Pati Patni ane pret - 28 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પતિ પત્ની અને પ્રેત - ૨૮

Featured Books
Categories
Share

પતિ પત્ની અને પ્રેત - ૨૮

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૮

ચિલ્વા ભગતે રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવી દીધા પછી રેતાની ચિંતા થઇ. રેતાને જયના પાસે જવા દઇને મોટું જોખમ લીધું હતું. હવે એ સિવાય કોઇ માર્ગ પણ ન હતો. રેતાએ જયનાનો સામનો કરવાનો જ હતો. એ પતિવ્રતા સ્ત્રી છે. પ્રેતની ચુંગાલમાંથી એના પતિને પાછા લાવવા એણે જ પોતાની સ્ત્રીશક્તિ વાપરવાની હતી. જયનાને વિશ્વાસથી મોકલી હતી. હજુ સુધી તે પાછી ફરી ન હતી. ચિલ્વા ભગતને અમંગળ કલ્પનાઓ થવા લાગી હતી. રિલોકને જામગીરકાકાના ઘરનો રસ્તો બતાવ્યા પછી એકદમ વિચાર આવ્યો અને કહ્યું:"ભાઇ, એક મિનિટ ઊભો રહે હું પણ આવું છું...અને તારાથી એક વાત છુપાવી હતી તે કહી દઉં છું કે રેતા જામગીરકાકાને ત્યાં રાત રોકાયા પછી સવારે અહીં આવી હતી. અને મેં એને નાગદાને ત્યાં જવા દીધી છે..."

"રેતા ત્યાં ગઇ છે?" રિલોકને આંચકો લાગ્યો.

"હા, એ મારી પાસે વહેલી સવારે આવી હતી. મેં એને ભસ્મ આપીને નાગદાને ત્યાં જવાની પરવાનગી આપી હતી. એ પાછી ફરી છે કે નહીં એ જોવા જ હું જામગીરકાકાને ત્યાં આવી રહ્યો છું..." ભગતે ખુલાસો કર્યો.

"ભગતજી, મને તો ચિંતા થાય છે. રેતાને નાગદા હેરાન કરશે તો?" રિલોકના દિલની ધડકન વધી રહી હતી.

"રિલોક, એની પાસે જે મંગળસૂત્ર છે એ તેની રક્ષા કરશે. લગ્ન વખતે વિધિપૂર્વક પહેરેલું એ મંગળસૂત્ર એને અખંડ સૌભાગ્યવતી રાખશે. કોઇ બલા એને હેરાન કરી શકે એમ નથી. મને વિશ્વાસ છે કે એ વિરેનનો પતો મેળવીને આવી ગઇ હશે..." ભગતને પોતાની ભસ્મ કરતાં પવિત્ર મંગળસૂત્ર પર વધારે વિશ્વાસ હતો.

રિલોકે રસ્તામાં વિરેનને બચાવવાના આયોજન વિશે પૂછ્યું ત્યારે ભગત કહે:"પહેલાં તો એ વાતની ખાતરી કરવી પડશે કે નાગદાએ એને ત્યાં વિરેનને છુપાવ્યો છે કે નહીં. માત્ર અનુમાનોને આધારે ચાલી શકાય એમ નથી. હું કેટલીક શક્તિઓ અર્જીત કરી ચૂક્યો છું. અત્યારે રેતા કોઇ સમાચાર લાવે પછી ખબર પડે..."

બંને વાતો કરતાં કરતાં જામગીરના ઘર પાસે આવી ગયા. બંનેએ દૂરથી જોયું કે એક સ્ત્રી અને પુરુષ ઘરના ઓટલા પર જામગીરકાકા સાથે બેઠા છે. બંનેને થયું કે એમના કોઇ સંબંધી આવ્યા હશે.

ચિલ્વા ભગતે "બોલો બમ બમ બમ... બલા ભાગે રમ રમ" કહી બંને આગંતુક પર નજર નાખીને જામગીરનેપૂછ્યું:"કાકા, રેતા આવી ગઇ?"

"ના...પણ આ દંપતી આવ્યું છે..." જામગીરે જશવંતભાઇ અને જાગીતા તરફ ઇશારો કરી કહ્યું.

ચિલ્વા ભગતને એ દંપતીમાં કોઇ રસ ન હતો. તે જામગીરને બાજુ પર લઇ ગયા અને કહ્યું કે રેતા એમની પાસે આવીને નાગદાને ત્યાં ગઇ ગઇ છે. અને તે પાછી આવી છે કે નહીં એ જોવા આવ્યા છે.

ચિલ્વા ભગતની વાત સાંભળીને જામગીરના ચહેરા ભર ભયની રેખાઓ ઉપસી આવી. તેમના વૃધ્ધ ચહેરાને એ રેખાઓ વધારે ડરામણો બનાવી રહી હતી. ભગતને થયું કે તે પોતાના પર ગુસ્સે થશે. ત્યાં રિલોક આવીને કહેવા લાગ્યો:"તમે એક મિનિટ ઊભા રહો, હું એને મોબાઇલ કરું છું..." અને રિલોકે મોબાઇલમાં રેતાનો નંબર લગાવ્યો ત્યારે જામગીરના ઘરમાં જ મોબાઇલ રણક્યો. રિલોક દોડીને રેતાનો મોબાઇલ લઇ આવ્યો:"એ તો મોબાઇલ અહીં જ મૂકી ગઇ છે..."

રિલોક કહે:"ભગત, ક્યાંક રેતા મુશ્કેલીમાં તો નહીં હોય ને? આપણે એને શોધવા જવું પડશે. ચાલો, આપણે નાગદાના ઘર પાસે જઇને તપાસ કરીએ..."

જામગીર કહે:"ભગત, રિલોકની વાત બરાબર છે. પણ એ પહેલાં તમે આ દંપતીને મળી લો..."

ભગતને થયું કે દંપતીને કોઇ તંત્રમંત્રની વિધિ કરાવવી હશે. એટલે કહ્યું:"એમની સાથે આપણે પછી વાત કરીશું. પહેલાં નાગદાના ઘર પાસે જઇ આવીએ..."

"ભગત, આ દંપતીના તાર નાગદા સાથે જોડાયેલા છે. મારું તો માનવું છે કે આપણે એમને નાગદાના ઘર પાસે મોકલીએ..." જામગીરે કંઇક વિચારીને કહ્યું.

ભગતની નજર દંપતી પર ગઇ. નાગદા સાથે આ દંપતિને શું સંબંધ હોય શકે એ સમજાતું ન હતું. જામગીરે દંપતીએ આપેલો ફોટો ભગતને બતાવ્યો અને એ જોઇ તે ચોંકીને બોલ્યા:"આ તો નાગદા છે...એનો ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો...?"

"આ દંપતીનું કહેવું છે કે નાગદા એમની છોકરી છે. ઘણા દિવસથી તે ગૂમ થઇ છે..." ભગતે દંપતીએ કહેલી વાર્તા કહી દીધી.

ભગતનું મગજ વિચારવા લાગ્યું. મતલબ કે આ દંપતીની છોકરી સ્વાલા જ નાગદા છે અને જયનાએ જ આ બધું કર્યું છે. જયનાનું પ્રેત સ્વાલામાં ઘૂસી ગયું છે અને તે પોતાને નાગદાના રૂપમાં રજૂ કરી રહ્યું છે.

ભગત કહે:"કાકા, તમારી વાત સાચી છે. આ દંપતીને નાગદાના ઘરે મોકલીએ. એ સ્વાલાને ઓળખે જશે અને જો સ્વાલા એમને ઓળખી જશે તો એમની વાત માનશે અને એને અહીં લઇ આવશે તો આપણે એને પકડીને એના પરથી જયનાનું ભૂત ઉતારીવાનો પ્રયત્ન કરીશું..."

થોડી અશક્ય લાગે એવી હોવા છતાં બધાંને યોજના ગમી ગઇ. તરત જ જશવંતભાઇ અને જાગીતાને વાત સમજાવી દીધી. પોતાની દીકરી જીવે છે અને સ્વસ્થ છે એ જાણ્યા પછી તેમનો જીવ હેઠો બેઠો હતો. પરંતુ તેના પર કોઇ પ્રેતનો પડછાયો છે એ વાતથી જીવ ઊંચો થઇ ગયો હતો. પોતાની પુત્રીને પાછી લાવવા બંને નાગદાના ઘરે જવા તૈયાર થઇ ગયા. ચિલ્વા ભગતે એમને એક શ્લોક આપ્યો અને કહ્યું કે કોઇ સમસ્યા ઊભી થાય તો આ શ્લોકનું રટણ કરજો.

જામગીર થોડે દૂર સુધી દંપતી સાથે ગયા અને એમને નાગદાનું ઘર બતાવી પાછા ફર્યા.

"ભગતજી, દંપતી આવે ત્યાં સુધી આપણે રેતાને બીજે ક્યાંક શોધીએ?" રિલોકને વિચાર આવ્યો.

"ના, આપણે અહીં બેસીને આ દંપતીની રાહ જોઇએ. જો રેતા ત્યાં હશે તો એમને મળશે. એમના આવ્યા પછી આપણે રેતાને શોધવા નીકળીશું..." ચિલ્વા ભગતે રજૂ કરેલો વિચાર રિલોક અને જામગીરને યોગ્ય લાગ્યો.

જામગીર બંનેને દંપતી અંગે વધારે વાત કરવા લાગ્યા.

થોડી જ વારમાં જશવંતભાઇ અને જાગીતા દોડતા પાછા ફર્યા. એમને એકલા આવતા જોઇ ત્રણેયના મનમાં ધ્રાસ્કો પડ્યો. એમની સાથે ના રેતા હતી ના નાગદા.

જશવંતભાઇ કહે:"ભાઇ, તમે બનાવટ કરો છો કે શું?"

તરત જાગીતા પણ બોલી:"એ ઘરમાં તો કોઇ બીજી છોકરી છે. સ્વાલા નથી..."

જામગીર, ભગત અને રિલોક એકબીજા સામે આશ્ચર્ય અને ડરથી જોવા લાગ્યા. એ કેવી રીતે બની શકે?

વધુ ઓગણત્રીસમા પ્રકરણમાં...