Anant Safarna Sathi - 19 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અનંત સફરનાં સાથી - 19

Featured Books
Categories
Share

અનંત સફરનાં સાથી - 19

૧૯.બદલતી આદતો



એક દિવસ અને અગિયાર કલાકનાં સફર પછી આખરે બધાં અમદાવાદ પહોંચી ગયાં. તન્વી રેલ્વે સ્ટેશન પરથી જ તેનાં ઘરે જવા નીકળી ગઈ. તેનાં પપ્પાએ માટે મુંબઈથી કાર મોકલી આપી હતી. શ્યામ પણ પોતાની ઘરે જવા નીકળી ગયો. ત્યાં સુધીમાં રચના અને કાર્તિક પણ આવી ગયાં.
"કેવી રહી બનારસની સફર??" રચનાએ આવતાંની સાથે જ રાહીને ભેટીને પૂછ્યું.
"અત્યાર સુધીની સૌથી યાદગાર સફર હતી. આટલાં દિવસોમાં જ જાણે આંખી જીંદગી જીવી લીધી." રચનાનાં સવાલનો રાહીના બદલે રાધિકાએ જવાબ આપ્યો. તેને એટલી ખુશ જોઈને રચનાને થોડી હેરાની થઈ.
"આને શું થયું છે?? આ કેમ આટલી ખુશ છે??" રચનાએ રાહીનાં કાનમાં ધીરેથી પૂછ્યું.
"પહેલાં ઘરે જઈએ. સમય આવતાં બધું જણાવી દઈશ." રાહીએ રચનાને સમજાવતાં કહ્યું. રચના રાહીનું બેગ પકડીને રાહી સાથે આગળ વધી ગઈ. કાર્તિક રાધિકાનું બેગ લેવાં આગળ વધ્યો. તો રાધિકાએ તેને પૂછ્યું, "તે તો આટલાં દિવસમાં મને ક્યારેય કોલ જ નાં કર્યો. શું મારાં ગયાં પછી અમદાવાદમાં કોઈ ધમાકો જ નથી થયો??"
"હાં, તું જતી રહી. તો આટલાં દિવસ બિલકુલ શાંતિ હતી." કાર્તિકે રાધિકા સાથે નજર નાં મેળવીને બેગ ઉપાડી આગળ ચાલતાં કહ્યું.
"લાગે છે અમે બનારસ કાશી વિશ્વનાથ મહાદેવનાં દર્શન કર્યા. તો તેમણે અમદાવાદનાં મહાદેવને શાંત કરી દીધાં. એટલે જ તો મારાં અહીં નાં હોવાં છતાં કોઈ કાંડ નથી થયું." રાધિકા મનોમન વિચારતી બધાંની પાછળ ગઈ. રાતનાં બે વાગે રસ્તા પર ઓછાં લોકો નજરે ચડી રહ્યાં હતાં. કાર્તિકે બધો સામાન કારમાં મૂકીને કાર અમદાવાદનાં પોશ વિસ્તારમાં આવેલા રાહીના ઘર તરફ ચલાવી મૂકી.
રાહીએ ઘરે પહોંચતાની સાથે જ એક ઉંડો શ્વાસ લીધો. ઘરની અંદરની લાઈટો ચાલું હતી. મતલબ બધાં આટલી રાતે પણ જાગી રહ્યાં હતાં. રાહી ધીમાં પગલે ઘરનાં દરવાજા તરફ આગળ વધી. જ્યાં ગૌરીબેન આરતીની થાળી લઈને ઉભાં હતાં.
"મને ખબર જ હતી મારી દીકરી જીતીને જ આવશે." ગૌરીબેન હસતાં ચહેરે બોલ્યાં અને રાહીની આરતી ઉતારી. પછી રાહી અને રાધિકાને કુમકુમનો ચાંદલો કરીને ઘરની અંદર આવકારી.
"મમ્મી, તમે અત્યાર સુધી અમારી રાહ જોતાં હતાં. આમ આટલું મોડાં સુધી થોડી જાગવાનું હોય. તમે ચિંતા નાં કરો એટલે તો મેં રચના અને કાર્તિકને અમને સ્ટેશન પર લેવાં આવવાં કહ્યું હતું." રાહીએ ઘરમાં પગ મૂકતાંની સાથે જ બોલવાનું શરૂ કરી દીધું.
"બસ, બહું મોટી બનવાની જરૂર નથી. તમે બંને આવો છો. એ જાણકારી મળ્યાં પછી તમને જોયાં વગર ઉંઘ કેમની આવે." ગૌરીબેને પૂજાની થાળી મંદિરમાં મૂકીને કહ્યું. તેમણે રાહી અને રાધિકાને ગળે લગાવીને આટલાં દિવસનો એકઠો કરેલો પ્રેમ એક સાથે જ તેમની પર ઠાલવી દીધો. રાહીએ મહાદેવભાઇનાં આશીર્વાદ લઈને કોમ્પિટિશનમાં જીતેલી ટ્રોફી બેગમાંથી કાઢીને તેમનાં હાથમાં આપી. એ ટ્રોફી જોઈને મહાદેવભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમને આજે ખરેખર રાહી ઉપર ગર્વ મહેસૂસ થયો. જે જોઈને રાહીને પણ એટલી જ ખુશી થઈ. ત્યાં અચાનક જ પાર્વતી દાદી પણ તેમનાં રૂમમાંથી બહાર આવ્યાં.
"આવી ગયાં મારાં બંને તૂફાન." દાદીએ રાહી અને રાધિકાને જોઈને કહ્યું.
"યસ માય રોક્સ દાદી, ફાઈનલી ફરી અમે લોકો અમદાવાદ આવી જ ગયાં. દીદુએ તો બનારસમાં પણ તેની ડિઝાઈનનાં ઝંડા લહેરાવી દીધાં. જુઓ આ ટ્રોફી પણ તેમને મળી." રાધિકાએ દાદીનાં ખંભે માથું ટેકવીને મહાદેવભાઈનાં હાથમાં રહેલી ટ્રોફી તરફ ઈશારો કરીને કહ્યું.
રાહી તરત જ ટ્રોફી લઈને દાદી પાસે ગઈ. તેણે દાદીનાં હાથમાં ટ્રોફી આપીને તેમનાં આશીર્વાદ લીધાં. દાદીએ ભીની આંખો સાથે રાહીને છાતી સરસી ચાંપી લીધી. રાહી પણ કેટલાં દિવસથી દાદીને મળી ન હતી. તો આંખો બંધ કરીને તેમને વળગી રહી.
"જોયું ગૌરી...આપણી રાહી કોમ્પિટિશન જીતીને આવી છે." દાદીમાએ મહાદેવભાઈ સામે જોતાં ગૌરીબેનને કહ્યું. તો મહાદેવભાઈ નજર નીચી કરીને ઉભાં રહી ગયાં. તેમને એ દિવસ યાદ આવી ગયો. જ્યારે તેમણે રાહીને એમ કહ્યું હતું કે ફેશન ડિઝાઈનિંગમાં તેનું કોઈ કરિયર નથી.
મહાદેવભાઈ એક તરફ ઉભાં જૂનાં દિવસો યાદ કરી રહ્યાં. ત્યારે રાહીએ ગૌરીબેનને ટ્રોફી બતાવીને તેમનાં પણ આશીર્વાદ લીધાં. ગૌરીબેને પ્રેમથી રાહીનાં માથાં પર હાથ મૂક્યો. એ સાથે જ તેમની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. જેને રાહીએ પોતાનાં હાથની હથેળીમાં લઈને તેની મૂઠ્ઠી વાળીને એમાં બંધ કરી દીધું. અને મનોમન જ બોલી ઉઠી, "મમ્મી, આજ પછી હું ક્યારેય તમને પરેશાન કે દુઃખી નહીં કરું. આજે હું તમને વચન આપું છું. જેમ તમે કહેશો એમ જ હું કરીશ."
રાહી ચહેરાં પર હળવી મુસ્કાન સાથે શિવાંશને યાદ કરતી ગૌરીબેન સામે જોઈ રહી. બધાંનાં અચાનક જ ચૂપ થઈ જતાં કાર્તિકે કહ્યું, "હવે અમે પણ નીકળીએ."
કાર્તિકનો અવાજ સાંભળીને મહાદેવભાઈએ ડોક હલાવી જવાની પરવાનગી આપી. તો કાર્તિક ઘરનો દરવાજો ચીરીને બહાર નીકળી ગયો. રચના પણ રાહીને મળીને જતી રહી. રાધિકા પણ મોડી રાત થઈ ગઈ હોવાથી બગાસું ખાવાં લાગી.
"મમ્મી, હવે અમે સૂઈ જઈએ. બહું ઉંઘ આવે છે." રાધિકાએ બગાસું ખાતાં ખાતાં જ કહ્યું. તે પોતાની બેગ લઈને ઉપર તેનાં રૂમ તરફ જવા સીડીઓ ચડવા લાગી.
"તું પણ સૂઈ જા. સવારે વાત કરીએ." ગૌરીબેને રાહીનાં માથે હાથ મૂકીને કહ્યું. રાહીએ જ્યારે ગૌરીબેનની આંખોમાં જોયું. તો તેને ગૌરીબેન પરેશાન હોય એવું લાગ્યું. પણ રાહીને અત્યારે કંઈ પૂછવું યોગ્ય નાં લાગતાં એ પોતાનું બેગ લઈને પોતાનાં રૂમમાં જતી રહી.
"ફાઈનલી આજે હું મારાં રૂમમાં આરામથી મારાં બેડ પર સૂઈશ." રાહી પોતાનાં રૂમમાં આવીને એક ઉંડો શ્વાસ લેતાં બોલી.
રાહીએ બેગ એક સાઈડ મૂકીને કબાટમાંથી ટુવાલ અને નાઈટ ગાઉન કાઢ્યું અને બાથરૂમમાં ઘુસી ગઈ. પછી ફ્રેશ થઈને પોતાનાં ડ્રેસિંગ અરીસા સામે ઉભી ખુદને નિહાળવા લાગી અને સાથે જ અત્યારથી જ બનારસની યાદોને વાગોળવા લાગી. ત્યારે અચાનક જ તેને કંઈક યાદ આવતાં એ બેગમાંથી પોતાની ડાયરી અને પેન કાઢીને બેડ પર ચડીને બેસી ગઈ.

जिसे ढूंढने आएं थें हम बनारस
आखिर में वो हमें मिल ही गया
दर-बदर भटक रहे थे, जिसे ढूंढने को
वो हमें मिला उसी डगर पे
जहां खड़े कर रहे थें, हम उसी का इंतज़ार
कभी सोचा ना था
मिल जाएंगे ऐसे ही किसी डगर पे
जब मिल गए अनजान में
तो समझ गया
हां, ऐसा ही होता है, दो प्यार करने वालों का मिलन
जिसकी ना ही कभी उम्मीद की हों
वैसा ही होता है, अक्सर
दो प्रेमियों के साथ
जो जुदा होकर भी आखिर में मिल जाते है
बनारस के किसी घाट

રાહીએ ફરી શિવાંશની યાદમાં અમુક લાઈનો પોતાની ડાયરીમાં કેદ કરી લીધી. આ ડાયરી લખવાની આદત પણ ગજબની હોય છે. જીવનની અમુક વાતો, યાદો અને મુલાકાતોને લોકો એવાં એવાં શબ્દો આપીને કેદ કરી શકે છે. જેને વાંચતા જ ભૂતકાળમાં બનેલી બધી ઘટનાઓ આંખો સામે રીતસરની તરવરવા લાગે. પછી માણસ ફરી એકવાર એ દિવસને જીવી શકે છે. જેને તે ભૂતકાળમાં જીવી ચૂક્યો હોય. એક લેખક પાસે ભૂતકાળમાં જવાં ટાઈમ મશિન ભલે નાં હોય. પણ એ તેનાં જીવનમાં બનેલી ઘટનાઓ વિશે લખીને ભવિષ્યમાં તેને વાંચીને ફરી એ જ ઘટનાઓને જીવી જરૂર શકે છે. જેનાં થકી જૂનાં યાદગાર સંસ્મરણો ફરી તાજાં થઈ જાય છે ને માણસ ફરી એકવાર એ ખુશીને માણી શકે છે.
રાહી પણ પોતાની લખવાની આદતને લઈને એવું જ કરી રહી હતી. તેણે એક એક પ્રસંગ ડાયરીમાં ટપકાવીને તેને જીવંત રાખ્યો હતો. ડાયરી લખ્યા પછી રાહી આંખો બંધ કરીને શિવાંશને યાદ કરતી સૂઈ ગઈ. સફરની થકાન અને શિવાંશની મીઠી યાદોએ તરત જ રાહીને ઉંઘના આગોશમાં સમાવી લીધી.
ગૌરીબેન સવારનાં છ વાગતાં જ ઉઠીને પોતાનાં કામે લાગી ગયાં. પાર્વતી દાદી પણ માળા લઈને શંકર પાર્વતીની મૂર્તિ સામે બેસી ગયાં હતાં. મહાદેવભાઈ ઉઠીને આવ્યાં. તો ગૌરીબેને તેમનાં માટે ચા બનાવી આપી. તેઓ ચા પીતાં પીતાં ન્યૂઝ પેપર વાંચવામાં લાગી ગયાં.
"હવે તમારે રાહીને હકીકત જણાવી દેવી જોઈએ." ગૌરીબેને અચાનક જ ધીમાં અવાજે કહ્યું.
"સમય આવ્યે હું બધું જણાવી દઈશ. ત્યાં સુધી એ બાબતે આ ઘરમાં કોઈ વાત થવી નાં જોઈએ." મહાદેવભાઈએ ન્યૂઝ પેપર સંકેલીને ટેબલ પર મૂકીને થોડી સખ્તાઈ પૂર્વક કહ્યું.
મહાદેવભાઇનાં એવાં જવાબથી ગૌરીબેન એકદમ ચૂપ થઈ ગયાં. રાહી અને રાધિકા હજું લાંબુ સફર કરીને આવી જ હતી. અને આરામથી સૂતી હતી. તો ગૌરીબેને મહાદેવભાઈ સાથે વધું ચર્ચા નાં કરીને તેમને ગુસ્સો નાં અપાવવો જ યોગ્ય સમજ્યું. મહાદેવભાઈ નાસ્તો કરીને દુકાને જવા નીકળી ગયાં. દાદીમાએ તેમની માળા પૂરી કરી. પછી ગૌરીબેને તેમને પણ ચા આપી. અને પોતે પોતાનાં કામે વળગ્યાં.
"ગુડ મોર્નિંગ મમ્મી." દશ થતાં જ રાહી ઉઠીને નીચે આવી.
"ઉઠી ગઈ બેટા, તું બેસ હું તારી ગ્રીન ટી લઈને આવું." ગૌરીબેને કિચનમાંથી જ કહ્યું. રાહી ડાઇનિંગ ટેબલની ચેર પર બેસી ગઈ.
"મમ્મી, ગ્રીન ટીની જરૂર નથી. ચા બની હોય તો એ જ આપી દે." રાહીએ પોતાની આંખો ચોળતા કહ્યું. રાહીનાં મોંઢે ચાનું નામ સાંભળીને ગૌરીબેન સહિત સોફા પર બેસીને ચા પી રહેલાં દાદીમાને પણ આશ્ચર્ય થયું.
"ગૌરી બેટા, જરાં બહાર જઈને સુરજની દિશા તો જોઈ લો. તમારી દીકરીને આજે ચા પીવી છે. મતલબ નક્કી સુરજ આજે બીજી દિશામાં ઉગ્યો છે." દાદીમાએ રાહીની ફીરકી લેતાં કહ્યું.
"દાદી, સુરજ તેની સાચી દિશામાં જ ઉગ્યો છે. આ તો બનારસમાં ચા પીધાં પછી ચા સારી લાગવા માંડી. તમને ખબર છે.!! ત્યાં એક જગ્યાએ અલગ જ રીતે ચા બનાવવામાં આવે છે. એ લોકો ચા બનાવીને કુલડીમાં...."
"તારાં બનારસની ચાનાં કિસ્સા પછી સંભળાવજે. પહેલાં આવીને ચા પી લે. હું નાસ્તો તૈયાર કરું છું." ગૌરીબેને રાહીને વચ્ચે જ અટકાવતાં કહ્યું. તો રાહી ફરી ડાઇનિંગ ટેબલની ચેર પર જઈને બેસી ગઈ. ગૌરીબેને કિચનમાંથી આવીને રાહીનાં હાથમાં ચાનો કપ પકડાવ્યો. રાહી હોંશેહોંશે ચા પીવા લાગી. આ ચાનો ચસ્કો માત્ર બનારસની તંદૂરી ચા પીવાથી ન હતો લાગ્યો. આ તો શિવાંશના પ્રેમનો રંગ અને તેની આદતોનો સંગ હતો. જે રાહીનાં દિલોદિમાગ પર ચડી રહ્યો હતો.
"મમ્મી, મારાં કોર્ન ફ્લેક્સ..." અચાનક જ રાધિકાએ આવીને કહ્યું. તે આવીને રાહીની બાજુમાં પડેલી ચેર પર બેસી ગઈ. આજે નિલકંઠ વિલાની સવાર કેટલાં દિવસો પછી પહેલાં જેવી પડી હતી. જેમાં અમુક બદલાવો સાથે રાધિકા અને રાહીની ફરી એન્ટ્રી થઈ હતી.
"એકે ગ્રીન ટી મૂકી પણ આણે કોર્ન ફ્લેક્સ નાં મૂક્યાં." ગૌરીબેને રાધિકા સામે કોર્ન ફ્લેક્સ મૂકતાં કહ્યું.
"મમ્મી, અમુક સમયે આપણાં જીવનમાં નવાં લોકોની એન્ટ્રી થવાથી આપણે આપણી અમુક આદતો બદલી દઈએ છીએ. પણ હું ક્યારેય એવું નહીં કરું. મારાં જીવનમાં ચાહે કોઈ પણની એન્ટ્રી થાય. હું મારી આદતો નહીં બદલું." રાધિકાએ કોર્ન ફ્લેક્સની એક ચમચી મોંમાં મૂકીને રાહી તરફ જોતાં કહ્યું.
"અચ્છા, તું તારી આદત નહીં બદલે." રાહીએ રાધિકાને કોણી મારીને નેણ નચાવતાં કહ્યું.
"હાં, નહીં જ બદલું." રાધિકાએ શબ્દો પર થોડો ભાર આપતાં કહ્યું.
"એ તો હું તને સમય આવ્યે જણાવીશ. જ્યારે તું પાર્ટીમાં બિયર પીતી હોઈશ. ત્યારે એ આવીને તારાં હાથમાંથી બિયરનો ગ્લાસ છીનવી લેશે ને. ત્યારે હું પૂછીશ કે હવે આદત બદલશે કે નહીં. બિયરની જગ્યાએ માત્ર ઓરેન્જ જ્યૂસ પીવાશે કે નહીં." રાહીએ ચાનો ખાલી કપ ટેબલ પર મૂકતાં કહ્યું.
"દીદુ, હજું તમે ઘણું જાણતાં નથી‌. એ બિયરનો ગ્લાસ છીનવી નહીં લે. એ તો સામેથી ખાલી ગ્લાસમાં બિયર ભરીને મને આપશે." રાધિકાએ સ્માઈલ કરતાં મનોમન જ કહ્યું.
"હવે તમારું પત્યું હોય. તો જલ્દી નાસ્તો કરો. તો હું ડાઇનિંગ ટેબલની સફાઈ કરી શકું." ગૌરીબેને ગરમાગરમ બટાકાં પૌંઆ રાહી સામે મૂકીને કહ્યું. બટાકાં પૌંઆ જોતાં જ રાધિકાને શ્યામની યાદ આવી ગઈ.
રાહી નાસ્તો કરવા લાગી. નાસ્તો કરીને એ દાદી પાસે જવાં લાગી. તો રાધિકાએ તેનો હાથ પકડીને તેને રોકી લીધી. રાહી ડોક ઊંચી કરીને 'શું છે' એમ પૂછવા લાગી. તો રાધિકાએ પોતાનાં હોંઠો પર આંગળી રાખીને રાહીને ચૂપ રહેવા ઈશારો કર્યો. પછી તે રાહીનો હાથ પકડીને તેને ઉપર પોતાનાં રૂમમાં લઈ ગઈ.
"અહીં શાં માટે લાવી છે મને?? મારે દાદી સાથે વાત કરવી હતી‌." રાહીએ પરેશાન અવાજે કહ્યું.
"એક મિનિટ...દાદી સાથે પછી વાતો કરજો. પહેલાં એમની સાથે તો વાત કરી લો." રાધિકાએ પોતાની બેગમાં કંઈક શોધતાં શોધતાં કહ્યું.
"મતલબ??" રાહીએ આંખો ઝીણી કરીને પૂછ્યું.
"મતલબ આ ગિફ્ટ...આ શિવાંશે તમને આપવા કહ્યું હતું. આ ગિફ્ટ પકડો અને તેની સાથે વાત કરો. હું નીચે જાવ છું." રાધિકાએ એક ગુલાબી ચમકીલા કાગળમાં લપેટેલુ બોક્સ રાહીનાં હાથમાં આપતાં કહ્યું.
"પણ વાત કેમ કરું?? તેનાં નંબર..."
"એ બધું તમને એ બોક્સ ખોલતાં સમજાઈ જાશે. હું જાવ છું." રાહી આગળ કંઈ કહે. એ પહેલાં જ રાધિકા કહીને જતી રહી. રાહી એ બોક્સ સાથે રાધિકાનાં રૂમમાં જ વિન્ડો પાસે જઈને ત્યાં પડેલી બિન બેગ કવરવાળી પિંક સોફ્ટ ચેર પર બેસીને બોક્સ પરનો કાગળ હટાવવા લાગી. કાગળ હટાવીને બોક્સ ખોલતાં જ તેમાંથી થેંક્યું કાર્ડ, એક ડાયમંડનું હાર્ટ શેઈપનું પેન્ડન્ટ વિથ ચેઈન અને એક ચીઠ્ઠી નીકળી. જેમાં કંઈક આ મુજબ લખેલું હતું.

ડિયર રાહી

આ પેન્ડન્ટ મેં એક વર્ષ પહેલાં બનાવડાવ્યું હતું. વિચાર્યું હતું કે જ્યારે મારાં બાળપણનાં પ્રેમને મળીશ. ત્યારે પહેલી ગિફ્ટમાં તેને આ પેન્ડન્ટ જ આપીશ. ત્યારે ખબર ન હતી. અમારી મુલાકાત આટલી સુંદર હશે. જેમાં હું બધું જ ભૂલી જઈશ. મને માત્ર તેનો પ્રેમ અને ચહેરો જ યાદ રહેશે.
તને નહીં ખબર હોય જ્યારે મેં બાળપણમાં તારી નીલી આંખો જોઈ. ત્યારે મને દુનિયાનાં તમામ રંગો ભૂલાઈ ગયાં હતાં. માત્ર તારી આંખોનો એ નીલો રંગ જ યાદ હતો. પ્રેમમાં લોકોને બધું ગુલાબી ગુલાબી દેખાવા લાગે. જ્યારે મને બધું નીલું દેખાતું હતું. કારણ કે એ તારી આંખોનો નશો હતો. જે મારાં દિલોદિમાગ પર ચડ્યો હતો. ત્યારે ખબર ન હતી કે આ લાગણીઓને પ્રેમ કહેવાય. પણ જ્યારે ખબર પડી ત્યારે ફરી એક વખત તારી એ આંખોને જોવાની ઈચ્છા થઈ. સતત પંદર વર્ષની મહેનત પછી બનારસમાં એ આંખો ફરી જોવાં મળી‌. પણ ત્યારે હું જાણતો ન હતો. જેને હું પંદર વર્ષથી શોધું છું. એ તું જ છે. એટલે જ તારાં મારી નજીક આવવાં પર હું તારાથી ગુસ્સે થઈને તને મારાથી દૂર કરી દેતો. પણ તારી ઉપર ગુસ્સો કરીને જ્યારે તારી ઉદાસ આંખો જોતો. ત્યારે વધું તકલીફ મને જ થતી.
મેં પંદર વર્ષમાં ક્યારેય વિચાર્યું ન હતું કે મારો બાળપણનો પ્રેમ મારી નજર સમક્ષ હોવાં છતાં હું તેને ઓળખી નહીં શકું. પણ જેમ તું કહે છે. આ બધું નિયતિનો એક ખેલ જ તો છે. તો બસ આ ખેલ જેવો પણ હોય. હું તેને તારી સાથે રહીને ખેલવા માગું છું. પંદર વર્ષ દૂર રહ્યો છું. હવે વધું સમય દૂર નહીં રહી શકું. હવે જેટલો સમય પણ જીવનમાં દૂરી લખી છે. એ પણ તારી સાથે વાત કરીને વિતાવવા માગું છું. મારી તો આ પેન્ડન્ટ તને મારાં સાથે જ પહેરાવવાની ઈચ્છા હતી. પણ હવે તું તેને જાતે જ પહેરીને તેને તારી ડોકમાં સજાવીને મને તારો તેની સાથે જ એક ફોટો મોકલી આપ. મારે જોવું છે તારી ડોકમાં એ પેન્ડન્ટ કેવું લાગી રહ્યું છે.
હવે તું વિચારતી હોઈશ. પેન્ડન્ટ પહેરીને ફોટો તો પાડી લઈશ. પણ મને મોકલીશ કેવી રીતે?? તો એ સવાલનો જવાબ ચીઠ્ઠીનાં અંતમાં મારાં મોબાઈલ નંબરનાં રૂપમાં તને મળી જશે. તો હવે જલ્દી પેન્ડન્ટ પહેરીને ફોટો મોકલી આપ.


લિ. તારો સપનાંનો રાજકુમાર તારો શિવ

શિવની પહેલી ચીઠ્ઠી મતલબ લવ લેટર કહીએ તો પણ કંઈ ખોટું નથી. એ વાંચીને રાહી તેને પોતાનાં દિલની નજીક રાખીને આંખો બંધ કરીને થોડીવાર એમ જ બેસી રહી. તેમાં શિવનો અહેસાસ મહસૂસ કરીને પાંચ મિનિટ પછી રાહીએ આંખો ખોલી. પછી થેંક્યું કાર્ડ જોયું. જેમાં મોટાં મોટાં અક્ષરે 'થેંક્યું ફોર કમિંગ માય લાઈફ' લખ્યું હતું. એ વાંચ્યા પછી રાહીએ બોક્સમાં રહેલું પેન્ડન્ટ ઉઠાવીને હોંઠો વડે સ્પર્શ કર્યું. જાણે એ પેન્ડન્ટ નહીં પણ શિવનો ગાલ હોય. પછી અરિસા સામે ઉભી રહીને પેન્ડન્ટ ડોકમાં પહેર્યું. પણ ફોટો ક્લિક કરવાં તેણે ટેબલ પર નજર કરી. ત્યારે તેને યાદ આવ્યું કે એ રાધિકાનાં રૂમમાં હતી. અને પોતાનો મોબાઈલ તેનાં રૂમમાં પડ્યો હતો.
રાહીએ બોક્સ થેંક્યું કાર્ડ અને ચીઠ્ઠી ઉઠાવી અને પોતાનાં રૂમમાં જતી રહી. પછી પાંચેક જેટલાં ફોટોઝ ક્લિક કરીને તે ચીઠ્ઠીમાં રહેલો શિવનો નંબર પોતાનાં મોબાઈલમાં સેવ કરવાં લાગી. નંબર પણ તેણે શિવાંશના બદલે શિવ નામથી જ સેવ કર્યો. પછી તરત જ બધાં ફોટોઝ તેને મોકલી દીધાં. આજનાં આધુનિક યુગમાં પણ બંનેની વાતચીતની શરૂઆત એક ચીઠ્ઠી દ્વારા થઈ હતી.
રાહી ફોટોઝ મોકલીને શિવાંશનાં કોલની રાહ જોવા લાગી. પાંચ મિનિટ....પંદર મિનિટ...કલાક...બે કલાક...કેટલો સમય વીતી ગયો. પણ શિવાંશનો કોઈ જવાબ નાં આવ્યો. તેણે ફોટોઝ પણ જોયાં ન હતાં. આખરે રાહીએ ખુદ જ તેને કોલ કર્યો. પણ સામેથી કોલ રિસીવ જ નાં થયો. 'કામમા વ્યસ્ત હશે.' એમ વિચારીને રાહી નીચે જતી રહી. તે ઘણાં સમયથી ઉપર હતી. અને તેને બનારસમાં જે બન્યું તે બધું ઘરે બધાંને જણાવવું પણ હતું. તો એ પેન્ડન્ટ અને ચીઠ્ઠી સંભાળીને વૉર્ડરૉબમાં મૂકીને નીચે ગઈ.
રાધિકા, દાદી અને ગૌરીબેન ત્રણેય હોલમાં બેસીને વાતો કરતાં હતાં. તેમને ખુશ જોઈને રાહી પોતે ખોટું બોલીને બનારસ ગઈ હતી અને ત્યાં રાધિકા સાથે જે થયું એ બધાંને જણાવવું કે નહીં. એ બાબત પર વિચાર કરવાં લાગી. આખરે હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખતી રાહીને બધાંથી હકીકત છુપાવવી યોગ્ય નાં લાગ્યું. તો રાતે મહાદેવભાઈનાં આવતાં જ તેણે ડીનર પછી બધાંને બધું જણાવી દેવાનો અંતિમ નિર્ણય કરી જ લીધો.
"અરે દીદુ, ત્યાં એકલાં કેમ ઉભાં છો?? અહીં આવો ને." અચાનક જ રાધિકાનો અવાજ સાંભળીને રાહી હોલમાં જવાં સીડીઓ ઉતરવા લાગી.
"વાત થઈ જીજુ સાથે?" રાહી જેવી રાધિકાની પાસે બેઠી. રાધિકાએ કોણી મારીને પૂછ્યું.
"નહીં." રાહીએ એકાક્ષરી જવાબ આપ્યો. પછી બંને દાદી અને ગૌરીબેન સાથે વાતોએ વળગી. રાહી વચ્ચે વચ્ચે પોતાનો મોબાઈલ ચેક કરી લેતી હતી. પણ શિવાંશનો કોઈ મેસેજ કે કોલ આવ્યો ન હતો. સવારની બપોર થઈ બપોરની સાંજ થઈ. તો પણ શિવાંશનો કોઈ જવાબ આવ્યો નહીં. આખરે રાહીએ આઠ વાગ્યે છેલ્લી વખત શિવાંશને કોલ કર્યો. આ વખતે પણ તેણે કોલ રિસીવ નાં કર્યો.. 'પ્લીઝ ફ્રી થતાં જ કોલ કરજે.' રાહીએ મેસેજ ટાઈપ કર્યો અને મોકલી દીધો.
"દીદુ પપ્પા આવી ગયાં. ડીનર માટે આવો." અચાનક જ મહાદેવભાઈનાં આવતાં રાધિકાએ સોફા પર બેઠેલી રાહીને બૂમ પાડીને બોલાવી. રાહી ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધી ગઈ. મહાદેવભાઈને જોતાં જ રાહીએ ડીનર પછી તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું. ડીનર કરીને મહાદેવભાઈ બહાર ગાર્ડનમાં જઈને બેઠાં.
"રાધુ, તું દાદી અને મમ્મીને લઈને બહાર આવજે. હું પપ્પા પાસે જાવ છું.‌ આપણે હવે તેમને હકીકત જણાવી દેવી જોઈએ." રાહીએ રાધિકાને ઘરનાં દરવાજા પાસે ખેંચી જઈને ધીરેથી કહ્યું. રાહીની વાત સાંભળતાં જ રાધિકાનાં દિલની ધડકન તેજ ગતિથી ધડકવા લાગી.
"આ દીદુ હાથે કરીને ઘરમાં તૂફાન લાવવાં શાં માટે માંગે છે. બધું શાંતિથી ચાલી રહ્યું છે. તો ચાલવા દેવાય ને. પણ નહીં દીદુને પણ મુસીબતમાં પડવાની મજા આવે છે. આજે તો દીદુ પપ્પાને હકીકત જણાવીને આ બેલ મુજે માર કહેવતને સિદ્ધ કરીને જ રહેશે. ચાલ રાધિકા બાપ્પાના પપ્પાનું તાંડવ જોવાનો મોકો તો કદાચ નહીં મળે. પણ તારાં પપ્પાનું તાંડવ આજે જોઈ જ લે." રાધિકા ખુદની સાથે જ બબડીને અંદર ગઈ. દાદીમા હજું બહાર સોફા પર જ બેઠાં હતાં. ગૌરીબેન કિચનમાં કામ કરતાં હતાં. તો રાધિકા દાદીમા પાસે બેસીને તેમનાં ફ્રી થવાની રાહ જોવા લાગી.
"ચાલો બા હવે તમે આરામ કરો." ગૌરીબેન જેવાં ફ્રી થયાં. તેમણે દાદીમાને સહારો આપીને તેમનાં રૂમ તરફ લઈ જતાં કહ્યું. ગૌરીબેન જેવાં દાદીમાને તેમનાં રૂમ તરફ લઈને ચાલતાં થયાં. રાધિકા તેનો મોબાઈલ મૂકીને ગૌરીબેન અને દાદીમાની સામે જઈને ઉભી રહી ગઈ.
"દીદુ અને પપ્પા બહાર ગાર્ડનમાં બેઠાં છે. ચાલો આપણે પણ ત્યાં જઈએ." રાધિકાએ કહ્યું.
"પણ બાને સુવાનો..."
"આજે થોડીવાર વધું જાગી લઈએ. આમ પણ રાહી અને રાધિકા કેટલાં દિવસો પછી આવી છે." દાદીમાએ ગૌરીબેનની વાત વચ્ચે જ કાપતાં કહ્યું. ગૌરીબેન તેમની વાતનું માન રાખીને તેમનો હાથ પકડી તેમની સાથે ગાર્ડન તરફ આગળ વધી ગયાં. રાધિકા પણ તેમની પાછળ પાછળ ગઈ. બહાર રાહી અને મહાદેવભાઈ શાંતિથી વાતો કરી રહ્યાં હતાં. આવું દ્રશ્ય કેટલાં વર્ષો પછી બધાંને જોવાં મળ્યું હતું. જેમાં રાહી અને મહાદેવભાઈ એક સાથે બેઠાં વાતો કરતાં હસી રહ્યાં હોય.
"આજે આ બંનેને આમ જોઈને મારાં દિલને ટાઢક વળી. જીવનની ઢળતી ઉંમરે આ દ્રશ્ય જોઈને જાણે જીવન જીવી લીધાનો આનંદ થયો." દાદીમાએ રાહી અને મહાદેવભાઈ તરફ જોઈને ખુશ થતાં કહ્યું.
"આ તૂફાન પહેલાંની શાંતિ છે. થોડી રાહ જુઓ. હમણાં મોટો બોમ્બ બ્લાસ્ટ થશે. જેમાં તમારાં દિલની ટાઢક ઉનાળામાં ડામરના રોડ પર ચાલતાં જેમ પગ સળગી ઉઠે. એમ સળગી ઉઠશે." રાધિકા મનમાં જ બોલી ઉઠી.
ગૌરીબેન દાદીમાને લઈને આગળ વધી ગયાં. તેમણે ગાર્ડનમાં પડેલી ચેર પર દાદીમાને બેસાડ્યાં અને પોતે રાહી પાસે પડેલી બીજી ખાલી ચેર પર બેઠાં. ચાર ચેર હતી. એ પૂરી થઈ ગઈ.
"હવે ચેર જ નથી વધી. તો હું મારાં રૂમમાં જાવ." થોડી દૂર ઊભેલી રાધિકાએ કહ્યું. ચેર તો એક બહાનું હતું. તે તો ખરેખર મહાદેવભાઈનાં ગુસ્સાથી બચવા માંગતી હતી.
"અહીં ચેર નથી. પણ ઘરમાં તો છે ને. અંદર જઈને બીજી ચેર લઈ આવ." રાહીએ આંખો બતાવીને કહ્યું. તો રાધિકા મોઢું લટકાવીને અંદર ચેર લેવાં જતી રહી. બે જ મિનિટમાં એ ચેર લાવીને રાહીની પાછળ ચેર લગાવીને બેસી ગઈ.
"આજે ફરી બધાં એક સાથે છીએ. તો લાગે છે ક્યારેય અલગ થયાં જ ન હતાં." ગૌરીબેને મુસ્કુરાઈને કહ્યું.
"બહું ખુશ નાં થાવ. તમારી ખુશી થોડીવારમાં જ ગમમાં બદલી જાશે." રાધિકાએ ધીમેથી બબડીને કહ્યું. છતાંય રાહી સાંભળી ગઈ. તો તેણે રાધિકા સામે જોઈને આંખો કાઢી. રાધિકા રાહીનાં ગુસ્સાથી બચવા આમતેમ જોવાં લાગી.
"પપ્પા, મારે તમને બધાંને એક હકીકત જણાવવી છે." અચાનક જ રાહીએ થોડું સિરિયસ થઈને કહ્યું.
"રાધિકા બેટા પપ્પાનું રોદ્ર રૂપ જોવાં તૈયાર થઈ જા." રાધિકા ફરી મનોમન બબડી.
"કેવી હકીકત??" મહાદેવભાઈએ રાહી સામે જોઈને પૂછયું.
"અમે બનારસ માત્ર કોમ્પિટિશન માટે ન હતાં ગયાં. અમે તો મારી ફ્રેન્ડનાં લગ્ન માટે ગયાં હતાં. પણ તમારી સામે માત્ર કોમ્પિટિશનનું જ કહ્યું. જેનાંથી તમે જવાની પરમિશન આપી દો." રાહીએ આખરે આંખો બંધ કરીને એક ઉંડો શ્વાસ લઈને બનારસ જવાં પાછળનું સાચું કારણ જણાવી જ દીધું. મહાદેવભાઈ એકીટશે રાહી અને રાધિકા સામે જોવાં લાગ્યાં. રાધિકા તો રાહીનાં ચહેરાં પાછળ પોતાનો ચહેરો છુપાવવા લાગી. ગૌરીબેન અને દાદીમાની નજર મહાદેવભાઈ તરફ જ હતી. બધાં તેમનાં રિએક્શનની રાહ જોઈ રહ્યાં હતાં.
"એક કારણ લગ્ન હતાં.‌ તો બીજું કારણ કોમ્પિટિશન જ હતું ને. અને તે કોમ્પિટિશન જીતીને મારું નામ ઉંચુ કર્યું. અને અંતે હકીકત પણ જણાવી દીધી. એ માટે હું તારી એક ભૂલ તો માફ કરી જ શકું." મહાદેવભાઈએ એકદમ શાંત અવાજે કહ્યું. ત્યાં જ રાહીએ થોડાં અચકાતાં અવાજે કહ્યું, "મેં હજું એક વાત પણ તમારાં બધાંથી છુપાવી છે."
"દીદુ, પપ્પાએ એક ભૂલ માફ કરી છે. બીજી નહીં કરે. હજું પણ મોકો છે. મારાં કિડનેપ થવાવાળી વાત નાં કરો." રાધિકાએ ધીમેથી રાહીના કાનમાં કહ્યું. ત્યાં જ મહાદેવભાઈએ ગંભીર ચહેરે પૂછ્યું, "બીજું શું છુપાવ્યું છે?"
મહાદેવભાઈનાં સવાલથી રાહીએ બનારસમાં મહાશિવરાત્રીનાં દિવસે રાધિકા સાથે જે બનાવ બન્યો. એ બધું વિગતવાર જણાવી દીધું. જેમાં શિવાંશ, અભિનવ, શુભમ અને શ્યામે રાધિકાને બચાવવામાં મદદ કરી હતી. એ વાત અને શિવાંશ અને શ્યામ કોણ છે. એ પણ જણાવી દીધું. કંઈ નાં જણાવ્યું તો એ હતું શિવાંશ જ શિવ છે એ..!! એ એક વાત નાં જણાવતાં રાહીએ બીજું બધું જણાવી દીધું. રાધિકા તો મહાદેવભાઈનાં ડરથી રાહીની પાછળ મોં સંતાડીને આંખો બંધ કરીને બેઠી હતી. ફરી એક વખત બધી હકીકત જણાવ્યાં પછી રાહી, ગૌરીબેન અને દાદીમાની નજર મહાદેવભાઈ તરફ મંડાયેલી હતી. આ વખતે મહાદેવભાઈનાં ચહેરાં પર થોડી ગુસ્સાની રેખાઓ છવાઈ હતી.
"તમને બંનેને લાગે છે તમે બંને બહું મોટી થઈ ગઈ છો. એટલે જ તો સાચું કારણ નાં જણાવીને બનારસ જેવાં અજનબી શહેરમાં ગઈ. ઉપરથી ત્યાં એટલો મોટો બનાવ બની ગયો. છતાંય મને તો જાણ નાં કરી. એ તો સમજ્યાં. કારણ કે તમને મારાં ગુસ્સાનો ડર હતો. પણ તમારી મમ્મીને તો જણાવી દેવાય ને." મહાદેવભાઈએ થોડાં ઉંચા અવાજે ગંભીર ચહેરે કહ્યું.
"સોરી પપ્પા, પણ તમે અહીં પરેશાન થાવ. એનાં લીધે મેં તમને કંઈ નાં જણાવ્યું. આમ પણ તમે અહીં રહીને મદદ તો કરી શકવાનાં ન હતાં. અને ત્યાં અંકિતાનાં હસબન્ડે બધું સંભાળી લીધું હતું. તો મને થયું અમદાવાદ આવીને નિરાંતે બધું જણાવીશ." રાહીએ મહાદેવભાઈની માફી માંગતા કહ્યું. મહાદેવભાઈ થોડીવાર એકદમ મૌન થઈ ગયાં. તેમનાં ગુસ્સા કરતાં તેમનું મૌન બધાંને અકળાવી મૂકે એવું હતું.
"સોરી પપ્પા, હવે આવી ભૂલ નહીં થાય." આખરે રાધિકાએ પોતાની ચુપ્પી તોડતાં કહ્યું.
"ઠીક છે. રાત બહું થઈ ગઈ છે. તમે બંને સૂઈ જાવ. કાલે રાધિકાએ કોલેજે અને રાહીએ બુટિક પર પણ જવાનું છે." મહાદેવભાઈએ ઉભાં થતાં કહ્યું. કોઈને મહાદેવભાઈ પાસેથી આવાં ઠંડા રિસ્પોન્સની ઉમ્મીદ ન હતી. રાહી પણ વિચારે ચડી કે આખરે મહાદેવભાઈ આટલી મોટી વાતને આટલી આસાનીથી જતી કરે. એ પોતાની અંદર જ મોટી વાત હતી.
મહાદેવભાઈ જવાબ આપીને જતાં રહ્યાં. રાહી હજું તેની જગ્યાએ જ બેઠી હતી. દાદીમા અને ગૌરીબેન પણ કોઈક વિચારોમાં ખોવાયેલાં હતાં. ત્યાં જ ચંચળ રાધિકાએ ઉભાં થઈને કહ્યું, "હાશશશ..બચી ગયાં. ચાલો દીદુ હવે સૂઈ જઈએ." કહેતાં રાધિકા તો ઘરની અંદર જવાં લાગી. પણ રાહી ઉભી નાં થઈ.
"મમ્મી, પપ્પા ખરેખર ગુસ્સે નથી?? કે પછી બીજી જ કોઈ વાત છે. જેનાં લીધે તેમણે ગુસ્સો નાં કર્યો." અચાનક જ રાહીએ ગૌરીબેનને સવાલ કર્યો.
"એ તો હું પણ નથી જાણતી. પણ તું ચિંતા નાં કર. હું તેમની સાથે વાત કરી લઈશ." ગૌરીબેને ચેર પરથી ઉભાં થઈને કહ્યું. તે દાદીમાને લઈને અંદર જતાં રહ્યાં. રાહી પણ કંઈક વિચારતી તેનાં રૂમમાં ગઈ.
ગૌરીબેન દાદીમાને તેમનાં રૂમમાં મૂકીને પોતાનાં રૂમમાં આવ્યાં. ત્યારે મહાદેવભાઈ હજું જાગતાં હતાં. ગૌરીબેન તેમની પાસે જઈને બેઠાં અને પૂછ્યું, "તમે ખરેખર રાહી અને રાધિકાથી ગુસ્સે નથી??"
"નહીં, હવે એ પણ કંઈ પૂછવાની વાત છે. તમે જ કહેતાં હોય છોકરીઓ ઉપર ગુસ્સો નાં કરાય. હવે જ્યારે તમારી વાત માની. તો પણ તમને વાંધો આવ્યો." મહાદેવભાઈએ શિકાયત કરતાં એકદમ શાંત અવાજે કહ્યું.
"તમે મારી વાત આટલાં વર્ષો પછી શાં માટે માની. એ કદાચ હું તો જાણું છું. પણ મારી દીકરીઓ નથી જાણતી. જ્યારે તેમને જાણ થશે. ત્યારે કદાચ ફરી બંને દીકરીઓ તમારાથી દુઃખી થશે." ગૌરીબેન મનોમન જ વિચારવા લાગ્યાં. મહાદેવભાઈ આંખો બંધ કરીને સૂઈ ગયાં. આખરે ગૌરીબેને પણ મન મક્કમ કરીને બેડ પર લંબાવ્યું. પણ ઉંઘ આંખમાંથી ગાયબ હતી. મનને હજારો વિચારોએ ઘેરી લીધું હતું.
રાહીએ પોતાનાં રૂમમાં આવીને ફરી શિવાંશને કોલ કર્યો. પણ આ વખતે મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. 'કામના લીધે મોબાઈલ ચાર્જ નહીં કર્યો હોય. એટલે સ્વીચ ઓફ થઈ ગયો હશે.' આ વખતે રાહી એવું વિચારીને સૂઈ ગઈ. પણ એ માત્ર મન મનાવી રહી હતી. બાકી શિવાંશ કોલ રિસીવ કરતો ન હતો. હવે મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. એ વિચારીને તે પણ પરેશાન હતી.



(ક્રમશઃ)


_સુજલ બી.પટેલ