sundari chapter 93 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૯૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૯૩

ત્રાણુ

“આવી ગયાં...” ઘરના દરવાજે રાહ જોઈ રહેલી ઈશાની દોડીને અંદર આવી કારણકે તેણે સુંદરી અને પ્રિન્સીપાલને પોતાના ઘર તરફ ચાલી આવતી એક કેબમાં બેસેલાં જોયાં.

ઈશાનીએ આપેલા સમાચાર સાંભળીને વરુણ ઘરના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો જ્યારે હર્ષદભાઈ અને રાગીણીબેન પોતપોતાની જગ્યાએ જ બેઠા રહ્યા. ઈશાની વરુણની પાછળ જ મુખ્ય દરવાજા તરફ પાછી ચાલવા લાગી.

કેબ વરુણના ઘર પાસે જ ઉભી રહી એટલે વરુણ ઝાંપો ખોલીને બહાર નીકળ્યો. પ્રિન્સીપાલ પાછળ બેઠાં હતાં એટલે તેણે આગળ વધીને કારનો દરવાજો ખોલ્યો, જ્યારે સુંદરી હજી પણ કેબમાં બેસીને ડ્રાઈવરને પેમેન્ટ કરી રહી હતી.

“વેલકમ સર.” દરવાજો ખોલતાની સાથેજ વરુણે પ્રિન્સીપાલને કહ્યું.

પ્રિન્સીપાલે વરુણ સામે અહોભાવથી સ્મિત કર્યું. હવે સુંદરી પણ કારની બહાર આવી અને એની પહેલી નજર ઈશાની પર પડી.

“હાઈઈઈ...” ઇશાનીને જોતાં વેંત જ સુંદરી ખૂબ ખુશ થઇ ગઈ.

ઈશાની પણ સુંદરીને ખુશી જોઈને તરતજ તેના તરફ દોડી પડી. જેવી ઈશાની સુંદરીની નજીક પહોંચી કે સુંદરી તેને વળગી પડી. વરૂણનું ધ્યાન પણ પડ્યું અને તેના ચહેરા પર ગૌરવપૂર્ણ સ્મિત આવી ગયું.

“પ્લીઝ કમ સર... આવો.” વરુણે પ્રિન્સીપાલ અને સુંદરીને વારાફરતી આવકાર આપ્યો.

સુંદરી વરુણને ઘણા દિવસો બાદ રૂબરૂમાં જોઈ રહી હતી અને આથી વરુણની જેમ તેનું હ્રદય પણ અત્યારે ભાર અનુભવી રહ્યું હતું, તેનું હ્રદય પણ અત્યારે તેજગતિએ દોડી રહ્યું હતું અને તેની હથેળીઓ પણ પરસેવાનો અનુભવ કરી રહી હતી. વરુણ પ્રિન્સીપાલ અને સુંદરીને માનપૂર્વક પોતાના ઘરમાં દોરી ગયો.

“મારા પપ્પા, મારી મમ્મી અને આ ઈશાની, મારી બહેન.” પ્રિન્સીપાલને ઘરના પ્રવેશદ્વાર પર જ આવકારવા માટે તૈયાર રહેલા હર્ષદભાઈ અને રાગીણીબેન સાથે જોડેજ ઉભી રહેલી ઈશાનીની ઓળખાણ વરુણે કરાવી.

“નમસ્તે.” પ્રિન્સિપાલે આ બધાં સામે હાથ જોડ્યા.

“કેમ છો?” સુંદરીએ પણ હર્ષદભાઈ અને રાગીણીબેન સામે હસીને કહ્યું અને પછી આપોઆપ જ તે બંનેને પગે લાગી.

“અરે!” હર્ષદભાઈ સુંદરીના અચાનક જ પગે લાગવાથી જરા ઓસંખાયા.

જ્યારે રાગીણીબેને સુંદરીના ખભા પકડીને તેને ગળે વળગાડી દીધી.

તમામ જુદાજુદા સ્થાનો પર બેઠા. થોડો સમય કોઈ કશું જ ન બોલ્યું, ફક્ત બધા એકબીજા સામે સ્મિત વેરતા રહ્યાં. અચાનક જ ઇશાનીને કશું યાદ આવ્યું હોય એમ તે રસોડા તરફ ઝડપથી ચાલી ગઈ.

“તમારો પુત્ર અમારી કોલેજનું અભિમાન બની ગયો છે ભટ્ટ સાહેબ.” છેવટે પ્રિન્સીપાલે વાતચીત શરુ કરી.

“ધન્યવાદ સર. એની સફળતામાં તમારી કોલેજનો ફાળો પણ નાનોસૂનો નથી જ. ફર્સ્ટ યરમાં જ એની રમત મજબૂત થઇ હતી એમાં કોઈને પણ શંકા ન હોઈ શકે.” હર્ષદભાઈએ પણ વિવેક કર્યો.

ત્યાં ઈશાની બધા માટે પાણી લઈને આવી. બધાએ વારાફરતી પાણી પીધું અને ઈશાની તમામના ખાલી ગ્લાસ લઈને પાછી રસોડામાં જતી રહી.

“વરુણ તારી પાસે એક વિનંતી લઈને હું અને પ્રોફેસર શેલત આવ્યા છીએ. આશા છે તું અમને નિરાશ નહીં કરે.” પ્રિન્સીપાલ વરુણ તરફ જોઇને બોલ્યા.

“તમારે રિક્વેસ્ટ ન કરવાની હોય સર. પ્લીઝ.” વરુણે હાથ જોડ્યા.

“બેટા, અમારી ઈચ્છા છે કે કોલેજ તારું સન્માન કરે. તેં ભલે આડકતરી રીતે કોલેજનું નામ ઉજાળ્યું છે એનો આ બદલો તો નથી પણ અમારા બધાની આ ઈચ્છા છે અને એ માટે તને ફાવે એ તારીખ આપણે નક્કી કરીએ.” પ્રિન્સીપાલે કહ્યું.

“મારે અત્યારે સિઝન પણ નથી. હવે છેક નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયન ટુર આવશે, એટલે જો એમાં સિલેક્ટ થઈશ તો નવેમ્બર સુધી ફ્રી અને જો સિલેક્ટ નહીં થાઉં તો પછી થોડો બીઝી થઇ જઈશ કારણકે આપણી ડોમેસ્ટિક સિઝન શરુ થશે. એટલે નવેમ્બર સુધીની તમે જે કહો તે તારીખ ચાલશે.” વરુણે કહ્યું.

“વાહ! આ તો બહુ સરસ. કોલેજ હજી કાલે જ શરુ થઇ છે તો પછી આપણે બને તેટલું ઝડપથી ગોઠવીએ તો સારું.” પ્રિન્સીપાલ ખુશ થઈને બોલ્યા.

“નેક્સ્ટ વિક જ રાખીએ તો પછી.” વરુણે લગભગ નક્કી કરી લીધું.

જેવું વરુણ ‘નેક્સ્ટ વિક’ બોલ્યો કે સુંદરીના હ્રદયના ધબકારા જે વરુણને સતત જોતાં જોતાં ઝડપથી જ ધબકી રહ્યા હતા તે વધુ ઝડપથી ધબકવા લાગ્યા, એટલી ઝડપથી અને જોરજોરથી કે સુંદરી ખુદ પોતાના ધબકારાનો અવાજ સાંભળી શકતી હતી.

“પ્રોફેસર શેલત? નેક્સ્ટ વિક યોગ્ય રહેશેને?” પ્રિન્સીપાલે સુંદરી તરફ જોઇને તેને પૂછ્યું.

“યસ... યસ સર... પરફેક્ટ રહેશે.” સુંદરીએ ડોકું હલાવ્યું.

સુંદરી અને વરુણ એકબીજા તરફ જોઇને હસ્યાં.

“તો પછી નેક્સ્ટ મન્ડે જ રાખીએ. સ્ટુડન્ટ્સનું વિક પણ સરસ રીતે શરુ થાય. સવારે અગિયાર વાગ્યે પ્રોગ્રામ શરુ કરીએ પછી અમે બધા થોડું બોલીએ, તમે બે શબ્દો બોલો અને પછી આપણે બધાં લંચ લઈને છુટા પડીએ, શું કહો છો?” પ્રિન્સીપાલ બોલ્યા.

“મારા તરફથી ડન છે.” વરુણે અંગુઠો ઉંચો કર્યો.

“આપ પરિવારજનો પણ જરૂરથી પધારજો.” પ્રિન્સીપાલે હર્ષદભાઈ અને રાગીણીબેન સામે હાથ જોડીને તેમને પણ નિમંત્રણ આપ્યું.

હર્ષદભાઈએ પણ સામે હાથ જોડીને પ્રિન્સીપાલે આપેલા નિમંત્રણનો સ્વીકાર કર્યો.

“હવે બધું નક્કી થઇ જ ગયું છે તો થોડી પેટપૂજા કરી લઈએ?” વરુણે કહ્યું.

“હા, ચાલ ઈશાની.” કહેતાં રાગીણીબેન ઉભા થયા.

“તમે બેસો આંટી, હું અને ઈશાની છીએને?” સુંદરીએ રાગીણીબેનને અટકાવ્યા.

રાગીણીબેન તરત માની ગયા. આ તરફ વરુણ અને હર્ષદભાઈએ એકબીજા સામે સૂચક સ્મિત કર્યું. સુંદરી અને ઈશાની રસોડા તરફ ગયા.

“બધું રેડી જ છે, હું જેમ જેમ ઢોસા ઉતારતી જાઉં તો ખાલી તમે સર્વ કરજો.” ઈશાનીએ રસોડામાં પહોંચતાવેંત સુંદરીને કહ્યું.

“વાહ! તને આવડે છે બધું બનાવતાં?” સુંદરીને નવાઈ લાગી.

“હા, બસ હમણાંજ શીખી છું. મને મજા પડે છે બધું બનાવવાની.” ઈશાની બોલી.

“ચાલો સરસ, તારો હસબંડ લકી હશે જેને આવી સ્વિટ છોકરી તો મળશે જ પણ સાથે સાથે એને કુકિંગનો પણ શોખ છે.” આટલું કહીને સુંદરીએ ઈશાનીનો ગાલ ખેંચ્યો.

ઈશાની સુંદરીની વાત સાંભળીને લાલ લાલ થઇ ગઈ.

ઈશાનીએ એક સ્ટવ પર ઢોસા બનાવવાના શરુ કર્યા અને બીજા પર ચ્હા બનાવવા લાગી. સુંદરીએ ઘણું કહ્યું કે તે ચ્હા બનાવે પરંતુ ઈશાની ન જ માની. એક પછી એક ઢોસા ઉતરતા ગયા અને ઈશાનીએ બહાર બેઠેલા ચાર લોકો માટે અલગ અલગ પ્લેટ્સમાં તેને પીરસ્યા. સુંદરીને તેણે ટેબલ પર એક વાસણમાં મુકેલા ગુલાબજાંબુ પણ અલગ વાટકીમાં પીરસવાનું કહ્યું.

ઈશાનીએ બનાવેલો નાસ્તો આરોગીને તમામ ખુશ થયા. વરુણ તો આ બધું ખાઈને અને ચ્હા પી ને સતત નવાઈ પામતો રહ્યો કે આ બધું એની તોફાની બહેને બનાવ્યું છે. તેણે ઈશાની સામે પોતાના જમણા હાથનો અંગુઠો અને પહેલી આંગળી ભેગી કરીને “બધું જ મસ્ત છે.” એવો ઈશારો કર્યો અને ઈશાની પણ ખુશ થઇ ગઈ.

નાસ્તો કરીને થોડીવાર બધાએ વાતો કરી. જેમાં મોટેભાગે પ્રિન્સીપાલ, હર્ષદભાઈ અને રાગીણીબેન એક જૂથ બનાવીને વાતો કરતા રહ્યાં અને સુંદરી સાથે ઈશાનીએ વાતો જમાવી દીધી હતી. વરુણ આ બધું જોઇને મનોમન રાજી થઇ રહ્યો હતો. થોડીવાર વાતો કરીને પ્રિન્સીપાલે રજા માંગી. સુંદરીએ કેબ બુક કરી અને કેબ આવતાં જ બધાં બહાર નીકળ્યાં.

“મળીએ, મન્ડે!” વરુણે ધીરેકથી સુંદરીને કહ્યું.

“કેમ? એ પહેલાં વાત નહીં થાય? તમારા ફોન કોલ્સ પર પણ તમારા ફેન્સ અને મિડિયાની નજર હોય છે કે શું?” સુંદરીએ હસીને વરુણને ટોણો માર્યો.

“ના, ના રૂબરૂમાં મળીએ મન્ડે. બાકી તો એઝ યુઝવલ જ.” વરુણે હસીને જવાબ આપ્યો.

સુંદરીએ હાથ લંબાવ્યો અને વરુણે તેને પકડી લીધો. ઘણા સમય બાદ સુંદરી અને વરુણ એકબીજાનો સ્પર્શ માણતાં રહ્યાં.

==::==

“હવે તે નક્કી કરી જ લીધું છે તો પછી હું શું કહું? પણ સાચું કહું તો આમાં ઉલ્લુ તો હું જ બન્યોને?” શ્યામલ થોડા ગુસ્સામાં હતો.

“આઈ નો ભાઈ, પણ બધું એક પછી એક બનવા લાગ્યું. હું શું કરું. મારી લાગણીને હું રોકી તો ન શકુંને? કે પછી એનાથી મોઢું તો ન ફેરવી શકુંને?” સુંદરી બોલી.

“પહેલાં તે મને વરુણ વિષે કહ્યું કે એ તારી પાછળ પડ્યો છે એટલે સાવ એમનેમ જ મેં એની સાથે ગુસ્સો કરીને અબોલા લઇ લીધા, જ્યારે મને એ છોકરો પહેલેથી જ બહુ ગમતો હતો. હા તારી સાથે એ જોડાય એની તો મને કલ્પના જ ન હતી, પણ હવે તું અચાનક કહેવા લાગી કે એ તને ગમવા લાગ્યો છે, હવે મારે વરુણનો સામનો કરવો હોય તો હું કેવી રીતે કરીશ એ તેં વિચાર્યું છે?” શ્યામલે મુદ્દાની વાત કરી.

“હું સમજી શકું છું ભાઈ. મને જે વાંધો હતો એ એક જ હતો અમારી ઉંમર વચ્ચેના તફાવતનો અને મારું એની પ્રોફેસર હોવાનો. ઉંમરના તફાવતનો વાંધો પપ્પાની એક વાતે જ દૂર કરી દીધો અને પછી હું તેની કોણ છું એ બધું આપોઆપ મનમાંથી દૂર થઇ ગયું.

ભાઈ, એ મને ખૂબ પ્રેમ કરે છે. એ મને ખૂબ સારી રીતે સાચવશે. તમારે અને પપ્પાએ મારી જરાય ચિંતા કરવાની જરૂર નહીં પડે.” સુંદરીએ અત્યંત વિશ્વાસ સાથે કહ્યું.

“તું સુખી રહે એમાં જ હું સુખી છું સુના. પણ હવે હું વરુણનો સામનો કેવી રીતે કરીશ?” શ્યામલની ચિંતા પોતાના સ્થાને હજી ઉભી જ હતી.

“એ તમે મારા પર છોડી દો ભાઈ.” સુંદરીએ પોતાની બાજુમાં જ બેસેલા શ્યામલનો ખભો દબાવ્યો.

“ઠીક છે પણ તેં વરુણને તારી ફિલિંગ્સ કહી દીધી? ક્યાં સુધી બંને મનમાં ને મનમાં જ એકબીજાને પ્રેમ કરશો?” શ્યામલે મુદ્દાનો પ્રશ્ન કર્યો.

“ના પણ વરુણને મારી ફિલિંગ્સ ક્યારે કહેવી એ મેં નક્કી કરી લીધું છે...” સુંદરીના ચહેરા પર સ્મિત હતું.

“અચ્છા? ક્યારે? વરુણને તું ક્યારે કહીશ તારી ફિલિંગ્સ?” શ્યામલે સુંદરી તરફ જોયું.

“મેં અને વરુણે એ પળની અત્યાર સુધી જેટલી રાહ જોઈ છે એટલી રાહ તો નથી જ જોવાની.” સુંદરીએ કહ્યું.

“પણ હું અત્યારે એ કહેવા માટે અહીં નથી આવી ભાઈ. તમારે મારી સાથે આવવાનું છે.” સુંદરી શ્યામલની આંખમાં આંખ મેળવીને બોલી.

“ક્યાં?” શ્યામલે સહજ રીતે પ્રશ્ન કર્યો.

==:: પ્રકરણ ૯૩ સમાપ્ત ::==