તમે લોકો અહીંથી ભાગી જાવ ફટાફટ. તમારી જાન બચાવી લો."
આધ્યા: " આપણું આ લોકોની વચ્ચેથી ભાગીને નીકળવું અશક્ય છે વળી જે વ્યક્તિ આપણાં માટે આટલું કરે છે એને મૂકીને કેમ જતાં રહેવાય? "
" સાચી વાત છે હવે જે થાય તે. ભગવાનની મરજી હશે એ જ થશે." પછી એ લોકોએ પાછળનો દરવાજો ખોલ્યો નહીં પણ પરાણે ડ્રાઈવર સીટ પરથી આવીને એ ચારેયને બહાર લાવવા મથામણ કરી રહ્યાં છે ત્યાં જ એક બીજી મોટી બ્લેક કલરની કાર આવી. બે ત્રણ ગુડા જેવાં માણસો દેખાતાં આધ્યા, સોના બધાં જ ગભરાઈ ગયાં કે આજે તો ગયાં આપણે. અંતિમ શ્વાસ અહીં જ લેવા પડશે કે શું? ચાર જણા ઓછાં હતાં કે બીજા ચાર આવી રહ્યાં છે. હવે તો આપણું બચવું અશક્ય છે.
બધાંની સ્થિતિ બહું જ ખરાબ છે. દયામણી નજરે ચારેય એકબીજાની સામે જોઈ રહ્યાં છે ત્યાં જ સોનાની નજર એ એમની અહીં લાવનાર ઉત્સવ પર ગઈ એનાં ચહેરા પર એક શાંતિ પથરાઈ ગઈ હોય એમ એ બ્લેક ગાડીને જોતાં જ હિમ્મત કરીને ઉભો થવા ગયો એટલામાં જ એ લોકોના આશ્ચર્ય વચ્ચે બીજી ગાડીમાં આવનાર લોકો એ પેલાં ગુડાઓને મારવા લાગ્યાં. થોડીવારમાં તો બધાને એક પછી એક મારીને પછાડી દીધાં. બધાંને પછી ખબર પડી કે આ આવેલા લોકો કર્તવ્યના માણસો જ છે.
પછી એ તુટેલી ગાડીને આવેલા માણસોમાંથી એકે લઈ લીધી. બીજી બ્લેક કલરની ગાડીમાં ચારેયને બેસાડી દીધા. સાથે જ એ ઉત્સવને પણ બેસાડી દીધો. ઉત્સવને કદાચ અસહ્ય પીડા પણ થઈ રહી છે એ બધાના ધ્યાનમાં આવ્યું પણ એ છતાં પણ શાંતિથી ગાડીમાં બેસી રહ્યો છે.
આધ્યાએ ગાડીનાં ડ્રાઈવરને સંબોધન કરતાં કહ્યું, " એમને પહેલાં ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ "
ઉત્સવ : " હું જઈશ. પહેલાં કામ પતાવવાનું છે. તમે લોકો આ રીતે બહાર ફરશો એ તમારાં માટે જોખમ છે. પહેલાં તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઈશ પછી બધી વાત.
આધ્યાની નજર ગઈ કે થોડે દૂર એક ગાડી ઉભેલી છે એમાં કોઈ બેઠેલું હોય એવું લાગે છે પણ એ ગાડી આ ગાડી શરું થઈ એ સાથે જ આગળ નીકળી ગઈ... ફટાફટ આધ્યા લોકોની ગાડી નજીક આવતાં પહેલાં એ ગાડી ત્યાંથી દૂર નીકળી ગઈ.....!
*********
પૂરપાટ વેગે ચાલતી ગાડી લગભગ અડધો કલાકમાં એક મોટા બંગલા પાસે આવીને ઉભી રહી. છુટાછવાયા થોડાં ઘણાં વિશાળ બંગલા દેખાઈ રહ્યાં છે બધાને ત્યાં ઉતરવા કહ્યું. ત્યાં નીચે ઉતરતા જ આધ્યાએ ઉત્સવને એમનો ફોન આપી દીધો. એમને કપાળમાથી હજુય થોડું લોહી વહી રહ્યું છે એ જોઈને સોના બોલી, " તમે ડૉક્ટર પાસે જઈ આવો પહેલાં. અમારી મદદ માટે થેન્ક્યુ."
"અરે એ તો જઈ આવીશ. સારુ થઈ જશે. તમે લોકો મારી સાથે આવો."
એ વ્યક્તિની સાથે ચારેય જણા બંગલામાં પહોંચ્યાં એટલે પેલાં બચાવવા આવેલા લોકો ગાડી લઈને જતાં રહ્યાં.
ઉત્સવે બંગલાનો દરવાજો ખોલ્યો. બંગલા બહારથી થોડાં જુના હોય એવું લાગી રહ્યું છે. અંદર પહોંચતા જ જોયું તો વિશાળ જગ્યા છે. અંદર એકદમ નવું ઈન્ટિરિયર છે.
ઉત્સવ : " આવો તમને લોકોને અહીં ફાવશે ને? જોઈ લોકો એકવાર."
" પણ આ કોનો બંગલો છે? અહીં કોઈ રહેતું નથી બીજું કોઈ?" આધ્યા આજુબાજુ નજર દોડાવતા બોલી.
" ના અત્યારે અહીં કોઈ રહેતું નથી. તમને જ્યાં સુધી કોઈ બીજું ઘર ન ગમે ત્યાં સુધી અહીં રહી શકો છો. કોઈ પૈસાની ચિંતા ન કરતાં."
" પણ આટલાં મોટાં બંગલામાં અમે? અમને એની જરૂર નથી અમને નાનું મકાન પણ ચાલશે.' સોના બોલી.
"એટલું નાનું મકાન શોધવું પડશે એનાં કરતાં અહીં જ રહો. તમારું જમવાની ગોઠવણ થઈ જશે."
" બસ તો હવે હું જાઉં છું. કંઈ કામ હોય તો આ કાર્ડ પર રહેલાં નંબર પર ફોન કરજો. પણ બહાર ન નીકળતાં કે પછી દરવાજો હું મારાં કે કર્તવ્યભાઈના નંબર પરથી ફોન આવે તો જ ખોલજો એ સિવાય નહીં."
" પણ અમારી પાસે તો ફોન..." આધ્યા વાક્ય પૂર્ણ કરે એ પહેલાં જ ઉત્સવ બોલ્યો અહીં લેન્ડલાઈન છે. એનાં પરથી ફોન કરી શકો છો. સાથે આ મારો નંબર છે. મને પણ ફોન કરી શકો છો."
સોના : " આ બધાં માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ ક્યાં સુધી અહીં રહેવાનું? મતલબ કોઈનાં ઉપકાર હેઠળ? મફતમાં રહેવાનું કેમ ફાવશે?"
"થોડાક દિવસો અહીં રહેવું યોગ્ય છે કારણ કે કેટલાક લોકો તમને શોધી રહ્યાં છે એ લોકો તમે બહાર નીકળતા જ તમને ગમે ત્યારે કિડનેપ કરી શકે છે. એમની આખી ટુકડી તમને શોધવા માટે દિવસરાત માટે લગભગ દરેક દિવસ તો આમ જ રહો એ સારું છે."
" પણ કોણ છે એ લોકો?" નેન્સી અધીરાઈથી બોલી.
" જેમની ચુંગાલમાંથી તમે છૂટીને આવ્યા છો એ જ કદાચ..."
"પણ આવી રીતે કોઈનાં ત્યાં કેમ રહેવું? અમે તમારો ખર્ચ વળતો કેવી રીતે આપી શકીશું?"
"કર્તવ્યભાઈ છે તો ચિંતા શેની? જાન હે તો જહાન હે મેડમ..." કહીને ઉત્સવ હસતો હસતો બહાર નીકળી ગયો...!
શું થશે હવે આધ્યાના જીવનમાં? મલ્હાર આધ્યા સુધી પહોંચી શકશે ખરાં? શકીરાના માણસો આધ્યા કે સોના એ લોકોને શોધી શકશે ખરાં? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૮