જિંદગી આખી લડાઈઓ લડતા રહેલા સમ્રાટ સિકંદરને લડાઈઓના માનસિક તનાવનો પણ ઘણો સામનો કરવાનો આવ્યો હશે એ સ્વાભાવિક છે. સિકંદરનો પ્રશ્ન માત્ર લડાઈ લડવા પૂરતો કે નવા નવા પ્રદેશો જીતવા પૂરતો જ સીમિત નહોતો. પોતાના વિસ્તરતા જતા રાજ્યમાં વ્યવસ્થાતંત્ર ગોઠવવા ઉપરાંત લોકોની સુખાકારીની પણ એણે ચિંતા કરવાની હતી. પોતાના વહીવટકર્તાઓ અને કર્મચારીઓ સૂચનાઓનું બરાબર પાલન કરે છે કે નહિ એય જોવાનું હતું. લશ્કરની અને વહીવટીતંત્રની જરૂરિયાતોનો પણ ખ્યાલ રાખવાનો હતો. આ પ્રક્રિયામાં કેટલાક પેચીદા અને ઘડીભર મૂંઝવી નાખે એવા પ્રશ્નો પણ સામે આવતા. સિકંદરે આવા દરેક પ્રશ્નનું પૃથક્કરણ કરીને એનો હલ શોધવાનો હતો. દેખીતી રીતે જ આવા અનેક પ્રશ્નો એક પ્રકારની માનસિક તાણ સર્જે. ક્યારેક સિકંદર જેવો સિકંદર પણ આવી માનસિક તાણથી ઘેરાઈ જતો હતો. પરંતુ એને કદાચ એ વાત બરાબર સમજાઈ ગઈ હતી કે તાણ સફળતાને વીંધી નાખનારું બાણ છે. એટલે જ એ માનસિક તાણ કે તણાવને પોતાના પર સવાર થઈ જવા દેતો નહોતો. એના સમયમાં માનવીના મન અને વર્તનનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાનનો વિકાસ થયો નહોતો. પરંતુ ખરેખર તો માનવી જન્મ્યો એની સાથે જ મનોવિજ્ઞાન પણ જન્મી ચૂક્યું હતું. સિકંદરે પોતાની આંતરસૂઝ વડે તાણનો સામનો કરવાની તરકીબો વિકસાવીને એનો અમલ કર્યો હતો. નહિતર સિકંદર જેવો સિકંદર પણ તાણના મસમોટા ડુંગર હેઠળ દબાઈને ગૂંગળાઈ મર્યો હોત.
સિકંદરના સમય કરતાં આજે તો જમાનો ઘણો બદલાઈ ગયો છે. સિકંદર જુદા જુદા પ્રદેશો જીતવા માટે અને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે લડાઈ લડતો હતો. આજે એકવીસમી સદીનો સરેરાશ માનવી પળે પળે લડાઈ લડી રહ્યો છે. એને પોતાના સુખ નામના પ્રદેશનો વિસ્તાર કરવો છે. પરંતુ દરેક લડાઈ તાણસર્જક બનતી હોય છે. પરિણામે પળેપળે સુખ, સંતોષ અને સફળતા માટે લડાઈ લડતો સરેરાશ માનવી પણ સતત તાણથી ઘેરાઈ જાય છે. સિકંદરના સમય કરતાં આજે તાણ સર્જનારાં પરિબળોનો રીતસર ગુણાકાર થયો છે. કરુણતા એ વાતની છે કે આજના માનવીને તાણ સર્જનારા અનેક પરિબળોનું આક્રમણ એવું તો ઘેરી લે છે કે એને તાણ ઓછી કરવાના કે એમાંથી મુક્ત થવાના ઉપાયો વિચારવાની પણ નવરાશ મળતી નથી. નાની નાની વાતો પણ મનમાં તાણ પેદા કરી જાય છે. બસ કે ટ્રેન ચૂકી જવાય, કોઈકની રાહ જોઈને અડધો કલાક પસાર કરવાનો આવે, ઈસ્ત્રીનાં કપડાં સમયસર આવ્યાં ન હોય, અચાનક ટાંકી ખાલી થઈ જાય અને પાણી ન આવે, હોટેલમાં જમવા ગયા હોઈએ અને ઓર્ડર આપ્યા પછી અડધા કલાક સુધી વેઈટર દેખાય નહિ, દસ-પંદર કીક માર્યા પછીયે સ્કૂટર ચાલુ ન થાય, ફિલ્મ જોવા ગયા હોઈએ અને હાઉસફૂલનું પાટિયું જોવા મળે કે બસમાં આવતા હોઈએ અને બસનું બ્રેક-ડાઉન થાય. આજે ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસના સાથે આપણી સગવડો અનેક રીતે વધી છે. એ સગવડોથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે કોઈ એક સવલતની ગેરહાજરી પણ આપણને અકળાવી મૂકે છે અને તાણ સર્જે છે.
આમ તો વીસમી સદીને જ તાણ અને ચિંતાની સદી કહી છે. ડગલે ને પગલે માનસિક તાણ સર્જનારાં પરિબળોનો સામનો કરવાનો આવે છે. તાણ ઊભી થાય ત્યારે પહેલી લાગણી નિરાશા અને નિઃસહાયતાની થાય છે. આ લાગણી જ અકળામણ પેદા કરે છે. આવે વખતે માણસ સાવ ક્ષુલ્લ્ક વાતે પણ ચીડાઈ જાય છે. તદ્દન સામાન્ય લાગે એવી ભૂલો કરી બેસે છે. તાણ સર્જનારી બાબત જો થોડી વધુ ગંભીર હોય તો ઠીક ઠીક સમય સુધી એ મનને પીડા આપે છે. ઊંઘતાં-જાગતાં અને ઊઠતાં –બેસતાં એના જ વિચારો મનનો કબજો જમાવી દે છે. આ પરિસ્થિતિ લાંબી ચાલે તો માનવી માટે એક પ્રકારે વિષાદ-યોગ શરૂ થઈ જાય છે. Depression તરીકે ઓળખાતી આ સ્થિતિમાંથી ઝટ ઉગાર ન થાય તો કેટલીક વાર એનાં અત્યંત માઠાં પરિણામો પણ આવતાં હોય છે. ક્યારેક એમાંથી જ મનોશારીરિક રોગો જન્મે છે. આ એવા રોગો હોય છે, જેનું કારણ મનમાં હોય છે, પરંતુ એનું પરિણામ શરીર મારફતે પ્રગટ થાય છે. માઈગ્રેઈન, અલ્સર વગેરે આવા જ રોગો છે. વિજ્ઞાન તો કહે છે કે ક્યારેક કેન્સર સુધીના રોગો પણ મનોશારીરિકરૂપે પ્રગટે છે, આવે વખતે ગમે એટલી મોંઘી દવાઓ પણ ધારી અસર કરતી નથી, કારણ કે એનાં મૂળ અકબંધ પડેલાં રહે છે.
માનસિક તાણ હંમેશાં ખરાબ જ હોય છે એમ માની લેવાની જરૂર નથી. અમુક હદ સુધી માનસિક તાણ ફાયદો કરી આપતી હોય એવું પણ બને છે. થોડીક માનસિક તાણ થકી કામમાં વધુ ચીવટ આવે છે. કેટલાક માણસો તાણ સર્જે એવી બાબતને એક પડકાર ગણીને ઉપાડી લેતા હોય છે. આવે વખતે તાણ આશીર્વાદરૂપ પુરવાર થાય છે. આવી તાણ ઘણી વાર પ્રેરક બનતી હોય છે. ઘણા માણસો તો માનસિક તાણ હેઠળ જ ઉત્તમ કામ કરી શકતા હોય છે. ક્યારેક વળી કેટલાક માણસો માનસિક તાણને ‘ગ્લેમર’નું રૂપ આપી દેતા હોય છે. સાવ સામાન્ય વાતને પણ તેઓ તાણપૂર્વક જ લેતા હોય છે. પરંતુ આ બધું જ એક હદ સુધી સાચું ઠરે છે. માનસિક તાણ હદ વટાવી જાય ત્યારે તો એ કોઈક ખાનાખરાબી સર્જે જ છે.
માનસિક તણાવથી મુક્ત રહેવા અથવા કમ સે કમ એ મોટી ખાનાખરાબી સર્જે નહિ એની તકેદારી રાખવા માટે પહેલાં તો તાણ સર્જતાં પરિબળોને સમજી લેવાં જોઈએ. એ પછી જ એના સાચા-ખોટા ઉપાયોની ચર્ચા થઈ શકે. દરેક વ્યક્તિ પર એક સરખી અસર થતી નથી. એનો અર્થ એ થાય કે કોઈ પણ તાણસર્જક પરિબળની કેટલી અસર થશે એનો આધાર વ્યક્તિ પર વધુ રહે છે. સ્ટેશને પહોંચવાની ઉતાવળ હોય અને રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય ત્યારે જુદા જુદા માણસોની જુદી જુદી પ્રતિક્રિયા હોય છે. કોઈક અકળાઈને વાહનનું હોર્ન માર્યા કરે છે, કોઈક ટ્રાફિક પોલીસને, આડેધડ ટ્રાફિક જામ કરતા વાહનચાલકોને, સાંકડા રસ્તા બનાવવા બદલ મ્યુનિસિપાલિટીને અને જે હડફેટે ચડે એને બેફામ ગાળો આપવા માંડે છે, કોઈક વળી ઘૂસ મારીને ટ્રાફિકમાંથી બહાર નીકળવાની મથામણમાં આગળના વાહનના બમ્પરને ટીચે છે, કોઈક સિગરેટ સળગાવે છે અને કોઈક એવું પણ હોય છે, જે ટ્રાફિક રાબેતા મુજબનો થાય ત્યાં સુધી ગીત ગાય છે, કાર હોય તો ટેપ સાંભળે છે. સાથે કોઈ હોય તો વાતો કરે છે અથવા ગીત ગણગણે છે. આવું લગભગ દરેક બાબતમાં બનતું હોય છે. ટ્રાફિક-જામ થાય ત્યારે આપણે લાચાર હોઈએ છીએ. ટ્રાફિક રાબેતા મુજબનો થાય ત્યાં સુધી આપણો રાહ જોયા વિના આરો નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની આટલી તૈયારી જ તાણના આક્રમણને ખાળી શકે છે. જેનું વ્યક્તિત્વ સમતોલ હોય એને તાણ બહુ ઓછી કનડગત કરે છે.
તાણ માટે મુખ્યત્વે ઘટનાઓ જ જવાબદાર હોય છે. જીવનમાં બનતી ઘટનાઓ બે પ્રકારની હોય છે. પહેલો પ્રકાર જીવન-ઘટનાઓનો છે અને બીજો પ્રકાર દૈનિક-ઘટનાઓનો છે. પહેલાં પ્રકારની ઘટનાઓનું પ્રમાણ ઓછું હોવા છતાં ક્યારેક એની અસરો ઘેરી અને ઊંડી હોય છે. જેમ કે એસ.એસ.સી. અથવા સ્નાતક પરીક્ષાનું પરિણામ, લગ્ન, અતિ નિકટની વ્યક્તિનું અવસાન, પ્રથમ બાળકનો જન્મ, પહેલી નોકરીનો દિવસ વગેરે જેવી કેટલીક ઘટનાઓ જીવનમાં એક વાર કે બે વાર બનતી હોય છે. ઘટનાઓ બને છે અને પસાર થતી જતી હોય છે. આવી ઘટનાઓ વિના કોઈનું જીવન પસાર થતું નથી. પરંતુ કેટલાક માણસો જાણે ત્યાં જ સ્થિર થઈ જતા હોય તેમ એના આઘાતમાંથી કે એની અસરમાંથી બહાર નીકળતા જ નથી. પિતા કે માતા સાથે ખૂબ તાદાત્મ્ય હોય અને તેઓ જીવનમાંથી અચાનક ગેરહાજર થઈ જાય તો એનું દુઃખ અવશ્ય લાગે, પરંતુ સમય સાથે એ ઘા રૂઝાવાને બદલે કેટલાક એને તાજો જ રાખે છે. એમની સ્મૃતિઓ વાગોળવાને બદલે વારે ઘડીએ એમને યાદ કરીને ઉદાસ થઈ જાય છે. અહીં જ વાસ્તવિકતાનો સંપૂર્ણ સ્વીકાર કરવાનો હોય છે. આવો સ્વીકાર ન થાય ત્યારે એ ઘટનાઓ લાંબા ગાળાની તાણ સર્જતી હોય છે.
દૈનિક ઘટનાઓ વારંવાર બને છે. એમાંની મોટા ભાગની એવી હોય છે, જે કામચલાઉ તાણ પેદા કરે છે. કોઈકની સાથે બોલાચાલી થવી, કોઈકના અપમાનજનક શબ્દો સાંભળવા, અકસ્માત થવો, કામમાં નિષ્ફળતા મળવી કે આર્થિક નુકસાન થવું, આવી ઘટનાઓ વારંવાર બને અને આપણે સ્વસ્થતા જાળવીએ નહિ ત્યારે એ પણ લાંબા ગાળાની તાણ સર્જતી હોય છે. આ પણ વાસ્તવિકતાઓ જ છે અને એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી હોતો. છતાં એનો સ્વીકાર ન કરીએ ત્યારે એ લાંબા ગાળાની તાણનું નિમિત્ત બને છે.
તાણ સર્જનારું બીજું એક મહત્વનું પરિબળ માન્યતાઓનો અને આપણાં સામાજિક વલણો પણ છે. આમાં વહેમો અને અંધશ્રધ્ધા તથા પૂર્વગ્રહો પુષ્કળ કામ કરી જાય છે. પાપ-પુણ્ય અને શુકન-અપશુકનનાં વળગણો પણ ક્યારેક તાણ સર્જક બનતાં હોય છે. બિલાડી આડી ઊતરે તો અપશુકન થાય અને કોઈ છીંક ખાય તો પણ અપશુકન થાય એવી દ્રઢ માન્યતાઓ ઘણી વાર આપણને કનડગત કરતી હોય છે. એવું જ સામાજિક વલણોનું પણ છે. અસ્પૃશ્યતા, જાતિભેદ અને સામાજિક વલણોનું પણ છે. અસ્પૃશ્યતા, જાતિભેદ અને સામાજિક દરજ્જાના આપણા અતાર્કિક ખ્યાલો જળવાય નહિ ત્યારે એ તાણસર્જક બનતા હોય છે. આપણે મૂળભૂત રીતે સામાજિક પ્રાણી છીએ, પરંતુ કેટલાક માણસો સમાજની જ સૌથી વધુ ચિંતા કર્યા કરતા હોય છે. પોતાનાં સુખ-સગવડના ભોગે પણ તેઓ સતત સમાજ શું કહેશે અને લોકો શું કહેશે એની જ ચિંતા કરતા જોવા મળે છે. આવા લોકો માટે વારંવાર તાણસર્જક પરિબળોનો સામનો કરવાનો આવે છે.
માન્યતાઓ અને સામાજિક વલણોની માફ્ક જ ધાર્મિક માન્યતાઓ પણ ઘણી વાર તાણ સર્જવામાં ફાળો આપતી હોય છે. કેટલાક ધર્મોમાં જડ કર્મકાંડોને એટલું બધું મહત્વ આપી દેવામાં આવ્યું છે કે ઘણી વાર માણસની લાગણીના ભોગે પણ કર્મકાંડ નિભાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ધર્મ સાથે જોડાઈ ગયેલા કર્મકાંડો પણ ઘણી વાર માનસિક તાણ સર્જાતા હોય છે. દરરોજ સવારે ભગવાનને દીવો કરવાનો કર્મકાંડ નિયત હોય અને કોઈક દિવસ સંજોગોવશાત્ દીવો ન થઈ શક્યો હોય તો આખો દિવસ ઉચાટમાં પસાર થાય. એક બહેને નિયમ કર્યો હતો કે સવારે ઊઠીને સ્નાન કરી ભગવાનનો દીવો કર્યા વિના પાણી પણ ન પીવું. એક વાર એમને સામાજિક કામે કલકત્તા જવાનું થયું. ત્રણ દિવસની મુસાફરી હતી. રસ્તામાં નહાવાની અનુકૂળતા ઊભી થઈ નહિ. એમણે પાણી પણ ન પીધું. એમના દીકરા સાથે હતા. એમણે પણ આ બહેનને ખૂબ સમજાવ્યાં. એ ન માન્યાં. ત્રીજે દિવસે સવારે એમની તબિયત બગડી. કલકત્તા ઊતરીને એમને સીધાં જ દવાખાનામાં દાખલ કરવાં પડયાં. અર્ધ-બેભાન અવસ્થામાં એમણે પાણી પીધું એનો એમને ઘણા દિવસ સુધી અફસોસ સતાવતો રહ્યો. અહીં પણ પરિસ્થિતિનો સ્વીકાર કરીને સમાધાન નહિ કરવાનું વલણ જ તાણસર્જક સાબિત થયું હતું.
કેટલીક વાર ભૌતિક વાતાવરણ પણ તાણસર્જક બનતું હોય છે. આવા સંજોગોમાં આપણી માન્યતાઓ કે ધાર્મિક અથવા સામાજિક વલણો કરતાં પણ આપણી વ્યક્તિગત સહનશક્તિ ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણે કેટલીક ભૌતિક સુવિધાઓથી ટેવાઈ ગયા છીએ. એ સુવિધાઓની ગેરહાજરી ઘણી વાર તાણ સર્જનારી બની રહેતી હોય છે. આ જ રીતે ગરમી, ઠંડી, વધુ પડતો ઘોંઘટ, હવાનું પ્રદૂષણ વગેરે બાબતો તાણ પેદા કરતી હોય છે. એક ભાઈ એસ.ટી.ની ચાર-પાંચ કલાકની મુસાફરી કર્યા પછી અકળાઈ ઊઠતા અને ગમે તેની સાથે ગમે તેમ બોલવા માંડતા. ક્યારેક ધમપછાડા કરતા અને તોડફોડ પણ કરી બેસતા. એમની સમસ્યા એ હતી કે એસ.ટી.ની મુસાફરીમાં એમનાથી ડિઝલની વાસ સહન થતી નહોતી. સતત આવી વાસ આવે એથી તેઓ પુષ્કળ તાણ અનુભવતા. નવરાત્રિમાં લગભગ આખી રાત ચોરે અને ચૌટે રાસ ગરબાની રમઝટ ચાલતી હોય અને લાઉડ સ્પીકર ગાજતાં હોય એનાથી ઘણા લોકો આખું અઠવાડિયું ઊંઘી શક્યા ન હોય એવા દાખલા જોવા મળે છે.
નોકરી વ્યવસાયના સ્થળે આવાં ભૌતિક અથવા પર્યાવરણીય પરિબળો અવારનવાર ભાગ ભજવતાં હોય છે. આ ઉપરાંત નોકરી-વ્યવસાયમાં સમયનું આયોજન સચવાય નહિ, ઉપરી કે હાથ નીચેના માણસો દ્વારા વ્યક્તિના અહંને ચોટ પહોંચે, નોકરી-વ્યવસાયમાં સમયનું આયોજન સચવાય નહિ, નોકરી-ધંધામાં કે ભણવામાં તીવ્ર સ્પર્ધામાં ટકી રહેવાનો પ્રશ્ન ઊભો થાય, મહત્વાકાંક્ષા સંતોષાય નહિ અથવા માણસનો સ્વભાવ એવો હોય કે એ બધી જ વાત દલીલ કર્યા વિના સ્વીકારી લેતો હોય ત્યારે તાણના પ્રસંગો વિશેષ બનતા હોય છે. ક્યારેક વ્યક્તિને એનાં પોતાનાં નીતિમત્તાનાં ધોરણો પણ માનસિક કનડગત કરતાં હોય છે. લાંચ લેવી નહિ અને આપવી નહિ એવી દ્રઢ નીતિમત્તાને વરેલી વ્યક્તિએ ક્યારેક નાછૂટકે પાંચ-પચાસ રૂપિયાની પણ લાંચ આપવી પડી હોય તો ક્યાંય સુધી એને ગુનાઇત લાગણી થયા કરે છે અને એનું મન કચવાતું રહે છે. કેટલાક લોકોને વારંવાર નોકરી બદલવાને કારણે અથવા હંગામી કામને કારણે પણ તાણનો અનુભવ થતો હોય છે. ક્યારેક કામના ભાગરૂપે ખૂબ પ્રવાસ ખેડવાનો થતો હોય ત્યારે પણ વિશિષ્ટ પ્રકારની તાણ અનુભવાય છે. લાંબું ડ્રાઈવિંગ પણ તાણસર્જક બનતું હોય છે. એવી જ રીતે વારંવાર શિફટ બદલાતી હોય એવી નોકરીમાં પણ તાણ ઊભી થવા માટે ઘણા સંજોગો રહેતા હોય છે. વિમાનના પાયલટને આવી તાણનો સૌથી વધુ અનુભવ થતો હોય છે. એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં પહોંચે ત્યારે રાતનો દિવસ અને દિવસની રાત થઈ જાય ત્યારે પણ તાણનો અનુભવ થાય છે.
આમ તાણ સર્જાવા માટે અનેક પરિબળો જવાબદાર હોય એવું જોવા મળે છે. આવાં પરિબળોથી દૂર ભાગીને જીવવાનું કોઈ માણસ માટે શક્ય નથી. છતાં જે તાણનો શિકાર બની જાય છે, એણે પીછેહઠ કરવી પડે છે. જેને તાણમાંથી છૂટકારો મેળવવાના વ્યવહારુ માર્ગોની સમજ નથી હોતી એ ખોટા માર્ગો અપનાવી બેસે છે. આમ કરવા જતાં એની તાણ ઘટવાને બદલે ઓર વધે છે. એટલે જ હવે તાણમાંથી મુક્ત થવાના ખોટા અને સાચા બન્ને માર્ગોને સમજી લેવા જોઈએ. એ વિષે હવે પછી.