Establishment of Gujarat in Gujarati Anything by Tr. Mrs. Snehal Jani books and stories PDF | ગુજરાત સ્થાપના

Featured Books
Categories
Share

ગુજરાત સ્થાપના

લેખ:- ગુજરાત સ્થાપના
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


સૌ પ્રથમ તો સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ. ગુજરાતી હોવાનો ગર્વ લેવાની સાથે સાથે ગુજરાત નિર્માણ વિશે પણ જાણવું એટલું જ જરુરી છે. ચાલો તમને સૌને ભૂતકાળમાં લઈ જાઉં અને કેવી રીતે ગુજરાત બન્યું એ જાણીએ.

બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ ભાગ મોટા ભાગે બૉમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. 1937માં તેને બ્રિટિશ ભારતમાં ઉમેરવામાં આવ્યું. ભારતની આઝાદી પછી ભાષાવાર રાજ્યોની માંગ કરવામાં આવી ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 17 જૂન 1947નાં રોજ એક સમિતિ રચી. આ સમિતિમાં અલહાબદ હાઈકોર્ટનાં નિવૃત્ત જજ એસ. કે. દાર, એક વકીલ જે. એન. લાલ અને નિવૃત્ત ભારતીય સનદી અધિકારી પન્નાલાલ હતાં. આ સમિતિ એટલે દાર કમિશન. 10.ડિસેમ્બર 1948નાં રોજ તેમણે પોતાનો અહેવાલ રજુ કર્યો અને જણાવ્યું કે 'ભાષા પ્રમાણે અલગ રાજ્યો બનાવવા એ દેશનાં હિતમાં નથી.'

શ્રી ઇન્દુલાલ યાગનીકની આત્મકથામાં જણાવ્યા મુજબ ઈ. સ. 1949નાં મે મહિનામાં મુંબઈનાં મુખ્ય પ્રધાન બી. જી. ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ ડાંગની મુલાકાત લીધી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસી મરાઠી ભાષા બોલે છે. ઇન્દુલાલ યાગનીક ફરીથી પોતાની રીતે ત્યાં ચકાસણી કરવા જાય છે, એમનું તારણ ગુજરાતી ભાષા નીકળે છે. આથી ગુજરાતી ભાષા સમિતિ સરકારની આલોચના કરે છે.

અલગ ગુજરાતી રાજ્ય માંગવાની ચળવળ ચાલતી હતી ત્યાં 1952માં તેલુગુ બહુમતી ધરાવતાં માટે અલગ આંધ્ર રાજ્યની માંગ મદ્રાસમાંથી ઊઠી. આ માંગનાં આંદોલન દરમિયાન 16 ડિસેમ્બર 1952નાં રોજ એક આંદોલનકારી પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસમાં મૃત્યુ પામ્યો. આથી 1953માં અલગ આંધ્ર રાજ્ય સ્થાપવામાં આવ્યું. આ ઘટનાએ અન્ય ભાષીઓના આંદોલનને વેગ આપ્યો.

આથી ડિસેમ્બર 1953માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 'State Reorganization Commission' (SRC) ની રચના કરી, જે જજ ફઝલ અલીનાં નેતૃત્વ હેઠળ હોવાથી ફઝલ અલી કમિશન પણ કહેવાય છે. ઈ. સ. 1956માં આ સમિતિએ ભાષાવાર અલગ રાજ્યોની પુનઃ સ્થાપના અંગેનો અહેવાલ રજુ કર્યો અને એનાં આધારે એમનું સુચન હતું કે મુંબઈને દ્વિભાષી જ રાખવું. ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય પ્રદેશના નાગપુર વિસ્તારના મરાઠી વિસ્તારો તેમજ હૈદરાબાદનાં મરાઠાવાડા વિસ્તારને ઉમેરવાનું સુચન SRC એ કર્યું. મુંબઈના સૌથી દક્ષિણના વિસ્તારોને મૈસુરમાં ઉમેરવામાં આવ્યાં. આથી ગુજરાતી ભાષા બોલતાં લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતાં લોકો દક્ષિણમાં હતાં.

આ સુચનનો ગુજરાતી તેમજ મરાઠી બંને લોકોએ વિરોધ કર્યો અને બંને ભાષાનાં અલગ અલગ રાજ્યોની માંગ કરી. મુશ્કેલી એ હતી કે આર્થિક ઉપાજનમાં મહત્ત્વનો ફાળો આપતાં મુંબઈને લેવા બંને રાજ્યો તૈયાર હતાં, જે શક્ય ન હતું. આથી જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતી નિવારવા મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સંચાલિત શહેર મુંબઈ - એમ ત્રણ ભલામણો કરી.

મુંબઈ અને અન્ય મરાઠી બોલતાં જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માંગ પ્રબળ બની. વિરોધ ઉગ્ર બન્યો અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો.

8 ઓગસ્ટ 1956નાં રોજ અમદાવાદ કૉલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે અલગ રાજ્યની માંગ લઈને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહીં અને પોલીસ કાર્યવાહીમાં લગભગ આઠેક વિદ્યાર્થીઓના મૃત્યુ થયાં. આથી આ આંદોલનને વેગ મળ્યો. આ આંદોલનને દિશા આપવા ઇન્દુલાલ યાગનીકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. આંદોલનકારીઓને અમદાવાદની ગાયકવાડ હવેલીમાં અને પછી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા.

દેખાવો ગુજરાતમાં વધુ પ્રમાણમાં ફેલાતા મોરારજી દેસાઈ એક અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકોએ સ્વયંભૂ સંચારબંધીનો અમલ કર્યો જે જનતા સંચારબંધી કહેવાઈ. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાથી જ ઉકેલાઈ ગઈ. 180 જેટલા સાંસદ સભ્યોએ મુંબઈને અલગ રાજ્ય રાખવાનું સુચન કર્યું. અંતે નિર્ણય લેવાયો કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું અને ડાંગ ગુજરાતને. ડાંગને ગુજરાતમાં ભેળવવા માટે મોટો ફાળો ગાંધીવાદી ઘેલુભાઈ નાયકનો છે.

આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બે અલગ રાજ્યો બનાવવા માટે સંમત થયા. આથી 1 મે 1960નાં રોજ બે નવા રાજ્યો મુંબઈ અને ગુજરાતની સ્થાપના થઈ અને મહાગુજરાત જનતા પરિષદને વિખેરી દેવામાં આવી. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા.

લાલ દરવાજા અમદાવાદ ખાતે શાહિદ સ્મારક બનાવવામાં આવ્યું, જે આંદોલનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં બનાવાયું છે. આ સ્મારક હાથમાં બત્તી લઈને ઉભેલો યુવક છે.

આ ઉપરાંત નહેરુ બ્રિજના અંતમાં એક નાનાં બગીચાને ઇન્દુલાલ યાગનીક્નું નામ આપી તેમાં તેમની એક નાની મૂર્તિ સ્થાપિત કરાઈ.

ઇન્દુલાલ યાગનીકની આગેવાની હેઠળ સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નિલકંઠ, અશોક ભટ્ટ, શારદાબહેન મહેતા, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખભોળજા, દિનકર અમીન, રમણીકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી અને માર્કંડ શાસ્ત્રીએ આ આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. આથી જ જ્યારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે તેનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરાવવામાં આવ્યું.

1 મે 1960નાં રોજ જ ગુજરાત હાઈકૉર્ટની પણ સ્થાપના થઈ.

ગુજરાત રાજ્ય બનતાંની સાથે જ તેનાં પાટનગર, રાજ્યગીત, રાજ્યપ્રાણી, રાજ્યપશુ વગેરે વગેરે નક્કી થયાં. એ પણ જોઈ લઈએ.

પાટનગર:- ત્યારે અમદાવાદ, હાલ ગાંધીનગર.
રાજ્યગીત:- જય જય ગરવી ગુજરાત
રાજ્યભાષા:- ગુજરાતી
રાજ્યપ્રાણી:- સિંહ
રાજ્યપક્ષી:- સુરખાબ
રાજ્યવૃક્ષ:- આંબો
રાજ્યફૂલ:- ગલગોટો
રાજ્યનૃત્ય:- ગરબા
રાજ્યરમત:- કબડ્ડી


આભાર.
ભૂલચૂક ક્ષમા🙏
- સ્નેહલ જાની