આપણે પ્રકરણ-18 માં જોયું કે લક્ષ્મી પોતાના દિકરા અક્ષતની સાથે યુએસએ જવાની "ના" પાડતાં કહે છે કે, " ના બેટા, હું એકલી નથી. મારી સાથે મરો ભગવાન છે અને કોકીમાસી પણ એકલા જ છે ને.. હું તેમને મારી સાથે જ રહેવા માટે બોલાવી લઈશ. "
અક્ષત: પણ મમ્મી, તને એકલી મૂકીને જવાનો મારો જરા પણ જીવ ચાલતો નથી. અને તો પછી અપેક્ષાને પણ મારી સાથે ન લઈ જવું..??
લક્ષ્મી: ના બેટા, મારું કહેવું માન અને અપેક્ષાને, તારી બહેનને અત્યારે મારા કરતાં વધારે તારી જરૂર છે, તે જે મને ન કહી શકી તે વાત તે તને કહેશે અને બીજું કે તું તેને ત્યાં લઈ જઈશ એટલે તેને પણ થોડું ચેન્જ મળશે ત્યાંનાં સુંદર અને શાંત વાતાવરણને કારણે તે થોડી માનસિક શાંતિનો અનુભવ કરી શકે અને ડૉક્ટર સાહેબે કહ્યું તેમ તેની તબિયતમાં પણ સુધારો થઈ શકે છે અને ત્યાં તેની સંભાળ રાખવા માટે અર્ચના પણ છે તેથી તને પણ તકલીફ ઓછી પડશે માટે તું તેને તારી સાથે લઈને જ જા
ત્યારબાદ અપેક્ષાને અક્ષતે અને લક્ષ્મીએ પૂછ્યું કે, તે અક્ષત સાથે યુએસએ જવા માટે તૈયાર છે..?? પણ અક્ષત અને લક્ષ્મીનાં આ પ્રશ્નનો જવાબ આપવા માટે અપેક્ષા તૈયાર ન હતી અથવા તો તે હજી પ્રશ્નને સમજવા માટે તેમજ તેનો જવાબ આપવા માટે તૈયાર ન હતી.
અને અપેક્ષાની બેગ ભરાઈ ગઈ હતી. લક્ષ્મી તેમજ અક્ષત બંને ખુશ હતાં અને યુએસએ ગયા પછી અપેક્ષાની તબિયત બિલકુલ સરસ થઈ જશે તેવી શુભકામના સાથે અક્ષત, અપેક્ષાને લઈને યુએસએ જવા માટે રવાના થઈ ગયો.
અક્ષત હેમખેમ અપેક્ષાને લઈને યુએસએ પહોંચી ગયો, અપેક્ષાના અહીં આવવાથી અર્ચના પણ ખૂબ ખુશ હતી.
અર્ચના આખો દિવસ અપેક્ષાની સાથે જ રહેતી હતી અને તેના જમવાની બાબતથી લઈને તેને શું જોઈએ છે..?? નું બધું જ ધ્યાન રાખતી હતી. અર્ચના તેને પોતાની સગી બહેન જેટલો જ પ્રેમ કરતી હતી અને અત્યારે તેની નાજુક પરિસ્થિતિને કારણે તેનું વિશેષ ધ્યાન રાખતી હતી.
દિવસો ઉપર દિવસો પસાર થયે જતા હતા. ઈન્ડિયા હોય કે યુએસએ અપેક્ષાના વર્તનમાં કંઈ જ ફરક જોવા મળતો ન હતો. તેથી અક્ષતને થોડી વધુ ચિંતા થવા લાગી કે અપેક્ષાને સારું ક્યારે થશે..?? તે અવાર-નવાર તેના ડૉક્ટર સાથે વાત કર્યા કરતો હતો. અને શું કરવું તેમ પૂછ્યાં કરતો હતો.
ડૉક્ટર સાહેબના જણાવ્યા પ્રમાણે અપેક્ષાને કોઈ જોબ કે કોઈ કામ સોંપવામાં આવે તો જ તેનું મન જૂની વાતોને જલ્દીથી છોડી શકશે. અપેક્ષાની આ પરિસ્થિતિમાં તેને જોબ કરવા માટે એકલી બહાર મોકલાય તેમ પણ ન હતી. તેથી શું કરવું તે અક્ષત અને અર્ચના વિચારી રહ્યા હતાં.
એટલામાં અક્ષતને ઘરે તેનો ફ્રેન્ડ તેને મળવા માટે આવ્યો તેનો પોતાનો યુએસએ માં સ્ટોર હતો. તે મૂળ ઈન્ડિયાનો જ વતની હતો પણ તેનાં પપ્પા જોબ કરવા માટે પહેલેથી જ ત્યાં સેટલ હતાં. ઈશાન તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો. તેનો જન્મ જ યુએસએ માં થયો હતો તેથી ત્યાંનું જ ગ્રીન કાર્ડ ધરાવતો ઈશાન દેખાવમાં એકદમ ગોરો, પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતો, સ્વભાવે થોડો નટખટ અને તોફાની હતો. મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો એટલે તેમના જીવથી પણ વધારે વ્હાલો હતો.
ઈશાન નાનો હતો ત્યારથી જ તે જે માંગે તે હાજર થઈ જતું હતું.
ઈશાનને જોઈને અક્ષતના મનમાં અચાનક વિચાર આવ્યો કે અપેક્ષાને તેના સ્ટોર ઉપર કામ કરવા માટે મોકલી શકાય તો બહાર બીજે ક્યાંય મોકલવાનું ટેન્શન પણ નહીં અને ઈશાનને અપેક્ષાની માનસિક પરિસ્થિતિ સમજાવી પણ શકાય.
તેથી તેણે ઈશાનને પોતાની બહેન અપેક્ષાની હાલની પરિસ્થિતિની જાણ કરી અને સ્ટોર ઉપર બેસાડી શકાય કે કેમ તે પૂછ્યું..??
ઈશાન અક્ષતને શું જવાબ આપે છે.
વાંચો આગળના પ્રકરણમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/3/2021