Dear, આસવ જી,
શું કહું સમજાતું નથી, ગુસ્સો કરું? રિસાઈ જવું કે ચિંતા કરું તમારી? તમારી કલ્પનાનું દ્રશ્ય તમારી સામે હતું અને તમે મને મળ્યા નહીં? તમારા કારણે જ આસવ જી હું વિજેતા બની. તમે મારા માં સુતેલા શોખને જાગૃત ન કર્યો હોત તો આ અશક્ય હતું .મેં તો મારા પ્લાન્ટ નું નામ જ આસવ આપ્યું હતું.
હા એ વાત સાચી કે મને પ્રોત્સાહિત કરવા મારા પતિ અક્ષત પણ મારી સાથે હતા પણ તે કારણ ન હોય શકે તમારા ન આવવાનું... તે તો મને ખબર આટલા તો હું તમને ઓળખું.
હું પોતે હવે વાસ્તવિકતા ટાળવા માગતી નથી. વાસ્તવિકતામાં જ જીવવા માગું છું ક્યાં સુધી બસ આમ જ કલ્પનામાં રાચવું?પરિણામ ની ચિંતા કર્યા વગર અમે ત્યાં આવ્યા એ પહેલા જ મે અક્ષત ને તમારા વિશે વાત કરી હતી, આપણા પ્રેમ વિશે નહીં કેમકે તે મારો પોતીકો ભાવ છે તેને હું અક્ષત સાથે વહેંચવામાં માંગતી નથી.હા પણ આપણી મિત્રતા ની જરૂર વાત કરી હતી.મિત્રતા તો છે જેને કારણે આજે અક્ષત તેમની ઓજસ ને આટલી ખુશખુશાલ જુવે છે.
મે એમ પણ કહ્યું હતું કે તમે મળવા જરૂર આવશો.અમે ઘણો સમય રાહ જોઈ....પણ તમે આવ્યા j નહિ,અને બસ દરવાજા પાસે એક નાનકડો છોકરો એક ચિઠ્ઠી આપીને ચાલ્યો ગયો.સાચું કહું આ વખતે મને તમારા બદલે તમારી ચિઠ્ઠી ગમી નહિ.
ચિઠ્ઠી માં ફક્ત તમે મને અભિનંદન પાઠવ્યા. ન આવવાનું કારણ ન કહ્યું. શા માટે આમ કર્યું આસવ જી? રહી રહીને તમારી ચિંતા થાય છે તમારી તબિયત સારી તો છે ને? કે કંઈ પારિવારિક કારણ હતું ન આવવાનું? તમે મને નિખાલસતાથી જણાવી શકો છો હું કોઈ અપેક્ષા નહિ રાખું તમારી પાસેથી. તમારા પત્રની આતુરતાપૂર્વક રાહ જોઉં છું અને આ વખતે ગોળગોળ વાતો કરવાની નથી મને સો ટકા સત્ય જણાવવાનું છે આટલો તો મારો હક થાય કે નહીં? બસ હવે કંઈ લખવાનું યાદ આવતું નથી.....
પત્રની રાહ જોતી ઓજસ...
💕
આંખોની આતુરતા શબ્દ દેહે અવતરે...
હૃદયની વ્યાકુળતા લાગણી બની વિસ્તરે...💕
*આસવ એટલે સત્વ,મધ...
વ્હાલા ઓજસ....
આજે તો તમને પૂરેપૂરો હક છે ગુસ્સે થવાનો પણ જો જો રિસાઈ ના જતા આટલે દૂરથી કેમ મનાવિસ? એ મને નહીં ગમે .જોકે મારો ગુનો તો એવો જ છે કે તમે રિસાઈ જાઓ પણ શું કરું? ઈશ્વર હજુ કલ્પનાને વાસ્તવિકતાનું રૂપ આપવામાં રાહ જોવડાવી રહ્યો છે.
પણ એક વાસ્તવિકતા એવી છે , હવે એવું લાગે છે કે તમને જણાવી દઉં ...બસ આજે બધું કહી દેવાની ઈચ્છા થાય છે.
મારા નાનપણની તો તમને ખબર જ છે સંઘર્ષની પરિસ્થિતિમાં વીત્યું પણ ત્યારે તે સંઘર્ષ અઘરો ન લાગ્યો કારણકે મારી સામે એક ભવિષ્યનું મેઘધનુષી આકાશ હતું જે મને આનંદિત રહેવા પ્રેરણા આપતું હતું. મારો મધ્યકાળ ખુબ જ સરસ ગયો,સહ સંગીની સ્વરૂપા ખૂબ જ માયાળુ સ્વભાવની ,મારા માટે હંમેશા પ્રેરક રહી. પણ કહેવાય છે ને કે સુખની ક્ષણો હાથમાંથી ઝડપથી સરકી જાય છે.
મારી નિવૃત્તિ,.... પત્ની ની બીમારી..... અને સંતાનોના લગ્ન બધું જ એકસાથે જ ઈશ્વરે નિર્મિત કરી દીધું સ્વરૂપા ની પાછળ સંપત્તિ ખર્ચી નાખી પરંતુ બચ્ચા ફક્ત સંસ્મરણો. આમ છતાં સ્વરૂપા ની છેલ્લી ઈચ્છા પૂરી કરવા વતનનું મકાન વેચી અહીં શહેરમાં જ સેટ થઇ ગયા. બાળકો પોતાના સંસારમાં અને હું મારી એકલતા માં.
પણ હૃદયથી કવિ રહ્યો ને પ્રિયા નામની કલ્પનાને મારી પાસે બોલાવી લીધી શબ્દ રૂપે એકલતા દૂર કરવા. અને બસ શરૂ થઈ ગઈ મારી અને પ્રિયાની વાતચીત. ત્યાં ઈશ્વર મારી કલ્પનાથી એટલા ખુશ થઈ ગયા કે સાચોસાચ પ્રિયા જેવી જ ઓજસ મોકલી આપી.
અને ફરીથી મારી જિંદગીમાં જાણે વસંત આવી ગઈ.
શરૂ થઈ ગઈ મારી અને તમારી પત્રોની યાત્રા.
શરૂઆતમાં હું ફ્કત મિત્રભાવે તમારી સાથે વાત કરતો હતો.પરંતુ આ વાતચીત ક્યારે મારા સમગ્ર અસ્તિત્વને હચમચાવી ગઈ ખબર જ ન રહી.મારો પ્રેમ વધતો જ ગયો. તમને જોયા વિના મળ્યા વિના બસ વિચારોથી આકર્ષતી હતી તમારી પ્રતિભા....હું એકવાર તમને ફ્કત મળવા તમારા શહેરમા આવવાનો જ હતો ત્યાં મારા કહેવાતા પરીવાર ના સભ્યોને લાગ્યું કે સ્વરૂપા ના જવાથી મારું મગજનું બેલેન્સ ખોરવાઈ ગયું છે......અને મારો રસ્તો બદલી ગયો..
💕
મારી ને તારી આ કલ્પના....
બદલતી ગઈ મારી ને તારી સંકલ્પના....💕 (ક્રમશ)