પ્રકરણ - 32
કર્તવ્યને સમર્થ ઘરે લઈ આવ્યો. સમર્થને તો એનાં ઘરે બધાં ઓળખતાં હોવાથી અને વળી સમર્થના ઘરે પણ બધાં ફ્રી માઈન્ડના હોવાથી એમણે તરત જ કર્તવ્યને સુવાડીને એનાં માટે લીબું શરબત બનાવીને આપ્યું. એનાં મમ્મી એ જ કહ્યું કે એને મગજમાં કોઈ ચિંતા લાગે છે એટલે જ આટલું ડ્રિંક કરી દીધું છે બાકી એ તો કોઈ દિવસ ચાને પણ અડતો નથી. રાત્રે અહીં જ સુવા દે ખોટું ઘરે ચિંતા કરશે. પણ એટલું સારું છે કે એ કંઈ પણ વાતચીત કરવાને બદલે સૂઈ જ રહ્યો છે. સમર્થે થોડીવાર પછી એને પોતાનાં રૂમમાં સુવાડીને દીધો. એનાં ઘરે ફોન કરીને જાણ કરી દીધી કે લેટ થયું છે બધાં ફ્રેન્ડ અહીં સાથે જ મારા ઘરે સૂઈ ગયો છે.
પછી બેય જણા સૂઈ ગયાં. સમર્થને કર્તવ્યની ચિતામાં ઉઘ ન આવી કે એ પ્રોજેક્ટ ને લીધે આટલો પરેશાન કેમ રહે છે? કોઈ ખાસ કારણ છે કે શું? સવાર પડતાં જ એનો નશો ઊતરી ગયો. એ વહેલાં ઉઠી ગયો. એ બોલ્યો, " સમર્થ તારાં ઘરે કેવી પહોંચ્યો? આપણે તો પાર્ટીમાં હતાં ને? "
" બસ એમ જ. રાતે લેટ થયું હતું તો તને મારી ગાડીમાં લઈ આવ્યો. તું જરા વધારે પી ગયો હતો તો.."
કર્તવ્યનુ માથું હજુય પણ ભારે લાગી રહ્યું છે. એ બોલ્યો, "અરે ઘરે ચિંતા કરશે ને? "
" એ મેં કહી દીધું છે ઘરે. પણ તું પણ તું પ્રોજેક્ટ ને લીધે ચિતામાં છે? બહું વધારે ચિંતા ન કર. ગામનું કલ્યાણ કરવામાં પોતાનું ગુમાવી ન બેસાય. "
કર્તવ્ય કંઈ પણ બોલ્યો નહીં પહેલાં.એને અચાનક કંઈ યાદ આવ્યું એ ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો. સમર્થે એને નાસ્તો કરીને જવા માટે કહ્યું પણ એણે મારે જવું પડશે, તું ચિંતા ન કરીશ ભાઈ કહીને ફટાફટ નીકળી ગયો...!
***********
કર્તવ્ય ઘરે જવાને બદલે સીધો હોસ્પિટલમાં પહોંચ્યો. હજુ ડૉક્ટર માનવ તો આવેલા નથી એણે ત્યાનાં સ્ટાફ પાસે મિસ મિતાલીના રિપોર્ટ માટે તપાસ કરી. બસ રિપોર્ટ આવવાની તૈયારી હોવાથી એ ત્યાં જ બેઠો. એટલામાં જ ડૉક્ટર માનવ આવતાં સીધો એમની કેબિનમાં પહોંચ્યો.
કર્તવ્ય એ મિતાલી માટે વાતચીત કરી. એ થોડો ચિંતિત પણ દેખાઈ રહ્યો છે.
ડૉ માનવ બોલ્યાં, " એમનું હિમોગ્લોબિન બે રિપોર્ટમાં બહું ઓછું આવી રહ્યું છે તાત્કાલિકમા લોહીની જરૂર છે સાથે જ ટાઈફોઈડ પણ છે. રોગપ્રતિકારક શક્તિ પણ બહું ઓછી થઈ ગઈ છે. મને એક શંકા હતી પણ એ રિપોર્ટ નોર્મલ આવ્યો છે એટલે હવે બહું ચિંતા નથી મને. "
" શેની શંકા? કંઈ સમજાયું નહીં."
"એચઆઇવી પોઝિટિવ.."
કર્તવ્યને થોડો આચકો લાગ્યો હોય એમ બોલ્યો," કેમ એવાં કોઈ લક્ષણો છે?"
"હા મને લાગ્યું હતું. એવું નથી કે પોઝિટિવ હોય તો કોઈ ખરાબ રીતે જ હોય કોઈ બીજી રીતે પણ આવી શકે. જો કે એમનાં કહ્યાં મુજબ એ મેરીડ નથી પણ આજકાલ તો બહું ફાસ્ટ જમાનો છે એટલે...હું શું કહેવા માગું છું તમે સમજી શકો છો. "
કર્તવ્ય : " હમમ... પણ હવે તો વાંધો નથી ને?એમને સારું તો થઈ જશે ને?"
"રિસ્ક તો છે જ. તાત્કાલિક બ્લડ આપવું પડશે. પણ મને નથી લાગતું કે એમાથી કોઈ પણ બ્લડ આપી શકે."
કર્તવ્ય : "બ્લડ ગૃપ કયું છે?"
" એ નેગેટિવ "
કર્તવ્ય બોલ્યો," થોડું અઘરું છે પણ અરેન્જ કરાવું ત્યાં સુધી એક બોટલ હું આપું છું મારું "એ નેગેટિવ" છે.
ડૉ માનવ તો કર્તવ્યને જોઈ જ રહ્યાં. જોતજોતામાં એણે એક બોટલ આપ્યું ત્યાં સુધી એણે બીજી બે બોટલ બ્લડની વ્યવસ્થા કરાવી દીધી...!
ડૉ. માનવ: " ખરાબ ન લગાડતાં પણ એક મિત્ર તરીકે પૂછું છું કે તમારે એમની સાથે કોઈ સંબંધ છે?"
" આમ નહીં...પણ છે માનવતાનો.."
આ બધી જ સારવાર આટલી સરસ અને ફટાફટ રીતે થતી જોઇને આધ્યા ડૉક્ટર રાઉન્ડમાં આવતાં બોલી, " ડૉક્ટર સાહેબ, પ્લીઝ મને એ માણસને મળવું છે જે મારાં માટે આટલું કરી રહ્યાં છે. આટલી બોટલ લોહી પણ એમણે અરેન્જ કરાવ્યું."
સોના બોલી, " હા સર, કોણ હોય જે આટલું બધું કોઈ ઓળખાણ વિના કરે એ પણ આ જમાનામાં."
" લોહીની ફક્ત ગોઠવણ નહીં પણ એમણે એક બોટલ લોહી આપ્યું પણ છે." આસિસ્ટન્ટ ડૉક્ટર બોલ્યા.
"એ વાત તો સાચી જ છે. બાકી તમારી અત્યારની સ્થિતિ મુજબ જો સમયસર યોગ્ય સારવાર ન મળી હોત તો ક્યારે પણ કંઈ પણ થઈ શકત. પછી તો દુનિયાનો કોઈ ડૉક્ટર કંઈ પણ ન કરી શકત. પણ એ વ્યક્તિ કદાચ અત્યારે તમને મળવા નથી ઈચ્છતા છતાં હું એમને વાત કરીશ." પછી આધ્યાને તપાસીને ડૉ માનવ નીકળી ગયાં...! આધ્યા વિચારવા લાગી કે કોણ હોઈ શકે જે મારાં માટે આટલું કરી રહ્યું છે કોઈ રુણાનુબંધ કે પછી...!
બધાને નવાઈ લાગી કે એ વ્યક્તિ કેમ આ લોકોને મળવા નથી ઈચ્છતો છતાં આટલું બધું કરવાનું કારણ? એ પણ ઓછું હોય એમ એણે પોતાનું લોહી આધ્યાને ચઢાવવા આપ્યું. આધ્યા વિચારવા લાગી કે આટલાં વર્ષો બાદ આવાં સારાં વ્યક્તિઓ મારી જીવનમાં કેમ આવવા લાગ્યા છે. એક મલ્હાર , બીજા આ કોઈ અજનબી, શકીરાહાઉસમાથી અણધારો છુટકારો...શું મારાં જીવનમાં ખરેખર કંઈ નવો બદલાવ આવવાનો હશે? વિચારતી એ નિદ્રામાં ફરી ગરકાવ થઈ ગઈ...!
**********
કર્તવ્ય આજે રોજ કરતાં મોડા ઓફિસે પહોંચ્યો. એ પહોંચ્યો કે તરત જ પ્યુન આવીને બોલ્યો, " સર આજે લેટ? તમે આમ તો સમયસર આવી જ જાવ છો ને? મિસ્ટર અગ્રવાલ સવારથી બે ત્રણવાર આવીને ગયા."
" કેમ શું થયું? કંઈ કામ હતું?"
"એ ખબર નથી પણ એમણે કહ્યું કે સર આજે મોડાં આવવાનાં છે? કંઈ ખબર છે? બપોર પછી જ આવશે કે વહેલાં આવી જશે? એવું બધું બે ત્રણ વાર પૂછી ગયાં પણ કામનું કંઈ કહ્યું નહીં."
એ સાંભળીને કર્તવ્યને એક આકૃતિ મગજમાં આવી કે કદાચ પેલા દિવસે મિસ્ટર નાયકની સાથે એ નીકળેલો ત્યારે... કદાચ મિસ્ટર અગ્રવાલ તો નહીં હોય ને?"
" ઓકે ઠીક છે. હું કહું એટલે થોડીવાર પછી કહું એટલે બોલાવજે." પ્યુન તો જતો રહ્યો પણ એનું મગજ ઉલટી દિશામાં કેટલાક પાસાઓ વિચારતું ફરી રહ્યું.
થોડીવાર પછી એણે થોડું કામ પતાવીને મિસ્ટર અગ્રવાલ ને કેબિનમાં બોલાવીને પૂછ્યું, " બોલોને સાહેબ શું કામ હતું? જરા કામમાં અટવાયો એટલે મોડું થયું આજે. કંઈ ઈમરજન્સી તો નહોતું ને?"
અગ્રવાલ કર્તવ્યની ઓફિસનો સિનિયર એક્ઝિક્યુટિવ છે. એમને ડાયરેક્ટ કર્તવ્ય સાથે ખાસ વાતચીત કરવાની નહોતી છતાં એની કોઈ પણ નાના મોટા ફંક્શનમાં એન્કરિગ કરવાની આગેવાનોને કારણે એ એને ઓળખે છે.
મિસ્ટર અગ્રવાલ ધીમેથી બોલ્યાં, " અરે સર, જરા.. એ તો..." શબ્દોની ગોઠવણ કર્યો બોલ્યો, " હા સર એ તો આ વખતે દર વખતેની જેમ આપણાં વાર્ષિક ફંક્શનનુ ક્યારે રાખવાનું છે? આ વખતે ધમાકેદાર ફંક્શન રાખીએ લોકો જોતાં રહી જાય."
કર્તવ્યને સમજ પડી ગઈ કે ખરેખર આ વાત છે જ નહીં આ માટે દર વખતે એ પોતે જ ડિસેમ્બરમાં તારીખ નક્કી કરે છે. એ પોતે કંઈ છુપાવતો હોય એવું ચોક્કસ લાગ્યું. પછી થોડી વાતચીત પછી મિસ્ટર અગ્રવાલ નીકળી ગયાં. બહાર નીકળ્યા બાદ એણે પ્યુન સાથે કંઈ વાત કરી એ કર્તવ્ય એ પોતાના સાઈડના બારીના મિરરમાંથી જોઈ લીધું. ને તરત જ પ્યુનને કંઈ પૂછ્યા વિના જ મિસ્ટર અગ્રવાલની પુરી વિગત લાવી આપવાનું કામ સોંપીને એણે ફટાફટ લેપટોપમાં કામ પતાવવાનું શરું કર્યુ.
થોડાં નવાં ઓફિસના પ્રોજેક્ટ ને જોવા બેઠો ત્યાં જ એણે પોતાની કોમ્પિટિશનમાં પહેલીવાર દેખાયેલા નવાં નામ જોઈને એનું મગજ ફરીવાર વિચારે ચઢી ગયું. એણે ફટાફટ એક ફોન લગાડીને કહ્યું, " મને આ પ્રોજેક્ટની બધી ડિટેલ એકઠી કરીને હમણાં જણાવો. એક ઈમરજન્સી મિટીંગ કરવી પડશે."
એ વિચારવા લાગ્યો કે કદાચ એણે મિશન માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ એનાં દુશ્મનો વધી રહ્યાં છે. એ વિચારવા લાગ્યો કે શું આ બધાં ધંધાઓ પર જ આ લોકોની દુનિયા ટકતી હશે? સમજાતું નથી. આ મિશનમાં તો સ્ત્રીઓ સાથે બધાં જ એમની વિરુદ્ધના કામ બંધ થઈ જાય મતલબ શોષણ બંધ તો મોટાં ભાગનો અમીરોનો વર્ગ આવાં જ કામ કરતો હશે?
એણે હવે પોતાની પાસે આમાં આગળ વધતા માટે એક બે મજબૂત થડ પકડી રાખવા પડશે એવું એને સમજાઈ ગયું. એણે એક ફોન લગાડીને કહ્યું, " અંકલ આપને મળવા આવી શકું? થોડું કામ છે." સામેથી હા પડતાં જ તરત કર્તવ્ય ઓફિસમાં સાત વાગ્યાનો મિટીંગનો સમય આપીને નીકળી ગયો...!
કર્તવ્ય કોને મળવા ગયો હશે? આધ્યાને મદદ કરનાર કોણ હશે? આધ્યાને સારું થતાં એ એક નવી જિંદગી શરું કરી શકશે? મલ્હાર એનાં જીવનનું એક સ્વપ્ન બની જશે? જાણવા માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૩