પાવનને આજે ચૌદ વર્ષ પૂરા થઈ પંદરમુ વર્ષ બેઠું હતું. જેમ તે મોટો થતો જતો હતો તેમ તેની જીજ્ઞાસા વૃત્તિમાં પણ વધારો થતો જતો હતો.
તેની ઉંમર કરતાં તેનામાં વધુ જ્ઞાન હતું.અને આ જ્ઞાનને કારણે તે નાની ઉંમરમાં પણ વધારે વિચારતો હતો.
પાવન નાનો હતો ત્યારથી જ તેને ઘણાં બધાં પ્રશ્નો સતાવતા હતા અને આ બધાં જ પ્રશ્નો તે તેની મમ્મીને પૂછ્યા કરતો હતો. પરંતુ અમૂક પ્રશ્ન એવા હતા કે જેનો જવાબ તેની મમ્મી પાસે પણ ન હતો.
પાવન: આપણે કોણ છીએ..?? ક્યાંથી આવ્યા છીએ..?? ક્યાં જવાના છીએ..?? મૃત્યુ પછી આપણે ક્યાં જતા હોઈશું..?? ભગવાન છે..?? ક્યાં છે..?? અને છે તો દેખાતા કેમ નથી..??
આવા અનેક સવાલો તે અવાર-નવાર પોતાની જાતને અને મમ્મીને પૂછ્યા કરતો હતો.
એકવાર તેને સમાચાર મળ્યાં કે, આપણા ગામમાં એક ખૂબજ જાણકાર, બુદ્ધિમાન સંત પધાર્યા છે. તમે કોઈપણ પ્રશ્ન પૂછો તેનો તે તુરંત જ ઉત્તર આપી દે છે.
પાવનને તો આ વાતની જાણ થતાં જ તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે તરત જ જીજ્ઞાશા વશ થઇને પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે પેલા સંતશ્રી પાસે પહોંચી ગયો. સંત શ્રી પાસે જઈને સૌ પ્રથમ તેણે તેમને વંદન કર્યા અને પોતાના પ્રશ્નો પૂછવાની અનુમતિ માંગી. સંતશ્રીએ તેને રજા આપી તેથી પોતાને ઘણાં લાંબા સમયથી મૂંઝવતા તમામ પ્રશ્નો તેણે સંતશ્રી સામે એક પછી એક રજૂ કર્યા.
પાવન: આપણે ક્યાંથી આવ્યા છીએ..??
સંતશ્રી: આપણે પરમધામથી આવ્યાં છીએ.
પાવન: આપણે કોણ છીએ..??
સંતશ્રી: આપણે આત્મા છીએ.
પાવન: મૃત્યુ પછી આપણે ક્યાં જઈએ છીએ..??
સંતશ્રી: મૃત્યુ આ દેહનું થાય છે. આત્માનું નહિ આત્મા અમર છે. મૃત્યુ પછી આપણો આ આત્મા નવો દેહ ધારણ કરે છે એટલે કે બીજી કોઈ જગ્યાએ જન્મ લે છે.
પાવન: સુખ દુઃખ એ બધું શું છે..??
સંતશ્રી: સુખ અને દુઃખ મનનું કારણ છે. આપણને આપણી અનુકૂળતા પ્રમાણે બધું જ મળી રહે તે સુખ છે અને આપણી ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ થાય તે આપણે માટે દુઃખ છે સંતોષમાં જ મોટું સુખ રહેલું છે.
પાવન: આપણે જન્મ જ ન લેવો હોય તો..??
સંતશ્રી: આપણાં સારા અને ખરાબ કર્મોનો ભોગવટો કરવા માટે આપણે જન્મ લેવો ફરજીયાત છે. ભગવાને પણ પોતાનાં કર્મો ભોગવવા માટે માંની કૂખેથી જન્મ લેવો જ પડે છે.
પાવન: ભગવાન કોણ છે..? શક્તિ શું છે..?
સંતશ્રી: આપણે જેની પણ પૂજા કરીએ છીએ તે ભગવાન છે અને એક એવી શક્તિ છે જેને આપણે બધાં જ અનુભવીએ છીએ. શક્તિ એટલે પરમાત્મા જે અજર-અમર છે. મૃત્યુ પામતાં નથી ને જન્મ લેતાં નથી. તેમને રંગ રૂપ આકાર કંઈ જ નથી. તે માત્ર એક બીન્દી સ્વરૂપ છે શક્તિનો સતત વહેતો સ્ત્રોત છે.
પાવન: આપણે તેમને જોઈ શકીએ નહીં..??
સંતશ્રી: ના, આપણે ફક્ત તેમનો અનુભવ કરી શકીએ. જેમ દરિયાની સામે ઊભા રહીએ તો દરિયાની ઠંડકનો આપણને અનુભવ થાય છે તેમ સાચા દિલથી તેમને યાદ કરવાથી તે હંમેશા આપણી મદદે આવે જ છે.આ શક્તિ સ્વરૂપ પરમાત્માને આપણે બધાં જ અલગ અલગ નામથી ઓળખીએ છીએ અને અલગ-અલગ સ્વરૂપમાં તેમની પૂજા કરીએ છીએ.
પાવન: આપણે આ જન્મ અને મરણની સફરને અટકાવી શકીએ
સંતશ્રી: ના, આ એક અંતહિન સફર છે. આપણે તેને અટકાવી શકીએ નહીં. સાયકલનું પરડુ જેમ ઉપરથી નીચે અને નીચેથી ઉપર ગોળ ગોળ ફર્યા કરે છે તેમ આપણે પણ આ જન્મ અને મરણના ચક્કરમાં ગોળ ગોળ ફર્યા કરવાનું છે. સારા કર્મો કરીને સારી જગ્યાએ જન્મ લઈ સુખ અને શાંતિ મેળવવાની છે.
પાવન: ગુરુજી આજે આપે મને સત્યની ખૂબજ સુંદર સફર કરાવી. હવે મારી મૂંઝવણ દૂર થઈ ગઈ હવે હું સારા કર્મ કરીને ખૂબજ સુંદર જીવન જીવી શકીશ અને પાવન ગુરુજીના પગમાં પડી ગયો.
~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ
7/2/2021