"મારી તો આંખો પહોળી થઈ ગઈ." શું કહેવુ સરને હું એ અસમંજસમાં ઘેરાયો હતો. શું કરવું? કંઈ સમજાતુ જ ન હતું. એકપળમાં કેટલાય વિચારોનું વૃંદાવન મગજમાં ઉગી નીકળ્યું. હું ઉભો તો થઈ ગયો પણ એક એક પગલું વધતો કે મારી ધકધક વધતી જતી હતી. હું જેવો ત્યાં પહોચ્યો કે એક નાનકડો વિચાર આવ્યો અને મેં ધીમાં સ્વરે ટીચરને કિધું,
"બે'ન હું ગિફ્ટ નથી લાયો,"
તેમણે તો મારી આ વાત સાંભળીને પોતાની ભ્રમરો ચડાઈ અને પછી મેડમે ગુસ્સાને નાકની ટોચ પર રાખતા કિધુ કે, "બે દિવસથી શું હું ભાગવત વાંચતી હતી? તમને લોકોને એક વખતમાં સમજણ કેમ નથી પડતી? દિમાગના દ્વાર ખુલ્લા રાખતો હોય તો." તેઓ આટલું વઢીને ચુપ થઈ ગયા એટલે હું મનમા ને મનમાં ખુશ થયો કે હાશ બચી ગયો. ત્યાં તરત જ એમણએ કિધું, "વાંધો નહી કાલે આપી દે જે. ચલ જા, રાખડી બંધાવી લે."
તેમનું આ વાક્ય તો મને એ વખતે ભાલાની જેમ ખુચી ગયું હતું. હવે કંઈ થાય તેમ ન હતું. નીરાશા સાથે હું ધીમેધીમે મારો જમણો હાથ આગળ કરતો હતો. અંહિ એ વખતે એવુ ન હતું કે વર્ષા મારી ગર્લફ્રેન્ડ હતી કે અમે જનમ જનમના એકબીજાની સાથે રહેવાના કોઈ કોડ લીધા હોય. કેમ જાણે કંઈક ખુચતું હતું મને તેની પાસે રાખડી બંધાવતા. મે આંખ ઊંચી કરી અને વર્ષાની સામે જોયું તો એ અલ્લડ છોકરી મરક મરક હસતી હતી. અંહિ મારો તો જીવ અધ્ધર હતો કે શું કરુ?
મેં હાથ લાંબો કર્યો અને મૅડમે વર્ષાને રાખડી બાંધવા કીધું. ભણવા કરતા તેનું આવી વાતોમાં મગજ વધારે દોડતું. હાથમાં રાખડી સાથે એ બીંદાસ્તપણે બોલી, "બે'ન હું આને રાખડી નહી બાંધુ." તેના આ શબ્દો મારા માટે બ્રહ્માસ્ત્રનું કામ કરી ગયા હોય તેમ મારા મનમાં કભી ખુશી કભી ગમ ફિલ્મની પેલી આ આ.. આ આ.... વાળી ધુન વાગવા લાગી જે મારા સીવાય કોઈને ન સંભળાઈ.
મૅડમેને આ ડ્રામા સમજાતો ન હતો. હવે ગુસ્સા વાળું તેમનું વિકરાળ મોઢુ મારી તરફ ફેરવ્યું અને બોલ્યા, "કેમ? હવે તને શું વાંધો છે?"
વર્ષાએ કોઈપણ જાતની ચિંતા વિના બિંદાસ્ત કહ્યું, "એ મારા માટે કંઈ લાયો નથી તો હું રાખડી નહી બાધુ." મૅડમ કંઇ કહે એ પેલા તો તે પોતાની જગ્યા પર બેસી ગઈ. મૅડમે તેના આવા વર્તનને કારણે પાછી ઊભી કરી અને બે સોટી મારતા કહ્યું, "કંઇ વાંધો નહિ હું કહું તેને બાંધ ચલ." મૅડમની જે છોકરા પર નજર પડતી તે ધકધક દિલે નીચું જોઈ જતો. આવા પ્રસંગોમાં શાળાની અંદર હંમેશા એ છોકરીયો પર દિલ આવી જતું જે ચશ્મીસ હોય કે કાયાથી સુંદર ઓછી લાગતી હોય. પુરૂષોની આદત રહી છે કે હંમેશા ગોરી ત્વચા પાછળ દિવાના થવું. આમા અંહિ બાળકોનો વાંક નથી પરંતું, આપણા સમાજની આ બિમારી વર્ષોથી રહી જ છે. મૅડમે પોતાની નજર અંકિત ઉપર અંકિત કરી અને તેને ઉભો કર્યો. મારા કારણે એ બીચારો બલીનો બકરો બની ગયો. હું તો મનમાં ખુશ હતો બચાવાથી પણ અંકિતનો ચહેરો જોવા જેવો હતો. તે મારી તરફ એવી રીતે જોતો હતો કે જાણે હમણા જ મને એક બચકું ભરી લેશે. મને તો અવેજીમાં ઉભો જ રાખ્યો હતો અને મૅડમે પારૂલને બુમ મારી. હવે જાણે કોઈ રમત ચાલતી હોય તેમ પારુલે પણ રાખડી બાંધવાની ના પાડી દીધી. અંહિયા પણ કારણ તો એજ હતું કે તે ગીફ્ટ નથી લાવ્યો. મને કંઈ પ્રોબલમ ન હતી પારુલ પાસે રાખડી બંધાવાની પણ મને સમજાયું નહી કે તેણે કેમ ના પાડી? મારી દરેક વાત કોઈ જાણતું હોય કે ન જાણતું હોય પરંતું પારૂલને બધી જ માહિતી ખબર હોય. આજે પણ રોજની માફક તેને ખબર હતી કે મારી પાસે ગીફ્ટ છે તો પછી કેમ કહ્યું આવું? પારૂલ મારી સૌથી સારામાં સારી દોસ્ત હતી. હું, અંકીત, અજય, ગૌતમ અને પારૂલ સાથે જ મોટા થયા અને ભણવા પણ સાથે જ આવતા. અમને પાચેયને શાળાની અંદર હમેશા સાથે જ જોવો. હા, વર્ષાના આવતા થોડીક દુરી આવી હતી પણ અમે ખુબ જ સારા મીત્ર આજેય હતા. રાખડીની રમત અંહિ સમાપ્ત થઈ ન હતી, આજ રીધમ આગળ ચાલું રહી અને એક પણ છોકરીએ મને રાખડી ન બાંધી. ગીફ્ટ ન મળવાની ચિંતા એ દરેકને થવા લાગી. આખા રૂમમાં હું હાસીનું પાત્ર બન્યો.
સારા દોસ્તોની સાથે સમયચક્ર ક્યારે પસાર થઈ જાય એ ખબર જ નથી રહેતી. શાળામાં તો ભણવા સીવાયનો સમય એટલે મોજમસ્તીનો મેળો. આ મેળામાં ફર્યા ન હોય તેવું તો ભાગ્યે જ જોવા મળે. દુનીયાની દરેક વસ્તું શાળાના દિવોસો સામે શુન્ય લાગે. કંઈક આવી જ રીતે અમારું પણ આ વર્ષ ક્યારે પુરૂ થઈ ગયું એ ખબર પણ ન રહી. પરીક્ષાનો સમય પણ નજીક આવી ગયો. આ વચ્ચે એક નવી ઘટના બની, મારા જીવનમાં નહી પણ અંકિતના જીવનમાં. અમારી બાજુ બાળ વિવાહ આજે પણ સક્રિય છે. આજે પણ બાળકો તેના શીકાર બનતા રહે છે. વાત જાણે એમ બની કે અંકિતના પિતા ખુબ જ મોટું નામ ધરાવે અને આથી જ તેની સગાઈ નાનપણમાં કરી નાખી હતી. અંકિત તો નાનો હતો પણ હવે તેમના વેવાઈએ કહેવડાવ્યું કે તેઓ પોતાની દીકરીના લગ્ન કરવા ઈચ્છે છે. અંહિ લગ્નની તૈયારીયો પણ શરુ થઈ ગઈ. પણ......
ક્રમશ: