|પ્રકરણ – 18|
-- ને આમ જાણે સુંવાળી રેત પર એક જોરદાર મોજાની થપાટ વાગે, ને એ પાછું જતું મોજુ થોડીક રેતી લઇ જાય ને બે સુંવાળપ અલગ થાય એમ શિવાની ને યુ એસ જવાનું થયું સુગમથી અલગ થવાનું થયું સુદ્રઢ મૈત્રી હજી વધુ સઘન થતા પહેલા આવું કશુંક બન્યું - જો કે સુગમ થોડા સમય માં રાબેતા મુજબ હીલ્લોળાવા માંડ્યો... એને એટલી ખબર હતી કે મૈત્રીના આકાશનો વ્યાપ સાત સમુદ્રના વ્યાપ કરતા ઘણો વિશેષ હતો શિવાની પણ ત્યાં વ્યવસાયમાં રત હતી પણ ગ્રસ્ત નહોતી એટલે બહુ જ નિયમિત રીતે સુગમને રિંગથી રણઝણાવતી. ને પછી સંવાદના મસ્ત ગગનમાં ઉડતા બન્ને સિલસિલો ચાલતો.
સુગમ પાસે જોબ પછીનો અથવાતો વિક એન્ડ્સનો સમય ખાલી હતો કારણ વાત તો ત્યાંના સમયે કરવાની હતી. જો કે એને માટે એક મોટો પ્રોજેક્ટ હતો ઘર શોધવાનો. એ એમાં લાગી ગયો. મુંબઈમાં આવ્યા પછી પહેલીવાર અહીની સૌથી જટિલ સમસ્યામાંથી પસાર થવાનું બન્યું. અલબત્ત બજેટના પ્રશ્નો પણ હતા તો ખરા જ. એરિયા, બજેટ અને જગ્યાનો ત્રિકોણ સેટ નહોતો થતો. છેવટે એને આ બાબતે વિચારે ચડતો નોટીસ કર્યા પછી અનન્યા એ એના બિલ્ડર હસબંડની મદદથી લગભગ અનુકુળ સોલ્યુશન આપી દીધું. બહુ દુર નહી અને નાનો પણ નહિ એવો 1 BHK ફ્લેટ મેળવી આપ્યો. રેન્ટ ૫૦% કમ્પની આપશે એવું ગોઠવી આપ્યું. સુગમ રાહતના શ્વાસ સાથે એક વિક એન્ડમાં ત્યાં શિફ્ટ થઇ ગયો. હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ૧૫ મા માળ પર. શનિવાર રાત્રીનો સમયે બધું ગોઠવીને એણે શિવાનીને વિડીઓ કોલથી વોક થ્રુ કરાવ્યું. બન્નેને કૈંક અલગ જાતની ફીલિંગ આવતી હતી.
આ પેલા ખૂણામાં છે એ ચિત્ર બહુ સરસ છે.
શું ગમ્યું એમાં ?
કલર્સ. ઈમેજ તો સરસ છે જ.. માત્ર બે જ રંગનું કોમ્બીનેશન સરસ ઉઠાવ આપે છે.
કલર કોમ્બીનેશન હંમેશા ઉઠાવ આપે. ક્યા બે પસંદ કરો છો એ અગત્યનું છે.
આવા સંવાદો ચાલે છે. જોઈએ આગળ ક્યાં જાય છે આ દુરથી અનુભવાતો અનેરો સંચાર.
**** **** ****
શિવાની, ઘણીવાર વિચારું છું કે આ ૧૮ માળના ૮ ટાવર્સ, એક ટાવરના દરેક ફ્લોર પર ૬ ફ્લેટ્સ, એટલે કુલ ૮૬૪ ફ્લેટ્સ, એક ઘરમાં એવરેજ ૪ જણા ગણો તો લગભગ ૩૫૦૦ જેટલા લોકો અહી વસે છે... એક ગામ ઉભા સ્વરૂપમાં જાણે
બહુ આંકડા બહાર પાડ્યા. આસપાસ કોણ છે ?
હું એકલો જ છું ને ફ્લેટમાં. આસપાસ તો દીવાલો ને બારી.. અહ્હા આ ૧૫મા માળની બારીમાંથી વ્યુ જોરદાર આવે છે હો.
અરે ! તું એકલો જ છે ફ્લેટમાં વાંસડા જેવો. એ ખબર છે.. આસપાસના ફ્લેટમાં કોણ છે એ પૂછું છું.
અરે એ તો હજી ક્યાંથી જોયું હોય ? કાલે તો આવ્યો આજ રવિવારની સવાર પડી છે. બહાર નીકળું તો ખબર પડે કે કેવીક બહાર છે. તું શું કરે છે ત્યાં, એક મહિનો થયો તને ત્યાં. સેટ થઈ હોય એવું લાગે છે ?
સેટ થવાનું તો હજી મુશ્કેલ જ છે. હા ટેવાતી જાઉં છું આ સાવ અનોખા દેશમાં. અહી તો ખરેખર દીવાલો ના સગપણે જ ચાલવું પડે. કુમાર અંકલ નું ઘર બહુ જ સરસ છે. પણ એક જણ માટે મોટું છે.
વ્હોટ અબાઉટ ઓફીસ ? ત્યાંનો staff, adjust થાય એવો છે, નવા અને યંગ માલિક સાથે ?
હા ઓલમોસ્ટ. મોટા ભાગના ઇન્ડિયન્સ છે. બે તો ગુજરાતી જ છે. બે અઘરા લોકો છે. પણ એ તો હોય. મેનેજ કરી લઈશ. ચલ હવે હું જાઉં છું.. તું આસપાસ નો રીપોર્ટ આપ મને...!
અરે, આ મુબઈ છે કોઈ અપ્સરા કે મેનકા નથી મળવાની.
એ સિવાયનીઓ ની જ ચિંતા હોય. અપ્સરા મેનકા દેવો કે ઋષિઓમાં પડે માણસોમાં નહી. બાય !!!
બાય કહેવાનું હતું ફોનમાં ને હાથ ટેવવશ હવામાં અધ્ધર થયો...અટકી ગયો.
હું રવિવારની મસ્ત મોજ માણતો, તૈયાર થયો ને બહાર નીકળ્યો. લીફ્ટમાં ગયો. એ દરમિયાન ફ્લોર ઉપરના બધા ફ્લેટ્સ બંધ અને શાંત જણાયા. શિવાની ને કહીશ.. આસપાસ સુનકાર છે. !!
લીફ્ટ જેમ જેમ નીચે ઉતરતી ગઈ એમ આ સુનકાર પણ અંદર ઉતરતો જતો હતો. એક જ દિવસમાં ખબર પડી ગઈ કે ફ્લેટ જ મળ્યો છે, ઘર તરીકેની ઓળખ બાકી છે.
પાછો ફોન રણક્યો
કોઈ શકુંતલા ફડકે, અનુસ્મિતા ચટ્ટોપાધ્યાય કે પી. કનિકા મળી કે નહિ ?
વાંચવાનો શોખ હોય એને નામાવલી બહુ તરત મળી જાય. જો કે તું હજી ગુજરાતી નામ ભૂલી ગઈ... ખેર ! કોઈ જ મળ્યું નથી કારણ દરેક ફ્લેટના દરવાજા બંધ હતા.. અને બંધ દરવાજે તો શું મળે !!?
knock કર તો મળે !... આઈ મીન.. !
નો એક્પ્લેનશન. કેવી છે સેટર ડે નાઈટ !
ઠંડી ! બહુ ઠંડી છે યાર અહી તો.કોઈ ઉચ્છવાસ બહાર કાઢે તો ય જાણે નાઈટ્રોજન ના પ્લાન્ટમાંથી હવા આવતી હોય એવું લાગે !
તું તો જોકું મારવા લાગી.. ત્યાં જઈને. વિક એન્ડમાં રખડવા જા ક્યાંક. ત્યાં તો બધા નીકળી પડે. માઈલો ના માઈલો સુધી.
હા નેક્સ્ટ વિક ઇસ લોંગ વિક એન્ડ. શુક્ર –શની –રવી છે રજા તો જવાની છું.
ક્યાં ?
આવી ને કહીશ. બાય !
ન જણાવવું કે વ્યક્ત ન થવું એ બન્ને એક જ કે જુદું ? એવો વિચાર દોડી ને જતો રહ્યો મનમાંથી. પછી થોડી વારે જવાબ આવ્યો. ઘણું જુદું બન્ને. ન જણાવવું એટલે માહિતી ન આપવી અને વ્યક્ત ન થવું એટલે લાગણીને રાખી મુકવી અંદર. આવા જ વિચાર કરતો નીકળી પડ્યો. નજીકના ન્યુઝ સ્ટેન્ડથી છાપું લીધુ. મુંબઈમાં ગુજરાતી નાટકો બહુ થાય. પૃથ્વી થીએટર વિષે સાંભળ્યું હતું એમાં એક નાટક વિષે વાંચ્યું. ટીકીટ બુક કરી. ચાલો સાંજ તો પસાર થઇ જશે. આવી કેટલી સાંજ પસાર કરવાની છે, એ અંદાજ નથી. શિવાનીના નેક્સ્ટ વિકેન્ડ ની રાહમાં આ વિક નીકળી જશે.
જેમતેમ કરીને શુક્રવારની રાત પાડી દીધી. બસ હવેના બન્ને દિવસો શિવાની – ટુર ના વિવરણમાં જતા રહેશે. રાત્રે ૧૨ વાગે મેસેજ આવ્યો.
@ Yellow Stone park – Wyoming. For Details... wait till Morning – your morning.
આટલું વાંચીને.. એક કેનવાસ હાથમાં લીધું... ને દોરવા લાગ્યો મારી કલ્પનાનો યલો સ્ટોન પાર્ક. વિચાર અને પીંછી અટક્યા ત્યારે ૪ વાગ્યા હતા. સુઈ ગયો. ફોનના રણકારની ખાતરીએ ઊંઘ આવી ગઈ.
... વિડીઓ કોલ... અફાટ સૌન્દર્ય અને વોઈસ ઓવર બાય શિવાની.
સુગમ...સુગમ.. ઇટ્સ અમેઝિંગ ની ઉપર ૧૬ ઘાત... અરે અદ્વિતીય.. સેંકડો એકરમાં ફેલાયેલ આ યલો સ્ટોન park. વાઈલ્ડ લાઈફ ના શોખીન હોય એ એના કીડા બની જાય. અહી જ પડ્યા પાથર્યા રહે. અરે અહી લોકો આખો મહિનો રહી શકાય એવો પ્લાન કરીને આવે. એટલું ફેલાયેલ છે. અને બીજી ખાસ વાત. આ પાર્ક સંપૂર્ણ એ ઇકો ફ્રેન્ડલી એ વખતથી રાખ્યો છે. અહી નેચરલ ગેસ ગીઝર્સ છે અસંખ્ય. અને એમાંથી ગરમ પાણીના ઝરા નીકળે. ઓહ માય ગોડ. લોગ વિકેન્ડ નહી અહી તો મહિનો આખો રહેવું પડે.
ક્યાં છે આ અદભૂત જગ્યા ?
વાયોમીંગ સ્ટેટ. લગભગ સેન્ટ્રલ અમેરિકામાં. અમેરિકામાં લોકો ફરવા જાય પણ એ વેસ્ટ કોસ્ટ અથવા ઇસ્ટ કોસ્ટ. અને બીજી ચોઈસ મોટા શહેરો. ન્યુ યોર્ક કે ન્યુ જર્સી જેવા. અહી સેન્ટ્રલમાં ઓછા આવે. એટલે ભીડ નથી. જે આવે છે એ એકદમ રસિયા જેને કહીએને એવા. થેંકસ ટુ વન ઓફ માય કલીગ જેણે આ જગ્યા સજેસ્ટ કરી. એ ગયું આખું વર્ષ દરેક વિક એન્ડ અહી આવ્યો છે. આજે પણ છે સાથે અને બીજી એક કલીગ પણ. આઈ વિશ કે તું અહી હોત તો....
...તો શું.... ?
તો...તો.. તને ગરમ પાણી એ નવડાવત.. જડભરત ! કશું સમજતો નથી.!!!