VEDH BHARAM - 46 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 46

Featured Books
Categories
Share

વેધ ભરમ - 46

બીચ પરથી જીંજર હોટલમાં પહોંચેલા વ્યક્તિએ રુમમાં જઇ સ્નાન કરવાનુ વિચાર્યુ. આજે તેણે સંપૂર્ણ સભાન અવસ્થામાં સ્નાન કર્યુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી તો તેને જ્યારે બેભાન કરવામાં આવતો ત્યારે જ સ્નાન કરાવવામાં આવતુ. તેણે બાથરુમમાં જઇ સાવર ચાલુ કર્યો અને તેની નીચે ઊભો રહી ગયો. શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ થતા જ મગજમાં ધીમે ધીમે ચેતના પાછી આવવા લાગી. તે લગભગ અડધા કલાક સુધી શરીરને સાફ કરતો રહ્યો. જો કે શરીર તો એટલુ બધુ ખરાબ નહોતુ પણ આ સાથે સાથે મન પર ચડેલા આવરણ પણ સાફ થવા લાગ્યા. ધીમે ધીમે તેની ચેતના અને સંવેદના પાછી આવવા લાગી. તે સાથે જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આ ત્રણ વર્ષ એક જ ઓરડીમાં વિતાવવાથી જે માનસિક ત્રાસ તેના પર વિત્યો હતો તે અસહ્ય હતો. ધીમે ધીમે તેનુ રુદન આક્રંદમાં બદલવા લાગ્યુ. તે ક્યાંય સુધી રડતો રહ્યો. અહી તેને શાંત પાડવા માટે કોઇ નહોતુ. તેના આંસુ સાવરના પાણી સાથે વહી ગયા અને ધીમે ધીમે તે શાંત થયો. ત્યારબાદ તે બાથરુમમાંથી બહાર નીકળ્યો. અત્યારે તેની પાસે પહેરવા માટે કોઇ સારા કપડા નહોતા એટલે તેણે પોતાના કપડા વોસ કરવા આપી દીધા અને પોતે ટોવેલ વિંટી બેડ પર બેઠો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તેણે નાસ્તાનો ઓર્ડર આપ્યો. નાસ્તો કરી તે બેડ પર સૂતા સૂતા વિચારવા લાગ્યો કે આ બધુ તેની સાથે શું થઇ ગયુ. તેને અત્યારે એવુ લાગતુ હતુ કે તે એક દુઃસ્વપ્નમાંથી પાછો ફર્યો હતો. પોતે કેટલો સુખી હતો તેની પાસે શું નહોતુ. આ વિચાર કરતો વ્યક્તિ હતો અનેરીનો પતિ વિકાસ દેસાઇ. જે ત્રણ વર્ષ પહેલા દર્શનના ફાર્મ હાઉસ પરથી ગાયબ થઇ ગયો હતો

વિકાસને અત્યારે પણ નહોતુ સમજાઇ રહ્યુ કે તેની સાથે શું થયું હતું. આ ઘટના પાછળ કોણ હોઇ શકે? . આ જાણવુ હશે તો મારે ઘટનાને શરુઆતથી જોવી પડશે. તે દિવસે હું અને અનેરી ફાર્મહાઉસ પર ગયા ત્યારે કેટલા ખુશ હતા. રાત્રે અમે કેટલી બધી વાતો કરી અને સાથે જ ડ્રીંક પણ લીધુ. આમ તો અનેરીને હું ડ્રીંક કરુ તે ગમતુ નહી પણ તે પ્રસંગોપાત મને ના નહોતી પાડતી. તે દિવસે મે કંપની આપવા માટે આગ્રહ કર્યો હતો. અનેરીએ થોડીવાર તો ના પાડેલી પણ પછી તેણે મને કંપની આપવા માટે બીયર પીધેલો. તે દિવસે છેલ્લે અમે શું કરેલુ? વિકાસે ઘણુ યાદ કરવાની કોશિસ કરી. છેલ્લે તેને એટલુ જ યાદ આવ્યુ કે તે બંને વાતો કરતા કરતા ડ્રીંક્સ લીધેલુ અને પછી ફાર્મહાઉસના બેડરુમમાં જઇને ઊંઘી ગયેલા. એ સાથે જ તેને યાદ આવ્યુ હતુ કે અનેરીને તો બીયરનો પણ નસો ચડી ગયો હતો એટલે મારે તેને ઉંચકીને બેડરુમમાં લઇ જવી પડી હતી. અને ત્યારબાદ બંને બંને સુઇ ગયા હતા. તેની આગળ વિકાસને કાઇ યાદ નહોતુ. બીજા દિવસે જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે તે એક ઓરડીમાં હતો. આ ઓરડી ચારે બાજુથી બંધ હતી. માત્ર તેના દરવાજામા નીચે એક નાનુ ખાનુ હતુ જે બહારની બાજુથી ખુલતુ. શરુઆતમાં તો વિકાસને લાગ્યુ કે આ તો કોઇએ મજાક કરી છે. તેણે દરવાજો ખૂબ જ જોરથી ખખડાવ્યો અને લાતો મારી તો પણ કોઇ આવ્યુ નહીં. બપોર સુધીમાં તેને સમજાઇ ગયુ હતુ કે આ મજાક નથી પણ કોઇએ તેને અહી પૂરી દીધો છે. તે દિવસે તે એમજ બેઠો રહ્યો તેને એમ હતુ કે કોઇ તેની સાથે વાત કરવા આવશે અને તેને છોડવાના બદલામાં પૈસા માંગશે. પણ સાંજ સુધી કોઇ આવ્યુ નહી. રાત્રે અચાનક તેને કોઇના પગલાનો અવાજ સંભળાયો. તે સાવચેત થઇ ગયો અને ઊભો થઇને દરવાજા પાસે ગયો. પેલા પગલા નજીક આવતા જતા હતા. ધીમે ધીમે પગલા તેના દરવાજા પાસે આવીને રોકાઇ ગયા. રિષભ એકદમ શ્વાસ રોકીને દરવાજાની પાસે ઊભો રહી દરવાજો ખુલવાની રાહ જોવા લાગ્યો. પણ ત્યાતો દરવાજાની નીચે રહેલ ખાનુ ખુલ્યુ અને તેમાથી એક થાળી અંદર આવી અને ખાનુ ફરીથી બંધ થઇ ગયુ. પેલા પગલા ફરીથી દૂર જવા લાગ્યા આ ખબર પડતા જ વિકાસ જોરથી બુમ પાડી બોલ્યો “કોણ છો તમે? શું કામ મને અહીં બંદી બનાવ્યો છે? શું જોઇએ છે તમારે?” પણ વિકાસની બૂમ સાંભળવાવાળુ ત્યાં કોઇ નહોતું. પછી તો આ રોજનો ક્રમ થઇ ગયો હતો. માત્ર દિવસમાં બે વાર દરવાજામાં રહેલ બારી જેવુ નાનુ કાણુ ખુલતુ અને તેમાંથી જમવાની ડીસ અંદર આવતી. વિકાસ કેટલો કરગરતો ગુસ્સે થતો પણ પેલા માણસને તો કોઇ ફરક જ નહોતો પડતો. તે માણસના બુટ જ માત્ર તેને દેખાતા. આ બુટ વિચિત્ર પકારના હતા. એકદમ અણીવાળા બુટ હતા અને તેના પર એક સાપ જેવુ ચિત્ર દોરેલુ હતુ. તેને હજુ સુધી એ પણ નહોતી ખબર પડી કે તેને ક્યા શહેરમાં રાખવામાં આવ્યો છે. પછી તો આજ પ્રક્રિયા રોજ થતી. ધીમે ધીમે અવલોકન કરતા વિકાસને ખબર પડી ગઇ હતી કે અહી રુમમાં સ્પાઇ કેમેરા લગાવેલા છે. તે લોકો આ કેમેરા વડે તેના પર નજર રાખે છે. આમને આમ તેના દિવસો વિતવા લાગ્યા. ધીમે ધીમે તેની ડાઢી અને વાળ વધવા લાગ્યા હતા અને રુમ પણ ગંદો થઇ ગયો હતો. રુમ સાથે એક સંડાસ જોડાયેલુ હતુ તેની વાસ પણ રુમમાં આવવા લાગી હતી. ત્યાં એક દિવસ રુમની છ્તમાંથી ગેસ લીક થવા લાગ્યો. આ જોઇ વિકાસ ગભરાઇ ગયો અને બુમ પાડવા લાગ્યો. ઘીમે ધીમે ગેસને લીધે વિકાસને આંખો બળવા લાગી અને ગુંગળામણ થવા લાગી. થોડીવાર બાદ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી અને તે બેભાન થઇ ગયો. બીજા દિવસે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેના વાળ કપાયેલા અને સેવીંગ પણ કોઇકે કરી દીધુ હતુ. આખા રુમ અને સંડાસની સફાઇ થઇ ગઇ હતી. પછી તો આજ તેનો ક્રમ થઇ ગયો. પણ એકજ રુમમાં રહેવાથી વિકાસની માનસિક હાલત ખરાબ થઇ ગઇ હતી. થોડા સમય માટે તેને આશા હતી કે કોઇક તેને છોડાવશે પણ પછી તો તે આશા પણ તેણે છોડી દીધી હતી. એક સમય એવો આવ્યો કે તે માનસિક રીતે ખલાસ થઇ જવાની તૈયારીમા હતો ત્યાજ એક દિવસ તેના રુમમાં એક મ્યુઝિક પ્લેયર મૂકી દેવામાં આવ્યુ. તેને લીધે તો વિકાસ ફરીથી ટકી ગયો આમને આમ તે લોકોએ તેને કેટલો સમય બંદી બનાવી રાખ્યો. આ યાદ આવતા જ તે ઊભો થયો અને કેલેન્ડરમાં તારીખ જોઇ એ સાથે જ તેના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યો “ઓહ માય ગોડ તે લોકોએ મને ત્રણ વર્ષ બંદી બનાવ્યો.” જો કે આ ત્રણ વર્ષ તેના માટે ત્રણસો વર્ષ સમાન હતા. “પણ હવે શું કરવુ?” આ પ્રશ્ન વિકાસના મનમા થયો એ સાથે જ તેણે વિચાર્યુ કે “શું અનેરીએ મને શોધવા પ્રયત્ન નહીં કર્યો હોય?” આ વિચાર આવતા જ તેની સામે અનેરીનો ચહેરો આવી ગયો અને મનોમન બોલ્યો “તે બિચારીએ તો પ્રયત્ન કર્યો હશે પણ હું કોઇ રીતે તેને મળુ?” આમ છતા તેણે વિચાર્યુ કે મારે તપાસ તો કરવી જ પડશે કે મારી તપાસમાં કોણે કોણે શું શું કર્યુ છે?” આ વિચાર આવતા જ તેને હવે શું કરવુ તે પ્રશ્નનો જવાબ મળી ગયો હતો. એક રસ્તો ખુલતા જ તેના મગજે દોડવાનુ ચાલુ કરી દીધુ. થોડા જ સમયમાં તેણે આખી યોજના વિચારી લીધી.

વિકાસ જયારે આ યોજના તૈયાર કરી રહ્યો હતો ત્યારે સુરતના બીજા છેડે એક હોટલના રૂમમાં કબીર અને શિવાની હવે શું કરવુ તે વિચારી રહ્યા હતા. હકીકતે તો તે તેના વકીલની રાહ જોઇ રહ્યા. થોડીવારમાં તેનો વકીલ આવ્યો એટલે કોફી મંગાવી અને પીધી. ત્યારબાદ શિવાની અને કબીરે વકીલ સાથે ચર્ચા કરતા પૂછ્યું “હવે શું થશે?”

હવે તે લોકો તમારા વિરુધ્ધ સબૂત એકઠા કરશે અને ચાર્જસીટ તૈયાર કરી જમા કરાવશે અને પછી કેસ ચાલશે. તમે ચિંતા નહી કરો હું છું ને તમને બચાવવા માટે પણ આ માટે તમારે મને બધુ સાચુ કહેવુ પડશે. તમે ખૂન કરેલુ હોય કે નહી તેની સાથે મારે મતલબ નથી. પણ તમે જે પણ કર્યુ છે તે મને ખબર હોવી જોઇએ તો હું તમને બચાવી લઇશ. ત્યારબાદ શિવાની અને કબીરે વકીલને બધી જ વાત કરી. અને છેલ્લે કહ્યું “વકીલ સાહેબ અમારે બંનેએ લગ્ન કરવા છે. તો તે ક્યારે ગોઠવીએ?”

આ સાંભળી વકીલ થોડો વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “જો મારી તમને બંનેને સલાહ છે કે આ કેસ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તમે રોકાઇ જાવ. કેમકે જો તમે લગ્ન કરી લેશો તો આ કેસમાં તે મુદ્દો તમારી વિરુધ્ધ જઇ શકે છે.”

“પણ સાહેબ આપણા દેશમાં તો કેસ પૂરો થતા વર્ષો લાગી જાય છે. અમે ક્યાં સુધી રાહ જોઇએ.”કબીરે કહ્યું.

“હા પણ અત્યારે આ કેસ લાઇમ લાઇટમા છે એટલે થોડો સમય થોભી જાવ. લોકોની યાદદાસ્ત બહું ટૂંકી હોય છે. થોડા સમયમાં બધુ ભુલી જશે પછી તમે મેરેજ કરી લેજો.” વકીલે સલાહ આપતા કહ્યું. ત્યારબાદ વકીલ ત્યાંથી જતો રહ્યો. વકીલના ગયાં પછી કબીર અને શિવાનીએ ઘણી વાતો કરી. આ બધી જ વાતો એક સ્પાઇ કેમેરા દ્વારા કોઇ ત્રીજી વ્યક્તિ જોઇ રહી હતી. આ વ્યક્તિ મનમાં ખુશ થતી હતી.

જીંજર હોટલમાં વિકાસના કપડા લોંડ્રીમાંથી આવી ગયા હતા તે તૈયાર થઇને બહાર નીકળતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી સામે છેડે પેલો જ વ્યક્તિ હતો જેણે તેને ત્રણ વર્ષ સુધી એક ઓરડામાં પૂરી રાખ્યો હતો. આ ત્રણ વર્ષ દરમિયાન બે ત્રણ વાર ઓરડામાં રહેલા સ્પીકરમાંથી વિકાસે તેનો અવાજ સાંભળેલો. વિકાસ એકદમ હતાશ થઇ ગયો હતો અને પાગલની જેમ ચીસો પાડવા લાગ્યો હતો ત્યારે અચાનક તેના ઓરડામા અવાજ આવ્યો “મિ. વિકાસ તમે ખોટા પેનીક થઇ રહ્યા છો.” આ સાંભળી વિકાસ ચોંકી ગયો હતો અને આજુબાજુ જોવા લાગ્યો હતો પણ તેને રુમમાં કોઇ દેખાયુ નહીં. ત્યા ફરી પાછો અવાજ આવ્યો “મિ.વિકાસ અમારી તમારી સાથે કોઇ દુશ્મની નથી. અમે તમને કોઇ જાતની હાની પહોંચાડવા નથી માંગતા.” આ અવાજ ક્યાંથી આવે છે તે થોડીવાર બાદ વિકાસને સમજાયુ હતુ. રુમમાં વિકાસના બેડની નીચે એક સ્પીકર હતુ તેમાંથી અવાજ આવતો હતો.

“તમારે શું જોઇએ છે? હું તમે કહેશો એટલા પૈસા આપવા તૈયાર છું. પ્લીઝ મને છોડી દો.” વિકાસે એકદમ કરગરતા કહ્યું.

“મિ. વિકાસ તમારે જે જોઇએ તે તમને અહીં મળશે પણ તમે અહીંથી જઇ શકશો નહીં.” આટલુ બોલી સ્પીકર ચૂપ થઇ ગયુ હતુ. ત્યારબાદ વિકાસે ઘણા પ્રશ્નો પૂછ્યા પણ સ્પીકર મુંગુ જ રહ્યુ. અત્યારે આ ફોનમાંથી આવતો અવાજ તે વ્યક્તિનો જ હતો તેમા વિકાસને કોઇ શક નહોતો. “હાલો, હાલો વિકાસ.” ફોનમાંથી આવતા અવાજે વિકાસને વર્તમાનમાં લાવી દીધો.

“હા, બોલ હું તને છોડીશ નહીં. તુ જ્યાં છો ત્યાં આવીને તને મારી નાખીશ.”વિકાસ આક્રોશમાં બોલતો હતો.

“અત્યારે તમારે મારી નહીં પણ તમારી ચિંતા કરવાની જરુર છે. મે તમારુ અપહરણ કોના કહેવાથી કર્યુ હતુ? તે વ્યક્તિએ તમારુ અપહરણ શુ કામ કરાવેલુ? તે વ્યક્તિ અને તમારી વચ્ચે શું સંબંધ છે? હવે તમે શું કરશો?” આટલા બધા પશ્નો તમારી સામે છે અને તમે મારા વિશે વિચારો છો. અને કદાચ અત્યારે હું તમારી જ હોટલમાં હોવ તો પણ તમે મને ઓળખી શકવાના નથી. તમે તો માત્ર મારો અવાજ ઓળખો છો. મારા જેવા અવાજવાળા તો આ દેશમાં લાખો કરોડો લોકો છે એમા તમે મને ક્યાં શોધશો ?” આટલુ બોલી સામેનો વ્યક્તિ ચૂપ થઇ ગયો. વિકાસને પણ હવે સમજાયુ કે પોતે આવેશમાં ખોટી શરુઆત કરી હતી. તેણે જો આગળ વધવુ હશે તો હવે આ જ વ્યક્તિ તેને મદદ કરી શકશે. તેણે થોડુ વિચારીને કહ્યું “સોરી, તમારી વાત સાચી છે. હું તો તમને ઓળખી શકીશ જ નહી. પણ તમે મને અચાનક છોડી કેમ મૂક્યો?”

“તે પણ તમને જાણવા મળશે પણ દરેક જવાબની કિંમત હોય છે. હું તો કોઇ પણ કામ માત્ર પૈસા માટે જ કરુ છું.” સામેથી જવાબ આપ્યો.

“તમે જેટલા કહેશો તેટલા પૈસા મળી જશે. મારે એ જાણવુ છે કે મારુ અપહરણ કોણે કરાવ્યુ હતુ? અને તેના પ્રૂફ પણ હોવા જોઇએ.” વિકાસને હજુ આ માણસ પર વિશ્વાસ નહોતો. હજુ તેને એમ જ હજુ કે આ તેને ફસાવવાની એક ચાલ છે.

પણ પછી સામેથી જે કહેવાયુ તે સાંભળી વિકાસને વિશ્વાસ થઇ ગયો કે તે માણસ તેને ચોક્કસ સાચી માહિતી આપશે.

----------*************------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM