1 જીદે ચડેલી સાંજ..,.
' સાંજ' નામ પ્રમાણે સોનેરી સપના આંખોમાં આંજી પલાસ ના ઘરે લક્ષ્મી થઈ પ્રવેશી...
પ્રકૃતિ બન્નેની અલગ સાંજ નાનામાં નાની વાત જીદથી મનાવી લેતી અને પલાશ મોટામાં મોટી વાત માં જતું કરી દેતો.
રવિવારની સાંજ એટલે પલાશ માટે આરામદાયક સાંજ અને ' સાંજ ' માટે ન ગમતી સાંજ. પલાશ માટે વ્યસ્ત વીકમાં થી પોતાના માટે અને સાંજ માટે જીવવાનો સમય એટલે રવિવારની સાંજ. અને ' સાંજ ' માટે રોજીંદી ઘટમાળ માંથી બહાર નીકળવાની બારી......
આજે સવારથી પલાશ અને સાંજ એકબીજા માટે અલગ જ વાતાવરણ સર્જવાની કલ્પનામાં રાચતાં હતા.સાંજઆજે નવા જ ખુલેલા ' કલ્પતરુ' મલ્ટિપ્લેક્સ માં ફિલ્મ જોવા રોમાંચિત હતી,તો પલાશ લોંગ ડ્રાઈવ કરી નદી કિનારે સાંજના ખોળામાં માથું રાખી સૂર્યાસ્ત જોવા અધીર.....
સાંજ ઝડપથી જમીને પલાશ પાસે પહોંચી પોતાની વાત લઈ,આજે પહેલીવાર પલાશને ન ગમ્યું સાંજનું ફક્ત પોતાને ગમતી વાત મનાવવાનું.અને પોતાની કલ્પનામાં થોડો પણ ફેરફાર ન ઈચ્છતી સાંજની દલીલ જીદમાં પરિણમી.
પલાશ પણ જાણે આજે જીદ લઈને બેસી ગયો, સાંજની વાત ન માનવાની જીદ.
રવિવારની સાંજ પણ જાણે જીદે ચડી અને બંને વચ્ચે મૌન નું અવ્યક્ત વાતાવરણ સર્જાયું.સાંજ ગુસ્સામાં ટીવી ચાલુ કરી બેસી ગઈ અને પલાશ મોબાઈલ લઈને.
અને ત્યાતો બીજા રૂમમાંથી દોડતી આવેલી સાંજ પલાશ ને વળગી રહીને આંસુ સ્વરૂપે વરસી રહી.એક ક્ષણ માટે પલાશ કઈ ન સમજ્યો.સાંજ તેને દોરી ટીવી પાસે લઈ આવી.જ્યાં બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા હતા....
"નવા જ ખુલેલા કલ્પતરુ મલ્ટિપ્લેક્સ માં બોમ્બ બ્લાસ્ટ"
સાંજ પલાશની આંખોમાં જોઈ રહી જાણે પોતે કરેલી જીદની માફી માંગી રહી હોય...
સાંજ:-"પલાશ,આજે ફ્કત તમારા કારણે આપણે ભયાનક સાંજના દુઃસ્વપ્ન માંથી ઉગરી ગયા.
પલાશ:-"મારા ઈશ્વરને પણ ખબર છે કે પલાશને પણ ભયાનક નહિ તેની જિદ્દી સાંજ જ ગમે છે.
અને બંને તે સાંજને મનગમતી અને યાદગાર બનાવવા જમવા બહાર નીકળ્યા.
......
2 ભાગીદારી સપનાની...,તમે ચાલો એક કદમને હું પણ ચાલું,
નથી દીપવાનું ઊભય ભાગીદારી વિના.
ચૈતન્ય જોષી
ખળખળ વહેતી ઝરણાને જોઈ આનંદી જાણે જીવતું જાગતું સપનું જોઇ રહી......
સૌથી મોટા પુત્ર શૈલ માટે આજે ઝરણાને જોવા જવાનું નક્કી થયું. શૈલને તેડાવ્યો હતો જાનકી ને જોવા,જે ખૂબજ મોટા ઉદ્યોગપતિ કમલનાથ ની એક ની દીકરી હતી, પરંતુ શેલ આવ્યો તે સવારે જ ઝરણાની વાત પણ આવી અને આજે ઝરણાને જોઈ પછી જાનકી ને જોવાનું નક્કી થયું.
ઝરણા આવી પોતાના સ્મિતથી નવો ઉત્સાહ લઇને આનંદીના જીવનમા.....શૈલ અને આનંદી એ એક બીજા સામે જોયું અને બન્નેની આંખોમાં ઝરણાને દેખાઈ
પસંદગીની મહોર.
આનંદી હમણાં જ બે વખતના કેન્સરની અકથ્ય પીડામાંથી બહાર આવી હતી અને સામે હતી એક જ આશા.....શૈલની પત્નીને ઘરની જવાબદારી સોંપીને મુક્ત થવું અને ઝરણાએ આનંદીના આ વ્યક્ત ન થયેલા સપનાને સાચું કરવા શૈલની સાથે ન જવાનું નક્કી કર્યું અને સાસુ સાથે રહીને નવા સપના સજાવવા લાગી..
આનંદી અને ઝરણાં એટલે ભવોભવના ઋણાનુબંધ થી મળેલી જાણે બે સખીઓ....સંયુક્ત પરિવારની દોડાદોડીમાં ઝરણાની આંખો ની કિનારે આવેલ ભીનાશને આનંદી ઝરણાને ગમતી વાતમાં ફેરવી નાખે. તો ઝરણા આનંદી ને દેખાતા મૃત્યુના અનિવાર્ય સત્ય ને જાણે પોતાના હોવાપણા થી દૂર ઠેલતી ગઈ.
ઈશ્વર પણ જાણે આનંદીની કસોટી લેવા જ આતુર... ત્રીજી વારનું.... કેન્સર....! અને શૈલનું હંમેશા માટે આનંદી પાસે આવી જવું. ઈશ્વરના આ નિર્ણયે ઝરણાને એક નવો જ પાઠ શીખવ્યો પોતાના સુખને કેમ વિસ્તારવું......
એક પછી એક આનંદીના બધા સપના પૂર્ણ થયા શૈલનું પોતાની પાસે જ સ્થાયી થવું ....પરિવારની એકસૂત્રતા ....અને ઝરણાંના ખોળામાં પોતાના જેવી જ એક નાનકડી પરી....
અને બધા જ સપનાઓ સાચા થવાના બદલામાં આનંદી એ ઝરણાને આપ્યું એક રચનાત્મક સપનું... ઝરણાની જાણ વિના શૈલ દ્રારા ઝરણા માટે સરકારી નોકરી માટેની દરખાસ્ત....અને આનંદી અને શૈલનું એક સરખું સપનું ઝરણાની કારકિર્દીના સુવર્ણ સપનામાં એકાકાર થઈ ગયું....
આવી પણ હોય શકે ભાગીદારી સપનાની,..... આનંદની....સુખની......