પંચાણું
“કોણ છો?” પ્રમોદરાય વર્ષો પછી પોતાની સમક્ષ પરંતુ થોડે દૂર ઉભેલા પોતાના પુત્રને ઓળખી ન શક્યા.
“ભાઈ આવ્યા છે પપ્પા...આપણા શ્યામલભાઈ.” સુંદરીએ પ્રમોદરાયની તકલીફ દૂર કરી.
“શું?” આટલું કહીને પ્રમોદરાય પોતાના સ્થાન પર જ સ્થિર થઇ ગયા.
“હા પપ્પા, તમને મળવા આવ્યા છે. આપણી સાથે જ રહેવા આવ્યા છે. એ અંદર આવેને?” સુંદરી ઝડપથી ચાલીને પ્રમોદરાય પાસે જઈને ઉભી રહી ગઈ અને એમનો હાથ પકડી લીધો.
“ઘરેથી તો એની મરજીથી જતો રહ્યો હતો, હવે પાછો આવવા મારી મંજુરી માંગશે એ નપાવટ?” પ્રમોદરાયના સૂરમાં ગુસ્સો નહીં પરંતુ ફરિયાદ હતી, એમની આંખોના ખૂણા ભીના હતા.
“પપ્પા... મને માફ કરશોને?” શ્યામલ પણ જ્યાં ઉભો હતો ત્યાંજ ઉભા ઉભા બોલ્યો.
“માફ તો એને કરાય જેનો વાંક હોય દીકરા... માફી તો મારે માંગવાની છે, તારી અને આ મા જગદંબા જેવી મારી દીકરી સુંદરીની...” આટલું કહીને પ્રમોદરાયની લાગણીઓનો બંધ તૂટી પડ્યો અને એ રડવા લાગ્યા.
સુંદરીએ પ્રમોદરાયના બંને ખભા પકડી લીધા જેથી એ રડતાં રડતાં પડી ન જાય અને શ્યામલ દોડીને એમની પાસે આવી ગયો અને એમના બંને હાથ પકડી લીધા. પિતા-પુત્ર અને પુત્રી ત્રણેય લાગણીઓના સમુદ્રમાં તણાવા લાગ્યા. ત્રણેય જાણેકે મનમાં આટલા બધા વર્ષો સુધી ભંડારી રાખેલા આંસુઓને આજે વગર રોકે વહેવા દેવા માંગતા હોય એવું લાગી રહ્યું હતું.
“તમને છોડીને સુખી તો હું પણ ન થઇ શક્યો પપ્પા...” શ્યામલ આટલું કહીને પ્રમોદરાયને વળગી પડ્યો.
“તો શું હું સુખી રહી શક્યો હોઈશ? મને એમ હતું કે મારો દંભ જ સાચો છે. હું કહું તે જ સત્ય અને બાકી બધું મિથ્યા. તારા ગયા પછી બહુ જલ્દીથી હું સમજી ગયો હતો દીકરા કે મારા બંને સંતાનો વગર મારું જીવન પણ અધૂરું છે. પણ મારો અહમ મને સતત એ સમજણનો સ્વીકાર કરવા માટે તૈયાર ન હતો. મનમાં બધું જ સમજતો હતો પણ સુંદરીને મ્હેણાં મારી મારીને મારો અહંકાર, મારી જીદ તોડવા દેતો ન હતો બલ્કે એને પોષતો રહેતો હતો.
પણ તે દિવસે જ્યારે સુંદરીએ જયરાજની સચ્ચાઈ મારી સમક્ષ રજુ કરી ત્યારે મને મારા આત્માએ ઢંઢોળી દીધો અને મેં મારી જાતને જ સવાલ કર્યો કે તારી દીકરીની આબરૂ, એના સુખ સામે શું તારું અભિમાન, તારો અહંકાર મોટો છે? બસ તે ઘડીએ મારું બધું જ અભિમાન, મારો બધો જ ખોટો ગુસ્સો ઓગળી ગયો.” પ્રમોદરાય ગળગળા સ્વરે બોલી રહ્યા હતા.
“જે થઇ ગયું એ થઇ ગયું પપ્પા... હવે ભાઈને સ્વીકારી લ્યો. આપણે બધાં ફરીથી એક થઈને રાજીખુશીથી રહીશું.” જયરાજની વાત સાંભળીને ક્યાંક શ્યામલ એ વિષે કશું પૂછી ન લે અને હકીકત જાણ્યા પછી ગુસ્સામાં આવી જઈને કશું આડુંઅવળું ન કરી બેસે એ બીકથી સુંદરીએ તરતજ વાત વાળી લીધી.
“પોતાના જ લોહીને સ્વીકારવાનું હોય? અરે! તમે બંને તો મારા જ હિસ્સા છો, મારા શરીરના, મારા આત્માના. સુંદરી, દીકરા શ્યામલનું મોઢું મીઠું કરાવ, આજે મારો રામ વનવાસ પૂરો કરીને ઘેર પાછો આવ્યો છે. આવ, બેસ.” છેવટે પ્રમોદરાયે શ્યામલને પોતે પહેલાં જ્યાં બેઠાં હતાં એ સોફા પાસે લઇ જઈને તેને બેસાડ્યો.
“ચોક્કસ, કેમ નહીં. હમણાંજ ગોળ લાવી.” સુંદરી ખુશ થઈને રસોડા તરફ દોડી.
“તું અહીંથી ગયો પછી તેં શું કર્યું એ મારે તને નથી પૂછવું અને ક્યારેય પૂછીશ પણ નહીં. પણ આજકાલ શું કરે છે એ જણાવ.” પ્રમોદરાયે શ્યામલને પૂછ્યું.
“હું ચ્હા બનાવું છું પપ્પા. એટલે કે કોલેજ સાત રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડકોર્ટમાં મારી ચ્હાની રિક્ષા છે. સુંદરીએ મને એમાં ખૂબ મદદ કરી.” શ્યામલે પ્રમોદરાયને જવાબ આપ્યો.
“ભાઈ, ખૂબ સરસ ચ્હા બનાવે છે પપ્પા. એ પણ એમની ચ્હાના દીવાના છે.” સુંદરી એક નાનકડી ડીશમાં ગોળ લઈને આવી.
“એટલે વરુણકુમાર તને પણ ઓળખે છે?” પ્રમોદરાયને નવાઈ લાગી.
“હા, પણ અમારા વચ્ચે થોડી ગૂંચવણ ઉભી થઇ ગઈ છે અત્યારે...” શ્યામલ હજી બોલી જ રહ્યો હતો ત્યાંજ...
“... એ ગૂંચવણ પણ હું જ દૂર કરી આપીશ. અત્યારે આપણે બધાં જ મોઢું મીઠું કરીએ?” આટલું કહીને સુંદરીએ ડીશમાંથી ગોળની બે કાંકરી લઈને પ્રમોદરાય અને શ્યામલને આપી.
શ્યામલ અને પ્રમોદરાયે એકબીજાને ગોળ ખવડાવ્યો અને પછી બંનેએ સુંદરીનું મોઢું પણ મીઠું કરાવ્યું.
“શ્યામલ, અત્યારે તું જ્યાં પણ રહેતો હોય એ જગ્યા અત્યારેજ ખાલી કરીને અહીં આવતો રહે. તું તારો ચ્હાનો ધંધો પણ જે રીતે ચલાવતો હોય ચલાવતો રહે. એવું જરાય ન વિચારતો કે પપ્પા શું વિચારશે. કામથી મોટું કશું જ નથી હોતું.” પ્રમોદરાયે શ્યામલને પિતા તરીકે રીતસર હુકમ કર્યો.
“પપ્પા, આજે રાત્રે હું અહીં જ રોકાઈશ અને કાલે જઈને મારો સમાન લઇ આવીશ. પણ પપ્પા મારે તમારી પાસે બેસીને મારા હ્રદય પર એજ બોજો છે એ હળવો કરવો છે, પછી જ હું અહીં શાંતિથી રહી શકીશ.” શ્યામલે પોતાના પિતાને વિનંતી કરી.
“બોલ, શું કહેવું છે તારે.” પ્રમોદરાયે શ્યામલને મંજૂરી આપતાં કહ્યું.
“મારે તમને એ બધીજ વાત કરવી છે જે મારા ઘર છોડ્યા બાદ મારી સાથે બની છે. મારે મારો ભૂતકાળ તમારી સમક્ષ ખુલ્લો કરી દેવો છે.” શ્યામલ બોલ્યો.
“મારે એ કશું જ સાંભળવું નથી. આટલા વર્ષોમાં તારા વિષે ઊડતાં સમાચારો તો મારા કાને પણ પડ્યા છે. પણ દીકરા હવે તેનો કોઈ મતલબ નથી. તું અત્યારે સાચા માર્ગે છો, મહેનતના માર્ગ છો, મારા માટે એ પુરતું છે.” પ્રમોદરાય બોલ્યા.
“પપ્પા, ભાઈને એમના હ્રદય પરનો ભાર ઓછો કરી લેવા દો. મને ખાતરી છે કે તમે એમની આખી વાત સાંભળશો પછી તમને એમના તમારા પુત્ર હોવા પર ગર્વ થશે.” સુંદરીએ પણ શ્યામલને સાંભળવા પ્રમોદરાયને વિનંતી કરી.
“ઠીક છે. તો કરી દે તારા હ્રદય પરનો ભાર હળવો. હું સાંભળું છું.” પ્રમોદરાયે શ્યામલને કહ્યું.
... અને શ્યામલે ધીરેધીરે પોતાના ભૂતકાળને પ્રમોદરાય સમક્ષ ખોલવાનું શરુ કર્યું.
==::==
“હું આવી ગઈ!!” ઈશાની એના કાયમી મૂડમાં જ હતી.
“બેસો. હું બે કપ ચ્હા અને મસ્કાબન આપું.” જવાબમાં શ્યામલે ફક્ત સ્મિત જ કર્યું.
“તમને ક્યારેય એમ નથી લાગતું કે એક દિવસ આ દરરોજની ચા બનાવવાની ઝંઝટમાંથી મુક્ત થઈને આખો દિવસ આમ મજા આવે એવું કશું કરું?” ઈશાનીએ તરતજ શ્યામલનું માથું ખાવાનું શરુ કરી દીધું.
“મારા માટે ચ્હા બનાવવી એ જ મજા છે જેને હું આખો દિવસ માણું જ છું.” શ્યામલે તરતજ વળતો જવાબ આપ્યો.
“નોપ! ચા બનાવવી એ તમારો પ્રોફેશન છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમને તમારા પ્રોફેશન પ્રત્યે ખૂબ પેશન છે પણ છેવટે તો એ પ્રોફેશન જ છે ને? હું તો આમ ખુદ માટે મજા કરવાની વાત કરું છું. કદાચ એકલા એવી મજા ન માણવી હોય તો કોઈને સાથે લઈને ક્યાંક ઉપડી જવાનું જેની સાથે સમય વિતાવવો ગમે. યુ નો રિફ્રેશ થઇ જવાય.” ઈશાનીએ પોતાની દલીલ ચાલુ રાખી.
“ના, મને એવું કોઈજ મન નથી થતું. મારે તો હું ભલો અને મારી આ ચ્હાની નાનકડી દુકાન ભલી.” શ્યામલે ચ્હા બનાવવાનું ચાલુ રાખ્યું.
“હાઉ બોરિંગ. એક છોકરી સામે ચાલીને તમને કહી રહી છે કે એને ક્યાંક ફરવા લઇ જાવ તો પણ તમને જરાય પડી નથી?” ઈશાનીએ મોઢું બગાડ્યું.
“ના, કારણકે એ છોકરીએ હજી ઘણું ભણવાનું બાકી છે એની મને ખબર છે. એના મમ્મી-પપ્પાએ એના માટે પણ સ્વપ્ના જોયા હશે અને એટલેજ તેને આટલી મોંઘી કોલેજમાં એડમિશન અપાવ્યું હશે એટલે ભણવાનું બાજુમાં મુકીને જો એ છોકરી ફરવા ઉપડી જાય તો એ બરોબર ન કહેવાય. અને હું એને ભણવાનું બાજુમાં મુકાવીને ક્યાંક ફરવા લઇ જાઉં તો એ પાપ મારા માથે લાગે જે હું કદીએ ન કરું.” શ્યામલે હસતાં હસતાં કહ્યું.
ઈશાની દરરોજ શ્યામલની ચ્હાની દુકાને આવતી અને દરરોજ તે બે ચ્હા અને મસ્કાબન ખાતી. મૂંગા ન રહી શકવાના પોતાના સ્વભાવને લીધે એ સતત બોલતી રહેતી અને હવે આટલા લાંબા સમયથી તેના અહીં આવવાને લીધે અને પ્રમોદરાય સાથે પોતાનો ભૂતકાળ શેર કર્યા બાદ અને પોતાના ઘરે ફરીથી રહેવા ગયા બાદ હવે શ્યામલનો સ્વભાવ પણ થોડો બદલાયો હતો એટલે એ પણ હવે ઈશાની સાથે જાતે નક્કી કરેલી મર્યાદાને ઓળંગ્યા વગર ખુલીને વાત કરી શકતો હતો.
“મમ્મી-પપ્પા જ? ભાઈ નહીં? મારે એક ભાઈ પણ છે એણે પણ મારા વિષે ઘણા સપનાં જોયાં છે.” ઈશાનીએ બોલી પડી.
“હમમ...” શ્યામલે ફક્ત આટલી જ પ્રતિક્રિયા આપી.
“મારા ભાઈએ પણ મારા માટે ખૂબ વિચાર્યું છે. હા ભલે મને એ આખો દિવસ ચીડવે રાખે છે બટ હી ઈઝ ધ બેસ્ટ! ઇન ફેક્ટ આઈ લવ માય બ્રો!” ઈશાની વરુણને યાદ કરતાની સાથે જ રોમાંચિત થઇ ગઈ.
“સરસ.” કહીને શ્યામલે પેનમાંથી ગરમાગરમ ચ્હાને એક બીજા વાસણમાં ગાળવાનું શરુ કર્યું.
“શું સરસ? તમે પણ મારા ભાઈને ઓળખતા જ હશો. એ આજકાલ બહુ ચર્ચામાં છે.” ઈશાનીને પોતાના ફેમસ ભાઈ વિષે કશું કહેવાની જબરી ઉતાવળ હતી.
“સોરી! મને ફિલ્મો જોવાનો બિલકુલ શોખ જ નથી.” શ્યામલે ચ્હા ગાળવાનું ચાલુ રાખ્યું.
“અરે! એ ફિલ્મમાં નથી. એવું થોડું છે કે ફિલ્મ સ્ટાર્સ જ પોપ્યુલર હોય? એવા ઘણા ફિલ્ડ્સ છે જેના લોકો પણ ખૂબ પોપ્યુલર બનતા હોય છે.” ઈશાની એની આદત અનુસાર સતત બોલી જ રહી હતી.
“હશે. મને કોઈ પોપ્યુલર વ્યક્તિને જાણવાની કોઈજ ઈચ્છા નથી. મારા કસ્ટમર્સ મારા માટે બધું જ છે. એ લોકોને મારી ચ્હા ગમે એટલે બહુ થયું.” શ્યામલે હવે નાના કપમાં ચ્હા ભરવાની શરુ કરી.
“પણ આઈ એમ શ્યોર કે તમે મારા ભાઈને જરૂર ઓળખી જશો કારણકે હજી સુધી તમને મેં એનું નામ નથી કહ્યું. મારા ભાઈનું નામ છે...” ઈશાનીએ શ્યામલની એના ભાઈનું નામ જાણવાની અવગણનાની પણ અવગણના કરી અને પોતાની વાત ચાલુ રાખી.
==:: પ્રકરણ ૯૫ સમાપ્ત ::==