ચોરાણું
“ઘરે.” સુંદરીએ મક્કમતાથી કહ્યું.
“ઘરે તો છું.” શ્યામલે જવાબ આપ્યો.
“આ નહીં. આપણે ઘરે.” સુંદરીએ શ્યામલનો હાથ પકડ્યો.
“ગાંડી થઇ ગઈ છે કે તું સુના? હું અને પપ્પા એક છત નીચે ભેગા ક્યારેય નહીં રહી શકીએ.” શ્યામલે સુંદરીનો હાથ ઝાટકીને છોડાવ્યો અને બારી પાસે જઈને ઉભો રહ્યો અને બારીની બહાર જોવા લાગ્યો.
“હવે બધું સરખું થવાનો, સરખું કરવાનો સમય આવ્યો છે ભાઈ. પપ્પા સાવ બદલાઈ ગયા છે એમ તો હું નહીં કહી શકું, પણ અત્યારે એ ખૂબ ખુશ રહે છે. એમને એક સેલિબ્રિટી જમાઈ મળવાનો છે એમ વિચારીને એ બસ આનંદમાં જ રહેતા હોય છે.
જ્યારથી મેં એમને મારા અને વરુણના સબંધો વિષે જાણ કરી છે ત્યારથી એમણે મને એક વખત પણ ટોણો માર્યો નથી. ઉલટું કાયમ પૂછે છે કે વરુણકુમાર સાથે આજે વાત થઇ કે નહીં? ભાઈ આનાથી વધુ સરસ તક આપણને નહીં મળે. એટલે પ્લીઝ ચાલો ઘરે.” સુંદરી પોતાની જગ્યાએ બેઠાબેઠા જ બોલી.
“એ તો તારા લગ્ન સુધી, પણ પછી? પછી તો મારું જ જીવવું મુશ્કેલ કરી દેશેને? એક તો હું ઘરેથી ભાગી ગયા પછી વર્ષો સુધી એમનાથી દૂર રહ્યો, એમની કોઈ ચિંતા ન કરી એ ગુસ્સો હશે અને હવે હું શું કરું છું? ચ્હા વેંચું છું, એટલે એમના માટે તો આ અપમાનજનક વાત હશે? અમદાવાદની એક સમયની સહુથી શ્રેષ્ઠ કોલેજના પ્રિન્સિપલ પ્રમોદરાય શેલતનો પુત્ર, રસ્તે એક રિક્ષામાં બેસીને ચ્હા વેંચે છે? છી... છી... છી...
સુના, હું બધુંજ સહન કરી શકું છું પણ મારી રોજગારીનું અપમાન નહીં. અત્યારે હું જે કશું પણ કમાઉ છું એ મારી મહેનતથી કમાઉ છું, કાયદાએ બતાવેલા માર્ગ પર ચાલીને કમાઉ છું અને મને તેઓ ખૂબ ગર્વ છે. તારા મારા પર ઘણા ઉપકાર છે સુના, પણ આ નહીં. પપ્પાને બદલવા એ આ જન્મમાં શક્ય નથી.
તું શાંતિથી વરુણને તારા મનની વાત કર, તમે બંને લગ્ન કરો. હું તમારા લગ્નમાં જરૂર આવીશ, ત્યાં પપ્પાને પગે પણ લાગી લઈશ, પણ બસ. એનાથી વધુ મારાથી કશું જ નહીં થઇ શકે. મને માફ કર.” શ્યામલે છેલ્લે સુંદરી સામે હાથ જોડ્યા.
“ભાઈ, તેં પેલી કહેવત તો સાંભળી જ હશે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તમારા અને મારા કિસ્સામાં કદાચ આ કહેવત ઉંધી લાગુ પડે છે. પપ્પા આખી જિંદગી એમની પ્રોફેસરી અને પછી એમના પ્રિન્સીપાલના હોદ્દાના અભિમાનમાં જ રચ્યાપચ્યા રહ્યા. એમના માટે એમનો શબ્દ જ હુકમનો એક્કો રહેતો.
પોતાનો પડ્યો બોલ બધા ઝીલે એ માટે તેમણે પહેલાં મમ્મીને હેરાન કરી અને પછી આપણને બંનેને સતત ટેન્શનમાં રાખ્યાં. તમે વિરોધનો સૂર ઉપાડ્યો તો તમારે ઘરની બહાર નીકળી જવું પડ્યું. પણ હું આટલા વર્ષ મૂંગામૂંગા એમનો શાબ્દિક ગુસ્સો અને ત્રાસ સહન કરતી રહી. ખબર નહીં પણ કેમ વરુણને મળ્યા પછી, પહેલાં એની મિત્રતાને લીધે, પછી એની સાથે થયેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે અને હવે તેના પ્રત્યે મને જે પ્રેમની લાગણી થઇ રહી છે એને લીધે, આ બધાએ મને ધીરેધીરે પપ્પા સામે સ્ટેન્ડ લેતા કરી.
ભલે મારામાં હિંમત વરુણે આપેલી મિત્રતા, ગુસ્સો અને પ્રેમને લીધે વધતી રહી પરંતુ તેનો ઉપયોગ હું આડકતરીરીતે પપ્પા સામે, તેમના શબ્દબાણો સામે ઝીંક ઝીલવા માટે કરતી રહી. બાકી તમે વિચારો ભાઈ, હું અને પપ્પાએ ઓલરેડી લઇ લીધેલા નિર્ણયની વિરુદ્ધ કશું બોલું? પણ, ના હું બોલી પણ ખરી અને મેં એમને સામે ચાલીને મારા જીવનસાથી તરીકે વરુણનો વિકલ્પ પણ રજુ કર્યો.
મારો કહેવાનો મતલબ એટલોજ છે શ્યામલભાઈ, હવે પપ્પાની ઉંમર વધી રહી છે. બોંતેરના તો થયા. હવે ધીમેધીમે એમની તબિયત પહેલાં જેવી નહીં રહે, અરે! પહેલાં જેવી નહીં, પણ અત્યારે છે એવી પણ નહીં રહે. એમણે આપણી સાથે જે કર્યું તે કર્યું, પણ આપણે એ બધું ભૂલી જઈને એમના એકાંતના વર્ષોમાં, એમની સંભવિત માંદગીના વર્ષોમાં એમની સાથે ન ઉભા રહીએ?
હું વરુણને ન પરણી હોત તો કોઈ બીજાને તો પરણી જ હોતને? એટલે પપ્પા તો તમારા દૂર રહેવાથી એકલા રહેવાના જ હતા. મને મારા સાસરે એમની સતત ચિંતા રહેત. તો શું યોગ્ય એ નથી કે તમે થોડા ઝૂકો? એટલા માટે નહીં કે તમે ખોટા હતા, પણ એટલા માટે કે આપણું માવતર કદાચ કમાવતર થયું છે, પણ આપણે છોરું તરીકે કછોરું તો ન થઈએ?
તમારામાં જે પરિવર્તન આવ્યું છે ભાઈ, મને વિશ્વાસ છે કે પપ્પાના શાબ્દિક બાણોને સહન કરવામાં હવે તમને જરાય વાંધો નહીં આવે. કશું નહીં તો એમની વૃદ્ધાવસ્થાની દયા ખાઈને એમને માફ કરી દેજો. ભાઈ, તમે જો એમની સાથે હશો તો હું મારા સાસરામાં શાંતિથી રહી શકીશ. તમારી આ સુનાની શાંતિ માટે આટલું સહન નહીં કરી શકો? પ્લીઝ?” હવે સુંદરીએ શ્યામલ સામે હાથ જોડ્યા, સુંદરીની આંખોમાં આંસુ હતાં.
શ્યામલ સુંદરીની વાત સાંભળીને થોડો સમય એની સામે ટગર ટગર જોતો જોતો ઉભો રહ્યો અને પછી તેના ચહેરા પર સ્મિત આવ્યું અને તે ઝડપથી ચાલીને સુંદરી પાસે આવ્યો અને તેને ભેટી પડ્યો.
==::==
“મારા ખ્યાલથી હવે ટાઈમ આવી ગયો છે કે તું ભાભીને પ્રપોઝ કરી દે.” સોનલબાએ મુદ્દો આગળ કર્યો.
“યસ. હું પણ ભાભી અહીં આવ્યા ત્યારથી જ આમ વિચારું છું કે હવે વરુણીયાએ એમને અહીં કાયમ માટે લાવવાનો કોઈ પ્લાન બનાવવો જ જોઈએ.” કૃણાલે સોનલબાની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.
“પણ ભાઈ ક્યાં એમને પ્રપોઝ કરશે? મારા ખ્યાલથી ભાઈ કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં સુંદરીભાભીને રોમેન્ટિક ડિનર પર લઇ જાય અને પછી અચાનક જ પોતાની નીઝ (knees) પર ઝૂકીને એમને પ્રપોઝ કરે કે આઈ લવ યુ સુંદરી, વિલ યુ મેરી મી?” ઈશાનીએ પોતાની રીતે આઈડિયા આપ્યો.
“અરે! ઓ તમે બધા આ શું લઈને બેઠાં છો? કરી દઈશ હવે પ્રપોઝ. એમાં આટલી ઉતાવળ શું છે? અને કાગડી તારે મારી પાસેથી ખર્ચો કરાવવો જ છે એમને?” વરુણે થોડા અકળાઈને કહ્યું.
“ઉતાવળ? ભઈલા? ગાંડો થયો છે કે શું? હવે શેની રાહ જોવે છે?” સોનલબાને નવાઈ લાગી.
“હા, ભાભી એકદમ ક્લિયર સિગ્નલ આપી રહ્યા છે. સોનલબા તમે કીધું એમ ભાઈને રોજ કૉલ કરે છે એ શ્રીલંકામાં હતા તો પણ. કોઈ છોકરી એમ સામેથી કોઈ છોકરાને કેમ કૉલ કરવાનું કહે? પ્લસ ભાઈનો મૂડ સરખો કરવા પોતે પેલી નાઈટી પહેરેલી હોય એ સેલ્ફી મોકલી. ભાઈ હવે તારે રાહ ન જોવી જોઈએ.” ઈશાનીએ વરુણને કહ્યું.
“તને બહુ ખબર પડે પાછી! અરે! હું કરીશ પ્રપોઝ પણ હમણાં નહીં.” વરુણ ફરીથી છટકી રહ્યો હતો.
“અલ્યા, અમે ક્યાં કહીએ છીએ કે અત્યારે જ ઉપડ ભાભીને પ્રપોઝ કરવા? નેક્સ્ટ વિક કરી દેજે. અને મને તો ઈશાનીનો આઈડિયા જ ગમ્યો છે. લઇ જ કોઈક રોમેન્ટિક જગ્યાએ અને કરી દે પ્રપોઝ.” કૃણાલે કહ્યું.
“ના, ના નેક્સ્ટ વિક તો કૉલેજમાં પ્રોગ્રામ છે. પછી પછી...” વરુણ હવે આ તમામના દબાણથી રીતસર ગભરાઈ ગયો હતો.
“પછી પછી પછવાડું અને આડી આવી ભીત. ભઈલા આ પ્રેમની પ્રપોઝલ એવી વસ્તુ છે ને જેના પછીનો કોઈ અંત જ નથી. ભલભલા પછી પછી કરીને પોતાની પ્રેમિકા અથવાતો પોતાના પ્રેમીના લગ્નમાં જમવા જતા રહ્યા હોવાના હજારો દાખલા મળશે.” સોનલબાએ વરુણને સલાહ આપી.
“અને બહુ બહુ તો ના પાડી દેશે!” કૃણાલે સોનલબા અને ઈશાની સામે આંખ મારીને કહ્યું.
સોનલબા અને ઈશાની કૃણાલનો ઈશારો જોઇને મંદમંદ સ્મિત વેરવા લાગ્યા.
“અબે! ઓય મારા વિષે સારું ન વિચારી શકતો હોય તો ખરાબ તો ન વિચાર? ના તો કદાચ હું સહન કરી પણ લઈશ, પણ હવે જો એ મારાથી નારાજ થયાને તો હવે હું એ સહન નહીં કરી શકું.” વરુણે ટેન્શનમાં પોતાના દાંત વચ્ચે પોતાનો નીચલો હોઠ દબાવ્યો.
“હવે ભાભી પાસે તને ના પાડવાનું કે પછી તારાથી નારાજ થવાનું કોઈજ કારણ નથી. હું અહિયા બેઠી છાતી ઠોકીને કહી શકું છું ભઈલા, એ તને પ્રેમ કરે છે અને એ પણ ભરપૂર. તારે હવે ફક્ત એમની લાગણીને બહાર લાવવાની છે. કદાચ એમનો તારા માટેનો પ્રેમ એક સાવ પાતળા આવરણ પાછળ છુપાઈ રહ્યો છે, તારે એમને પ્રપોઝ કરીને એ આવરણને જ દૂર કરવાનું છે ભાઈ. હવે મોડું કરવું મારા મતે જરાય યોગ્ય નથી.” સોનલબાએ મક્કમતાથી કહ્યું.
“ઓકે, તો કૉલેજના પ્રોગ્રામ પછી હું એમને પ્રપોઝ કરીશ, કોઈ રેસ્ટોરન્ટમાં બોલાવીને, બસ?” વરુણે છેવટે પોતાના સદાકાળના આ ત્રણેય શુભેચ્છકોની ઈચ્છા સામે નમતું મુક્યું.
વરુણનો આ નિર્ણય સાંભળીને ઈશાની “યેએએએએએ...” એમ જોરથી બોલીને તેને પાછળથી વળગી પડી.
==::==
“પપ્પા, જુઓ તો કોણ આવ્યું છે આપણે ઘેર?” ઘરમાં પ્રવેશ કરવાની સાથેજ સુંદરીએ સામે સોફા પર બેઠાબેઠા ટીવી જોઈ રહેલા પ્રમોદરાયને પૂછ્યું.
“કોણ? વરુણકુમાર આવ્યા છે?” પ્રમોદરાય તુરંત જ પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા અને સુંદરી જ્યાં ઉભી હતી તે તરફ તેમણે બે ડગલાં માંડ્યા.
“ના, અત્યારે તો તમારા એ જમાઈ કરતાં પણ તમારા માટે જેનું ઘણું મહત્ત્વ છે એ આવ્યા છે.” સુંદરીએ પ્રમોદરાયને હસીને કહ્યું.
“એવું તો કોણ આવ્યું છે?” પ્રમોદરાય આમતેમ ડોકું હલાવીને સુંદરીની પાછળ જોવા લાગ્યા.
“આવો, અંદર આવો.” સુંદરીએ પાછળ વળીને કહ્યું.
સુંદરીનું આમંત્રણ મળતાંની સાથેજ શ્યામલ ધીમાં પગલે ઘરના દરવાજા પાસે આવ્યો, પણ તે ઘરની અંદર ન આવ્યો.
શ્યામલ અને પ્રમોદરાયની નજર મળી...
==:: પ્રકરણ ૯૪ સમાપ્ત ::==