Neelgaganni Swapnpari - 11 in Gujarati Fiction Stories by Mahendra R. Amin books and stories PDF | નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 11

Featured Books
Categories
Share

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 11


મિત્રો, આગળના સોપાનમાં આપણે જોયું હતું કે હર્ષ પોતાની કારકિર્દી પરત્વે ગંભીર બની ગયો છે. તે હવે હરિતાને પોતાની પ્રેયસીના રૂપમાં નિહાળતો થયો છે. તે હરિતાની કારકિર્દી પરત્વે પણ ઘણો ગંભીર છે. તે પોતે માને છે કે પ્યાર તો જીવનની સરગમ છે. એને તો પછી પણ માણી શકાય પણ એકમેકના સહારે આ કારકિર્દી ઘડાય તો પ્રેમની ગાંઠ વધારે મજબૂત બને.
પ્રેમમાં એકબીજાનું સાનિધ્ય અને સમજણભર્યું સમર્પણ હોય તો પહાડ જેવી મુસીબત પણ પળમાં ઝૂકી જાય. હરિતા પણ આ બાબતે તેના ચંચળ સ્વભાવને કારણે થોડી ડરે છે. તેને હર્ષની વાતો અને કાર્યશૈલીમાં પૂર્ણ વિશ્વાસ છે. તે જે ધારે છે તે કરવા માટે સમર્થ છે. હરિતા મનથી હવે હર્ષને જ સમર્પિત થઈ ચૂકી છે. હવે આગળ ...
💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 11.

હર્ષ આજે તો રોજના સમય કરતાં વહેલો જાગી ગયો હતો. તેણે ઘડિયાળમાં સમય જોયો તો 05:30 વાગ્યા હતા. તે દૈનિક ક્રિયાથી પરવારીને બેઠો હતો. તેનું આજનું સમયપત્રક ગોઠવી ચા મૂકવાનો વિચાર કરતો હતો તો ડોરબેલ રણક્યો. જોયું તો હરિતા તેને માટે ચા-નાસ્તો લઈને આવી હતી. બને જણ ચાના વારાફરતી ઘૂંટ ભરતા ભરતાં નાસ્તાને ન્યાય આપતાં હતાં. હરિતા પોતાની નજર સતત હર્ષની નજર સાથે મિલાવી વાતો કરતી હતી. આ પછી હરિતા કપડાં ધોવા બાથરૂમ તરફ ગઈ અને હર્ષનાં કપડાં મશીનમાં ધોવા મૂકી મશીન ચાલું કર્યું. તેણે ઘરમાં કચરો વાળી દીધો. પોતું બપોર પર મુલત્વી રાખ્યું. પછી હરિતા ચા-નાસ્તાનાં વાસણો લઈને તેના ફ્લેટમાં ગઈ.
થોડીવાર પછી શાળા ગણવેશમાં સજ્જ થઈને તે હર્ષના પાસે આવી. તેણે મશીનમાંથી કપડાં કાઢીને સૂકવી દીધાં. પછી તે હર્ષના રૂમમાં આવી. જોયું તો ઘડિયાળમાં સાત થવા આવ્યા હતા. આજે હરિતાની સાઈકલને પંચર હોવાથી હર્ષ હરિતાને લઈને સ્કૂલે જવા નીકળ્યો. છૂટીને રાહ જોવાનું હરિતાને કહી તેને તેની શાળામાં મૂકી પોતાની સ્કૂલમાં જવા માટે તરત રવાના થઈ ગયો.
આજે હર્ષ એક અનેરા નિર્ણય સાથે જ શાળામાં પહોંચ્યો હતો. આજે તે અત્યંત દિલ દઈને પોતાના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો હતો. દરેક તાસમાં તે અભ્યાસ પ્રત્યે ગંભીર બનતો જતો હતો. તેની આ ગંભીરતાની નોંધ તેના ફીઝીકસના ટીચર સરિતાબહેન સાવલિયાના ધ્યાનમાં આવી. તેમણે આ ફેરફાર હાલ પોતાના મનમાં રાખ્યો.
બીજી બાજુ હરિતા પણ અલગ મૂળમાં હતી. તે પણ આજે કોઈની સાથે ખાસ વાત નહોતી કરતી અને પોતાના ભણવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા પોતે સ્વપ્રયત્ન કરી રહી હતી. તે સ્ટેટ અને એકાઉન્ટના વિષયમાં તણાવ અનુભવતી હતી પણ હર્ષના શબ્દો યાદ આવતાં તેને એવું લાગતું હતું કે બધુ જ સહેલું બની જશે. જો કે તે તેના ચંચળ સ્વભાવને કારણે હોવી જોઈએ એટલી ગંભીર નહોતી થઈ શકતી પણ પ્રયત્ન જરુર કરતી હતી. તે દ્રઢપણે માનતી હતી કે હર્ષનું પ્રેરકબળ તેને અંતિમ ધ્યેય સુધી અવશ્ય દોરી જવામાં મદદરૂપ બનશે.
શાળા સમય પૂર્ણ થતાં હર્ષ હરિતાની શાળાએ પહોંચ્યો તો શાળા છૂટવાની બે-ત્રણ મિનિટની વાર હતી. હર્ષ સ્કૂટી બંધ કરી ઊભો હતો એટલામાં ત્યાં પરિતા ચાલતી ચાલતી બહાર આવી. તે હર્ષને કહે કે,
"હર્ષ, તું અહીં?" શું વાત છે ? તો હર્ષ કહે છે, "કાંઈ નથી, પરિતાની સાઈકલને પંચર છે એટલે. પણ તું ... આમ ચાલતી કેમ? તારી સાઈકલ ... "એટલામાં તો હરિતા આવે ગઈ. હરિતા અને પરિતા બંને સ્કૂટી પર સવાર થાયાં. રસ્તામાં ઘણી વાતો થઈ. બપોરના તે હર્ષ પાસે વિજ્ઞાન શીખવા આવશે તેમ પણ વાત કરી. હરિતા તેને 03:00 આવી જવા કહે છે. બંને પરિતાને તેની સોસાયટીમાં ઘર પાસે ઉતારી નવા ઉમંગ અને નવી આશા સાથે ઘેર આવ્યાં.
તે બંનેને શાળાનો આજનો દિવસ રોજના કરતાં તદ્દન જુદો લાગ્યો. થોડી વારમાં હરિતા હર્ષને જમવા બોલાવવા આવી. હર્ષ, હરિતા અને તેનો ભાઈ સાથે જમવા બેઠા. જમતાં જમતાં તે બંને વચ્ચે ઘણી બધી ઔપચારિક વાતો થઈ. હર્ષ જમીને ઘેર ગયો કે તરત જ હરિતા તને ઘેર ગઈ. સૂકવેલાં કપડાં લઈ તેની ઘડી કરીને તેણે બાથરૂમમાં મૂકી દીધાં. પોતું કરવાનું બાકી હતું તે પણ કરી લીધું. તેણે હર્ષને ગાલે હળવી ટપલી મારી અને કહ્યું કે, "હું પરવારીને આવું છું."
હરિતા તેના ફ્લેટમાં ગઈ. હર્ષે આજે ઘણી જ ગંભીતાથી દરેક વિષયના પાઠ્યપુસ્તકને વાંચવાનું અને સમજવાનું શરું કરી દીધું અને શાળામાંથી આપેલું હોમવર્ક પણ ચાલું કર્યું. ત્રણ વાગતાં પરિતા આવી. તે ચાલતી આવી હતી એટલે થોડો થાક મહેસૂસ કરતી હતી. એટલામાં હરિતા પણ આવી ગઈ. હર્ષે બંનેને નવનીત છોડી પાઠ્યપુસ્તકને જ વાંચો એ બાબત પર ભાર મૂક્યો. અભ્યાસ કરવાની રીત બતાવતાં તેણે કહ્યું, "આટલા મુદ્દા ધ્યાનમાં રાખી દરરોજ અભ્યાસમગ્ન બનો ..."
પગલું ... 01 નીચે મજબ અનુસરો.
01. આજે શાળાના સમયપત્રક પ્રમાણે શાળામાં જે
અને જેટલું શીખવ્યું છે તેને એક ધ્યાનથી સમજ
સાથે વાંચી જવાનું.
02. એક વિષય આ રીતે વંચાય જાય પછી તેનું મનન
કરી અને કઈ બાબતો મહત્વની છે તેનો વિચાર
કરવાનો.
03. તમારે જે હોમવર્ક કરવાનું છે તે તમારા મનનથી
તેમાં શોધો. ન મળે તો ફરી એકવાર વાંચી લો.
04. આમ, બધા વિષયમાં રોજ અનુસરવું
હવે પગલું ... 02. આગળની વાત ...
05. કાલે શાળામાં શું ભણવાનું છે તે સમયપત્રક
પ્રમાણે બેગ તૈયાર કરો.
06. ગયા તાસમાં જે શીખ્યા હતા તે વાંચી આજે
શિક્ષક આગળ શું શીખવશે હશે તેનો અંદાજ
નક્કી કરી ના સમજાય તો પણ વાંચી લો. શિક્ષક
વર્ગમાં સમજાવે ત્યારે આ દરેક બાબત સમજતા
જાવ અને યાદ કરતા જાવ.
07. આ રીતે બધા વિષય તૈયાર કરતા જાવ.
હવે આવે પગલું 03 ... રવિવાર કે રજાનો
દિવસ ...
08. આ દિવસ દરમિયાન આ અઠવાડિયામાં જે કંઈ
શાળામાં ભણ્યા તે દરેક વિષયના પાઠ્યપુસ્તકના
દરેક પાઠ ફરીથી સમજપૂર્વક વાંચી લેવાના.
આમ દર માસના છેલ્લા રવિવારે પણ અત્યાર સુધી શાળામાં ચાલ્યું હોય તે બધું જ વાંચી જવાનું, ગણિતમાં ગણવાનું. વારંવાર પુનરાવર્તન થશે એટલે કશું જ અઘરું નહીં લાગે. ધારેલું પરિણામ અચૂક મળશે. માત્ર વાતો કરવાથી નહીં પણ તેની પાછળ મન મૂકી પડી જવાથી કંઈ પણ મેળવી શકાય છે. પુસ્તકોને સાચા દિલથી પ્રેમ કરો, પુસ્તકો પણ તમને અચૂક પ્રેમ કરશે. તમે તમારા પોતાના ધ્યેયને પકડી તેનું પ્રેમથી જતન કરો, અચૂક સફળતા મળશે. "મેં પોતે મારું ધ્યેય નક્કી કરી લીધું છે. સર્વશ્રેષ્ઠ 'કમ્પ્યૂટર એન્જિનિયર'નું મારામાં સર્જન કરી પરદેશમાં આગળ ભણી જીવનને સાર્થક કરવું. હું મારા ધ્યેયને મેળવીને જ જંપીશ."
એટલે હરિતા પણ "ઉચ્ચ ગુણવત્તા સાથે BCA કરી પરદેશમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી જીવન સાર્થક બનાવી મારા પરિવારને સુદ્રઢ બનાવવાની વાત કરે છે." તે આગળ જણાવતાં કહે છ કે, "મારા ભાઈને પણ હું તૈયાર કરી શ્રેષ્ઠ બનાવીશ." આ બધી વાતો સાંભળી પરિતા અવઢવમાં પડી. એટલે હર્ષે તેને કહ્યું, "તું હજી ધોરણ 10માં છે. મેં સમજાવ્યું તે પ્રમાણે તૈયારી કરી બોર્ડની પરીક્ષા માટે ઘણી મહેનત કર અને તેમાં A ગ્રેડ લાવવાનું ધ્યેય નક્કી કરી લે. તારા પડખે હું અને પરતા બન્ને ઊભા છીએ. તું ખાસ યાદ રાખજે નિશ્ચિત ધ્યેયપથના ધ્યાનથી સ્હેજ પણ વિચલિત નથી થવાનું. બીજી બધી જ બાબતો ગૌણ ગણવાની. શરૂઆતમાં થોડા દિવસ તકલીફ આવશે પછી તમારા માનસ કમ્પ્યૂટરમાં આ બાબત સેટ થઈ જશે અને તમે રમતાં રમતાં તમારા ધ્યેયને મેળવી લેશો. જે કોઈ અગવડો આવે તેને હિંમતથી સામનો કરવાનો. ધ્યેયને સતત નજર સામે જ રાખવાનું. એ જ આપણું સ્વપ્ન બની રહેવું જોઈએ."
આ વાતો ચાલતી હતી ત્યાં તો ચેતનાબહેન અને હરેશભાઈ નડીઆદથી આવી ગયા. હરિતાએ જારી ઊઘાડી અને ચા બનાવવા ગઈ તેમજ પરિતાએ બંનેને ફ્રીજમાંથી પાણી આપ્યું. ધરની સરસ સ્વચ્છતા જોઈ ચેતનાબહેન સમજી ગયાં કે આ હરિતાનું જ કામ હશે. હરિતા ચા લઈને આવી. સરસ્વતીબહેન પણ આવ્યાં બધાએ ભેગા મળી ચા પણ પીધી. હરિતા અને પરિતાએ ચાનાં વાસણો પણ સાફ કરી દીધાં. આ પછી હરિતા પરિતાને લઈ પોતાના ફ્લેટમાં ગઈ. પરિતા પોતે આજથી "પાટીદાર રમઝટ" આવશે તેવી વાત હરિતાને કરી. હરિતાએ તેને 09:00 વાગે નીચે આવી જજે અને રાહ જોજે. હું અને હર્ષ તને લેવા આવીશું તેમ જણાવ્યું. આ પછી પરિતા પોતાના ધેર જવા રવાના થઈ.
આજે રાતનું જમવાનું હરિતાના ઘરે જ હતું. હર્ષ અને હરિતાએ આઠ વાગે જમી પણ લીધું. તે બંને ગરબા રમવા જવા તૈયાર થાયા અને નવ વાગ્યાની આસપાસ તે બંને પરિતાને ઘર પાસે પહોંચી પણ ગયા. ત્રણેય સાથે ગરબા મેદાનમાં આવીને ખુરશીમાં બેઠા બેઠા વાતો કરે છે ત્યાંજ ગરબાની રમઝટ ચાલુ થઈ છે. હરિતા અને પરિતા બંને રમે છે. હર્ષને આજે રમવામાં રસ નથી એટલે જતો નથી. એટલામાં હર્ષનો મિત્ર તેની GF સાથે આવે છે. તે તેની GFને હરિતા સાથે પિક્ચરની કોઈ વાત ન કરવની શરતે મોકલે છે. હરિતા પણ તેને બોલાવે છે અને બંને ઈશારા દ્વારા એકબીજાને પિક્ચરની કોઈ વાત ન કરવા જણાવી દે છે. ત્રણેય ભેગા મળી ગરબા રમે છે. એકાદ કલાકની રમત બાદ હરિતા અને પરિતા બહાર આવતાં હર્ષનો મિત્ર તેની સખી સાથે રમવા ચાલ્યો જાય છે.
હર્ષ અને હરિતા પરિતાને તેની સોસાયટીના ઘરે ઉતારીને પોતાની આઈસ્ક્રીમ સેન્ટરની બેઠકે આવે છે. એ જ અંધારી જગ્યા. પણ આજે હરિતા સજાગ હતી. તે માત્ર હર્ષના ખભે હાથ મૂકીને બેઠી હતી. તેને એક ખાત્રી તો થઈ ચૂકી હતી કે હર્ષ હવે તેનો જ છે અને રહેશે. તેણે મનોમન નિર્ણય પણ કરી લીધો હતો કે હર્ષના દરેક આદેશનું દિલથી પાલન કરશે અને પોતે હર્ષની જે ઈચ્છા છે તે સાકાર કરવા પૂરો સાથ પણ આપશે. તે સાચા અર્થમાં હર્ષની જીવનસંગિની બનવા જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર હતી. બંનેએ સાથે આઈસ્ક્રીમ ખાધો અને ખવડાવ્યો પણ ખરો. આ દરમિયાન હર્ષનો એક હાથ હરિતાના હાથમાં જ રમતો રહ્યો અને હર્ષે તેનો કોઈ વિરોધ પણ ન કર્યો. તે ધડીક હરિતાના ગાલ પર પણ હાથ ફેરવી લેતો. બંને ઊભા થયા એકબીજાના આગોશમાં રહી હોઠ પર હોઠ રાખી અધરરસ માણતા રહ્યા. થોડી વારે પછી બહાર નીકળી ઘરે જવા માટે રવાના થયા.
💐💐💐💐💐💐💐💐💐💐

જોયું ને મિત્રો, એક ઉગતો યુવાન શું ન કરી શકે. તે ધારે તો હિમલયને પણ હલાવી શકે. મૂળ વાત એવી છે કે પ્રત્યેક માતા-પિતા પોતાનાં બાળકો પર પોતે જે નથી મેળવી શક્યા તે ઈચ્છા બાળકો પર લાદે છે. મુક્તતાને સ્હેજ પણ મોકો કે અવકાશ મળતો જ નથી. બાળકની ઈચ્છા તેમજ તેની જે મહત્વકાંક્ષા છે "તને સમજ ના પડે" એમ કહી ઉડાવી દેવામાં આવે છે. બાળકને ફૂલની જેમ સ્વતંત્ર રીતે વિકસવા દેવાનું હોય, આપણે તો માત્ર તેને યોગ્ય પ્રોત્સાહકો પૂરા પાડવાના છે. હવે આ ત્રિપુટીએ એક અનુપમ કેડી આલેખી દીધી છે અને તેના વિકાસ માટેના કેવા પ્રયોજનો ગોઠવે છે તે માટે ... આગળના હપ્તે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐